સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/જો હું તમારો વિદ્યાર્થી હોઉં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(4) અન્ય
(૧) જો હું તમારો વિધાર્થી હોઉં

એક

જો હું તમારો વિદ્યાર્થી હોઉં અધ્યાપકસાહેબ, તો તમને જંપવા ન દઉં. તમે હમણાં તો—બલકે કાયમ, અધ્યાપક થયા ત્યારથી બેફિકર કે આરામી કે સર્વપ્રિય રહેવા માગતા કે હળવા કે લહેરી માણસ છો. અમારા સાથીમિત્રો, આ અમારા સાહિત્યના વિદ્યાર્થીઓ, એમણે તમને કેવીકેવી સગવડો કરી આપી છે: વર્ગમાં આવવું, ન આવવું; સાહિત્યની કોઈ ભૂમિકા જ નહીં એટલે પડપૂછમાં ઊંડા ન ઊતરવું; ધીરજ ધરી બેચાર કલાક બેસી રહેવું—સ્વિચ ઓફ રાખીને; જેટલું અંડરલાઇન કર્યું હોય એટલાથી જ સંતોષ એમને—એટલે તમને ખાસ્સી નિરાંત છે. વળી તમારી એક ક્વોલિટી એ સૌ જાણે છે, એટલે એ સલામત છે ને એથી તમારો આદર કરે છે કે તમારામાં ભરપૂર વિદ્યાનિઃસ્પૃહા છે. તમે નથી નડવાના, નથી કનડવાના એનો એમને વિશ્વાસ છે. એક વણલખ્યો કરાર છે ગુરુશિષ્યો વચ્ચે: શિષ્યો કદી પ્રશ્નો નથી પૂછતા – પૂછ્યા કદી? તો જાઓ, ગુરુ પણ પ્રશ્નો નહીં પૂછે વર્ગમાં. ગુરુ ઉત્તરોના માણસ છે. ઉત્તરો ઉતરાવનારા. (પૂર્વાશ્રમમાં ઉત્તરો ઉતારનારા. એ જ મૂડીસંચય તો આજે કામ આવી રહ્યો છે!) પણ હું તો પૂછું જ. પૂછું તમને સાહેબ, કે આ પડદો શાને રાખ્યો છે? મધ્યકાલીન હસ્તપ્રત (તમે જોઈ હશે ‘એ’ હસ્તપ્રત?) એ પ્રત જેવું પીળું પડેલું આ નોટ્સ—પ્રતનું તમારું કાગળિયું તમારી આંખો અને વિદ્યાર્થીઓની આંખો વચ્ચે વ્યવધાન રચતો પડદો છે. કૃપા કરીને પ્રત્યક્ષ થાઓ, મુખોમુખ થાઓ. સૌ સામે આંખ માંડીને વાત કરોને? તમારા હાથનું ભારણ ખસે એ જ અમારી પ્રસન્નતા, એ જ અમારું ભવિષ્ય... તમે સાહેબ, કદીક વર્ગમાં (જ) વાંચો છો: સાહિત્યના ઇતિહાસની કોઈક ચોપડીમાંથી, આજનો ટોપિક શીર્ષકથી, કશુંક વાંચતા જાઓ છો ને વચ્ચે જરીક થોભી, સૌની સામે સ્મિત કરી, એકબે મમરા મૂકીને વળી પાછા ગ્રંથ-નિમજ્જન કરો છો. ના, ના, પૂરેપૂરા સાક્ષાત થાઓ.. સાહિત્યનો ઇતિહાસ કંઈ એક ચોપડીમાં કેદ થાય એવો થોડો છે? તમે અમને સાહિત્યના ઇતિહાસનો વિભાવ આપો, એની સંકુલતાઓ ખોલી બતાવો (ભલે એ ‘અભ્યાસક્રમ’માં ન હોય) ને એનું ફલક નિર્દેશો. સાહેબ, વિગતોનું બહુ પારાયણ વર્ગમાં નહીં કરો તો ચાલશે. અમે, તમારા માર્ગદર્શનપૂર્વક, એ જોઈ લઈશું. પણ તમે એના અનેક સંદર્ભો આપીને અમને ખરેખરો રોમહર્ષ કરાવો. ગભરાઈ જવાશે તો વધુ સજ્જ થઈશું. હું તો વળી એવુંય પૂછી નાખું ક્યારેક સાહેબ, કે આ ૧૯૧૧માં જન્મેલા ઉમાશંકર જોશી તે ગાંધીયુગના ને આ ૧૯૧૩માં જન્મેલા રાજેન્દ્ર શાહ તે પંડિયુગના—એ એ કેવું? એવું કેમ? અને આ બહુ લોકપ્રિય કલાપી તે વાળી પંડિતયુગના – એ શું? શું રહસ્ય છે આ યુગવિભાજનનું? મને ખબર છે – ‘એ તો એમ છે, ને વળી સાધક-બાધક કારણો તપાસતાં એવું છે કે’—જેવાં અસ્પષ્ટ સમાધાન તમે કરવાના. આ વિદ્યાર્થીઓ બચાડા આજે વળી સ્મિત કરવાના. તે એમનો વાંક નથી, આ મારા સરખાનો ચીકણા પ્રશ્નો પૂછનારનો વાંક છે. સોરી. મારા એક વાલેશરી કહેતા હતા સાહેબ, કે એક યુનિવર્સિટીની લાઇબ્રેરી એવી છે કે એમાં પેસતાં જમણી બાજુ સંદર્ભગ્રંથ વિભાગ છે ને ડાબી બાજુ સામયિક વિભાગ છે. જમણી બાજુ સઘન ને સમૃદ્ધ ભૂતકાળ છે ને ડાબી બાજુ જીવતો, સમર્થવર્તમાનકાળ છે. તે હૈં? તમે પોતે એ જમણે—ડાબે ગયા છો કદી? મને ખબર છે તમે આડે—અવળે જાઓ—જુઓ એવા નથી. ‘ચાલ્યો જાઉં સૂધે શેરડે ( પ્રેમાનંદ, દશમસ્કંધ) એ તમારો વય શીલવતી જીવનમંત્ર છે. વળી આ હું, વગર દુખે દુખી થનારો, તે તમને સુખિયા જીવને પૂછું કે ધારો કે તમે એ ભૂત-વર્તમાનમાં કલાકો ન ગાળ્યા ને તમારા વિદ્યાર્થીઓને ય ન લઈ ગયા ત્યાં, તો એમના ભવિષ્યનું શું? બિચારો એ, કોરો ને કોરો, યુનિવર્સિટીમાં પેઠો હતો એવો ને એવો આ બેરહમ દુનિયામાં પાછો ફેંકાઈ જવાનો. સાહેબજી, એક પત્રકારની અદાથી પૂછું, કે આપના અંગત ગ્રંથાલયમાં કેટલાં પુસ્તકો હશે? ને કેટલાં સામયિક આપ વાંચો—વસાવો છો? હા, લાઇબ્રેરીઓ તો છે જ. એ તેજ આપે. પણ પેલું ઘર-ગ્રંથાલય ઉષ્મા આપે, એવું ખરુંને? ને તો તમારી ઉષ્માભરી સજ્જતાનો શિષ્યોને લાભ મળે. મેળવો અને સંપડાવો. આપના વ્યાખ્યાનના અંતે પૂછું, જો હું તમારો વિદ્યાર્થી હોઉં તો, કે કેમ આ અમે વિદ્યાર્થીઓ તે એક ડગલું આગળ ન ચાલ્યા? તમે તો સૌને અસ્પષ્ટતાવાળા નર્યા ધુમ્મસમાં ફેરવ્યા ને વળી આસપાસ આ અટપટા શબ્દોના મચ્છરો ગણગણતા ચટકતા રહ્યા : સાંગોપાંગ કવિ, ગંજાવર નવલકથા, પૂર્વાપર સંદર્ભો, ભરપૂર ખેડાણો કર્યા છે, નિબંધમાં કલ્પનજન્ય પ્રતીકોનું વહન નિર્ણિત થાય છે વગેરે, વગેરે... આ શું છે, સર? પ્રકાશ થાઓ, પ્રકાશ થાઓ, રસ્તો ચોખ્ખો દેખાઓ; તો પગલું માંડું હું આકાશમાં...