સત્યના પ્રયોગો/અસીલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૬. અસીલો સાથી થયા

નાતાલ અને ટ્રાન્સવાલની વકીલાતમાં એ ભેદ હતો કે નાતાલમાં ઍડ્વોકેટ અને ઍટર્ની એવો ભેદ હોવા છતાં, બન્ને બધી કોર્ટમાં એકસરખી રીતે વકીલાત કરી શકતા, જ્યારે ટ્રાન્સવાલમાં મુંબઈના જેવો ભેદ હતો. ત્યાં અસીલની સાથેનો બધો વહીવટ ઍડ્વોકેટ ઍર્ટની મારફતે જ કરી શકે. બારિસ્ટર થયો હોય તે ઍડ્વોકેટ અથવા ઍટર્ની ગમે તે એકનો પરવાનો લઈ શકે ને પછી તે ધંધો જ કરી શકે. નાતાલમાં મેં ઍડ્વોકેટનો પરવાનો લીધેલો, ટ્રાન્સવાલમાં ઍટર્નીનો, ઍડ્વોકેટ તરીકે હું હિંદીઓની સાથે સીધા પ્રસંગમાં ન આવી શકત ને ગોરા ઍટર્ની મને કેસો આપે એવું વાતાવરણ દક્ષિણ આફ્રિકામાં નહોતું.

ટ્રાન્સવાલમાં આમ વકીલાત કરતાં માજિસ્ટ્રેટની કોર્ટમાં તો ઘણી વેળા હું જઈ શકતો. આમ કરતાં એક પ્રસંગ એવો આવ્યો કે જ્યારે ચાલતા કેસ દરમિયાન મેં જોયું કે મારા અસીલે મને છેતર્યો હતો. તેનો કેસ જૂઠો હતો. પીંજરામાં ઊભો તે તૂટી પડતો હતો. આથી મેં માજિસ્ટ્રેટને અસીલની સામે ઠરાવ આપવાનું કહ્યું ને બેસી ગયો. સામેનો વકીલ આશ્ચર્યચકિત થયો. માજિસ્ટ્રેટ ખુશી થયો. અસીલને મેં ઠપકો આપ્યો. તેને ખબર હતી કે હું ખોટા કેસો નહોતો લેતો. તેણે આ વાત કબૂલ કરી ને મેં વિરોધી ઠરાવ માગી લીધો તેને સારુ તે ગુસ્સે ન થયો એમ હું માનું છું. ગમે તેમ હોય પણ મારી વર્તણૂકની કશી માઠી અસર મારા ધંધા ઉપર ન પડી ને કોર્ટમાં મારું કામ સરળ થયું. મેં એમ પણ જોયું કે, મારી સત્યની આવી પૂજાથી વકીલબંધુઓમાં પણ મારી પ્રતિષ્ઠા વધી હતી ને વિચિત્ર સંજોગો છતાં તેઓમાનાં કેટલાકની પ્રીતિ હું સંપાદન કરી શક્યો હતો.

વકીલાત કરતાં એક એવી ટેવ પણ મેં પાડી હતી કે મારું અજ્ઞાન હું ન અસીલ પાસે છુપાવતો, ન વકીલો પાસે. જ્યાં જ્યાં મને ખબર ન પડે ત્યાં ત્યાં અસીલને બીજા વકીલની પાસે જવાનું કહેતો અથવા મને રાખે તો વધારે અનુભવી વકીલની સલાહ લઈને કામ કરવાનું કહેતો. નિખાલસતાને લીધે અસીલોને અખૂટ પ્રેમ ને વિશ્વાસ સંપાદન કરી શક્યો હતો. મોટા વકીલની પાસે જતાં જે ફી આપવી પડે તેના પૈસા પણ તેઓ રાજી થઈને આપતા.

આ વિશ્વાસ ને પ્રેમનો પૂરેપૂરો ઉપયોગ મને જાહેર કામમાં મળ્યો.

આગલાં પ્રકરણોમાં હું જણાવી ગયો છું કે દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવાનો હેતુ કેવળ લોકસેવા હતો. આ સેવાને ખાતર પણ મારે લોકોનો વિશ્વાસ સંપાદન કરવાની આવશ્યકતા હતી. ઉદાર દિલના હિંદીઓએ પૈસા લઈને કરેલી વકીલાતને પણ સેવા તરીકે માની ને જ્યારે તેમને તેમના હકોને સારુ જેલનાં દુઃખ વેઠવાની સલાહ આપી ત્યારે તેમનામાં ઘણાએ તે સલાહનો સ્વીકાર જ્ઞાનપૂર્વક કરવા કરતાં, મારા ઉપરની તેમની શ્રદ્ધાને લઈને અને મારી ઉપરના પ્રેમને વશ થઈને કરેલો.

આ લખતાં વકીલાતનાં આવાં મીઠાં ઘણાં સ્મરણો મારી કલમે ચડે છે. સેંકડો અસીલો ટળી મિત્ર થયા, જાહેર સેવામાં મારા સાચા સાથી બન્યા, ને મારા કઠિન જીવનને તેમણે રસમય કરી મૂક્યું.