સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/વિશ્વશાંતિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪. વિશ્વશાંતિ

[કર્તા : ઉમાશંકર જોશી; પ્રકાશક મોહનલાલ મગનલાલ ભટ્ટ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ. કિંમત બે આના.] પૂજ્ય ગાંધીજીના પેગામનું આ કાવ્ય છે. લેખકની ગાંધીજીના પેગામ ઉપરની ઊંડી અચલ શ્રદ્ધા એ એની પ્રેરણા છે. ગાંધીજીનો પેગામ હિંદમાં અને આખી દુનિયામાં નવીન જ છે. કેટલાકે તત્ત્વદૃષ્ટિએ તેને સ્વીકાર્યો છે, પણ તેની કાર્યકારિતા વિશે અવિશ્વાસ રાખ્યો છે, કેટલાકે આ સિદ્ધાંતની આખી વાતને મિથ્યા પ્રાચીનપ્રિયતા અને અવહેવારુપણું કહેલ છે, કેટલાકે તેને નિઃસીમ શ્રદ્ધાથી સ્વીકાર્યો છે, કેટલાક હજી અનિશ્ચિત મનથી તેનાં પરિણામો જુએ છે. વળી આ પેગામ અને તેના વાહક એ બંને તરફની અનેક પ્રકારની વૃત્તિઓ સેળભેળ થઈ જાય તે સ્વાભાવિક છે. આ પેગામ ઉપરનો અખતરો એવડો મોટો છે કે હજી તેને સમગ્રરૂપે ઓછા જ માણસો સમજી શકે. એવી મનોદશામાં પ્રગટ થયેલા આ કાવ્યને સમજવામાં દરેક વાંચનારનાં અંગત વલણો રસાનુભવમાં અંતરાયભૂત થવાનાં. છતાં આ કાવ્ય એ પેગામ સમજવાનો અને તેનું મહત્ત્વ સમજાયા પ્રમાણે રજૂ કરવાનો એક સાચો પ્રયત્ન છે. તેમાં કર્તાએ માનવ-ઇતિહાસનું પોતાની દૃષ્ટિએ અવલોકન કરી અહિંસાનું મહત્ત્વ આંકવા પ્રયત્ન કર્યો છે.

નખે, દાંતે, પંજે, તન બળ થકી માનવી લડ્યું,
પ્રતિસ્પર્ધી સાથે કદિક લઈ પાષાણ ધસિયું.
બનાવ્યાં ઓજારો વનતરુ તણાં કાષ્ટ મહીંથી,
અને ખોદી ધાતુ જમીન થકી, કૈં શસ્ત્ર નિરમ્યાં,
વળી અગ્નિ અસ્ત્રો પ્રબળ પ્રગટ્યાં ધ્વંસ કરતાં,
મહા ઝેરી તત્ત્વો કુદરત કનેથી ઝડપિયાં.
જલે, ભોમે, પૃથ્વી પડ ઉપર સર્વત્ર, કપરી
વહાવી સંસારે અબુધ મનુજે યુદ્ધ લહરી!

માનવજાતનો આ ઇતિહાસ જરાપણ આથી લાંબો કર્યો હોત તો કાવ્ય કથળી જાત. ઘણી વાર મુદ્દાની વસ્તુઓને ટૂંકામાં ટૂંકી રીતે કહેવાથી જ તે કાવ્યનો વિષય થઈ શકે છે. એ પછી જગતના મહાન વિપ્લવો અને તેમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુતાના ધીમે ધીમે સિદ્ધ થતા સિદ્ધાંતોનું કથન પણ યુક્તિપુરઃસર અને ઉપરના જેટલું જ ટૂંકું છે. અને બીજું કશું નહિ, તો આટલું –

પ્રભુ પ્રગટ ભૂતલે, સલિલને ઝુલે પારણે,
હશે રજની તારલે, ગગનને વિતાને રહ્યા.
કદી પ્રકૃતિ અંકમાં જગજને નિહાળ્યા હતા,
તમે પતિતમાં, દરિદ્રજનમાં દીઠા દેવને!

આટલું ગાંધીજીનું વર્ણન તો દરેક સ્વીકારશે એમ માનીએ છીએ. બીજાં કેટલાંક સ્થાનો, જેવાં કે સત્યાગ્રહ યુદ્ધનાં વર્ણનો વગેરેમાં પણ એવો જ સંક્ષેપ વધારે રુચિર થાત એમ અમને જણાય છે. ઉપરના શ્લોકોના દાખલાથી સ્પષ્ટ થાય છે કે કર્તાને સંસ્કૃત વૃત્તો ઉપર સારું પ્રભુત્વ છે. વિષયને આર્ષ વાતાવરણ આપવા કર્તાએ અનિયમિત ઉપજાતિનો ઉપયોગ કર્યો છે ત્યાં પણ કર્તાનું છંદો ઉપરનું એવું જ પ્રભુત્વ પ્રતીત થાય છે.

વિરાટની વ્યોમ વિષે પ્રશસ્તિ
કો આંકતી અંગુલિ તારકાક્ષરે.
લખે, લખે ને વળી રોજ ભૂંસતી
ગીતા ગુણોની ન લખાય પૂરી
ગાથા એવી સંતની એ અધૂરી,
વીલી જતા માનવબોલમાં લખી.

છંદોનું આ મિશ્રણ ઘણું સુભગ છે. કાવ્યમાં આછા અલંકારો પણ વિષયને અનુરૂપ છે. ખરી રીતે આ વિષય ઝીણા અલંકારોથી નહિ, પણ આર્ષ સાદાઈથી નિરૂપવાને યોગ્ય છે અને કર્તા તે સમજ્યા છે. તેમણે કોઈ જગાએ કૃત્રિમ અલંકારોથી કે લાગણીવેડાથી ભાવ નિષ્પન્ન કરવા પ્રયત્ન કર્યો નથી, અને છતાં એટલું કહેવું પડે છે કે વિષયની ભવ્યતા પૂરેપૂરી તેમના કાવ્યમાં પ્રગટ થતી નથી. મહાત્માજીના અપૂર્વ કારુણ્યને પૂરેપૂરી આર્ષવાણી મળી નથી, અને તેમાં અમે આ જુવાન કર્તાનો દોષ ગણતા નથી, વિષયની મહત્તા જ એવી છે. છતાં કર્તાનો પ્રયત્ન અનેક દૃષ્ટિએ આવકારપાત્ર છે. પ્રારંભકની ભૂલો તેમનામાં જણાતી નથી. પોતાના ભાવ ઉપર પૂરતો સંયમ તેઓ બતાવી શકે છે. કાવ્યને અભ્યાસથી મઠારવાનો પણ તેમણે પૂરતો પ્રયત્ન કર્યો જણાય છે, જે અભિનંદન યોગ્ય છે. અને દાંપત્યપ્રેમ, કે એવો અત્યંત ચવાઈ ગયેલો વિષય ન લેતાં તેમણે આખી પ્રજાના પ્રત્યક્ષ અનુભવનો આ મહાન વિષય લેવાનો પ્રયત્ન કર્યો તે તેમની કાવ્યની પ્રવૃત્તિનું સુચિહ્ન છે. અને તેમને તેમના કાવ્યમાર્ગમાં ફતેહ ઇચ્છીએ છીએ.

મહા ૧૯૮૮
[‘કાવ્યની શક્તિ’]