સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/સ્વાધ્યાયલોક (નિરંજન ભગત)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૪) સ્વાધ્યાયલોક (નિરંજન ભગત)

રસપ્રદ, પણ તોષપ્રદ નહીં

સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથોના એકસામટા પ્રકાશને નિરંજન ભગતના સાડા ચાર દાયકાના સળંગ વિવેચનકાર્યને સુલભ કરી આપ્યું છે એથી સાહિત્ય-સામાન્ય વિશેની; અંગ્રેજી, યુરોપીય અને ગુજરાતી સાહિત્ય વિશેની એમની વિચારણાને એક સાથે તપાસવાનું શક્ય બન્યું છે. એમનું મોટાભાગનું વિવેચન પરિસંવાદો, સાહિત્ય-સમારોહો આદિમાં કરેલાં વક્તવ્યો રૂપે થયેલું છે. એક પ્રભાવક વક્તા તરીકે, એક શિક્ષક-વક્તા રૂપે એ વર્ષોથી પ્રતિષ્ઠિત હોઈ હવે આ મુદ્રિત ગ્રંથો રૂપે મળતો એમનો સ્વાધ્યાય જિજ્ઞાસા જગાડનારો બને એ સ્વાભાવિક છે. એલિયટ, ઑડેન આદિ લેખકો વિશેના તથા એમની કૃતિઓ વિશેના, કૃતિના સાક્ષાત્ પરિચયમાં મૂકી આપનારા, એમના અભ્યાસલેખો ઘણાંના સ્મરણમાં રહી ગયેલા હશે. વક્તવ્યો રૂપે તૈયાર થયેલાં, તેમજ એ સિવાયના નિમિત્તે લખાયેલાં એમનાં લગભગ સર્વ લખાણોમાં વક્તવ્યનાં વેગ અને વાગ્મિતાનું બહુ લાક્ષણિક રૂપ ઝિલાયેલું છે. એમની શૈલીમાં ઓજસ્વિતા અને પ્રવાહી પ્રાસાદિકતા છે. એથી વક્તવ્યની પ્રભાવકતા એમાં ઘણી છે પરંતુ મુદ્રિત લખાણ રૂપે આવતા અભ્યાસલેખનાં સુબદ્ધતા અને સઘનતા, વિષયના ઊંડાણને સ્પર્શતાં માર્મિકતા અને સજ્જતા, મુક્ત વક્તવ્ય કરતાં જુદી બાબત પણ હોઈ શકે. એ દૃષ્ટિએ એમના આ સ્વાધ્યાયલોકના પાંચમા ગ્રંથ ‘ગુજરાતી સાહિત્યઃ પૂર્વાર્ધ’ને તપાસવાનો ઉપક્રમ છે. આ ગ્રંથમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશેના ૮ લેખો છે ને બીજા ૭ લેખો અર્વાચીન સાહિત્યના પહેલા પાંચ-છ દાયકા દરમ્યાનની કેટલીક લાક્ષણિક સાહિત્યકૃતિઓ વિશેના છે. એ રીતે, આ સંગ્રહના લેખોના બે વિભાગો પડી જાય છે - મધ્યકાલીન સાહિત્ય અને ગ્રંથકારો વિશેનો, તથા અર્વાચીન સાહિત્યકૃતિઓ વિશેનો. પહેલા લેખનું શીર્ષક ‘મધ્યકાલીન ગુજરાતી કવિતામાં રહસ્યવાદની ધારા’ મોટી અપેક્ષા જન્માવે છે પણ એ સંતોષાતી નથી. દિલ્હી સાહિત્ય અકાદમીએ યોજેલા ‘મધ્યકાલીન ભારતીય કવિતામાં રહસ્યવાદની ધારા’ વિશેના પરિસંવાદમાં, મૂળે અંગ્રેજીમાં, કરાયેલા આ વક્તવ્યની શરૂઆતમાં જ, રહસ્યવાદને એમણે પ્રેમલક્ષણા ભક્તિધારા પૂરતો મર્યાદિત કરી દીધો છે. ‘રહસ્યવાદની ધારા એટલે ભક્તિ-આંદોલન સમજવાનું છે. વધુ સ્પષ્ટ કરવું હોય તો પ્રેમભક્તિ સમજવાનું છે અને અર્વાચીન અર્થમાં કહેવું હોય તો પ્રેમલક્ષણા ભક્તિ સમજવાનું છે.’ (પૃ. ૧) આવી વિલક્ષણ સ્થાપના એમના જ આ વક્તવ્યમાં પ્રશ્ન થઈને સામે આવી ગઈ છે. કેમકે નરસિંહ અને અખાની વાતને તે બાકાત રાખી શક્યા નથી. પરંતુ એમણે જે બાકાત રાખ્યું છે એ ઘણો ગંભીર દોષ છે. આખાય લેખમાં રામકબીર સંપ્રદાયના કે રવિભાણ પરંપરાના કોઈ કવિનું નામ સુધ્ધાં નથી! અખાની વાત થઈ છે પણ એના પૂર્વસૂરિ નરહરિ જેવા સક્ષમ કવિનો તો ઉલ્લેખ પણ નથી. ખરેખર તો આ આખો લેખ નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ અને દયારામ એ મુખ્ય કવિઓની કેટલીક સર્જક—લાક્ષણિકતાઓને મૂકી આપનારો, પરિચયાત્મક લેખ, બન્યો છે. ‘પ્રેમાનંદ ભક્તિઆંદોલનનો કવિ નથી’ (પૃ. ૧૩) એવું કહીને પણ એના વિશે એકાદ પાનું તો લખ્યું જ છે. રહસ્યવાદના કે ભક્તિધારાના કોઈ વિશેષોને ઉપસાવી આપવાનું—એ કવિતાનું એકેય દૃષ્ટાંત મૂકવાનું પણ એમનાથી બન્યું નથી. ભક્તિઆંદોલનની ઐતિહાસિક ભૂમિકા, સર્જકોની ક્યાંક તુલનાલક્ષી બનતી વિશેષતાઓ અને અસરકારક અભિવ્યક્તિ આ લેખમાં નોંધપાત્ર બને છે પણ લેખક વક્તવ્યવિષયને તો ખાસ્સો ચાતરી ગયા છે. નરસિંહ, મીરાં અને દયારામ વિશેના લેખોમાં (એ દરેક વિશે અહીં બબ્બે લેખો છે, એમાં) નિરંજન ભગતની એક પદ્ધતિ રસપ્રદ છે. તે તે સર્જકની કવિતાનો પરિચય, એમની પંક્તિઓ લઈલઈને, ક્યાંક તો આખાં પદો ઉતારીને, ખૂબ આસ્વાદ્યરૂપે એમણે આપ્યો છે. ક્યાંક એનું સંકલન પણ ઠીકઠીક સુબદ્ધછે. પરંતુ મધ્યકાલીન કવિઓના સમય અંગેના તેમજ એ કવિતાનાં અર્થઘટનો અંગેના કેટલાક પ્રશ્નો આ લેખો ઊભા કરે છે ને એ ક્યારેક ગંભીર મર્યાદારૂપ પણ બની જાય છે. નરસિંહ મહેતા વિશેના વક્તવ્યલેખ ‘નરસિંહનું અનુભવદર્શન’માં એમણે નરસિંહના જીવનની રૂપરેખા —એમનાં જન્મ—મરણ, લગ્ન, પુત્ર—પુત્રી જન્મ, ગૃહત્યાગ, મામેરું આદિનાં વર્ષો નોંધીને—આપી છે. નરસિંહના સમય અંગેના પ્રશ્નો ઓછા નથી ત્યારે ભગતસાહેબ નરસિંહનાં આત્મચરિત્રાત્મક કાવ્યોની ને એ કાવ્યોમાંની વિગતોની અધિકૃતતાને તપાસ્યા વિના (કે એ વિશે તાજેતરમાં જ થયેલાં સંશોધનો પર નજર સુધ્ધાં કર્યા વિના) એ કાવ્યોનો આછો-પાતળો આધાર લઈને નરસિંહના જીવનપ્રસંગોનાં