સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/વિશ્વનાથ મ. ભટ્ટની વિવેચના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિશ્વનાથ મ. ભટ્ટની વિવેચના

વિશ્વનાથ મગનલાલ ભટ્ટનો જન્મ ભાવનગરના ઉમરાળામાં તા. ૨૦/૦૩/૧૮૯૮ના રોજ થયો હતો. પિતા મગનલાલ ભટ્ટ ધીર ઉદાર, શાંત, એકાંતપ્રિય અને સાત્વિક પ્રકૃતિના હતા, આ ગુણો એમને વારસામાં મળેલા. એમની એકાંતપ્રિય અને અંતરમુખી પ્રકૃતિ એમને અભ્યાસકાળ દરમિયાન જ સાહિત્ય તરફ દોરી ગઈ. એટલે નાની ઉંમરે જ એમણે સાહિત્યવિષયક લેખો લખી એ વખતનાં પ્રસિદ્ધ સામયિકોમાં પ્રસિદ્ધ કરવા માંડ્યા. એ જમાનાના ‘વસંત’ સામયિકમાં એમના વિવેચન લેખો પ્રસિદ્ધ થતા હતા, એવામાં એના તંત્રી આચાર્ય આનંદશંકર ધ્રુવને અમુક લેખ રૂબરૂ આપવા ગયા ત્યારે એમણે વિશ્વનાથને કંઈક નવાઈ સાથે પૂછેલું ‘તમે જ વિશ્વનાથ?’ આમ પોતાની વય કરતાં એમનાં લખાણોની પ્રોઢીએ એ જમાનાના સાક્ષરોનું ધ્યાન ખેચેલું. આવું ક્યારે બને? તો જ્યારે એક તો પ્રકૃતિદત્ત પ્રતિભા હોય અને સાથે સાથે એને અનુરૂપ મહેનત ખંત હોય. આ કાબેલિયત વિશ્વનાથમાં હોવાથી એમના દ્વારા સીમાચિહ્ન રૂપ વિવેચન આપણને પ્રાપ્ત થઈ શક્યું. અલબત આજથી પચાસ વર્ષ પહેલા પ્રગટ થયેલા એમના વિવેચનગ્રંથો અત્યારે અપ્રાપ્ય છે ત્યારે મેં અહીં પસંદ કરેલા મોટા ભાગના લેખો યશવંત શુક્લ અને સાવિત્રી ભટ્ટ દ્વારા સંપાદિત થયેલા ‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ (ગુજરાત સાહિત્ય અકાદમી–ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ-૨૦૦૦)માંથી લીધા છે. બાકીના એમના એક વિવેચનસંગ્રહ ‘વિવેચનકલા’ (પ્રકા. પોતે, પ્રથમ આવૃત્તિ-૧૯૮૬)માંથી લીધા છે. એમના પ્રદાનની ખાસિયતને અધોરેખિત કરતા રમણ સોની એમના સુદીર્ઘ લેખ ‘ગાંધીયુગના છ વિશિષ્ટ વિવેચકો’માં વિશ્વનાથ વિશેના લખાણનો આરંભ આમ કરે છે. ‘સાહિત્યના સૌન્દર્યદર્શન તેમજ સત્યદર્શનના આગ્રહ સાથે, ઊર્મિપ્રણિત પણ ગૌરવયુક્ત શૈલીમાં સમગ્રલક્ષી અને સુદીર્ઘ અભ્યાસલેખો આપનાર તથા એક ઉન્નત મૂલ્યવાળી ને સ્વાયત્ત કલાપ્રવૃત્તિ તરીકે વિવેચનનો મહિમા કરનાર વિવેચક તરીકે વિશ્વનાથ ભટ્ટની વિલક્ષણ છાપ ઉપસેલી છે.’ (વિવેચનસંદર્ભ પૃ. ૪૫) એમના વિવેચનલેખો વિષયની ઘનતા પ્રમાણે લાંબા અને ટૂંકા છે. તેમ છતાં એમના વિવેચનમાં દીર્ઘસૂત્રતાનો અનુભવ ભાગ્યે જ થશે. ‘વિવેચન મુકુર’ જેવા સાવ ટૂંકા લેખમાં પણ એમનો વિષયવ્યાપ પહોળો જ રહે છે. આ લેખમાં આરંભે વેદાંતદર્શનમાં વર્ણવેલ આત્મદર્શનની થીયરીનો સંદર્ભ માણસમાત્રને કઈ રીતે પોતાના રોજિંદા વ્યવહારમાં ઉપયોગી થાય છે એની વાત મૂકી સાહિત્યમાં વિવેચને યથાર્થદર્શી બનાવવા માટે મુકુર (અરીસા)ની ભૂમિકા ભજવવાની છે. જેવું છે તેવું કહેવું એ વિવેચનની પહેલી ફરજ છે એમ તે ભારપૂર્વક માને છે, અને પ્રતિપાદિત પણ કરી બતાવે છે. ઉપરાંત સર્જકો ભલે વિવેચનને ન ગણકારે તો પણ એને આ વિવેચનમુકુરમાં પોતાનું પ્રતિબિંબ જોઈને જ પોતાની ક્ષમતાનો સાચો અંદાજ મેળવવાનો છે એમ કહી વિવેચકની મહત્તાયે બતાવી આપે છે. અહીં પસંદ કરેલો પહેલો લેખ ‘વિવેચનકલા’ વિવેચનને કલાનો દરજ્જો આપવા સુધીની વાત પૂરાં પ્રમાણો સાથે કરે છે. સારાસારનું પૃથક્કરણ કરવું, ગુણદોષ વચ્ચે વિવેક કરવો, સાહિત્યકૃતિના ગુણદોષનો નિર્ણય કરવો એટલે વિવેચનકલા. એવી રીતે વિવેચનને વ્યાખ્યાયિત કરતાં વિશ્વનાથ આ બધાં પાસાંનું આલોચક દૃષ્ટિએ નિરીક્ષણ કરવાનું કહે છે પણ એ પહેલા કૃતિનું સૌન્દર્યદર્શન કરવાનું સ્વીકારે છે. વિવેચકે તો આજીવન સૌન્દર્યશોધક અને સત્યભક્ત બનવાનું છે. એવું ભારપૂર્વક એ જણાવે છે. ‘વિવેચનનો આદર્શ’ નામના એમના વિવેચકની પાત્રતા અંગે મીમાંસા કરતા લેખમાં એ વેદાન્તમાં વર્ણવેલ મનુષ્યજીવનના પાંચ કોશોને આધારે વિવેચકના ત્રણ કોશ ગણાવે છે. તેમાં પહેલો રસમય કોશ તે એની આ સૌન્દર્યભક્તિ છે, તો બીજો જ્ઞાનમય કોશ તે એની વિદ્વત્તા છે. અને ત્રીજો એની ઉદ્યમશીલતા છે. કવિ માટે એવું કહેવાય છે કે એક ટકો પ્રતિભા અને નવ્વાણું ટકા પરિશ્રમ આ વાત વિશ્વનાથ વિવેચકને ‘એક ટકો રસિકતા ને નવ્વાણુ ટકા પરિશ્રમલબ્ધ વિદ્વત્તા’ લાગુ પાડે છે. એમણે એમના જમાનામાં વિવેચક માટે પ્રચલિત ‘સર્જનમાં નિષ્ફળ જાય એ વિવેચક બને’ એ માન્યતાનો જોરદાર પ્રતિવાદ કરી વિવેચકનું સ્થાન ઉચ્ચ દરજ્જે લઈ જતાં જેનામાં સર્જકના ગુણો તો હોય જ વધારામાં તોલનદૃષ્ટિ જેવા બીજા ગુણો પણ હોય તે વિવેચક બની શકે એવું કહી વિવેચકની ઉદ્યમશીલતાને તારસ્વરે અધોરેખિત કરી બતાવતાં નોંધે છે : ‘વાચનથી થાકતો હોય, વાચનથી શરમાતો હોય, વાચનને માટે અવકાશ ન મેળવી શકતો હોય એણે વિવેચનમાં ન પડવું. ગુજરાતમાં વિવેચકોની પુષ્કળ જરૂર છે, છતાં એ ક્ષેત્રમાં બહુ થોડા પડે છે તેનું કારણ જ આ છે કે એમાં સખત મહેનત કરવાની ને જીવનનાં સામાન્ય પ્રલોભનોથી પર બનીને એક પ્રકારનું તપસ્વી જીવન ગાળવાનું છે.’