સફરના સાથી/શયદા અને મહાગુજરાત મંડળ
શયદાના સ્વભાવલક્ષણોમાં પ્રવેશ મારે માટે સાવ સરળ, પણ એમનો પરિચય મુશાયરાના ઉતારે સાવ નજીકનો અને બીજો પરિચય મંચની શાયરોની પહેલી હરોળમાં મધ્યમાં બેઠેલા અને મુશાયરાના ‘ગૉડ સેવ ધ કિંગ’ જેવા એ ગઝલ બોલવા જાય અને શાયરોની ભાષામાં કહું તો એમની પોતાની સડેડાટ રજૂઆત, એ કહેવાની છટા, સરળ સોંસરી ભાષા અને શ્રોતાઓ સુધી પહોંચી જતી પ્રસન્નતા — એ જાહેર પરિચય. પ્રથમ તો એ ‘શાયરીના ટુકડા’ની ઉછામણી કરે અને જૈન સાધ્વી, સાધુની શોભાયાત્રામાં ઊછળતા સિક્કા વીણવા પડાપડી થાય એવું તો ન બને પણ શ્રોતાઓનો હર્ષોલ્લાસ ઊછળે. ચારપાંચ છંદોની સીમિત પરકમ્મા કરતી ગઝલને ગુજરાતને અપરિચિત એવા છંદોમાં વિસ્તારવા પંક્તિ પર જ મુશાયરા યોજવા અને દરેક વખતે અપાતી પંક્તિ જુદા જ છંદમાં હોય એવો અમારો આગ્રહ! અમારા ગઝલ છંદોમાં ઓછામાં ઓછા ૨૭ છંદો શોધી શકાય. ઘણા બધા છંદોમાં તેમ ઉરૂઝના છંદોમાં ‘શયદા’ની ભાષા વણઅટક્યે વહેતી જાય. પંક્તિ પર રચેલી ગઝલના ચારપાંચ શેર તો મોઢે જ હોય, તે બોલ્યે જાય, તે પછી લોંગ કોટના ડાબી બાજુમાં સ્વિટ્ઝર્લૅન્ડની પેલી કાળાદોરાવાળી ગજવાઘડિયાળ રહે. એમાં જમણો હાથ ફંફોસે અને ગઝલનો, ‘બે ઘડી મોજ’ના લેટરપેડનો, ન્યૂઝપ્રિન્ટનો કાગળ બહાર આવે. પ્રેક્ષકો એવા અલ્પવિરામને સહે, બીજા શાયરોને એમ કરવું ભારે પડી જાય. ગઝલપઠન આગળ ચાલે. ‘શયદા’ આમ ઘણી બાબતે ઊંચા, એમની ગઝલ લંબાઈમાં ઊંચી - ઘણા શેરની. વળી કાગળ ટૂંકો પડે એટલે કોરી આડી સાઈડ પર બેત્રણ શેર લખેલા હોય એટલે કાગળનું પડખું ફેરવે અને ગઝલવાચન પૂર્ણ ન થાય. પંક્તિ પરની ગઝલ પૂરી થાય, પછી તો ફરમાઈશ થાય, પણ પોતાની પસંદગીની ગઝલ બોલે. મને લાગે છે કે શયદા, ઘાયલ, મરીઝ ગઝલોમાં, એના છંદલયમાં ને કામના સમયમાંયે જીવતા હોવા જોઈએ. કાગળ, ડાયરી હાથમાં ન હોય તોપણ એકધારા ગઝલ બોલ્યે જાય. ‘ગાલિબ’ને એમની વિશિષ્ટ ઊંચા માપની ટોપીથી ઓળખી શકાય તેમ શયદાને પણ લાંબા માપની ઊંચી કાળી ટોપીથી ઓળખી લેવાય. ગાલિબ નવાં નવાં કપડાં સિવડાવવા જેટલા શ્રીમંત નહોતા પણ ‘કર્ઝ કી પીતે થે મય’ એમ કરજે નવાં કપડાં આપવાની પરંપરા ન હોય, ‘શયદા’નું એવું નહોતું. ગાલિબ, શયદા અને જ્યોતીન્દ્ર દવેની સરખામણી એટલી કે ત્રણેય લોંગ કાળો કોટ પહેરે! પણ એક જ કાળો લોંગ કોટ વર્ષો સુધી પહેરવાની સ્પર્ધામાં જ્યોતીન્દ્ર દવે ઇનામ લઈ જાય! ‘સ્વ-રૂપ’ શબ્દનો અર્થ જાણવો-સમજવો હોય તો આંખ મીંચી એમનું ધ્યાન ધરવાનો સફળ પ્રયોગ કરી શકાય. એ સમયના સાક્ષરોનાં પણ પોતીકાં રૂપ અને સ્વતંત્ર પિછાણ હતી. આમ તો ઠેઠ ૧૯૨૨થી રાંદેર, મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળે શમ્આની હાજરી સહિતની મોગલ દરબારના મુશાયરાના ધોરણના એક પછી એક પંક્તિ પરના મુશાયરા યોજવા માંડેલા, તેમાં ભાગ લેવા શયદા સુરત થઈને રાંદેર જતા જ હતા. પણ એ મંડળના એક શાયર અને ‘કારવાં’ માસિકના તંત્રી ‘વહશી’ રાંદેરીને ત્યાં શાદીખાના આબાદીનો અવસર. એમણે બધા શાયરોને શાદીઅવસરે નોતરેલા અને મુશાયરો પણ યોજેલો. બેકાર વહશીના મિત્ર ને ‘કારવાં’ના નિયમિત લેખક એમને થયું કે બધા સારા શાયરો ભેગા થયા છે તો સુરતમાં મુશાયરો યોજીએ અને ગાંધીજીએ સુરતના આર્યસમાજ હૉલમાં ભાષણ આપેલું ત્યાં જાહેર મુશાયરો રાખ્યો. તે એટલો તો સફળ થયો કે સૌએ વિચાર્યું કે આખા ગુજરાતમાં પ્રવૃત્તિ કરી શકે એવું મંડળ કેમ ન સ્થાપવું? અને ગુજરાતી મુશાયરાનો ઇતિહાસ રચનાર મહાગુજરાત ગઝલ મંડળની સ્થાપના થઈ. દર ત્રણ મહિને પંક્તિ પર એક જાહેર મુશાયરો યોજવો ને વર્ષાન્તે મુશાયરાઓમાં વંચાયેલી ગઝલોનો સંગ્રહ કરવો, વાર્ષિક સભ્ય ફી ત્રણ રૂપિયા. અગાઉ મુ.ગુ. સા. મંડળના મુશાયરામાં રાંદેર પહોંચતા શયદા દર ત્રણ માસે સુરત આવતા થયા. પછી તો મંડળના મુશાયરા આખા ગુજરાતમાં ઠેર ઠેર થવા લાગ્યા —તેમાં ‘શયદા’ અચૂક આવે. એમનો દરજ્જો ઊંચો તોયે તેઓ શાયરોના ઉતારે જ આવે, પોતાના ખર્ચે કોઈ ખાસ મિત્ર કે સારી હોટલમાં બીજા સૂટબૂટવાળા ‘જેન્ટલમૅન શાયરો’ની જેમ થાણું ન નાખે. ગઝલસમ્રાટ મંચ પર પહોંચે તે પહેલાં શાયરોના ઉતારે જ લુંગી, પહેરણ –
વાળ આ મારા નથી માથે સફેદ,
મેં જવાનીનું કફન બાંધેલ છે!
