સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/મરુભૂમિનો એકલયાત્રી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૭
મરુભૂમિનો એકલયાત્રી

‘એકાકી માણસ માટે આ દુનિયા મરુભૂમિ સમી બની રહે છે.’ આ ઉક્તિ કોઈ કરુણાંત નાટકની પ્રેમભગ્ન નાયિકાનો નિરાશાસૂચક ઉદ્‌ગાર નથી. આ તો એન્ટન ચેખૉવ મિલિખોવો ખાતેથી જે પત્રો લખતો એનાં પરબીડિયાં ઉપરના ‘સીલ’માં મુદ્રાલેખ તરીકે વપરાતા શબ્દો છે. એની સાડા ચાર દાયકાની ટૂંકી આવરદાનું વિહંગાવલોકન કરતાં એમ લાગે છે કે એનું લગભગ આખુંય આયુષ્ય, મબલખ મનુષ્યોની વચ્ચે જીવવા છતાંય એક મરુભૂમિસમું જ બની રહ્યું હતું. કાળા સમુદ્ર પરના ટેગેનરોગ બંદર ખાતે ૧૮૬૦ના જાન્યુઆરીની ૨૯મી તારીખે જન્મેલા એન્ટન ચેખૉવના દાદા ગુલામ હતા. દાદાને પોતાનો અને પોતાના કુટુંબનો ગુલામીથી છુટકારો કરાવવા ૩,૫૦૦ રૂબલ (એ વેળાના લગભગ ૫,૦૦૦ રૂપિયા) ચૂકવવા પડેલા. ચેખૉવના પિતા પણ ગુલામ હતા અને તેમને પણ પોતાના છુટકારા માટે નાણાં ચૂકવવાં પડેલાં. મુક્ત થયા બાદ એમણે ટેગેનરોગમાં વસવાટ કરેલો અને ત્યાં કરિયાણાંની દુકાન નાખેલી. ઘરમાં છ ભાંડુઓ હતાં. પાંચ ભાઈ ને એક બહેન. પાંચ ભાઈઓમાં એન્ટન વચેટ. પિતાને ગાવા-બજાવવાનો શોખ હતો, પણ બાળકો અને પત્ની પ્રત્યે તે બહુ ક્રૂર હતા. માતા અત્યંત મૃદુ અને અનુકમ્પાશીલ હતાં. ‘અમારી શક્તિઓ પિતા પાસેથી મેળવી, પણ આત્મા માતા કનેથી મેળવ્યો,’ એમ ચેખૉવે મોટપણમાં કબૂલ કરેલું. નાનપણમાં ચેખૉવને ક્રૂરતાનો અનુભવ બહુ થયો હશે, અને એની યાદ મોટપણે પણ છેક ભુલાઈ નહોતી : ‘નાના છોકરા તરીકે માયા-મમતાનો મને એટલો તો ઓછો લાભ મળેલો કે હવે માયાળુપણું મને દુર્લભ જેવું લાગે છે, તેથી જ મને માયાળુ બનવું બહુ ગમે છે.’ પિતાએ બાળક એન્ટનને એક વાર સખત માર મારેલો એ ઘટના તો ચેખૉવ જીવનભર ભૂલી શકેલો નહિ, અને પિતાને એ બદલ માફ કરી શકેલ નહિ. ક્રૂરતા અને કઠોરતા પ્રત્યેના આ જન્મજાત અણગમાએ એના હૃદયમાં અનુકમ્પાનાં બીજ રોપ્યાં. ક્યાંક પણ દુઃખદર્દ જોતાં જ એનું હૃદય દ્રવી જતું. એક વેળા પોતે સ્ટીમરમાં પ્રવાસ કરતો હતો, અને તૂતકના કઠેડા ઉપર ઊભો હતો. નજદીકમાં એક મજૂરને કોઈ એ લપડાક ખેંચી કાઢી. મજૂરે પોતાને માર પડ્યા બદલ ફરિયાદ કરતાં પેલા માણસ સમક્ષ જુદી જ બાબતની ફરિયાદ કરી, ‘આંધળો છે? તું જાણતો નથી, આ લપડાક મને નહિ પણ ચેખૉવને પડી રહી છે?’ માનવીઓ પ્રત્યેની આ અનુકમ્પા અને હમદર્દીએ જ એને તબીબી વિદ્યા ભણી વાળેલો. તબીબ બનીને એણે ગામલોકોની સેવા કરી, રસ્તાઓ બંધાવ્યા, પુસ્તકાલયો ઊભાં કર્યાં, સેંટ પિટરની પ્રતિમાની સ્થાપના કરી, બગીચા વાવ્યા. ઝાડપાન-ઉછેરનો એને અજબ શોખ હતો. ‘અન્કલ વાન્યા’ નાટકમાંનો માળી ચેખૉવ પોતે જ છે. પત્ની ઓલ્ગા નીપરને એણે એક પત્રમાં લખેલું પણ ખરું : ‘હું સાહિત્યકાર થવાને બદલે માળી બનવા જ નિર્માયો છું.’ માનવીમાત્ર પ્રત્યેની આ ઊંડી અનુકમ્પા જ એને રશિયાના તડીપાર થયેલા રીઢા ગુનેગારોની દૂરદૂરની વસાહત સખાલિન સુધી ખેંચી ગઈ. ત્યાં એણે ઝૂંપડે ઝૂંપડે ફરીને દસ હજાર વસાહતીઓની વસ્તીગણતરી કરી અને એમની સ્થિતિની સુધારણા માટે પુસ્તક લખ્યું. ચેખૉવે પોતે બે સુંદર બગીચા તૈયાર કરેલા, અને મૃત્યુ પહેલાં જ ‘ચેરી ઓર્ચાર્ડ’ નામનું નાટક પૂરું કરેલું, એ પણ એક સૂચક ઘટના હતી. પૂરાં બે તપ જેવડા લાંબા પ્રવૃત્તિસભર સાહિત્યિક જીવનમાં અસંખ્ય મિત્રો અને પ્રશંસકો સાંપડવા છતાં, ચેખૉવનું આંતરજીવન એકાકી જ રહેવા પામેલું. લગ્ન અંગેના પોતાના અરૂઢ ખ્યાલો એણે પત્રકાર સુવોરિનને જણાવેલા : ‘તમારો આગ્રહ જ હોય તો હું પરણવા ખુશી છું. પણ એ માટે મારી આટલી શરતો છે. બધું જ પૂર્વવત્‌ રહેવું જોઈએ એટલે કે, તે (પત્ની) મૉસ્કોમાં રહે અને હું ગામડામાં વસું. હું વારંવાર ત્યાં જઈને એને મળી આવીશ. કેમકે જે સુખ રોજ-બરોજ એક સવારથી, બીજી સવાર સુધી ચાલુ રહે, એ મારાથી સહન નહિ થઈ શકે. લોકો એકની એક વાત, એક જ અવાજે રોજ ઊઠીને મને કહ્યા કરે છે, ત્યારે હું કોપી ઊઠું છું. સરજીયેન્કોની સોબતમાં હું કોપી ઊઠેલો, કેમકે એ પોતે આબેહૂબ સ્ત્રી જેવો (બુદ્ધિશાળી અને અનુકમ્પાશીલ) છે અને તેથી જ, એની હાજરીમાં મને એમ જ લાગે છે કે મારી પત્ની એના જેવી જ હશે. હું ઉત્તમ પતિ બની રહેવાની તમને બાંયધરી આપું છું, પણ મને એવી પત્ની આપો જે ચન્દ્રની પેઠે રોજ ઊઠીને આકાશમાં દર્શન ન દેતી હોય. હું પરણીશ તેથી જ કાંઈ વધારે સારો લેખક નહિ બની જાઉં.’ ચેખૉવના જીવનમાં વિધિની વક્રતા એ હતી કે પોતાની ઇપ્સિત પ્રેયસી એને જીવનને છેક આરે જતાં સાંપડી. જીવનભર ક્ષયરોગથી પિડાયા બાદ, અંત નજદીક દેખાતો હતો, વધારે જીવવાની આશા જ રહી નહોતી, ત્યારે મૉકો આર્ટ થિયેટરની વિખ્યાત અભિનેત્રી ઓલ્ગા નીપરે એના જીવનમાં પ્રવેશ કર્યો. ત્યાં સુધીમાં ચેખૉવ ઘણી યુવતીઓના પરિચયમાં આવેલો, પણ સાચા અર્થમાં પ્રેમ નામનો પદાર્થ એને કદી સાંપડેલો નહિ અને એ પદાર્થની પ્રાપ્તિ એટલી મોડી થઈ કે એના લેખન ઉપર એની કશી નોંધપાત્ર અસર થઈ શકે એમ નહોતી. ચેખૉવ જ્યારે યાલ્ટામાં વસવાટ કરતો હતો ત્યારે ઓલ્ગા એની જોડે રહેવા આવેલી અને એ દરમિયાન તેઓ એકબીજાના પ્રેમમાં પડેલાં. ઓલ્ગા ફરી એનાં નાટકોનાં રિહર્સલ માટે મૉસ્કો જવા રવાના થઈ, ત્યારે ચેખૉવ સેબાસ્તોપોલ સુધી વળાવવા ગયેલો. પણ ભીરુતાની હદે પહોંચતું શરમાળપણું દેખાઈ આવતું હતું. આ પ્રેમકિસ્સા અંગે એને મોટામાં મોટો ભય તો પોતાનાં કુટુંબીઓનો જ હતો. પોતાની માતાથી આ બધું છુપાવવા, ઓલ્ગાને વળાવ્યા બાદ સીધો ઘેર ન આવતાં બાલાકલાવા ઊતરી પડ્યો, પણ ત્યાં તો એની સંખ્યાબંધ પ્રશંસક તરુણીઓએ એને ઓળખી કાઢતાં એવો તો નાસીપાસ થઈ ગયો કે આખી રાત એક હોટેલમાં જ ભરાઈ રહ્યો અને સવારના પહોરમાં યાલ્ટા જવા નીકળી પડ્યો. આ ઘટનામાં પણ ચેખૉવની આંતરિક એકલતાનો અણસાર મળી રહે છે. ઓલ્ગા નીપર આખરે એને લગ્ન કરવાની ફરજ પાડે છે ત્યારે પણ એ એક વિચિત્ર શરત રજૂ કરે છે : ‘મને વચન આપ કે આપણો લગ્નવિધિ પતી જાય ત્યાં સુધી મૉસ્કોમાં એક પણ માણસને એની જાણ નહિ થાય...’ લગ્નવિધિના ક્રિયાકાંડ કદાચ ચેખૉવને બહુ પસંદ નહિ હોય. તેણે ઓલ્ગાને પત્રમાં લખેલું : ‘કોણ જાણે કેમ પણ લગ્નના વિધિથી હું ભયભીત થઈ જાઉં છું. અભિનંદનો ઝીલવાં, હાથમાં શેમ્પેનની પ્યાલી પકડી રાખવી અને સાથોસાથ અસ્પષ્ટ સ્મિત વેર્યાં કરવાનાં.. .એનો મને ત્રાસ છૂટે છે.’ અને ઓલ્ગાએ પોતાના પ્રેમીએ કહેલી શરતોનું ચુસ્તપણે પાલન કર્યું. ૧૯૦૧ના મેની ૨૫મીએ મૉસ્કોના એક નાનકડા દેવળમાં લગ્નવિધિ થયો. ત્યારે ચાર સાક્ષીઓ સિવાય બીજું કોઈ જ હાજર નહોતું અને એ ચાર સાક્ષીઓમાંના બે તો એલ્ગાના કાકા અને ભાઈ હતા. ચેખૉવને પક્ષે એનાં કોઈ જ કુટુંબીજનો હાજર નહોતાં. લગ્ન અગાઉ કલાકેક પહેલાં જ પોતાનો નાનો ભાઈ ઇવાન મળવા આવેલો પણ ચેખૉવે એને લગ્ન અંગે ગંધ સુદ્ધાં આવવા દીધી નહોતી. મૉસ્કોમાં પરણવા આવેલા ચેખૉવે દેવળમાં જતાં પહેલાં પહેલું કામ પોતાનાં ફેફસાંમાંનો ક્ષય તપાસવા ડૉક્ટર પાસે જવાનું પસંદ કરેલું. તબીબોએ કહ્યું કે ‘તબિયતમાં ઘણો બગાડો થયોે છે, તેથી ઘોડીના દૂધની સારવાર લેવા માટે દૂરના ઉફા પ્રાંતમાંના સેનેટોરિયમમાં જવું જરૂરી છે.’ (એ જમાનામાં ઘોડીના દૂધનો આથો ફેફસામાં રૂઝ લાવનાર ગણાતો) પરિણામે, લગ્નવિધિ બાદ નવદંપતી ગોર્કીને મળવા નોવગોરોદ જવા ચાલી નીકળ્યાં. એ વેળા ગોર્કીં ત્યાં ઘર-અટકાયતની સજા ભોગવતા હતા અને ત્યાંથી નવપરિણીત યુગલ મધુરજની માટે ઉફા ખાતેના સેનેટોરિયમ ભણી ઊપડી ગયું. ચેખૉવના જીવનમાં ઓલ્ગાના પ્રવેશ પછી પણ એની એકલતામાં કશો ફેર ન પડ્યો. લગ્નજીવનનાં ચારેય વર્ષ દરમિયાન ઓલ્ગાને મૉસ્કોમાં કામ કરવું પડ્યું, તેથી બંને સ્થૂલ રીતે તો જુદાં જ રહ્યાં. ઉપરાંત માનસિક રીતે પણ ચેખૉવે એની સમક્ષ પોતાના ચિત્તનાં દ્વાર તો કદી ખોલ્યાં જ નહિ! પતિ-પત્ની અલગઅલગ ગામોમાં રહેતાં હોવાથી બંને વચ્ચે પત્રવ્યવહાર તો પુષ્કળ થયેલા, પણ એકેય પત્રમાં ચેખૉવે સાહિત્યની કે કોઈ સાહિત્યિક પ્રશ્નની વાત નથી કરી. ચેખૉવ પહેલેથી જ માનતો કે પત્નીને એનું પોતાનું સ્વયંપર્યાપ્ત વ્યક્તિત્વ હોવું ઘટે, એ પતિનો કેવળ પડછાયો ન બની રહે. એ બાબતમાં ઓલ્ગાને મૉસ્કોની વિશ્વવિખ્યાત રંગભૂમિની ખ્યાતનામ અભિનેત્રી તરીકે આગવું વ્યક્તિત્વ અને સ્વતંત્ર વ્યવસાય સાંપડેલાં. અને ચેખૉવને એથી પૂર્ણ સંતોષ હતો. પણ પોતાના ચિત્તપ્રવાહોનો ખ્યાલ એણે પત્નીને કદી આપ્યો જ નથી. સાહિત્યની એક પણ કૂટ સમસ્યાની એણે ઓલ્ગા જોડે વાત સુદ્ધાં કરી નથી. એણે પ્રેયસીને પોતાનું હૃદય આપી દીધું, પણ ચિત્તના આગળા તો ભીડેલા જ રાખ્યા. આમ, એની માનસિક-આધ્યાત્મિક એકલતા તો પૂર્વવત્‌ રહી. રખે કોઈ માને કે ચેખૉવ મિત્રવિહોણો હતો. આજે ઉપલબ્ધ બનેલા એના હજારો પત્રો અને ચિઠ્ઠીચપાટીઓમાંનો મોટો ભાગ તો મિત્રોને પોતાને ત્યાં મહેફિલો ને જ્યાફતોમાં નોતરતાં ઇજનો અંગેનો જ છે. એ જમાનાના રશિયન સાહિત્ય જગતમાં એકેકથી ચડિયાતા ધુરંધરો વિદ્યમાન હતા, અને એ સહુ જોડે ચેખૉવને સારી મૈત્રી હતી. પોતાથી નવ વર્ષ નાનેરા ગોર્કી જોડે એને દિલોજાન દોસ્તી હતી. ટૉલ્સ્ટોયની જીવનફિલસૂફી એને સ્વીકાર્ય નહોતી, કલા અંગે તીવ્ર મતભેદ હતો, છતાં એક વયોવૃદ્ધ સાહિત્યકાર તરીકે એમના પ્રત્યે ચેખૉવને અસીમ આદર અને પૂજ્યભાવ હતો. ઇવાન બુનિન પણ ચેખૉવનો નિકટનો મિત્ર અને પ્રશંસક હતો. બુનિને ચેખૉવના મિતભાષી સ્વભાવ અને