zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/રસશાસ્ત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રસશાસ્ત્ર[1]

સાહિત્ય એટલે કાવ્યાદિ પદાર્થ શું છે? ઉત્તમ લેખ, ઉત્તમ રસિક વાણી શું છે? રસિકતામાં, સુંદરતામાં ઉત્તમતાનું બીજ અને સ્વરૂપ શું છે? એક મકાનને જોઇએ, તેવી તેની રચના, તેના ઓરડાની બારીઓની યોજના તેનો રંગ, તેનો ઘાટ, ને એક એક સાથે તેના વિભાગનું સૌષ્ઠવ, તેની ઉંચાઇ પહોળાઈ લંબાઈ આસપાસના દેખાવ સાથે તેની એકતા, એ બધું જોઇ મકાન “સારુ” છે, જોવા જેવું છે, રમણીય છે એમ આપણે કહીએ છીએ. કોઈ કવિતા વાંચી, કોઇ ગદ્ય વાચ્યું, કોઇ ચમત્કાર હૃદયને લાગ્યો, હૃદય પીગળી ગયું, વિષયમાં તન્મય થઇ ગયું, બીજી વાત પણ ભાનમાંથી નીકળી ગઇ, લખાણ “સારુ” છે, એમ આપણે કહીએ છીએ. આ પ્રકારે એક એક વાતને જે “સારી” કહેવામાં આવે છે તેના નિયમનું શાસ્ત્ર થાય છે. નહિ કે તે નિયમો જાણ્યાથી હરેક વાત સારીજ કરી શકાશે, પિંગલ કે અલંકાર કે રસનું શાસ્ત્ર જાણ્યા પછી કવિજ થઈ જવાશે, માત્ર એટલુંજ કે સ્વાભાવિક શક્તિ હશે તો તે આવાં શાસ્ત્ર જોવાથી સંસ્કાર પામશે, શક્તિ નહિ હોય તો પણ બીજાનામાં તેવી શક્તિ જણાતી હશે તેને ઓળખતાં ને તેમાંથી આનંદ લેતાં આવડશે. આવા હેતુથી સાહિત્યસ્વરૂપ વિષે ગૂજરાતીમાં એકાદ ગ્રંથ લખાય તો તે ઇષ્ટ છે, તેની ખોટ છે. કવિ નર્મદ, કવિ હિરાચંદ, કવિ સવિતાનારાયણ, આદિના પ્રયાસો વિદ્યમાન છે, પણ પૂર્ણપણે જેવી ચર્ચા થવી જોઇએ તેવા શાસ્ત્રીય ગ્રંથ અદ્યાપિ અમારા જાણવામાં નથી.

રા. છોટાલાલનું રસશાસ્ત્ર આવી કાંઇક ખોટ પૂરી પાડવાનો એક યત્ન છે, પણ તે તે યત્નજ છે એ કરતાં વધારે કહેવાવું અશક્ય છે. રસ એટલે શું? તેની નિષ્પત્તિ શી રીતે નક્કી કેમ થાય? એજ વાતને અવલંબી તેમણે ઘણા વિસ્તારથી, શાસ્ત્રાનુસાર, અને કોઇ પણ વિચારવાન્‌ વાચકને ઉપયોગી થઇ પડે તેવી રીતે, ગ્રંથ રચ્યો છે એમ મારે કહેવું જ જોઇએ; પણ કાવ્યપ્રકાશ કે સાહિત્ય દર્પણ જેમાંથી તેમણે જે “બહુ મદદ” મેળવી છે, તે વિનાનાં જે જે સ્થાનોએ પોતા તરફથી કાંઇક લખ્યું છે ત્યાં પોતાને એ વિષયનો દૃઢ સંસ્કાર નથી એમજ બતાવી આપ્યું છે. અર્થાત્‌ તેમણે રચેલો આ ગ્રંથ વાચકવર્ગને વાચવાની ભલામણ કરવા સાથે તેવાં કેટલાંક સ્થલવિશેષ અત્ર દેખાડી, વાચકોના મનમાં થતો ભ્રમ નિવૃત્ત કરી, એ ગ્રંથની ઉપયુક્તતામાં વધારો કરવો એ અમારો ધર્મ છે.

