સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/મધ્યાહ્ને સૂર્યાસ્ત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૬
મધ્યાહ્ને સૂર્યાસ્ત

૧૯૫૭માં આલ્બેર કામુને સાહિત્ય માટેનું નોબેલ ઇનામ આપવાની જાહેરાતમાં નોબેલ ફાઉન્ડેશન તરફથી એ અલ્જીરિયન-ફ્રેન્ચસર્જક-ચિંતક માટે આ શબ્દો વપરાયા હતા : આપણા યુગમાં માનવીના અંતરાત્માને મૂંઝવતા પ્રશ્ન ઉપર એમણે જે પ્રકાશ પાથર્યો છે એ બદલ આ ઇનામ આપવામાં આવે છે. વિશ્વસાહિત્યના સર્વોચ્ચ પારિતોષિકની નવાજેશમાં વપરાયેલ એ શબ્દો આજે વિચિત્ર અને શોકજનક સંજ્ઞાર્થ ધારણ કરી રહે છે, કેમ કે એ પ્રકાશ મધ્યાહ્ને—બપોરે બે વાગ્યે—એકાએક અસ્ત થયો છે. પૂરપાટ જતી સ્પોર્ટિંગ મોટરગાડીમાં પેરિસથી ૮૦ માઈલ દૂર અકસ્માત થતાં આયુષ્યના મધ્યાહ્ને કામુનો જીવન સૂર્ય આથમી ગયો છે. છેતાળીસ વર્ષની ટૂંકી આવરદામાં કામુના પોતાના લેખનફાલ કરતાં તો એને વિશે લખાયેલાં લખાણોનું પ્રમાણ વધી ગયું હતું. યુરોપની યુદ્ધત્રસ્ત પ્રજાઓ કામુને તારણહાર સમો ગણતી હતી. વર્તમાન જીવનની આધ્યાત્મિક કટોકટીમાં આ અલ્જીરિયન યુવાન જાણે કે ઈસા મસીહ સમો આરાધ્ય બની રહ્યો હતો. કારણ? એ કારણ શોધવા માટે તો યુરોપીય દુનિયાની અને એ દુનિયાના સાંસ્કૃતિક કેન્દ્ર ફ્રાન્સની સામ્પ્રત તવારીખ સમજવી જરૂરી છે. સ્વતંત્રતા, સમત્વ અને બંધુત્વના આદર્શો બોધનાર ફ્રાન્સે બીજા વિશ્વયુદ્ધમાં નાઝીઓની નામોશીભરી શરણાગતિ સ્વીકારી ત્યારે ફ્રાન્સમાં કે યુરોપમાં જ નહિ, સમગ્ર સંસ્કૃત દુનિયામાં ઘેરી નિરાશાનું મોજું ફરી વળેલું. આપણે ત્યાં બ. ક. ઠાકોરે એ ઘટનાથી ઘેરો આઘાત અનુભવેલો હોવાનું હજી સાંભરે છે. ઘડીભર તો લાગ્યું કે પૃથ્વીના પટ ઉપરથી લોકશાસન હવે કાયમને માટે લુપ્ત થયું. માર્શલ પેતાં અને લાવાલ જેવા ખૂટલ શાસકોએ ફ્રાન્સને સૂતું વેચી માર્યું, તેથી એના બુદ્ધિમાનો અને સર્જકોએ મૃત્યુસમી ચોટ અનુભવી. એમની ચેતના જાણે કે ઠીંગરાઈ ગઈ. એ વ્યાપક નિરાશાએ-પંડિત સાર્ત્ર જેવા ઉદ્દામ ફિલસૂફે પ્રબોધેલ એક્‌ઝિસ્ટન્શિયલિઝમ-અસ્તિત્વવાદ-જેવી ફિલસૂફીને વેગ આપ્યો. દુનિયા બેરહમ છે. વિચિત્ર છે, કઢંગી છે; એમાં માનવી માટે યુગયુગાન્તરે પણ સુખની આશા રહી નથી; જિંદગી સાંપડી છે, તે જેમ જિવાય તેમ જીવી કાઢો, એવું બોધનાર આ વિચારસરણીનો પ્રણેતા ઝયાં-પૉલ સાર્ત્ર પ્રોફેટ ઑૅફ ગ્લુમ—નૈરાશ્યનો પયગમ્બર—હતો. પેરિસના ઘણા તરુણ બુદ્ધિમાનો આ પયગમ્બરના પ્રભાવ તળે આવી ગયેલા. પણ એ વેળા, અલ્જીરિયાથી ૧૯૪૦માં પહેલી જ વાર પૅરિસની ધરતી ઉપર પગ મૂકનાર એક યુવાને જરા જુદી રીતે વિચાર કર્યો. એણે નાઝી શાસનને પડકારતા અને ફ્રાન્સને ફરી સ્વતંત્ર બનાવવા માગતા ગુપ્ત આંદોલનનું નેતૃત્વ લીધું. એણે ભૂગર્ભમાં રહીને ‘કૉમ્બાત’ (સામનો) નામનું એક અખબાર શરૂ કર્યું અને એમાં નવજીવનની આશાનો મંત્ર રજૂ કર્યો. પરાધીનને સ્વપ્ને પણ સુખ નથી, એવું સૂત્ર બોધ્યું. આ યુવાનનું નામ આલ્બેર કામુ, ‘કૉમ્બાત’માં એણે લખેલા લેખોમાં ઠેરઠેર ગાંધીજીનાં જ સૂત્રાત્મક વાક્યોના પડઘા સંભળાય છે. સંભવ છે, ભારતથી નજદીક—અલ્જીરિયામાં જ–વસવાટ કરવાથી એ ગાંધીજીની પ્રબળ અસર તળે આવ્યો હોય. અનેક પરાધીન પ્રજાઓએ ગાંધીજી પાસેથી પ્રેરણા મેળવી છે તો અલ્જીરિયા કેમ ન મેળવે? ૧૯મી અને ૨૦મી સદીના સિતમમાંથી જન્મેલ નિહિલિઝમ કામુને સ્વીકાર્ય નથી. એ વંધ્ય ફિલસૂફીથી ત્રાસીને એણે કહ્યું કે હેગલ, માક્‌ર્સ અને નિત્શે જેવા ફિલસૂફો સામ્પ્રત યુરોપની અસત (Evil) પ્રતિભાઓ છે. એ વિપથગામી બુદ્ધિધનોના પ્રભાવમાંથી આ યુવાન થોડા સમયમાં જ મુક્ત થઈ શક્યો, અને એણે બેધડક જાહેર કર્યું કે નાઝીવાદ અને સામ્યવાદમાં કશું વિણામણ નથી, કેમકે ‘સહુ જલ્લાદો એક જ કુટુંબના વંશજો હોય છે.’ ગાંધીજીનો સાધનશુદ્ધિનો આગ્રહ તો કામુ લગભગ ગાંધીજીના જ શબ્દોમાં બોધે છે. સાધ્ય વડે સાધનને વાજબી ઠરાવી શકાય? પણ સાધ્યને વાજબી ઠરાવનારું શું છે? બધા જ ક્રાંતિકારો આખરે તો સિતમગર જ બની રહે છે, એમ જાહેર કરીને, એણે અસ્તિત્વવાદના પ્રવર્તક પંડિત સાર્ત્ર જોડે કાયમની દુશ્મનાવટ ઊભી કરી. સાર્ત્ર અને એના ચેલાએાએ કામુને ભાંડવામાં જરાયે કચાશ ન રાખી. ‘એ તો પ્રત્યાઘાતી છે, બુર્ઝવાઓનો પિઠ્ઠું છે, એમ કહેવાયું. ‘મેન્ડેરિન્સ’ (સાઈમન દ બૉવકૃત) નવલકથામાં તો કામુની ગલીચ ને ક્રૂર હાંસી પણ કરવામાં આવી. (છેલ્લે છેલ્લે તો સાર્ત્ર અને કામુ વચ્ચે બોલવાવહેવાર પણ નહોતો રહ્યો.) છેતાળીસ વર્ષના આ યુવાન સાહિત્યકારની એવી તે કઈ સિદ્ધિઓ હતી કે રૂઢિગ્રસ્ત અને વાર્ધક્યપૂજક ગણાતી નોબેલ-ઇનામ સમિતિએ એને ‘સામ્પ્રત સમસ્યા પર જ્ઞાનપ્રકાશ પાથરનાર’ કહીને બિરદાવેલો? કામુના વ્યક્તિત્વમાં એવું તે કયું ચુમ્બકીય તત્ત્વ હતું કે એના અકાળ અવસાનના સમાચારથી આખી દુનિયાએ એક આપ્તજન ગુમાવ્યો હોય એવો આઘાત અનુભવ્યો? અવસાનને દહાડે પૅરિસના રેડિયો સ્ટેશન પર સૂનકાર હતો, કેમ કે એના કર્મચારીઓની હડતાળ ચાલતી હતી. પણ શહેરમાં સમાચાર આવ્યા કે લોર્મારી ખાતેના ફાર્મહાઉસમાં વસતા આલ્બેર કામુ પોતાના પ્રકાશક માઈકેલ ગેલિમાર્ક જોડે મોટરગાડીમાં પૅરિસ આવતા હતા ત્યાં, માર્ગમાં વિલેનેલા-ગિયાર નજીક ગાડી એક ઝાડ સાથે ટકરાતાં એમનો જીવનદીપ બુઝાઈ ગયો છે, ત્યારે રેડિયોની હડતાળ સત્વર, સ્વેચ્છાએ પાછી ખેંચાઈ ગઈ. અકાદમ ફ્રાંઝેના ‘અમર આત્માઓ’ આ દિવંગત સાક્ષરને એકેકથી ચડિયાતી અંજલિઓ રેડિયો પરથી ધ્વનિપ્રેષિત કરી રહ્યા. અકાદમીના એક સભ્યે આ અકાળ અંતને ‘બેવકૂફ મૃત્યુ’ ગણાવ્યું. પૅરિસનાં અખબારોએ આ અવસાનના સમાચારને પણ કામુની જ પ્રિય જીવનફિલસૂફી સૂચવતા શબ્દ વડે સમજાવ્યા : ‘એબ્સર્ડ.’ આ ‘એબ્સર્ડ’—કઢંગું—શબ્દ કામુનું જીવન તેમ જ મરણ યથાર્થ રૂપમાં સમજવામાં ચાવીરૂપ છે. બેઠી દડીનો બાંધો, વિશાળ કરચલિયાળો ભાલપ્રદેશ અને આફ્રિકન તડકામાં તપીતપીને તાંબા જેવો બનેલ વાન ધરાવતા આ સાહિત્યકારનો જન્મ અલ્જીરિયામાં મોન્ડોપી ખાતે ૧૯૧૩ના નવેમ્બરની ૭મી તારીખે થયેલો. માતા સ્પેનિશ હતાં, અને પિતા મૂળ ફ્રાન્સના એલ્મેશિયન ખેતમજૂર હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં પિતા એક સૈનિક તરીકે ખપી ગયેલા. બાળપણમાં, કામુ લખે છે, ‘ગરીબી તો હતી, પણ મારે માટે એ બહુ આફતરૂપ નહોતી, કેમકે અછતનું સાટું હમેશાં પ્રકાશની છત વડે વળી રહેતું હતું.’ અંધારા ખંડ તરીકે ઓળખાતા આ પ્રદેશમાંથી બાળક કામુને જે પ્રકાશ લાધ્યો એનો લાભ ભવિષ્યમાં યુરોપને અને સમગ્ર માનવજાતને ઉજાળવા નિર્માયો હતો. એ લખે છે : ‘દુઃખની યાતનાને કારણે ‘સૂર્ય તળે સઘળું’ સુખી જ છે એમ માનતાં હું અચકાયો અને સૂર્યે મને સબક શીખવ્યો કે ઇતિહાસમાં સઘળાંની ઇતિશ્રી આવી જતી નથી.’ કામુનું મુખ્ય કાર્યક્ષેત્ર પૅરિસ હતું. છતાં એ પોતાનાં માતા અને પિતાનાં વતન સાથે જીવનભર માનસિક રીતે સંકળાયેલો જ રહેલો. માતૃદેશ સ્પેનના આંતરવિગ્રહમાં પોતે ગળાબૂડ સંડોવાયેલ. અને છેક ૧૯૫૨માં ફ્રાન્કોની સરમુખત્યારશાહીને યુનાઈટેડ નૅશન્સમાં સ્થાન અપાયું ત્યારે પણ એ સામેનો વિરોધ દર્શાવવા કામુએ ‘યુનેસ્કો’ સંસ્થામાંથી રાજીનામું આપી દીધેલું. કામુને મૃત્યુનો સાક્ષાત્કાર તો વિદ્યાર્થીજીવનમાં જ થઈ ચૂકેલો. અલ્જીયર્સ યુનિવર્સિટીમાં ફિલસૂફીનો અભ્યાસ કરતાં કરતાં એને ક્ષય લાગુ પડેલો. જો કે, પોતાને પારણામાં જ મૂકીને યુદ્ધમાં ખપી જનાર પિતાના મૃત્યુનો આઘાત પણ આ સંવેદનશીલ સર્જક માટે ઓછો તીવ્ર નહિ હોય. તેથી જ કદાચ કામુમાં જીવનની ઝંખના—જિજીવિષા—અત્યંત ઉત્કટ જણાય છે. એક સ્થળે એણે લખેલું : ‘કોઈ અમુક વિચારસરણી માટે મરી ફીટતાં લોકોથી હું ધરાઈ રહ્યો છું. મને તો પ્રેમને ખાતર જીવવામાં ને પ્રેમને ખાતર મરવામાં જ રસ છે.’ માનવી માત્ર મર્ત્ય છે, મૃત્યુ પ્રકૃતિ છે, જીવન વિકૃતિ છે, માનવદેહ કાચી માટીનો છે અને માટીમાં જ મળી જવાનો છે, જીવન અનિત્ય છે, સૃષ્ટિ એક માયા છે, કાયા ક્ષણભંગુર છે, વગેરે ભારતીય જીવનસૂત્રોના ક્વચિત્‌ તો શબ્દશઃ પડઘા કામુનાં લખાણોમાંથી સંભળાય છે. પણ ભારતવાસીઓની જેમ એ પુનર્જન્મમાં કે આત્માના અમરત્વમાં માનતો નથી. શરીરી જીર્ણ વસ્ત્રો ઉતારીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, એ ગીતાબોધ પણ આ ચિંતકને ગળે ઊતરતો નથી. એ તો કહે છે : ‘મૃત્યુથી નૂતન જીવનનાં દ્વાર ખૂલે છે એમ માનવું મને ગમતું નથી; મારે મન તો એ દ્વાર વસાઈ જાય છે.’ (ફ્રાન્સના એ રાષ્ટ્રીય ધોરી માર્ગ—રૂત નૅશનલ નં. ૫—ઉપર રવિવારે બપોરે સાચે જ કામુના જીવન પર કાળનાં કમાડ કાયમને માટે ભિડાઈ ગયાં.) ‘મૃત્યુથી ભડકીને ભગવાં પહેરવાનું કામુને સ્વીકાર્ય નહોતું. ‘ધ મિથ ઑફ સિસિફસ’થી આરંભીને ‘ધ પેસ્ટ’ સુધીની એની કૃતિઓમાં મૃત્યુના અનિવાર્ય અસ્તિત્વનો ઓળો અદૃષ્ટપણે દેખાયા જ કરે છે, છતાં એની ખોજ તો જીવન અને સુખચેન માટેની જ રહે છે. ‘આ વાહિયાત કઢંગી દુનિયામાં જન્મ લેનાર માણસની એકમાત્ર સાચી કામગીરી જીવવાની છે, પોતાના જીવન, ફિતૂર અને સ્વાતંત્ર્ય અંગે સભાન બનવાની છે,’ એમ એણે સિસિફસના પાત્રાલેખનમાં કહેલું. એ પછી, ‘જસ્ટ એસેસિન્સ’માં એણે ઉમેરેલું : ‘એકમાત્ર ઉકેલ જો મૃત્યુ જ હોય, તો આપણે સાચે મારગે સફર નથી કરતાં. સાચો માર્ગ તો જીવન ભણી, સૂર્યપ્રકાશ ભણી દોરી જાય. ઠંડીથી, શીતથી સતત ઠીંગરાયા કરવાનું માણસને પોસાય નહિ.’ ફ્રાન્સમાં નાઝી શાસન દરમિયાન ભૂગર્ભમાં રહ્યેરહ્યે સ્વાતંત્ર્યજંગનું અખબાર ચલાવવામાં પણ મૃત્યુ એના માથા પર જ તોળાઈ રહ્યું હતું. આરંભમાં કામુએ આ અતાર્કિક દુનિયામાં એકમાત્ર તાર્કિક છુટકારા તરીકે આપઘાતનો આગ્રહ રાખેલો. પણ એ દરમિયાન કામુમાં રહેલા ચિંતકે સિસિફસમાંથી પ્રોમિથિયસ સુધી ઉત્ક્રાંતિ સાધી, અને આપઘાત અને યાતનાઓને બદલે આરામ અને સુખચેનનો આગ્રહ સેવ્યો. મૃત્યુ જો અનિવાર્ય જ છે તો તો જિંદગી ઉત્કટ સુખથી જીવવાનું વિશેષ કારણ મળી રહે છે. આ કલાકારને સંન્યસ્ત કરતાં સંસારીપણું વિશેષ કલાત્મક લાગ્યું હશે. યુદ્ધકાળમાં અને યુદ્ધોત્તર સમયમાં પણ યુરોપમાં સતત સંભળાતી મૃત્યુની મીંડ વચ્ચે આ સર્જકે કરેલો જીવનનો આલાપ જનતાને સાંભળવો ગમેલો. મૃત્યુ વેળા તેઓ ‘ડૅન વાન’ ઉપર એક નાટક રચી રહેલા એ હકીકત પણ આ કલાકારની જીવન માટેની ઝંખનાની જ દ્યોતક લાગે છે. પોતાના યુગની સમસ્ત વિચારસરણીને નવો વળાંક આપી શકનાર આ કલાકારે કદી ઢોલપીટુ પ્રચારકની કામગીરી નથી બજાવી, એ હકીકત, કલાકારનો સાચો ધર્મ સમજવા માટે યાદ રાખવા જેવી છે. ‘માણસ લડવૈયો થાય એટલે જ કલાકાર નથી બની જતો, પણ પોતે કલાકાર હોવાને કારણે જ એણે લડાયક બનવું પડે છે.’ કલાકાર માટે આરસમહેલનો એકાકી વસવાટ પણ કામુને સ્વીકાર્ય નહોતો. આજના યુગમાં, કલાકારને માથે જેટલી જવાબદારીઓ છે, એટલી ભૂતકાળમાં ક્યારેય નહોતી, એમ એ કહેતા. કલાકાર આરસમહેલમાં ભલે વસે, પણ એ તંદ્રામાં ન પડી જાય એની તકેદારી રાખવાનો એમનો આગ્રહ હતો. આરામખુરસીમાં જ બિરાજનાર (ચૅરબાઉન્ડ) સર્જકોનો યુગ હવે આથમી ગયો છે, એમ એણે કહેલું. માનવજીનનને જીવવાયોગ્ય બનાવવા માટે ન્યાય અને સ્વાતંત્ર્યની કામુને તીવ્ર ઝંખના હતી. આ ન્યાય બાબતમાં પણ એમના મનમાં કશો ભ્રમ નહોતો. આજના યુગમાં ન્યાયાધીશ અને અપરાધીની ભૂમિકાઓ ઊલટાસૂલટી થઈ જાય છે, એવી ટકોર એમણે કરેલી જ અને સ્વાતંત્ર્ય કે મુક્તિ પણ, ‘પશ્ચિમની સંસ્કૃતિમાં રહેલું એકચતુર્થાંશ સત્ય જ છે,’ એમ કહેવા છતાં, એ ચોથિયા સત્યાંશને રક્ષવા ખાતર પણ અસત્ય સામે લડવું પડશે એવી એને પ્રતીતિ થયેલી, કેમ કે ‘મુક્તિ વિના ભારે ઉદ્યોગોની નીપજમાં વધારો કરી શકાશે, પણ ન્યાય કે સત્યમાં વધારો નહિ કરી શકાય.’ ગાંધીજીની જેમ કામુએ પણ, ઉપર કહી એ સાધનશુદ્ધિ ઉપરાંત રાજકારણમાં નીતિમત્તાનો આગ્રહ રાખેલો. એને સ્વર્ગની કે મોક્ષની ઝંખના નહોતી. એને તો આ પૃથ્વીના પટ ઉપર જ સ્વર્ગ ખપતું હતું. ભવિષ્યના કોઈક કલ્પિત યુટોપિયાને નામે સામ્પ્રતમાં સેંકડો માણસોના જાન લેવાય એ સ્થિતિ એને મંજૂર નહોતી. પોતે તરુણ વયમાં સાગરતટે નિવસ્ત્ર પ્રેમીઓને નિહાળીને, અને નૃત્યખંડોમાં નિર્વ્યાજ સરળ યુગલોના ભાવાવેગો અનુભવીને એક વાર કહેલું : ‘મને લાગે છે કે અતિમાનુષી (સુપરહ્યુમન) સુખ જેવી કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી જ નથી. દુનિયા સુંદર છે અને એને પેલે પાર મોક્ષ જેવું કશું છે જ નહિ...