અને એ કફન નહીં પણ શ્વેત સૂકા વાળ વીજળીના પંખાની હવામાં ફરફર થયા કરે. બપોર, રાતના જમણ સિવાય ચાનો દોર ચાલ્યા કરે. સામેની ભીંતની હારે ખૂણેથી સહેજ છેટે, એક પગમાં કશીક મુશ્કેલી તે કાયમ પગ લંબાવીને બેસે. મારા જેવાને ‘બેટા’, ‘દીકરા’, ને પછી ‘સરસ’ કહેતા હોય, એમના ધોરણની રમૂજો ચાલતી હોય, પછી કહે કે, ‘તાજી ગઝલ સંભળાવો.’ એટલે કે, બેચાર જણ ગઝલ બોલે તે પછી એમની ગઝલ સાંભળવાની! ઉતારાની એ બેઠકોમાંની કેટલીકનાં દશ્યો આંખ સામે તરે છે. ખૂણે મુશાયરાના પ્રમુખ ઉમાશંકર જોશી બેઠા હોય. નજીક શયદા, બેકાર તો શું બેસે, એ ફરતા હોય, બધા શાયરો બે હારમાં બેઠા હોય, બહુ અંગત એવા મિત્રો હોય અને ઉ. જો.ની હાજરીમાં ગંભીર ચર્ચા ચાલતી હોય, ઉ. જો. માત્ર દ્રષ્ટા બની રહે. કોઈ કોઈ વાર શહેરની નામાંકિત વ્યક્તિઓ પણ આવે, કોઈ જમણ કે ગઝલવાચનનું વ્યક્તિગત આમંત્રણ, આપવા આવ્યા હોય. મેઘાણી પ્રમુખ હતા ત્યારે એ ઉતારો નહીં, પણ બીજે. શાનદાર સ્થાને ઉતારો બદલાયેલો ત્યારે તો મેઘાણી શાયરો સાથે પંક્તિબંધ જમેલા એમાં બીજા મહેમાનોય ખરા. એ ગ્રુપછબિ માત્ર આંખો અને સ્મૃતિમાં જ રહી છે. અમારો, ફકીરોનો ઉતારો પણ સ્મરણીય રહ્યો! ટાવર, સુરત, સામેની શેરીમાં ત્રીજી કે ચોથી હવેલી. તેના વચલા ત્રણ વિશાળ ખંડના માળે અમારા મિત્ર ને છાપાના ફેરિયામંડળના પ્રમુખ. જુવાન પણ કુંવારા મિત્ર રહે. મુશાયરા વખતે અમને હકીકતમાં મને ઘર સોંપે અને એટલા દિવસ એ મિત્રને ત્યાં રહે! એમના સામાનને મારે વ્યવસ્થિત સલામત ખૂણે મૂકી સફાઈ કરાવવાની, પાણી માટે માટીના નવા કુંભ, પાથરણાં આદિની વ્યવસ્થા કરવાની. માંડ ૩૦૦/૩૫૦ રૂપિયાના વાર્ષિક ભંડોળમાં ચાર મુશાયરા અને મહેમાનોને જોગવવાના! ઉદાર શાયરો પોતાના ખર્ચે પધારે! સમ્રાટની હાજરીમાં એ ઉતારો ફકીરોનો અખાડો બની જાય. મેં ત્યાં એકાદવાર ચા પીધી હશે. જમી આવવાનું ઘરે. ફકીરોના ટોળામાં એકમાત્ર ‘સમજદાર’ ગની દહીંવાલા. બપોર પછી, મુશાયરામાં જવાની તૈયારી પહેલાં આવે અને શયદા સાથે વિવેકવાત કરે. મુશાયરાના દિવસો પછી એમના મુખે શયદા વિશેની રમૂજો અવશ્ય સાંભળવા મળે. તો ગનીભાઈ વિશેની રમૂજો સીરતી, શેખચલ્લીના મુખે સાંભળવા મળે, અમીન આઝાદ ઠાવકું હસે. આમેય શેખચલ્લીની હાજરી ઘાયલ, શૂન્ય સિવાય સૌને રહી શકતી. અદબમાં રાખે. આ ઉતારો એક બીજી ઘટનાના સંદર્ભમાં મારે માટે ઐતિહાસિક રહ્યો છે. સ્થાનિક કમ્યૂનના સહકારે અમે કૈફી આઝમી, મઝરૂહ સુલતાનપુરી, મજાજ આદિ તમામ પ્રગતિશીલ શાયરોનો ઉર્દૂ મુશાયરો સુરતમાં યોજેલો, તેઓ પોતાનો સામાન પોતે જ ઊંચકીને માળે આવેલા અને છેલ્લે વિદાય થયા ત્યારે પોતાનો સામાન પોતે જ ઊંચકીને નીચે ઊતરેલા. તેમને સાવ નજીકથી જોવા, અવલોકવા, સાંભળવા અને પોતાની એકેક ગઝલ સંભળાવવાનો અવસર પણ સાંપડેલો. એમની સેવામાં હું અને માત્ર અમીન આઝાદ હતા. એ ઘટના એક જુદા જ પ્રકરણનો વિષય છે. રાંદેર મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળે પ્રમુખના ઔપચારિક નહીં, ઉત્તમ સાહિત્યિક નિબંધ જેવા પ્રવચન સહિત મુશાયરામાં પંક્તિ પરથી રચાયેલી ગઝલોના ‘કાવ્યકુંજ’ નામે પ્રગટ થયેલા સંગહો જોતાં લાગે કે ૧૯૨૨થી ૧૯૪૨ સુધીમાં શયદા ગઝલમાં આગળ વધ્યા છે. રાંદેરના પંક્તિ પરના મુશાયરાની ગઝલમાં એમના આવા શેરો પણ છે :
બનાવ રાતના બન્યો છતાંય મેં કીધું.
કોઈ ગયું ધોળા દીએ હૃદય ચોરી!
એ ફક્ત તકરાર કરતાં રાત આખી વહી ગઈ.
મેં કહ્યું: ‘ચુંબન દીઓ’ એણે કહ્યું કે, ‘વાર છે.
✽ ✽ ✽
છે અલૌકિક આ સમય, આનંદની છે ઘડી,
મુજ લોહીથી માશૂક હોળી ખેલવા તૈયાર છે.
✽ ✽ ✽
અહીં દલપતશૈલી નથી, બીજા શેરની બીજી પંક્તિમાં જાણે કલાપી બોલે છે! તો ચોથા મુશાયરાના આ શેરમાં પણ કલાપી જાણે શયદાની ભાષામાં બોલે છે.
એ જુઓ ખંજર લઈ ઉતાવળાં આવે ધસી,
શું તમે આવા ‘દયાળુ’ને કહો છો, ‘ક્રૂર’ છો?
પણ ૧૯૪૨માં શયદાની અભિવ્યક્તિ નિજી મુદ્રાની બને છે :
‘રૂપ’ એનું નામ છે બીજું : ‘ચમકતી વીજળી’,
એ ચમકતી વીજળી શું હાથમાં આવી શકે?
✽ ✽ ✽
હાથ આવ્યું હતું હરણ, છૂટ્યું,
હાય, મારું એ બાળપણ છૂટ્યું.
શયદાના આ શેરમાં મહાવરાનો પ્રયોગ છે, પણ હું બોલી ઊઠેલો: આ તો કોઈ બજાર જેવું લાગે છે! પછી એ મારા પર રીસ કરીને સા…લા… ન બોલે તો માણસ નહીં, સંત જ કહેવાય ને?
તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ,
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે!
બોલાતી ભાષાના મહાવરાનો સંયુક્ત ઉપયોગ શેરમાં પ્રાણ પૂરે છે. અરે કોઈ પંક્તિ કે શબ્દો રૂઢિપ્રયોગ બની જાય છે. ઉર્દૂમાં ગઝલ ન હોત તો એ ભાષામાં ગઝલે આપેલા રૂઢિપ્રયોગો ‘આકે બૈઠે ભી ન થે, ઔર ઉઠાયે ભી ગયે.’ એવા પ્રયોગો તો શું :
હમને સૂના થા : ‘ગાલિબ’ કે ઊડેગે પૂર્જે
દેખને હમ ભી ગયે થે, ૫ર તમાશા ન હુઆ!
એ શેર તો એવા પ્રસંગે આખા ને આખા બોલાય છે : અખાએ ગુજરાતી ભાષાને કેટલા રૂઢિપ્રયોગો આપ્યા? આ કામ ઘાયલ કરે છે :
કોને જઈ કહેવી આ વાત,
જીતે હાર્યા જેવી વાત.
શયદા માટે એ કળા સહજ હતી, પણ એ પ્રવાહમાં ક્યારેક વહી જાય છે. મેં શયદાને કહ્યું : ‘આ ચાર હજારની મહેફિલ તો બજાર જેવું દૃશ્ય રચે છે!’ ત્યારે એ આંખ કાઢી કહે છે: સાલ્લા...
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે શયદા ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન બહાર આવે!
આ અમે યોજેલા પંક્તિ પરના મુશાયરાની એમની ગઝલનો શેર છે અને એમાં આપણને શયદા મળે છે પૂર્વયોજિત છંદ, પ્રાસ, રદીફની પંક્તિ પર તો કરામતી કવિતા જ લખાય એવો પંડિતમત કદાચ પાદપૂર્તિની કૃતિઓ પરથી બંધાયો હશે. લેખકમિલન પ્રસંગે પાદપૂર્તિ અપાયેલી: ‘એકાકી તારો નભમાં હસે છે.” એ લય ગઝલના એક છંદનો એટલે અમીન આઝાદે એના પર ગઝલ રચી, અરબી કંઠે ગાયેલી, પણ જ્યોતીન્દ્ર દવેએ આબાદ રમૂજ કરેલી. છોકરી છેવટની પંક્તિમાં કહે છે :
એ કાકી, તારો નભમાં હસે છે.
▭
શયદા નહીં, પણ હરજી લવજી દામાણી મુંબઈમાં વસે છે અને એમને જૂનાં કીમતી, અપ્રાપ્ય પુસ્તકો આપસૂઝે ને ધારણાએ મળે ત્યાંથી રખડી રખડી મેળવવાનું સૂઝે છે. ત્યારના મુંબઈના ગુજરાતી સમાજમાં એવાં પુસ્તકો પણ પોતાની સાંસ્કૃતિક સંપત્તિરૂપે સંઘરે, મૂલ્ય પણ ચૂકવે, પોતાને સ્પૃહા હોય એવા પુસ્તકની માગ પણ કરે અરજીમાં એવાં પુસ્તકો વહોરનારાઓમાં એક-પછી ‘વીસમી સદી’ના તંત્રી થયેલા હાજી અલ્લારખિયા શિવજી, વીસમી સદી પ્રગટ થાય એ દિવસોમાં હરજી હાજી શેઠને ત્યાં જાય છે. હાજી જાણે છે કે શાયરી તો હરજીનો પ્રિય વિષય છે. હરજીને પૂછે છે : ગઝલ લખે છે? ઉત્તર મળે છે : ‘ના…’ હાજીએ કહ્યું. પાસેના ઓરડામાં કાગળ કલમ લઈને બેસ. જોઈતું - કરતું જમણપાણી મળશે, પણ હું બારણું બંધ કરીશ, તું ગઝલ પૂરી કરે ત્યારે ઓરડાની બહાર આવવા ટકોરા મારજે.’ આમ હરજી ‘શયદા!’ બને છે. ન્હાનાલાલ, ખબરદાર આદિની કૃતિઓ સાથે ‘શયદા’ની ગઝલ પણ છપાય છે. ઘર બહાર જઈ ન શકનાર મારા જેવાને હજી કોઈ ગ્રંથાગારમાં ‘વીસમી સદી’ની ફાઇલો જોવાનો ઉમળકો છે, કેમ કે લગભગ ૧૯૪૪માં ‘વીસમી સદી’ અઠવાડિકરૂપે પ્રગટ થયું ત્યારે આ માણસ હળવું ગદ્ય, ટુચકા પણ લખતો થયો તે સાથે ગઝલો પણ છપાવતો થયો. પછી તો સામસામે બે પાનાં પર માસિક મુશાયરાની છએક ચૂંટેલી ગઝલ છપાય, પણ ‘બે ઘડી મોજે’ અમારી એકે ગઝલ દશકાઓના સંબંધમાં છાપી નહોતી. માત્ર એક વાર ‘વીસમી સદી’ની જેમ માસિક મુશાયરાની છ ગઝલો ‘શયદા’એ માગી એટલે એકસાથે ‘વીસમી સદી’ના ઠાઠે પ્રગટ થયેલી. હળવા ગદ્યલેખો અને ગઝલ-સંપાદનની મારી શરૂઆત ‘વીસમી સદી’અઠવાડિક સ્વરૂપે શરૂ થયું તે સાથે થઈ. દર અંકે લખું. મુંબઈમાં મુશાયરો. બધા નામી શાયરો મને સાથે લઈ ‘વીસમી સદી’ના કાર્યાલયે પહોંચ્યા. ‘આને કંઈ મહેનતાણું તો આપો!” તંત્રીએ ‘આપી શકાય એમ નથી’, બહુ શાંતિથી કહ્યું. માત્ર અંક મળે, પુરસ્કાર નહીં. જયંતી દલાલે નોબેલ પ્રાઇઝ પામેલી એક નાની નવલ ‘ભૂંડી ભૂખ’ અનુવાદ કરીને પોતે જ પ્રગટ કરેલી. તેમાં એક જ પાત્ર કસબા જેવા ગામમાં રહે, ત્યાંથી પ્રગટ થતાં અઠવાડિક કે દૈનિકમાં અઠવાડિયે એક લેખ લખે તેનો પુરસ્કાર એ જ એની આવક! એનું આશ્ચર્ય મોઢામોઢ વ્યક્ત કર્યું ત્યારે જયંતી દલાલ કહે, “વિદેશોમાં છાપાં ચોપાનિયાંમાં લેખ છપાય તેનોય પુરસ્કાર અપાય છે.’ ‘ભૂંડી ભૂખ’ના નાયકની ભૂખ એક અઠવાડિક લેખના પુરસ્કારથી થોડે અંશે શમે તો ખરી! પત્રકારત્વનો ઇતિહાસ લખનાર તો ગુજરાતી, પ્રજાબંધુ, ગુજરાતી પંચ, ફૂલછાબની જ વાત કરે, પણ સરખામણીએ હળવાં ગુજરાતી અઠવાડિકોનો ઇતિહાસ તો મુંબઈમાં રચાયો અને અત્યારે બેએક ખૂબ વંચાતાં અઠવાડિકોએ એ અતૂટ સાંકળ હજી અકબંધ રાખી છે. મહત્વની ફિલ્મી કંપનીઓ રણજિત, ઇમ્પીરિયલ, પ્રકાશ, ગુજરાતી માલિકીની, એની જાહેરખબરની હૂંફ એ વીકલીઓને ખરી. જાહેરખબરવિહોણું છાપાના અડધિયાં સ્વરૂપનું કવરસહિતનું ‘પ્રજામિત્ર કેસરી’ અને વીકલી ‘મુંબઈ સમાચાર’ ઘણી બાબતે વિશિષ્ટ માતબર, પણ શિષ્ટ રાજકીય અઠવાડિકોની યાદીમાં એમનાં માત્ર નામ હોય તો હોય! હળવાં વીકલીઓમાં ‘બે ઘડી મોજ’ જુદું પડે. એમાં ફિલ્મી ટચ જરાય નહીં, જ્યોતીન્દ્ર દવે હળવી કટાર લખે તો ઝવેરચંદ મેઘાણી રંગદર્શી બાનીએ સાહિત્યની કટાર, બધા પત્રના તંત્રી પણ શયદા ‘બેઘડી મોજ’ના ‘અધિપતિ’ એમના સમ્રાટપદનું મૂળ એ શબ્દપસંદગીમાં જોઈ શકાય. શયદા એમાં માત્ર પોતાની શાયરી અને મુસ્લિમ સંસારની ચાલુ નવલકથા લખે. મૂળ ‘વીસમી સદી’ની ફાઇલ મળે તો ‘શયદા’ની ગઝલનું મૂળ મળે. રાંદેરના મુશાયરાઓની એમની ગઝલો જોતાં એવો ઉત્સાહ કોઈ ઇતિહાસલેખકને થાય. અમારા પંક્તિ પરના મુશાયરાની એમની આ એક પંક્તિ યાદ રહી ગઈ છે: કો’ મદીલી આંખડીમાં મારી બેઠક હોય છે કો’ આ ‘બેઠક’ શબ્દનો મહિમા મને ક્યાં ક્યાં લઈ જાય છે? સંગીતની ખાનગી બેઠક, સાંજે અચૂક કોઈ મિત્ર સાથે બેસીએ જ એ બેઠક, ઉજાણી યોજી હોય તે બેઠક, તકિયાની હાર પર વાંસો ટેકવી હારબંધ બેઠેલા વડીલોની બેઠક અને વહોરા ગૃહસ્થોના ઘરમાં દીવાનખાનું નહીં, બેઠક! શયદા સાથે આ જુવાન છોકરાની બેઠક નહીં, એ તો હજૂરિયો. ‘દીકરા’ સંબોધન પછી એમણે બીજું નામ આપ્યું ‘સરસ’. કોઈ શેર ગમે ને દુબારાને બદલે હું અનાયાસ બોલી ઊઠું ‘સરસ’! એ દાદે મને એ નવું નામ સંપડાવ્યું! આમ તો ગઝલ અને શયદાનો પહેલો મેળાપ સાબરમતી જેલમાં! એમની એક ગઝલ આખી યાદ રહી ગયેલી તે બેરેકમાં બોલતો ને ઝિલાતી. ‘ભારત ભારતી’ના કવિ એવી ગઝલ પણ લખી શકે. ત્રણ શેર હજી સાંભરે છે :
અમારા કોણ કહે છે કે ખજાના આજ ખાલી છે,
ખજાનામાં રુદન છે, ભૂખમરો છે, પાયમાલી છે.
✽ ✽ ✽
હજારો કંઈ હજારોના સવાલો તેં કર્યા પૂરા,
અરે દુર્ભાગ્ય તારું એ જ તું પોતે સવાલી છે.
✽ ✽ ✽
નિરાશા છોડ! માટીમાં મળી જા બીજની પેઠે,
પછી જો એ જ રંગત, એ જ લાલી છે!
✽ ✽ ✽
‘ભારત ભારતી’ તો સસ્તુ સા. વર્ધક કાર્યાલયે પ્રગટ કરેલું. એકદા ‘શયદા’ વર્ધા પહોંચી ગયા. તે દિવસે ગાંધીજીનો મૌનવાર. તે શ્રવણવાર બની ગયો! શયદાએ ‘ભારત ભારતી’ના અંશો સંભળાવ્યા. ‘ભવ્ય ડોસા’એ કાગળના ટુકડા પર લખી આપ્યું : ‘બહુ મીઠું લાગ્યું’ અને એ પ્રમાણપત્ર ‘બેઘડી મોજ’માં ગાંધીજીના અક્ષરોમાં છપાયું. દી. બ. કુ. મો. ઝવેરી કહે છે: સ્વરૂપે શુદ્ધ પહેલી ગઝલ મુસ્લિમ શાયરોએ લખી તેમાંના એક શયદા. તે પહેલાં ફારસી ઉર્દૂથી અજાણ વિવેચક પંડિતો ગઝલને રેખ્તો કેમ કહ્યા કરતા હતા?
રેખ્તે કે તુમ્હી નહીં ઉસ્તાદ હો ‘ગાલિબ’
અગલે જમાને મેં કોઈ ‘મીર’ ભી થા.
