સત્યના પ્રયોગો/અમૃતસરની
લશ્કરી કાયદાના અમલમાં જે સેંકડો નિર્દોષ પંજાબીઓને નામની અદાલતોએ નામના પુરાવા લઈ નાનીમોટી મુદતની જેલમાં ગોંધી દીધા હતા, તેમને પંજાબની સરકાર સંઘરી ન શકી. આ હડહડતા ગેરઇન્સાફની સામે એટલો બધો પોકાર ચોમેર ચાલ્યો હતો કે, સરકાર આ કેદીઓને જેલમાં વધારે મુદત રાકી શકે એમ ન રહ્યું. એટલે મહાસભા ભરાય તે પહેલાં ઘણા કેદી છૂટી ગયા. લાલા હરકિસનલાલ વગેરે આગેવાનો બધા છૂટી ગયા. અને મહાસભા ચાલતી હતી તે દરમિયાન અલીભાઈઓ પણ છૂટીને આવ્યા. એટલે લોકોના હર્ષનો પાર જ ન રહ્યો. પંડિત મોતીલાલ નેહરુ, જેમણે પોતાનો ધંધો કોરે મૂકીને પંજાબમાં જ થાણું કર્યું હતું, તે મહાસભાના પ્રમુખ હતા. સ્વામી શ્રદ્ધાનંદજી સ્વાગતમંડળના સભાપતિ હતા.
આજ લગી મહાસભામાં મારો ભાગ હિંદીમાં મારું નાનુંસરખું ભાષણ કરી, હિંદીને સારુ વકીલાત કરવા પૂરતો ને સંસ્થાનવાસી હિંદીઓનો કેસ રજૂ કરવા પૂરતો હતો. અમૃતસરમાં મારે આથી વિશેષ કંઈક કરવું પડશે એવું મેં નહોતું ધાર્યું. પણ જેમ મારે વિશે પૂર્વે બન્યું છે તેમ જવાબદારી એકાએક આવી પડી.
બાદશાહનું નવા સુધારા વિશેનું ફરમાન પ્રગટ થયું હતું. તે મને પૂર્ણ સંતોષ આપે એવું તો નહોતું જ, બીજા કોઈને તો નહોતું જ ગમ્યું. પણ સદરહુ ફરમાનમાં સૂચવેલા સુધારા ખામીભર્યા છતાં તે સ્વીકારી શકાય એવા છે, એમ મેં તે વેળા માન્યું. બાદશાહી ફરમાનમાં મેં લૉર્ડ સિંહનો હાથ જોયો હતો. તેની ભાષામાં આશાનાં કિરણો તે વેળાની મારી આંખ જોતી હતી. પણ અનુભવી લોકમાન્ય, ચિત્તરંજન દાસ ઇત્યાદિ યોદ્ધાઓ માથું હલાવતા હતા. ભારતભૂષણ માલવીયજી મધ્યસ્થ હતા.
મારો ઉતારો તેમણે પોતાની જ કોટડીમાં રાખ્યો હતો. તેમની સાદાઈની ઝાંખી મને કાશીમાં વિશ્વવિદ્યાલયના પાયાને વખતે થઈ હતી. પણ આ વખતે તો તેમણે પોતાની કોટડીમાં જ મને સંઘર્યો, એટલે તેમની દિનચર્યા આખી હું જોઈ શક્યો ને મને સાનંદાશ્ચર્ય થયું. તેમની કોટડી એટલે ગરીબની ધર્મશાળા. તેમાં ક્યાંયે મારગ રહેવા નહોતો દીધો. જ્યાં ત્યાં માણસો પડ્યા જ હોય. ત્યાં નહોતી મોકળાશ, નહોતી એકાંત. ગમે તે માણસ ગમે તે વખતે આવે ને તેમનો ગમે તેટલો વખત લઈ જાય. આ ઘોલકના એક ખૂણામાં મારો દરબાર એટલે ખાટલો હતો.
પણ મારે આ પ્રકરણ માલવીયજીની રહેણીના વર્ણનને નથી આપવાનું, એટલે વિષય ઉપર આવું.
આ સ્થિતિમાં માલવીયજીની જોડે રોજ સંવાદ થાય. તે મને બધાના પક્ષ મોટો ભાઈ નાનાને સમજાવે તેમ પ્રેમપૂર્વક સમજાવે. મેં મારો ધર્મ સુધારા વિશેના ઠરાવમાં ભાગ લેવાનો ભાળ્યો. પંજાબના મહાસભાના રિપોર્ટની જવાબદારીમાં મારો ભાગ હતો. પંજાબને વિશે સરકાર પાસેથી કામ લેવાનું હતું; ખિલાફતનું તો હતું જ. મૅટિગ્યુ હિંદને દગો નહીં દેવા દે એમ પણ મેં માન્યું હતું. કેદીઓના અને તેમાંયે અલીભાઈઓના છુટકારાને મેં શુભ ચિહ્ન માન્યું હતું. એટલે મને લાગ્યું કે, ઠરાવ સુધારા કબૂલ રાખવાનો હોવો જોઈએ. ચિત્તરંજન દાસનો દૃઢ અભિપ્રાય હતો કે, સુધારાને છેક અસંતોષકારક ને અધૂરા ગણી તેમને અવગણી નાખવા જોઈએ. લોકમાન્ય કંઈક તટસ્થ હતા, પણ દેશબંધુ જે ઠરાવ પસંદ કરે તેની તરફ પોતાનું વજન મૂકવાનો તેમણે નિશ્ચય કર્યો હતો.
