સત્યની શોધમાં/૬. પ્રોફેસરનું તત્ત્વજ્ઞાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬. પ્રોફેસરનું તત્ત્વજ્ઞાન

સવારે ઊઠીને એ પીઠા ઉપર પહોંચી ગયો. પોતાને ખવરાવનાર દોસ્ત ત્યાં ઊભો હતો. એ દારૂવાળાને આ તરવરિયા જુવાનના હાવભાવમાં કોઈ અજબ રસ પડી ગયો હતો. “કાલે તો હું ન આવી શક્યો, ભાઈ!” શામળે કહ્યું, “મને તો જેલમાં ઉઠાવી ગયેલા.” “ઠીક થયું. રાતે વરસાદ હતો ને ઠંડી પણ બહુ જ લાગતી હતી. પણ હવે તો તું જલદી શહેર બહાર નીકળી જા, બચ્ચા!” “ના રે ના, મને માજિસ્ટ્રેટે એક રૂપિયો આપ્યો.” “એક રૂપિયો બેઠો નહીં રહે.” “પણ મને ધંધો અપાવવાનું વચન આપ્યું છે પ્રોફેસર ચંદ્રશેખરે. મોટા વિદ્વાન છે ને તમારા શહેરની મોટીબધી કૉલેજમાં ભણાવે છે.” દારૂવાળો હસ્યો: “હા સાચું. મોટુંબધું પેટ; મોટાં મોટાં ચશ્માં; મોટો મોટો ઘાંટો; ધારાસભાની અને સુધરાઈની ચૂંટણીમાં મોટા ટેબલ પર ચડી દારૂની સામે મોટાં મોટાં ભાષણ કરે. પછી ચૂંટાય, એટલે અમારા શેઠ પાસેથી મોટી મોટી બક્ષિસો લ્યે. હા-હા-હા-હા.” દારૂવાળાને ખૂબ હસવું આવ્યું. શામળ કશું બોલ્યો નહીં. પણ પોતાના તારણહાર ચંદ્રશેખરની આવી વગોવણીને લીધે તેનું દિલ કચવાયું. એણે ઝભ્ભો ઉતારી પાયજામાની બાંયો ઊંચે ચડાવી પીઠાની ભોંય એક ગૂણપાટના ટુકડા વતી ઘસી સાફ કરવા માંડી. આગલી રાતના છાકટાઓનાં તોફાનથી દારૂ ઢોળાયાને લીધે પીઠાની બદબો સહી જાય તેવી નહોતી. પણ પુરુષાર્થની સુગંધ શામળના અંત:કરણને એવી તો ભભકભરી ઘેરી રહી હતી કે, બીજી બદબો એને સ્પર્શી શકી જ નહીં. એ તો પોતાના ઉઘાડા શરીરની પેશીદાર ભુજાઓ સામે જ તાકી રહ્યો હતો. મહેનતના બદલામાં શામળને નાસ્તો મળ્યો. પેટ ભરીને એ મુકર વખતે પ્રો. ચંદ્રશેખરને ઘેર પહોંચ્યો. બારણું ખખડાવતાં એક બાઈ આવીને ઊભાં રહ્યાં; પૂછ્યું: “કેમ, કોનું કામ છે?” “પ્રોફેસરસાહેબનું.” “એ તો નવીનાબાદ ગયા છે.” શામળના પેટમાં ફાળ પડી: “ક્યારે ગયા?” “કાલે રાતે.” “ક્યારે આવશે?” “ત્રણ દિવસ પછી.” શામળના મોં પરથી વિભૂતિ ઊડી ગઈ. “અરેરે! મારું કંઈ નથી કહી ગયા? મને આજ તો ધંધે લગાડવાની એમણે વાત કરેલી.” “એ આવે ત્યારે આવજો.” “પણ મારે ત્રણ દિવસ ખાવું ક્યાં?” બાઈ કશું સમજતી ન હોય તેવી નજરે આ ગામડિયા છોકરા સામે તાકી રહી. કોઈપણ માનવીને બીજા મનુષ્યના વચનને આધારે રહેવાથી – ને પ્રોફેસરસાહેબની ત્રણ જ દિવસની ગેરહાજરીથી ભૂખમરો વેઠવો પડે એ વાત જ બાઈને ગળે ઊતરી નહીં. એના હાથ આફૂસકેરીના રસવાળા હતા. બારણું બંધ કરીને એ અધૂરી મૂકેલી આફૂસ કાપવા ચાલી ગઈ. શામળે ઘેર જઈને તેજુની બાને પોતાના સંકટની વાત કરી. રોજેરોજની રાબ લાવીને રાંધી ખાનારાં આ કંગાલોની કને એક શામળને સારુ પણ ત્રણ દિવસનો મફત રોટલો નહોતો. પણ તેજુની બાએ શામળને એક કામ બતાવ્યું. ઘરની પછવાડે નાનો-શો વાડો હતો. એ ખોદી ખેડીને ત્યાં રીંગણી, ભીંડો અને કારેલાંના વેલા રોપવાનું કામ શામળને સોંપ્યું. ચોમાસું ઉપર આવતું હતું એટલે તેજુની માને એમાંથી બે પૈસા રળવાની આશા હતી. શામળને તો પોતાની ભુજાઓને ઉદ્યમ મળે અને પેટને એ ઉદ્યમનો રળેલો રોટલો મળે, એટલે જાણે કે જગતનું રાજ મળ્યું હોય તેવી મગરૂબીનો કેફ ચડતો. જેનાં કાંડાંબાવડાંમાં દૈવત છે, ને જેને પરસેવાનો રોટલો રળવાની ખરી દાનત છે, એને જગત ભૂખ્યો ન જ સુવાડે, આવી એની આસ્થા હતી. પગલે પગલે નડતી સંકડામણોની વચ્ચે જ્યારે એ પોતાનો માર્ગ જોતો, ત્યારે એની આસ્થામાં બસ નવું દિવેલ પુરાયે જતું. સાંજે-સવારે તેજુ શામળને ઉઘાડે બદને કોદાળી-પાવડા અને તીકમ લઈ મહેનત કરતો નિહાળતી, ત્યારે એને ત્યાંથી ખસવાનું મન નહોતું થતું. જુવાન ગામડિયાના દેહમાં કોદાળીને પ્રહારે પ્રહારે ચણોઠી જેવું રુધિર છોળો લેતું હતું. કોઈ સારા સલાટે કંડારેલ પૂતળા જેવા એ દેહને જોઈ જોઈ તેજુની મા છાનો નિસાસો નાખીને બોલતી કે, “અરે માડી! તેજુના બાપની કાયાયે આવી જ હતી ના! પણ ભુક્કા થઈ ગયા. આ બાપડાનીય એ જ વલે થાવી લખી હશેના!”

ત્રણ દિવસ પછી જ્યારે શામળ ફરી વાર ત્યાં ગયો, ત્યારે પ્રો. ચંદ્રશેખર જમતા હતા. શામળે એમનું આપેલું કાર્ડ અંદર મોકલ્યું. પ્રોફેસરે નોકરને કહ્યું: “એને મારી લાઇબ્રેરીવાળા ઓરડામાં બેસાડ.” શામળને પણ જમવાનો સમય થયેલો છે, એ વાત શામળ સિવાય કોઈને સૂઝી નહીં. લાઇબ્રેરી-રૂમની બાજુમાં જ ટ્રંકો, પેટીઓ, કપડાંલત્તાં ઇત્યાદિનો ખંડ હતો. પ્રોફેસરનાં પત્નીએ નોકરને કહ્યું કે, “એ બે ઓરડા વચ્ચેનું બારણું બરાબર બંધ છે કે? જોજે હાં!” શામળને પોણોએક કલાક એકલા બેસવાનો મળ્યો. પોતે જીવનમાં આવડો મોટો ગ્રંથભંડાર પહેલી જ વાર દીઠો. દેખીને એ તો ડઘાઈ જ ગયો. ચારેય દીવાલો પુસ્તકોના ઘોડા અને કબાટોથી ભરચક હતી. રંગરંગનાં સોનેરી ને રૂપેરી, નાનાં અને મોટાં, અજબ નામવાળાં પુસ્તકોની નરી દુનિયા: એવા અગાધ જ્ઞાન-સાગરમાં નિરંતર નહાયા કરનાર આ વિદ્વાનનો પ્રભાવ એ જુવાનને આંજવા લાગ્યો. પોતે કોઈ પરમ તીર્થસ્થાનમાં, કોઈ ગંગોત્રીનાં પવિત્ર જળ ચાખવા આવ્યો હોય એવું થયું, કોઈ અબધૂત જ્ઞાનયોગી અહીં જાણે કે સૃષ્ટિનું