zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/વિવેચકના મુખ્ય વિવેચનગ્રંથોની પ્રસ્તાવનાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
(6) પરિશિષ્ટ
(૧) વિવેચકના મુખ્ય વિવેચનગ્રંથોની પ્રસ્તાવનાઓ

(૧) ફલશ્રુતિ (૧૯૯૯)
(૨) અંત:શ્રુતિ (૨૦૦૯)
(3) શબ્દપ્રત્યય (૨૦૧૧)
(૪) લોકાનુસંધાન (૨૦૧૬)

SMS Labhshankar Purohit.jpg

(૧) આ લેખોને ગ્રંથસ્થ કરતી વેળા

છેલ્લાં દસેક વરસ દરમિયાન, જુદાં જુદાં સામયિકોમાં પ્રકાશિત થયેલા લેખોમાંથી ત્રીસેક લેખો વીણીને અહીં ગ્રંથસ્થ કર્યા છે. અધ્યાપનમાં જરૂર પડતાં ૧૯૭૦-૮૦ના અરસામાં લખાયેલા, સિદ્ધાંતવિવેચનને લગતા ત્રણેક લેખો પણ એમાં આમેજ કર્યા છે. પરંતુ, મોટે ભાગે, વિદ્યાકીય ઉપક્રમને અનુષંગે પરિસંવાદ, સંગોષ્ઠી કે વાર્તાલાપને લગતાં સંભાષણોને અહીં સંઘર્યાં છે. તો કેટલાંક લખાણો નકરી વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને નિર્દેતુક મુદ્રામાં લખાયાં હતાં.

સામયિકોના છૂટા અંકોમાં દટાઈ રહેલા આ લેખો ગ્રંથરૂપ પામે તો મને જરૂર ગમે; પરંતુ આવી ગોઠવણ કરવાની કશી આવડત નહિ; વળી, વિદ્યાહેતુક પ્રકાશનસંસ્થાઓ કે સાહિત્યોત્તેજક તંત્રો સાથે મુદ્દલ સંપર્કશીલતા પણ નહિ. વ્યવસાયી પ્રકાશક તો વિવેચનલેખોના સંગ્રહને- એ ય વળી અખ્યાત ને એકાન્તિકનાં લખાણોને - અડકે પણ ક્યાંથી ? ત્રણેક વરસ પહેલાં, રમણલાલ જોશીએ, અખબારી કટારમાં આ લખનારનો પરિચય આપતી વખતે, કોઈ સાહિત્યિક સંસ્થાએ લેખસંગ્રહ પ્રકાશિત કરવો જોઈએ એવી, ટકોર કરેલી; પણ એ દિશામાં આરંભક વૃત્તિ દાખવતી સક્રિયતા મારે પક્ષે નહોતી. આ પછીના અરસામાં વડોદરા અને સાવલીમાં સાહિત્યિક મિત્રોની અનૌપચારિક ગોઠડીમાં, લેખસંગ્રહ માટે અંતરંગ મિત્રોએ ઉત્સાહ પ્રેર્યો. મારી નિરપેક્ષ ઉદાસીનતાને ગણકાર્યા વિના, નરી હૃદયપ્રીતિથી વળગી રહીને, શિરીષ પંચાલ અને જયદેવ શુક્લ હઠાગ્રહી રહ્યા. મુદ્રિતપત્રોના થોકડામાંથી ચાળીને લેખો તારવી કાઢ્યા. યુયુત્સુ પંચાલે પ્રેમોત્સાહથી કોમ્પ્યુટર કંડારણીનું કામ સંભાળ્યું ને જયદેવ શુક્લે પ્રૂફશોધનનું કાલાંફોલામણ પણ ઝીલ્યું! એટલે અત્રતત્ર વેરાયેલા આ લેખોની ચોપડી થયાનો જશ આ બંને મિત્રોને ફાળે જાય છે. આ મૈત્રીલીલા આભારના શિષ્ટોપચારથી પર છે.