હું એમ નથી કહેતો કે માણસે પશુ જ બની રહેવું. છતાં ફિરસ્તાઓનાં સુખ તો મને અર્થહીન જ લાગે. છે.’ અઢી લાખ રૂપિયા જેવડી નાદર રકમ નોબેલ ઇનામ તરીકે મળતાં કામુએ પૅરિસ નજીક લોર્મારી ખાતે ફાર્મહાઉસ ખરીદેલું. (પૅરિસમાં તો એ લકઝમ્બોર્ગ ગાર્ડન નજીક જ અને મુખ્યત્વે હોટેલોમાં જ રહેતા.) આ નવા ઘરમાં પોતાનાં પત્ની અને ૧૪ વર્ષની ઉમ્મરનાં બે જોડકાં બાળકો જોડે એમણે પેલા પૃથ્વી પરના જ સ્વર્ગસુખની સાધના શરૂ કરેલી. પણ માનવીના મર્ત્યપણાની બીજાં બધાં માનવીઓ કરતાં વિશેષ ચિંતા કરનારને મૃત્યુદેવે, જાણે કે વેર લેવા જ, અન્ય સહુથી વહેલેરો ઝડપી લીધો. ઝાડ સાથે ટકરાયેલી ગાડીના ભંગારમાંથી એનું જે સ્પીડોમિટર હાથ આવ્યું એમાં ઝડપનો કાંટો ૯૪ માઈલ પર ચોંટી રહેલો. આટલી ઝડપે આ કલાકાર મૃત્યુને ભેટી પડ્યો. લોર્મારી ગામના જ કબ્રસ્તાનમાં કામુનો જનાજો ઉતારવામાં આવ્યો ત્યારે, અખબારી અહેવાલ જણાવે છે કે, પ્રાર્થનાવિહોણું મૌન ફેલાઈ રહેલું. ટૂંકી આવરદા દરમિયાન કામુનો પુરુષાર્થ હતપ્રભ યુરોપમાં એક નવું પુનરુજ્જીવન (રેનેસાંસ) સર્જવાનો હતો. અને એ અંગે એનામાં એક હૃદયગત આશાવાદ હતો. ‘ચોગમ જામેલ શીત શિશિરની વચ્ચે મને જણાયું કે મારામાં એક અજેય વસંત ખીલી રહી હતી.’ અને એ પુનરુત્થાન—માનવી માત્રનું નવજીવન—સિદ્ધ કરવા માટે આ યુવાન પાસે એક જ શસ્ત્ર હતું : ‘શ્રદ્ધા’ ‘માનવીમાં ધિક્કારપાત્ર કરતાં પ્રશંસાપાત્ર વસ્તુનું પ્રમાણ વધારે છે.’ વર્ષો અગાઉ કામુની એક સત્ત્વશીલ કૃતિ ‘ધ રેબલ’નું પ્રકાશન થયું ત્યારે સર હર્બર્ટ રીડે લગભગ આગાહી જેવું જ અવલોકન કરેલું : ‘આ પુસ્તકના પ્રકાશનથી, યુરોપના ચિત્તપ્રદેશ ઉપર એક સૈકાથી ઘેરાઈ રહેલ વાદળ વીખરાવા માંડે છે.’ આ આગાહી તો સાચી પડી, યુરોપની ચિત્તસૃષ્ટિ પરથી અંધકારનાં વાદળ તો વીખરાયાં, પણ એ વિખેરનાર સૂર્ય તો એની, મજલની અધવચ જ, મધ્યાહ્ને જ અસ્તાચળે પહોંચી ગયો. મુંબઈના ‘વાર્તાવર્તુળ’ને ઉપક્રમે અપાયેલ અંજલિ, જાન્યુઆરી ૨૩, ૧૯૬૦

(‘શાહમૃગ-સુવર્ણમૃગ’)