સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/વક્રોક્તિમાં ધ્વનિ અને રસનું સ્થાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વક્રોક્તિસિદ્ધાંતમાં ધ્વનિ અને રસને મળેલું સ્થાન

કુંતકે કાવ્યની વ્યાખ્યામાં ભલે ધ્વનિ કે રસને સ્થાન ન આપ્યું પણ એનો સ્વીકાર કર્યા વિના એમને ચાલ્યું નથી, એટલું જ નહીં, અલંકારવાદની પૂર્વપરંપરામાં ધ્વનિ ને રસનો પ્રસંગોપાત્ત ને ગૌણ ભાવે સમાસ થયેલો હતો તેના કરતાં કુંતક એને ઘણું વધારે મહત્ત્વ આપતા જણાય છે. એમના કેટલાક વક્રતાપ્રકારો સ્પષ્ટ રીતે એક યા બીજા ધ્વનિપ્રકારમાં ગોઠવાઈ જાય છે, જેમ કે, રૂઢિવૈચિત્ર્યવક્રતા એ અર્થાન્તરસંક્રમતિવાચ્ય જ છે, પર્યાયવકતામાં શબ્દશક્તિમૂલ ધ્વનિ સમાય છે, અને ઉપચારવક્રતા તો લક્ષણામૂલ ધ્વનિ સિવાય બીજું કંઈ નથી. પર્યાયવક્રતા પરત્વે કુંતકે પોતે જ આ જાતની ઓળખ આપી છે. ઉપરાંત કુંતક પ્રસંગોપાત્ત ધ્વનિકાર આનંદવર્ધનના હવાલા આપે છે ને એમનાં દૃષ્ટાંતો પણ લે છે. કુંતકે અનેક સ્થાને વ્યંગ્ય રૂપે પ્રતીત થતા અલંકારો બતાવ્યા છે તે આનંદવર્ધનના અલંકારધ્વનિમાં આવે છે ને આ સિવાય પણ ઘણે સ્થાને એમણે વક્ર વાક્‌ભંગિનો હેતુ કે એ દ્વારા સૂચવાતો વિશેષ અર્થ સ્ફુટ કરી બતાવ્યો છે. ઘણી વક્રતાઓના સ્વરૂપવર્ણનમાં જ એમનાં કાર્યોની વાત જોડવામાં આવી છે, જેમ કે, ધર્માંતરગર્ભત્વ, કોઈ ધર્મના અતિશયનું પ્રતિપાદન, અવર્ણનીય ઉત્કર્ષ કે અપકર્ષનું સૂચન, અનુભવગમ્યતાનું પ્રતિપાદન, કવિના અભિપ્રાયવિશેષનું સૂચન વગેરે. ત્યાં તો આપણે જાણે ધ્વનિવાદના પ્રદેશમાં વિહરતા હોઈએ એવું લાગે છે. આમેય કુંતકના વક્રતાના પ્રકારો ધ્વનિપ્રકારોનું સીધું અનુસરણ કરે છે એ તો આપણે આગળ જોઈ ગયા. રસનું ધોરણ પણ કુંતકના વક્રોક્તિવિચારમાં અવારનવાર દાખલ થાય છે. સ્ત્રીલિંગના પ્રયોગમાં રસાદિ સાથે સંબંધ જોડવાની સુગમતા રહેલી છે એમ એ કહે છે અને એકસાથે યોજાયેલા અનેક નિપાતોથી વિપ્રલંભશૃંગારની પ્રતીતિ થતી એ બતાવે છે. વાક્યવક્રતામાં તો રસની વાત સતત આપણે કાને અથડાયા કરે છે. વસ્તુના સ્વાભાવિક ધર્મોનું – સૌંદર્યનું આલેખન જ્યાં અભિપ્રેત હોય ત્યાં અલંકારોનો ઝાઝો વિનિયોગ ઇષ્ટ નથી એમ દર્શાવતી વખતે કુંતક કહે છે કે રસપરિપોષણને લીધે સુકુમાર એવી પ્રતીતિ કરાવવાની હોય ત્યારે એને વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના ઔચિત્ય સિવાય બીજી કોઈ રીતે રજૂ કરવા જતાં, વધુ પડતા અલંકારો પ્રસ્તુત વસ્તુ કે રસની શોભાને બાધક થઈ પડે છે. કવિકલ્પનાથી ઉદ્‌બુદ્ધ વસ્તુવર્ણનમાં અલંકારોનો વિનિયોગ મહત્ત્વનો બને છે. પણ કુંતક રસવત્ નામના જુદા અલંકારનું ખંડન કરી બધા જ અલંકારો રસવત્ એટલે રસવાળા હોય છે – એ રસના અતિશયમાં વધારો કરે છે એવું પ્રતિપાદન કરે છે. કુંતક વર્ણ્ય પદાર્થોનું ચેતન – અચેતન વગેરે પ્રકારે વર્ગીકરણ કરે છે, અને કહે છે કે મુખ્ય પદાર્થો (મનુષ્ય વગેરે)નું વર્ણન અક્લિષ્ટ રતિ વગેરેના પરિપોષપૂર્વક કરવામાં આવે ત્યારે સુંદર બને છે અને ગૌણચેતન પદાર્થો (સિંહ વગેરે) તથા જડ પદાર્થોનું વર્ણન રસના ઉદ્દીપનવિભાવ તરીકે કરવામાં આવે ત્યારે સુંદર લાગે છે. વાક્યવક્રતામાં રસ એક અનિવાર્ય એવો ઘટક બની જતો લાગે છે. પ્રકરણવક્રતા અને પ્રબંધવક્રતામાં પણ રસને એક લક્ષ્ય તરીકે અવારનવાર નિર્દેશવામાં આવે છે. જેમ કે, ઐતિહાસિક કથાવસ્તુવાળી કૃતિમાં ચારુત્વયુક્ત કલ્પિત વસ્તુ રસની પરાકાષ્ઠાએ પહોંચી આખી કૃતિના જીવિતરૂપ બની જાય એવો પ્રકરણવક્રતાનો એક પ્રકાર કુંતક વર્ણવે છે અને એને અનુષંગે એક અંતર શ્લોક આપે છે કે “માત્ર કથાનો આશ્રય લેનારી નહીં પણ નિરંતર રસપ્રવાહોથી યુક્ત સંદર્ભો પર નિર્ભર મહાકવિની વાણી જીવતી રહે છે.” (૪૪ વૃત્તિ) કૃતિના પ્રધાન રસના સારસર્વસ્વની ક્રીડાભૂમિ બની રહે એવા પ્રકરણની યોજનાને પ્રકરણવક્રતાનો એક પ્રકાર લેખવામાં આવ્યો છે એમાં પણ કૃતિમાં રસ પ્રધાન લક્ષ્ય હોવાનું સૂચવાય છે. નિયમાનુસારી નહીં પરંતુ રસનિષ્પત્તિમાં ઉપકારક થઈ શકે એવી સંધિ-સંધ્યગોની રચના એટલે કે પ્રસંગોની ગૂંથણીનો આગ્રહ રાખવામાં આવ્યો છે અને એને અનુષંગે પણ એક શ્લોક આપવામાં આવ્યો છે કે “સુંદર ભંગિઓવાળી કથામૂર્તિના જીવન સમાન પ્રકરણને વિદ્વાનો રસનું રસાયણ માને છે.” (૪.૧૫ વૃત્તિ) ઐતિહાસિક કૃતિનો અંત એના મૂળ રસનો પરિત્યાગ કરીને કોઈ નવીન રસથી કરવામાં આવે એવી પણ એક પ્રબંધવક્રતા છે. કુંતકના વાક્ય-પ્રકરણ-પ્રબંધવક્રતાના નિરૂપણમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે વર્ણ, પદ કે પદાંશની રસપરકતા સ્થાપિત કરવી મુશ્કેલ હશે પણ વાક્ય એટલે કે પદાર્થવર્ણન અને પ્રકરણ-પ્રબંધ એટલે કે પ્રસંગઘટના – એમની રસપરકતાનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ નથી. આટલું જ નહીં કુંતકે કાવ્યની વ્યાખ્યામાં રસનો સમાવેશ ભલે નથી કર્યો પણ પછી બીજી રીતે રસને કાવ્યના એક લક્ષણ તરીકે સ્વીકારવાની એમને જરૂર પડી જ છે. કાવ્ય એટલે વક્ર કવિવ્યાપારથી યુક્ત અને તદ્વિદોને આહ્લાદ આપનાર બંધ એટલે કે વાક્યવિન્યાસમાં વ્યવસ્થિત થયેલા, સહિત રૂપે રહેલા–સાથે મળીને રહેલા શબ્દાર્થ એવી કુંતકની વ્યાખ્યા છે. (૧.