આ લેખો ‘ફા.ગુ.ત્રૈ.', ‘એતદ્', ‘પરબ', ‘બુદ્ધિપ્રકાશ', ‘ઉદ્દેશ', ‘શબ્દસૃષ્ટિ', ‘તાદર્થ્ય', ‘સ્વાધ્યાય' - આ સૌ સામયિકોમાં પ્રકાશિત થતા હતા ત્યારે સંપાદકમિત્રો, મુરબ્બી સાહિત્યકારો અને અભ્યાસીઓ પ્રસન્નતા વ્યક્ત કરી, લખતા રહેવા પોરસાવતા રહ્યા હતા એ આ તકે સાંભરી આવે છે. મંજુબહેન ઝવેરી, રમણલાલ જોશી, શિરીષ પંચાલ, ચંદ્રકાન્ત ટોપીવાળા, ચંદ્રકાન્ત શેઠ, મફત ઓઝા, મધુસૂદન પારેખ : આ સૌ સામયિકાધિકારીઓ ઉપરાંત જયંત કોઠારી, નરોત્તમ પલાણ, નરેશ વેદ, બળવંત જાની, કનુભાઈ જાની જેવા શબ્દસેવીઓ અને રમેશ પારેખ જેવા કવિમિત્રો પણ પ્રતિભાવો વ્યક્ત કરી પત્રાવલંબન આપતા રહ્યા અને એમ લખાતું રહ્યું. લોકાભિરામ કથાપુરુષ શ્રી મોરારીબાપુના સહજ પ્રેમાદરનો મધુર હૃદયાભિષેક, મારી ‘ઉક્તિ’, ‘પંક્તિ' અને ‘ગીતિ’ને વારંવારે સાંપડતો રહ્યો છે. આ શ્રદ્ધેય અગ્રપુરુષની અંગતતા, મારી સકલ ઉપસ્થિતિને સતત ભીંજવતી રહી છે. શબ્દમુદ્રાની આ ગ્રંથઘટના પ્રત્યેનો એમનો રાજીપો ભીતરને રળિયાત કરે છે.

આ લેખોના વાવ્યવહારમાં જેમની નૈમિત્તિક અને નિમંત્રક પ્રેરકતા રહી છે એ સૌ વિદ્યાસંસ્થાઓ, ‘આકાશવાણી' અને લેખપ્રકાશક સામયિકતંત્રીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

(‘ફલશ્રુતિ’ પ્રથમ આવૃત્તિ ૧૯૯૯, સંવાદ પ્રકાશન વડોદરાની પ્રસ્તાવના)

(૨) ‘ઊભા રહો તો કહું વાતડી, બિહારીલાલ !'
(આ ચોપડી બારામાં)

સામયિકોમાં પ્રકાશિત લેખોનો સંગ્રહ કરવાનું, દશબાર વરસ પહેલાં, શિરીષાદિ મિત્રોએ સુઝાયું; ત્યારે તત્પર્યન્ત છપાઈ ચૂકેલા મોટા ભાગના લેખોને એકસામટા, ‘ફલશ્રુતિ' શીર્ષકથી સને ૧૯૯૯માં ગ્રંથરૂપે, પ્રકાશિત કીધા. લેખોના આ પ્રથમ સંગ્રહ પછી, ભવિષ્યમાં, બીજા સંગ્રહ થાય કે ન થાય એવી સંશયદશાને કારણે, સેવાનિવૃત્તિ પછીના વિદ્યાવિરામનું એ પહેલું ને છેલ્લું શબ્દસાહસ લેખી, ગ્રંથશીર્ષકમાં જ એનો સંકેત આપી દીધો હતો.

પણ, અભ્યાસીઓ, વિદ્યારસિકો ઉપરાંત પરિષદ અને અકાદમી જેવી સાહિત્યિક સંસ્થાઓએ ‘ફલશ્રુતિ'નો સારો સત્કાર કર્યો. પછીનાં વરસોમાં, વિદ્યાસંસ્થાઓ સાહિત્યિક પ્રતિષ્ઠાનો ઉપરાંત કલાપ્રવૃત્તિને વરેલાં વર્તુળોના નોખનોખા ઉપક્રમો નિમિત્તે વક્તવ્યો થતાં રહ્યાં; અને લેખાકારે, સામયિકોમાં, અહીંતહીં પ્રકાશિત પણ થતાં રહ્યાં; કોઈક વાર સર્જક કે સર્જન/સંપાદન નિમિત્તે પણ લેખો થયા. અભ્યાસીઓ ઉપરાંત રુચિસંપન્ન ને વિદ્યારસિક વાચકોના પણ પ્રોત્સાહક પ્રતિભાવો સાંપડતા રહ્યા; અને એમ દશકા પર્યન્ત લેખનયાત્રા ચાલતી રહી. પરિણામે પચાસ જેટલા લેખો તૈયાર થયા.