(મકરંદ દવે: પગલું માંડું હું આકાશમાં જોઉં નીચે હરિવરનો હાથ.) પૂછી પૂછીને માથું ખાઈ ગયો, પણ આ કૉમ્પ્લીમેન્ટ્સ છે સર, તમારું ‘માથું’ ખાઈ જાઉં તે. પણ હું તો હજુય પૂછું. હવે વર્ગમાંથી આપ બહાર નીકળ્યા હશો એટલે આપને પૂછું એની ઓછી મૂંઝવણ થશે. આપ કંઈક લખો છો, એ ખરું? પશ્ચિમમાં તો, કોઈ કહેતું હતું સાહેબ, કે કૉલેજમાં ભણાવનાર માટે એક સૂત્ર છે Publish Or Perish. તે લખવું જ જોઈએ. અચ્છા, નામનો મોહ નથી, ‘એક અભ્યાસી’ તરીકે લખો છો, એમ? સીધું જ છેક એમ. એ.ના વિદ્યાર્થીઓ માટે આખું પુસ્તક! વાહ! અરે પણ આ તો લોચો કહેવાય સાહેબ, લખાણ નહીં. આ તો પરીક્ષાર્થીભોગ્ય તૈયાર ભોજન. કેટલાબધા વિવેચકોને આડેધડ તમે એકઠા કરી દીધા છે. કો’ના તરાપા ને કો’ની પિંજણીઓ...?(પ્રેમાનંદ, કુંવરબાઈનું મામેરું.) અચ્છા, સોરી સર, તમારે કંઈક કહેવું હતું ને હું અટક્યો નહીં એ ખોટું કર્યું. લો, બહુ સરસ. તમે જેમ વિદ્યાર્થીઓ માટે એમ તમારે પોતાને માટે પણ લખ્યું છે, તમારે પોતાને નામે, એમને? બરાબર, પીએચ.ડી.ના ગાઇડ થવા માટેનાં રિસર્ચ પેપર્સ… હા, એમાં મને જિજ્ઞાસા છે. પણ આ તો સાહેબ, બીજી—ત્રીજી કક્ષાનાં સામયિકોમાં કરેલા જાણીતા વિષય પરના લેખો ને પુસ્તક—અવલોકનો છે. અદ્દલ, પેલી તમારા વ્યાખ્યાનની જ ભાષા. તમે સાહેબ, કોઈ નવા મુદ્દા પર પ્રકાશ પાડો, તો અમે પણ એ અજવાસમાં બેસીએ ઘડીક. તમારી સાથે, સંશોધનની અટપટી શેરીઓમાં ફેરવો અમને. એ જ અમારી પિકનિક. પણ સાહેબ, તમે પીએચ.ડી. છો એના અભિનંદન આપવાના તો રહી ગયા. અરે, પણ તમારો એ થીસિસ વાંચીને તો, મને વિદ્યાર્થીનેય થયું કે આ તો બધું ઉખાડેલુંચોંટાડેલું એનો શણગાર છે. સર, આપના જેવા જ ઉદાર હશે આપના માર્ગદર્શક ને આપના પરીક્ષક, નહીં? આ ઉદારતાએ જ સાહેબ બધો ઘડોલાડવો કરી દીધો છે. હું ત્યાં હોઉં, ને મને વર્ગમાં કે સભામાં ઊભો થવાની રજા મળે ને તો હું તો પૂછું કે શા માટે સાહિત્યના વિદ્યાર્થીને તમે આ તમારી ઉદારતાથી નમાલો કરી દો છો? તમારી નબળાઈ, તમારીબેજવાબદારી, ઉદારતા ને વત્સલતાને નામે અમને નિર્વીર્ય કરે છે, ચાલવા નથી દેતી. ધોરણોના સ્તંભોની હારમાળા હતી એના, ઘસાતાં ઘસાતાં, ખૂંટા થઈ ગયા છે. અમારે ખૂંટા—માપણી કરવાની? વેંતિયાઓ થઈને? ક્ષમા કરો સાહેબ, હું ઉશ્કેરાઈ ગયો. પ્રશ્નોથી મારું મગજ ફાટી જાય છે. પણ હવે, બસ, એક પ્રશ્નથી વધારે નહીં પૂછું. સાવ ખાનગી પ્રશ્ન છે : આપ સાહિત્યના ગળાબૂડ રસિયા હતા એથી અધ્યાપક થયેલા કે કોઈ ધક્કાથી જ આવી ગયેલા? સાહેબ, હવે યાદ આવ્યું કે હું જો તમારો વિદ્યાર્થી હોઉં તો પહેલો આ પ્રશ્ન પૂછું..