કાવ્યનું લક્ષણ બાંધતાં લખનાર કહે છે કે “એકાગ્રતા પ્રાપ્ત કરી આપવાના ઘણા પ્રકારમાંનો કાવ્ય એ પણ એક પ્રકાર છે.” આવું કાવ્ય લક્ષણ કોઇએ આપ્યું નથી તેથી તે રા. છોટાલાલ નવીનજ કલ્પ્યું છે એટલી તેમની શક્તિની ઉત્તમતા છે, પણ એ લક્ષણ અયોગ્ય છે એમ કહેવાથી પાછો, નવીન લખતાં તેમણે ભુલ કરી છે એવી અમારી ઉક્તિનો પુરાવો છે. “રસાત્મક વાક્ય” તે કાવ્ય એમ સાહિત્યદર્પણકાર કહે છે. “દોષ રહિત, ગુણ સહિત અને ક્વચિત્‌ અલંકાર રહિત, એવા શબ્દાર્થ” તે કાવ્ય એમ કાવ્યપ્રકાશકાર કહે છે, “રમણીયાર્થપ્રતિપાદક શબ્દ” તે કાવ્ય એમ જગન્નાથ (રસગંગાધર કર્તા) કહે છે, ત્યારે રા. છોટાલાલ “એકાગ્રતા પ્રાપ્ત કરી આપવાનું સાધન” તે કાવ્ય એમ કહે છે. એકાગ્રતા તો કેવલ વિચારથી પ્રાપ્ત થાય છે, પ્રાણાયામથી પ્રાપ્ત થાય છે, માટે તે બધાં શું કાવ્ય છે? છતાં જે એકાગ્રતા તેજ આનંદ એમ તેઓ માને છે એટલે એકાગ્રતાનો અર્થ આનંદ અથવા રસ માની લેઇએ, અને રસ તે કાવ્ય એવો અર્થ જેમ તેમ કરીને પણ રા. છોટાલાલે આપેલા લક્ષણમાંથી કાઢીએ, તોએ એકાગ્રતા અથવા રસ “પ્રાપ્ત કરી આપવાનો પ્રકાર એટલે શું? રસનું સ્વરૂપ બરાબર સમજનાર તો તેને “પ્રાપ્ત કરી આપવા”નો માનેજ નહિ; રસ કેવલ વ્યંજિત થાય છે, પ્રાપ્ત કરી અપાતોજ નથી, હોય તેનો તેજ, આવરણનો ભંગ થતાં, સ્ફુરે છે. જગન્નાથ સ્પષ્ટ રીતે કહે છે કે ‘ભગ્નાવરણાચિત્‌’— આવરણ ભંગ થયેલું છે જેનું એવી ચિત્‌શક્તિનોજ વિલાસ છે. એ વાતનું કાંઇક ભાન રા. છોટાલાલને પણ પત્ર ૩૩૧ મે ગ્રંથસમાપ્તિ વખતે થયું લાગે છે, કેમકે ત્યાં તે લખે છે કે “રસની તો નિષ્પત્તિ માનેલી નથી, પણ રસના ચર્વણની નિષ્પત્તિ માનેલી છે”. પરંતુ એ વચન કાવ્યપ્રકાશમાંથી ઉપાડી લીધેલું છે, એનો તેમને અનુભવ જણાતો નથી, એટલે આરંભે પોતાના તરફથી તેમણે જેમાં લખ્યું છે તેમાં આવો ઘોટાળો થયો છે.