નકરી લેખસંખ્યા જ નહિ, લેખવિષયની કાલપરકતા ઉપરાંત ચર્ચાવિષયની તાસીરની દૃષ્ટિએ પણ, એ બધાને એક જ પુસ્તકમાં સાગમટે સમાવવા કરતાં ત્રણ અલગ અલગ સંચયો કરવાનું ઈષ્ટ લાગ્યું. એટલે, પ્રાચીન/મધ્યકાલીન અને અર્વાચીનતા/આધુનિકતાને ઉપલક્ષતા લેખોનાં બે અલગ પુસ્તકો ઉપરાંત લોકપરંપરાને લગતા લેખોનું સ્વતંત્ર પુસ્તકઃ આમ ત્રણ પુસ્તકોમાં લેખોની ગોઠવણી કરી.

*

પ્રાચીન/મધ્યકાલીન સાહિત્યના લેખોને સમાવતા ‘અંતઃશ્રુતિ'માં સૂતપરંપરા, યયાતિ વિશેના બન્ને લેખો પ્રાચીનતાને ઉપસેવે છે. જ્યારે ઢાઢીલીલા વિશેનો લેખ, આમ તો, લોકકલાને સ્પર્શે છે; પણ એનો સમ્બન્ધ મધ્યકાળની પરંપરા સાથે છે. બાકીના પંદરેક જેટલા લેખો, મધ્યકાળની પદ્યઘટનાના એક વા અન્ય પદાર્થ કે પરિમાણની ચર્ચાને લગતા છે. મધ્યકાળની સાહિત્યિકતાની આસપાસ વિચરતા આ લેખોની બાંધણી ‘નકશા હુકમ ચલે ઈમારત'ની સૂત્રપરિપાટીને અનુવર્તતી નથી; પણ લખાણ પાછળની નૈમિત્તિકતાથી સંચારિત થતી રહી છે. ‘ગીતગોવિંદ' અને સૂરદાસનું સગપણ; મધ્યકાળનાં પદોમાંના રંગવિન્યાસની સાભિપ્રાયતા; કે ‘ભોળી રે ભરવાડણ'ની સગોત્ર બહુસંખ્ય પદરચનાઓનાં મૂળ અને તુલના : આને લગતા લેખો, એકાન્તિક અને નિર્દેતુક વિદ્યાનંદની પરિણતિ છે. નરસિંહનાં પદોની પાઠચર્ચા કે અર્થવાચન; દયારામની કવિતામાંનાં લયસંકુલોની નિગૂઢ વ્યંજનક્ષમતા; શિષ્ટોમાં અપૂજ ઠરેલી ‘ધોળ'ની પદ્યઘટનાના મૂળ સગડ અને સાચવણ; પ્રાચીન સૂતપરંપરામાંના ચલનશીલ સંકેતો : ચર્ચાવિષયની ઝીણવટભરી ને ઊંડી તપાસ અને તારણમાં લઈ જતા લેખો, સાચી વિદ્યાપ્રીતિ ને અનલસ કાવ્યજિજ્ઞાસા ધરાવતા સજ્જ, શિષ્ટ શ્રોતાવર્ગની જ સાપેક્ષ વાઘટના હોવાની. આ લેખોનું નિમિત્ત મુંબઈ યુનિ., એસ.એન.ડી.ટી. યુનિ., એન.સી.પી.એ. મુંબઈ, સાહિત્ય અકાદમી કે વિશ્વકોશ ટ્રસ્ટ જેવી વિદ્યા/સાહિત્યની સંસ્થાઓની સંગોષ્ઠી/સંભાષણ થકી જ સંભવે. ઉપર નોંધેલા લેખોને મુકાબલે, કબીર, પ્રેમાનન્દ ને યયાતિ વિશેના લેખો, નિરૂપણ પરત્વે રસળતી સપાટીએ વિચરતા લાગશે. કેમ કે, આ લેખો ‘રુચિનામ વૈચિત્ર્યાત્ ઋજુકુટિલ નાનાપજુષામ્’ બહુરંગી શ્રોતૃસમુદાયની શ્રાવ્યતાની ઉદીપ્તતા, આતુરતા ને એકાગ્રતાને અકબંધ રાખીને, એમની સાથેનાં તારામૈત્રકને મુદ્દલ ઢીલું પડવા દીધા વિના, ઊભડક મુદ્દાઓને આધારે ઉદ્ગારેલાં સદ્યઃસ્ફૂર્ત વક્તવ્યના શોધિત-સંવર્ધિત લિખિત અવતારો છે! એટલેસ્તો એ સૌની નિરૂપણસપાટીમાં અરૂઢ પ્રયોગો, બોલચાલની છાંટ, ધ્વનિકંપનો, કાકુઓ, આરોહ/અવરોહના અપ્તરંગી ઉક્તિમરોડો: મૌખિકતાનાં આવાં વસાણાં વરતાઈ આવશે. તો વળી, ભીમસાહેબ, અરજણદાસ કે ‘પ્રેમસખી'ને અનુલક્ષતાં લખાણોની પરિપાટીમાં, ‘આકાશવાણી' નિમિતે, પરોક્ષ શ્રોતૃસાપેક્ષતા સાચવવાની રસમ દાખવી છે. લેખોની માંડણીમાં રજૂઆતની એકરૂપતાને બદલે, નોખનોખા લેખોમાં અળગી પડી જતી નિરૂપણસપાટીની બાબતમાં, નૈમિત્તિકતા કેટલી/કેવી નિર્ણાયક નીવડતી હોય છે એની ચોખવટ પૂરતો આ ખુલાસો છે.

અહીં ગ્રંથસ્થ લેખો, સામયિકોમાં પ્રસિદ્ધ થયા ત્યારે અભ્યાસીઓ, અધ્યાપક મિત્રો ઉપરાંત રુચિસંપન્ન વાચકમિત્રો પણ પ્રસન્નતા વ્યક્ત કરી, લેખનકાર્યમાં સતત પ્રેરતા રહ્યા હતા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ચિમનભાઈ ત્રિવેદીએ ધોળપરંપરા ઉપરાંત નરસિંહનો પદોના પાઠની ચર્ચા બદલ ઊંડો રાજીપો વ્યક્ત કરી અભિનંદન આપ્યાં હતાં. આ અભ્યાસનિષ્ઠ વિદ્વાનો ઉપરાંત સિલાસ પટેલિયા, મહેન્દ્રસિંહ પરમાર, મનોજ રાવળ પણ મધ્યકાળ વિશેના દૃષ્ટિવંત લેખો માટે વારેવારે પત્રાવલંબન આપતા રહ્યા.

આ લેખો માટે લેખનનિમિત્ત પૂરું પાડનાર નિમંત્રક વિદ્યાસંસ્થાઓ, તંત્રો તથા લેખપ્રકાશક સામયિકોના સંપાદક/તંત્રીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. છેલ્લે ભાઈ યુયુત્સુને આનંદપૂર્વક સ્મરી લઉં છું. આવરણ પરનાં ચિત્ર/લિખાવટ ને હસ્તપ્રત (૧૮મી સદી) સુલભ કરી આપવા માટે શ્રી શીલચંદ્રજી મહારાજનો આભારી છું.