ગાલિબના આવા શેરના પ્રમાણે? ત્યારે ઉર્દૂમાં કહીએ એવું ગદ્ય જ ક્યાં હતું? અરે ગુજરાતીમાંયે ક્યાં હતું? ‘રેખ્તે કે ઉસ્તાદ’ એટલે એ સમયની ઉર્દૂ ભાષાના ઉસ્તાદ! આપણા વિવેચકો દયારામ, નર્મદની ત્રુટક પંક્તિઓમાં રેખ્તો=ગઝલ શોધતા રહ્યા! ‘શયદા’ માત્ર ગઝલકાર નહીં, કોઈપણ ભાષાનો કોઈ એક કાવ્યપ્રકાર બીજીમાં જાણીતો ભલે થાય, પણ મૂળ ભાષાના કાવ્યકુળમાં અનેક કાવ્યપ્રકારો હોય જ. ગુજરાતીમાં ગઝલ. કત્અ, રુબાઈ જાણીતાં થયાં. બાકી ગીતકોટિની સ્ટાંઝાનાં સ્વરૂપો ‘આસિમ’ રાંદેરી ‘સાલિક’ પોપટિયાએ ખેડ્યાં તે અજાણ્યાં રહી ગયાં. ત્રિપદીથી માંડી સપ્તપદી સુધીનાં અને પ્રેમાનંદનાં આખ્યાન જેવાં સ્વરૂપો, અનીસ, દબીરનાં મરસિયાં મુસ્લિમો સિવાય કોણ જાણે? શયદાએ હુસેનની શહાદત પર લખેલો મરસિયો હજી સાંભરે છે, એ કોટિની એ જીવંત રચના હતી. ગઝલકુળનાં બીજાં કાવ્યસ્વરૂપો પણ શયદાને સહજ સાધ્ય હતાં. ‘બેઘડી મોજ’માં એક ‘વિચાર’ રદીફ પર એમણે કેટલાય અંકો સુધી કત્અ - મુક્તક લખેલાં. સંભવ છે કે આપણામાં લગ્નપ્રસંગે મંગલાષ્ટક લખાય. વહેંચાય, વંચાય છે એમ મુસ્લિમોમાં શાદીના અવસરે ‘સેહરો’ લખાય, વંચાય છે. મંગલાષ્ટક લખનારા ‘નીવડેલા કવિઓ’ ગુજરાતમાં છે હો! થોડા શબ્દ અને નામ બદલીને જૂના મંગલાષ્ટકને ‘તાજું’ કરવાનો ‘કસબ’ છંદોબદ્ધ કવિતા લખનાર કેટલાક ‘મંગલદર્શન’માં માનનારા કવિઓને સુસાધ્ય છે. ગાલિબના સર્વસંગ્રહમાં એમણે કોઈ શાદીપ્રસંગે લખેલો ‘સેહરો’ પણ વાંચવા મળે સંભવ છે કે ‘શયદા’એ સેહરો પણ લખ્યો હોય. મારા કેટલાક મુસ્લિમમિત્ર શાયરોએ સેહરા લખેલા તે વાંચેલા અને સાંભળેલા પણ ખરા. ગુજરાતી, હિન્દુ કવિઓ, વિવેચકો ઠેઠ ઈટાલી જઈને, કે શેક્સપિયર પાસે જઈને સૉનેટ લઈ આવ્યા. બીજાં વિદેશી કાવ્યસ્વરૂપો, ઠેઠ અછાંદસ સુધીનાં લઈ આવ્યા, પણ પડોશમાં, પોતાની વચ્ચે રહેતા ઉર્દૂ બોલતા મુસ્લિમોના ઈરાન ને તેના પડોશમાંથી આવેલાં કાવ્યસ્વરૂપો પ્રચલિત તે વિશે સાવ અજાણ! એવી ઉદાસીનતા ન હોત તો ગુજરાતી ભાષાને શરૂથી જ સ્વરૂપે અને દેહે શુદ્ધ સ્વરૂપે ગઝલ મળી હોત. ત્યારે કૉલેજોમાં પ્રશિષ્ટ ભાષારૂપે ફ્રેન્ચ અને ફારસી ભાષા શીખવાતી, તેના અધિકારી એવા અધ્યાપકો હતા, તેમનો લાભ ન લેવાયો! દી. બ. કૃ. મો. ઝવેરીએ એવા અભ્યાસક્રમ માટે અંગ્રેજીમાં ઉરૂઝ અને ગઝલ વિષે પાઠયપુસ્તક લખેલું. ઝાર રાંદેરીએ સરળ, સટીક ‘શાઇરી’ નામે ઉરૂઝનું પુસ્તક આપ્યું તે પહેલું અને તે પછી પ્રગટ થયાં હોય તદ્વિષયનાં પુસ્તકો. તે કરતાં તે ગઝલમાં પ્રવેશ કરનાર માટે સરળ અને શ્રદ્ધેય, રણછોડરામ ઉદયરામના છંદશાસ્ત્રમાં ય એ વિશે કંઈક ખરું, પણ તે અભ્યાસીઓ માટે! ખૈયામની રુબાઈ પણ મૂળના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતીમાં આવી અને સૂઝે એ રીતે અને રૂપે અનુવાદ થયા. પણ રુબાઈ માટેના ચોવીસ છંદો સાવ જુદા, સ્વતંત્ર છે, તે એવા અભેદ્ય લાગ્યાં કે મથામણ છતાં હું પામી શક્યો નહીં ગુજરાતમાં નવાબી હતી ત્યારે નાગર દીવાનો પણ હતા. ફારસીમાં રુક્કા આદિ લખનારા ગદ્યથી અટક્યા અને કાવ્યસ્વરૂપો સુધી પહોંચ્યા જ નહીં. આજે પણ ‘હઝરાત’ અટક ધરાવતાં નાગર કુટુંબો હશે. એમને શાયરી કેમ ન સ્પર્શી? ગઝલ એટલે નાચમુજરાની મહેફિલોમાં ગવાય તે, તે પછી જૂની રંગભૂમિનાં નાટકોમાં ગવાય તે — એવી સંસ્કારી સમજ’ હશે! શયદા નાટ્યકાર પણ ખરા! એમનાં ‘કુમળી કળી’ અને ‘વણજારી વાવ’ નાટકો સ્ટેજ પર ભજવાયાં પણ ખરાં અને ‘વણજારી વાવ’ની તો ગુજરાતી ફિલ્મ પણ ઊતરી. ‘આસિમ’ રાંદેરી ઉર્દૂ નાટક માટે ગઝલ લખતાં, બેતબાજીય લખી હોય. ચાંપશી વિ. ઉદેશીએ ‘જંજીરને ઝણકારે’ નાટક અને નાટકી સ્વરૂપની ગઝલ પણ લખેલી. મુંબઈના હૃદય સમા ફૉર્ટ કોટવિસ્તારમાં બે ગાળાનું એક માળનું મકાન તે ‘બેઘડી મોજ’નું કાર્યાલય, નીચે કમ્પોઝ, પ્રિન્ટિંગ વિભાગ, ઉપર તંત્રી વિભાગ અને સાવ સામા છેડે ઝરૂખા જેવા સ્થાને શયદાની ખુરસી નહીં, પણ ‘બેઠક’. ત્યાં બેઠે બહારની હિલચાલ જોઈ શકાય. એક જ વાર અને તેય ઉભડક એમના ઘરે જવાનું થયેલું. ઓરડાના ચોરસ થાંભલે ચારે બાજુ ઠેઠ ઉપર સુધી મોટે ભાગે જૂનાં તેમ કોઈ કોઈ અપ્રાપ્ય પુસ્તકોથી શોભતી લાઇબ્રેરી. એમાં ‘ભાષા’ જ્યારે ‘ભાખા” કહેવાતી ત્યારનું પુસ્તક પણ હોય. મુશાયરા અને એ દ્વારા ગુજરાતી ગઝલને મુંબઈ સહિત આખા ગુજરાતમાં તેના બધા છેડા-સરહદ સુધી પહોંચાડવાનો યશ ‘મહાગુજરાત ગઝલ મંડળ’ને જાય છે. એ મુશાયરા માટે મોખરાના, વચેટ અને છેડેના ઊછરતા શાયરોને એકમંચ પર રાખવાનો યશ બેકારને જાય છે. તો મુશાયરાને સરળ બનાવવાનો યશ શયદા, અમીન આઝાદ, અમૃત ઘાયલ, શૂન્ય પાલનપુરી જેવા બધી જ રીતે નીવડેલા શાયરો તેમ મુશાયરાને પોતાના ગૌરવ સહિત પ્રમુખસ્થાન શોભાવનારા ટોચના સાક્ષરો, સાહિત્યકારોને પણ એનો યશ ઘટે છે. અમને તો શયદા વિના સફળ મુશાયરામાં ય કશુંક ખૂટે છે એવું લાગે. અને અનેક વિવાદો છતાં, ક્યારેક સહેવું પડ્યું તોય અમે એમને સાથે જ રાખેલા.
