સત્યના પ્રયોગો/ઓપીનિયન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૩. ‘ઇન્ડિયન ઓપીનિયન’

હજુ બીજા યુરોપિયન ગાઢ પરિચયો આપવાના રહે છે, પણ તે પહેલાં બેત્રણ અગત્યની નોંધ લેવાની આવશ્યકતા છે.

એક પરિચય હમણાં આપી દઉં. મિસ ડિકને દાખલ કર્યેથી જ મારું કામ હું પૂરુ કરી શકું તેમ નહોતું. મિ. રીચને વિશે હું અગાઉ લખી ચૂક્યો છું. તેમની સાથે તો મને સારો પરિચય હતો જ. તે વેપારી પેઢીમાં સંચાલક હતા. ત્યાંથી છૂટી મારી નીચે આર્ટિકલ લેવાની મેં સૂચના કરી. તે તેમને ગમી, ને ઑફિસમાં દાખલ થયા. મારા ઉપરથી કામનો બોજો હળવો થયો.

આ અરસામાં જ શ્રી મદનજીતે ‘ઇન્ડિયન ઓપીનિયન’ છાપું કાઢવાનો વિચાર કર્યો. મારી સલાહ ને મદદ માગ્યાં. છાપખાનું તો તે ચલાવતા જ હતા. છાપું કાઢવાના વિચારમાં હું સંમત થયો. આ છાપાની ઉત્પત્તિ ૧૯૦૪માં થઈ. મનસુખલાલ નાજર અધિપતિ થયા. પણ અધિપતિપણાનો ખરો બોજો મારા ઉપર જ પડયો. મારે નસીબે ઘણે ભાગે હમેશ દૂરથી જ છાપાનું તંત્ર ચલાવવાનું આવ્યું છે.

મનસુખલાલ નાજર તંત્રીપણું ન કરી શકે એવું કંઈ નહોતું. તેમણે તો દેશમાં ઘણાં છાપાંને સારુ લખાણો કર્યાં હતાં. પણ દક્ષિણ આફ્રિકાના અટપટા પ્રશ્નો ઉપર મારી હાજરી છતે સ્વતંત્ર લેખો લખવાની તેમણે હિંમત જ ન કરી. મારી વિવેકશક્તિ ઉપર તેમનો અતિશય વિશ્વાસ હતો. એટલે જે જે વિષયો ઉપર લખવાપણું હોય તે ઉપર લખી મોકલવાનો બોજો મારા પર ઢોળતા.

આ છાપું સાપ્તાહિક હતું, જેવું આજે પણ છે. પ્રથમ તો તે ગુજરાતી, હિંદી, તામિલ અને અંગ્રેજીમાં નીકળતું. પણ મેં જોયું કે તામિલ ને હિંદી વિભાગો નામના જ હતા. તે વાટે કોમની સેવા નહોતી થતી એમ મેં જોયું. તે વિભાગો રાખવામાં મને જૂઠનો આભાસ આવ્યો, તેથી તે વિભાગો બંધ કર્યા ને મેં શાંતિ મેળવી.

આ છાપામાં મારે કંઈ પૈસા રોકવા પડશે એવી મારી કલ્પના નહોતી. પણ થોડી જ મુદ્દતમાં મેં જોયું કે જો હું પૈસા ન આપું તો છાપું જ ન ચાલે. છાપાનો હું અધિપતિ નહોતો, છતાં હું જ તેના લખાણને સારું જવાબદાર હતો, એમ હિંદી અને ગોરા બંને જાણતા થઈ ગયા હતા. છાપું ન જ નીકળ્યું હોત તો અડચણ નહોતી, પણ કાઢયા પછી બંધ થાય તો તેમાં કોમની નામોશી થાય તેમ હતું ને કોમને નુકસાન થતું હતું એમ મને લાગ્યું.

હું તેમાં પૈસા રેડતો ગયો, ને છેવટે જેટલું બચતું હતું તે બધું તેમાં જ જતું એમ કહેવાય. એવો સમય મને યાદ છે કે જ્યારે મારે દર માસે ૭૫ પાઉન્ડ મોકલવા પડતા.