આટલાંબધાં વર્ષો નોંધે એ ઘણું સાહસિક અને શૈલીવેગપ્રેર્યું વલણ ગણાય. (આ વર્ષનિર્દેશો માટે એમણે સીધો જ આધાર ઉમાશંકર જોશીના, ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-૨’ (ગુજ. સાહિ. પરિષદ, ૧૯૭૬)માં પ્રગટ થયેલા, નરસિંહ વિશેના લેખનો લીધો લાગે છે. (જુઓ એ ગ્રંથનું પૃ. ૧૯૨). નરસિંહનું જન્મવર્ષ ઈ. ૧૪૦૮ એ ઉમાશંકરનું અનુમાન છે. ને પછી કેટકેટલે અંતરે કયા પ્રસંગો બન્યા હોઈ શકે એનાં અનુમાન એમણે કર્યાં છે. એ બધાનું સીધું અનુસરણ અહીં થયું છે – ઉમાશંકરનાં અનુમાનોને એમણે સ્પષ્ટ વર્ષનિર્દેશોમાં ફેરવી દીધાં છે! નરસિંહના પુત્રના વિવાહની તારીખ ૭-૪-૧૪૪૦ નિરંજન ભગતે નોંધી છે એ પણ ઉમાશંકરે એમના એ લેખમાં ઉદ્ધૃત કરેલા કે. કા. શાસ્ત્રીના મતને આધારે નોંધી જણાય છે.) વળી, આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે, ઉપર્યુક્ત લેખ(વક્તવ્ય : ૧૯૯૬)ની પછી મુકાયેલા, પણ એ પહેલાં છેક ૧૯૬૮માં લખાયેલા નરસિંહ મહેતા વિશે અંગત નોંધ’ નામના ટૂંકા લખાણમાં એમનો અભિગમ સ્વસ્થ ને શાસ્ત્રીય છે. જુઓઃ ‘નરસિંહ વિશે આપણે કંઈ જ જાણતા નથી… એની જન્મતિથિ નિશ્ચિત નથી. એના જીવનના મુખ્ય પ્રસંગો કયા, એ ક્યાં અને ક્યારે બન્યા એ પણ નિશ્ચિત નથી... ‘જીવનચરિત્ર’ના અર્થમાં નરસિંહનું જીવનચરિત્ર આપણી પાસે નથી.’ (પૃ. ૩૯-૪૦). તો પછી, આ લખાણ પુસ્તકમાં આમ સીધું મૂકી દેવાને બદલ અગાઉનો લેખ એટલોક સુધારી—સંમાર્જિત કરીને મૂકવા જેવો ન હતો? પરંતુ એમણે આ ‘સ્વાધ્યાયલોક’ ગ્રંથશ્રેણીના આયોજનમાં ‘છેક—ભૂંસ, કાપ—કૂપ,સુધારા-વધારા’ ન જ કરવાનું સંકલ્પપૂર્વક સ્વીકારેલું છે! નરસિંહના જીવન વિશેનો એમણે આપેલો ચિતાર ચિત્રાત્મક,ને એથી રસપ્રદછે પણ એમાંનું એક અર્થઘટન ચિંત્ય છે. નરસિંહ અસ્પૃશ્યોને ત્યાં જતા એવી, એમના જાણીતા પદને લીધે પ્રચલિત બનેલી, વિગતને લઈને તેઓ નરસિંહને activist — કર્મવીર કહેવા સુધી ગયા છે. (જુઓ પૃ. ૩૫) એ, નરસિંહના નિતાંત સંતસમાગમી, વૈરાગી, અલિપ્ત જીવનસંદર્ભને જોતાં અપ્રતીતિકર લાગે છે. જયંત કોઠારી તો, જે પદને આધારે નરસિંહ અસ્પૃશ્યોને ત્યાં કીર્તન કરવા જતા એ પદને જ શંકાસ્પદ ગણીને કહે છે કે, ‘આમ નરસિંહ અસ્પૃશ્યતામાં માનતા ન હતા એ એમના ચરિત્રનું એક મહત્ત્વનું લક્ષણ પાછળના સમયની સરજત હોય એવું જણાય છે.’ (‘નરસિંહ મહેતા,’ સાહિત્ય અકાદમી, દિલ્હી, ૧૯૯૪, પૃ. ૨૨). નરસિંહ વિશેનો નિરંજન ભગતનો આ લેખ ઉત્સવના ભાગ રૂપે થયેલા વ્યાખ્યાનરૂપ છે, એથી એ જેટલો રસપ્રદ લાગે છે એટલો અભ્યાસજનિત જણાતો નથી. વ્યાખ્યાનના વિષયોથી(લેખશીર્ષકોથી) અપેક્ષા જગાડ્યા પછી નિરાશ કરનાર બીજા બે લેખો છે —‘પ્રેમાનંદ અને ચોસર’ તથા ‘દયારામ અને અનુકાલીન રાધાકૃષ્ણ-કવિતા’. આ વ્યાખ્યાનો ગતિશીલ ને ચિત્રાત્મક શૈલીથી સુવાચ્ય બલકે આકર્ષક બની રહે છે પરંતુ અપર્યાપ્ત રહેતી ને ક્યારેક બીજી દિશામાં ફંટાઈ જતી ચર્ચાને કારણે સંતોષપ્રદ બનતા રહી ગયા છે. પ્રેમાનંદ અને ચોસર જેવા કથનકળા—નિપુણ સર્જકોની તુલનાને વિષય કરવાનું અંગ્રેજી-ગુજરાતી સાહિત્યના અભ્યાસી નિરંજન ભગતને જ સૂઝે. પરંતુ એટલે જ, આ વિષય પર એમની પાસેથી આવો સાતેક પાનાંનો ટૂંકો લેખ નહીં પણ બંને સર્જકોની કૃતિઓમાંથી દૃષ્ટાંતો લઈને એનાં આંતરિક સૌંદર્ય—સમૃદ્ધિનો પરિચય આપનાર સુદીર્ઘ અને પરિતોષક લેખ આપણને મળવો જોઈતો હતો. જો કે એમણે લખ્યું છે કે, આ અકાદમી—પરિસંવાદના વક્તવ્યમાં સમયની મર્યાદા એમને નડી છે. તો પછી, આવી સ્થિતિમાં, મહત્ત્વના મુદ્દાઓને સ્પર્શતો એક સઘન વક્તવ્યલેખ પણ થઈ શક્યો હોત. પરંતુ, એને બદલે, ચોસર અને પ્રેમાનંદના ચરિત્રાદિની પ્રાથમિક વિગતોની, ઝાઝી ઉપયોગી ન બનનારી તુલનામાં લેખ ખરચાઈ ગયો છે. ચોસરનાં જન્મ-મૃત્યુ વર્ષ ઈ.૧૩૪૦ અને ઈ.૧૪૦૦ તો અધિકૃત છે પણ ચોસરની આ તારીખો સાથે મેળ પાડવા માટે એમણે પ્રેમાનંદનું જન્મ વર્ષ ઈ.૧૬૪૦ અને મૃત્યુવર્ષ ઈ.૧૭૦૦ – એવાં નિશ્ચિત વર્ષો મૂકી દીધાં છે એને કોઈ જ પુરાવાનો આધાર નથી. એટલે આમાં પણ પેલી સાહસિક શૈલી- છટા જ જોવાની રહે, આવા જ શૈલીવેગમાં, ચોસરની ‘કૅન્ટરબરી ટેલ્સ’ એકૃતિ જગતસાહિત્યમાં સર્વશ્રેષ્ઠ કથાકાવ્યસંગ્રહ સિદ્ધ થાય છે.(પૃ. ૧૩૧) એવું વિધાન પણ વહી જાય છે કેમકે, એમાં તથ્યાંશો હશે છતાં, સિદ્ધ થાય એવું એ બાબતને પ્રતીતિકર રીતે મૂકી આપતી કોઈ સઘન ઊંડી ચર્ચા કરવા એ રોકાયા નથી. ‘દયારામ અને અનુકાલીન રાધાકૃષ્ણ-કવિતા’ લેખનું માળખું આ પ્રકારનું છે : શરૂઆતનાં ૪ પાનાં ‘ઉત્તરાર્ધની પૂર્વભૂમિકા’માં ને પછીનાં ૧૨ પાનાં પૂર્વાર્ધની—દયારામની રાધાકૃષ્ણ-કવિતા’ની ચર્ચામાં રોકાયાં છે. ‘અનુકાલીન રાધાકૃષ્ણ-કવિતા’ની વાત બાકીનાં ૪ પાનાંમાં થઈ છે. પ્રિયકાન્ત મણિયારની ‘કૃષ્ણનો કવિઓને પરિપત્ર’ એ હળવા ને માર્મિક કાવ્યની વાતથી થયેલો આરંભ સરસ છે ને પછી દયારામની કવિતાનો પરિચય પણ રસ પડે એવો છે. પરંતુ મુખ્ય વિષયની—અર્વાચીન ગુજરાતીની રાધાકૃષ્ણ-કવિતાની – ચર્ચા અછડતી છે. એમાં માત્ર પ્રિયકાન્તની કવિતાની જ વાત થઈ છે. ને એ પણ એમનાં બે ગીતો મૂકી દઈને પતાવી છે. લેખ ઘણો અસંતુલિત ને અપર્યાપ્ત ચર્ચાવાળો બન્યો છે. આ પુસ્તકમાંના મીરાં વિશેના બે લેખો જુદા જ પ્રશ્નો ઊભા કરે છે. ‘મીરાં’ નામનો, ૧૯૭૫માં લખાયેલો લગભગ ૭૦ પાનાંનો લેખ તથા એ પછીનો ‘મીરાંબાઈ’ નામનો, ૧૯૭૬માં લખાયેલો વીસેક પાનાંનો લેખ આખા પુસ્તકનો ત્રીજો ભાગ રોકે છે. પરિષદ—પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ :૨’ (૧૯૭૬)માં છપાયેલો પહેલો લેખ ૧૯૮૨માં ‘મીરાં’ નામે સ્વતંત્ર પુસ્તિકા રૂપે પણ પ્રગટ થયેલો હતો એટલે આ પુસ્તકમાં એનું આમ ત્રીજીવારનું પ્રકાશન કેવળ બિનજરૂરી બની રહે છે. આ લેખ એક બીજી રીતે પણ પુસ્તકમાં બિનજરૂરી પુરવાર થાય છે, કેમકે, ‘મીરાંબાઈ’ નામનો બીજો લેખ કોઈ અલગ દૃષ્ટિકોણથી લખાયેલો પૂરક લેખ નથી પણ અગાઉના લેખ (‘મીરાં’)ને સામે રાખીને કરેલા સળંગ સંક્ષેપરૂપ લાગે છે. આ અંગે અનેક દૃષ્ટાંતો આપી શકાય એમ છે પણ એમાંનું એક જ દૃષ્ટાંત આ માટે પૂરતું થઈ પડશે. પહેલા લેખનો આ ખંડ જુઓ : ‘૧૫૨૧માં ભોજરાજાનું અવસાન થયું. અને લગ્નનાં પાંચ વર્ષ પછી, ત્રેવીસ વર્ષની વયે, મીરાંને વૈધવ્ય પ્રાપ્ત થયું. મીરાંના લગ્નની વિધિ અપૂર્ણ રહી હતી. એણે લગ્નનો સ્વીકાર કર્યો ન હતો અને લગ્ન ભોગવ્યું ન હતું એથી એ જૌહર કરે અને સતી થાય એવો આગ્રહ શક્ય ન હતો. જોકે, હવે પછી મીરાંનાં પદનાસંદર્ભમાં વિગતે જોઈશું એમ, એણે જીવનભર ક્ષણેક્ષણે જૌહર કર્યું હતું. એણે સંતનાં, સંન્યાસિનીનાં વસ્ત્રો ધારણ કર્યા હોય એટલું જ નહીં પણ વૈધવ્ય પછી વૈધવ્યને કારણે જ નહિ પણ એના સંતજીવનના, ભક્તના જીવનના અનિવાર્ય અને સ્વાભાવિક વિકાસક્રમ રૂપે જ એનો વિશેષ વૈરાગ્યભાવ પ્રગટ થયો હોય અને ભલે રૂઢિ અને પરંપરા પ્રત્યેનો દ્રોહ-વિદ્રોહ એમાં હોય પણ અન્યથા એનું જીવન નિર્દોષ અને નિરુપદ્રવી હતું એથી સિસોદિયા કુટુંબને સંતોષ થયો હોય અને મીરાંના જીવન પ્રત્યેનો સૌનો વિરોધ શમી ગયો હોય.” (પૃ. ૫૦) હવે સરખાવો બીજા લેખમાંનો આ ખંડ : ‘૧૫૨૧માં ભોજરાજાનું અવસાન થયું. લગ્નનાં પાંચ વર્ષ પછી ત્રેવીસ વર્ષની