સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/ગૂજરાતી ભાષાની ઉન્નતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગૂજરાતી ભાષાની ઉન્નતિ.


સામાન્ય રીતે એવો સહજ સંપ્રદાય પડી ગયો છે કે પ્રત્યેક ગ્રંથની ભાષા ઉપરજ લોકો લક્ષ આપે છે; અને આની ભાષા કઠિન છે કે આની સરલ છે એટલોજ અભિપ્રાય બાંધે છે. પૃથ્વી ફરે છે એ વાત જેમ અજ્ઞાની લોક સૂર્યને આરોપે છે તેવું આ વિષયમાં પણ થાય છે. વિચારની ગૂઢતાને લીધે જે વિષયમાં વાંચનાર ઉતરી શકતો નથી, તે વિષયના પુસ્તકની ભાષાને માથે દોષ મૂકી તે અળગો રહે છે. ઘણી વખત તો એવીજ ભૂલ બને છે કે ગૂજરાતી અક્ષરે લખેલું પુસ્તક, અમે ગૂજરાતી છીએ છતાં કેમ સમજતા નથી, માટે તે ખોટું!! આમાં પણ ભૂલ વિચાર પરત્વેજ છે. વિચાર સમજાતો નથી એજ ખરૂં કારણ છે. જો ધીરજ રાખીને, બબે ત્રણત્રણવાર ઉલટાવીને, તથા ધીમે ધીમે મનમાં ઠસાવીને, કોઇપણ ગ્રંથ વાંચ્યો હોય તો નજ સમજાય એવું છેક મૂર્ખવિના બીજાને તો ક્વચિત્‌જ બને. આવાજ પ્રસંગમાં અમારા એક મિત્રે કરેલી ગંમત અમને યાદ આવે છે. કોઇ ડાહ્યા માણસે તેને “માલતીમાધવ” ના ભાષાંતર વિષે કહ્યું કે ભાષા કઠિન છે તેથી સમજાતું નથી. ત્યારે તેણે ગમે તે એક શ્લોક કાઢી તેના શબ્દેશબ્દ પેલાને પૂછવા માંડ્યા, તો એક પણ શબ્દનો અર્થ તેના જાણવા બહાર ન નીકળ્યો. પછી પૂછ્યું કે આમાં એકે શબ્દ તો અજાણ્યો નથી, ત્યારે શું સમજ્યા તે કહો? છતાં પેલો ગૃહસ્થ કાંઇજ કરી શક્યો નહિ, અર્થાત્‌ અંદરનો વિચાર તેના મનમાં ઉતરે તેવો ન હતો. આવીજ ભૂલ ઘણા, સર્વે કહીએ તોપણ ચાલે, વાંચનારા ગૂજરાતી પુસ્તકો સંબંધે કરે છે.

આ વાતને આગળ આણવાની જરૂર એટલાસારૂ જણાઈ છે કે બધા લોકો આજકાલ આપણી ભાષાનેજ સુધારવામાં મંડી પડ્યા છે. તે ભાષામાં જેમ ભારે શબ્દો, ને તરેહવાર ઇબારતો દાખલ થાય તેમ ભાષા સુધરી એમ માને છે. આનું નામ અમે લેશ પણ સુધારો ગણતા નથી. જ્યારે વિચારો સારા થાય, બુદ્ધિ વધારે ખેડાય, ત્યારેજ અમે તો સુધારો થયો માનીએ છીએ. જ્યાં શુદ્ધ અને ઉચ્ચ પ્રકારના વિચારનું પૂર જોરભેર દોડે છે ત્યાં શબ્દરચનારૂપ પુષ્પપત્રાદિ તો સહજ તણાતાં ચાલે છે. આ ઠેકાણે ફારશી શબ્દ કેમ લખ્યો ને આ ઠેકાણે સંસ્કૃત કેમ લખ્યો એવી આભડછેટથી અમે ડરતા નથી; પણ અમુક વિચાર પદ્ધતિમાં ગોળો પિંડાળો વળતો હોય તેથી અમે બહુ ભય પામિએ છીએ; વિચારોની નિર્માલ્યતા દેખી છેક ખીન્ન થઇ જઇએ છીએ. આજકાલ આપણી ભાષામાં હજારો પુસ્તકો નીકળે છે; કવિતા, નાટક, રાગ, રંગ, અનેક બહાર પડે છે. પણ તે બધામાં અમે ઘણે ભાગે ઉપરનીજ ટાપટીપ દેખી દુઃખી છીએ, સારામાં સારાં ગણાતાં પુસ્તકોમાં પણ ભાષાની ટાપટીપ વિના બિજુ અમે દેખતા નથી! ઉચ્ચ પ્રકારના વિચારવાળા ગ્રંથો છેક આંગળીએ ગણી શકાય તેટલાજ છે; પણ ભાષાના ભભકાવાળા અનેક છે. એવાથી ભાષા ઉન્નત થઇ મનાતી હોય તો ફુલઝાડથીજ જમીન પણ ફલદ્રુપ થઇ મનાય.