અદ્વિતીય

જો હું તમારો વિદ્યાર્થી હોઉં, અધ્યાપકસાહેબ, તો તમે મને જરૂર જંપવા ન દો. પહેલું જ પૂછો કે શા માટે આવ્યો છે સાહિત્યમાં? શું શું વાચ્યું છે? હું ડરતાંડરતાં કહું કે આ આ વાંચ્યું છે ત્યારે તમારા મુખ પર પ્રસન્નતાની એક રેખા ઊગીને છુપાઈ જતી જોઉં ને તમે કહો : ખરું, પણ આ હજુ સૂંઠના ગાંગડા છે. એને જ આધારે દુકાન ખોલી દેવાનું ન ધારતો. સતત, પુષ્કળ વાંચતો રહેજે. તપ એટલે શું ખબર છે ને? તાપ વગર તપ નથી… હું તમારો વિદ્યાર્થી હોઉં ગુરુવર્ય, તો બસ આ તાપમાં જ મારા અણ-ઘડ ખડકોને ઓગળવા દઉં જેથી એના પ્રવાહમાં હું જ મારી ગતિ વધારી શકું. મને ખબર છે સર કે મને અષાઢ—તરસ્યો જાણી જવાથી તમે બે હાથ ભરીને પુસ્તકો મારે માટે લાવો. થોડાંક ઘટક-ઘટક પીવા માટેનાં, થોડાંક જડબાતોડ. સીધાં ચઢાણ ચડવાની તમે મને ફરજ પાડી છે એ હું જાણી ગયો હોઉં. અહા, નિર્વિકલ્પ આરોહણ! ને હું વર્ગમાં બેઠો હોઉં તો? તમારા વર્ગમાં બેઠો પણ હોઉં, ને ન પણ બેસી શક્યો હોઉં તોય શું? તમે રામનારાયણ પાઠક કે ઉમાશંકર જોશી કે સુરેશ જોષી હો તો તો મારે, હવે તો, તમારો વર્ગ કલ્પી જ લેવાનો, પણ હું કલ્પીનેય સાક્ષાત્ કરી જ લઉં છું : વર્ગમાં તમારું કાચ જેવું પાસાદાર પણ પારદર્શક ગદ્ય માણતો માણતો; સ્મિતભર્યા પણ માર્મિકતાનાં પરિમાણોવાળા ઊંડાણભર્યા અને વિશાળ- ફલકવાળા અસ્ખલિત પ્રવાહમાં સેલારા લેતો લેતો; પ્રબળ વેગથી ગુજરાતી ભારતીય ને વિશ્વસાહિત્યમાં ફંગોળાઈને ઉડ્ડયન કરતો કરતો, બીક લાગ્યા કરે છતાં પરિતૃપ્ત થવાય એવા મંત્રમુગ્ધકર પ્રદેશમાં પહોંચી જાઉં છું. ગુરુવર્ય, પેલાં અભ્યાસક્રમીય ચોકઠાં તો એય ઋતુપર્ણની પામરીની જેમ ( પ્રેમાનંદ, નળાખ્યાન. જોજનો પાછળ રહી ગયાં. પણ છતાં એકેએક ઘટક સ્પષ્ટ બનીને ખૂલે છે. નકશામાંની નદીનો ભીનો સ્પર્શ પામી શકાય છે. મને ખાતરી છે કે તમે, હચમચી જવાય એમ કહેવાના: પૂછ, પૂછ. કેમ, કશો પ્રશ્ન નથી? જિજ્ઞાસા જ નથી બચી, કે પછી… છિન્નસંશય:? પછી સુ-ભાષિત પરખાવવાના : પૂછે નહીં તે શાનો શિષ્ય? પૂછવા ન દે એને ગુરુ ગણીશ ?