૭) પણ શબ્દાર્થનું સાહિત્ય એટલે શું એ સમજાવતાં એ એનાં લક્ષણો બાંધે છે. એમાં એક લક્ષણ છે રસોનું પરિપોષણ. [1]એ જ રીતે એમના બે કાવ્યમાર્ગોનાં લક્ષણમાં પણ રસને સ્થાન છે. સુકુમાર માર્ગમાં, રસાદિના ઊંડા રહસ્યને જાણનારાઓનો મન સંવાદ સધાય છે એમ એ કહે છે (૧.૨૬) અને વિચિત્ર માર્ગ વિશે એ કહે છે કે એમાં પદાર્થોનો સ્વભાવ રસથી ઊભરાતો હોય છે. (૧.૪૧) (એ નોંધપાત્ર છે કે વાક્યાર્થની પ્રતીયમાનતાને પણ વિચિત્ર માર્ગનું લક્ષણ ગણવામાં આવ્યું છે. ૧.૪૦) એમાં શંકા નથી કુંતકને ધ્વનિ અને રસ વક્રોક્તિનાં અંગ તરીકે જ અભિપ્રેત છે, પણ એમની વિચારણામાં એ અંગો એટલાં ફેલાઈને પડેલાં છે કે એ અંગીને સમરૂપ બનવા જતાં હોય એવું પ્રતીત થાય છે. અહીં એ નોંધવા જેવું છે કે વક્રોક્તિના સિદ્ધાંતથી આધુનિક કાવ્યોની પરીક્ષા કરવા નીકળનારને પણ ધ્વનિ અને રસના સંપ્રત્યયોને આશ્રયે ગયા વિના રહેવાયું નથી. જે વિવેચક એમ માને છે કે વક્રોક્તિની વિચારવ્યવસ્થા રસ – ધ્વનિ, ગુણ અને ઔચિત્યની વિભાવનાઓને પોતામાં સમાવી લે છે ને તેથી એ બીજી ઘણી વિચારવ્યવસ્થાઓ કરતાં વધુ વ્યાપક છે તે, એ.ડી.હોપના ‘ધ બ્રાઇડ્સ’ એ કાવ્યમાં પ્રવર્તતી વક્રતાઓને ઓળખાવે છે ત્યારે એ દ્વારા સધાતા વ્યંગ અને એમાંથી સૂચવાતા જીવનમૂલ્યને પણ સ્ફુટ કરતા જ રહે છે, જે વિશ્લેષણ ધ્વનિસિદ્ધાંતને અભિપ્રેત વિશ્લેષણથી જુદું હોવાનો ભાસ થતો નથી. (સી.એન. રામચંદ્રન, ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ.૮૮-૯૪). હૉપકિન્સના ‘વિન્ડહૉવર’નો વક્રોક્તિસિદ્ધાંતના માળખામાં વિચાર કરવા પ્રવૃત્ત થનાર વિવેચકે તો વક્રોક્તિ ધ્વનિ તરફ અને પછી રસનિષ્પત્તિ તરફ લઈ જાય છે એવી સ્થાપના કરી છે અને એ રીતે જ કાવ્યનું વિશ્લેષણ કર્યું છે. એમણે એને અદ્ભુત અને શાંતની છાયાથી યુક્ત ભક્તિ રસના કાવ્ય તરીકે ઘટાવ્યું છે. (સી.એન.શ્રીનાથ, ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ.૨૨૩-૨૯)


  1. ૩૨. વૃત્યૌચિત્યમનોહારિ રસાનાં પરિપોષણમ્ ।
    સ્પર્ધયા વિદ્યતે યત્ર… |
    (૧.૧૭ વૃત્તિ, શ્લોક ૩૫)