સત્ય વલોવી રહેલા છે. હેરત પામવું, અંજાઈ જવું, પારકાના પ્રભાવ પાસે નમી પડવું, એ આ જુવાનની પ્રકૃતિ જ હતી. હરકોઈ ધર્મસંપ્રદાયના સાધુમુનિમહારાજોને જોતાં જ શામળ તેઓનાં તપ, શિયળ અને પરોપકારી જીવનની બુલંદ કલ્પનાઓ કરીને નમી પડતો. એ બધા એને પામર સંસારીજનોના રક્ષપાલ ગોવાળો જેવા દેખાતા. મંદિરો, મૂર્તિઓ, પૂજાવંદનાઓ અને દેવસવારીઓ, ધર્મના ઉત્સવો, શણગારો, ભપકાઓ અને ઝઘડાઓ સુધ્ધાંમાં શામળને માનવ-કલ્યાણની કો પરમ સાધનાઓ લાગતી. ન્યાયની અદાલતો અને ન્યાયાધીશોને, પોલીસોને તથા પલટનોને એ સમાજના રક્ષકો લેખતો. એટલે જ તે દિવસે કેદમાં પડતાં એને જીવતર પર કાળી ટીલી ચોંટ્યા જેવું લાગેલું. અને એટલે જ આ દેશના નવજુવાનોને જ્ઞાનદીવડા દેનાર મહાન વિદ્યાલયના પુરોહિત સમા પ્રોફેસરનો સમાગમ પામવામાં શામળ પોતાનું અહોભાગ્ય માની રહ્યો હતો. આખા બંગલાના ખંડેખંડમાં ગાજી ઊઠે તેવા જોરદાર ઓડકાર ખાતા, માથા પરનો લાંબો ચોટલો ઝુલાવતા, ચકચકિત ચશ્માંને લૂછતા લૂછતા ભવ્ય મુખમુદ્રાવાળા પ્રોફેસર જમી કરીને આવી પહોંચ્યા; પૂછ્યું: “કેમ છો, મિસ્તર?” “સારું, સાહેબ.” “મારે બહુ અગત્યના કામે ઉતાવળે ચાલ્યા જવું પડેલું, હાં કે? તમારે મારા સારુ તો આંહીં શહેરમાં રોકાઈ નથી રહેવું પડ્યુંને?” “આપના સારુ જ તો, સાહેબ! મારે આંહીં બીજું શું કામ હતું?” “હું તો બહુ દિલગીર છું, ભાઈ, કે તમને હું કશો ધંધો નહીં અપાવી શકું.” શામળ જાણે શુક્રના તારા પરથી પછડાયો. “વાત એમ હતી કે મારા સાળાની ભત્રીજીને ત્યાં એક નોકરની જરૂર હતી, પણ એ જગ્યા તો પુરાઈ ગઈ છે.” શામળને હજુ શુદ્ધિ નહોતી આવી. “—ને એ માણસ સારું કામ આપે છે, એટલે એને કાઢી પણ થોડો મુકાય છે?” પ્રોફેસરની એક પછી એક દલીલોએ પોષ માસના ઠંડા પવનની પેઠે શામળને થિજાવી નાખ્યો. “બીજી કોઈ જગ્યા મારા ધ્યાનમાં નથી, એટલે હું દિલગીર છું.” “પણ ત્યારે મારે શું કરવું?” શામળ સમજ્યા વિના જ સવાલ કરી બેઠો. પ્રોફેસર પાસે કશો જવાબ નહોતો. “સાહેબ!” શામળ સંચાની પેઠે બોલતો હતો, “ધંધા વિનાના ને ભૂખમરો વેઠતા માણસે શું કરવું, એ કહેશો?” “ભગવાનને ખબર, ભાઈ!” એ કહેવાની જરૂર નહોતી. ભગવાન પર તો શામળને પણ અંનત શ્રદ્ધા હતી. પ્રોફેસરને પણ પછી સાંભર્યું કે પોતાનો જવાબ અધૂરો હતો. એણે સ્પષ્ટ કર્યું: “જોને ભાઈ, આ લક્ષ્મીનગરના સંજોગો જ અનોખા છે. લક્ષ્મીનંદન શેઠે કાચનો આખો ઉદ્યોગ એકહથ્થુ કરવા સારુ થઈને ઢગલાબંધ કારખાનાં ખોલ્યાં, એટલે માલનો જથ્થો વધી પડ્યો; તે ઉપરાંત દસ જણની જગ્યાએ અક્કેક સંચો પૂરો પડે એવાં મશીનોની શોધ થઈ. એટલે માણસો કમી કરવા પડ્યા.” “પણ એ કમી થયેલાએ કરવું શું?” “બીજા ધંધામાં જવું.” “પણ કાપડની મિલોય અડધા દા’ડાનું કામ કરે છે.” “હા. મિલોય વધી પડી છે.” “પણ એમ તો સરવાળે બધું જ વધી પડશે.” “જો, ભાઈ શામળ!” પ્રોફેસરે શામળને આ આખા પ્રશ્નમાં રસ લેતો દેખીને જરા ઊંડાણ ભેદવા માંડ્યું, “સાચી વાત એ છે કે માણસો બહુ વધી પડ્યા છે. દુનિયામાં માણસોની ભીડાભીડ થઈ પડી છે.” શામળના અંત:કરણ પર કોઈ ભીષણ પડછાયો પડ્યો. પ્રોફેસરે જ્ઞાનનો દીવો તેજ કરવા માંડ્યો: “અમારા એક મહાન તત્ત્વદર્શી – નામે માલ્થસ – થઈ ગયા. એ કહી ગયા છે કે અનાજની નીપજ કરતાં હમેશાં લોકસંખ્યાનું પ્રમાણ વધતું જ જવાનું. એટલે એ વધારાના લોકોને ખેસવવા જ રહ્યા.” “એ તો જુલમ કહેવાય.” “હા, વ્યકિત પરત્વે જુલમ; પણ આખી પ્રજાનું – માનવજાતિનું – તો એમાં શ્રેય જ રહેલું છે. જીવનનો એ જ ક્રમ છે.” શામળ જાણે કે આ ગહનતાને સમજવા તલસતો હતો. પ્રોફેસરે સ્પષ્ટીકરણ કર્યું: “જોને ભાઈ, કુદરત શું કરે છે? અપરંપાર જીવોને જન્માવે છે. માછલી લાખો ઇંડાં મૂકે. ચોમાસે લાખો લીલા રોપ ફૂટી નીકળે. પણ પછી? મોટાં થાય ત્યારે તો જીવવા લાયક હોય તેટલાં જૂજ જ જીવે, બાકીનાં ખતમ થઈ જાય. એમ જ સમજવું માનવીનું. જન્મે લાખો, પણ લાયક હોય તેટલા જ જીવે. મરે છે તેની તો સમગ્ર જાતિના શ્રેય ખાતર પવિત્ર આહુતિ જ અપાય છે ને, ભાઈ! કમજોરોને જીવવાનો હક પણ શો?” પ્રોફેસર ખીલી ઊઠ્યા છે. એ જ્ઞાનધારા સામે શામળ આભો બની રહેલ છે. ‘લાયક હોય તેટલા જ જીવે’, ‘મરે છે તેની તો માનવજાતિના કલ્યાણ સારુ પવિત્ર આહુતિ જ અપાય છે!’ ‘કમજોરોને જીવવાનો હક નથી.’ આહાહા! આ પરમ સત્યો પહેલી જ વાર શામળને કાને પડ્યાં, આખી સમસ્યાઓને ચચ્ચાર આઠ-આઠ શબ્દોમાં સમાવી લેતાં શાં આ વિદ્વત્તાનાં વિધાનો! પોરે પોરે શામળ કહેતો ગયો કે “ખરું, સાહેબ! બરાબર, સાહેબ! હું સમજ્યો, સાહેબ!” “આ તો જીવનનો – કુદરતનો નિયમ છે, સમજ્યોને ભાઈ!” પ્રોફેસરને એક સરસ શિષ્ય સાંપડ્યો. “આપણે ધર્માદા સખાવતો વગેરે કરીને કુદરતની સંહારલીલામાંથી થોડાંને ઉગારવા મથીએ છીએ, પણ એ કુદરતની વિરુદ્ધ પગલું ભરાય છે. ઊલટું એથી નિર્માલ્યોને, નકામાંને, વધારાનાંને બચાવી લેવાથી આપણે માનવજાતિનું અનિષ્ટ કરીએ છીએ.” “બરાબર છે, સાહેબ.” એટલું કહીને શામળે એક નિ:શ્વાસ મૂકી હૈયાનો ભાર હળવો કર્યો. પોતે કેવો નિરર્થક મૂંઝાતો હતો! સમસ્યા કેટલી સરળ હતી! આ બધી તો કુદરતની