સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/વિવેચક-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વિવેચક-પરિચય : નીતિન મહેતા

સેજલ શાહ

Nitin Mehta.jpg

ગુજરાતી વિવેચનનો અનુઆધુનિક સમયનો એક મક્કમ અવાજ એટલે નીતિન મહેતાનું વિવેચકીય કાર્ય, ગુજરાતી સાહિત્યના પ્રોફેસર, કવિ, વિવેચક નીતિનભાઈ મહેતા મુંબઈ નિવાસી, વિદ્યાર્થીપ્રિય અધ્યાપક હતા. નીતિન મહેતાનો જન્મ જૂનાગઢમાં ૧૨મી એપ્રિલ, ૧૯૪૪માં થયો હતો. તેમણે અભ્યાસ મુંબઈમાં કર્યો હતો. ૧૯૬૨માં એસ.એસ.સી. પાસ, ૧૬૬૮માં બી.એ. ભવન્સ કૉલેજ ચોપાટીથી કર્યું. ત્યારે તેમના શિક્ષક સિતાંશુ યશશ્ચંદ્ર હતા. ૧૯૭૧માં એમ.એ.ની ડીગ્રી ગુજરાતી વિષય સાથે મેળવી ત્યારે વિભાગ અધ્યક્ષ તરીકે રમણભાઈ શાહ હતા. તેઓને બી.એ. અને એમ.એ.માં સુવર્ણચંદ્રક મળ્યા છે. ત્યારબાદ સુરેશ જોષીના માર્ગદર્શન હેઠળ ‘૧૯૫૬ પછીની ગુજરાતી કવિતાની પદાવલિ : એક અભ્યાસ’ પર શોધનિબંધ લખ્યો. શોધગ્રંથનું પુસ્તક રૂપે પ્રકાશન ‘કાવ્યબાની’ નામે થયું છે. કારકિર્દીના આરંભના વર્ષોમાં લાલા લજપતરાય કૉલેજમાં, વિલેપાર્લેની એન. એમ. કૉલેજમાં પાર્ટટાઇમ ભણાવતા હતા. મુંબઈની મણિબહેન નાણાવટી વિમેન્સ કૉલેજમાં ૧૯૭૩માં અધ્યાપક તરીકે જોડાયા હતા. ત્યારબાદ ૧૯૮૪માં મુંબઈ છોડીને વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં ભાષા-સાહિત્યનું અધ્યાપન કર્યું. પછી તેઓ ૧૯૯૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ થયા અને ૨૦૦૨માં નિવૃત્ત થયા. ત્યારબાદ ત્રણેક વર્ષ સુધી તેમણે ત્યાં કાર્ય કર્યું હતું, કેટલાક કડવા અનુભવને કારણે તેમણે વિભાગમાંથી નીકળી જવાનું પસંદ કર્યું હતું. કારકિર્દીના આરંભનાં વર્ષોમાં તેઓ ૧૯૭૨-૭૩માં ‘ગ્રંથ’ માસિક સાથે સંલગ્ન હતા. થોડો સમય ‘યાહોમ’નું પણ સંપાદન કર્યું. નિવૃત્તિ બાદ સુરેશ જોષીએ શરૂ કરેલા ‘એતદ્‌’ સામયિકનું સંપાદન કર્યું હતું. તેમનું અવસાન ૧ જૂન, ૨૦૧૦ના રોજ થયું હતું. નીતિન મહેતાનો પહેલો કાવ્યસંગ્રહ ‘નિર્વાણ’ ૧૯૮૮માં પ્રકાશિત થયા બાદ ૨૦૧૨માં ‘નિર્વાણ’ની મરણોત્તર સંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. બીજો કાવ્યસંગ્રહ ‘અનિત્ય’(૨૦૧૪)નું પ્રકાશન પણ તેમના અવસાન બાદ થયું. નીતિન મહેતાના ‘નિર્વાણ’ કાવ્યસંગ્રહમાં આધુનિક ગુજરાતી કવિતાની છાંટ વર્તાય છે, આધુનિકતાના પ્રવાહને વેગવંતો રાખનારા મુખ્ય કવિઓ સુરેશ જોષી, ગુલામમોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, દિલીપ ઝવેરી આદિ વચ્ચે નીતિન મહેતા સભાનતાપૂર્વક, કવિતા પ્રત્યેની ઉત્કટ નિસબત સાથે આ પડકાર ઝીલે છે અને સમય જતાં એમાં સફળ પુરવાર થાય છે. આ કવિતાઓનો આધુનિકોત્તર તરફ વધુ ઝોક જોવા મળે છે. તેમને મોટાભાગે અછાંદસ કાવ્ય રીતિ અપનાવી છે. આ કવિતામાં જોવા મળતા પ્રાસંગિક ઘટનાત્મક ઉલ્લેખો, નાટ્યાત્મક રજૂઆત – કવિતાના વિષયવસ્તુને, ભાવને આધાર આપવા અવારનવાર પ્રવેશે છે, આ એમની એક નિજી શૈલીની વિશેષતા છે. ‘કાવ્યબાની’ (૨૦૦૧), અપૂર્ણ (૨૦૦૪), ‘નિરંતર’ (૨૦૦૭), ‘નયપ્રમાણ’ (૨૦૧૦, મરણોત્તર) તેમના વિવેચનગ્રંથો છે. કાવ્યબાની એ નીતિન મહેતાના શોધનિબંધનું ગ્રંથસ્વરૂપ છે. ‘અપૂર્ણ’ અને ‘નિરંતર’ આ બે વિવેચન ગ્રંથોમાં તેમની વિવેચકીય સૂઝ અને તેમની સૈદ્ધાંતિક ચર્ચા જોવા મળે છે, નીતિન મહેતાનું વિવેચકીય પ્રદાન ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું છે. કૃતિના રસપ્રદેશને સૈદ્ધાંતિક વિચારો સાથે જોડવા અને ખાસ કરીને પશ્ચિમના વિચારોને ગુજરાતીમાં પ્રાયોગિક રૂપે મૂકવામાં તેમનો ફાળો રહ્યો છે. સાહિત્ય સિદ્ધાંત નીતિન મહેતા માટે કૃતિ સુધી પહોંચવાનું અને કૃતિના ગૃહિતને ઉઘાડવાનું સાધન છે. તેઓની એક વિશિષ્ટ શોધ એ રહી છે કે સાહિત્ય કૃતિના વિષયવસ્તુ અને બાનીમાં જોવા મળતું સતત પરિવર્તન અને તેનાં કારણોની તપાસ સાથે આસપાસનો પરિસર, સમાજવ્યવસ્થાને જોડીને પશ્વિમના સાહિત્ય સિદ્ધાંતોને આધારે તપાસવું, આ સામાજિક અભિગમને કળાના પરિપ્રેક્ષ્યથી જોવાનો પ્રયત્ન તેમણે કર્યો છે. પશ્ચિમમાં કૃતિ વિવેચનને ભારતીય અને પ્રાદેશિકતા સાથે જોડી તુલનાત્મક અને ગતિશીલ રીતિના તેઓ આગ્રહી રહ્યા છે. પશ્ચિમમાં બદલાતાં સાહિત્ય વિચારના પ્રવાહોની અસરમાં તેમણે કવિતાઓનું વિવેચન કર્યું છે. ‘નિરંતર’ વિવેચન ગ્રંથ તેમણે ગ્રહણ કરેલા આધુનિક વિવેચનાત્મક પાસાંની સમજણ આપે છે. ‘નયપ્રમાણ’ તેમણે ‘એતદ્‌’ સામયિકમાં લખેલા સંપાદન લેખોનો સંગ્રહ છે. તેમણે સંપાદિત કરેલા ‘પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન’ (૧૯૮૭) નામના ગ્રંથમાં પંડિતયુગના સાહિત્ય પરનાં વ્યાખ્યાનોને સંપાદિત કર્યાં છે. ‘સુરેશ જોષી : કેટલીક નવલિકાઓ’ (૨૦૦૨) અને ‘ગુજરાતી કવિતાચયન : ૨૦૦૩’ (૨૦૦૫) નામના સંપાદિત ગ્રંથોમાં તેમની વિશિષ્ટ સાહિત્યસૂઝનો પરિચય થાય છે. નીતિન મહેતાના કાવ્યસંગ્રહને ‘સંધાન ક્રિટિક્સ ઍવૉર્ડ’ પ્રાપ્ત થયો છે. તેમના વિવેચનગ્રંથને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે. નીતિન મહેતા પર નગરની ઉદારતા અને ઉઘાડ બંનેએ વ્યાપક અસર કરી છે, તેથી મોટાપાયે જયારે પરંપરાગત રીતિમાં બદલાવ આવતાં, તેને, તેઓએ સહૃદય ભાવકની ભૂમિકાએ તપાસવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ પણ નકાર પહેલાં તેઓ તેની શક્યતાઓને ખૂબ નિકટતાથી તપાસતા. નીતિનભાઈ મહેતાએ વડોદરાથી પાછા ફર્યા બાદ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું અને ત્યાંથી જ રીટાયર્ડ થયા. નીતિન મહેતાના કાર્યકાળ દરમ્યાન ગુજરાતી વિભાગમાં ઉત્તમ પરિસંવાદ અને સાહિત્યિક કાર્યક્રમો થતા હતા, તેમના નિધન પછી મુંબઈનો એક મહત્ત્વનો સાહિત્યિક અવાજ વિલાઈ ગયો, એમ કહીએ તો અતિશયોક્તિપૂર્ણ નહિ કહેવાય. તેઓ મુંબઈ સ્થિત ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાલય સાથે જોડાયેલા હતા. દર ત્રણ મહિને મુંબઈથી પ્રકાશિત થતા ‘એતદ્‌’ સામયિકનું સમ્પાદન કાર્ય પણ સંભાળ્યું હતું. તેમના પરિવારમાં તેમના પત્ની મંદા મહેતા, પુત્ર કેવલ મહેતા, પુત્રવધૂ રીના મહેતા અને એક પૌત્રી છે.