પણ આટલા વર્ષો પછી મને લાગે છે કે એ છાપાએ કોમની સારી સેવા કરી છે. તેમાંથી પૈસા પેદા કરવાનો ઇરાદો તો કોઈનો મૂળથી જ નહોતો.

મારે હસ્તક હતું ત્યાં સુધીમાં એમાં થયેલાં ફેરફારો મારી જિંદગીના ફેરફારો સૂચવનારા હતા. જેમ અત્યારે ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ મારા જીવનના કેટલાક ભાગોનો નિચોડ છે તેમ ‘ઇન્ડિયન ઓપીનિયન’ હતું. તેમાં હું પ્રતિ સપ્તાહ મારો આત્મા રેડતો, ને હું જેને સત્યાગ્રહરૂપે ઓળખતો હતો તે સમજાવવા પ્રયત્ન કરતો. જેલના સમયો બાદ કરતાં દશ વર્ષો સુધીના, એટલે ૧૯૧૪ની સાલ સુધીના ‘ઇન્ડિયન ઓપીનિયન’ના એવા અંકો ભાગ્યે જ હશે જેમાં મેં કંઈ નહીં લખ્યું હોય. એમાં એક પણ શબ્દ મેં વગરવિચાર્યે, વગરતોળ્યે લખ્યો હોય, કે કોઈને કેવળ ખુશ જ કરવાને ખાતર લખ્યો હોય, કે જાણીજોઈને અતિશયોક્તિ કરી હોય એવું મને યાદ નથી. મારે સારુ એ છાપું સંયમની તાલીમ થઈ પડયું હતું. મિત્રોને સારુ મારા વિચારો જાણવાનું વાહન થઈ પડયું હતું, ટીકાકારોને તેમાંથી ટીકા કરવાનું બહુ ઓછું મળી શકતું. હું જાણું છું કે એનાં લખાણો ટીકાકારને પોતાના કલમ ઉપર અંકુશ મેલવા ફરજ પાડતા. એ છાપા વિના સત્યાગ્રહની લડત ન ચાલી શકત. વાંચનાર વર્ગ એ છાપાને પોતાનું સમજી તેમાંથી લડતનું ને દક્ષિણ આફ્રિકાના હિંદીઓની હાલતનું ખરું ચિત્ર મેળવતો.

આ છાપા વાટે રંગબેરંગી મનુષ્યસ્વભાવને જાણવાનું મને બહુ મળ્યું. તંત્રી અને ગ્રાહકની વચ્ચે નિકટ ને સ્વચ્છ સંબંધ બાંધવાની જ ધારણા હોવાથી મારી પાસે હૃદય ઠાલવનારા કાગળોના ઢગલા થતા. તેમાં તીખાં, કડવાં, મીઠાં એમ ભાતભાતના લખાણો મારી પાસે આવે. તે વાંચવાં, વિચારવાં, તેમાંથી વિચારોનું તારણ કરી જવાબ આપવા, એ મારે સારુ ઉત્તમ શિક્ષણ થઈ પડયું, તે વાટે હું કોમમાં ચાલતી વાતો ને વિચારો કેમ જાણે સાંભળતો હોઉં નહીં, એવો અનુભવ મને થયો. તંત્રીની જવાબદારી હું સારી પેઠે સમજતો થયો, ને મને કોમના માણસો ઉપર જે કાબૂ મળ્યો તેથી ભવિષ્યમાં થનારી લડત શક્ય થઈ, શોભી ને તેને જોર મળ્યું.

વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવા જોઈએ એ હું ‘ઇન્ડિયન ઓપીનિયન’ના પહેલા માસની કારકિર્દીમાંથી જ જોઈ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામના ગામ ડુબાવે છે ને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરકુંશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.

આ વિચારસરણી સાચી હોય તો દુનિયામાં કેટલાં વર્તમાનપત્રો નભી શકે? પણ નકામાને બંધ કોણ કરે? કોણ કોને નકામું ગણે? કામનું ને નકામું સાથે સાથે ચાલ્યા જ કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.