ત્યારે “એકાગ્રતા પ્રાપ્ત કરી આપવાના પ્રકારમાંનો એક” તે કાવ્ય એ લક્ષણ કેવલ અનુચિત છે, તાણી તુશીને અર્થ કરતાં પણ બંધ બેસતું નથી. રસ પ્રાપ્ત કરી આપવાનો પ્રકાર તે કાવ્ય છેજ નહિ. “રસાત્મક” પ્રકાર, “રસજ” કાવ્ય છે એમ વિશ્વનાથે સ્પષ્ટ કહ્યું છે. “પ્રકાર” શબ્દ પણ કેવલ સમજફેરથી લખ્યો છે; એકાગ્રતા પ્રાપ્ત કરી આપવાના, ખરી રીતે કહેતાં પ્રાપ્ત કરવાના, અનેક પ્રકારમાંનો એક પ્રકાર કાવ્ય નથી, પણ શબ્દાર્થદ્વારા રસ વ્યંજિત કરનાર પ્રકારજ કાવ્ય છે એમ સ્પષ્ટ જણાવવું જોઈતું હતું. કેમકે રસ એટલે આનંદ આપનાર અનેક પ્રકાર સ્રક્‌ ચંદન વનિતાદિ તે કાંઈ કાવ્ય નથી. પરંતુ મમ્મટ અને વિશ્વનાથનું મર્મ આપણા લેખકની જાણમાં બરાબર આવ્યું જણાતું નથી, ને એથીજ કાવ્યના લક્ષણ પરત્વે બીજી એક હસવા જેવી ભુલ થઇ ગઈ છે. મમ્મટે લક્ષણ કર્યું છે કે “દોષ રહિત, સગુણ, કવચિત્‌ અનલંકૃત, શબ્દાર્થ” તે કાવ્ય. આ ઉપર વિશ્વનાથ શંકા કરે છે કે “દોષરહિત” શબ્દાર્થનેજ કાવ્ય કહેશો તો જે કાવ્ય “દોષરહિત” છે તે પણ કાવ્ય તો છેજ. એટલે તેમનો આ લક્ષણમાં સમાસ થશે નહિ. પોતાની શંકાના ઉદાહરણમાં વિશ્વનાથ લખે છે કે જેમ કીડાએ ખાઇને ખાધ પડેલું રત્ન પણ કાંઇ રત્ન નામમાંથી જતું નથી તેમ દોષથી દૂષિત કાવ્ય પણ કાવ્ય નામમાંથી જતું નથી. આવી તકરાર કરીને તે પોતાનું લક્ષણ “રસાત્મક વાક્ય” તે કાવ્ય એને સ્થાપિત કરે છે. રા. છોટાલાલ આ ઉદાહરણનું મર્મ સમજ્યાજ નથી અને દોષ છતાં રસ હોય તો કાવ્ય ગણાય એ નિષ્કર્ષ તો ઠીક આપે છે, પણ પોતે વિશ્વનાથની બરાબરી કરવા જઈ કવિ બનીને તેનું દૃષ્ટાંત હસવા જેવી રીતે સમજાવે છે; “જેમ રત્નમાં જીવડો હોય તથાપિ તેથી રત્નપણાની શોભા કાંઇ કમી થતી નથી એ રીતે રસયુક્ત કાવ્યને દોષ દૂષિત કરી શકતાં નથી. “રત્ન” માં જીવડો પેસવાની કલ્પના રા. છોટાલાલના કવિત્વનોજ અપૂર્વ ચમત્કાર છે! પરંતુ આવી રીતે કાવ્યલક્ષણ બાંધવામાં ભમ્યા પછી પણ “રસાત્મક વાક્ય” તે કાવ્ય એ લક્ષણ ઉપર તેઓ આવે છે, એ તેમની યોગ્યતાનું ચિન્હ છે, અને તે લક્ષણનેજ માન્ય કરતાં, તેમણે તેની ઉપોદ્‌ઘાતમાં કરેલી ઉક્ત ભુલોથી ભ્રમ ન થાય એ બતાવવાનેજ આટલું કહેવાની અપેક્ષા છે.