કોઈની સમક્ષ પોતાનું હૃદય ઠાલવવાની અશક્તિનું અવલોકન કરેલું. યાલ્ટા ખાતે બુનિન વારંવાર ચેખૉવને મળતો, બન્ને વચ્ચે ગાઢ મૈત્રી કેળવાયેલી, પણ એ મૈત્રી આત્મીયતાની હદે કદી નહોતી પહોંચી શકતી, એમ બુનિને ચેખૉવનાં સંસ્મરણોમાં નોંધ્યું છે. એ કહે છે કે, ચેખૉવમાં ભારોભાર નિખાલસતા હોવા છતાં પોતાના પુરસ્કાર કે તિરસ્કાર કદીય તોડીફોડીને કહી નાખવાની એને આદત નહોતી. ‘મને આ ગમે છે.’ એ રીતે વાત કરવાની ચેખૉવને ટેવ જ નહોતી. બુનિન નોંધે છે કે ચેખૉવ સાથે અત્યંત નિકટતા ધરાવનાર મિત્રો પણ એના ચિત્તપ્રવાહને કદી પારખી શક્યા નહોતા. ‘એના આત્માના ઊંડાણમાં શું ચાલી રહ્યું છે, એનો તાગ કદી કાઢી શકાતો નહિ.’ બુનિન તો એટલે સુધી કહે છે કે ચેખૉવે કોઈ જોડે ખરેખરી આત્મીયતા કેળવેલી જ નહિ. આવો એકલપંથી અને એકલસૂરો માણસ પ્રસિદ્ધિના ઝળહળાટથી અને ટોળાંઓની સોબતથી દૂર ભાગે એમાં શી નવાઈ? છવીસમે વર્ષે ચેખૉવે અવનતિને પંથે જઈ રહેલા પોતાના નાનેરા ભાઈને શિખામણનો પત્ર લખવો પડેલો, એમાં સંસ્કારી માનવીનાં સુલક્ષણોની ખાસ્સી યાદી કરી મોકલેલી. એ પત્રમાં પાંચમું સુલક્ષણ આ રીતે વર્ણવેલું : ‘એમનામાં છીછરો ઘમંડ નથી હોતો. વિખ્યાત વ્યક્તિઓ સાથે પરિચય કેળવનારા ખોટા હીરાઓના ચળકાટનો એમને મોહ નથી હોતો... પોતે રતિભાર કામ કર્યું હોય તો શેર બશેર જેટલો એને દેખાવ નથી કરતા... સાચો શક્તિસંપન્ન માણસ ટોળાંઓમાં હંમેશ છાનો અને અંધકારમાં જ રહેવા ઇચ્છશે, જાહેરાતો અને ગુણગાનથી પણ દૂર જ ભાગશે. ક્રીલોવે પણ કહ્યું છે કે ખાલી ઘડો ભરેલા ઘડા કરતાં વધારે અવાજ કરે છે...’ વાર્તાકાર અને નાટ્યકાર તરીકે ચેખૉવનો કીર્તિસૂર્ય મધ્યાહ્ને તપતો હતો, ત્યારે પણ સસ્તી વાહવાહ પ્રત્યે એને ચીડ હતી. બલકે, પોતાની પ્રશંસા સાંભળીને એ પરેશાની જ અનુભવતો. તબિયત સુધારવા પોતે ક્રીમિયામાં વસવાટ કરેલો, ત્યારે મૉસ્કોમાં ‘અંકલ વાન્યા’ નાટક પહેલી વાર ભજવાયું. એની સફળતા સૂચવતા અભિનંદનના સંદેશાઓ આવવા માંડ્યા ત્યારે ચેખૉવે ઓલ્ગા નીપરને એક પત્રમાં લખેલું : ‘સત્તાવીસમીની સાંજથી, હું પથારીવશ હતો ત્યારે, તાર આવવા માંડ્યા. તાર ઑફિસેથી મને ટેલિફોન ઉપર આ સંદેશા વાંચી સંભળાવતા હતા. ઘંટડી વાગતાં હું જાગી જતો અને ઉઘાડે પગે જ ટેલિફોન તરફ દોડતો, તેથી મને બહુ શરદી લાગી ગઈ. ઘડીવાર જંપું ત્યાં તો ફરી ઘંટડી વાગે, અને વાગ્યા જ કરે. મારી કીર્તિએ મને ઉજાગરો કરાવ્યો હોવાનો આ પહેલો જ પ્રસંગ હતો. વળતે દિવસે સાંજે તો સ્લિપર અને ડ્રેસિંગ ગાઉન મારી પથારી નજીક જ મૂકીને હું સૂતો હતો, પણ એકેય. તાર ન આવ્યો.’ મૃત્યુ પહેલાં ચેખૉવે ‘ધી ચેરી ઓર્ચાર્ડ’ નાટક પૂરું કર્યું. આર્ટ થિયેટરને કશુંક નવું લખી આપવાની ઝંખનાથી જ અત્યંત લથડેલી તબિયતે પણ એણે એ કામ કરી આપેલું. કોઈ કોઈ દિવસ તો સવારથી સાંજ સુધીમાં નાટકની ચાર જ લીટી લખી શકાતી. ચેખૉવના મિત્રો અને પ્રશંસકોને લાગ્યું કે હવે એ ઝાઝું જીવી શકશે નહિ. મૉસ્કો આર્ટ થિયેટરે પોતાના નાટ્યકાર પ્રત્યેનું ઋણ ફેડવાનું વિચાર્યું. અને એ માટે, સાહિત્યક્ષેત્રમાં ચેખૉવના પ્રવેશની રજતજયંતી ઊજવવાનું વિચાર્યું. એ માટે ચેખૉવની પ્રથમ વાર્તા લખાયાની તારીખ એની પાસેથી માગવામાં આવી, પણ ચેખૉવે એ જણાવી જ નહિ, કેમકે એને આવા સન્માનસમારંભોથી ત્રાસ છૂટતો. દરમિયાન, ૧૯૦૪ના જાન્યુઆરીમાં ચેખૉવની જન્મજયંતી આવતી હતી, તેથી ‘ચેરી ઑર્ચાર્ડ’નો પહેલો પ્રયોગ તે દિવસે જ યોજાયો. મિત્રો સમજી ગયા હતા કે, ચેખૉવનો આ છેલ્લો જ જન્મદિવસ છે. આવતા જાન્યુઆરીમાં એ હયાત નહિ હોય. તેથી એ દિવસે, ચેખૉવના સાહિત્ય જીવનનાં પચીસ વર્ષની રજતજયંતી પણ યોજવામાં આવી. (વાસ્તવમાં ત્યારે ચેખૉવના સાહિત્યજીવનનાં ચોવીસ જ વર્ષ પૂરાં થયાં હતાં.) નાટકના પ્રથમ પ્રયોગ સાથે ચેખૉવના સન્માન માટે વ્યાખ્યાનો, માનપત્રો અને ભેટસોગાદોનો ભવ્ય સમારંભ યોજાયો. દરમિયાન સાહિત્યના ધુરંધરો પોતપોતાનાં વ્યાખ્યાનો લખી લાવેલા. પ્રેક્ષકો પુષ્કળ ભેટસોગાદો લઈને હાજર થયેલાં. પણ ઉત્સવને ટાંકણે ઉત્સવપાત્ર જ હાજર ન થયું. ચેખૉવ તો પોતાની હોટેલમાં જ પડ્યો રહેલો. નાટકના ત્રીજા અને ચોથા અંક વચ્ચે આ સમારંભ યોજાયેલો, પણ ચેખૉવ ત્યાં ઉપસ્થિત નહોતો. આખરે મિત્રોએ એને હોટેલમાંથી પરાણે તખ્તા ઉપર ખડો કરી દીધો. આખાય સમારંભ દરમિયાન એને તખ્તા ઉપર ઊભા જ રહેવાનું હતું! લાંબા લાંબાં પ્રશસ્તિપ્રવચનો દરમિયાન ચેખૉવને સખત ખાંસી ચડી, કોઈ સમભાવી પ્રેક્ષકે એને બેસી જવાની વિનંતી કરી; પણ તખતા ઉપર એકેય ખુરસી જ મૂકવામાં આવી નહોતી! બળજબરીથી થયેલા આ બહુમાન અંગે ચેખૉવે બીજે દહાડે એક મિત્રને લખેલું : ‘આજે મારી મનોદશા બહુ સારી નથી, કેમકે, ગઈ કાલે જ મારો રજતજયંતી ઉત્સવ ઉજવાયો છે.’ સ્તાનિસ્લાવ્યવ્સ્કીએ એનાં સ્મરણોમાં નોંધ્યું છે કે ‘આ આખોય સમારંભ અવલમંજલ જતી પાયદસ્ત જેવો બની રહેલો.’ અને થોડા સમયમાં જ એ પાયદસ્ત સ્થૂલરૂપે પણ નીકળી. ડૉક્ટરોએ એને બેડનવિલર જવાની સલાહ આપી. અહીંથી એ મિત્રોને ખત લખતો કે મારી તબિયત ઝડપભેર સુધરી રહી છે. મારું વજન ડ્રામમાં નહિ પણ હન્ડ્રવેટને હિસાબે વધી રહ્યું છે. આ પણ, બધી હકીકતો ગુપ્ત રાખવાની એની આદતનો જ એક ભાગ હશે? કોણ જાણે. પણ જુલાઈની ૧-૨ તારીખની રાતે એની તબિયત એકાએક લથડી. મૃત્યુને દિવસે સાંજે (એણે પત્નીને પણ આ બાબતમાં અજ્ઞાત જ રાખેલી.) ઓલ્ગાને એણે હોટેલવાસીઓના જીવન વિશે પોતે વિચારેલી એક રમૂજપ્રેરક વાર્તાનું વસ્તુ કહી સંભળાવીને બેહદ હસાવી, અને થોડા કલાકમાં જ તબીબને બોલાવવા પડ્યા. તબીબે એના હૃદય ઉપર બરફની કોથળી મૂકી ત્યારે ચેખૉવે કહ્યું : ‘ખાલી હૃદય ઉપર બરફ શા માટે મૂકો છો?’ તુરત ડૉક્ટરે એને શેમ્પેન પીવાનું સૂચવ્યું. ‘શેમ્પેન પીધાને તો ઘણા દિવસ થઈ ગયા,’ કહીને ચેખૉવે એ પીણું પીધું, પડખું ફર્યો, અને તુરત મૃત્યુ પામ્યો. જે રેલવે વૅગનમાં ચેખૉવના મૃતદેહને પિટર્સબર્ગ લઈ જવાયો, એ ડબા ઉપર પાટિયું માર્યું હતું : ‘તાજાં ઓઈસ્ટર.’ ચેખૉવે આ જાણ્યું હોત તો આવા ગંભીર પ્રસંગે થયેલા આ ગોટાળા વિશે જરૂર એક કટાક્ષાત્મક વાર્તા કાંતી કાઢી હોત. પિટર્સબર્ગથી મૃતદેહને મૉસ્કો લઈ જવાયો. એની દફનક્રિયા માટે એક ખાસ સમિતિની રચના થયેલી, અને રાષ્ટ્રવ્યાપી શોક પાળવામાં આવેલો. પણ જે ટ્રેનમાં ચેખૉવનો નિશ્ચેષ્ટ દેહ મુસાફરી કરી રહ્યો હતો, એ જ ટ્રેનમાં, મંચુરિયાથી એક રશિયન સેનાપતિનો મૃતદેહ પણ આવી રહ્યો હતો તેથી સ્ટેશન પર લશ્કરી બૅન્ડવાજાંએ એને સલામી આપી. જીવનભર એકલવિહારી આ કલાકારને આખરી મજલમાં એક સેનાપતિના મૃતદેહે સાથ આપ્યો, એમાં પણ થોડો ગોટાળો થયો. બંને મૃતદેહોની પાયદસ્ત એકી સાથે જ નીકળી, તેથી બંનેના પ્રશંસકોમાં સેળભેળ થઈ જવા પામી! ચેખૉવને અંતિમ અંજલિ અર્પવા મૉસ્કોવાસીઓએ એવો તો ધસારો કરેલ કે, ટોળાંઓને કાબૂમાં રાખતાં પોલીસને નાકે દમ આવી ગયેલો. પણ એ વેળા કોને કલ્પના હતી કે ચેખૉવને વધારે ને વધારે ઉષ્માભરી અંજલિઓ તો સમયના વહેણ સાથે દુનિયાભરમાં મળતી રહેવાની હતી? જાન્યુઆરી ૨૬, ૧૯૬૦

(‘શાહમૃગ-સુવર્ણમૃગ’)