સત્યના પ્રયોગો/મહાસભામાં પ્રવેશ
મહાસભામાં મારે ભાગ લેવો પડયો એને હું મારો મહાસભામાં પ્રવેશ નથી માનતો. તેના પહેલાંની મહાસભાની બેઠકોમાં હું ગયો તે માત્ર વફાદારીની નિશાની દાખલ. નાનામાં નાના સિપાહીના કામ સિવાય મારું ત્યાં બીજું કંઈ કાર્ય હોય એવો બીજી આગલી સભાઓને વિશે મને આભાસ નથી આવ્યો, નથી ઇચ્છા થઈ.
અમૃતસરના અનુભવે બતાવ્યું કે, મારી એક શક્તિનો ઉપયોગ મહાસભાને છે. પંજાબ સમિતિના કામથી લોકમાન્ય, માલવીયજી, મોતીલાલજી, દેશબંધુ વગેરે રાજી થયા હતા એ હું જોઈ શક્યો હતો. તેથી મને તેમણે પોતાની બેઠકો ને મસલતોમાં બોલાવ્યો. એટલું તો મેં જોયું હતું કે, વિષયવિચારિણી સમિતિનું ખરું કામ એવી બેઠકોમાં થતું હતું. અને એવી મસલતોમાં નેતાઓ જેમની ઉપર ખાસ વિશ્વાસ કે આધાર રાખતા હોય તેઓ હતા ને બીજા ગમે તે નિમિત્તે ઘૂસી જનારા.
આગામી વર્ષને સારુ કરવાનાં બે કામોમાં મને રસ હતો, કેમ કે તેમાં મારી ચાંચ બૂડતી હતી.
એક હતું જલિયાંવાલા બાગની કતલનું સ્મારક. એને વિશે ઘણા દમામની સાથે મહાસભાએ પ્રસ્તાવ પસાર કર્યો હતો. તેને સારુ પાંચેક લાખ રૂપિયાની રમક ઉઘરાવવાની હતી. તેમાં રક્ષકોમાં મારું નામ હતું. દેશમાં પ્રજાકાર્યને સારુ ભિક્ષા માગવાની ભારે શક્તિ ધરાવનારાઓમાં પ્રથમ પદ માલવીયજીનું હતું, ને છે. હું જાણતો હતો કે, મારો દરજ્જો તેમનાથી બહુ દૂર નહીં આવે. મારી એ શક્તિ મેં દક્ષિણ આફ્રિકામાં ભાળી લીધી હતી. રાજામહારાજાઓની પાસેથી જાદુ કરી લાખો મેળવવાની શક્તિ મારી પાસે નહોતી. આજે નથી. એમાં માલવીયજીની સાથે હરીફાઈ કરનાર મેં કોઈને જોયો જ નથી. જલિયાંવાલા બાગના કામમાં તેમની પાસેથી દ્રવ્ય મગાય નહીં એમ હું જાણતો હતો. એટલે આ સ્મારકને સારુ પૈસા ઉઘરાવવાનો મુખ્ય બોજો મારી ઉપર પડશે એમ હું રક્ષકનું પદ સ્વીકારતી વેળા સમજી ગયો હતો. થયું પણ એમ જ. એ સ્મારકને સારુ મુંબઈના ઉદાર શહેરીઓએ પેટ ભરીને દ્રવ્ય આપ્યું, ને આજે પ્રજાની પાસે તેને સારુ જોઈએ તેટલા પૈસા છે. પણ એ હિંદુ, મુસલમાન ને શીખના મિશ્રિત ખૂનથી પાક થયેલી જમીન ઉપર કઈ જાતનું સ્મારક કરવું, એટલે પડેલા પૈસાનો શો ઉપયોગ કરવો એ વિકટ પ્રશ્ન થઈ પડયો છે. કેમ કે ત્રણેની વચ્ચે, કહો કે બેની વચ્ચે, દોસ્તીને બદલે આજે દુશ્મનાઈ હોય એવું ભાસે છે.