કાવ્યને અંગે શબ્દશક્તિનો વિચાર પ્રાપ્ત થાય છે. અભિધા, લક્ષણા, વ્યંજના, ત્રણ શક્તિ સર્વત્ર પ્રસિદ્ધ છે. રસાત્મકવાક્ય તે કાવ્ય એમ તો રા. છોટાલાલ માને છે, પોતાનો ગ્રંથ પચાશેક પાનાં આગળ વધે છે એટલે રસ વ્યંજિત થાય છે એમ પણ સ્વીકારે છે, છતાં શબ્દશક્તિના વિચારમાં લખે છે કે આ “વ્યંજના પણ કાવ્યનો જીવ નથી,” અર્થાત્‌ “રસ” નથી. આ વાત કેવલ ભ્રમરૂપ છે. એટલું પણ તેમણે વિચાર્યું નથી કે “અભિધા” રસ નથી, “લક્ષણા” રસ નથી, અને “વ્યંજના” પણ “કાવ્યનો જીવ” (રસ) નથી, અને જેટલો વક્તવ્યાર્થ છે, શબ્દમાત્રથી જેટલા અર્થ બતાવવાના છે, તે અભિધા લક્ષણા ને વ્યંજના વિના અન્ય છે નહિ, ત્યારે “કાવ્યનો આત્મા” જે રસ તે ક્યાંથી આવે છે? આકાશમાંથી પડે છે? શૂન્યમાંથી ઉપજે છે? અર્થમાત્ર તો આ ત્રણ શબ્દશક્તિમાં ગયા, રસ તેમાં ગયો નહિ, ત્યારે એ ત્રણ બહાર કોઇ અર્થ નવો નીપજ્યો કે જ્યાંથી રસ ઉપજ્યો? આ વાત તેમણે વિચારી હોત તો, પાછળથી તેમણે સ્વીકાર કર્યો છે કે રસને વ્યંજના સાથે સંબંધ છે તેજ વાત ખરી લાગી હોત, અને આવો ભ્રમ વાચનારના મનમાં તેમણે ઘાલ્યો ન હોત. પરંતુ શબ્દશક્તિના સ્વરૂપ વિષે તેમને પૂરો ખ્યાલ ન હોય એમ લાગે છે, ને તેથીજ આવી સરતચૂક તેમનાથી થઇ છે. વ્યંજનાનું ઉદાહરણ આપતાં “શેઠ ગામ ગયો છે” એ ઉદાહરણ તેઓ આપે છે, અને એમાંથી “શેઠની સાથે ચાકર છે” એટલી વ્યંજના ઉપજાવે છે!! આ વાક્યનો કોઇ અમુક વક્તા તેમણે કલ્પ્યો નથી, એટલે “શેઠ” શબ્દની “ચાકર સહિત શેઠ” એવી અજહલ્લક્ષણા માનવાને કશું પ્રયોજન (વ્યંજના સિદ્ધ કરવાની અપેક્ષા) નથી. છતાં “શેઠ ગયા છે” એ વાક્યથી આવી વ્યંજના કેમ થઇ તે ગ્રંથકાર જાણે. પણ લક્ષણાનોએ તેમને સ્પષ્ટ ગ્રહ થયો હોય એમ લાગતું નથી, લક્ષણાનાં પ્રવૃત્તિનિમિત્ત ત્રણ છે (૧) મુખ્યાર્થબાધ, (૨) તદ્યોગ, (૩) રૂઢિ અથવા પ્રયોજન–રા. છોટાલાલ લખે છે કે “રૂઢી કે પ્રયોજનને લીધે શબ્દનો ચાલુ અર્થ પડ્યો મુકીને બીજોજ અર્થ સમજવામાં આવે” ત્યારે લક્ષ્યાર્થ ઉદ્‌ભવે. “તદ્યોગ” એ નિમિત્તે તેમના સમજવામાં નથી, અર્થાત્‌ જે શબ્દનો લાક્ષણિક અર્થ કરવો હોય