અમુક વિષયને અનુકૂલ અમુક પ્રકારની શબ્દરચના જોઇએ છીએ એ અમે જરા પણ વિસરી જતા નથી બલ્કે કાવ્ય ગ્રંથોમાં તો એક એક શબ્દ શક્તિ ઉપરજ બધા ચમત્કારનો આધાર હોય છે; છતાં શબ્દમાત્રજ કાવ્ય નથી, શબ્દમાત્રજ તત્ત્વજ્ઞાન નથી, શબ્દમાત્રજ વિચાર નથી, શબ્દમાત્રજ કુશલતા નથી એ તો સિદ્ધજ છે, જે ગ્રંથોના વિષયજ તત્ત્વજ્ઞાન કે બુદ્ધિ પૂર્વક તર્કાદિ હોય તેમાં તો ભાષાઉપર લક્ષજ હોતું નથી ને હોય પણ નહિ. છતાં આપણા વાચકો તેવા ગ્રંથોપરત્વે પણ ભાષામાત્રમાંજ ગોથાં ખાધાં કરે છે! અમુક વિચાર કે અમુક કલ્પનાને રૂચે તેવી ભાષા ઘડાવાની બહુજ આવશ્યકતા છે, પણ તે કાંઇ શબ્દો નવા રચવાથી, કે ફારસી સંસ્કૃતનો અદલોબદલો કરવાથી સાધવાની નથી, જેમ બને તેમ ઊંચી પ્રતિના વિચારો જેમાં સમાયલા હોય તેવા ગ્રંથોની વૃદ્ધિ થતાં, જેવી જોઇશું તેવી ભાષા એની મેળે પ્રાપ્ત થઇ રહેશે.

વિચાર મુખ્ય છે, ભાષા ગૌણ છે. આ વાત વાચકોએ, લેખકોએ, તેમ ટીકાકારોએ પણ બહુ લક્ષમાં રાખવાની છે. સારા લેખકો પણ એમાંજ ઘણી વખત બંધાઇ પડી પોતાના વિચારોને બગાડી નાંખે છે; સારા ટીકાકારો ઘણી વખત કોઇ સારા સારા ગ્રંથોનું ગૌરવ એકાદ બે શબ્દરચનાને વળગી રહી, અવળું સમજે છે. ત્યારે એજ સિદ્ધ છે કે વિચાર મુખ્ય છે. તો હવે જુઓ કે જેમાં ઊંડા કાવ્યતરંગ કે ગહન તત્ત્વવિવેક સમાયલા હોય એવા વિચારનાં પુસ્તકો આપણી ભાષામાં કેટલાં છે? બહુ ખેદની વાત છે કે તેવાં પુસ્તકો ગણ્યાં ગાંઠ્યાં ૫-૧૦ પણ મુશ્કેલીએ ગણાવી શકાશે. ત્યારે દશ દશ શેર વજનના, કવિતાના ચોપડાથી, કે રાસ અને કથાઓનાં ટાયલાંથી, દેશને કાંઇજ સંગીન લાભ થવાનો નથી, ઉલટું નુકસાન છે. તે બધાં કેવળ નિરુપયોગી નથી, પણ એવાંનીજ આજકાલ વૃદ્ધિ થઇ રહી છે, તે જોતાં અમારે આ પ્રમાણે લખવાની ફરજ પડે છે.