કલ્યાણમય સંહારલીલા છે. તેમાં ખોટો ઉત્પાત શો? થોડાં જંતુઓ કે માનવો મરી જાય, તો તેમાં વલોપાત કરવાનું શું છે? કુદરત કદી ચૂક કરતી જ નથી. એ પ્રોફેસરનો બોલ હતો. “ત્યારે તો, સાહેબ!” શામળે દાખલો ગણી કાઢ્યો, “આ ધંધા-રોજગારથી બાતલ થયેલાં બધાં જીવનના સંગ્રામમાં નાલાયક નીવડેલાં તે જ છે ના?” “હાં, શાબાશ! તમને ચાવી જડી ગઈ,” પ્રોફેસરે ઉલ્લાસ દાખવ્યો, “જુઓને, અમારા ધુરંધર સત્યશોધક શ્રી હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે કે, ‘શિકારને પકડવાની કમતાકાત, એટલે જ આદર્શની સિદ્ધિથી પુરુષાર્થનું વેગળાપણું’. આંહીં આપણા જગતમાં ‘શિકાર’નો અર્થ અલબત્ત ‘ધંધોરોજગાર’ સમજવાનો.” “ત્યારે તો ધંધોરોજગાર જેઓને જડે છે તેઓ બધા જીવવાને લાયક, ખરું? આ લાખો-કરોડો રળનારા શ્રીમંતો સર્વથી વધુ લાયક, ખરું?” “એં.... હાસ્તો!” પ્રોફેસરની જીભમાં જરીક લોચો વળ્યો. “બસ, ત્યારે તો મારા મનનો ગૂંચવાડો ઊકલી ગયો, આખી સમસ્યા સહેલી થઈ ગઈ – કે હું ધંધારોજગારથી બાતલ છું, એટલે મારે મરવું જ રહ્યું.” પ્રોફેસર તાકી રહ્યા. શામળ કટાક્ષ તો કરતો નથીને! ના, ના, છોકરો બિચારો નિખાલસ દિલે બોલે છે. એ ખરા જિગરથી સત્યની શોધમાં છે. “સાહેબ, આપે મને સમજ પાડી એ તો સરસ થયું, મારી ભ્રમણા ભાંગી ગઈ. પણ મારા જેવાં પેલાં લાખોને આ પરમ સત્યની સમજ પાડીને દિલાસો કોણ દેશે? એ ભૂખે મરતાંને કોઈ જો એટલું બતાવે કે એમના આ મૃત્યુ થકી માનવજાતનું કલ્યાણ થઈ રહેલ છે – તો એ બધાં કેવી મોજથી ને કેવા માનથી મરી શકે! એને કોઈ કાં ન કહે?” “ના, ના, એવું કહેવાથી એ લોકોને ઊંડો આઘાત થાય, ક્રૂર હાંસી જેવું લાગે. અમારાથી – જીવનમાં ફતેહ પામેલાઓથી – એવું તેઓને ન કહેવાય.” “શા સારુ નહીં? તમારી ફતેહ તો તમે તમારી લાયકાત વડે મેળવી છે ને! તમે ક્યાં ચોરી કરી છે? તમારા વિદ્યાલયને મોટા શ્રીમંતોએ જ ઊભું કર્યું હશે, ને તમને પણ એ લોકોએ જ નીમ્યા હશે.” “હા, એમ તો ખરું જ ને?” “બસ ત્યારે. જીવનમાં વિજય પામેલા એક લાયક માનવી તરીકે તમારે પેલાં હજારો નાલાયક, નિર્માલ્ય, બેકારો કને જઈ કહેવું જોઈએ કે ભાઈ, તમે બેહદ વધી પડ્યા છો, તમારી જરૂર નથી. તમને ખેસવવા જ રહ્યા. તમે કુરબાની કરો.” “હેં-હેં-હેં-હેં!” પ્રોફેસર હસી પડ્યા. શામળ બોલ્યો: “હસવું સહેલું છે પ્રોફેસરસાહેબ, અમારા જેવા પીડાતાઓની પીડા પારખીને એનો ઇલાજ બતાવવાનું આપને નથી સૂઝતું. શા માટે સૂઝે? આપને રહેવા બંગલો ને જમવા ફૂલકાં છે. આપ વિચાર તો કરો, આપ આ ખરું