તેના વાચ્યાર્થ સાથે જેને યોગ, સંબંધ, હોય, એવોજ લક્ષ્યાર્થ લેઇ શકાય, રા. છોટાલાલ કહે છે તેમ, “બીજોજ” અર્થ ન લેવાય, એમ હોય તો તો ગમે તે શબ્દની ગમે ત્યાં લક્ષણા કરી દેવાય ને અવ્યવસ્થા થઇ જતાં વાણીથી વિચારનો વિનિમય કરવો અશક્ય થઇ પડે. આ ભુલને લીધેજ લક્ષણાના ઉદાહરણમાં પણ ભુલ થઈ છે “છાપરા ઉપર બીજનો ચંદ્રમા દેખાય છે” આ વાક્યમાં “છાપરા” શબ્દનો અર્થ “નળિયાંથી બાંધેલું ઘરનું ઢાંકણ” ન સમજતાં, “તે જગો ઉપર દેખાતું આકાશ” એમ લક્ષણાથી કર્યો છે ; ત્યાં “તદ્યોગ" નો અર્થ જો લક્ષમાં રહ્યો હોત તો આવો “બીજોજ” અર્થ કર્યો ન હોત. વળી રા. છોટાલાલ લખે છે કે આ ઠેકાણે “છાપરાપર કહેવાની રૂઢી છે અને આકાશમાં જોવાનું પ્રયોજન છે” તે લક્ષણાનાં પ્રવૃત્તિનિમિત્ત ન સમજવાનું જ ફલ છે. તેમણે પોતે “રૂઢી કે પ્રયોજન” એ બેમાંનું એક નિમિત્ત માન્યા છતાં, અત્ર બન્ને ને નિમિત્ત માન્યાં છે એ ચૂક છે. બન્ને નિમિત્ત થતાંજ નથી, રૂઢિ હોય તો પ્રયોજન નહિ. અને પ્રયોજન હોય તો રૂઢિ નહિ એજ વ્યવસ્થા છે રૂઢિનું ઉદાહરણ પોતે આપ્યું નથી, અને પ્રયોજન એટલે લક્ષણાનો આશ્રય કરવાનો હેતુ જે વ્યંજના વિના અન્ય હોયજ નહિ, તે પણ તેમના લક્ષમાં હોય એમ લાગતું નથી. છાપરાના ઉદાહરણમાં રૂઢિ છેજ નહિ, કેવલ પ્રયોજન છે, અને ચંદ્રદર્શન કરાવવું એ તેનું રૂપ છે. એમજ અભિધાનું સ્વરૂપ સમજવામાં પણ ગ્રંથકારને કાંઈક ભ્રમ થયો લાગે છે. “બાળક ઘોડો ખેલાવે છે” એ વાક્યમાંના “ઘોડા” શબ્દનો અભિધેયાર્થ ગ્રંથકાર “લાકડીનો ઘોડો” એવો કરે છે તે ભ્રમ છે. કેમકે “ઘોડાનો” અર્થ લાકડીનો ઘોડો કરવો એવો સંકેત નથી અને એ અર્થ તો લાક્ષણિકજ કહી શકાય એમ છે. “અભિધેય” નહિ. આમ શબ્દશક્તિનું સ્વરૂપ યથાર્થ રીતે ન સમજવાથી રસ સંબંધે, તેમ કાવ્યસ્વરૂપ સંબંધે, ગ્રંથકારે કેટલીક ભુલો કરી છે. પણ પાછળથી રસાંગના નિરૂપણમાં તેમાંની કેટલીક સુધારવા યત્ન કર્યો છે, જો કે રસનો શક્તિમાત્ર —અભિઘાસુધાંત—સાથે સંબંધ છે, તે વાત તો તેમને ગ્રંથમાં કહીં પણ જડતી નથી. શક્તિ અને રસના સ્વરૂપને ઓળખવાની વ્યુત્પત્તિની ખામીને લીધેજ તેમણેઃ—