આપણી ભાષાની વિચારદ્વારા ઉન્નતિ થાય તે માટેનાં સાધન આપણી પાસે થોડાં ઘણાં પણ છે. ગુજરાત વર્નાક્યુલર જેવી સોસાઇટીજ દરવર્ષે ઘણા પૈસા ગ્રંથો રચાવવામાં વાપરે છે; મુંબઈમાં ફાર્બસ ફંડ જે ઘણું મોહોટું છે તે હજુ એમને એમ પડેલું છે. આ બધાં ફંડોનો જે રીતે ઉપયોગ થવો જોઇએ તે રીતે થાય તો દેશને ખરો લાભ થયાવિના રહે નહિ. અમારા અભિપ્રાય પ્રમાણે આપણી ભાષામાં સારા વિચારવાળાં પુસ્તકોની વૃદ્ધિ કરવાને નીચે મુજબ ઉપાયો યોજવાની અપેક્ષા છેઃ—

(૧) સંસ્કૃત, અંગ્રેજી, ફારસી, આરબી, ફ્રેંચ, જર્મન, ઈત્યાદિ પરભાષાના તત્ત્વવિચારના ગ્રંથોનાં અક્ષરશઃ ભાષાન્તર થવાની જરૂર છે. આજકાલ એવોજ રીવાજ પડી ગયો છે કે અમુક બાબત અમુક ગ્રંથમાં શું છે તે યથાસ્થિત જણાવવું નહિ, પણ તેને ગમે તે રીતે પોતાની મરજી મુજબ સમજી, તે વિષેનો અભિપ્રાય વાંચનારને આપવો! આમ થવાથી કેવલ ખોટા વિચારો લોકોમાં પ્રવર્તે છે. આનાં ઉદાહરણ અનેક છે, ને જાૂના સુધારાવાળા તરફથી તે ઘણાં મળી આવશે. માટે જે ગ્રંથો જેવા હોય તેવા ને તેવા અક્ષરશઃ ભાષાન્તર થઈ લોકો આગળ આવવા જોઇએ. આ જમાનો એવો છે કે તેમાં ખરી યથાર્થ વાત રજુ કરવાની જરૂર છે, તે ઉપર વિચાર બાંધવાનું કામ વાંચનારને સાંપવું વાજબી છે.

જેમ આવાં ભાષાન્તરની જરૂર છે, તેમ તેવાં ભાષાન્તરના ગ્રંથ જો કઠિન હોય તો તે ઉપર ટીકા લખાવવાની, તથા પ્રાચીન ગૂજરાતી ગ્રંથો જે જરૂરના હોય છતાં કઠિન હોય તે ઉપર પણ ટીકા લખાવરાવવાની તથા એ ભાષાન્તર અને એ મૂલ ગ્રંથોના પાઠ શુદ્ધ કરાવવાની ઘણી જ અપેક્ષા છે.

(૨) તત્ત્વજ્ઞાન, શોધ, કાવ્ય, કથા, કોશ ઇત્યાદિ વિષે નવીન ગ્રંથો રચાવવા.