‘અંત:શ્રુતિ’ પ્રથમ આવૃત્તિ ૨૦૦૯, સંવાદ પ્રકાશન વડોદરાની પ્રસ્તાવના

(૩) પૂર્વકથન

છેલ્લાં દશ-બાર વરસ દરમિયાન સામયિકોમાં છપાયેલાં લખાણોમાંથી, પ્રાચીન અને મધ્યકાળને તાકતા લેખો સને ૨૦૦૯માં ‘અંતઃશ્રુતિ’માં ગ્રંથસ્થ કર્યા હતા. અર્વાચીન/ આધુનિકને ઉપલક્ષતા લેખોનો અલાયદો સંગ્રહ કરવાનું, એ વેળા, મનમાં હતું જ. અહીં ‘શબ્દપ્રત્યય'માં એ ગાળાની સાહિત્યિકતાની આસપાસ વિચરતા લેખોને સંઘર્યા છે (માત્ર ‘ઔરંગઝેબની સંગીતશત્રુતા ?' લેખ, એમાં અપવાદરૂપ છે. સમયસંદર્ભે તો એની જગ્યા મધ્યકાળને લગતા સંગ્રહમાં હોવી ઘટે; પણ ઇતિહાસસ્પૃષ્ટ જનશ્રુતિ અંગેના ઊહાપોહ પ્રત્યે નજર જતાં એ બારામાં થોડી ચર્ચા કરવાનું બન્યું. આમ એ લખાણને અહીં મૂક્યું છે.)

સાહિત્યિક પરિસંવાદોમાંનાં સંભાષણ કે વક્તવ્ય; વાર્તાલાપ, નિમંત્રિત સમીક્ષા, પૂર્વાવલોકન : આવાં નોખનોખાં નિમિત્તો આ લિખાવટ પાછળ રહ્યાં છે, તો વળી નર્મદ, નવલરામની વિવેચનાને લગતા લેખો, કેવળ અભ્યાસપ્રીતિથી લખાયા. આમાંના લેખો સામયિકોમાં જ્યારે પ્રકાશિત થયા ત્યારે કેટલાક અભ્યાસીઓ અને સાહિત્યરસિકોને ગમ્યા હતા. વિદ્યાનિષ્ઠ વાચકોનો આવો અકૃતક રાજીપો, લખતા રહેવાનું, બળ આપનારો નીવડતો.

આ શબ્દવિહાર માટે જે વિદ્યાકીય કે સાહિત્યિક સંસ્થાઓએ મને મોકો આપ્યો; તથા શિષ્ટ સામયિકોમાં આ લખાણોને પ્રસિદ્ધિ સાંપડી. આ બદલ, નિમંત્રક સંસ્થાઓ ઉપરાંત તંત્રી/સંપાદકો પ્રત્યે આદરપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું.

‘ફલશ્રુતિ’ (૧૯૯૯), ‘અંતઃશ્રુતિ’ (૨૦૦૯) : આ બંને લેખસંગ્રહોની જેમ, આ ‘શબ્દપ્રત્યય'ના પ્રકાશનની વ્યવસ્થા પણ ‘સંવાદ' વડોદરાએ સંભાળી. સન્મિત્ર શિરીષ પંચાલે આ જવાબદારી ઉપાડી મને નચિંત રાખ્યો. આ સ્નેહસિક્ત સૌહાર્દ માટે આભારવચનની ઔપચારિકતા ઓછી પડે ! મુદ્રાંકન, શોધન, શોભનની બાબતમાં પુસ્તકનો રઢિયાળો ઘાટ ઉપસાવવામાં યુયુત્સુ પંચાલનો પરિશ્રમ જ નહીં, સૂઝબૂઝ અને પારદર્શી સદ્ભાવ પણ વરતાઈ આવશે. ભાઈ યુયુત્સુને ધન્યવાદ...

