સત્યની શોધમાં/૫. તેજુની બા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫. તેજુની બા

આજ હવે ક્યાંય ઉઘાડા દરવાજાના અંધારા રસ્તામાં ભરાવું નથી. ખીસામાં પંદર આના પડ્યા છે. કોઈ ગરીબ લત્તામાં જઈને જોઉં, ક્યાંય પૈસાવડીએ આશ્રય મળે છે? આલેશાન હવેલીઓ અને ઝરૂખા-અટારીઓની દિશા છોડીને શહેરને બીજે છેડે, એક મજૂર-ચાલ નિહાળતો શામળ ચાલ્યો. એક બારણામાં એક આધેડ સ્ત્રી ઊભી હતી: દૂબળી અને થાકેલી દેખાતી, છતાં સ્વચ્છ અને માયાળુ મોંવાળી. એ માયાળુ મુખમુદ્રાને ભરોસે શામળના પગ થોભ્યા. એણે પૂછ્યું: “માડી, આંહીં ક્યાંય એક ઓરડી ભાડે મળશે?” “કેટલા દા’ડા માટે જોઈએ છે?” બાઈએ પૂછયું. “એ તો નક્કી નથી. આજની રાત તો રહેવું છે. ને કાલે જો ધંધો મળી જાય તો કાયમ રહું.” “ધંધો? આંહીં લખમીનગરમાં?” બાઈ ચકિત બની. “હા, મને એક કહેણ મળ્યું છે.” “ઓરડી તો મારે ત્યાં ભાડે દેવાની બે છે. પણ આ કાચનું કારખાનું બંધ પડ્યું, ભાડૂત જાતાં રહ્યાં, મારા ચડત ભાડાના ત્રણ રૂપિયા પણ ન ચૂકવ્યા. કોનો વિશ્વાસ કરવો?” “તમે પણ દેશમાંથી આવેલ લાગો છો!” “હા માડી, અમેય ગામડે ખેડ્ય કરતાં. ખેડ્ય ભાંગી ગઈ ને કોકનાં ભોળવ્યાં આંહીં આવ્યાં. છોકરાંનો બાપ આ લખમીનંદન શેઠના કારખાનામાં કાચ ફૂંકવાનું કામ કરતો. રોજના રૂ. પાંચ મળતા, પણ એને ધગધગતા કાચના રસની મોટી ટાંકી પાસે કામ કરવું પડતું. જીવતાં શેકાઈ જાયેં એવી આગ. એક વાર એની આંખે અંધારાં આવ્યાં, ને ધગતા કાચની મોટી શિલા માથે પડ્યો, મોં દાઝીને ખોળ ઊતરી ગઈ. ઇસ્પતાલે લઈ ગયા. ત્યાં એની એક આંખ ખોટી પડેલી કહીને કાઢી લીધી. સાજો થઈને પાછો આવ્યો, પણ વરસના ચાર જ મહિનાની મોસમ લેવાની ખરીને, અને આ છોકરાં નાનાં, એટલે પેટગુજારાનું કશું સાધન નહીં; તે કાચે જખમે કામ ઉપર ગયો. આ એમાં એનો જીવ નીકળ્યો. બે વરસ વીતી ગયાં. મને કોઈએ કશી નુકસાની દીધી નહીં. ઓણની સાલ તો સાવ બેઠાબેઠ જાય છે. કારખાનાં બંધ થાય છે. જાણે આખી દુનિયાને ધબોધબ તાળાં દેવાતાં આવે છે. માણસો તે હવે ક્યાં જાશે?” શામળ સાંભળી રહ્યો. એને માટે આ બધી જ કથા નવી હતી. બાઈએ આગળ ચલાવ્યું: “મારે ત્રણ દીકરી છે, પણ કામે જવા જેવડી તો એક જ છે. અમારા આખા ઘરનો ઓધાર છે મારી મોટેરી તેજુ. મારી તેજુ જાય છે સૂતરની મિલમાં. ત્યાંય અરધો દી કામ ચાલે છે. હું કાંઈક સીવણનું કામ કરી થાગડથીગડ રોજી રળું છું. એમ અમે છ જીવ ગદરીએ છીએ.” શામળને આ બાઈની વાતોથી પોતાના સંકટનું વિસ્મરણ થયું. બાઈનાં પાડોશીઓની કથનીઓ સાંભળી. આંહીં એક આખી સૃષ્ટિ એને ખદબદતી દેખાઈ. પોતાને લગાર જેલમાં જવું પડ્યું ને પોતાના પૈસા લૂંટાઈ ગયા, તેનો પોતે આટલો શોરબકોર મચાવી મૂક્યા બદલ એ શરમિંદો બની ગયો. તેજુની માએ કહ્યું કે, “અરે ભાઈ, જેલમાં જવાની તો હવે ક્યાં અચરજ છે? હાલતાં ને ચાલતાં જેલ છે. તેજુના બાપે કારખાનાની હડતાલ વખતે ફક્ત એક મજૂરને કામે ન ચડવા આજીજી કરી, તો એને છ મહિના ખોસી ઘાલેલો.” ‘વખે દેશનું કૂતરુંય વહાલું લાગે’ એ ન્યાયે તેજુની બા અને શામળની વચ્ચે મા-દીકરા જેવી માયા બંધાઈ. શામળને એણે એક ઓરડી ભાડે કાઢી આપી, અને રોટલા પણ જમવાનું ઠરાવી આપ્યું. સાંજવેળાએ નાની છોકરીઓ નિશાળેથી આવી. કપડાં ઉપર થીગડાં એટલાં બધાં હતાં કે મૂળ કાપડ કયું, ને કયું થીગડું, એ કળવું કઠણ હતું. છોકરીઓનાં શરીરો કોઈ ઠાર પડી હોય તેમાં દાઝી ગયેલ રીંગણીના રોપા જેવાં હતાં. તે પછી થોડી વારે તેજુ પણ ઘેર આવી. આ તેજુ! માએ જેને આખા ઘરનો ‘ઓધાર’ કહી ઓળખાવેલી તે આ તેજુ! શામળે માનેલું કે, આખા કુટુંબની રોટલી રળતી તેજુ તો જુવાનજોધ, શરીરે લઠ્ઠ અને કાઠે કદાવર હશે. ગામડાંની અનેક ‘તેજુ’ઓ એવી દીઠેલી ખરીને! એને બદલે આ તો બીજી નાનેરી બહેનો જેવી જ માયકાંગલી હતી. તેર વર્ષની ઉંમરની આ શહેરી તેજુ દસ વર્ષ જેવડી માંડ દેખાતી હતી. અજાણ્યા જુવાનને દેખીને તેજુએ પોતાના રૂની કીટીથી ભરેલા માથા પર ઓઢણાનો છેડો સંકોર્યો. એની આંખોનાં ઊંડાં ઊતરી ગયેલ રત્નો આ પરોણા સામે તાકી રહ્યાં. માએ શામળની ઓળખાણ આપી. થાકેલી તેજુ ઓરડાના ખૂણામાં બેસી ગઈ, વારે વારે એણે પોતાનો હાથ પોતાને લમણે ટેકવ્યો. શરીરની પ્રત્યેક ક્રિયા જાણે કે એને જોરાવરીથી કરવી પડતી – એ ઇચ્છાથી કે લહેરથી નહોતી કરતી – પણ એનો આત્મા એની બે ઊંડી આંખોમાંથી ડોકિયાં કરતો હતો. એ આંખો શામળની સામે વારંવાર તાકતી રહી. શામળ પણ તેજુના શરીર ઉપર જાણે કોઈક નિગૂઢ અત્યાચારનો ઇતિહાસ ઉકેલતો રહ્યો. સહુની સાથે વાળુ કરીને એ સૂતો. પોલીસ અને પોલીસની જીભને ટેરવે રમતો ‘ચાલાકી’ શબ્દ આજ એના સ્વપ્નમાં પણ દાખલ ન થઈ શક્યો. એની સ્વપ્નસૃષ્ટિમાં તો ગરીબના સાચા બેલી અને પરદુ:ખે દાઝનાર પ્રો. ચંદ્રશેખરની પ્રતિમા તરવરતી હતી. આગલા દિવસના એ અનુભવ પરથી શામળને આસ્થા બેઠી હતી કે ખરી કસોટી કરીને પછી ઈશ્વર બદલો તો આપી જ રહે છે.