(૩) કોઇ વિદ્વાને પોતા તરફથીજ, કોઇ અગત્યનાં ભાષાન્તર, વાર્તિક, કે નવોજ લેખ, પ્રસિદ્ધ કર્યાં હોય, તો તેવા વિદ્વાન્‌ પાસેથી તેવા ગ્રંથનું સ્વામિત્વ ખરીદી લઇ, તે ગ્રંથ ઇતર લોકને કિફાયતે વેચવો. આમ થવાની ઘણીજ જરૂર છે. સુધરેલા દેશોમાં લખનાર અને વેચનાર જે વેપારી હોય છે તે ઘણો વખત પોતાના માલની ખપતમાટે ખોટી થઈ શકે છે, ને એમ પુસ્તકોને થોડી કીંમતે વેચી શકે છે. આપણે અહીં તો લખનારને મૂલે દ્રવ્યનીજ અડચણ હોય છે, ત્યાં છપાવવાનો ખર્ચ કરજે કરી તેનું વ્યાજ ક્યાં સુધી ભરે? માટે પુસ્તકની કીંમત તેવા લોકો ભારે રાખે છે, તેથી ગરીબ પણ વાંચવાના શોખી લોક લાભ લઇ શકતા નથી. જો કોઇ મંડલી કે ગૃહસ્થો સ્વામિત્વજ ખરીદી લઇ ધીમે ધીમે ગ્રંથ વેચે તો થોડી કીંમતે વેચી શકે, ને તેથી સર્વને સારા વિદ્વાન્‌ના લખાણનો લાભ મળે.

વળી વિદ્વાનોને પણ એક હરીફાઇનું કારણ ઉભું થાય તેથી સારા વિદ્વાનો હંમેશાં ઉમંગે લખવાનું લઈ બેસે–પોતાનો લેખ કોઇ આવી રીતે લઇ લે એ માનની અભિલાષા વિદ્વાનોને ઉત્સાહ પ્રેરવામાં બહુ પ્રબલ છે; ને વળી જ્યારે પોતાનો ખર્ચ પોતાને માથે પડવાની અડચણ દૂર થાય ત્યારે તે ઉત્સાહ દશગણો વધી, અનેક ફલ આપે એ સ્પષ્ટજ છે. હાલમાંતો જેને ગાંઠનું ગોપીચંદન કરવું હોય તેઓ ગ્રંથ રચવાનું કામ એક વ્યસનની પેઠે કરે છે. તેવા વિદ્યાવ્યસનીઓતો, કોઈ તેમના ગ્રંથ છપાવવા તત્પર હોય તો, સ્વામિત્વ માટે કાંઇ પણ લીધા વિના પણ દેશસેવામાં તત્પર હોય એમ પણ આશા બાંધી શકાય.

સ્વામિત્વ ખરીદવા ઉપરાંત એમ પણ થવાની જરૂર છે કે સારા ગ્રંથોની અમુક પ્રતિ ખરીદી, તેને ખોટ ખાઇ થોડીજ કીંમતે ખરા ઉત્સુક પણ ગરીબ વાંચકોને આપવી. એમાં સર્ક્યુલેટિંગ લાઇબ્રેરીની રીતિ રાખવી લાભકારી છે. કોઇપણ લાયબ્રેરીમાં ૧૦-૨૦ નકલો લેવી ને તે સભાસદોને વાંચવા આપવી, તથા પાછી આવ્યાથી થોડી કીંમતે જેટલી વેચવી હોય તેટલી વેચી નાખવી.

