સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/પ્રબોધકાળનું ગદ્ય (નટવરસિંહ પરમાર)
‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’થી આગળ – પણ કેટલે સુધી?
ગદ્યનું સર્જન જેમ સર્જકની કસોટી કરનાર ગણાયું છે એમ ગદ્યની તપાસ વિવેચકની પણ કસોટી કરનાર નીવડતી હોય છે. ગદ્યકારની નિજી મુદ્રા ધરાવતા ચિંતનાત્મક અને સર્જનાત્મક એવા બંને પ્રકારના ગદ્યની તપાસ માટેનાં ઓજાર ઊભાં કરવાં ને એનો ધાર્યો વિનયોગ કરવો એ એક મોટો પડકાર બની રહે છે. એ મુકાબલામાં ઘણી મથામણનો, ઊંડી સૂઝ-સમજનો, ચુસ્ત ને ઝીણી વૈજ્ઞાનિક દ્દષ્ટિનો તેમજ ગદ્યના અનિબદ્ધ લયનાં પરિમાણોને પકડવાના કૌશલનો ખપ પડે. વળી આપણે ત્યાં ગદ્યની (અને નહીં કે ગદ્યનો વિષય બનેલી સામગ્રીની) તપાસ માટેની ભોંય બહુ ખોદાઈ નથી એટલે ગદ્યવિવેચન કરનારે આ ઉબડખાબડ રસ્તે ચાલતાં, ઢેફાં ભાંગવાથી માંડીને ફલપ્રદ પરિણામ સુધીની, આખી વાત એકલે હાથે પાર પાડવાની રહે. એટલે, નટવરસિંહ પરમારે પ્રબોધકાળનું ગદ્ય તપાસવાની દિશા ગ્રહણ કરી એ જ, પહેલાં તો, અપેક્ષા-જિજ્ઞાસા જગાડનાર આનંદદાયક ઘટના છે. ગુજરાતી સાહિત્યના પ્રબોધકાળના કેટલાક ગૌણ ગદ્યલેખકોને લઈને એમનાં લખાણોની સામગ્રીને તથા એમાંના ગદ્યવિધાનને આ ગ્રંથમાં એમણે તપાસ્યાં છે. એમનો મોરચો સરસ છે. પ્રબોધકાળના ગદ્યનું ને એના વિષયોનું નિમિત્ત બનનાર સમયગાળાનાં સર્વ સાંસ્કૃતિક સંચલનોની સઘન ને ઝડપી નોંધ લેતા પહેલા પ્રકરણ પછી બીજામાં ગદ્યના સ્વરૂપની તથા ગદ્યવિધાનનીતપાસમાં ઉપયોગી ઓજાર બની શકે એવા માપદંડોનીએમણે ચર્ચા કરી છે અને એ જ પ્રકરણના ઉત્તરાર્ધમાં પ્રબોધકાળના મુખ્ય ગદ્યકારોનાં સામગ્રી અને સ્વરૂપ વિશે કેટલાંક મહત્ત્વનાં નિરીક્ષણો આપ્યાં છે. આમ, નૈમિત્તિક પરિબળોના અને સ્વરૂપવિધાનના રેખાંકનઆલેખથી એક વૈજ્ઞાનિક પરિરૂપ તૈયાર કરીને એના સંદર્ભમાં, એમણે ચર્ચવા ધારેલા ત્રણ ગદ્યકારોની અલગઅલગ પ્રકરણોમાં તપાસ હાથ ધરી છે. આ યોજના-અંતર્ગત ચાલેલી એમની વિવેચના, એમણે કહ્યું છે એમ આ ગદ્યનિરીક્ષા, સાદ્યન્ત વૈજ્ઞાનિક પરિપાટીએ ચાલવી જોઈતી