રે રે! કઠોર ચિત ભેદ ન કેમ પામે!
રે! પ્રાણ પ્યારિ વણ કેમ હવે વિરામે?
ધિક્કાર છે! હૃદય આ શતધા ન ફાટે? —
આ દેહ મધ્ય વસિને નિજ પ્યારિ માટે

એ કાવ્યમાં જે “શોક વ્યંજના”છે તે માત્ર “રેરે, રે,” એટલા શબ્દોમાંજ દીઠી છે!! એમ જ,

ઘોડી કહે છે જે મને ઘણા ઘણા જુગ થયા, કૌરવ ને પાંડવ તો કાલે થઇ ગયા છે,
રામ ને રાવણના સંગ્રામમાં હું સાથે હતી, રઘુરાજા મારી આંખ આગળજ થયા છે,
સાગર વલોવ્યો તે તો સાંભરે છે સર્વ મને, દેવ તથા દૈત્ય તો નજરે તરી રહ્યા છે,
જોડાવીને લાવ ગાડી બેશી બન્ને જણાં જઇએ, પ્રતિદિન પાળજે જો દીલમાંહિ દયા છે,

આ કાવ્યમાં માત્ર “ઘોડી વૃદ્ધ છે” એટલીજ વ્યંજના છે, ને કોઈ પણ રસ જામતો હોય તો હાસ્યનોજ કાંઇક ઇસારો છે, ત્યાં આપણા ગ્રંથકારને અદ્‌ભૂત રસનો સ્થાયિભાવ જે વિસ્મય તે દેખાયો છે! ભાવનગરમાં એકવાર આપણા એક પ્રસિદ્ધ કવિ પાસે અમે ગયા હતા તેમણે કહ્યું કે કહો તે રસ ઉપજાવું, અને અનેક કવિતા કહેવા માંડી, એક કવિતા કહેતે કહેતે તે હસવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે એ હાસ્યરસ થયો, એના જેવીજ આ ભૂલ છે એકંદર શબ્દશક્તિ અને વિશેષ વ્યંજનાશક્તિ (ધ્વનિ) નું આ લખનારને યથાર્થ સ્વરૂપ ખબર હોય એમ લાગતું નથી, ને તેથીજ તેણે રસશાસ્ત્ર લખ્યું છે પણ તે રસહીન થઇ ગયું છે, છતાં અન્ય લેખકોના જેજે ઉતારા છે તે સંગ્રહ સારો છે, માટે જ કાંઇક સંતોષ રહે છે.

