સત્યની શોધમાં/૧૧. ખૂનનો આરોપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૧. ખૂનનો આરોપ

પોતાના પગ નીચેની ધરતી એને માર્ગ દેતી લાગી, ને જાણે કે પોતે કરેલી અનેક કલ્પનાના કોટ-કાંગરા એ ધરતીની ચિરાડમાં સમાઈ ગયા. પોતે માની લીધેલી ભવ્ય દુનિયાના છૂંદા એ બાઘોલાની પેઠે નિહાળતો સ્તબ્ધ ઊભો રહ્યો. બહાર વરસતી મેહધારા અને વીજળીની ગર્જના જાણે કે એના પોતાના આત્મામાંથી જ અવાજો કરતી હતી. હવે એ ગામડિયો નહોતો, પાવરધો બની ગયો હતો. બીજું બારણું ખોલીને એ પેલી વરસતી ઝડીમાં પડેલી, પછાડા મારતી મૃણાલિની પાસે પહોંચ્યો; ધીરે સ્વરે કહ્યું: “બાઈસાહેબ!” “કોણ છે તું?” સ્ત્રી ચમકી. રાત અંધારી હતી. “હું આ ઘરનો એક નાનો નોકર છું.” “તને શું એમણે મોકલ્યો છે?” “ના, મારી જાતે આવ્યો છું. ઊઠો, હું તમને મદદ કરવા આવ્યો છું.” “મારે મદદ જોઈતી નથી. મને અહીં જ મરવા દે.” “અહીં વરસાદમાં શરદી લાગશે.” “મારે મરવું છે. મારે હવે જીવવા જેવું શું રહ્યું છે? મને એણે ફેંકી દીધી છે, ઓ પ્રભુ! હું હવે ક્યાં જઈશ? એણે મને ત્યજી. મારા પ્રાણનો આધાર તૂટી પડ્યો. હું એના વિના ક્યાં જઈ જીવીશ?” “તમે મારી સાથે ચાલો, બાઈસાહેબ! ગાંડાં ન થાઓ.” “મને ગાંડી જ કરી મૂકશે. મારું કપાળ ફોડી નાખ્યું. હું જાણું છું, એ રંડા એને ભૂરકી નાખી જ રહી હતી. હું જાણું છું કે પેલા નૌરંગાબાદના કુમારનાં જ આ કરતૂક છે.” “ઊઠો, ભલાં થઈને ઊઠો. ચાલો.” શામળે એને ઉઠાડી. એના પર છત્રી રાખીને શામળ લઈ ચાલ્યો. પુલ પાસે આવતાં એણે પૂછ્યું: “તું મને ક્યાં લઈ જાય છે?” “તમારે ઘેર.” “ના, મારે કોઈ ઘર નથી. મને આ સામેની હોટલમાં લઈ જા!” પાસે જ આલીશાન સરદાર-બાગ હોટેલ હતી. નીચે ઑફિસ હતી. શામળે જઈને કહ્યું: “આ બાઈને માટે આજની રાત પૂરતો એક ઓરડો જોઈએ છે.” “તમારાં શેઠાણી છે?” “ના રે, બાપ!” “તમારે પણ જગ્યા જોઈએ છે?” “ના, હું એને મૂકીને ચાલ્યો જવાનો છું.” નામઠામ નોંધાવી, ચાવી લઈ એ મુકરર કરેલા ઓરડામાં મૃણાલિનીને લઈ ગયો. એ ત્યજાયેલી કન્યા ત્યાં ઓરડામાં પલંગ પર ઢળી પડીને માથાં પટકી, ધ્રુસકે ધ્રુસકે છાતીના ટુકડા કરવા લાગી. એને હિસ્ટીરિયાનું ફિટ આવ્યું. ગામડિયા શામળે આજે પહેલી જ વાર હિસ્ટીરિયા જોયું. એ ડઘાઈ જ રહ્યો: આવો સુકોમળ દેહ અંદરખાનેથી શું આવી વેદના ભોગવે છે! ઊર્મિઓનાં આટલાં