સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/ગુજરાતીસાહિત્યકોશ : ૨(સંપાદક ચંદ્રકાન્ત ટોપીવાળા)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
(૫) ગુજરાતીસાહિત્યકોશ : ૨(સંપાદક ચંદ્રકાન્ત ટોપીવાળા)

ઉત્તમ કાર્ય, પણ સંપાદનપદ્ધતિના પ્રશ્નો

સાહિત્ય-સંશોધનલક્ષી કામગીરી સાથે આપણે ત્યાં બે પ્રકારની મુશ્કેલીઓ સંકળાયેલી છે. એક તરફ, પ્રમાણભૂતતાના આગ્રહી, વૈજ્ઞાનિક શિસ્ત ને સમજ ધરાવતા અભ્યાસીઓ—આયોજકોની ખોટ વરતાય છે. ને બીજું, જ્ઞાનકોશ, સાહિત્યકોશ જેવી મોટી યોજનાઓ માટે આર્થિક અનુદાનનો વિકટ પ્રશ્ન આવીને ઊભો રહે છે. એથી જ આપણે ત્યાં આટલા બધાં વર્ષોમાં યુનિવર્સિટીઓ જેવી મોટી વિદ્યાસંસ્થાઓએ પણ ભાગ્યે જ કોઈ મહત્ત્વાકાંક્ષી યોજના હાથ ધરી હોય ને એ પાર પડી હોય. આ સ્થિતિ વચ્ચે, ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાત સરકારના મોટા આર્થિક અનુદાનથી ‘ગુજરાતી સાહિત્યકોશ’ની યોજના હાથ ધરી એ એક સુખદ અપવાદ ગણાય. આરંભથી જ એને જયંત કોઠારી જેવા, શાસ્ત્રીય પદ્ધતિનાં સૂઝ—સમજ ધરાવનારા અધિકારી મુખ્ય સંપાદક મળ્યા અને મોટાં અનુદાનો, સખાવતોને પણ નાનાં ઠેરવે એવી, લાંબા સમયમાં ને વધતી જવાબદારીઓમાં ફેલાતી આ મહત્ત્વાકાંક્ષી યોજનાની આર્થિક ચિંતાઓ વેઠી—ઉકેલી શકે એવા રઘુવીર ચૌધરી જેવા કૃતનિશ્ચયી મંત્રી પણ યોજનાના આરંભે જ મળ્યા. અલબત્ત, પછી અન્ય મંત્રીઓ ને કાર્યવાહકોએ પણ સતત દસ વરસ સુધી આ ચિંતા ઝેલી—ઉકેલી છે ને એ બધી વિટંબણાઓને અંતે ને કોશકાર્યાલયમાં કામ કરનાર આજ સુધીના સર્વ અભ્યાસીઓની ભારે જહેમતને પરિણામે ‘ગુજરાતી સાહિત્યકોશ’ના ત્રણપૈકી બે ખંડો પ્રગટ થયા છે. (પછી, ૧૯૯૬માં ત્રીજો ખંડ પણ પ્રગટ થયો છે.) એમાંનો, મધ્યકાલીન કર્તાકૃતિઓ વિશેનો પહેલો ખંડ આકરી સાધના અને સંપાદકીય સૂઝનો હિસાબ આપનારો નમૂનેદાર ને પ્રમાણભૂત કોશગ્રંથ બન્યો છે. પણ અર્વાચીન સાહિત્ય અંગેનો બીજો ખંડ ઓછો પ્રમાણભૂત બન્યો છે. આ પ્રકારનાં કામોનો કોઈ ઉત્તમ નમૂનો આપણી ભાષામાં નહોતો તથા અધિકૃત અને પર્યાપ્ત સંદર્ભસામગ્રી કે જુદાજુદા દૃષ્ટિકોણથી તૈયાર થયેલી