આવા રીઢા થયેલા, કસાયેલા સર્વમાન્ય લોકનાયકોથી મારો મતભેદ મને પોતાને અસહ્ય લાગ્યો. બીજી તરફથી મારો અંતર્નાદ સ્પષ્ટ હતો. મેં મહાસભાની બેઠકમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. પંડિત મોતીલાલ નેહરુને અને માલવીયજીને સૂચવ્યું કે, મને ગેરહાજર રહેવા દેવાથી બધા અર્થ સરશે, અને હું મહાન નેતાઓની સાથેના મતભેદનું પ્રદર્શન કરવામાંથી ઊગરી જઈશ.
આ સૂચના આ બંને વડીલોને ગળે ન ઊતરી. લાલા હરકિસનલાલને કાને જતાં તેમણે કહ્યું: ‘એ કદી બને જ નહીં. પંજાબીઓની ઉપર ભારે આઘાત પહોંચે.’ લોકમાન્ય સાથે, દેશબંધુ સાથે મસલત કરી. મિ. ઝીણાને મળ્યો. કેમેયે રસ્તો ન નીકળે. મારી વેદના મેં માલવીયજી આગળ મૂકી. ‘સમાધાન થાય એવું હું જોતો નથી. જો મારે મારો ઠરાવ રજૂ કરવો જ પડે તો છેવટે મત તો લેવાશે જ. પણ અહીં મત લઈ શકાય એવી વ્યવસ્થા હું જોતો નથી. આજ લગી આપણે ભરી સભામાં હાથ ઊંચા કરાવ્યા છે. પ્રેક્ષકો અને સભ્યોની વચ્ચે હાથ ઊંચા થતી વેળા ભેદ નથી રહેતો. મતો ગણવાની ગોઠવણ આવી વિશાળ સભામાં આપણી પાસે નથી હોતી. એટલે મારે મારા ઠરાવને સારુ મત લેવરાવવા હોય તોયે સગવડ નથી.’
લાલા હરકિસનલાલે એ સગવડ સંતોષકારક રીતે કરી આપવાનું બીડું ઝડપ્યું. તેમણે કહ્યું: ‘પ્રેક્ષકોને મત લેવાને દહાડે નહીં આવવા દઈએ. માત્ર સભ્યો જ આવશે. અને તેમાં મતો ગણાવી દેવાનું મારું કામ. પણ તમારાથી મહાસભાની બેઠકમાં ગેરહાજર ન જ રહેવાય.’
છેવટે હું હાર્યો. મેં મારો ઠરાવ ઘડયો. બહુ સંકોચની સાથે તે રજૂ કરવાનું મેં કબૂલ કર્યું. મિ. ઝીણા અને માલવીયજી ટેકો આપવાના હતા. ભાષણો થયાં. હું જોઈ શકતો હતો કે, જોકે અમારા મતભેદમાં ક્યાંયે કડવાશ નહોતી, ભાષણોમાં પણ કેવળ દલીલો સિવાય કંઈ જ નહોતું. છતાં સભા મતભેદમાત્ર સહન નહોતી કરી શકતી, ને આગેવાનોના મતભેદથી તેને દુઃખ થતું હતું. સભાને તો એકમત જોઈતો હતો.
ભાષણો ચાલતાં હતાં ત્યારે પણ માંચડા ઉપર ભેદ બુઝાવવાના પ્રયત્નો ચાલી રહ્યા હતા. ચિઠ્ઠીઓ એકબીજાની વચ્ચે પસાર થઈ રહી હતી. માલવીયજી તો ગમે તેમ કરીને સાંધવાની મહેનત કરી રહ્યા હતા. એટલામાં જયરામદાસે મારા હાથમાં પોતાની સૂચના મૂકી, ને અતિ મધુર શબ્દોમાં મતો આપવાના સંકટમાંથી સભ્યોનો ઉગારી લેવા મને વીનવ્યો હતો. મને તેમની સૂચના ગમી. માલવીયજીની નજર તો ચોમેર આશાને સારુ ફરી જ રહી હતી. મેં કહ્યું: ‘આ સૂચના બંનેને ગમે એવી લાગે છે.’ લોકમાન્યને મેં તે બતાવી. તેમણે કહ્યું: ‘દાસને પસંદ પડે તો મારો વાંધો નથી.’ દેશબંધુ પીગળ્યા. તેમણે બિપિનચંદ્ર પાલ સામું જોયું. માલવીયજીને પૂરી આશા બંધાઈ. તેમણે ચિઠ્ઠી ઝૂંટવી લીધી. હજુ ‘હા’ના પૂરા શબ્દો દેશબંધુના મોંમાંથી નથી નીકળ્યા તેવામાં તેઓ બોલી ઊઠયાઃ ‘સજ્જનો, તમે જાણીને રાજી થશો કે સમાધાની થઈ ગઈ છે.’ પછી શું જોઈએ? તાળીઓના અવાજથી મંડપ ગાજી ઊઠયો, અને લોકોના ચહેરા ઉપર ગંભીરતા હતી તેને બદલે ખુશાલી ચમકી ઊઠી.
એ ઠરાવ શું હતો એમાં ઊતરવાની અહીં જરૂર નથી. એ ઠરાવ કેમ થયો એટલું જ એને અંગે બતાવવું આ પ્રયોગોનો વિષય છે. સમાધાનીએ મારી જવાબદારી વધારી.