મારી બીજી શક્તિ લહિયાનું કામ કરવાની હતી, જેનો ઉપયોગ મહાસભા લઈ શકે તેમ હતું. લાંબી મુદતના અભ્યાસથી, ક્યાં શું અને કેટલા ઓછા શબ્દોમાં અવિનયરહિત ભાષામાં લખવું એ હું જાણતો હતો, એમ નેતાઓ સમજી ગયા હતા. મહાસભાને સારુ તે વેળા જે બંધારણ હતું તે ગોખલેએ મૂકેલી પૂંજી હતી. તેમણે કેટલાક ધારા ઘડી કાઢયા હતા. તેમને આધારે મહાસભાનું કામ ચાલતું હતું. તે ધારા કેમ ઘડાયા તેનો મધુર ઇતિહાસ મેં તેમને જ મોઢેથી જાણ્યો હતો. પણ હવે મહાસભા તેટલા જ ધારાથી ચલાવાય નહીં એમ સૌને જણાતું હતું. તેને સારુ બંધારણ ઘડવાની ચર્ચાઓ દરેક વર્ષે ચાલતી. પણ મહાસભાની પાસે એવી વ્યવસ્થા જ નહોતી કે જેથી આખું વર્ષ તેનું કાર્ય ચાલ્યા કરે, અથવા ભવિષ્યના વિચાર કોઈ કરે. તેના ત્રણ મંત્રીઓ રહેતા, પણ ખરું જોતાં કાર્યવાહક મંત્રી તો એક જ રહેતો. તે પણ ચોવીસે કલાક આપી શકે એવો તો નહીં જ. એક મંત્રી ઑફિસ ચલાવે કે ભવિષ્યના વિચાર કરે કે ભૂતકાળમાં મહાસભાએ લીધેલી જવાબદારીઓ ચાલુ વર્ષમાં અદા કરે? એટલે આ પ્રશ્ન આ સાલમાં સહુની દૃષ્ટિએ અગત્યનો થઈ પડયો. મહાસભામાં હજારોની ભીડ થાય તેમાં પ્રજાનું કાર્ય કેમ ચાલે? પ્રતિનિધિઓની સંખ્યાની હદ નહોતી. હરકોઈ પ્રાંતમાંથી ગમે તેટલા આવી શકતા હતા. પ્રતિનિધિ ગમે તે થઈ શકતા હતા. તેથી કંઈક પ્રબંધ થવાની અત્યાવશ્યકતા સહુને જણાઈ. બંધારણ ઘડી કાઢવાનો ભાર ઊંચકવાનું મેં માથે લીધું. મારી એક શરત હતી. જનતા ઉપર બે નેતાઓનો કાબૂ હું જોઈ રહ્યો હતો. તેથી મેં મારી જોડે તેમના પ્રતિનિધિઓની માગણી કરી. તે પોતે નિરાંતે બેસી બંધારણ ઘડવાનું કામ ન કરી શકે એમ હું સમજતો હતો. તેથી લોકમાન્યની પાસેથી ને દેશબંધુની પાસેથી તેમના વિશ્વાસનાં બે નામો માગ્યાં. આ ઉપરાતં બીજો કોઈ પણ બંધારણસમિતિમાં ન જોઈએ એમ મેં સૂચવ્યું. એ સૂચના કબૂલ રહી. લોકમાન્યે શ્રી કેળકરનું ને દેશબંધુએ શ્રી આઈ. બી. સેનનું એમ નામ આપ્યાં. આ બંધારણસમિતિ સાથે મળીને એક દિવસ પણ ન બેઠી, છતાં અમે અમારું કામ એકમતે ઉકેલ્યું. પત્રવ્યવહારથી અમારું કામ ચલાવી લીધું. એ બંધારણને વિશે મને કંઈક અભિમાન છે. હું માનું છું કે, એને અનુસરીને કામ લઈ શકાય તો આજે આપણો બેડો પાર થાય. એ તો થાય ત્યારે ખરો. પણ એ જવાબદારી લઈને મેં મહાસભામાં ખરો પ્રવેશ કર્યો એવી મારી માન્યતા છે.