સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/હિન્દ સ્વરાજ (ગાંધીજી)
હિન્દ સ્વરાજ (ગાંધીજી)
હજુ ગઈ કાલે તો ગુજરાતમાં - ગુજરાતી કળાસાહિત્યજગતમાં આધુનિકતાના પ્રશ્નો ચર્ચાતા-વિચાચતા હતા, અને ત્યાં અનુઆધુનિકતા વીસમી સદીના અન્તિમ વરસોમાં પ્રગટી ઊઠી; વીસમી સદીના અન્તે અને એકવીસમી સદીના આરંભે દુનિયા અધ્ધર શ્વાસે જીવી રહી હતી. ૧૯૯૯માંથી ૨૦૦૦નું વરસ આવશે ત્યારે કમ્પ્યૂટરોનું શું થશે એ પ્રશ્ન ચારે બાજુ પૂછાઈ રહ્યો હતો. એક કાળે ઇંગ્લેંડને સંસ્કૃતિની ચિન્તા ન હતી, કોલસો ખલાસ થઈ જરો તો શું થશે એની ચિન્તા ઊંચા જીવે ટ્રેઝરીના સભ્યો કરી રહ્યા હતા અને મેથ્યૂ આર્નલ્ડે તેની આકરી ટીકા કરી હતી. ઔદ્યોગિક ક્રાન્તિ પૂર્વેનો સમાજ માનવશ્રમ ઉપર ભાર મૂકતો હતો, પરિણામે ગામડું સ્વાવલંબી હતું; ‘ત્યારે કરીશું શું? કે ‘સર્વોદય’ની વાતો કોઈને કરવી પડતી ન હતી; હા—ત્યારે ય અન્યાયો હતા, શોષણો હતાં, જુલમોય હતાં; પણ ખેતી ટકી રહી હતી, કળાકારીગરી ટકી રહી હતી. સામાન્ય રીતે હિંદુસ્તાનને લૂંટનારા વિધર્મીઓને આપણે ભાંડતા આવ્યા છીએ, પણ મુસ્લિમ સલ્તનત અને અંગ્રેજ (અથવા યુરોપીઅન) સલ્તનત વચ્ચે ભેદ પાડવો પડે. મુસ્લિમ સલ્તનત સાથે સંકળાયેલા વિધર્મી પરદેશી રહ્યા ન હતા, તેઓ સ્વદેશી બની ગયા, ભારતમાં ભળી ગયા અને ભારતીય સંસ્કૃતિ વધારે ભાતીગળ બની, પણ અંગ્રેજ શાસકો હંમેશાં પરદેશી રહ્યા. આપણે ત્યાં જ નહીં-સમગ્ર ધરતી પર; અને એને પરિણામે ગરીબ દેશની સમૃદ્ધિ પોતાને ત્યાં ઠાલવતા જ રહ્યા. યુર૫ની અને યુરપથી અમેરિકા જઈ પહોંચેલી ગોરી પ્રજાએ સ્થાનિક આદિવાસીઓ ઉપર જુલમ ગુજાર્યો; અઢારમી સદીના અને ઓગણીસમી સદીના એ જુલમોનો વિરોધ થયો ન હતો. કાળી પ્રજાની એ કતલેઆમને ભણેલા વર્ગે સાવ ઠંડે કલેજે સ્વીકારી લીધી હતી, કારણકે તેમને મન કાળી ચામડી ધરવાનારાઓ ‘મનુષ્ય’ ન હતા. દક્ષિણ આફ્રિકા જઈ પહોંચેલા મોહનદાસ ગાંધીને ગોરાઓએ ટ્રેનની બહાર ફેંક્યા - આ ઘટનાએ બેરિસ્ટર બનેલા ગાંધીજીને ફરી વિચારતા કરી મૂક્યા. ઘરઆંગણે શુદ્ર જાતિના લોકો સાથેનો ભદ્ર વર્ગનો વ્યવહાર એવો જ ન હતો? પાછળથી પ્રભુદાસ ગાંધી પણ ‘જીવનનું પરોઢ’માં આ વાત ફરી ઉચ્ચારે છે. વાત હિંદ સ્વરાજ્યની હોય કે ગ્રામ સ્વરાજ્યની હોય કે પછી એથી આગળ જઈને વિશ્વ સ્વરાજ્યની હોય, શૈદ્ધાન્તિક પ્રશ્નો તો લગભગ સરખા જ હોવાના. બીજાનું