સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/ગુજરાતી ભાષાનો મોટો કોષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪. ગુજરાતી ભાષાનો મોટો કોષ
[સંભવતઃ નર્મદનો બૃહદ ‘નર્મકોશ’]

પ્રત્યેક ભાષાના ઇતિહાસમાં કોષ અને વ્યાકરણનો ઉત્પત્તિ સમય એ બહુ જ અગત્યનો સમય છે. એ સમય સદા નોંધી રાખવા જોગ છે. કવિતા ઝરણના સમય જેવો મનોહર અથવા ફિલસૂફીના ઉદય જેવો એ તેજોમય દીસતો નથી, તોપણ એ સમયમાં જ તે બંને સમયનું સૌંદર્ય અથવા તેજ ગર્ભિતરૂપે રહેલું છે, અને તે તેજ તથા સૌંદર્ય સૂક્ષ્મદૃષ્ટિવાળા પુરુષો પ્રત્યક્ષ જોઈ શકે છે. ભાષામાં ગમે એવા ઉત્તમ કવિઓ થઈ ગયા હોય કે જેની બરાબરી પાછળ આવનારો કરે એ કદાપિ અશ્કય થઈ રહ્યું હોય, તોપણ જ્યાં સુધી તે ભાષા વ્યાકરણ મર્યાદાથી અલંકૃત થઈ નથી, અને તેના સામર્થ્યનો કોષ જગતમાં બહાર પડ્યો નથી, ત્યાં સુધી તે ભાષા હજુ બાલ્યાવસ્થામાં જ છે એમ ગણાય. પ્રૌઢ નાયકાનો વૈભવ કદી પણ તે એ સંસ્કાર વિના ધારણ કરી શકે નહિ. ખરે જેમ દ્વિજ વર્ગને યજ્ઞોપવીતનો સંસ્કાર મહા અગત્યનો છે તેમ ભાષાને એ બે મહા મોટા સંસ્કાર જ છે. એ સમયથી ભાષા પોતાનું સ્વરૂપ સમજવા લાગે છે અને તે સાર્થક કરવા ઉત્સાહથી આગળ ધસે છે. રસિક કવિઓને હાથે ખેડાયેલી છતાં ગુજરાતી ભાષા વિક્રમના ૨૦મા સૈકા સુધી એ બે સંસ્કાર વિનાની હતી. બીજી પ્રાકૃત ભાષાઓ પણ એવી જ શૂદ્ર સ્થિતિમાં હતી. ઇંગ્રેજી રાજની ઉદાર બુદ્ધિએ જે જનકેળવણીનો પાયો રોપ્યો છે તેના પ્રતાપે જેમ દેશ બીજી બધી રીતે જાગૃત થવા લાગ્યો છે તેમ ભાષા પ્રકરણમાં પણ ચાંચલ્ય ધારણ કીધું છે. જેમ મુગલાઈના વખતમાં પ્રાકૃત ભાષાઓનો ખરેખરો ઉદય થવા લાગ્યો, તેમ આ સમય તેને સંસ્કાર શુદ્ધ કરવાને નિમ્યો હોય એમ ભાસે છે. આ સમયમાં પ્રાકૃત ભાષાઓને અપૂર્વ ગતિ મળી છે. વ્યાકરણો બધી ભાષાનાં રચાવા લાગ્યાં છે, અને તે થોડાં ઘણાં સંપૂર્ણતાના માર્ગ પર પણ પડ્યાં છે. સારા ગદ્યનો પ્રારંભ થયો છે, અને દર ત્રણ માસે સરસ્વતી દેવીના મંદિરમાં નાના પ્રકારના ગ્રંથો મુદ્રાલય વધાવે છે તે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. લોકોમાં બીજા જ્ઞાનની સાથે ભાષા જ્ઞાનનો બહોળો પ્રસાર થતો જાય છે. કદાપિ પહેલાં થોડાએક સ્વભાષાનું જેવું ઊંડું જ્ઞાન ધરાવતા હતા તેટલું જ્ઞાન હાલ વિરલું જ જોવામાં આવે છે, તોપણ તેવા સ્વભાષાના જાણની સંખ્યા પૂર્વે આંગળી ઉપર ગણાય