(વિવેચનકલા પૃ. ૫૫) જોઈ શકાશે કે આ વાત આજથી અઠ્યાસી વર્ષ પહેલાની છે તેમ છતાં આજના ગુજરાતી સાહિત્યવિવેચનને વધારે લાગુ પડે છે. આ જ લેખમાં એ લંબાણથી વિવેચકનાં ચાર લક્ષણો- અઠંગ સત્યનિષ્ઠા, સ્વાતંત્ર્ય બુદ્ધિ, તાટષ્થ્ય અને સમભાવ ગણાવે છે. વિશ્વનાથ ભટ્ટના મતે વિવેચનમાં પ્રવૃત્ત થનારે પ્રથમ સૌન્દર્યદર્શી બનવાનું છે. પછી સાહિત્યનું વિવેચન અને મૂલ્યાંકન કરવાનું છે, એ એમનું વિવેચન અંગેનું પહેલું મંતવ્ય છે. આ ઉપરાંત તેઓ કૃતિનું સૌન્દર્યદર્શી આકલન કર્યા બાદ કડક આલોચના કરવાના મતના પણ છે. એમનો મુખ્ય ધ્યેય સાહિત્ય વિવેચનને વધુમાં વધુ ખોલી આપવાનો છે. એ વિવેચનની ગલીકૂચીઓને વધારેમાં વધારે ઉજાળી આપવાનો પ્રયત્ન કરે છે, એ માટે ક્યારેક જરૂર જણાય તો ઉદાહરણો અને રૂપકોનો સહારો લઈ વાતને સ્પષ્ટ કરવાનો ઉદ્યમ કરતા રહે છે. વિવેચકે તપાસવા હાથ લીધેલી કૃતિને કેવી રીતે-ભાતે તપાસવાની છે એની એક રૂપરેખા દોરી આપે છે અને વિવેચકે કરવાનાં કાર્યોને આ રીતે સ્પષ્ટ કરી આપે છે. ‘અર્થદર્શનની પ્રવૃત્તિમાં પણ એણે પોતાની સમક્ષ આવી પડેલા પુસ્તકના હાર્દમાં ઊંડે ઉતરીને પ્રવેશ કરવો પડશે; એના સૌન્દર્યને અને સામર્થ્યના તાત્વિક ગુણો છુટા પાડીને બતાવવા પડશે; એમાં કેટલું અલ્પકાલીન અને કેટલું દીર્ઘકાલીન મહત્ત્વનું તેનો વિવેક કરી દેખાડવો પડશે; પૃથક્કરણ કરીને કરીને એનું રહસ્ય સ્પષ્ટ રીતે વ્યક્ત કરી આપવું પડશે; અને એ પુસ્તકના કલાવિધાનની પરીક્ષા કરીને એની રચનામાં એના કર્તાના કલા અને નીતિવિષયક જે જે સિદ્ધાંતો જ્ઞાત કે અજ્ઞાત રીતે પ્રેરક અને નિયામક બન્યા હોય તે સ્પષ્ટ કરી કરીને તારવી આપવા પડશે તેમ એ વિષે વિશેષ દ્યોતક પ્રકાશ પણ ફેંકવો પડશે. એ લેખકની કૃતિમાં જે કંઈ કેવળ ગર્ભિત કે સૂચિત રહેલું હશે તે તેણે સ્ફૂટ કરી આપવું પડશે.’ જોઈ શકાશે કે અહીં અલબત થોડું લંબાણ વ્હોરીને પણ એમણે ઊભો કરેલો એક એક મુદ્દો વિવેચકની એક પ્રકારની કાર્યસંહિતા નક્કી કરી આપે છે. ક્યારેક એણે કરેલી વિવેચન વિષયક મૌલિક વિચારણાએ એ જમાનામાં સાહિત્યજગતમાં ભારે ચર્ચા જગાવેલી. એ રીતે એ સમયે ગુજરાતી વિવેચનજગતનાં થંભ થયેલાં જળને એણે વહેતાં રાખવાનો પ્રયત્ન કરેલો. આ અંગે રમણ સોની એમની વિવેચનપ્રવૃત્તિનું મૂલ્યાંકન કરતાં નોંધે છે : ‘એક તરફ સર્જનને પ્રેરક બનવવામાં અને સર્જકને સજ્જ કરવામાં તો બીજી તરફ વાચકની રસવૃત્તિનું સંવર્ધન કરવામાં, એને સાહિત્યાભિમૂખ કરવામાં, ને એમ સાહિત્યની ઉન્નતિ કરવામાં એમણે વિવેચકનો ધર્મ અને ‘વિવેચનની અગત્ય’ જોયાં છે.’ (વિવેચનસંદર્ભ પૃ. ૪૭) ‘વિવેચનની અગત્ય’ નામના અહીં આરંભે સમાવેલા અને અને એમના પહેલા અને પ્રમાણમાં પ્રલંબ વિવેચનલેખમાં એમણે એ જમાનામાં નવીન કહેવાય તેવી કૃતિઅવલોકનની તરકીબો બતાવી છે. આ લેખમાં એમણે વિવેચકને સાહિત્યબાગના માળીનું રૂપક યોજીને વિવેચકના કાર્યને અધોરેખિત કરી, આવા કાર્યની જરૂરિયાત અને એના ઉપયોજનને બતાવી આપ્યું છે. અહીં આરંભે સમાવેલા લેખો એમની સિદ્ધાંતવિચારણાને તાકે છે. ‘વિવેચનકલા’ નામના લેખમાં એમને સાહિત્યના ઉત્કર્ષમાં અને નિયમનમાં વિવેચકની કેવી ભૂમિકા છે એ તારસ્વરે બતાવી આપ્યું છે. એમને મન વિવેચકનું સ્થાન સર્જક કરતાં ઊતરતું નહીં પણ સમોવડ છે, આદર્શ વિવેચક કવિ જેવો જ સર્જનશીલ કલાકાર છે. નરસિંહરાવના કથન ‘સર્જક અને વિવેચક બંને જોડિયા ભાઈઓ જ છે’નો હવાલો આપી ‘વિવેચક જાણે કોઈ જુદાં જ જગતનું પ્રાણી હોય તેમ આપણે એને લાંબા સમયથી ઉતારી પાડ્યો છે તે હવે ચાલી શકે તેમ નથી.’ એમ કહી વિવેચકનું બહુમાન કરીને તેની ફરજનું ભાન કરાવતા લખે છે ‘વિવેચકે પોતાની સૌન્દર્યદૃષ્ટિ, જ્ઞાનદૃષ્ટિ અને ન્યાયદૃષ્ટિને વફાદાર રહેવાનું છે. પોતાનું કાર્ય નિષ્પક્ષપાતપણે થઈ શકે એ માટે વિવેચકે સર્જનમાં પડવું જ ન જોઈએ, કાંઠે ઊભા રહીને સૌના સર્જનનું અલિપ્તવૃત્તિથી નિરીક્ષણ કરતાં રહેવું તે એને માટે ઉત્તમ માર્ગ છે.’ એમની આ વાત પણ ગુજરાતી સાહિત્યની સાંપ્રત પરિસ્થિતિને બરાબર લાગુ પડે છે, બલકે અત્યારે વધારે લાગુ પડે છે એમ કહી શકાય. કારણ કે આજે ગુજરાતી સાહિત્યમાં માત્ર ને માત્ર વિવેચનને જ સમર્પિત કેટલા વિદ્વાનો છે આપણી પાસે? ‘શીલ અને સાહિત્ય’ લેખમાં સર્જકમાં ઉમદા શીલ ન હોય તો એમનાથી ઉમદા સાહિત્યનું સર્જન ન થાય એ વાત સ્થાપિત કરવા માટે એઓ પૂર્વ અને પશ્વિમના ફિલસૂફોની વિચારણાને સામે રાખીને ‘કૂવામાં હોય તો હવાડામાં આવે અને જેવું કૂવામાં હોય તેવું હવાડામાં આવે’ એ કહેવતનું જાણે સમર્થન કરતાં હોય તેમ જેવું શીલ તેવું સાહિત્ય કહીને સાહિત્યસર્જનમાં આ બાબત કેવી મહત્ત્વની ભૂમિકામાં હોય છે એનો ખ્યાલ ગુજરાતી સાહિત્યમાંથી અનેક દૃષ્ટાંતો આપીને કરે છે. ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય’ એ પશ્વિમના વિચારકો દ્વારા ક્લાસિક અને રોમાન્ટિકનું ગુજરાતી છે. અહીં આ બે પ્રકારની શૈલીના સર્જકોના સાહિત્યઅભિગમને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે. આ બંને પ્રકારની શૈલીનું ઉપયોજન સર્જક જ્યારે દેખાડાખાતર કરે ત્યારે એનું સર્જન બેહૂદુ બની રહે છે. ‘પંડિતયુગ’ નામના પ્રલંબ લેખમાં સુધારકયુગ અને પંડિતયુગના વિદ્વાનોની અનુક્રમે અંગ્રેજીભક્તિ અને સંસ્કૃતભક્તિની અસર જે તે યુગના સાહિત્ય પર કેવી પડી એની અસરોનો અભ્યાસ કરી પંડિતયુગના સાહિત્યની મૂલવણી કરી છે. અહીં એમના પુસ્તક ‘વિવેચનકલા’માંથી થોડાક પ્રમાણમાં નાના લેખો સમાવ્યા છે. લઘુ લેખોમાં પણ એમની વિવેચનરીતિનો પરિચય કરી શકાય છે. ‘પ્રાંશુલભ્ય ફલ’, ‘દક્ષ અને મનસ્વી’, ‘આપણી કૂપમંડૂકતા’, ‘મિશનરી અને મર્સિનરી’ વગરે લેખો કોઈને કોઈ નિમિત્તે લખાયેલા પ્રાસંગિક સિદ્ધાંતલેખો છે. અહીં ટૂંકા પન્નામાં પણ એમણે ચર્ચ્ય વિષયને બરાબર ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. દા. ત. ‘દક્ષ અને મનસ્વી’ નામના લેખમાં એમણે બે પ્રકારની પ્રકૃતિવાળા-દક્ષ એટલે પાકાઈ કરીને પોતાનું કદ વધારી ચાતુરીપૂર્વક પોતાના મનસૂબા પાર પાડનારા અને મનસ્વી એટલે પોતાના કાર્ય દ્વારા દાઢમાં રાખેલા સાહિત્યકારની કૃતિનું પોતાનું હિત સાધવા હિનીકરણ કે ઉર્ધ્વીકરણ કરનારા વિવેચક. આ બન્ને પ્રકૃતિના વિવેચક સાહિત્યનું સરવાળે અહિત જ કરે છે, એવું એમનું ગૃહીત છે. વિશ્વનાથ ભટ્ટે સિદ્ધાંતવિચારણા ઉપરાંત પ્રવાહદર્શન અને સર્જકલક્ષી સઘન અભ્યાસો પણ સમયાંતરે હાથ ધર્યા છે. ઝવેરચંદ મેઘાણીએ વિશ્વનાથ ભટ્ટના વિવેચનને એકલક્ષી અને સાંપ્રત સાહિત્ય પ્રત્યે દુર્લક્ષ સેવનારૂ કહ્યું પછી તો એમણે સમકાલીન સાહિત્યના વિવેચનની મુશ્કેલીઓ પૂરાં પ્રમાણો સાથે ‘સમકાલીન સાહિત્યનું વિવેચન’ લેખમાં બતાવી આપી છે. તેમ છતાં પછી આ વિવેચકે એક પ્રોજેક્ટ સ્વરૂપે જીવનનાં બાકીનાં વર્ષોમાં મેઘાણીની આ ટકોરને યાદ રાખી સર્જકલક્ષી અને પ્રવાહદર્શન ઉપરાંત કૃતિલક્ષી સઘન અભ્યાસો આપ્યા. આ સંદર્ભે એમની સાહિત્યસાધનાના સાક્ષી રહેલાં એમનાં પુત્રી સાવિત્રી ભટ્ટ નોંધે છે : ‘એમનો એ અફર સિદ્ધાંત હતો કે સાહિત્યના કોઈપણ વિષય પર લખવાનું પોતે સ્વીકારે તો તે વિષયનો અશેષ અભ્યાસ સહુપ્રથમ કરે જ. નાનામાં નાના લેખકનું લખાણ પણ અવશ્ય જોઈ જાય. એક ન્યાયધીશની જેમ એ મુદ્દાને લગતી બંને બાજુથી પૂરેપૂરા પરિચિત બનીને, તેમજ એ વિષયમાં તન્મય બનીને એની ચિંતનસમાધિ ચડે અને દિવસના ચોવીસે કલાક એ સિવાય બીજી કોઈ બાબત વિષે વિચાર જ ન આવે. એવી રીતે એ વિષયથી એમનું મન પૂરેપૂરું ભરાઈને તલ્લીન બની જાય ત્યારે જ કલામ ઉપાડવાનો એમનો સામાન્ય નિયમ હતો.’(વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહની પ્રસ્તાવના પૃ. iii) ‘નંદશંકરની નવલકથા’, ‘નર્મદનું કાવ્યમન્દિર’ અને ‘પંડિતયુગનું મહાકાવ્ય’ અહીં સાથે સમાવેલા આ ત્રણ પ્રલંબ લેખો સુધારકયુગ અને પંડિતયુગની પ્રતિનિધિ કૃતિઓનાં સમગ્રલક્ષી અવલોકનો છે. પહેલા લેખમાં ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા નંદશંકર તુરજાશંકર મહેતાકૃત ‘કરણઘેલો’ને માત્ર ગુજરાતની જ નહીં ભારતની પણ સામર્થ્યવાન નવલકથા ગણાવી છે. આ નવલકથામાં નંદશંકર એ સમયગાળાના સુરતી લોકોની નીતિરીતિનું આબેહૂબ પ્રતિબિંબ ઝીલી બતાવ્યું છે એનું લંબાણથી આકલન કરી બતાવ્યું છે. પછીના બે લેખોમાં અનુક્રમે નર્મદનાં કાવ્યો અને ‘સરસ્વતીચંદ્ર’ની સર્વગ્રાહી વિવેચના છે. વીસમી સદીના ચોથા દાયકામાં મુનશીની નવલકથાઓના જુવાળમાં ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાની લોકપ્રિયતાનાં નીર ઓસરવા લાગ્યાં હતાં, બરાબર ત્યારે વિશ્વનાથે આ નવલકથાને ‘પંડિતયુગનું મહાકાવ્ય’ ગણાવીને એનું અભિનવરસદર્શન કરાવીને એની પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના કરી આપેલ. ઘણા પ્રયત્નો કરવા છતાં એમનો પ્રસિદ્ધ લેખ ‘સાહિત્યમાં અપહરણ’ ન મળ્યો. જેમાં એણે મુનશીની નવલકથાઓ પર એલેકઝાન્ડર ડૂમાના સ્પષ્ટ પ્રભાવને પૂરાં પ્રમાણો આપીને સાબિત કરી બતાવ્યો હતો, પરિણામે મુનશીને પણ એ વાત સ્વીકારવા મજબૂર થવું પડ્યું હતું. અને ‘યુગમૂર્તિ વાર્તાકાર’ નામનો લેખ જેમાં એમણે ર. વ. દેસાઈને યુગમૂર્તિ વાર્તાકાર કહીને એમની વાર્તાઓની આલોચકદૃષ્ટિએ વિવેચના કરી બતાવી. અલબત વિશ્વનાથ ભટ્ટના આ બે લેખોએ ગુજરાતી વિવેચનસાહિત્યમાં ખાસ ધ્યાન ખેચ્યું, અને એ જમાનાના વિદ્વાનોએ એમની વિવેચનાને વિશેષ મહત્તાથી સ્વીકારી. આ જમનાના ગુજરાતી સાહિત્યના વિવેચક વિજયરાય વૈદ્ય એમના ‘સાહિત્યસમીક્ષા’ પુસ્તકના લેખો સંદર્ભે લખે છે : ‘તેમાંના ચૌદ નિબંધ જેવા જ એ જ વિષયો પરના એક જ વિવેચકનાં ચૌદ રત્નો ગયાં નેવુંએ વર્ષના વિવેચનવાંગ્મયમાં છે નહીં અને હોય તો મેં જોયાં નથી. જેને દેખાતા હોત તે બતાવે.’ એમણે ‘આપણું નિબંધસાહિત્ય’ અને ‘તેત્રીસના પાંચ વિવેચનગ્રંથો’ આ બે લેખોમાં અનુક્રમે નિબંધ અને વિવેચનનું સમયદર્શી પ્રવાહદર્શન છે. પહેલો લેખ ‘નિબંધમાલા’ નામના એમના સંપાદનનો ઉપોદ્ઘાત છે. દલપતરામથી લઈ લીલાવતી મુનશી સુધીના સુધારકયુગથી લઈ ગાંધીયુગ સુધીની નિબંધની સફરને એમણે આલેખી આપી છે. આમ વિશ્વનાથ મ. ભટ્ટે પોતાની વિવેચનામાં સિદ્ધાંતલેખો, પ્રવાહદર્શન અને કૃતિસમીક્ષા એમ ત્રિવિધ વિવેચનનાં પાસાંને બરાબર ન્યાય આપ્યો છે.

--પ્રવીણ કુકડિયા