સફરના સાથી/કૃતિ-પરિચય
૧૯૪૨ના અરસામાં ‘મહાગુજરાત ગઝલમંડળ’ની સ્થાપના થઈ. રતિલાલ ‘અનિલ’ તેના મંત્રી થયા અને ઠેઠ સુધી મંત્રી રહ્યા. ‘અનિલ’ સક્રિય હોય ત્યારે મંડળ સક્રિય. ‘દર ત્રણ મહિને મંડળ મુશાયરો યોજે, ગુજરાતભરના શાયરો પોતાના ખર્ચે ભાગ લેવા આવે. મંડળ માત્ર ઉતારો, ચા ને ‘ભાણું’ આપે!’ મંડળ ક્યારેક જુરસાથી જોરદાર ચાલ્યું, ક્યારેક મંદ ગતિએ. મુંબઈથી તે અંબાજી ને પાલનપુર સુધી, ડાબી બાજુ ગોધરા સુધી અને અમદાવાદથી ફંટાઈ રાજકોટ ને ભાવનગર સુધી ભવ્ય મુશાયરા યોજાયા. મુશાયરાની પ્રવૃત્તિએ કેટલાય શાયરોને લખતા કર્યા ને કેટલાયને લખતા રાખ્યા. ‘અનિલ’ને આ પ્રવૃતિ દરમિયાન શયદાની પેઢીના લગભગ તમામ શાયરોના અંગત પરિચયમાં આવવાનું બન્યું. બધા સાથે ઘરોબો બંધાયો. સફરના આ સાથીઓની ગોઠડી ‘અનિલે’ અહીં માંડી છે. તેમાં રેખાચિત્રો છે, સ્મરણના અંશ છે અને જે તે શાયરના નોંધપાત્ર શેર કે ગઝલ પણ મૂક્યાં છે. ક્યાંક ‘અનિલે’ શેર કે ગઝલને ઝીણી નજરે તપાસી, તેનું સૌંદર્ય પણ ઉઘાડી આપ્યું છે.
રતિલાલ ‘અનિલ’ બહુમુખી પ્રતિભા છે. ગઝલ અને ગઝલશાસ્ત્રના તો એ માહેર છે જ. તે ઉપરાંત નિબંધો પર તેમની હથોટી અદ્દભૂત છે. તેમના નિબંધોએ જયંત કોઠારી અને શિરીષ પંચાલ જેવા આરૂઢ વિવેચકોનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લાં ૪૫ વર્ષથી એકલે હાથે તેઓ ‘કંકાવટી’ જેવું નાનકડું સ્વચ્છ અને સત્વશીલ સામયિક ચલાવે છે. તેઓ ઝાઝા પ્રકાશમાં નથી આવ્યા, પણ પોતે પ્રકાશપુંજ છે. અહીં તેમણે ‘શયદા’, ‘બેકાર’, ‘નસીમ, ‘સાબિર’, ‘આસિમ’ રાંદેરી, ‘રૂસવા મઝલૂમી’, અમૃત ‘ઘાયલ’, ‘શૂન્ય’ પાલનપુરી’, મરીઝ, અમીન આઝાદ, મસ્ત હબીબ સારોદી, ‘સીરતી’, ‘શેખચલ્લી’, ગની દહીંવાલા, ‘બેફામ’, ‘સૈફ’ પાલનપુરી, ‘શેખાદમ આબુવાલા’, વેણીભાઈ પુરોહિત, ‘ગાફિલ’, મકરન્દ દવે, પતીલ, અંજુમ વાલોડી, કીસન સોસા, હેલ્પર ક્રિસ્ટી, અજિત ઠાકોર અને અમર પાલનપુરીનાં શબ્દચિત્ર અને ચયન આપ્યાં છે. રસાનંદની રીતે જ નહીં, ઐતિહાસિક દૃષ્ટિએ પણ તે સંતર્પક નીવડે તેવાં છે.
મહેશ દવે
▭