આવીજ શિથિલતાને લીધે રસનિષ્પત્તિ ક્યાં થાય છે તેનું ગ્રંથકારને સ્પષ્ટ ભાન હોય એમ લાગતું નથી. ઘડીકમાં નાટકાદિ પ્રયોગ કરનાર નટને વિષે રસનિષ્પત્તિ કહે છે. ઘડીકમાં પ્રેક્ષકોને વિષે કહે છે, ઘડીકમાં આલંબનને વિષે કહે છે. મમ્મટભટ્ટે અનેક મતો આપી આ વિષયે ખંડન મંડન કરેલું છે તેનો મર્મ ન સમજવાથી આવી આંદોલિત વૃત્તિ થઇ ગઇ છે. એક ઠેકાણે રસનિષ્પત્તિ સ્પષ્ટ કરવા ગ્રંથકાર ઉદાહરણ આપે છે કે એક ધર્મશાલામાં તમે સુતા છો, ચોર આવે છે, તરવાર તાણી ઉપર ઉભા રહે છે, એટલે જાગો છો, ગભરાઓ છો, ભય પામો છો. ગ્રંથકર્તા કહે છે કે આ વર્ણન વાંચવાથી તે વખતની સ્થિતિ વાચનાર જાણે છે એટલે તેને ભયાનક રસનો અનુભવ થાય છે. રસ શું વાંચનાર ન હોત તો ન ઉપજત! વાચનાર પેલી ધર્મશાલામાંજ હતો? રસનિષ્પત્તિને નટાદિ કે શ્રોતાદિમાં માનવી એ તો કેવલ રસસ્વરૂપ ન સમજવાનું જ પરિણામ છે. ઠેકાણે ઠેકાણે તેઓ નટાદિકને વિષે રસ જણાય છે એમ લખે છે તે પણ અવાજ પ્રકારનો ભ્રમ છે. સ્થાયિભાવનું સ્વરૂપ આપતાં પણ સ્થાયિભાવને માલાના દોરા સાથે સરખાવે છે એ રસનિષ્પત્તિના અનુભવની ખામીની ચૂક છે. દશરૂપમાં સ્થાયીને “લવણાકર” કહ્યો છે, અને “વિરુદ્ધ અવિરુદ્ધ એવા ભાવમાત્રને આત્મભાવ પમાડનાર સ્થાયી” લવણાકર છે, સમુદ્ર પોતામાં પડતું મીઠું માત્ર પાણીજ કરે તેવો છે, વ્યભિચારી સાત્વિક આદિ ભાવને પોતારૂપ કરી લેનારો છે. એજ ખરી નિષ્પત્તિ અને ખરો રસાનુભવ જણાવે છે, જેની ખામી સ્થાયિભાવને માલાના દોરા જેટલો જ જાણનારમાં સ્પષ્ટ છે. “રતિ” એ સ્થાયિભાવનું સ્વરૂપ બાંધતાં પણ “સ્ત્રીવિષયક” રતિને જ રતિ કહી છે તે આ અનુભવની ખામીનુંજ પરિણામ છે.

કાવ્યસ્વરૂપ, શબ્દશક્તિ, રસસ્વરૂપ, આદિ પરત્વે આવો કેટલોક ભ્રમ થઇ ગયેલો છે, તે જણાવ્યા પછી કહીં કહીં શબ્દપ્રયોગ, અલંકારપ્રયોગ આદિ ચૂકો છે તે જણાવવાની આવશ્યકતા નથી. છતાં દિગ્માત્ર જણાવવા, કત્રિમ, પ્રાસાદિત, આદિપ્રયોગ કૃત્રિમ, પ્રસાદિત એમ જોઇએ એટલું જણાવવું ઉચિત છે. કાવ્ય, ‘કાન્તાની પેઠે અભિમુખ કરીને’ ઉપદેશ આપે છે એવી મમ્મટની ઉક્તિનો અર્થ કરવામાં અભિમુખ એટલે “પોતાની તરફ ફેરવી”—ને એવા સ્થૂલ અર્થ રસશાસ્ત્રના કર્તાએ કરવો જોયતો ન હતો. અલંકારના પ્રયોગ પણ કહીં કહીં યથાર્થ નથી. બધા લોકો ચિત્તની એકાગ્રતા માટે જાણીને યત્ન કરતા નથી, પણ જે જે યત્ન કરે છે તેમાં તે માટેનાજ યત્ન હોય છે; આ ઉક્તિ ઉપર દૃષ્ટાન્ત આપે છે કે નામ, સર્વનામ, ક્રિયાપદ, વગેરે “સમજીને લોકો બોલતા નથી, પણ તેમના બોલવામાં તે હોય છેજ, તેમ આ વિષે જાણવું.” આ દૃષ્ટાન્ત વિસદૃશ છે, કેમકે એકાગ્રતા માટે જ યત્ન હોય છે તેમ નામ સર્વનામ આણવા માટે યત્ન નથી, યત્ન તો અર્થ જણાવવા માટે છે.

આવી નાની મહોટી ચૂકો છતાં, આ ગ્રંથને બુદ્ધિમાન વાચકો પૂર્વાપર વિચારીને વાચશે તે તેમાંથી તેમને સારો સંસ્કાર બેસશે એમ કહેતાં અમને સંતોષ થાય છે.

ડીસેમ્બર–૧૮૯૫.


  1. રચનાર રા. રા. છોટાલાલ નરભેરામ ભટ્ટ, વડોદરા