(૪) પ્રતિવર્ષે આખા ગૂજરાતના વિદ્વાનોનો સમાજ કરવો જોઇએ. સમાજમાં સભાસદ થવા માટે પ્રખ્યાત વિદ્વાનોને તથા સમૃદ્ધિવાન ગૃહસ્થોને નિમંત્રણ કરવાં જોઇએ. ગૃહસ્થોની મદદ પણ માગવી જોઇએ; ઉપરાંત પ્રતિ સભાસદ પાસેથી કાંઇ લવાજમ લેવું જોઇએ, તથા અનિમંત્રિત ગૃહસ્થોને પણ સભાસદ થવું હોય તો છુટ રાખવી જોઇએ. આવો સમાજ બે ત્રણ દિવસ એક સ્થલે રહે; ને ત્યાં ધર્મ, સાહિત્ય. અને તત્ત્વજ્ઞાન એ ત્રણ વિભાગમાં વેહેચાઇ પોતાનું કામ ચલાવે. પ્રતિવિદ્વાન્‌ તે તે વિષયનાં પોતાનાં લખાણ શોધ ઇત્યાદિ ત્યાં રજુ કરે; અને બધી જુદી જુદી શાખાઓની એક સમગ્ર બેઠકમાં જાણવાજોગ બાબતોનો રીપોર્ટ વંચાય, તથા યોગ્ય વક્તાઓને ભાષણ કરવા પણ વિનવાય. આ બધાને સવિસ્તર રીપોર્ટ પછીથી પ્રસિદ્ધ થાય. આવી વ્યવસ્થા જો થઇ શકે તો આપણી ભાષાની અર્થાત્‌ આપણી બુદ્ધિની ઉન્નતિ સહજમાં થાય; અને જે નિર્માલ્ય લેખકોથી આપણો લેખકવર્ગ આજકાલ અધમતામાં અભડાયો છે તે લેખકો પણ તરતજ પરખાઇ આવે.

આ સમાજે એક વાર્ષિક પત્ર તૈયાર કરવો જોઇએ જેમાં આખા વર્ષમાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોની યાદી આવે; એવી રીતે કે દરેક પુસ્તકોનો વિષય સારી રીતે સમજાય, ને તેના ગુણ દોષ ધ્યાનમાં આવે.

આમાંની ઘણીક વાતો કરવામાં આવેજ છે, એમ સોસાઇટીવાળા કહેશે પણ તેમને અમારે એટલુંજ જણાવવાનું છે કે તેઓ જે રીતે કરે છે તે રીતિથી લોકો અસંતુષ્ટ છે. તેઓને હવે હરીફાઈથી ગ્રંથો તૈયાર કરાવવાની રસમ છોડી દેવી જોઇએ. એ રીતિ શીખાઉઓને કામની છે, પણ સારા વિદ્વાનો કદાપિ તેવી રીતિએ ગ્રંથ લખે નહિ. અમુક વિષય, તેની પદ્ધતિના સામાન્ય નિયમ, અરે મહેનતાણાની બક્ષીસની રકમ, એ ત્રણે કોઇ પ્રસિદ્ધ અને યોગ્ય વિદ્વાન્‌ને જણાવવાં, તથા ગ્રંથ તૈયાર કરવા વિનવવું. જો તેની મરજી હોય તો તે લે. ગ્રંથ તૈયાર થાય તેમાં કાંઇ પણ ફેરફાર કરવાની પછી જરૂર રહે નહિ. એ કેવી અન્યાયની વાત છે કે દશવીસ પ્રકારના અટપટા ને ઉલટસુલટ વિષયોના ગ્રંથ લખાવી મંગાવવા અને તે બધાયને તપાસવાનું અભિમાન બે ત્રણ જણાની એક કમીટી જે તેવો કોઇ વિષય લખવાને કે સમજવાને પણ શક્તિવાન્‌ ન હોય તેણેજ ધરવું!!

આ પ્રમાણેની યોજના થોડે ઘણે કે આખે રૂપે પણ ગૂજરાતમાં કોઇ સભા તરફથી અથવા કોઇ ગૃહસ્થો તરફથી અથવા કોઇ રાજાઓ તરફથી અમલમાં મૂકવામાં આવે તોજ આપણા દેશને હાલમાં લાભ થવાનો સંભવ છે. બાકી અનેક ચીથરાં ઉભરાઇ જાય છે ને જશે તેથી કાંઇ ફાયદો થવાને બદલે હાનિનો સંભવ સ્પષ્ટજ છે. અત્રે જણાવેલી વ્યવસ્થા પ્રમાણે કોઇ પણ કામ ઉઠાવવાની કોઇ મંડલી ને કે કોઇ ગૃહસ્થને ઇચ્છા હશે તો અમે બહુ ખુશીથી તેને મદદ આપીશું.

મે–૧૮૮૯