સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/લેખક-પરિચય : અનંતરાય રાવળ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લેખક-પરિચય : અનંતરાય રાવળ
20. Anantray raval.jpg

અનંતરાય મણિશંકર રાવળ (શૌનક)નો જન્મ ઇ.સ. ૦૧-૦૧-૧૯૧૨. માતાનું નામ ઝમકબા. પ્રારંભિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૭ માં મંછાબહેન સાથે લગ્ન. ૧૯૨૮ થી ‘૩૪ દરમિયાન ભાવનગર મુકામે શામળદાસ કૉલેજમાં સ્નાતકની ડીગ્રી. ૧૯૩૨ થી એમ.એ. અને એલ.એલ.બી નો અભ્યાસ મુંબઇ ખાતે. પ્રથમ પત્નીનું અવસાન થતાં ભાવનગર મુકામે બાળાબહેન સાથે બીજું લગ્ન. એમની વ્યાવસાયિક કારકિર્દી મુંબઇના’ હિન્દુસ્તાન પ્રજામિત્રથી આરંભાઇ. પછીથી ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૯માં જામનગરની ડી.કે.વી. કૉલેજના આચાર્ય. ૧૯૬૦ થી ૭૦ સુધી ગુજરાત રાજ્યના ભાષાનિયામક તરીકે વરણી. એ પદેથી નિવૃત્ત થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક. ૧૯૭૭માં એ પદેથી નિવૃત્તિ. તેમણે વિવેચન, સંશોધન, સંપાદનનાં ક્ષેત્રોમાં આડત્રીસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ તેમની પાસેથી સાંપડ્યો છે. એમણે ડાયરીલેખન પણ કરેલું. ગુજરાતીના સ્વસ્થ, અભ્યાસનિષ્ઠ તેજસ્વી વિવેચક તરીકે એ પ્રતિષ્ઠિત હતા. ગુજરાતી સાહિત્ય પરિષદ, ભારતીય સાહિત્ય અકાદેમીનાં પારિતોષિકો તેમજ નર્મદ ચંદ્રક અને રણજિતરામ સુવર્ણ ચંદ્રક જેવાં સન્માનોથી તેઓ વિભૂષિત થયેલા. તેમણે ગુજરાત સાહિત્ય સભા, ભારતીય સાહિત્ય અકાદેમી, નેશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ જેવી રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓમાં વિવિધ પદો સંભાળેલાં. ૧૮ નવેમ્બર ૧૯૮૮માં એમનું અવસાન થયેલું.

— દર્શના ધોળકિયા