વયે મીરાંને વૈધવ્ય પ્રાપ્ત થયું. એના લગ્નની વિધિ અપૂર્ણ રહી હતી. એણે લગ્ન ભોગવ્યું ન હતું. એથી એ સતી થાય એવો આગ્રહ શક્ય ન હતો. એણે પ્રથમથી જ સંતનાં વસ્ત્રો ધારણ કર્યા હોય, એનામાં દિન—પ્રતિદિન વિશેષ વૈરાગ્યભાવ પ્રગટ થયો હોય. એનું જીવન નિર્દોષ અને નિરુપદ્રવી હોય, એથી સિસોદિયા કુટુંબને સંતોષ થયો હોય અને મીરાંના જીવન પ્રત્યેનો વિરોધ શમી ગયો હોય.’ (પૃ. ૧૧૨). પ્રસ્તાર અને વાગ્મિતાને ગાળીને કરેલો આ સંક્ષેપ સરસ ને સઘન છે. આ આખા પુસ્તકમાં બલકે સમગ્ર ‘સ્વાધ્યાયલોક’ના ઘણાખરા લેખોમાં લેખકની કલમ આ રીતે ચાલી હોત તો સઘન લખાણોવાળું વિવેચનકાર્ય સ્પૃહણીય અને પ્રભાવક બન્યું હોત એમ લાગે છે. પુનરાવર્તનો નિરંજન ભગતની એક લાક્ષણિક મર્યાદા છે. આ વિશે મેં ‘ઇન્ડિયા ટુ ડે’ (૮ ઑગસ્ટ ૧૯૯૭)માંના કેવળ પરિચયાત્મક લેખમાં પણ લખેલું કે ‘એ ઘણીવાર પુનરાવર્તનો સુધી વિસ્તરે છે. એમની વાત આવાં પુનરાવર્તનોથી ઘૂંટાય છે. ક્યારેક તો ઘૂંટાયા પછી એની ઉપર વળી પુનરાવર્તનોનો થર જોવા મળે—પ્રતીતિના પેલા વેગમાં અભિનિવેશ પણ ઊછળી આવે. અર્થ પહોંચી જાય એ પછી પણ શબ્દો એકઠા થતા ગયા હોય, પુનરાવર્તનભર્યો આવો વાગ્મિતા- વૈભવ ‘મીરાં’ લેખમાં સૌથી વધારે જોવા મળે છે ને એને લીધે મીરાંની કવિતા વિશેના સ્પૃહણીય આસ્વાદઅંશો પણ પ્રલંબ પથરાટમાં ખોવાઈ જાય છે ને લેખ ક્યારેક આપણને થકવી જાય છે.’ અર્વાચીન સાહિત્ય વિશેના લેખો તુલનાએ વધુ સંતુલિત અને કેટલાક તો વિશેષ નોંધપાત્ર પણ છે. એમાં પ્રસ્તાર નથી ને લેખક વધુ વિષયકેન્દ્રી, કૃતિકેન્દ્રીરહ્યા છે. સાક્ષર નર્મદાશંકર મહેતાના કાવ્યવિવેચનની ચર્ચાના લેખ ઉપરાંત ચર્ચા-આસ્વાદ માટે એમણે પસંદ કરેલી કૃતિઓ પણ અર્વાચીન ગુજરાતી સાહિત્યના પહેલા પાંચ-સાત દાયકાની ઘણી લાક્ષણિક કૃતિઓ છે. ૧૯મી સદીના ગુજરાતનાં રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક સંચલનોનો આલેખ આપતો યુગસંદર્ભ ‘નર્મદાશંકર(મહેતા)નું કાવ્યવિવેચન, ‘હુન્નરખાનની ચડાઈ’, ‘હિંદ સ્વરાજ’ અને ‘માસ્તર નંદપ્રસાદ’ એ લેખોમાં ભૂમિકા રૂપે કે કૃતિચર્ચાના ભાગ રૂપે મુકાયો છે એ દૃષ્ટિપૂર્ણ છે ને આખા સમયફલકને ચિત્રાત્મક રીતે મૂકી આપતો હોવાથી પ્રભાવક પણ બન્યો છે. એમાં લેખકની શૈલી પણ પ્રશિષ્ટ ને ગૌરવયુક્ત છે. આમે ય, ઔદ્યોગિક ક્રાંતિના પ્રભાવવાળી ૧૯મી સદીનાં