સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/તરંગવતી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬. તરંગવતી

પ્રોફેસર લૉયમેનના જર્મન અનુવાદ ઉપરથી ગુજરાતી કરનાર, નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ. પ્રકાશક બબલચંદ કેશવલાલ પ્રે. મોદી. હાજાપટેલ પોળ અમદાવાદ. કિં. રૂ. ૦-૧૨-૦ જૈનોમાં ઘણો જ આદર પામેલી આ કથા મૂળ પાદલિપ્તાચાર્યે લોકભાષામાં ઘણા પ્રાચીન કાળમાં કરેલી. તે પછી ઘણા સમયથી તે હાથ લાગતી નથી પણ તેનો સંક્ષેપ અનુવાદ નેમિચંદ્રગણિએ આશરે ૧૬૪૪ ગાથામાં કર્યો. આની એક પ્રત પુરાણ ભંડારમાંથી મળી આવેલી રા. રા. કેશવલાલ પ્રેમચંદ મોદીએ પ્રો. યાકોબીને મોકલેલી અને તેમણે પોતાના મિત્ર ડૉ. લૉયમેનને આપેલી તેમના જર્મન લેખ ઉપરથી આ અનુવાદ કરેલો છે. મૂળ લેખક કે અનુવાદનો સમય નિર્ણીત થઈ શક્યો નથી પણ આ ભાષાંતર ઉપરથી પણ જાણી શકાય છે કે વાર્તાનું મૂળ વસ્તુ ઘણું પ્રાચીન છે. અને તેમાં ઘણા પ્રાચીન કાળની વસ્તુસ્થિતિ અને સામાજિક સ્થિતિનું ચિત્ર છે. વારતા મૂળ કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતના દૃષ્ટાંત તરીકે છે પણ તેમાં વારતાનો રસ છે. શૈલીની ખૂબી અને હાલની ઘણી વારતાઓનાં વર્ણનકો, બનાવો વગેરેનું મૂળ સ્વરૂપ આપણને આમાં દૃષ્ટિગોચર થાય છે અને તે અતિપ્રયોગથી નીરસ થયેલાં નહિ પણ તાજા અને નવીન સ્વરૂપમાં. આ પુસ્તક જોઈને વિચાર થયા વિના રહેતો નથી કે જૈન જેવી ધર્મગ્રિહી અને સાધનસંપન્ન કોમનું પ્રાચીન સાહિત્ય અહીંથી પશ્ચિમમાં જાય અને ત્યાંથી તેનું આપણે પાછું ભાષાંતર કરવું પડે એ કેવી સ્થિતિ છે? શાસ્ત્રીય રીતે અભ્યાસ કરી આ કામ શું કોઈ આપણો વિદ્વાન ન કરી શકે. અથવા એમ એ કરી શકે એટલું ધન જૈનો ન આપી શકે? હવે તો કેવળ લોકતંત્રને આધારે કામ કરતી સ્વતંત્ર સંસ્થાઓ ક્યાં નથી? અને અત્યારના ઉત્સાહના અને નવજીવનના સમયમાં એ નહિ કરીએ તો પછી ક્યારે કરીશું? જૈન અને જૈનેતર સર્વ આ વાર્તાને આદર આપશે એમ અમે માનીએ છીએ.

જેઠ ૧૯૮૦
[‘યુગધર્મ’]