સત્યના પ્રયોગો/કારકુન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૪. કારકુન અને ‘બેરા’

મહાસભાને ભરાવાને એકબે દિવસની વાર હતી. મેં નિશ્ચય કર્યો હતો કે મહાસભાના દફતરમાં જો મારી સેવાનો સ્વીકાર થાય તો મારે સેવા કરવી ને અનુભવ મેળવવો.

જે દિવસે અમે આવ્યા તે જ દિવસે નાહીધોઈને મહાસભાના દફતરમાં ગયો. શ્રી ભૂપેદ્રનાથ બસુ અને શ્રી ઘોષળ મંત્રી હતા. ભૂપેનબાબુની પાસે પહોંચ્યો ને સેવા માગી. તેમણે મારી સામે જોયું ને બોલ્યાઃ

‘મારી પાસે તો કંઈ કામ નથી, પણ કદાચ મિ. ઘોષળ તમને કંઈક સોંપશે. તેમની પાસે જાઓ.’

હું ઘોષળબાબુ પાસે ગયો. તેમણે મને નિહાળ્યો. જરા હસ્યા ને પૂછયું: ‘મારી પાસે તો કારકુનનું કામ છે. તે કરશો?’

મેં જવાબ આપ્યોઃ ‘જરૂર કરીશ. મારી શક્તિ ઉપરાંત નહીં હોય તે બધું કરવા હું આપની પાસે આવ્યો છું.’

‘નવજુવાન, એ જ ખરી ભાવના છે.’

સ્વયંસેવકો તેમની પડખે ઊભા હતા તેમની તરફ જોઈ બોલ્યાઃ

‘તમે જુઓ છો કે આ જુવાન શું કહે છે?’

પછી મારા તરફ વળીને બોલ્યાઃ

‘ત્યારે આ રહ્યો કાગળનો ઢગલો ને આ મારી સામે ખુરશી, તે તમે લો. તમે જુઓ છો કે મારી પાસે સેંકડો માણસો આવ્યા કરે છે. તેમને મળું કે આ નવરા કાગળ લખી રહ્યા છે તેમને જવાબ આપું? મારી પાસે કારકુનો એવા નથી કે તેમની પાસેથી હું આ કામ લઈ શકું. આ બધા કાગળોમાંના ઘણામાં તો કંઈ જ નહીં હોય. પણ તમે બધા જોઈ જજો. જેની પહોંચ આપવી ઘટે તેની પહોંચ આપજો. ને જેના જવાબ વિશે મને પૂછવું ઘટે તે વિશે મને પૂછજો.’ હું તો આ વિશ્વાસથી ખુશ ખુશ થઈ ગયો.

શ્રી ઘોષળ મને ઓળખતા ન હતા. નામઠામ જાણવાનું કામ તો તેમણે પાછળથી કર્યું. કાગળનો ઢગલો ઉકેલવાનું કામ મને બહુ સહેલું લાગ્યું. પડેલો ઢગલો તો મેં તુરત પૂરો કર્યો. ઘોષળબાબુ ખુશ થયા. તેમનો વાતો કરવાનો સ્વભાવ હતો. હું જોતો કે વાતોમાં પોતે બહુ સમય ગાળતા. મારો ઇતિહાસ જાણ્યા પછી તો મને કારકુનનું કામ સોંપ્યાની તેમને જરા શરમ લાગી. મેં તેમને નિશ્ચિંત કર્યા.

‘હું ક્યાં અને તમે ક્યાં? તમે મહાસભાના જૂના સેવક, મને તો વડીલ સમાન. હું રહ્યો બિનઅનુભવી નવજુવાન. આ કામ સોંપી મારા ઉપર તો તમે ઉપકાર જ કર્યો છે. કેમ કે, મારે મહાસભામાં કામ કરવું છે. તેનો કારભાર સમજવાનો અલભ્ય અવસર તમે મને આપ્યો છે.’

‘ખરું પુછાવો તો એ સાચી વૃત્તિ છે. પણ આજના જુવાનિયા એમ નથી માનતા. બાકી, હું તો મહાસભાને તેના જન્મથી જાણું છું. તેને જન્મ આપવામાં મિ. હ્યુમની સાથે મારો પણ ભાગ હતો.’ ઘોષળબાબુ બોલ્યા.

અમારી વચ્ચે ઠીક ઠીક ગાંઠ બંધાઈ. મને બપોરના ખાણામાં પોતાની સાથે જ રાખ્યો. ઘોષળબાબુનાં બટન પણ ‘બેરા’ ભીડતો. એ જોઈ ‘બેરા’નું કામ મેં જ લઈ લીધું. મને તે ગમતું. વડીલો તરફ મારો આદર ખૂબ હતો. જ્યારે મારી વૃત્તિ તેઓ સમજી ગયા ત્યારે મને પોતાની અંગત સેવાનું બધું કામ કરવા દેતા. બટન ભિડાવતાં મને મલકાઈને કહેતાઃ ‘જુઓને, મહાસભાના સેવકને બટન ભીડવાનો સમય ન મળે, કેમ કે તે વખતે પણ કામ કરવાનું રહે!’ આ ભોળપણ ઉપર મને હસવું તો આવ્યું. પણ આવી સેવા પ્રત્યે મનમાં મુદ્દલ અભાવ ન થયો. મને જે લાભ થયો તેની તો કિંમત અંકાય તેમ નથી.

થોડા જ દિવસમાં મહાસભાના તંત્રની મને ખબર પડી. ઘણા આગેવાનોની ભેટ થઈ. ગોખલે, સુરેદ્રનાથ વગેરે યોદ્ધાઓ આવજા કરે. તેમની રીતભાત હું જોઈ શક્યો. વખતની જે બરબાદી થતી હતી તેનું દર્શન પણ મને થયું. અંગ્રેજી ભાષાનું પ્રાબલ્ય પણ જોયું. તેથી ત્યારે પણ દુઃખી થયો. એકથી થાય તે કામમાં એકથી વધારે રોકાતા હતા તે મેં જોયું, ને કેટલાંક અગત્યનાં કામ કોઈ જ નહોતું કરતું એ પણ જોયું.

મારું મન આ બધી સ્થિતિની ટીકા કર્યા કરતું હતું. પણ ચિત્ત ઉદાર હતું તેથી જે થાય છે તેમાં વધારે સુધારો અશક્ય હશે એમ માની લેતું હતું, ને કોઈના પ્રત્યે અણગમો નહોતો થતો.

  • અંગ્રેજી ‘બેરર’ શબ્દનો અપભ્રંશ. અંગસેવા કરનાર, ખિજમતગાર. કલકત્તામાં હરકોઈ ઘરનોકરને માટે ‘બેરા’ શબ્દ વપરાય છે.