નાદાન શત્રુઓ અને નાદાન સ્નેહીઓ,
ઓ જીવ, જીવવાની મઝા ક્યાંથી લાવશું?
આવો શેર એમને કહેવો પડ્યો એમાં એમના અનુભવોનો પડઘો હોઈ શકે. વાસ્તવમાં અમારી સાથેના સંબંધ સિવાય અન્યો સાથે એમનો સંબંધ ટક્યો નહોતો. મિત્રો પસંદ કરવામાં શયદા પહેલા પરિચયે કોઈને સ્વીકાર કરી લેતા હોય અને પોતાનો પહેલો સ્વીકાર જ છેલ્લે સુધી રહેશે એવી કંઈક એમની મિજાજી ધારણા હોઈ શકે છે. એ અમારા મુશાયરામાં ભાગ લેવા સુરત કે બીજે આવે ત્યારે દર વખતે એમની સાથે અમારે માટે અજાણ્યો માણસ હોય. એમાં એક જ માણસ જાણીતો થયો - રહ્યો - સૈફ! પ્રથમ વાર એ માત્ર સાથીરૂપે, હાથમાં વિદેશી મોંઘી સિગારેટનો ડબ્બો લઈ આવેલો. ચેન સ્મોકર જેવો, ઠસ્સાદાર મિજાજ. એમના પિતાની કાપડની દુકાને શયદાની બેઠક, ત્યાં બી.એ. થયેલો, ઉર્દૂ શાયરીનો શોખીન, અભ્યાસુ પણ ખરો તે શયદાએ ‘બેઘડી મોજ’માં એને ઉર્દૂ શાયરીના પરિચયની કૉલમ આપેલી, પણ બીજી વાર આવ્યો ત્યારે શાયરરૂપે! અને જીવ્યો તેય શાયરના મિજાજે, પણ બીજા પ્રશંસા કરી પ્રિય થઈ સાથે થઈ જતા, એના કડવા અનુભવ પણ અમને થયેલા. એકે તો ઉતારે શાયરોના ભીંતે લટકતા કોટનાં ગજવાં હળવાં કરેલાં પણ અમદાવાદી ઉસ્તાદે એને પકડી પાડેલો. એક વાર રાતે સંદેશ આવ્યો કે મારી સાથે શાયર તરીકે જમિયત પંડ્યા આવે છે. અમે તો સ્તબ્ધ—આપણે કદી આ નામ શાયર તરીકે જાણ્યું નહોતું. ભદ્રકુમાર યાજ્ઞિક કેટલોક સમય ‘બેઘડી મોજ’ના સફળ સંપાદક રહ્યા હતા. તે પ્રકાશ ફિલ્મકંપનીના પબ્લિસિટી મૅનેજર, તેમના વિભાગમાં પંડ્યા કામ કરે એટલે મારા મનમાં ગડ બેઠી, પણ એ માણસે તો છેવટે ગઝલ-મુશાયરાને બધી રીતની જિવાઈ બનાવી દીધી હતી. આ પ્રકરણ નથી ઉખેળવું, પણ શહેનશાહોમાં હોય એવી કશીક નબળી કડી ગઝલસમ્રાટમાં હતી.
છું ગઝલસમ્રાટનો હું શિષ્ય ‘સૈફ”,
મારી ગઝલો પર મને અભિમાન છે!
આમ કહેનારા સૈફ ગુજરાત ગઝલ મંડળ સ્થાપે છે, મુશાયરા યોજે છે. તેમાં અલગારી ‘મરીઝ’ તેમ શયદાના જમાઈ ‘બેફામ’ પણ… માત્ર શયદાને સ્થાન તો નહીં જ, પણ આંખે ચઢે એવો વિરોધ! બદરી કાચવાળા શરૂઆતમાં ‘બેઘડી મોજ’માં હતા. તે ગજબનો વિકાસ કરી પોતાના પ્રેસ સહિત લોકપ્રિય ફિલ્મી સાપ્તાહિકના તંત્રી બને છે અને બદરી, ફખ્ર માતરી, આસિમ રાંદેરી ગઝલ મંડળ સ્થાપે છે. મરીઝ પણ એમાં છે, બાદરાયણ, જ્યોતીન્દ્ર દવે પણ ખરા! શયદા સામે જ મુંબઈમાં મોરચો. એ મુશાયરા યોજે છે, પણ શયદા એમાં નહીં અને અદ્દભૂત તો એ કે સાવ ટૂંકજીવી ‘શયદા ગઝલ મંડળ’ પણ રચાય છે. નસીમ, સગીર તો અદલ ખાનદાન - એ બધાથી પર રહે છે. માત્ર મરીઝ જૂના મિત્રોની મહેફિલ છોડી સામેની છાવણીમાં જઈ બેસે છે અને છતાં એના અવસાન વખતે મેં એને ‘અજાતશત્રુ મરીઝ’ રૂપે, અંજલિ આપતા બિરદાવ્યો હતો. કનુ મુનશીની સાહિત્યસંસદમાં શયદાને સ્થાન, પણ મુંબઈમાં અમે અનેક મુશાયરા માણ્યા છે, પણ મ. ગુ. ગ. મંડળના આશ્રયે મુશાયરો યોજાયો હોય, માત્ર તેમાં ‘શયદા’ મંચ પર હોય, એકાદવાર આઈ.એન.ટી.ના મુશાયરામાં, બાકી મુંબઈના મુશાયરાના મંચ પર ગઝલસમ્રાટ ગેરહાજર! શયદાના એક પુત્રની શાદીના અવસરે, મુંબઈમાં ત્યારે પાંચ તારા કક્ષાની હોટલ મેજિસ્ટિકમાં પંડિત ઓમકારનાથે માત્ર મૈત્રીસંબંધે અવિસ્મરણીય જલસો આપેલો અને અખબારમાં એના પડઘા પડેલા! એમણે મન, હૃદય મૂકીને ગાયું હતું. ત્યાર પછી ‘શયદા’ સુરત આવે ત્યારે પંડિત ઓમકારનાથના ઘરે મારે એમને પહોંચાડવાના. સુરતમાં અમે યોજેલા પ્રત્યેક મુશાયરાના મંચ પર પંડિતજી હોય જ! એકથી વધુ વાર તો