એટલી જ હતી. ઘણા માણસો તો જેમ બીજા વિષયમાં અજ્ઞાન હતા તેમ આ વિષયમાં પણ કેવળ અજ્ઞાન જ હતા. હ્રસ્વ દીર્ઘ લખી જાણનારા તો શાસ્ત્રી ભણેલા છે એમ કહેવાતું. અને એ શાસ્ત્રી ભણેલાનું પણ ડિક્ટેશન હાલના ચોથા ધોરણના છોકરા કરતાં ઊતરતું હતું. પાંચ લીટીનું એક વાક્ય લખવું એ તે વખતે બુદ્ધિની પરમ સીમા સમજાતી. અર્થાત્‌ : હાલ ભાષાનું સામાન્ય જ્ઞાન લોકોમાં ઘણું ફેલાયું છે, વાંચનારની સંખ્યા વધી છે, ગ્રંથકારો ઠેર ઠેર નીકળવા લાગ્યા છે, અને અગર જો હજી સારા ગ્રંથ થોડા જ ઉત્પન્ન થાય છે તો વૃદ્ધિનાં ચિહ્ન અચૂક જણાય છે. આજપર્યંત કોષની બાબતમાં ગુજરાત આ જમાનાની પોતાની ફરજ બજાવવામાં પછાત હતી. બંગાળ, દક્ષિણ હિંદુસ્તાને પોતાની ફરજ ક્યારની બજાવી છે. મરાઠી ભાષા આપણા કરતાં વધારે ખેડાયેલી સ્થિતિમાં આવી તેનું એક મુખ્ય કારણ પંડિતોની સહાયતાથી થયેલા પેલા બે મોટા કોષ છે. ગુજરાતી કોષનો પ્રથમ વિચાર અને પ્રારંભ સુરતના રહેનાર સ્વર્ગવાસી માસ્તર દલપતરામ ભગુભાઈએ કીધો હતો. એનો લખેલો કોષ સર જમશેદજી જીજીભાઈએ ખરીદ કરીને મિરજા અહમદ કાજીમ તથા નવરોજજી ફરદુનજીને સ્વાધીન કીધો, અને તેઓએ એ ઉપરથી જે કોષ રચ્યો તે હાલ તેઓના નામથી પ્રસિદ્ધ છે. એ કોષમાં પંદર હજાર શબ્દ છે, તો પણ વિદ્વાનોને ખપમાં આવે એવો થોડાં જ છે. આપણી હાઈસ્કૂલોનો કોઈ વિદ્યાર્થી જો પોતાને ન આવડતો હોય એવો ગુજરાતી વાંચનની ચોપડીમાંનો શબ્દ તેમાં શોધવા જાય તો તે કેવળ નિરાશ થયા વિના રહે જ નહિ. ટૂંકામાં એ કોષ ગ્રંથસ્થ શબ્દ આપતો નથી, પણ માત્ર વ્યવહારમાં વપરાતા શબ્દ જ આપે છે. અને તે પણ બધા નહિ. માસ્તર દલપતરામના પુત્ર રાજશ્રી મોતીભાઈ એમ કહે છે કે મારા પિતાનો કરેલો મૂળ કોષ વધારે વિસ્તીર્ણ હતો. તે સમયે અને વળી હિંદુ નહિ એવા એ વિદ્વાન ગૃહસ્થો તરફથી વધારે આશા ન જ રાખવી જોઈએ એ વાત ખરી છે, અને અમે એ આદિ કોષકારનું માન કોઈ પણ પ્રકારે ઓછું કરવા ઇછતા નથી, તોપણ જ્યાં કોષનો ઇતિહાસ આપવા બેઠા છીએ ત્યાં તો કહેવું જોઈએ કે એ કોષ થયાથી વિદ્યા પ્રકરણમાં જે કોષની ખોટ હતી તે તો તેવી ને તેવી જ રહી. ત્યાર પછી કરસનદાસ મૂળજી અને સાપુરજી એદલજીના શાળોપયોગી નાના કોષ રચાયા. કરસનદાસના કોષની બીજી આવૃત્તિમાં સુધારો વધારો ઠીક થયો છે, તો પણ એ બંને કોષ શાળોપયોગી જ છે. ભાષાનો ઘણો ભંડાર હજી ભોંયરામાં ને ભોંયરામાં જ રહ્યો એમ કહીએ તો ચાલે. બીજું એ ત્રણે કોષ ગુજરાતી