સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/વક્રોક્તિ રસના સિદ્ધાંત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

વક્રોક્તિસિદ્ધાંત ધ્વનિ અને રસના સિદ્ધાંતથી આગળ જાય છે?

કુંતકે કાવ્યવિશ્લેષણની બાબતમાં જે કામ કર્યું છે એ આપણું ધ્યાન આકર્ષ્યા વિના રહે તેવું નથી. એમાં તાજગી અને નૂતનતા પણ આપણને ભાસે છે. પરંતુ મહત્ત્વનો અને મૂળભૂત પ્રશ્ન એ છે કે વક્રોક્તિસિદ્ધાંતનું એક સિદ્ધાંત તરીકે શું મૂલ્ય છે? કુંતકના વક્રોક્તિસિદ્ધાંતે પ્રાચીન સંસ્કૃત કાવ્યશાસ્ત્રીય પરંપરામાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનું કહેવાય એવું નથી. એને કોઈ અનુયાયી તો પ્રાપ્ત થયા જ નથી. વક્રોક્તિસિદ્ધાંતની સ્થાપના પછીયે રસધ્વનિવાદ જ પ્રભાવક બનીને રહ્યો છે. પરંતુ આધુનિક સમયના ઘણા વિદ્વાનો કુંતકના વક્રોક્તિસિદ્ધાંતનું સવિશેષ ગૌરવ કરે છે અને દર્શાવે છે કે વક્રોક્તિસિદ્ધાંત ધ્વનિ અને રસના સિદ્ધાંતને સમાવી લઈને એનાથી આગળ જાય છે. એવી કાવ્યરચનાઓ અને એવાં કાવ્યસૌંદર્યો આપણને મળે છે કે જેને રસ અને ધ્વનિના સિદ્ધાંતમાં સમાવી શકાતાં નથી, અને વક્રોક્તિસિદ્ધાંતમાં એ સમાય છે. વક્રોક્તિસિદ્ધાંત વક્રોક્તિને કાવ્યની કસોટી માને છે ને એમાં એવું ગૃહીત રહેલું છે કે ઉક્તિભંગિનું સૌંદર્ય એના પોતાના પર જ નિર્ભર હોઈ શકે છે, કશા વિશેષ અર્થ કે ભાવનું એ સૂચન કરે છે કે નહીં એના પર એ નિર્ભર નથી હોતું. એટલે કે એને રસરૂપ કે બીજા વ્યંગ્યાર્થની અનિવાર્યતા નથી. એ હોય તોયે ભલે, ન હોય તોયે વાંધો નહીં વક્રોક્તિસિદ્ધાંત આ કારણે, એક સર્વગ્રાહી કાવ્યસિદ્ધાંત હોવાનું પ્રતીત થાય છે. [1] એ સાચી વાત છે કે કાવ્યમાં કેટલુંક ઉક્તિવૈશિષ્ટ્ય એવું હોય છે કે જે કોઈ અન્યાર્થ કે વ્યંગ્યાર્થપરક હોવાનું બતાવવું મુશ્કેલ હોય છે, છતાં એમાં કવિશક્તિનું પ્રવર્તન હોય છે તેમજ એ કાવ્યસૌંદર્યસાધક ને, કુંતકનો શબ્દ વાપરીએ તો, આહ્‌લાદકારી હોય છે. દાખલા તરીકે પ્રાસ – અનુપ્રાસ લો. મધ્યકાળની ઘણી કવિતાની પદરચનામાં આપણને વર્ણાનુપ્રાસની શોભા જોવા મળે છે. દુહા-સોરઠા જેવા કાવ્યપ્રકારોમાં તો એ અનિવાર્ય લક્ષણ સમાન છે. પ્રીતમનું ‘હરિનો મારગ છે શૂરાનો’ જેવું પદ જુઓ. એની ઘણીબધી પંક્તિઓ સહજ ને આછા વર્ણાનુપ્રાસનો આશ્રય લઈને ચાલતી દેખાય છે : ‘નહિ કાયરનું કામ જોને’ પરથમ પહેલાં મસ્તક મૂકી’ ‘મરણ આગમે જે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને’ ‘માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને’ વગેરે. આ વર્ણાનુપ્રાસથી પદરચનાનું સૌકુમાર્ય સિદ્ધ થાય છે, એક પ્રકારનું નાદસૌંદર્ય નીપજે છે પણ કાવ્યાર્થમાં એની ઉપકારકતા ભાગ્યે જ બતાવી શકાય. પ્રાસ પદ્યલયને એક દૃઢ આકાર આપે છે, પણ મધ્યકાળની ગુજરાતી કવિતામાં એવાં પ્રાસવૈચિત્ર્યો જોવાં મળે છે, જેને એના પોતાને ખાતર ના જ માણવાનાં હોય છે. મધ્યકાળનું એ એક માન્ય કવિકૌશલ હતું. અંગ્રેજી સૉનેટ વિશિષ્ટ સંકુલ પ્રાસબંધોમાં રચાય છે ને ગઝલનો રદીફ-કાફિયાનો પ્રાસબંધ પણ સભાન કવિકૌશલ માગનારો છે. આ બધી પ્રાસરચનાઓ પોતાનું એક સૌંદર્ય લઈને આવે છે ને ચમત્કારક બને છે પરંતુ એ કશો કાવ્યાર્થ સૂચવે છે કે કાવ્યાર્થપોષક બને છે એવું ઓછે ઠેકાણે બતાવી શકાય. અહીં એક સવાલ ઊભો થયા વિના ન રહે કે પ્રાસ – અનુપ્રાસના સૌંદર્યમાં આપણે કાવ્યની ચરિતાર્થતા માનીશું ખરા? એનાથી કાવ્ય સિદ્ધ થાય છે એમ મનીશું કે સિદ્ધ થયેલા કાવ્યને એનાથી એક સવિશેષ શોભા સાંપડે છે એમ માનીશું? પ્રાસ-અનુપ્રાસ આદિ અનેક કાવ્યસૌંદર્યસાધક ઉક્તિભંગિઓ કે પ્રયુક્તિઓને સમાસ આપવાને કારણે કુંતકનો વક્રોક્તિસિદ્ધાંત અવશ્ય મહત્ત્વ ધરાવે છે પણ એ પાયાનો પ્રશ્ન ટાળી ન શકાય કે શું ઉક્તિભંગિનું ઉક્તિભંગિ ખાતર મૂલ્ય હોઈ શકે ખરું? કે ઉક્તિભંગિએ કોઈ કાવ્યપ્રયોજન સિદ્ધ કરવાનું હોય છે? આ પ્રયોજન તે જ ધ્વનિવાદીઓનો વ્યંગ્યાર્થ નહીં? ‘તટ’ને સ્થાને ‘તટી’ વાપરવામાં આવે ને એથી નાયિકાવ્યવહારનું સૂચન થાય તો એ લિંગવક્રતાને આપણે જરૂર કાવ્યમય માનીશું. એ જ રીતે, ‘હું’ને સ્થાને ‘અમે’ વપરાય અને એથી અંતરંગતાનો અભાવ તથા તાટસ્થ્ય સૂચવાય તો એ વચનવક્રતાને પણ આપણે જરૂર કાવ્યમય માનીશું પરંતુ ‘મૈથિલી તસ્ય દારાઃ’માં ‘મૈથિલી’ સ્ત્રીલિંગ એકવચન અને ‘દારા’ એ પુલ્લિંગ બહુવચન સમાનાધિકરણમાં આવે છે. તેમાં કુંતક લિંગવક્રતા અને વચનવક્રતા બતાવે છે પણ આ લિંગવક્રતા ને વચનવકતાથી શું સિદ્ધ થાય છે એ વિશે એ કશું કહેતા નથી અને આપણે પણ સમજી શકતા નથી. ઉક્તિની કાવ્યમયતા આપણે પ્રમાણી શકતા નથી. કુંતક ઘણી વાર ‘અપૂર્વ વક્રતા સિદ્ધ થાય છે.’ ‘સહૃદયને આહ્લાદકારી બને છે’ ‘અપૂર્વ સૌંદર્ય પ્રગટ થાય છે’ એમ કહીને વાક્‌ભંગિનો મહિમા કરે છે, પણ આમ કહેવામાં ખરેખર કશું કહેવાતું નથી કેમ કે એને સમર્થિત કરતું કાવ્યવિશ્લેષણ રજૂ થતું નથી હોતું અને એથી વાક્‌ભંગિનો જે મહિમા કરવામાં આવ્યો હોય છે એની કોઈ પ્રતીતિ જન્મતી નથી. એમ લાગે છે કે વક્રોક્તિસિદ્ધાંત કાવ્યના પહેલા સ્તર પાસે અટકે છે. એ કાવ્યના લક્ષણનો વિચાર કરે છે – કાવ્યમાં પ્રવર્તતાં વક્ર વાણીરૂપોનું બારીક વિશ્લેષણ કરે છે, પણ આ વાણીરૂપોના કાર્યના વિચારને એ પોતાના ઊંડળમાં લેતો નથી. કાવ્યનો આ બીજો સ્તર છે. કુંતકના વક્રોક્તિવિચારને કેટલીક વાર સુધારેલા અલંકારવાદ તરીકે ઓળખવામાં આવે