ઘમસાણ સામે એ ટક્કર લઈ શકે છે! એ ગૌર-ગુલાબી સૌંદર્યની સૃષ્ટિનો ઉપલો પડદો ચિરાતાં અંદર શામળે ભયાનક રોગને સૂતેલો ભાળ્યો. એના મોં પર પાણી છાંટી, શુદ્ધિમાં લાવી, શામળે આજીજી કરી: “બાઈસાહેબ, હવે ભલાં થઈને શાંત પડો.” “હું શાંત શી રીતે પડું, ઓ ભાઈ! મારું જીવન નંદવાઈ ગયું. મને કોઈ ઊભવા નહીં આપે. મારી જોડે લગ્ન કરવાના એના કોલ ઉપર દોરવાઈને હું આટલે સુધી ફસાઈ પડી. હવે મારા આ શરીરને લઈને હું ક્યાં જઈશ?” “બાઈસાહેબ, હું એને જઈને સમજાવું છું. મેં એક વાર એનો જીવ બચાવેલ છે. કદાચ એ મારી વાત કાને ધરશે.” “કહેજે, એને કે હું તો મરીશ, પણ એ રાંડ ચૂડેલનું ગળું ચૂસીને મરીશ. અરેરે, બાપ વિનાની અને માએ ત્યજેલી એક અબળા કુમારિકાનો આવો વિશ્વાસઘાત!” શામળ ત્યાંથી નીકળી ગયો, ઑફિસ પર જઈ એણે કહ્યું કે, “ભાઈ, હું જાઉં છું. બાઈની ખબર રાખજો.” પણ ત્યાં કોઈ નહોતું. ‘નંદનવન’માં પહોંચ્યો ત્યારે પરોણાઓની ગાડી ઊપડવા માટે તૈયાર હતી; ગાડીનું મશીન હાંફી રહ્યું હતું. “સાહેબજી! સાહેબજી, દિત્તુભાઈ! ગુડનાઇટ – સ્વીટ સ્લીપ – હૅપી ડ્રીમ્સ!” એવા વિદાય-સ્વરો, ફૂલોની ફોરમ-શા, વાતાવરણમાં મહેકી રહ્યા, ને એ સુર-લોકનાં વાસીઓને ઉપાડીને, રાત્રિની શાંતિ ચીરતી મોટર ચાલી ગઈ. દિત્તુભાઈએ પોતાની સામે જરીક છેટે એક માનવી ઊભેલો દીઠો. પૂછ્યું: “કોણ એ?” “એ તો હું છું, સાહેબ!” “કોણ, શામળ? કેમ અત્યારે?” “હું પેલાં બાઈને હોટેલમાં મૂકવા ગયેલો, સાહેબ!” “ઓહો સરસ કર્યું, શામળ! બલા ગઈ.” એ બોલનાર મોંની મુદ્રા શામળે પરસાળના ઝાંખા અજવાળામાં જોઈ. એ મુખમુદ્રા પર ભૂતાવળના નૃત્યનાં પગલાં પડ્યાં હતાં. “આપને અડચણ ન હોય તો થોડીક વાત કરવી છે, સાહેબ!” “જરૂર, શું છે? કહો.” “એ બાઈની બાબતમાં.” “શું કહેવાનું છે?” “શેઠસાહેબ, એમની સાથેના વર્તાવમાં અધર્મ થયો છે.” “એ રંડા સાથે! અધર્મ!” દિત્તુભાઈ શામળ સામે આંખો ઠેરવી રહ્યો, “તું એ વંઠેલીનું નામ છોડ.” “આપે એનો ત્યાગ ન કરવો જોઈએ, દિત્તુભાઈસાહેબ! આપનો અંતરાત્મા આપને નિરંતર ડંખ્યા કરશે. આપે એને ફસાવીને...” “શું? શું?” આદિત્યની આંખમાં કરડાઈ આવી, “એણે જ તને અહીં પોપટ પઢાવીને મોકલ્યો છે કે?” “એણે વિગતવાર કશું નથી કહ્યું. પણ—” “પણ-બણ છોડી દે, શામળ – એ વાતમાં કશો માલ નથી. એ રંડાને તો મારા જેવા ચાર પ્રેમિકો હતા.” શામળે