‘શબ્દપ્રત્યય’ પ્રથમ આવૃત્તિ ૨૦૧૧, સંવાદ પ્રકાશન વડોદરાની પ્રસ્તાવના

(૪) થોડુંક અંગત, થોડુંક સંગત

પ્રથમ લેખસંગ્રહ ‘ફલશ્રુતિ’ (૧૯૯૯)માં તો તત્પર્યન્ત છપાયેલાં મોટા ભાગનાં લખાણોને, સાગમટે જ, સમાવી લીધાં હતાં; પરંતુ, પછીનાં વરસોમાં તૈયાર થયેલા લેખોને, આંતરિક તાસીરને ધોરણે, નોખા તારવીને, એકરગા લેખોના અલગ અલગ સંચયો કરવા - એવું મનમાં ઊગ્યું. એથી કરીને, વિષયના ચોક્કસ (Particular) પ્રદેશમાં જ વિચરતી વિવેચનાને લીધે, પ્રત્યેક સંચયની પોતીકી મુદ્રા પણ વરતાઈ આવે. વિદ્યાશિસ્તની આવી સમજણથી પ્રેરાઈને પ્રાચીન/મધ્યકાલીન વિષયોને લગતા અઢાર લેખો ‘અંતઃશ્રુતિ’ (૨૦૦૯)માં; અને અર્વાચીન/આધુનિકને ઉપલક્ષતા એકવીસ લેખો ‘શબ્દપ્રત્યય' (૨૦૧૧)માં ગ્રંથાકારે પ્રગટ કર્યા. લોકપરંપરાને લગતા લેખો તો છેક ૧૯૯૭થી, કોઈ ને કોઈ નિમિત્તે થતા રહ્યા હતા. બે'ક દશકા દરમ્યાન થયેલા આ લેખોને અલાયદા સાચવી રાખ્યા હતા. લોકસંપદાના વિભિન્ન પ્રદેશોને લગતા આ પંદર લેખો, અહીં ‘લોકાનુસંધાન'માં ગ્રંથસ્થ કર્યાં છે.

*

આ સઘળા લેખો નિમિત્તપ્રેરિત તો છે; પણ અહીં નૈમિત્તિક્તા, બધા કિસ્સામાં, એકાત્મિક નથી. વ્યાખ્યાન, સંભાષણ, વક્તવ્ય કે વાર્તાલાપ તો શ્રોતાસંમુખતાની સાપેક્ષતાનો જ મામલો હોવાનાં. ‘લોકગીતની આસ્વાદ્યતા', ‘હેમરહાથીડો’, ‘લોકવાર્તાની કથનતરેહો,' સોરઠી ગીતકથાઓ’, ‘આપણા લોકઢાળો' : આ સૌની લેખન પરિપાટીમાં, શ્રોતૃસાપેક્ષતાનું સંધાન, શ્રોતાની આંખમાં આંખ પરોવીને થતાં કથનનાં ઇંગિતો થકી વરતાઈ આવશે. આને મુકાબલે, કશીક તાત્ત્વિક ચર્ચા વા કોઈ સંદિગ્ધ મુદ્દાના અર્થસંકટ પ્રત્યેના ઊહાપોહને લગતા લેખો તો લિખાવટની અળગી સપાટી પર ચાલવાના. યાદ રહે, અહીં શ્રોતાની સંમુખતાનો તો સવાલ જ નથી; માત્ર ને માત્ર, અપ્રત્યક્ષ વાચકની સાપેક્ષતાનો ખ્યાલ, લખનારના મનમાં તરતો હોય. અહીં, ‘લોકગીતમાં દાદા', ‘...ચાંદલિયો ઊગ્યો ને...', ‘કચરા મેરનો રાસડો', ‘હુમ્મર/ઉમ્મર એટલે' : આ લેખોની વિચાર-તર્કમંડિત ચલનસપાટી નિરાળી છે. ચર્ચાવિષયના વૈચારિક તંતુઓને, પૂર્વાપર ક્રમિકતાની અદબમાં જાળવીને, તર્કપુષ્ટ પ્રમાણોનાં બળથી, બૌદ્ધિક વિમર્શ દ્વારા પ્રતિપાદિત કરવાની ચાલ અહીં વરતાશે.