સંદર્ભ સૂચિઓનો પણ અભાવ હતો એને લીધે કોશનું વૈજ્ઞાનિક માળખું તૈયાર કરવામાં પણ, સ્વાભાવિક રીતે જ, કોશકાર્યાલયે શરૂઆતમાં ઘણો સમય આપવાનો થયેલો ક્યાંક તો સંશોધનલક્ષી કામગીરી સુધી પણ જવું પડેલું. મુખ્ય સંપાદકે એક તરફ કોશકાર્યાલયનાં અભ્યાસીઓ—સહાયકો સાથે ચર્ચા કરીને ને બીજી તરફ, મૂર્ધન્ય વિદ્વાનોની બનેલી સલાહકાર સમિતિના માર્ગદર્શનથી ભારતીય ભાષાઓમાં ને અંગ્રેજીમાં થયેલા ઘણા કોશોનો અભ્યાસ કરીને આપણી પરિસ્થિતિ અને જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને—ગુજરાતી સાહિત્યકોશનો એક સુદૃઢ-સઘન નકશો તૈયાર કર્યો હતો. એને અનુષંગે, ૧૯૮૩-૮૪ દરમ્યાન ‘ગુજરાતી સાહિત્યકોશ-એક પરિચય’ નામે સંક્ષિપ્ત પત્રિકા (ફોલ્ડર) અને બંને ખંડો માટે ‘અધિકરણ લેખનનાં નિયમો અને સૂચનો’ની પુસ્તિકાઓ (બ્રોશર્સ) પ્રગટ કરી હતી. કોશકાર્યાલયમાં કામ કરતા અભ્યાસીઓ ઉપરાંત બહારના આપણા ઘણા વિદ્વાનો પાસે અધિકરણો લખાવવાનાં હતાં એથી લેખનની એકવાક્યતા ને અધિકરણના સ્વરૂપની પણ ચુસ્ત પદ્ધતિ જળવાય એ આશય પણ એની પાછળ હતો. કોશકાર્ય આગળ ચાલતું ગયું ત્યારે પણ અવારનવાર સલાહકાર સમિતિ સાથે બેઠકો યોજીને ચર્ચાને અંતે કરેલાં નિષ્કર્ષો—નિર્ણયોના ઠરાવ થતા રહેલા. કોશસ્વરૂપ સુબદ્ધ રહે અને કોઈ તબક્કે કોઈ જાતની યાદચ્છિકતા ન પ્રવેશે એની તકેદારી રૂપે આ પ્રણાલી સ્વીકારી હતી. ૧૯૮૦થી ૧૯૮૫ સુધી અધિકરણલેખક-સહસંપાદક ને સંપાદકની કામગીરીને લીધે આ આખી પ્રક્રિયાના સીધા સંપર્કમાં હું હતો. આટલી વિગતો એ માટે આપી છે કે બીજા ખંડમાં આ મૂળભૂત માળખા સાથે ઠીકઠીક છૂટછાટો લેવાઈ છે. ને પરિણામે કોશની પ્રમાણભૂતતા ઝાંખી થઈ છે. એની ઉપયોગિતા પણ, એથી ઓછી થઈ છે. આ છૂટછાટને મુદ્દાસર તપાસીએ : ૧. સૌથી મોટી ભૂલ તો સંપાદકે કર્તા-અધિકરણોને અંતે મુકાનારી સંદર્ભસૂચિ કાઢી નાખીને કરી છે. જેને માટે થઈને કોશકાર્યાલયે ઘણી મહેનત કરીને ને લાંબો સમય આપીને પુષ્કળ સંદર્ભકાર્ડ ને સૂચિકાર્ડ તૈયાર કરેલાં, કોશના અધિકરણોના માળખાના એક અનિવાર્ય અંગ રૂપે સલાહકાર સમિતિએ એ સંદર્ભસૂચિ માન્ય કરેલી ને અધિકરણલેખન અંગેની પુસ્તિકામાં