ને ઇંગ્રેજી હતા એટલે ગુજરાતી શબ્દના અર્થ ઇંગ્રેજીમાં સમજાવવામાં આવ્યા હતા. ગુજરાતી શબ્દના અર્થ ગુજરાતીમાં જ સમજાવે એવા અતિ ઉપયોગી કોષનો વિચાર તો કવિ નર્મદાશંકરને માટે જ રહ્યો હતો. સને ૧૮૬૧માં પ્રથમ કવિ નર્મદાશંકરે પોતાના ધારેલા મોટા કોષનો પહેલો ભાગ પ્રગટ કીધો, કેમકે ભાગમાં પ્રગટ કરવાનો પ્રથમ વિચાર હતો. એ પ્રમાણે ચાર ભાગ બહાર પડ્યા અને પછી એ કામ અટક્યું. આવું મહાભારત કામ એ વિદ્વાને એકલા પોતાને માથે લેવાની હિંમત ચલાવી. પણ આસપાસથી કાંઈ પણ આશ્રય મળ્યો હોય અથવા એ શ્રમની કોઈએ કદર જાણી હોય એમ જણાતું નથી. અને અમે એમ ધારીએ છીએ કે એ કામ અટકી પડ્યું તેનું એક કારણ એ હશે જ. તોપણ અમે જોઈને ઘણા જ ખુશી થઈએ છીએ કે એ ખંતી વિદ્વાને પોતાનો ઉદ્યોગ છોડી દીધો નહિ, અને સઘળી મુશ્કેલીઓને પાર કરી પોતાના દેશને એક મોટો કોષ અર્પણ કીધો છે. ખરે એ ગ્રંથ ગુજરાત પ્રાંતને જ અર્પણ કીધો છે. અમે ધાર્યું કે આવો ગ્રંથ કોઈ શ્રીમંતના નામની સાથે જોડાયો હશે જ, પણ અર્પણપત્રને સ્થાનકે જોયું તો ‘જય જય ગરવી ગુજરાત’ એવા શબ્દ ઝળકી રહેલા જોયા, અને તે જોતાં અમારા મોંમાંથી પણ તેમજ નીકળ્યું કે ‘જય જય છે તારા, ગરવી ગુજરાત, કે જ્યાંના વિદ્વાન આવો ગ્રંથ જાતે પ્રસિદ્ધ કરવાની હિંમત આશ્રય વિના ચલાવે છે.’ અત્યારે આ ગ્રંથનું વિવેચન આપવાનો અમારો વિચાર નથી તો પણ એટલું તો હમણાં કહેવું જ જોઈએ કે એ ગ્રંથ બાર બાર વરસના પરિશ્રમનું અને ઘણા બુદ્ધિબળનું તથા અનુભવનું ફળ છે. એ સંપૂર્ણ છે એમ અમે નથી કહેતા, અને કોષ જેવો ગ્રંથ પ્રથમ પ્રયત્ને સંપૂર્ણ થાય એ વાત જ અશક્ય છે, તો પણ જ્યારે મોટો મરાઠી કોષ રચાયો ત્યારે ઠામ ઠામ સરકાર તરફથી કેવી ખોળ ચાલી રહી હતી, પંડિતોની સભા શબ્દ પરખવાને અને તેના અર્થ નિર્માણ કરવાને કેવી બેસી જ રહી હતી, અને પ્રત્યેક શબ્દ કેટલા કેટલા હાથમાંથી ઘડાતો ઘડાતો આવી કોષકારની કલમમાંથી ઊતરતો હતો, એ વાતનો જ્યારે વિચાર કરીએ અને બીજી તરફ આ કોષકારક એકલો જ કોઈ વિદ્વાનની મદદ વિના, અને કોઈ શ્રીમંતની હૂંફ વિના, જાતે કાંઈ શ્રીમંત ન છતાં, આવા મહાભારત કામમાં મંડી રહ્યો અને સિદ્ધિને પામ્યો એ વાતનો જ્યારે વિચાર કરીએ ત્યારે એમ તો કહ્યા વિના નહીં ચાલે કે નર્મદાશંકરે ઘણો ઉદ્યોગ, વિદ્વત્તા, અને સૂક્ષ્મ બુદ્ધિ આ ગ્રંથમાં દર્શાવી છે, અને આ ગ્રંથ રચી બધા ગુજરાતીઓને અત્યંત આભારી કીધા છે.

૧૮૭૮