( શામળની પંક્તિનો ઢાળ) એટલે હું સહસા પૂછી બેસવાનો: સાહેબ, આ અધ્યાપકીય વિવેચન શું છે? તમે તરત તતડી જવાના: ‘બસ, ચબરાકી. કહી દીધું કે ‘અધ્યાપકીય’, તો દુનિયાભરમાં ઉત્તમ અધ્યાપકોએ સમર્થ વિવેચન લખ્યું છે, એનું શું? અધ્યાપન કરતાં કરતાં જ સરાણે ચડાય ને નવી દિશાઓ ઊઘડે. એ નિત્યક્રમ ઓછા મહત્ત્વનો નથી. તમારે જે કહેવું છે તેને શુક—વિવેચન કે શુષ્ક—વિવેચન કહોને! જેમ તમે—આ કહેનારા અનધ્યાપકીય ઊડણ-વિવેચન કે ઝૂડણ—વિવેચન લખો છો તે? પણ અધ્યાપકોય એ લાગના છે – એકનો એક એકડો ઘૂંટીઘૂંટીને દોદળો કરી નાખે; પારાયણી ભાષામાં નિષ્પ્રાણ લખાણો કરે; બીબાંની જેમ નિયત વિશેષણો વાપર્યા કરે; વાંચવા-વિચારવાના વિકલ્પે જ વિસ્તાર કરે તો એવાં મુડદાલ વિવેચનો(!)ની લોકો મશ્કરી ય કરવાના જ. તમારી વાત એકદમ સાચી—એવું હું બોલી રહું ત્યાં જ તમે ત્રાટકવાના: જો, બાબાવાક્યમ્ પ્રમાણમ્ કરવાનું ભૂલી જા. વિદ્યાર્થી છે ને? તો સમજીને સ્વીકાર, ને સમજીને અસ્વીકાર કર. ગુરુની સામેય, જ્યાં વિચાર જુદો પડે ત્યાં, નો સર, કરીને ઊભો થઈ જા. નહીં તો તુંય ગયો, ને ગુરુ પણ ગયો. ‘ગુરુ’ થયો ત્યાં મણમાં ગયો...( અખો; અખાના છપ્પા.) હું તમારો વિદ્યાર્થી હોઉં તો સર, કેવી ઉત્તેજના અનુભવું! રસ્તો ચીંધીને એકલો નિરાધાર છોડી દો ત્યારે પણ તમારો અવાજ મારા ચિત્તમાં અકબંધ હોય. હું એ જાણું, ને પ્રતીત કરું કે પોષણ એ કંઈ મૂર્ત નથી હોતું, એ અમૂર્ત શક્તિ પણ હોય છે. હું જાણું કે તમે મને પ્રેમ તો કરો જ છો—પણ વહાલ દાખવવાની તમારી રીત જુદી છે. હું એ પણ જાણું કે શિક્ષકને ય જિજ્ઞાસુ વિદ્યાર્થીની ગરજ છે—તમે મારું ટોનિક છો એમ હું પણ તમારું ટોનિક છું. તમે બીજી હરોળ ઊભી કરવાની કાળજી રાખો છો એમાં આ વહાલ પણ છે ને દૂરંદેશી પણ.