તેઓ મુશાયરાના પ્રમુખપદે હતા. મુસ્લિમ લીગનું ઝેરી રાજકારણ ખૂબ ગરમ હતું એવા સમયે મંડળે યોજેલા મુશાયરામાં પંડિતજી અને શયદા જોડાજોડ બેઠેલા. મુશાયરો ખુશમિજાજ વાતાવરણમાં ચાલ્યો. ધાર્યા કરતાં મોડો પૂર્ણ કરવો પડેલો. પંડિત ઓમકારનાથજી હાજર હોય ત્યારે શ્રોતાઓ આદરપૂર્વક પંડિતજીને ‘વંદેમાતરમ્ ગાવાની વિનંતી કરે અને પંડિતજી મન મૂકીને સાજિદાની ગેરહાજરીમાં મૂળ, સંપૂર્ણ વંદેમાતરમ્ રાષ્ટ્રગીત ગાય અને એ મુશાયરાની યશકલગી જેવું બની રહે. શ્રોતાઓએ પંડિતજીને વંદેમાતરમ્ ગાવાની આગ્રહભરી વિનંતી કરી, એટલે શયદા ઊભા થયા અને કહે ‘અમને વંદેમાતરમ્ અંગે ધાર્મિક બાધ છે…!’ અમે બધા જ સ્તબ્ધ! સંગીત ભાસ્કર એમની ઉગ્ર તેજસ્વિતાના ગુણે પ્રખર ભાસ્કર હતા એમનું એ સ્વરૂપ ‘ડાંગ મહાગુજરાતના નકશામાં ન હોય ત્યાં સુધી હું હાથમાં તંબૂર નહીં લઉં!’ એવી પ્રતિજ્ઞા જાહેર કરી ત્યારે ગુજરાતે જોયું હતું, પણ એ ભાસ્કર પુણ્યપ્રકોપનો પ્રચંડ અગ્નિ પોતામાં સમાવી મૌન રહ્યા—એક પ્રસન્નમધુર કાર્યક્રમના અંતમાં હવામાન સાવ વિક્ષોભભર્યું હતું. પછી એના સ્થાનિક પડઘાયે પડ્યા. બેકાર, અમીન આઝાદ અને મારી સ્થિતિ કફોડી, ફાટી પડીએ એવી અકળાવનારી, અસહ્ય બની ગઈ. માત્ર બેકારે ઉતારે શયદા સામે સમોવડિયારૂપે એકબે શબ્દ શયદાને, તેય પ્રેમભાવે કહેલા એટલું યાદ છે. બેકાર સંપૂર્ણપણે રાષ્ટ્રવાદી, એની નિયમિત કૉલમોમાં, રાજકીય વિષયમાં સંપૂર્ણ રાષ્ટ્રવાદી અભિગમ અને ટૂંકી દૃષ્ટિની, વિવેકના લહેકાલટકાવિહોણી ખુલ્લી ટીકા હોય. હાંસી પણ ઉડાવી હોય. અમીન આઝાદની ચરમસીમાએ પહોંચેલી લોકપ્રિયતા એમનાં રાષ્ટ્રીય ગીતોને કારણે અને હું તો ૧૯૪૨માં જેલ જઈ આવેલો બેકાર તો કાર્યક્રમ પતે કે હિસાબ ચૂકવી ચાલ્યા જાય, રહીએ અમે બે. એ કસોટીકાળ પણ પસાર થઈ ગયો, પણ અમારી આકરી તાવણી થઈ. આમ છતાં મુંબઈના શાયરોની જેમ અમે શયદા સાથેનો નાતો તોડયો નહીં, ઠેઠ સુધી જાળવી રાખ્યો અને મંડળ જીવ્યું ત્યાં સુધી પોતે યોજેલા અને ગુજરાતમાં પોતાના આશ્રયે યોજાયેલા મુશાયરામાં શયદાને માનભર્યું સ્થાન, પૂર્વવત આપતા રહ્યા. મારું આશ્ચર્ય અને વિષાદ આજ સુધી રહ્યાં છે. શયદા એક દિવસ વર્ધા જાય છે. એ દિવસ ગાંધીજીનો મૌન. વાર હતો. શયદા ‘ભારત ભારતી’ કાવ્યના કેટલાક અંશો ગાંધીજીને સંભળાવે છે. મૌનવાર હોવાથી ગાંધીજી એક કાગળ પર લખી આપે છે: ‘બહુ મીઠું લાગ્યું મો.ક, ગાંધી એનો બ્લૉક ‘બેઘડી મોજ’માં છપાય છે એ દૃશ્ય તાજું થાય છે. અને ‘વંદેમાતરમ્ સામે અમને ધાર્મિક બાધ છે……’ કહેતા શયદા આંખ સામે તરે છે.. વર્ણિત મુશાયરા પછીય સુરતમાં મુશાયરા યોજાતા રહ્યા, શયદા આવતા રહ્યા, ત્યારે પણ પંડિત ઓમકારનાથ સુરતમાં જ વસતા હતા, પણ મારે શયદાની સાથે પંડિતજીના નિવાસે એમને લઈ જવાનું પછી બન્યું નહીં. પંડિતજીનો વારંવાર મેળાપ મારી સાથે થતો રહ્યો અને એ જ પરિચિત વાત્સલ્યભાવ હું પામતો રહ્યો.
કાળ, તું શું આવીને લૂંટી ગયો?
પ્રાણ? એ તો કેદથી છૂટી ગયો!
કાળને આટલી સહજતાથી સંબોધનારા શયદાની જિંદગીનો પાછલો સમય કપરો વીત્યો હતો. ‘શયદા’નાં પ્રથમ પત્નીનો પુત્ર ‘છોટે શયદા’ સુરતમાં યોજાતા મુશાયરામાં, મુંબઈમાં અલગ રહેતો તે એકલો સ્વતંત્રપણે આવે. તેનો સ્ટેશનરીનો ધંધો. તે મને સાથે લઈને શહેરના કાગદીઓની દુકાને જાય, હિસાબ કરે, ઑર્ડર નોંધે. એ મુશાયરાના મંચ પર બોલવા ઊભો થાય ત્યારે આર્તવાણીમાં એક નઝમ દર વખતે બોલે :
કોણ બોલાવે, કોણ બોલાવે, મારી માની જેમ..