હતી; ગદ્યવિધાનની તપાસમાં હજુ વધુ ઊંડે જવું જોઈતું હતું—એવી અપેક્ષા, પુસ્તકમાંથી પસાર થતાં, રહ્યા કરે છે. અલબત્ત, સ્વરૂપલક્ષી તપાસમાં એમને લગભગ નવો ચીલો કરીને ચાલવાનું હતું એ ખરું, અને ગદ્યવિધાનની આવી તપાસ હંફાવનારી હોય છે એ પણ ખરું; તેમ છતાં, એમણે જ આંકી આપેલા નકશાને અનુસરવાનું એમનાથી હંમેશાં બન્યું નથી, ક્યાંક ઝોલા આવી ગયા છે, ક્યાંક એમની ગતિ સ્વૈર બની ગઈ છે. વિગતે જોઈએ: પહેલું પ્રકરણ સ્વીકૃત સમયગાળાનું સર્વક્ષેત્રીય દસ્તાવેજી ચિત્ર આપે છે. ૧૮૮૦ થી ૧૯૨૦ વચ્ચેના કાલખંડમાં (ને થોડાક પાછળ જઈ ૧૯મી સદીના બીજાત્રીજા દાયકાથી, અંગ્રેજોનો આર્થિક-રાજકીય લોભ ઝડપથી ફેલાવો શરૂ થયો ત્યારથી માંડીને) પરસંસ્કૃતિના પ્રભાવે ઊઠતાં જતાં સામાજિક-આર્થિક-રાજકીય-ધાર્મિક-શૈક્ષણિક ને વૈયક્તિક એમ અનેકવિધ સંચલનોનો એમણે આલેખલક્ષી ચિતાર આપ્યો છે. એનું આકલન પસંદગીપૂર્વકનું ને સઘન છે. ગદ્યની સ્વરૂપલક્ષી તપાસમાં કોઈને આની પ્રસ્તુતતા ઓછી લાગે તેમ છતાં એ સમયખંડના બહુપરિમાણી ચિત્ર તરીકે એ રસપ્રદ ને ઉપયોગી જણાય છે. આ ગ્રંથનું સમૃદ્ધ પ્રકરણ તો ગદ્યવિધાન વિશેનું છે. સ્વરૂપવિચાર અનુગતિક નહીં પણ આગવી માંડણીવાળો, તર્કાનુસારીને એથી સ્પષ્ટરેખ બન્યો છે. એમાં ઘણી વિચારણીય બાબતો ઊપસી છે. જેમકે કવિતા માટે પદ્ય એ એક બહિર્ગત આદર્શમાન છે એવું ગદ્યની બાબતમાં કશું નથી, એટલે ‘ગદ્ય’ અને ‘કવિતા’ વચ્ચેનો ભેદ મનોવૈજ્ઞાનિક સ્તરે શક્ય બને છે; કવિતા સર્જનાત્મક (ક્રિયેટિવ) અભિવ્યક્તિ છે, ગદ્ય વિધાયક (કન્સ્ટ્રક્ટિવ), એથી ગદ્યમાં તો સિદ્ધ શબ્દો દ્વારા નિર્માણ પામેલું સંવિધાન (સ્ટ્રક્ચર) જ સર્જનાત્મક પરિમાણ’ પ્રાપ્ત કરી શકે; વર્ષો સુધી વર્ણલિપિ ન હોવાથી સ્મરણસુલભ લયને બળે (બધી ભાષાઓમાં) કવિતા જ વહેલી જન્મી અને ગદ્યનો આવિર્ભાવ મોડો થયો, એનો વિકાસ પણ મંદગતિ રહ્યોવગેરે... ગદ્યની બાબતે એક નોંધપાત્ર નિરીક્ષણ તો આ છે : સંભાષણનું ગદ્ય વાણીના કાકુઓ, શારીરિક ચેષ્ટાઓ આદિના કારણે સહજ, તાજું, ત્વરિતપ્રત્યાયનક્ષમ ને પ્રભાવક બને છે પણ એના-એ વાણીવિન્યાસને લિપિમાં ઢાળવામાં આવે તો, એને જીવંતતા બક્ષતી પેલી વિશેષતાઓ ગળાઈ જતાં એ શિથિલ, ગ્રામ્ય, મધ્યમબરનું બની જતું હોય છે. આથી જ, સારું ને સાહિત્યિક ગદ્ય શ્રમસાધ્ય હોય છે. ગદ્યમાં રચનાવિન્યાસ તેમજ ભાવ-વિચારવિન્યાસના ‘સમતોલ સંઘટનમાંથી એક પ્રકારનો લયબંધ ઊપસતો હોય છે’ એની પણ ઉપયુક્ત ચર્ચા એમણે કરી છે. (જુઓ પૃ. ૫૧-૫૨). ગદ્યના સ્વરૂપની આવી વ્યાપક ને વ્યાવર્તક રેખાઓ સ્પષ્ટ કર્યા પછી એમણે ગદ્યના આંતરિક સ્વરૂપ-વૈશિષ્ટ્યની ચર્ચા હાથ ધરી છે. ‘સાહિત્યિક ગદ્યના સ્વરૂપના અભ્યાસમાં ભાષાના વસ્તુનિષ્ઠ વિનિયોગ દ્વારા સિદ્ધ થતી રચના (composition)ના કસબની નિરીક્ષા અનિવાર્ય બને છે’ (૫૪) - એવો એક મહત્ત્વનો ઉપક્રમ રચીને એમણે ગદ્યરચનામાં વર્ણધ્વનિ, શબ્દઅર્થ, વિશેષણાદિ પદો, વાક્ય, વિરામચિહ્નો, પરિચ્છેદ જેવાં ઘટકોની કાર્યસાધકતાની સઘન ને પૃથક્કરણમૂલક ચર્ચા કરી છે. સંસ્કૃતના ગુણવિચારને પણ, ઉચિત રીતે જ, આ ચર્ચામાં એમણે સામેલ કરી લીધી છે. અત્રતત્રના વિદ્વાનોનાં બહુ અવતરણો ટપકાવવાને બદલે એમણે પ્રતિપાદનોના આધારો મોટેભાગે તો વાચન—ચિંતનથી બંધાયેલી આપસૂઝમાંથી જ શોધ્યા છે એથી આ આખો આલેખ સ્વતંત્ર, તર્કશુદ્ધ ને સ્પષ્ટરેખ બન્યો છે. ગદ્યવિધાનની આ ચર્ચામાં હજુ વધુ ઊંડે જઈ શકાયું હોત. એ વધુ વિશ્લેષણમૂલક પણ બનવી જોઈતી હતી. ક્યાંક વર્ગીકરણ સ્પષ્ટ કર્યા વિનાની છાપગ્રાહી ચર્ચા છે એ સંમાર્જિત થઈ શકત જેમકે, મૂળે પ્રભાવક શબ્દો પણ અતિવપરાશથી પારદર્શિતા ગુમાવી અશિષ્ટ ને હીનાર્થ બની જાય છે, એવા એક મુદ્દાની ચર્ચામાં એમણે ‘સન્માન, ભવ્યતા, બહાદુરી, વિજય’ આદિ શબ્દોને પરિસ્થિતિના જાદુઈ વર્તુળથી’ બચી જતા બતાવ્યા છે. પણ આ જાદુઈ વર્તુળ એટલે શું? અને આ શબ્દો પણ, જેમકે ‘ભવ્યતા’, અતિવપરાશથી હીનીભૂત નથી થયા? ભેદ પાડવો હોય તો એ રીતે પાડી શકાય કે ક્રિયાવાચક કે ક્રિયાપરિણામી શબ્દોને મુકાબલે ભાવવાચક શબ્દોનું વધુ ઝડપથી હીનીભવન થતું હોય છે. બીજું, એમણે ગદ્યની એક સારી ઓળખ આપી છે : ‘લેખકના દર્શન (પર્સેપ્શન)ને અનુરૂપ શબ્દપ્રતિમાન (વર્ડ પેટન) સિદ્ધ કરવાનો પુરુષાર્થ,’ (૬૧) પણ પછી એનાલઘુ કે દીર્ઘ વિસ્તાર રૂપે ગદ્યનાં લલિત અને લલિતેતર સર્વ સ્વરૂપોને એ લાગુ પાડી છે ત્યાં અતિવ્યાપ્તિ છે. લલિત અને લલિતેતર ગદ્યસ્વરૂપો વચ્ચે પણ માત્રાભેદ નહીં, ગુણાત્મક (ક્વોલિટેટિવ) ભેદ છે એ સ્પષ્ટ થવું જોઈતું હતું. આમ છતાં ગદ્યવિધાનની આ ચર્ચા ઘણી મૂલ્યવાન ને વિચારણીય બાબતો ઉપસાવી આપે છે. જે તકલીફ શરૂ થઈ છે તે વિનિયોગની ચર્ચામાં. શોધનિબંધના કેન્દ્રીય વિષયરૂપ ત્રણ ગૌણ ગદ્યકારોની ચર્ચાની ભૂમિકારૂપે, નર્મદથી રમણભાઈ નીલકંઠ સુધીના મુખ્ય ગદ્યકારોના ગદ્યની એક ઝડપી નિરીક્ષા કરવામાં આવી છે ત્યાં તૂટકછૂટક રીતે કેટલાંક દ્યુતિકારક નિરીક્ષણો મળે છે. પણ તપાસના માપદંડો એક, અને એકસરખા પણ, રહ્યા નથી. ‘નર્મદના ગદ્યની ચર્ચા વિષય અને પ્રયોજનના મુદ્દાઓ તરફ વધુ ઢળે છે; નવલરામના ગદ્યની ઇબારતમાં....સંસ્કૃત શબ્દો પણ તળપદા મરોડમાં અલગ પડ્યા વિના સમન્વિત થઈ ગયા છે’ (પૃ. ૭૧) એવું સરસ નિરીક્ષણ સ્વરૂપચર્ચાના આધાર વિનાનું વિધાન બની ગયું છે. ગોવર્ધનરામના ગદ્યની ચર્ચા ‘સરસ્વતીચંદ્ર’કેન્દ્રિત રહી છે પણ નરસિંહરાવ કે રમણભાઈના ગદ્યની ચર્ચામાં એમની સર્જનાત્મક કૃતિઓની વાત થઈ નથી—એમના વિશેની ચર્ચા વધુ સામગ્રીલક્ષી બની ગઈ છે; ‘મણિલાલના ગદ્યમાં હજુ નર્મદની ઉદ્બોધનાત્મક શૈલીના અવશેષ જળવાયા છે.’ (પૃ. ૮૦) એવું, તુલનાત્મક ચર્ચાની અપેક્ષા જગાડનારું નિરીક્ષણ ત્યાં જ અટકી જાય છે. તુલનાથી ભેદક-વિકાસક રેખા ઉપસાવવાની અહીં તક હતી. ગદ્યનો વિષય બનતી સામગ્રીની ને ગદ્ય—સ્વરૂપની ચર્ચાનાં સંતુલન ને ક્રમ જળવાયાં હોત તો અહીં ધાર્યું પરિણામ આવવાની શક્યતા હતી. ગદ્યવિધાનમાં ‘રચનાના કસબની નિરીક્ષા અનિવાર્ય બને છે’ એવું ભારપૂર્વક નોંધનાર લેખક અહીં ને પછીના ત્રણ ગદ્યકારોની વિસ્તૃત ચર્ચામાં પણ સામગ્રીની ચર્ચા તરફ કેમ ઝૂકી જાય છે એનું આશ્ચર્ય થાય છે. સ્વરૂપ-ચર્ચા હાથ ધરી છે ત્યાં એ પ્રતીતિકારક શાસ્ત્રીયતાને બદલે છાપગ્રાહી અને દૂરાકૃષ્ટ અર્થઘટનો ટપકાવતી થઈ ગઈ છે. જેમકે, સરસ્વતીચંદ્ર સુવર્ણપુરીના