આપણાં વિદ્યાપ્રતિષ્ઠ સામયિકોમાં, આ લેખો પ્રકાશિત થતી વેળા, અભ્યાસીઓ, લોકસંપદાના મર્મજ્ઞો ને વિદ્યારસિક વાચકો પોતાની પ્રસન્નતા પત્રો દ્વારા મારા લગી પુગાડતા રહ્યા હતા એનું સ્મરણ તાજું થઈ આવે છે. ‘અભ્યાસલેખો માટેની દૃષ્ટિ અને પદ્ધતિનો મૉડેલ થઈ શકે એવો લેખ' - ગણી, ભોળાભાઈ પટેલે, ‘લોકગીતમાં દાદા' માટે, અત્યંત પ્રસન્નતાપૂર્વક અભિનંદન પાઠવ્યાં હતાં; ‘મૌખિક પરંપરામાં ઉક્તિનું ગદ્યઘટન' - લેખને, ‘ઉદ્દેશ'ના વર્ષભરના શ્રેષ્ઠ અભ્યાસલેખ તરીકે ચંદ્રકાન્ત ટોપીવાળાએ એ વર્ષના પારિતોષિકપાત્ર ઠરાવ્યો હતો. ‘...ચાંદલિયો ઊગ્યો...' અને ‘હુમ્મર/ઉમ્મર એટલે ?' - માંની તર્કબદ્ધ ને પ્રમાણપુરઃસર ચર્ચા બદલ, નરોત્તમ પલાણ, શાંતિભાઈ આચાર્ય, બળવંત જાની, રાજેન્દ્ર મહેતા, મનોજ રાવળ, સિલાસ પટેલિયા, સંજુવાળા આ સૌના પ્રોત્સાહક પ્રતિભાવ સાંપડયા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનોમાં, વિભાગીય અધ્યક્ષપદેથી આપેલાં વક્તવ્યોના લિખિત પાઠ પણ અહીં મૂક્યા છે. વિસનગર (ડીસે. ૧૯૯૯)માં વિવેચન/સંશોધન વિભાગનું અધ્યક્ષીય વક્તવ્ય, ‘લોકગીતની આસ્વાદ્યતા'; અને જૂનાગઢ (ડીસે. ૨૦૧૧)માં, ‘સોરઠની શબ્દસરજત' બેઠકનું અધ્યક્ષીય વક્તવ્ય, “હેમરહાથીડો : વ્યંજનાબલિષ્ઠ લોકકલ્પન' શીર્ષકથી અહીં મૂક્યાં છે. આ બન્ને અધિવેશનોમાં સાહિત્યરસિકોનો જબરો પ્રતિસાદ, આ વક્તવ્યોને સાંપડયો હતો. પ્રમુખ/વિભાગીય અધ્યક્ષોનાં વક્તવ્યોને લગતી પરિષદપુસ્તિકામાં તો, જોકે, એ સ્થળ પર સુલભ હતાં જ; પરંતુ ‘ફા.ગુ.ત્રૈ. (જાને-માર્ચ-૨૦૦૦) અંકમાં, તથા ‘લોકગુર્જરી’ અંક ૨૯માં પણ એ વક્તવ્યો પ્રસિદ્ધ થયાં હતાં. ‘સોરઠી ગીતકથાઓ' અને ‘આપણા લોકઢાળો', મૂળે તો, મેઘાણી શતાબ્દી નિમિત્તે, આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી વાર્તાલાપ તરીકે પ્રસારિત થયા હતા. ‘સોરઠી ગીતકથાઓ : લેખ તો ‘મેઘાણી વિવેચના-સંદોહ' (સં. જયંત કોઠારી)માં સમાવાયો. ‘આપણા લોકઢાળો' ('પરબ' મે/૧૯૯૯) વાંચીને મ.સ. યુનિવર્સિટીના સંગીત વિભાગના પ્રો. રમણલાલ મહેતા ખૂબ રાજી થયા એટલું જ નહીં, પણ ‘આ વિષયમાં ભાગ્યે જ લખાયું છે, વિચારાયું છે' એવી નોંધ સાથે અભિનંદન પાઠવ્યાં.

ગુજરાત સાહિત્ય અકાદમીએ, આ લેખસંગ્રહ પ્રસિદ્ધ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો એ બદલ અકાદમીનો તથા તત્કાલીન મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીનો હૃદયપૂર્વક આભાર માનું છું.

ગુજરાતી સાહિત્ય પરિષદ, આકાશવાણી કેન્દ્ર (રાજકોટ) અને શ્રી એમ. ડી. શાહ મહિલા કૉલેજ, મલાડ (મુંબઈ) : આ સંસ્થાઓએ વક્તવ્યો માટે નિમંત્રણ આપ્યાં; એ કારણે પ્રસ્તારી અભ્યાસલેખોની તક સાંપડી;, આ વિદ્યાયોગ બદલ સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ‘ફા.ગુ.ત્ર., ‘પરબ', ‘શબ્દસૃષ્ટિ', ‘ઉદ્દેશ', ‘બુદ્ધિપ્રકાશ' – આ સામયિકોમાં લેખોને પ્રકાશન માટે પૂરતી જગ્યા મળી. સૌ સામયિકો તથા તંત્રી/સંપાદકો પ્રત્યે પણ આભાર વ્યક્ત કરું છું.

