સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/હરિશ્ચંદ્ર નાટક
હિંદુસ્તાનના આ છેડાથી પેલા છેડા સુધી હરિશ્ચંદ્ર રાજાનું નામ સર્વેને જાણીતું છે અને જ્યારે જ્યારે સત્યવાદીપણાની વાત નીકળે છે ત્યારે એનો દાખલો આપવામાં આવે છે. હરિશ્ચંદ્ર રાજાની કથા મૂળ રામાયણમાં છે અને કાંઈક પાઠફેર વૃત્તાંત માર્કંડેયપુરાણમાં આપેલું છે. એ ઉપરથી ઘણા પ્રાકૃત કવિઓએ આખ્યાન જોડ્યાં છે. ગુજરાતીમાં વિષ્ણુદાસનું પ્રસિદ્ધ છે. એ જ કથા ઉપરથી સંસ્કૃતમાં ચંડકૌશિક એટલે (કોશિકકુળના) વિશ્વામિત્રનો કોપ એ નામનું નાટક એક કવિએ રચ્યું છે. પણ આ ભાષાંતર તે સંસ્કૃત નાટકનું નથી. મદ્રાસ ઇલાકાના પૂર્વ ભાગમાં ઘણે ઠેકાણે અનાર્થ એટલે સંસ્કૃતમાંથી ઉત્પન્ન નહીં થયેલી એવી એક તામિલ નામની ભાષા બોલાય છે. જે તૈલંગણનો ઉદ્યોગ અને સંસ્કૃત વિદ્યા આટલી બધી વખણાય છે, ત્યાંના વિદ્વાનો પોતાની દેશી ભાષાને ખેડવા ઘણી મહેનત કરે એમાં શી નવાઈ? તામિલ ભાષા આશરે દોઢ હજાર વર્ષથી ખેડાતી આવી છે, એમાં ભાતભાતનાં પુસ્તકો રચાયાં છે, તે પુસ્તકો પણ ફક્ત ભાષાંતર જ એમ નહીં પણ ઘણા સ્વકલ્પિત અને શાસ્ત્રીય વિષયો ઉપર પણ છે. ટૂંકામાં એ ભાષા એટલી ખેડાયેલી છે કે વ્યવહારની કોદન તામિલ અને પુસ્તકની શેન તામિલ એવા બે વર્ગ તેના પડી ગયા છે. ગુજરાતી ભાષાને એવો દહાડો ક્યારે આવશે! કોઈ પ્રાકૃત ભાષામાં એક પણ નાટક પહેલાં લખાયું હોય એમ જણાતું નથી પણ એ તામિલમાં તો તેનો સારો ખજાનો છે. હરિશ્ચંદ્ર નાટક પણ તેમાં જ કોઈ કવિએ મૂળ કથાને આધારે રચ્યું છે, અને તેનો અંગ્રેજીમાં એક તરજુમો થયો છે. તેનું ભાષાંતર રણછોડભાઈએ કરીને ગુજરાતીઓની સેવામાં મૂક્યું છે. આ નાટક બધું રણછોડભાઈએ બાળબોધ અક્ષરે છપાવ્યું છે. એ બાબત અમે એમના વિચાર સાથે બિલકુલ મળતા છીએ. દેશના ઐક્યમાં ભાષા એ એક મુખ્ય તત્ત્વ છે. એક ભાષા બોલનારાઓમાં પરસ્પર પ્રીતિ અને સંપ વધારે રહે છે, અને એક ભાષા વિદ્યાવૃદ્ધિનું મોટું સાધન છે એ તો ખુલ્લું જ છે. ઘણા વખત સુધી સંસ્કૃત બોલાતી બંધ પડી હતી તો પણ તે દેશ ભાષાનું કામ કરતી હતી, અને મુસલમાન રાજના પાછલા ભાગમાં હિંદુસ્તાની અથવા ઉર્દૂ એ માન ભરેલી પદવીએ પહોંચી હતી. આજે પણ ઉર્દૂ ભાષા ઘણું કરીને હિંદુસ્તાનના બધા