એનો સમાવેશ થયેલો, પરિણામે અનેક અધિકરણલેખકોએ, એમણે તૈયાર કરી મોકલાવેલાં અધિકરણોમાં સંદર્ભસૂચિને પણ સામેલ કરેલી. કોશની આ મૂલ્યવાન સામગ્રીને શા માટે રદ કરાઈ હશે? કેમ કે એને અભાવે તો આ કોશ સંદર્ભગ્રંથ બનવાને બદલે કેવળ પરિચયકોશ બની રહે છે. ને એની ઉપયોગિતાને ન્યૂન કરી મૂકે છે. મુખ્ય સંપાદકે ‘સંપાદકીય’નોંધમાં આ માટે એક કારણ આપ્યું છે : ‘એમ કરવા જતાં અકારણ પુનરુક્તિઓ અને અક્ષરસંખ્યા વધી જવાનો સંભવ ઊભો થાત.’ પણ આ દલીલ બરાબર નથી. સંદર્ભગ્રંથોના સંક્ષેપાક્ષરો જ યોજવાના હતા (મધ્યમકાળ વિશેના પહેલા ખંડમાં એ કરેલું જ છે.) અને આ સૂચિ મુખ્ય ને મહત્ત્વના – પસંદગીપૂર્વકના—ગ્રંથોની જ કરવાની હતી. નિયમોની પુસ્તિકામાં સ્પષ્ટ લખેલું છે : ‘ આ સંદર્ભો નિઃશેષ સૂચિરૂપે નહીં પણ વિશેષ વાચન (ફર્ધર રીડિંગ) તરીકે મૂકવાના હોઈ…” વગેરે. એટલે અક્ષરસંખ્યા બહુ વધી જવાનો સંભવ ન હતો. બહુ બહુ તો ત્રીસેક પાનાં વધ્યાં હોત. અને આવા બૃહદ્ કોશમાં થોડાંક પાનાં વધી જવાના ભયે મહત્ત્વની સામગ્રીનો જ ભોગ આપી દેવાનો. ૨. આશ્ચર્ય તો એ વાતનું થાય કે એક તરફ આમ અક્ષરસંખ્યા વધી જવાની ચિંતા એમણે કરી છે ને બીજી તરફ સ્વતંત્ર કાવ્ય—વાર્તા—નિબંધ કૃતિઓ પરનાં તેમ જ સાહિત્યકૃતિઓમાંનાં (ગોપાળબાપા, લઘરો આદિ) પાત્રો પરનાં અધિકરણો પણ એમણે સામેલ કરી દીધાં છે. સૂચિ કાઢી જેટલાં પાનાં બચાવ્યાં એથી ઘણાં વધારે પાનાં આ રીતે ઉમેરાઈ ગયાં! આ ઉમેરણ પણ બે રીતે ચિંત્ય લાગે છે. એક તો, કોશની મૂળભૂત રૂપરેખામાં આ પ્રકારનાં અધિકરણો, ચર્ચાવિચારણાને અંતે, ન મૂકવાનું નિર્ણીત થયેલું હતું. અંગ્રેજીમાં જુદાજુદા દૃષ્ટિકોણથી અનેક કોશ થયેલા છે અને એમાંના કેટલાક આવાં અધિકરણો સમાવે છે. પણ સમય-શક્તિ—અર્થબોજના સંદર્ભમાં આવું વિસ્તરણ આપણા સંયોગોમાં ન કરવાનું વલણ સ્વીકાર્યું હતું. આવાં ઓછાં ઉપયોગી ઘટકો વધારવાનેબદલે જે અનિવાર્ય છે—કર્તા અને ગ્રંથનાં ઘટકો-એનો જ સર્વગ્રાહી, શાસ્ત્રીય ને પ્રમાણભૂત કોશ કરવાનું વિચારાયેલું. કેમ કે, કર્તા સિવાયનાં બધાં ઘટકો પસંદગીપૂર્વકનાં હોય ને એમાં સમય—શ્રમની