સત્યના પ્રયોગો/મહાસભામાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫. મહાસભામાં

મહાસભા ભરાઈ. મંડપનો ભવ્ય દેખાવ, સ્વયંસેવકોની હાર, માંચડા ઉપર વડીલવર્ગ વગેરેને જોઈ હું ગભરાયો. આ સભામાં મારો પત્તો શો લાગી શકે એ વિચારમાંથી હું અકળાયો.

પ્રમુખનું ભાષણ તો એક પુસ્તક હતું. તે પૂરું વંચાય એવી સ્થિતિ જ નહોતી. તેમાંના કોઈ કોઈ ભાગ જ વંચાયા.

પછી વિષયવિચારિણી સમિતિના સભ્યો ચૂંટાયા. તેમાં મને ગોખલે લઈ ગયા હતા.

સર ફિરોજશાએ મારો ઠરાવ લેવાની હા તો પાડી હતી. પણ એ મહાસભાની વિષયવિચારિણી સમિતિમાં કોણ રજૂ કરશે, ક્યારે કરશે, એ વિચારતો હું સમિતિમાં બેઠો હતો. એકેએક ઠરાવની પાછળ લાંબાં ભાષણો, બધાં અંગ્રેજીમાં. એકેએકની પાછળ જાણીતી વ્યક્તિઓ. આ નગારાં વચ્ચે મારી તૂતીનો અવાજ કોણ સાંભળશે? રાત ચાલી જતી હતી તેમ તેમ મારું હૈયું ધડકતું હતું. છેવટના ઠરાવો હાલનાં વિમાનની ગતિએ ચાલતા હતા એવું મને યાદ આવે છે. સહુ ભાગવાની તૈયારીમાં છે. રાતના અગિયાર વાગ્યા છે. મારી બોલવાની હિંમત ન મળે. મેં ગોખલેની મળી લીધું હતું. તેમણે મારો ઠરાવ જોઈ લીધો હતો.

તેમની ખુરશીની પાસે જઈને મેં ધીમેથી કહ્યું:

‘મારું કંઈક કરજો.’

તેમણે કહ્યું: ‘તમારો ઠરાવ મારા ખ્યાલ બહાર નથી. અહીંની ઉતાવળ તમે જોઈ રહ્યા છો. પણ હું એ ઠરાવને ભુલાવા નહીં દઉં.’

‘કેમ, હવે ખલાસ?’ સર ફિરોજશા બોલ્યા.

‘દક્ષિણ આફ્રિકાનો ઠરાવ તો છે જ ના? મિ. ગાંધી ક્યારના વાટ જોઈ બેઠા છે.’ ગોખલે બોલી ઊઠયા.

‘તમે તે ઠરાવ જોઈ ગયા છો?’ સર ફિરોજશાએ પૂછયું.

‘અલબત્ત.’

‘તમને એ ગમ્યો?’

‘બરાબર છે.’

‘ત્યારે, ગાંધી વાચો.’

મેં ધ્રૂજતાં વાંચી સંભળાવ્યો.

ગોખલેએ ટેકો આપ્યો.

‘એકમતે પસાર.’ સહુ બોલી ઊઠયા.

‘ગાંધી, તમે પાંચ મિનિટ લેજો.’ વાચ્છા બોલ્યા.

આ દૃશ્યથી હું ખુશી ન થયો. કોઈએ ઠરાવ સમજવાની તકલીફ ન લીધી. સહુ ઉતાવળમાં હતા. ગોખલેએ જોયું હતું, એટલે બીજાઓને જોવાસાંભળવાની જરૂર ન જણાઈ.

સવાર પડયું.

મને તો મારા ભાષણની લાગી હતી. પાંચ મિનિટમાં શું બોલવું? મેં તૈયારી તો ઠીક ઠીક કરી, પણ શબ્દો જોઈએ તે ન આવે. ભાષણ લખેલું નથી વાંચવું એવો નિશ્ચય હતો. પણ દક્ષિણ આફ્રિકામાં ભાષણ કરવાની છૂટ આવી હતી તે અહીં હું ખોઈ બેઠો હતો એમ લાગ્યું.

મારા ઠરાવનો સમય આવ્યો એટલે સર દીનશાએ મારું નામ પોકાર્યું. હું ઊભો થયો. માથું ફરે. જેમતેમ ઠરાવ વાંચ્યો. કોઈ કવિએ પોતાનું કાવ્ય છપાવી બધા પ્રતિનિધિઓમાં વહેંચ્યું હતું. તેમાં પરદેશ જવાની ને દરિયો ખેડવાની સ્તુતિ હતી. તે મેં વાંચી સંભળાવ્યું ને દક્ષિણ આફ્રિકાનાં દુઃખોની કંઈક વાત કરી. તેટલામાં સર દીનશાની ઘંટડી વાગી. મારી ખાતરી હતી કે મેં હજુ પાંચ મિનિટ લીધી નહોતી. હું નહોતો જાણતો કે, એ ઘંટડી તો મને ચેતવણી આપવા બે મિનિટ બાકી હતી ત્યારે જ વગાડવામાં આવી હતી. મેં ઘણાઓને અરધો અરધો, પોણો પોણો કલાક બોલતાં સાંભળ્યા હતા, ને ઘંટડી નહોતી વાગી. મને દુઃખ તો લાગ્યું. ઘંટડી વાગી એટલે બેસી જ ગયો. પણ પેલા કાવ્યમાં સર ફિરોજશાને જવાબ મળ્યો, એમ મારી નાનકડી બુદ્ધિએ તે વેળા માની લીધું.

ઠરાવ પાસ થવા વિશે તો પૂછવું જ શું? તે કાળે પ્રેક્ષક ને પ્રતિનિધિ એવો ભેદ ભાગ્યે જ હતો. ઠરાવોનો વિરોધ કરવાપણું હોય જ નહીં. સહુ હાથ ઊંચો કરે જ. બધા ઠરાવ એકમતે પાસ થાય. મારા ઠરાવનુંયે તેમજ થયું. એટલે, મને ઠરાવનું મહત્ત્વ ન જણાયું. છતાં, મહાસભામાં ઠરાવ પસાર થયો એ વાત જ મારા આનંદને સારુ બસ હતી. મહાસભાની જેના ઉપર મહોર પડી તેના ઉપર આખા ભારતવર્ષની મહોર છે, એ જ્ઞાન કોને સારું બસ ન થાય?