થોડી વાર મૌન ધાર્યું, પછી કહ્યું: “તે છતાં આપે એક વાર એને વચન આપી એનું કાંડું ઝાલ્યું. હવે એને રસ્તે રઝળતી ને ભૂખે મરતી કેમ કરાય?” “શામળ! તારા ભેજામાં આવું ભૂસું કોણે ભર્યું છે? વારુ, હું એને નાણાં પૂરવાની ક્યાં ના કહું છું? એ જ જો વાત હોય તો તો કશો સવાલ નથી. તને એણે એ કહ્યું છે?” “ના-ના. પણ દિત્તુભાઈસાહેબ! શેઠસાહેબ! એ આપને ઝંખે છે.” “હાં, આપદા જ એ છે ને! એ મને કાચની બરણીમાં પૂરીને ઉપર ડાટો દેવા માગે છે. પણ હું એનાથી કંટાળી ગયો છું. હવે એ મને દીઠી પણ ગમતી નથી.” શામળે આ દુનિયાના સમર્થ, શક્તિવાન, વિજયી લક્ષ્મીપતિની અંદરની વિભૂતિનું દર્શન એ બે વાક્યોમાં કરી લીધું: એનાથી કંટાળી ગયો છું! મને એ દીઠી ગમતી નથી! ભોગવી ભોગવીને સૌંદર્ય શોષી લીધા પછી આ દૈત્ય એક કુમારિકાના કલેવરને ફેંકી દેતો હતો. થોડી વાર શાંતિ ટકી. પછી દિત્તુભાઈ બોલ્યા: “શામળ!” “જી.” “તું પોતે જ એને ન પરણી લે?” શામળ ચમકી ઊઠ્યો. કોઈએ જાણે એને સૂતેલાને સોટો લગાવ્યો. દિત્તુ શેઠ આગળ વધ્યા: “શામળ! તું એને પરણી લે. હું તને આંહીં નાનું એક બિઝનેસ ખોલાવી દઈશ. તને હંમેશનો આરામ થઈ જશે.” “શેઠસાહેબ! દિત્તુભાઈ!” શામળના કંઠમાંથી શ્વાસ ખૂટ્યો. “સાચે જ, શામળ! એ રૂપાળી છે. જરા મસ્તીખોર છે. પણ તને બરાબર ફાવશે.” શામળે સબૂરી રાખી. એ સબૂરીનો લાભ લઈ દિત્તુભાઈએ આગળ ચલાવ્યું: “તને એના પર પ્યાર જન્મશે, જોજે.” “શેઠસાહેબ! મને લાગે છે કે આપ મારો ઇરાદો જ નથી સમજ્યા. હું શા માટે આવ્યો છું, જાણો છો?” “શા માટે?” “આપને કહેવા માટે કે આ બધું દેખીને મારું અંતર કેટલું વલોવાયું છે. હું અહીં તમારી નોકરી કરું છું. તમારા સારુ કંઈનું કંઈ કરી નાખવાના મનોરથો મારા અંતરમાં ઊછળતા હતા. તમારી નજીકમાં રહેવાનું મળતાં હું મારું કેટલું અહોભાગ્ય માનતો હતો. તમારી અઢળક માયા, તમારી મોટાઈ, શેઠાઈ અને તમારી આસપાસની આવી સુંદર દુનિયા – એ બધાંને હું તમારી કોઈ મહાન પુણ્યાઈનું ફળ સમજતો હતો. ભગવાને તમને કોઈ પરમ લોકસેવાના બદલામાં તમારાં રૂડાં શીલ પર ત્રૂઠમાન થઈને આ સમૃદ્ધિ સોંપી હશે એમ મારું માનવું હતું. પણ હવે મને ઊલટી ખબર પડી – કે તમે તો દુર્જન છો.” “ઓહો!” દિત્તુભાઈ કરડાકીમાં હસ્યા, “આ તો ધર્માત્મા!” “મને તો કેટલો ત્રાસ છૂટી ગયો છે—” “આમ જો, શામળ!” દિત્તુ શેઠનું