શયદા જેવી સરળ વેધક પ્રવાહિતા… માત્ર તેમાં સંભળાય આર્તનાદ કવિતાના સાદ અને સ્વરમાં. ‘શયદા’ ચૂપચાપ ગંભીર વદને નીચી નજરે સાંભળે.. શયદાના એક પુત્રે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટરનું કામ કરવા માંડ્યું. ‘અણમોલ ઘડી’ જેવી સફળ ફિલ્મે એમને ન્યાલ કરી દીધા, પણ બીજી ફિલ્મોમાં ભારે ખોટ.... પેલું ફોર્ટનું બે ગાળાનું મકાન, ‘બેઘડી મોજ’ ગઈકાલની બીના બની રહી.... માત્ર ‘મુંબઈ સમાચાર’માં છપાતી નવલકથા અને એક કૉલમનો પુરસ્કાર એટલી જ શયદાની આવક... એ અરસામાં હું તો ગિરનારના જંગલમાં હતો. સુરત છોડ્યા પછી મંડળ મોકૂફ! એના મુશાયરા બંધ, માત્ર ક્યાંક મુશાયરો યોજાયો હોય ત્યારે મિત્રોભેગો થાઉં, ખાસ તો મુંબઈના આઈ.એન.ટી.ના મુશાયરામાં, મુંબઈમાં, પણ શયદા ન હોય. પાંચ વર્ષે જંગલ, જૂનાગઢ, પ્યારા બાપુ’ મેં માત્ર કૌટુંબિક કારણોસર છોડ્યાં અને સુરતમાં કામે બેસવાનું થયું પુસ્તકપ્રકાશકની ઑફિસે! એમણે સાહિત્યિક પ્રકાશનો કરવાં હતાં. એ ‘બેકાર’ અને ‘શયદા’ની નવલકથાના પ્રકાશક, ‘શયદા’ની ‘મા તે મા’ વેચાણની દ્રષ્ટિએ ખૂબ સફળ થઈ. રોજ આફ્રિકાથી અને પાકિસ્તાનના પાટનગર કરાંચીથી ઑર્ડર આવે. મેં પ્રકાશકને કહ્યું કે ‘શયદા’ તો ‘બેઘડી મોજ’ શરૂ થયું ત્યારથી મુસ્લિમ સંસારની નવલકથા લખે છે. પ્રકાશક કહે, ‘આપણે છાપીએ!’ જોકે ‘મા તે મા’ જેવી ખ્યાતિ પેલી નવલકથાઓને મળી નહોતી. વર્ષો પહેલાંની પસ્તીના પીળાં બંડલ આવ્યાં. જોડણી સુધારી સુધારીને તે કેટલી સુધારી શકાય. પ્રેસવાળો કહે, ‘બીજા પ્રૂફના સુધારા અમે ન કરીએ.’ ફરી એ જ પ્રક્રિયા કરવાની! એવી ત્રણ નવલકથા છપાઈ. એકની પ્રસ્તાવના ‘શયદા’ મોકલે જ નહીં. પ્રકાશક કહે, ‘શયદાને નામે તું જ લખી નાખ’ અને મેં ફરજિયાત લખ્યું તેમાં વળી ‘મા તે મા’નું મૂળ પાત્ર આ નવલકથામાં પ્રારંભરૂપે જોઈ શકાય’ એવુંય કેટલું લખી નાખ્યું. થોડા દિવસ પછી શયદા સુરત આવ્યા. હું તો ઉપર. એ દાદર ચઢી ઉપર આવ્યા. મારી સામે જોઈને વહાલભર્યું હસ્યા અને ઠપકાના સાદમાં નહીં, શબ્દોમાં મને કહે: ‘હવે આવું કરતો નહીં.’ તેં પાત્રને આબાદ પકડી પાડ્યું… વાત સાચી છે. એના પાંચેક માસ પહેલાંની ઘટના. અમદાવાદમાં મુશાયરો થયા પછી સ્ટેશને અને ટ્રેનમાં માત્ર હું અને શયદા જ! હું સુરત સ્થાયી થયો હતો, એમના પ્રકાશકને ત્યાં જ બેકારે બેસાડ્યો હતો એની જાણ એમને હશે જ. તેઓ પણ સુરત ઊતરવાના જ હતા એ તો છેક છેવટે સુરત રેલવેસ્ટેશને જાણ્યું. પણ શયદાને મેં આવા ક્ષુબ્ધ, ગંભીર, મૂંગા ક્યારેય જોયા નહોતા. માત્ર ટ્રેન થોભે ત્યારે કયું સ્ટેશન આવ્યું એટલું પૂછે… આણંદ સ્ટેશને ભજિયાં લીધાં, બે મને આપ્યાં. મુશાયરા પછી ઓર ખુશમિજાજ દેખાતા શયદા અને વાચાળ બનતો હું બંને લગભગ મૂંગા. એ દૃશ્ય સાંભરે છે. અને આ લખતાં આજે પણ ક્ષુબ્ધ થઈ જાઉં છું. બંને સુરત ઊતર્યા. એ ગની દહીંવાળાને ત્યાં ગયા, હું ઘરે. ગનીભાઈ અગાઉ શયદાના ઘરે મુંબઈ મહેમાન થઈ ચૂક્યા હતા. ગનીભાઈને એમની દુકાને મળ્યો તો એ પણ ખાસ્સા ચિંતામાં હતા. શયદાની પાછોતરી સ્થિતિ, ક્ષુબ્ધતા એ જાણતા હતા. શયદા, હું હતો એ પ્રકાશકને ત્યાં રૉયલ્ટી લેવા જ સુરત ઊતરેલા! હું તો ઉપર, પ્રકાશકે કહ્યું ત્યારે એ જાણ્યું. મારી સ્ટેજ પરની નિશ્ચલ પ્રતિધ્વનિ જેવી કોમેન્ટે મારા વિષે ઘણાને હજી ગેરસમજ છે, શયદાને હોય એટલે મૌન પાળ્યું હોય! પણ એમની પડતર ત્રણ ત્રણ નવલકથાઓને સુંદર સ્વરૂપે જોય પછી ફરી સુરત આવ્યા ત્યારે અળવીતરા જેવા દાદરના પગથિયે ચઢી મને ઠપકાને નામે પ્રસન્નતા વ્યક્ત કરવા ઉપર આવ્યા જ. શયદાની કવિતાના શબ્દો સાંભરે છે :
એ વાત ગઈ, વહેવાર ગયો,
એ સ્વપ્ન ગયું. એ સાર ગયો...
ન જાય ઘરમાં, ન બહાર આવે
જનારી રાત્રી, જતાં કહેજે: સલૂણી એવી સવાર આવે,
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે,
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથાને શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયા છે - ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છું એવો,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે!
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું,
જીવનમાં એથી વિશેષ શું છે, વિચાર જાયે વિચાર આવે.
તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન બહાર આવે.
✽ ✽ ✽
હરણ છૂટયું
હાથ આવ્યું હતું હરણ છૂટ્યું,
હાય, મારું એ બાળપણ છૂટ્યું.
એમનું પણ હવે શરણ છૂટ્યું,
જિંદગી છૂટી કે મરણ છૂટ્યું?
ના નથી એમનું શરણ છૂટ્યું,
મુખ્ય મુજ કાવ્યનું ચરણ છૂટ્યું!
પગથી છૂટી જવાની પગદંડી,
એમનું જો કદી રટણ છૂટ્યું.
મદભરી આંખ એમની જોતો,
છૂટી વાણી, ન વ્યાકરણ છૂટ્યું.
કોઈની આશને ઘરણ લાગ્યું,
કોઈની આશનું ઘરણ છૂટ્યું.
પણ હતું— એમનાથી નહિ બોલું,
મોતની બાદ પણ ન પણ છૂટ્યું.
સ્વપ્નમાં એમનાથી રસમસ્તી,
નીંદ છૂટી, ન જાગરણ છૂટ્યું.
એમના પગ પખાળવા કાજે,
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું.
તું અને પાર પામશે એનો?
બુદ્ધિ, તારું ન ગાંડપણ છૂટ્યું.
કોણ ‘શયદા’ મને દિલાસો દે,
ચાલ! તારું જીવન-મરણ છૂટ્યું.
✽ ✽ ✽
પ્રભુનું નામ લઈ
તમારા પગ મહીં જ્યારે પડ્યો છું,
હું સમજ્યો એમ, આકાશે ચડ્યો છું.
જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને જ નડ્યો છું.
ઊછળતું દૂર, ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.
તમે શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા પછી મુજને જડ્યો છું.
ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.
પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?
પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!
મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું.
▭