ભાગમાં થોડી ઘણી બોલાય છે અને સમજાય છે. એ કારણને લીધે કેટલાએક દીર્ધ દૃષ્ટિવાળા દેશહિતેચ્છુઓનો વિચાર એને જ દેશભાષા ગણી ઉત્તેજન આપવાનો થાય છે, તો તે વખત આખા દેશને માન્ય એવી જે દેવનગરી લિપિ તેમાં ગુજરાતી પુસ્તકો છપાવવાની વાત કોણ નહીં કબૂલ કરે? દક્ષણીઓએ તો એ શુભ રીત અસલથી જ પોતાનામાં દાખલ કીધી છે. એનો લાભ એ થયો છે કે મરાઠી પુસ્તકો ગુજરાતમાં ઉપલા વર્ગના લોકોમાં વંચાય છે, અને તેમાંથી આપણામાં ભાષાંતર પણ કેટલાંએકનાં થયાં છે. દક્ષણની એકે લાઇબ્રેરીમાં એક ગુજરાતી પુસ્તક નહીં હોય, અને એથી ઊલટું આ પ્રાંતમાં મરાઠી ચોપડીઓ ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. આમ થવાનું મુખ્ય કારણ ગુજરાતી લિપિ છે. આપણામાં અસલ વિદ્યાના કામમાં બાળબોધ અક્ષર ચાલતા હતા, અને જૂની રીતિ પ્રમાણે વર્તનારાઓમાં હજી તે જ ચાલે છે. બોર્ડના વખતમાં પણ સરકારી પુસ્તકો બાળબોધમાં જ છપાતાં હતાં પણ ત્યાર પછી એકાએક ગુજરાતી લિપિ આગળ પડી અને હમણાં તો બાળબોધમાં છપાવવું એટલું અસાધારણ થઈ પડ્યું છે કે રણછોડભાઈને પોતાનો બચાવ કરવા સારુ પ્રસ્તાવનાના આશરે બે પાનાં રોકવા પડ્યાં છે. જે લિપિ હિંદુસ્તાનના બધા ભાગમાં વંચાઈ શકે છે તે ગુજરાતીઓ બરાબર વાંચી શકતા નથી એમ હોય તો ગુજરાતીઓને ભારે શરમ છે. ગુજરાતી લિપિને હજી પણ જૂના લોકો વાણિયાઈ અક્ષર કહે છે તે ખરું જ છે. એ વેપારીઓની અથવા વ્યવહારમાં વાપરવાની જ લિપિ છે. શાસ્ત્રીય અક્ષર જેને વાંચતા ન આવડે તેને હિંગ તોળવા કરતાં બીજું કાંઈ નથી આવડતું એ નિશ્ચય જાણવું. નવી વાંચનમાળાએ વાણિયાઈ અક્ષરને બહુ આગળ પાડ્યા છે ખરા તોપણ તેમાં શાસ્ત્રીય અક્ષર શીખવવાની ઘટતી ગોઠવણો કીધી છે. તેથી એ દેવનગરી લિપિ વાપરવામાં કોઈ જાતની પણ હરકત જણાતી નથી, અને ખરુંં કહીએ તો જે લોકો એ અક્ષર વાંચી શકતા નથી તેઓ ઊંચાં ગુજરાતી પુસ્તકોની મતલબ સમજવાને પણ થોડા જ શક્તિમાન છે. સઘળી વાતનો વિચાર કરતાં અમારો તો એ પાક્કો નિશ્ચય છે કે લખવામાં ગુજરાતી અને છાપવામાં બાળબોધ અક્ષર આપણે વાપરવા જોઈએ. એમાં કશી તરહનું નુકસાન નથી ને ફાયદા ઘણા છે. ભાષાનું ઐક્ય તો થવાનું હશે ત્યારે થશે, પણ લિપિનું ઐક્ય તો સહેજ બની શકે એવું છે માટે આપણે શા માટે ન કરવું જોઈએ.
૧૮૭૮