દૃષ્ટિએ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય, જેમ કે, કૃતિ (નવલકથા, વાર્તાસંગ્રહ, કાવ્યસંગ્રહ આદિ) પરનાં અધિકરણોની પસંદગીપૂર્વકની એક યાદી તે વખતના મુખ્યસંપાદકે પહેલાં કોશના સહસંપાદક અને અધિકરણલેખકો સાથે ચર્ચા કરીને તૈયાર કરેલી ને સલાહકાર સમિતિના દરેક સભ્યને બેઠકના પંદર દિવસ પહેલાં મોકલી આપેલી–વિમર્શ કરવા માટે. અને પછી, બેઠકમાંની લાંબી ચર્ચાને અંતે એક અંતિમ સંશોધિત યાદી તૈયાર થયેલી. આવી પ્રક્રિયા વિના ઘટકો વધારવાનો અર્થ નહીં. બીજું, આ (કૃતિ—પાત્ર પરનાં) અધિકરણો કૃતિપાત્રનો કોઈ વિશેષ સ્પષ્ટ કરનારાં બન્યાં નથી. કેવળ ઉપરછલ્લો વ્યાપક પ્રકારનો વિષયનિર્દેશ એમાં થયો છે; લખાવટની જુદીજુદી સ્વૈર પદ્ધતિઓ અજમાવાઈ છે; ‘પ્રસિદ્ધ કાવ્ય’, ‘—ની જાણીતી ગઝલ’ (જાણીતું છે માટે તો અધિકરણ કર્યું હોય—પછી પણ એવો નિર્દેશ જરૂરી?) એવાં લટકણિયાં એમાં મુકાયાં છે. એથી એની કોઈ જરૂર, કશી અનિવાર્યતા ઊભી થઈ નથી. ૩. આખા ગ્રંથની જે સંપાદકીય ભાત ઊભી થાય છે એ પણ કંઈક વિશૃંખલ ને ઢીલી લાગે છે. સુબદ્ધ કે ચુસ્ત લાગતી નથી. આ વિશે તો ઘણું કહી શકાય એમ છે પણ કેટલીક મહત્ત્વની બાબતોનો જ નિર્દેશ કરું : [૧] પ્રત્યેક કર્તાઅધિકરણને અંતે સંદર્ભો મૂકવાના વિકલ્પે એમણે કોશની શરૂઆતમાં ‘મહત્ત્વના સંદર્ભગ્રંથોની સૂચિ’ મૂકી છે. આ પ્રકારની વ્યાપક યાદી જિજ્ઞાસુ અભ્યાસીને વિશેષવાચન માટે કશી મદદ કરતી નથી, એ તો, આગળ નોંધ્યું છે તેમ કર્તાઅધિકરણને અંતે હોય તો જ કામની. બહુ બહુ તો આને, કોશકાર્યાલયે ઉપયોગમાં લીધેલા ગ્રંથો પૈકીના મહત્ત્વના ગ્રંથોની યાદી લેખી શકાય. પણ આ સૂચિની વિલક્ષણતા તો એક બીજી જ છે. કોશગ્રંથમાં તો શું, કોઈપણ અભ્યાસગ્રંથમાં એનો સંશોધક અભ્યાસી જે સંદર્ભસૂચિ મૂકે એમાં પુસ્તક સાથે કર્તા/સંપાદક/અનુવાદક, પ્રકાશક, પ્રકાશનસ્થળ, પ્રકાશનવર્ષ, એટલી વિગતો તો સમાવે. અહીં તો ‘અવિચીન કવિતા (સુંદરમ્)’, ‘ગુજરાતના સારસ્વતો (કે. કા. શાસ્ત્રી)’ એ પ્રકારના ને એટલા જ નિર્દશો માત્ર છે. કૌંસમાં દર્શાવેલી વ્યક્તિ લેખક છે કે સંપાદક એ નિર્દેશવાની જરૂર પણ એમણે જોઈ નથી! ખરેખર