છે. [2] અલંકારવાદ પણ કાવ્યના બાહ્ય રૂપના વિચાર આગળ અટકી જતો હતો. એની અપર્યાપ્તતાની પ્રતીતિમાંથી જ ધ્વનિવાદ વિકસ્યો. ધ્વનિવાદ કાવ્યના આંતરિક તત્ત્વનો વિચાર કરે છે – કાવ્યના આલંકારિક રૂપના કાર્યનો, એની સાર્થકતાનો વિચાર કરે છે. ધ્વનિવિચારમાં ઉક્તિ-વૈશિષ્ટ્યની બિલકુલ અવગણના નથી, બલ્કે એ ઉક્તિવૈશિષ્ટ્યનું જ વિશ્લેષણ છે પણ ઉક્તિવૈશિષ્ટ્યને એ એના કાર્ય એટલે કે વ્યંગ્યાર્થની પ્રતીતિની દૃષ્ટિએ વિચારે છે અને ઉક્તિવૈશિષ્ટ્યોને વ્યંગ્યાર્થની વ્યવસ્થામાં નાખે છે. આ દૃષ્ટિએ ધ્વનિસિદ્ધાંત વક્રોક્તિસિદ્ધાંતથી આગળ જાય છે એમ કહેવાય. કાવ્યમાં આનુષંગિક રીતે આવતા કોઈ ઉક્તિવૈશિષ્ટ્યને વ્યંગ્યાર્થની વ્યવસ્થામાં ગોઠવી ન શકાય કે વિચારાત્મક કે બોધાત્મક કે એવાં કોઈ કાવ્યરૂપો – જેમાં કાવ્યત્વ આનુષંગિક જેવું હોય – તેમનો ધ્વનિવ્યવસ્થામાં સમાસ કરવો મુશ્કેલ લાગે તો તેથી ધ્વનિસિદ્ધાંતને બાજુ પર મૂકવાનું યોગ્ય લાગતું નથી. કાવ્ય પોતે એવી સંકુલ ઘટના છે – એમાં દેશ, કાળ ને એની રૂઢિઓ પણ ભાગ ભજવતી હોય છે – તેમજ કાવ્ય નામે થતી પ્રવૃત્તિમાં એવું વૈવિધ્ય સંભવે છે કે કોઈ પણ કાવ્યસિદ્ધાંત કાવ્યાવિષ્કારોના વિશાળ જગતને માપવામાં ક્યાંક ને ક્યાંક ટૂંકો પડતો હોય છે. જોવાનું એ છે કે કયો કાવ્યવિચાર કાવ્યઘટનાનો વધારે તર્કપૂર્ણ ખુલાસો આપે છે અને કાવ્યને જાણવા – માણવા – નાણવાનાં નક્કર વ્યવહારક્ષમ ધોરણો પૂરાં પાડે છે. આ દૃષ્ટિએ ધ્વનિવિચાર વક્રોક્તિવિચાર કરતાં વધારે મજબૂત ભૂમિકા પર ઊભેલો દેખાય છે. એમ કહેવાય કે વક્રોક્તિસિદ્ધાંત સમતલ ભૂમિ પર ધ્વનિસિદ્ધાંત કરતાં થોડો વધુ વિસ્તરે છે, પણ ધ્વનિસિદ્ધાંત વક્રોક્તિસિદ્ધાંત કરતાં વધારે ઊંડે ઊતરે છે. એ યાદ રાખવું ઘટે કે ધ્વનિવાદ વર્ણોનીયે વ્યંજકતા સ્વીકારે છે – વર્ણો રસને અભિવ્યક્ત નથી કરતા, માત્ર પોષક બને છે તે છતાં. આ બતાવે છે કે ધ્વનિ કે વ્યંગ્યાર્થની વ્યાખ્યા સંકીર્ણ નથી. એમાં કાવ્યના સૌંદર્યાનુભવનો પણ સમાવેશ થઈ શકે ને એ રીતે ઘણી વાક્‌ભંગિઓનું વ્યંજકત્વ સિદ્ધ કરી શકાય. ધ્વનિવિચાર રસ કે ભાવરૂપ અર્થ સુધી પહોંચે છે અને એ રીતે રસવિચારમાં પરિણત થાય છે. કાવ્યનો જન્મ કવિસંવેદનમાં છે અને એ આપણા ચિત્તમાં સંવેદન જગાડે છે એ હકીકતનું એમાં પ્રસ્થાપન છે. સંવેદનાત્મકતા – ભાવાત્મકતાને કાવ્યની ચરમ કસોટી લેખવામાં કશી ભૂલ થતી હોય એમ લાગતું નથી. કાવ્યમાં સ્ફુરતા ભાવસંવેદનને પરંપરાગત રસવિચારની પરિભાષામાં ઓળખાવી ન શકાય તેથી કંઈ રસવિચારને એને સ્થાનેથી ખસેડવાનું યોગ્ય નથી. રસવિચારમાં એનો સમાસ થઈ શકે એ રીતે એનો વિકાસ કરવો એ વધારે સાચો માર્ગ છે. ધ્વનિ અને રસના સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓનું અને એની વિકાસક્ષમતાનું દિગ્દર્શન આ પૂર્વે કરવામાં આવ્યું જ છે. એકંદરે રસધ્વનિસિદ્ધાંતમાં વાચ્યાર્થ, લક્ષ્યાર્થ – વ્યંગ્યાર્થ રસ કે ભાવ એવી એક સુસંકલિત વ્યવસ્થામાં કાવ્યના વિભિન્ન સ્તરોને વિશ્લેષણપૂર્વક આવરી લેવાયા છે. અને એ રીતે કાવ્યવિચારને સંપૂર્ણતા આપવામાં આવી છે એમ ભાસે છે. ફરીને કહું કે કાવ્ય એક સંકુલ ઘટના છે અને કાવ્યજગત અતિવિશાળ છે. એથી એની કોઈ ચુસ્ત વ્યાખ્યામાં એને બાંધવાનું શક્ય નથી. રસધ્વનિવાદીઓ આ સમજે છે ને તેથી એમણે પોતાની વ્યવસ્થામાં છીંડાં પડવા દીધાં છે. ગુણીભૂતવ્યંગ્ય જેવી કાવ્યકોટિનો તેઓ સ્વીકાર કરે છે અને રસધ્વનિ ઉપરાંત ભાવધ્વનિનેયે કાવ્યના પ્રશસ્ત લક્ષ્ય તરીકે સ્થાપે છે.


  1. ૩૦. જુઓ : “since the Vakrokti model subsumes the Raradhvani, Guna and Auchitya concepts, it is a more inclusive model than many others.” સી. એન. રામચન્દ્રન, ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ.૯૪)
    “કુંતકે વક્રોક્તિની જે સમજૂતી આપી છે તેને લીધે ધ્વનિવાદ અને રસવાદ બધું જ તેમાં આવી જાય છે. આમ છતાં ધ્વનિવાદમાં જે એક ચોક્કસ સીમાની રેખા દોરેલી છે તેની એને કશી જ જરૂર પડતી નથી વસ્તુતઃ કાવ્યમાં વાક્યભંગિની જે અનેકાનેક વિચિત્રતા હોય છે તે બધીને એકમાત્ર ધ્વનિમાં સમાવી શકાય કે કેમ એ વિશે ભારે સંદેહ રહે છે... કુંતકે સૌંદર્ય નામના એક બીજા ચિત્તભાવનો સ્વીકાર કરવાથી બધી જાતનાં કાવ્યોનો વિચાર કરવો સંભવિત બને છે.” (સુરેન્દ્રનાથ દાસગુપ્ત, કાવ્યવિચાર, અનુ. નગીનદાસ પારેખ, પૃ.૨૭૮-૭૯)
    “his theory is an improvement on that of Anandavardhana...
    Kuntaka’s Vakrokti is an Indian counterpart of the Longinian Sublime which connotes... ‘all that quality or combination of qualities which creates enthusiam in literature...” કે. કૃષ્ણમૂર્તિ, વક્રોક્તિજીવિત ઑફ કુંતક, પ્રવેશક, ૪.XXXVII)
  2. ૩૧. “Kuntaka as a follower of Bhamaha, Udbhata and the Alamkara school, started a vigorous but shortlived reactionary movement which wanted to go back to the old position in a somewhat original way by an attempt to reconcile new ideas with the old... in attempting to revive and extend Bhamaha’s old theory in the face of the more widely received theory of Dhvanikara and Anandavardhan, Kuntaka was apparently fighing on behalf of a cause already doomed.” (એસ. કે. ડે, વક્રોક્તિજીવિત, પ્રવેશક, પૃ.xlvi)