જ્ઞાન નથી પહોંચાડતા તેને કારણે કેટલાં નિરર્થક રિબાઈ રહેલ છે? હું જેને ઘેર ઊતર્યો છું તે બાઈની દીકરી ટીપે ટીપે ખલાસ થઈ રહી છે. એનાં બચ્ચાંને રોટી નથી છતાં આ જ્ઞાનને અભાવે એ બધાં કોઈ ઉદ્ધારની આશાને તાંતણે ટીંગાતાં ટીંગાતાં, રિબાતાં, તસુ તસુ પ્રાણ કપાવતાં જીવે છે. એને નથી માલૂમ કે, એ બધાં કુદરતી યોજના અનુસાર જ નાલાયક ઠરી ચૂકેલાં છે. નથી માલૂમ, તેથી તો એ કંગાલો જીવાદોરી ઝાલી રાખવા મથે છે, છોકરાં જણે છે, રોગ અને ભૂખમરો ભોગવે છે, બદી ફેલાવે છે, અંધારી ગંધારી ચાલીઓમાં ખદબદે છે. આ બધું શા કારણે? તમે એક વાર જઈને ભેદ બતાવો – કે ‘જગત ઊભરાઈ ગયું છે, માટે તમે ખસી જઈને અમને સમર્થોને જગતનું હિત કરવાની તક આપો’, તો એમની દૃષ્ટિ આડેનાં પડળ ખસી જાય – ને એ ખોટી લાલચે જીવવાને બદલે વેળાસર પતી જવાનું જ પસંદ કરે. પણ તમને સમર્થોને અમારી શી પડી છે? તમારું સત્યદર્શન, તમારું તત્ત્વચિંતન અમને શા ખપનું? તમે સ્વાર્થી છો. તમારા દીવા ઉપર પાલી ઢાંકીને બેઠા છો!” પ્રોફેસરને ન સૂઝ્યું કે આ ઉદ્ગારોથી રમૂજ પામવી, રોષ કરવો, કે અંતસ્તાપ અનુભવવો. એણે ચુપકીદી ધરી. શામળને તો જાણે નવાં દિવ્ય ચક્ષુ સાંપડ્યાં. એને દુ:ખિતોનાં દુ:ખોનો ટૂંકો અંત સ્પષ્ટ દેખાયો. કુદરતના કાનૂન આટલા ઉઘાડા અને અટલ છે એની જાણ થઈ. “ભાઈ શામળ!” પ્રોફેસરે વાર્તાલાપની સમાપ્તિ કરી, “તને નારાજ કરવા બદલ હું દિલગીર છું. તને હવે થોડા પૈસાની મદદ કરી શકાતી હોય—” “ના જી,” શામળ બોલી ઊઠ્યો, “આપે મને પૈસા આપવા જ ન જોઈએ. એ તો સખાવત કહેવાય. ને સખાવત વડે કંગાલોને જીવતા રાખવા એ તો કુદરતની વિરુદ્ધનું કામ.” “હાં, હાં,” પ્રોફેસર ઝંખવાણા પડ્યા, “પણ તેં કહ્યું ને કે તું જમવાનું પામ્યો નથી. તો ચાલ રસોડામાં, જમી લે.” “પણ સાહેબ, એમ ખરા નિકાલને મુલતવી રાખવાની શી જરૂર છે? તમે જે ઉપદેશ નથી કરવા જતા, તે મારે જ કરવો છે. ને હું એની અત્યારથી જ શરૂઆત કરીશ.” “પણ ખાલી પેટે તું કેવી રીતે ઉપદેશ કરી શકીશ?” “મોઢે બોલીને નહીં, પણ આચરીને જ ઉપદેશ કરવો છે મારે. એટલે હું જ જગત સમસ્તના હિતાર્થે મારા દેહની આહુતિ આપતો આપતો મારા જેવા બેકારોને એ જ્ઞાન દઈશ.” શામળ ગયો. પ્રોફેસર પોતાના ટેબલ પર કામે ચડ્યા. એની સામે પોતાના નવા લખેલ પુસ્તકની હસ્તલિખિત જાડી પ્રત હતી. એના ઉઘાડા પાના પર મોટે અક્ષરે લખ્યું હતું: ‘પ્રકરણ ૫૩મું: બેકારી અને સામાજિક જવાબદારી’. એ મથાળાની સામે પ્રોફેસર ચંદ્રશેખર તાકી રહ્યા – તાકી જ રહ્યા.