તો, ‘શાસ્ત્રી, કે, કા. (સંપા.), ગુજરાતના સારસ્વતો, ૧૯૮૨’ એવો પદ્ધતિક્રમશાસ્ત્રીય ગણાય. [૨] આવા કોશમાં સંપાદકીય નોંધ પૂરી માર્ગદર્શક ને બહુ ચીવટપૂર્વક લખાયેલી હોવી ઘટે એને બદલે અહીં અચોકસાઇવાળી ને કોશસામગ્રી સાથે પૂરી સંગતિ ન ધરાવતી ‘સંપાદકીય’ નોંધ છે. જેમકે, (૧) ‘આ અર્વાચીન ખંડઃર ૧૮૫૦થી ૧૯૫૦ વચ્ચે જન્મેલા કર્તાઓ અને એમની કૃતિઓને સમાવે છે.” એમાં ૧૯૫૦ તો બરાબર પણ ૧૮૫૦ની સાલ અર્વાચીન સાહિત્યના આરંભના વ્યાપક ખ્યાલની રૂઢિને જોરે કે સો વર્ષનો ગાળો બતાવી દેવાની આદતને જોરે આવી ગઈ? આનો અર્થ તો એવો જ થાય ને કે, કોશમાં જેમ ૧૯૫૦ પછી જન્મેલા કર્તા સમાવિષ્ટ નથી તેમ ૧૮૫૦ પૂર્વે જન્મેલા પણ સમાવિષ્ટ નથી. ને તો, દુર્ગારામ (૧૮૦૯), દલપતરામ(૧૮૨૦), નર્મદ(૧૮૩૩) જેવા ઘણાનું શું? કહેવાનો આશય એ નથી જ કે મુખ્યસંપાદકને આનો ખ્યાલ પણ નથી. વાત તો એ છે કે આવું અચોક્કસ, શિથિલ વિધાન કોશગ્રંથમાં તો ન જ હોવું ઘટે. (૨) ‘અનેક પુસ્તકસૂચિઓ ને લેખકસૂચિઓનો વ્યાપક ઉપયોગ કરતી વેળાએ વર્જન નહીં પણ સમાવેશને અહીં નિયમ ગણ્યો છે.’ જો સમાવેશને નિયમ ગણેલો તો કર્તાસંદર્ભનો ઉચ્છેદ કેવી રીતે થયો? (૩) “ગુજરાતી કથાસાહિત્યનાં મહત્ત્વનાં પાત્રો પર પણ અધિકરણ મુકાયાં છે.’ તો ‘લઘરો’ ‘મગન’ વગેરે અધિકરણોને પણ ‘કથાસાહિત્ય’નાં ગણવાનાં? શિથિલ વિધાનોના આ તો કેટલાક નમૂના છે. [૩] અધિકરણસામગ્રીના આયોજન તેમજ અધિકરણના સ્વરૂપ બાબતે કોશમાં રહી ગયેલી ક્ષતિઓ પૈકી થોડીકનો નિર્દેશ કરી લઉં. (૧) કોઈ પણ કોશમાં પ્રતિનિર્દેશો લેખકોનાં ઉપનામો, અન્ય નામો કે સંજ્ઞાઓ પૂરતા મર્યાદિત ન હોય. (એ પણ સરખી રીતે નથી થયું. આ કોશનું પહેલું જ અધિકરણ જોઈએઃ ‘અ : જુઓ, જોશી, ગૌરીશંકર ગોવર્ધનરામ.’ પણ પછી જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ (ધૂમકેતુ)માં ‘અ’ સંજ્ઞાનો તો કોઈ ઉલ્લેખ જ નથી! ઘણામાં આમ થયું છે.) પ્રતિનિર્દેશો કર્તા—કૃતિ સંદર્ભે પણ હોય. એટલે કે કર્તા પરના અધિકરણમાં, એની જે જે કૃતિઓ પર કોશમાં સ્વતંત્ર અધિકરણ હોય એનો પ્રતિનિર્દેશ પણ આપવાનો હોય. મધ્યકાળ વિશેના પહેલા ખંડમાં આવા પ્રતિનિર્દેશો તીર(→)નીસંજ્ઞાથીબતાવેલાછેજ. અહીંતોપાત્ર, કૃતિ એવાં અન્ય ઘટકો પણ છે એથી તો પ્રતિનિર્દેશોની વ્યવસ્થા વધુ ચોકસાઈવાળી સુનિશ્ચિત કરવી જોઈતી હતી. એને બદલે, પ્રતિનિર્દેશો જ ટાળ્યા છે. (૨) માહિતી-મૂલ્યાંકનની એકવાક્યતા ઘણી જગાએ જળવાઈ નથી. જેમકે, ‘ગાતા આસોપાલવ’ (સ્નેહરશ્મિ)માં, “આ વાર્તાઓ નથી, વાતો છે* એવી, કેવળ પ્રતિભાવાત્મક નોંધ છે; ‘ગુજરાત ઍન્ડ ઈટ્સ લિટરેચર’(મુનશી)માં, ‘ક્યાંક પૂર્વગ્રહો નડ્યા છે, ક્યાંક પ્રમાણભાન ચૂકાયું છે’ એવી વિવેચનાત્મક મૂલ્યાંકનલક્ષી નોંધ છે; પરંતુ જેમાં અનેક વિગતદોષો અને અરાજકતાઓ છે (જેના વિશે એના પ્રકાશન વખતે જ મોટો ઊહાપોહ થયેલો) એ ‘ગુજરાતના સારસ્વતો’(સં. કે. કા. શાસ્ત્રી)ના અધિકરણમાં ‘અકારાદિ નામક્રમે ગુજરાતી લેખકોનો પરિચય એમનાં પુસ્તકોના નિર્દેશ સાથે અપાયો છે.’ એવી, માત્ર વિગતદર્શક નોંધ છે. કોશની લેખન-પદ્ધતિની એકવાક્યતા આમાં જળવાઈ નથી. ખરેખર તો, બધે જ વિગતલક્ષી રહી શકાયું હોત. (૩) અધિકરણસામગ્રીમાં થયેલી વિગતપસંદગી ચુસ્ત લેખનના તથા જરૂરી- બિનજરૂરી બાબતોના સંપાદનના પ્રશ્નો ઊભા કરે છે. જેમકે, આ અધિકરણ જુઓ : ‘કુસુમમાળા’(૧૮૮૭) : કવિ નર્મદના અવસાન પછી બીજે વર્ષે, આજથી લગભગ એક સદી પહેલાં પ્રગટ થયેલ, અર્વાચીન ગુજરાતી કવિતાક્ષેત્રે એક સીમાચિહ્ન અંકિત કરતો નરસિંહરાવ દીવેટીઆનો કાવ્યસંગ્રહ’. આમાં શરૂઆતની બે વિગતો (આ લેખમાં બધે શબ્દો અધોરેખિત મેં કર્યા છે. લે.) જરૂરી, અને સંગત પણ, લાગે છે? વળી, ‘આજથી… એક સદી’ એવું કોશમાં લખવાનું હોય? (૪) કાવ્યકૃતિઓ પરનાં અધિકરણોમાં વધારાનાં (રિડંડન્ટ) વિશેષણો વપરાયાં છે એ પણ કોશ—સંગત નથી. જુઓ: ‘અમે કોમળ કોમળ: મરણોત્તર અવસ્થાની કલ્પના કરતું માધવ રામાનુજનું પ્રસિદ્ધ ગીત’; ‘કવિનું વસિયતનામું: આવતીકાલના સંભવિત મૃત્યુ પછી સૂરજ, પવન, સાગર, ચંદ્ર અને અગ્નિએ કરવાનાં કાર્યને કાવ્યપૂર્ણ રીતે નિરૂપતું સુરેશ જોષીનું નોંધનીય કાવ્ય’; ‘કાનુડાને બાંધ્યો છે હીરને દોર: કૃષ્ણ-યશોદાના પરિચિત પ્રસંગને અનુલક્ષીને રચાયેલી હરીન્દ્ર દવેની એકદમ પોતીકી રચના’; ‘વિદાય : પ્રહલાદ પારેખનું ક્ષમાથી ચમત્કૃતિ સર્જતું જાણીતું કાવ્ય.’ આ વિશેષણો કોશમાં જરૂરી? અધિકરણ માટે જ્યારે કાવ્યકૃતિઓ ખાસ પસંદ કરીને લીધી હોય ત્યારે એ પ્રસિદ્ધ/જાણીતી/નોંધનીય હોય તો જ લીધી હોય ને? ‘એકદમ પોતીકી’માં તો પ્રભાવદર્શી શૈલીલક્ષણનો પ્રવેશ થયો છે – જે કોશને સદે નહીં. (૫) ‘સરસ્વતીચંદ્ર’નાં દસેક પાત્રો પર અધિકરણો છે. એ પ્રત્યેકમાં ‘ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રસિદ્ધ—પ્રશિષ્ટ નવલકથા સરસ્વતીચંદ્રનું’એ આખું શબ્દ-સપ્તક પુનરાવર્તિત થાય છે. વળી, આ જ રીતે, એમાંના કેટલાંક પાત્રપરિચયો શિથિલ વાક્યાવલીવાળા, કોશ—ચુસ્તીના અભાવવાળા બન્યા છે. જેમ કે, ‘અલકકિશોરી : (પેલા શબ્દસપ્તક પછી) ‘-નું સ્ત્રીપાત્ર. સરસ્વતીચંદ્રના મોહમાં પડેલી, કુમુદસુંદરીની પરિણીત નણંદ અલકકિશોરીનેસરસ્વતીચંદ્ર કટોકટીની ક્ષણે કેવી રીતે ઉગારી લે છે એનું માર્મિક ચિત્રણ થયું છે.’ અહીં પાત્રનો પોતાનો કોઈ પરિચય મળે છે? (ભાર ‘માર્મિક ચિત્રણ’ પર રહ્યો છે, પાત્ર પર નહીં.) વળી અહીં સ્ત્રીપાત્ર એવો વધારાનો શબ્દ યોજવો જરૂરી હતો? વાક્ય સરખું કર્યું હોત તો અધોરેખિત પાત્રનામો ફરી લખવાની જરૂર પડી હોત? મુખ્ય મુદ્દો એ છે કે અહીં જે શબ્દવ્યય થયો છે એ સહેલાઈથી ટાળી શકાય એમ હતો. કોશના ‘સંપાદકીયમાં ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘અકારણ પુનરુક્તિઓ અને અક્ષરસંખ્યા વધી જવાના ભય’ અંગે જે સભાનતા વ્યક્ત કરી છે એ (તે સંદર્ભે નહીં પણ) અહીં ઉપયોજવા જેવી હતી. (નમૂના તરીકે ઉપર નોંધેલાં લગભગ બધાં જ અધિકરણોના લેખક, ને પછી સંપાદક, ચંદ્રકાન્ત ટોપીવાળા જ છે.) લેખન ચુસ્ત ને છતાં સ્વચ્છ—સ્પષ્ટ રાખવા માટે એવી સંપાદકીય સભાનતા અનિવાર્ય જ ગણાય. વળી, પ્રતિનિર્દેશોની વ્યાપક વ્યવસ્થા સ્વીકારી હોત તો દરેક અધિકરણમાં લેખકનાં, કૃતિનાં પૂરાં નામ ફરી ફરી લખવાને બદલે, ઉ. ત., “સરસ્વતીચંદ્ર (-)ની નાયિકા’ વગેરે પ્રકારના ઉલ્લેખમાત્રથી કામ (વધુ સારી રીતે) સર્યું હોત. એમણે લખ્યું છે – ને વાતચીતમાં પણ સતત કહ્યું છે—કે એમણે આ કોશ માટે નમૂના રૂપે ‘The Oxford