બંદરે ઊતરે છે એ દૃશ્યના વર્ણનમાંથી એમણે એક વાક્ય ઉપાડ્યું છે: ‘એ પણ ઉદાસ અને મન્દ વૃત્તિથી ઊતર્યો.” પછી એનું આ રીતે અર્થઘટન કર્યું છે : ‘એ યુવકની ઊતરવાની ક્રિયા વર્ણવતાં ‘ઉદાસ’ અને ‘મન્દ’ શબ્દોની વરણી અર્થવાહક બની રહે છે. ‘ઉદાસ’ના લઘુ ‘ઉ’થી ત્વરિત ઊંચકાતી પગની ગતિ ‘દા’ ના દીર્ઘ વર્ણ પર વિલંબાતી લાગે છે, તો ખુલ્લા હોઠમાંથી સરતા ‘સ’ની અનાયાસ સરણોએ વિલંબાયેલી ગતિ અવશ બનીને સરતી લાગે છે. (પૃ. ૭૩ - ૭૪) વગેરે. વિશેષણો તરીકે ‘ઉદાસ’ અને ‘મન્દ’ શબ્દોની પસંદગી સરસ્વતીચંદ્રની મનસ્થિતિને સ્પષ્ટરેખ કરી આપે છે એમ કહેવું ઉપયુક્ત ને પર્યાપ્ત નહોતું ? ‘ઉદાસ’ના વર્ણોની, આવી છાપગ્રાહી પદ્ધતિએ કાર્યસાધકતા બતાવી શકાય?—એવા પ્રશ્નો થાય એમ છે. ગદ્યવિધાનની, પોતે જ ખોલી આપેલી શક્યતાઓનો યોગ્ય ને ભરપૂર લાભ એ લઈ શક્યા હોત. ગદ્યનો વિષય બનતી સામગ્રીની તપાસ તરફનો ઝોક છેલ્લાં ત્રણ પ્રકરણોમાં ક્રમશઃ વધતો ચાલ્યો છે. અંબાલાલ સાકરલાલ દેસાઈ પરના પ્રકરણમાં સમકાલીન રાજકીય-સામાજિક વાતાવરણ અને અંબાલાલની વિચારણાનું નિરૂપણ (ક્યાંક તો એમનાં લખાણોનું દોહન) ૨૦ પાનાં રોકે છે ને ગધચર્ચા માંડ ૧૦ પાનાં ચાલે છે; હરગોવિંદદાસ કાંટાવાળા પરના પ્રકરણમાં માહિતી-દોહનને સમાવતી સામગ્રીચર્ચા ૪૦ પાનાં રોકે છે ને સ્વરૂપલક્ષી તપાસ, નમૂના માટે લીધેલાં અવતરણો સમેત, ૧૦-૧૨ પાનાંમાં સમાવાઈ છે તો ઉત્તમલાલ ત્રિવેદીની વાત કરતાં ૩૦ પાનાં સામગ્રીના વિષયાનુસારી વર્ગીકરણ અને દોહનમાં રોકાય છે ને છેલ્લાં પાંચેક પાનાં ગદ્યવિધાનની ચર્ચાને મળી શકે છે! અંબાલાલ દેસાઈના ગદ્યની ચર્ચા માટે એમણે દૃષ્ટાન્તો તો ઠીકઠીક પ્રમાણમાં ટાંક્યાં છે પણ પછી એની વિશ્લેષણમૂલક ચર્ચા ઓછી થઈ છે, કેટલાંક વ્યાપક પ્રકારનાં નિરીક્ષણો જ એને અંતે ટપકાવ્યાં છે. ખરેખર તો અંબાલાલનું ગદ્ય સંસ્કૃતના કે અંગ્રેજીના પાસથી દૂર રહેતું તળ ને લાક્ષણિક ગુજરાતી ગદ્ય છે. એ લાક્ષણિકતાની, તુલનાત્મક સંદર્ભોથી પણ, ચર્ચા થઈ શકી હોત. અલબત્ત, લેખકે એમના ગદ્યમાંથી ‘બોલચાલની, કથ્યભાષાની લાક્ષણિકતા,’ ‘સૂત્રાત્મક શૈલીની છટા’ તથા હૃદયગ્રાહી સજીવતા (વાયટાલિટી)’ જેવાં લક્ષણો તારવ્યાં છે ખરાં, પણ એ તારણો ગદ્યની પૃથક્કરણલક્ષી તપાસને અંતે મુકાયાં હોત તો ચર્ચા વધુ પ્રતીતિકર ને સમૃદ્ધ બની હોત. ‘સંસ્કૃત શબ્દોના વપરાશવાળી ગુજરાતી ભાષાનો અભિનિવેશપૂર્વક પ્રતિકાર કરવાનું વલણ દાખવનાર સ્વ. કાંટાવાળા ગ્રામ્ય, પ્રાન્તિક, ઘરખૂણિયા શબ્દોના ઉપયોગવાળી સાદી ભાષાના આગ્રહી હતા—એવા મુદ્દાને લઈને એમણે હરગોવિંદદાસ કાંટાવાળાના ગદ્યની નિરીક્ષા આરંભી છે ને ગદ્યવિધાન અંગેનાં ઓજારો ઉપયોગમાં લીધાં છે. એમની શબ્દવરણીની, એમનાં રૂઢિપ્રયોગો ને કહેવતોની ઉપયુક્તતાની, વાક્યોના રૂપસંવાદની ભાતની ઘણાં ઉદાહરણો લઈને ચર્ચા કરી છે. એમાં લેખકેઝીણવટ ને સૂઝ પણ દાખવ્યાં છે પરંતુ જે તકલીફ રહી ગઈ છે તે સાદ્યન્ત વૈજ્ઞાનિક ચુસ્તીની જાળવણીની. ગોવર્ધનરામની ગદ્યચર્ચામાં થયેલું એવું છાપગ્રાહી વિશ્લેષણ અહીં પણ દેખાય છે : ‘છોડા સોતા કોદરા’—એવા એક પદસમુચ્ચય (ફ્રેયૂજ)ને એમણે આ રીતે ઘટાવ્યું છે : ‘છો’ ઉપર દાબ મૂકીને ઉદ્ભવતો લય ‘સો’ ને અવલંબતાં દ્રુત બની, અંત્ય શબ્દના દીર્ઘ સ્વર પર વિલંબાતો વિરામ પામી જાય છે. એ લયમાં કોદરાના રાશિને સૂચવવાની ક્ષમતા પણ પ્રગટ થાય છે.’ (૧૬૧) પદ્યલયની ભાતની ચર્ચાની પદ્ધતિએ ગદ્યલયની ચર્ચા ન કરી શકાય. અહીં તો, વિચલન જોવું હોય તો, ‘છોડા વાળા સાથેના’ ને બદલે ‘છોડા સોતા’ પ્રયોગમાં (આમ તો એય રૂઢ તો થયેલો જ છે) માં જોઈ શકાય. એથી ગદ્યનું પોત (ટેક્ષ્ચર) બદલાય છે. (—અને કોદરાનું પણ કરકરું પોત અનુભવાય—પરંતુ રાશિનો અનુભવ તો શી રીતે થાય?!). કહેવતોનો વ્યાપક ઉપયોગ પણ એમના ગદ્યકલેવરની લાક્ષણિકતા ગણાય’–એવી પૂર્વધારણા લઈને એમણે કાંટાવાળામાંથી કહેવતો ઉતારી છે પણ પછી એના કશા વિવરણ વિના તારણો આપી દીધાં છે. કહેવતોની ઉપયુક્તતાને તો આખા પરિચ્છેદ કે સંદર્ભના અનુલક્ષ્યમાં તપાસવી જોઈએ. ગદ્યવિધાનની ચર્ચામાં એમણે પરિચ્છેદ/સંદર્ભની જે ચર્ચા કરી છે તે, ઓજાર તરીકે, અહીં ઉપયોગમાં આવી શકી હોત. આમ છતાં, આ પ્રકરણમાં ગદ્યચર્ચા યોગ્ય