સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/વિવેચક પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિવેચક પરિચય

ગુજરાતી સાહિત્યજગત વિશ્વનાથ મગનલાલ ભટ્ટને કનૈયાલાલ મુનશીની લોકપ્રિય થયેલી નવલકથાઓ એલેકઝાન્ડર ડુમાના પ્રભાવતળે લખાયેલી એમ સાબિત કરનાર અને રમણલાલ વસંતલાલ દેસાઈને ‘યુગમૂર્તિ વાર્તાકાર’નું બિરુદ આપનાર તરીકે ઓળખે છે. ૨૦/૦૩/૧૮૯૮માં જન્મેલા વિશ્વનાથ ભટ્ટની વિવેચનામાં સત્યપ્રિયતા, નીડરતા, અને સ્પષ્ટભાષિતાનાં દર્શન થાય છે. એમની વિવેચના પંડિતયુગ અને ગાંધીયુગના સાહિત્ય માટે સેતુરૂપ બની રહી. એમણે વિવેચનવિચારને પરિભાષિત કરવા વાસ્તે ક્યારેક દીર્ઘસૂત્રતાનો દોષ વ્હોરીને પણ ઘણા લેખો કર્યા. વિવેચન અંગે જ કુદરતી રીતે વિશેષ પ્રજ્ઞાને કારણે નાની વયે જ આ ક્ષેત્રમાં પદાર્પણ કરે છે. એમનાં આરંભનાં લખાણોએ એ જમાનાના વિદ્વતજનોનું ધ્યાન ખેંચેલું. એમના લેખોની શૈલીમાં દીર્ઘચિંતન અને બહોળા જ્ઞાનને લીધે એ જમાનાના સાક્ષરોએ અનુમાન કરેલું કે આ કોઈ પ્રોઢ કે વયોવૃદ્ધ વ્યક્તિ હશે. આ સંદર્ભે ચંદ્રશંકર પંડ્યા જ્યારે એમને રૂબરૂ મળ્યા ત્યારનો ઉદ્ગાર ધ્યાને લેવા જેવો છે. ‘તમારી ઉંમર હજી નાની છે અને તમે હજુ થોડા જ લેખો લખ્યા છે, છતાં જાણે પૂર્વજન્મથી લખતા આવ્યા હો એવી પકવતા અને પ્રોઢતા તમારાં લખાણોમાં છે.’

આ નૈસર્ગિક શક્તિ વિના શક્ય ન બને. એમના વિવેચનમાં ઊડીને આંખે વળગે એવું તત્ત્વ હોય તો તે છે વિવેચનનો પોતાના મનમાં બંધાયેલો ઉમદા ખ્યાલ. એટલે એમના આ અંગેના કોઈપણ લખાણમાં એ વિવેચકની પાત્રતા, વિવેચકની ફરજ, વિવેચકની પવિત્રતા, વિવેચકનો આદર્શ વિશે સતત લખતા રહ્યા છે. એના પરિણામે વિવેચકની એક સાફસૂથરી છબી આપણી સામે ઊભરી આવી છે. એમનાં લખાણોનાં શીર્ષકો વાંચતાં પણ આ બાબતની પ્રતીતિ થશે. એમનાં લખાણોનો મોટો હિસ્સો આ બાબતો પર પ્રકાશ પાડતો હોવાથી એમનાં લખાણો સિદ્ધાંતચર્ચા સ્વરૂપે આપણી સામે આવે છે.

એમણે પોતાના દરેક લખાણને એક પ્રોજેક્ટ રૂપે સ્વીકારીને લખ્યું હોવાથી સ્પષ્ટતા અને વિશદતા તરત દેખાઈ આવશે. એમણે સિદ્ધાંતલેખો સાથે સાથે જ સમકાલીન સાહિત્યનું અવલોકન-પરીક્ષણ પણ સમાંતરે જ કર્યું હોવાથી એમની સિદ્ધાંતવિચારણાને આધાર સાંપડ્યો છે. આ સંદર્ભે એમના ‘પંડિતયુગ’, ‘યુગમૂર્તિ વાર્તાકાર’, ‘દલપતની છબી’, ‘આપણું નિબંધસાહિત્ય’ વગેરે લેખો જોઈ શકાય. આ વિવેચકનું ૨૭/0૧/૧૯૬૮ના રોજ અવસાન થયેલું.

--પ્રવીણ કુકડિયા