સરસત્તીની આ લોકજાતરામાં કેટલા બધા વિદ્યાશીલ સંભાવિતો અને સન્મિત્રોની, પ્રત્યક્ષ/પરોક્ષ સંગતનો પુણ્યયોગ પમરતો/પ્રસરતો રહ્યો ! આવશ્યક સંદર્ભો, દુષ્પ્રાપ્ય પુસ્તકો, પ્રકીર્ણ સામયિકો ગમે ત્યાંથી ખોળી કાઢીને સુલભ કરી આપનારા જામનગરના સતીશ વ્યાસ ને અનિલ ૨. દ્વિવેદી ઉપરાંત બળવંત જાની, નિરંજન રાજ્યગુરુ, નિસર્ગ આહીર, રવજી રોકડ : આ સૌનું, આ પળે, પ્રેમપૂર્વક નામસ્મરણ કરું છું. બીજું તો શું કહું ? ‘સરસત્તી અમને ત્રૂયાં, એથી અદકાં તમ સૌને ત્રૂઠજો' – એવી બે હાથ જોડીને માતાજીને આરદા ! મારી શબ્દચર્યા પ્રત્યે સમાદર સાચવતા સંભાવિત સર્જકો સર્વશ્રી ચંદ્રકાન્ત ટોપીવાળા, રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ, રાધેશ્યામ શર્મા, હર્ષદ ત્રિવેદી, રાજેન્દ્ર પટેલ, માય ડિયર જયુ, યજ્ઞેશ દવે, રાજેશ પંડ્યા - આ સૌને પણ કૃતજ્ઞતાપૂર્વક સ્મરું છું. વારેવારે અટકી અને આળસી જતી મારી કલમને, સતત ટકોરતા- ટપારતા રહેતા મિત્રો જયદેવ શુક્લ અને મનોજ રાવળ પણ, આ ક્ષણે, ‘મને કેમ વીસરે રે !'

ત્રણેક દાયકા લગી મારી વિવેચના સામયિકોમાં પ્રકીર્ણરૂપે વિચરતી રહી. આ પ્રકીર્ણતાને ‘પુસ્તક'ને ઘાટે થાપવાનું પૂ...હું.. શ્રેય અભિન્ન મિત્ર શિરીષ પંચાલને જ આપું. સાચ વાટીને એ ભેરે ચડ્યા; નિર્વ્યાજ સખ્યપ્રીતિ અને નિર્ભાર સહકારિતાને પ્રતાપે પ્રથમ ‘ફલશ્રુતિ' (૧૯૯૯) અને તે પછી, ‘અંતઃ શ્રુતિ' તથા ‘શબ્દપ્રત્યય' : આ બન્ને પુસ્તકોને પણ ‘સંવાદ' પ્રકાશનનું ઓઢણું મળ્યું. આ પછી જ, ‘બાકીનો સઘળો વિસ્તાર ...' સખ્યની ‘નિર્મળી'ના સહજ વિલાસનું ‘હોવું' એ જ ધન્યતા ! આવરણ શોભન માટે શ્રી જ્યોતિ ભટ્ટનો આભારી છું.

છેલ્લે, લોકસંપદાના ઝાઝેરા જાણતલ ને વડેરા મોભી, સર્વશ્રી કનુભાઈ જાની, નરોત્તમ પલાણ, છેલભાઈ વ્યાસને - પરકમ્માની પરસાદી ‘લોકાનુસંધાન'ની આ સાગમટે ભેટ.

સજની, દીવડો પ્રગટ્યો રે હરિના નામનો !
આજે આનંદ ઓચ્છવ થાય –
પરભુજી પરગટ થિયા !
વ્હાલા પ્રભુજીને પોથીનાં પારણાં,
 રાણી રાધાનો વાણીમાં વાસ !
પરભુજી પરગટ થિયા.

‘લોકાનુસંધાન’ પ્રથમ આવૃત્તિ -૨૦૧૬, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની પ્રસ્તાવના