Companion to English Literature’ને પણ સામે રાખેલો છે. પરંતુ એ કોશને પણ, અનુસરવા જેવું હતું ત્યાં અનુસરવાનું એમનાથી થઈ નથી શક્યું. તુલના માટે કેટલીક નમૂનાની સામગ્રી જોઈએ : (१) Ravan, the poem by Poe(q.v.); (2) Hamlet, a tragedy by Shakespeare (q.v.); (3) Desdemona, the heroine of Shakespear’s Othello(q.v.). જોઈ શકાશે કે દરેક જગાએ કર્તા/કૃતિના પ્રતિનિર્દેશો(q.v.) એ કોશે આપ્યા છે. (અને એ કોશના Editorialમાં સ્પષ્ટ નિર્દેશે છે કે, crossreferences heve been added whereever it appeared adviceable.) મોટા લેખકો અને ઉત્તમ કૃતિઓ પરનાં અધિકરણો પણ કોઈ વિશેષણ વિનાનાં છે, ને ખાસ નોંધવા જેવું તો એ છે કે હૅમ્લેટ, ઑથેલો, ડૉન કિહોટે આદિ કૃતિઓ પછી વળી તરત એ જ નામનાં પાત્રો વિશેઅધિકરણો આ કોશે નથી જ મૂક્યાં. બહુ સાદી વાત છે કે એવી જરૂર ન હોય કેમકે જિજ્ઞાસુને કૃતિ—અધિકરણોમાં જ પાત્રની વિગત પણ ત્યાં મળી જવાની. પરંતુ આ કોશને અનુસરતા ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ:ર’માં તો ‘અમૃતા’, ‘ભદ્રંભદ્ર’, ‘સરસ્વતીચંદ્ર’ એ કૃતિઓનાં અધિકરણો પછી તરત એ નામનાં પાત્રો પર પણ અધિકરણો છે. જે નર્યા બિનજરૂરી છે. બીજી તરફ, ‘રાઈનો પર્વત’ના પાત્ર જાલકા પર અધિકરણ છે ને એ નામની ચિનુ મોદીની નાટ્યકૃતિ ‘જાલકા’ પર અધિકરણ નથી. એટલે અધિકરણ-લેખન કંઈક ઉતાવળે થયું લાગે છે - કોશગ્રંથના પ્રકાશનના તકાદાને લીધે આવું બન્યું લાગે છે. પરિણામે, એક ઉત્તમ વિવેચક તરીકેની ચંદ્રકાન્ત ટોપીવાળાની શક્તિઓનો પૂરતો લાભ પણ કોશને મળતાં રહી ગયો છે. સૌથી મોટી કામગીરી તો સંપાદનની હતી. એ પદ્ધતિપૂર્વકની સંભાળથી, ચુસ્ત શાસ્ત્રીયતાથી નિભાવવાની હતી. ને દુર્ભાગ્યે, એ જ કામ અનેક ક્ષતિઓથી ઘેરાઈ ગયું છે. પરિણામે પ્રમાણભૂતતાને પણ ધક્કો લાગ્યો છે.

(એતદ્, જુલાઈ-સપ્ટે. ૧૯૯૦ તથા એપ્રિલ-જૂન ૧૯૯૧ – બંનેમાં પ્રગટ થયેલાં લેખ અને પત્રચર્ચાને સંકલિત, સંક્ષિપ્ત કરીને અહીં એક જ લેખ રૂપે મૂક્યાં છે. ચંદ્રકાન્ત ટોપીવાળાની પત્રચર્ચા માટે એતદ્ એપ્રિલ-જૂન ૧૯૯૧ જોવું.) સમક્ષ પૃ. ૧૬૧ થી ૧૬૮