ધૈર્ય ખૂટી ગયું. “તને અહીં કોણે આ ઉપદેશ કરવા મોકલ્યો છે?” શામળ તો એની ધૂનમાં બોલ્યે ગયો: “મને તો અચરજ થાય છે કે આમ કેમ બને? પ્રોફેસર ચંદ્રશેખર કહેતા હતા કે તમે સહુ જગતના લાયક, સમર્થ, સ્તંભરૂપ માનવીઓ છો. પણ તો પછી તમારા કરતાં ચડિયાતા શીલના લોકોને કેમ તમારા જેવી સંપત્તિ ન મળી? કેમ એ કંગાલો રહ્યા? આમાં લાયકીની વાત જ ક્યાં રહી?” “જો સાંભળ, શામળ!” દિત્તુભાઈએ આરામખુરશીમાં પડીને હસતાં હસતાં કહ્યું, “હું શેઠ છું, તું ચાકર છે. મારામાં સંસ્કાર ને સભ્યતા છે, તું ગામડિયો રઝળુ જુવાન છે, ને છતાં તું મારાં કૃત્યો પર ન્યાય તોળવા બેસી જાય છે? તારી ફરજ એક જ છે: મારા નિર્ણયને માથે ચડાવવો. જો મારા દરેક આચરણને તારી પાસે પસંદ કરાવવા આવવું પડે, તો તો પછી તું માલિક ને હું ચાકર; તો તો પછી મારા પૈસાનો પણ તું જ કબજો લઈ લેને!” “દિત્તુભાઈસાહેબ! મારા કહેવાનો હેતુ એ નથી. હું તમને મારી વેદના સ્પષ્ટ સમજાવી શક્યો નથી. પણ—” “પણ શું?” “આ દારૂ, આ છાકટાપણું, આ બધું બરાબર નથી.” “વારુ, તો પછી તારું શું કહેવું છે?” ઘડીભર મૌન છવાયું. પછી આદિત્યે સાફ સંભળાવ્યું: “શામળ, હું દુનિયાને ઊંચે આસને છું, ને ઊંચે જ રહેવાનો છું. હું ફાવે તે કરીશ, દારૂય પીશ, ને રંડીબાજીય કરીશ. તારે ફક્ત મારા હુકમો ઉઠાવવાના છે અને તને સોંપેલ કામ જ કરવાનું છે. બોલ, તને પાલવશે?” “જી! મને લાગે છે કે મારે આપની નોકરી છોડવી પડશે.” “બહુ સારું. પછી કાં તો તારે ભૂખ્યા રહી મરી જવાનું રહેશે, અથવા તો મારા જેવા કોઈ બીજાની નોકરી સ્વીકારી એના હુકમો ઉઠાવવાના રહેશે. તારા અભિપ્રાયો તારે તારા ખિસ્સામાં જ રાખવા પડશે. સમજ્યો?” “હા જી. સમજ્યો.” “સારું, તો હવે જા; ઇચ્છા હોય તો તું અત્યારથી જ છૂટો છે. ને જઈને મૃણાલિનીને કહેજે કે મને મોં ન બતાવે. એને માસિક બસો રૂપિયા મળ્યા કરે એવી તજવીજ હું કરું છું, ને એ બંદોબસ્ત પણ એ જ્યાં સુધી મને નહીં રંજાડે ત્યાં સુધી જ ચાલુ રહેશે. મને જો કાગળની ચબરખી પણ લખશે, કે એના પ્રેમનું પ્રદર્શન કરવા અહીં આવશે, તો એને મળશે – હડસેલો. કહેજે જઈને.” “સારું.” “ને તારે પણ તારું સ્થાન સમજી લેવાનું છે. ફરી વાર તારે તારો દરજ્જો ભૂલવાનો નથી.” “સારું, સાહેબ.” શામળ બહાર નીકળી ગયો. એની સૃષ્ટિમાં કંઈક ઊથલપાથલ મચી હતી. વારંવાર બાંયો ચડાવીને