મને એક સ્પૃહા છે સર, કે હું તમારી સાથે કવિતા વાંચું ને તમનેય પઠન કરતા સાંભળું. તમે જ કહો કે ચાલો આજે વિદ્વત્ ચર્ચા કરવી નથી – આજે કવિતા કે નાટક વાંચીએ. બસ વાંચીએ. ન વિવેચન, ન આસ્વાદ પણ. તમારી સતેજ આંખમાં આર્દ્રતા જોઈને હું ધન્ય થાઉં... એક બીજી ખાતરી પણ છે કે તમે કહેવાના—વિવેચન કેવી રીતે વાંચવું : જો, બે વાર તો વાંચજે જ. એક વાર વિચારસામગ્રી માટે, બીજી વાર જોતો જા કે વિવેચક કેવી રીતે લખે છે, એની પદ્ધતિ, વાત મૂકવાની એની રીત, એની ભાષા, — એનું આયોજન. તો જ આહલાદક લાગશે એ. ને તું ય લખી શકીશ ક્યારેક. ક્યારેક શું. લખવા માંડ. એક વાર, બે વાર, ત્રણ વાર. પછી ફાડવા માંડ. પછી ઘડાશે ઘાટ. સુથારને જો, કડિયાને જો, કેવી ચોકસાઈ કરતા જાય છે! ચાર ઈંટ મૂકી નથી ને ઓળંબો લટકાવ્યો નથી. મને ગમે તમારું વહાલ, ને તમારું દુરારાધ્યપણું પણ ગુરુ, એટલે જ હું હોઉં તમારો વિદ્યાર્થી લઘરી ઉદારતાના તમે દુશ્મન. તમે કહો કે જો, મેડિકલ સાયન્સમાં પરીક્ષાનો વાઇવા હોયને, તો પહેલા પ્રશ્નનો ઉત્તર ન આવડ્યો હોય તો ઉઠાડી મૂકે, હવે આવતી પરીક્ષામાં આવજો. એનો દસમો ભાગ તો આપણે પાળીએ. તો ૯૯ ભૂલો થયા પછીય ( શિશુપાલવધ) વધ ન કરી શકે એવા પુષ્કળ ગુરુઓ માત્ર પોચટ.(બળવંતરાયની પંક્તિ ફેરફાર સાથે : પુષ્કળ કવિતા માત્ર પોચટ આંસુ સારતી) મેં પૂછ્યું હોય એકદા, હે ગુરુ, કે ‘એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી (ઉમાશંકર જોશી) એટલે? ભણ, ભણ, ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, અંગ્રેજી, હિંદી. જૂની લિપિ શીખ ને કોશવિદ્યાય શીખ. જો, એન્ટાયર-ફેન્ટાયરમાં ન પડતો. એમ.એ.માં બીજો વિષય પણ લેજે. સર, કેટલાય કલાક વાંચું એમ થાય છે—એવું બોલતો અટકાવી તમે કહો, રે વેદિયા, કદંબ—કણિકાર—કાંચનારનો કક્કો પણ શીખ. રંગ અને સુગંધની દુનિયા પણ જાણ. થોથાંની બાપીકી કૂઈમાં જ ડૂબી ન જતો. ‘જીવીશ બની શકે તો એકલાં ઈ પુસ્તકોથી’ કહેનાર કલાપીએ એક આરતપૂર્વક કહેલું, ‘ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી.’ એનું રહસ્ય શું, ચાલ બતાવ! હું દિગ્મૂઢ હવે દિશાએ દિશામાં નજર ફેલાવું છું…

(‘પ્રત્યક્ષ’ (સામયિક) જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૮)
‘પ્રત્યક્ષીય’ પૃ. ૧૮૦ થી ૧૮૫