સાંસ્કૃતિક સંચલનો એમના રસનો વિષય છે. ઉપર નિર્દેશ્યા એ લેખોમાંના પાછલા ત્રણ લેખો એમના યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા (૧૯૭૫) પુસ્તકના છેલ્લા ખંડમાંથી અહીં ફરી મુદ્રિત કર્યા છે. પ્રાસાદિકતાનો સમાન તંતુ ધરાવતી કૃતિચર્ચાઓમાં પદ્ધતિની ભિન્નતા પણ ધ્યાન ખેંચનારી છે. ‘હુન્નરખાનની ચડાઈ’માં યુગસંદર્ભ સાથે ચાલતું સરસ વસ્તુવિશ્લેષણ છે. ‘કુકાકવાણી’માં કૃતિના આસ્વાદ—પરિચયનું સીધું લક્ષ્ય છે. ‘સાગર અને શશી’ વિશેના લેખમાં, કાન્તની બધી કવિતામાંથી પ્રગટતા સર્જકવિશેષના સંદર્ભમાં પણ છેવટે તો સ્વીકૃત કૃતિનો આસ્વાદ છે—એના ઘટકોના સૌંદર્યમાંથી પસાર કરનારો, એક વિદગ્ધ કવિએ કરાવેલી બીજા કવિના (એમના પ્રિય ‘કળાકાર કવિ’ કાન્તના) કવિકર્મની ઝીણવટોને પિછાણી આપતો આસ્વાદ છે, ‘આપની યાદી’માં કાવ્યની રચનાની (સ્ટ્રકચરની) તપાસ એમણે કરી છે. આ કૃતિચર્ચાઓમાં કાવ્યના, ને એનાં અંશોના, અર્થઘટનના કેટલાક પ્રશ્નો છે. જેમકે, બાળશંકરનું કાવ્ય ‘કુકાકવાણી’ હાસ્ય-રમૂજકેંદ્રી કાવ્ય જ છે પણ નિરંજન ભગત કહે છે: ‘એમાં વાયસ તો નિમિત્ત છે, મહત્ત્વનો છે કવિનો પ્રેમ. મહિમા વાયસનો નથી, કવિની વિરહવ્યથાનો છે.’(પૃ. ૧૯૬). કાવ્ય એટલું સ્વયંસ્પષ્ટ છે ને એમાં વિડંબનાવાળી નહીં તો રમૂજભરી અતિશયોક્તિ કવિએ એવી ખીલવી છે કે મહિમા વાયસનો કે વિયોગનો નહીં પણ કૃતિની લાક્ષણિક હાસ્યરચનાનો જ પ્રતીત થાય છે. ‘કશ્ચિદ્ ભર્ગા સ્મરસિ રસિકે...."માંના સ્થિતિવિશેષની સાથે સરખાવતાં પણ આ કાવ્યની રસિકતા નર્મ-કેંદ્રી છે એ દેખાઈ આવશે. નિરંજન ભગત આપણા મોટા અભ્યાસી છે. વિશ્વસાહિત્યના સર્જનાત્મક અને વિચારકેંદ્રી ગ્રંથોનું એમણે પરિશીલન કરેલું છે. એટલે એ વિદગ્ધ-રસિક પણ છે. પરંતુ એમનું વિવેચન સંશ્લેષી અધ્યયનને કેંદ્રમાં રાખનારું હંમેશાં બની શક્યું નથી. કોઈ એક મુદ્દાને પ્રભાવક રીતે ને પોતાની વેગીલી ઓજસ્વી શૈલીમાં મૂકી આપવાનું એમનું વલણ વિશેષ હોય છે. એમાં પોતાની પ્રતીતિના રણકા સાથે અભિનિવેશનું પ્રમાણ પણ એટલું જ, ક્યારેક એથીય વધુ હોય છે એથી એમના લેખો પર્યાપ્ત, સંતુલિત, અભ્યાસલેખ તરીકે સંતર્પક બનતા રહી જાય છે ને એમની વાગ્મિતા ઘણીવાર વાક્—અતિરેક સુધી પ્રસરતાં, એમની આ પ્રભાવક લાક્ષણિકતા એમની મર્યાદા પણ બની રહે છે.

પરબ, ડિસેમ્બર, ૧૯૯૭
‘સમક્ષ’ પૃ. ૧૫૧ થી ૧૫૮