પોતે જે ઉદ્યમને, પુરુષાર્થને, ધંધાને અભિમાન ધરી ચાહતો હતો, તેના તરફ આજ એને ધિક્કાર છૂટ્યો. પરસેવો નિતારીને પ્રાપ્ત કરેલી રોટીમાં પણ વિશુદ્ધિ ક્યાં? નેકી ક્યાં? જગતનું કલ્યાણ ક્યાં? એ પ્રશ્ન એને ગૂંગળાવી રહ્યો. જેલમાં ગયો તે દિવસે જેમ કાયદો અને ઇન્સાફની પોતે માની લીધેલી પૂજનીયતાનો પડદો ચિરાઈ ગયો અને પ્રજાપીડનની આખી યંત્રમાળ ઉઘાડી પડી, તેમ આજે પણ પોતે માનેલા વિભૂતિમાન સમાજસ્તંભના પોલાણમાં સાપ ફૂંફાડતા દીઠા. દોડતો એ પાછો હોટેલમાં આવ્યો. પેલી ઓરડી પર જઈ એણે ટકોરા દીધા. કોઈ ન બોલ્યું. “બાઈસાહેબ!” કોઈએ જવાબ ન દીધો. “બાઈસાહેબ! ઉઘાડો! ઉઘાડો! હું જરૂરી કામે આવ્યો છું!” કશો સળવળાટ નહોતો. એણે કાન માંડ્યા. નિદ્રાનો શ્વાસ પણ કોઈ નહોતું લેતું. ડરતાં ડરતાં એણે દ્વાર હડસેલ્યું. દ્વાર ઊઘડ્યું. એણે અવાજ દીધા. કોઈ નહોતું. અંધારે પલંગ સુધી જઈ એણે પથારીમાં હાથ ફેરવ્યો. “ઓય!” કહેતાં એની ચીસ ફાટી ગઈ. એ હટ્યો. પથારીમાં એના હાથને કશાક ગરમાગરમ, ભીના અને ચીકણા પદાર્થનો સ્પર્શ થયો. એ બહાર ધસ્યો. દીવાને અજવાળે જઈ હાથ ઉપર નજર કરતાં તો એને આંખે અંધારાં આવ્યાં. પોતાનો હાથ લોહીમાં તરબોળ દીઠો. “દોડો! દોડો!” એણે બૂમ પાડી. એ નિસરણી ઊતરીને નીચે ગયો. હોટલનો માલિક દોડતો આવ્યો. શામળે કહ્યું: “જુઓ તો ખરા, એ બાઈએ શું કર્યું છે?” સહુએ આવીને બત્તી પેટાવી, બાઈનું કલેવર લોહીના પાટોડામાં પડ્યું છે. એના ગળા ઉપર મોટો ચીરો છે. શામળે આંખો આડા હાથ દીધા. દરમ્યાન હોટલનો માલિક એની સામે તાકી રહ્યો હતો. કહ્યું: “આ જુઓ છો કે, મિસ્તર?” “આ શું છે?” “મિસ્તર, તમને આ ક્યારે ખબર પડી?” “હમણાં જ; હું અહીં આવ્યો ત્યારે.” “તમે બહાર ગયા હતા?” “હા જ તો. અમે આવ્યાં, ને હું આ બાનુને મૂકીને જ પાછો ગયો.” “મેં તમને જતા જોયા નથી.” “ના, હું નીચે ઑફિસે આવેલો, પણ તમે ત્યાં નહોતા.” “ઠીક, એ બધું પોલીસને કહેજો.” “પોલીસ!” શામળે ભયભીત બની પડઘો દીધો, “તમે શું એમ માનો છો કે આ મેં કર્યું છે?” “એ મને શી ખબર? હું તો એટલું જાણું છું કે તમે એને અહીં લાવેલા. તમારે પોલીસના આવતાં સુધી રોકાવું પડશે.” અરધા કલાક પછી શામળ પોલીસચકલા તરફ ચાલ્યો જતો હતો. એની બંને બાજુએ બે પોલીસો એનાં બાવડાંને કસકસતાં ઝાલીને ચાલતા હતા. આ વખતે એની સામે આરોપ હતો – ખૂનનો!