દિશામાં ચાલી છે. ઉત્તમલાલ ત્રિવેદીવાળાપ્રકરણમાં ગદ્યવિધાનની વાત ઝડપથી, ઉભડક સમેટાઈ ગઈ છે. આ આખીય સમીક્ષા એક પ્રશ્ન ઊભો કરે ખરી, કે ગદ્યકારનાં લખાણોની ચર્ચા સામગ્રીની વાતને સમાવે જ નહીં? એમાંય જ્યારે (અહીં લીધા છે એ) ગદ્યકારો ચિંતનાત્મક નિબંધની કોટિના ગદ્યના લેખકો હોય ત્યારે સમય અને પરિસ્થિતિના સંદર્ભમાં એમની વિચારણાને તપાસવી જરૂરી નહીં ? બરાબર છે. પણ એની સામે બીજા અનેક પ્રશ્નો ઊભા થાય છે: સામગ્રીનું નર્યું દોહન ને વિચારણાનું કેવળ સંકલન કઈ રીતે ગદ્યનિરીક્ષા ગણાય ? વિચારણા પણ ગદ્યનો અવતાર ધારીને નિબંધાદિ રૂપે ઊતરે છે ત્યારે એ ગદ્યાવતાર જ ચર્ચાનું નિમિત્ત ને લક્ષ્ય ન બનવાં ઘટે? આપણે ત્યાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’ (૧૯૫૦)માં સુધારક અને પંડિતયુગની અનેકદેશીય વિચારણાનું સર્વેક્ષણ વિચાર અને પ્રતિભાવ’ પદ્ધતિએ કરી આપેલું. (અલબત્ત, એમણે જ, છેક, વિવેચના’ (૧૯૩૯)માંના ‘ગોવર્ધનરામની શૈલી’ લેખમાં ગદ્યના વિશ્લેષણને હાથ ધરેલું.) તો પછી હવે, વિષ્ણુપ્રસાદથી આગળ, ગદ્યના રૂપને તપાસવાની દિશામાં જવું, આવશ્યક બની રહે. નટવરસિંહ પરમારેએની પૂરી સભાનતા બતાવી છે, ‘રચનાના કસબની નિરીક્ષા’ને અનિવાર્ય ગણી છે, તંતુ-તંતુ છૂટો પાડીને ગદ્યવિધાન—ચર્ચાની શક્યતાઓને સ્વરૂપચર્ચામાં ફેલાવી છે. પણ પછી ? આખાય ગદ્યપ્રવાહને એ તંતુઓ સામે ધરીને એમાં ખેંચાતો વહેતો કરવાને બદલે થોડુંક એ તરફ ધરીને મોટાભાગનું તો, આદરણીય પૂર્વસૂરિ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની જેમજ સામગ્રીચર્ચા તરફ ફેલાવ્યું. એટલે ફરિયાદ એ સામે છે. બાકી, આ ગ્રંથનો આખો મોરચો, શરૂઆતમાં નોંધ્યું છે તેમ, એક નમૂનેદાર ને યોગ્ય નક્શો આંકવામાં મંડાયેલો હતો. એ નકશા મુજબની મજલ કાપવાનાં તૈયારી ને શક્તિ બંને એમનામાં હતાં જ. પણ ગદ્યવિધાનની તપાસના પ્રત્યક્ષ પ્રદેશો, ધાર્યા હતા એમ ને ધાર્યા હતા એટલા, એમણે ઉઘાડ્યા નહીં ને એમ કરીને આમ થવું જોઈતું હતું’ કહેવા આપણને મજબૂર કર્યા!
* ‘પરબ’, જુલાઈ ૧૯૯૨
વિવેચનસંદર્ભ પૃ. ૧૫૯ થી ૧૬૫