સ્વરાજ કે બીજાની સ્વતંત્રતા ઝૂંટવીને આપણાં સ્વરાજ કે સ્વતંત્રતા ઊભાં કરી શકાતાં નથી. યંત્રમાનવે બીજાઓના સ્વરાજ ઝૂંટવી ઝૂંટવીને કેટલાક લોકોને સામાજ્યો ઊભાં કરવા દીધાં. ગાંધીજી જ આ દિશામાં વિચારનારા પહેલવારકા હતા એમ તો ન કહી શકાય. હિંદ સ્વરાજમાં રોમેશચંદ્ર દત્તના ધ ઇકનોમિક હિસ્ટરી ઓફ ઇન્ડિયા’નો ઉલ્લેખ છે. પણ હરગોવિંદદાસ કાંટાવાળાના અસામાન્ય ગ્રન્થ દેશી કારીગરીને ઉત્તેજન’નો નિર્દેશ મળતો નથી; હજુ આગળ જઈએ; ગાંધીજી જેના પરિચયમાં આવ્યા ન હતા, જો આવ્યા હોત તો એ ચિત્રકાર/કવિનું નામ અતિખ્યાત બની ગયું હોત— એ હતા ઇંગ્લેંડના સર્જક વિલિયમ બ્લેક (૧૭૫૭-૧૮૨૭). તે પણ માનવ આત્માને તેના પાર્થિવ સન્દર્ભોથી મુક્ત કરવા માગતા હતા; તેઓ ઇન્દ્રિયોના પ્રબળ રાગમાંથી માનવને મુક્ત કરાવી સંયમ, તપનો મહિમા કરવા માગતા હતા. વિલિયમ બ્લેકને કેટલાક મહત્ત્વના સાથીઓ મળ્યા હતા તેમાં પત્રકાર ટોમસ પેઈનનો સમાવેશ થાય છે, એણે એક વિખ્યાત પત્રિકા પ્રગટ કરી—ધ રાઈટ્સ ઑવ્ મેન’, (૧૭૯૧) અહીં એણે સૂત્ર આપ્યું: ‘All men are born equal.’ પાછળથી તેને પણ કારાવાસની સજા થઈ હતી પણ એ પહેલાં તે ભાગી ગયા. વિલિયમ બ્લેકે અને બીજાઓએ હિંસાનાં ભૂંડાં પ્રદર્શનો જોયાં હતાં. ઈ.સ. ૧૮૦૪માં બ્લેકે એક અસામાન્ય બરની કવિતા લખી હતી, આ કવિતાનું તથા ગાંધીવિચારસરણીનું હાર્દ એક સમાન હતું:
Dark Satanic mills
And did those feet in ancient time,
walk upon England’s mountains green:
And was the holy lamb of God
On England’s pleasant pasture’s seen!
And did the countenance Divine
shine forth upon our clouded hills ?
And was Jerusalem builded here
Among these dark Satanic Mills ?
Bring me my bow of burning gold:
Bring me my arrows of desire:
Bring me my spear: O Clouds unfold:
Bring me my chariot of fire:
I will not cease from Mental Fight.
Nor shall my Sword Sleep in my hand:
till we have built Jerusalem,
In England’s green and pleasant land.
એ જ રીતે શેલી (૧૭૯૨-૧૮૨૨)એ ‘Masks of Anarchy’માં કહ્યું:
Rise like lions after slumber
In unvanquishable number
Shake your chains to earth like dew
which in sleep had fallen on you
ye are many -they are few.
ગાંધીજીના વિચારજગતમાં કેન્દ્રસ્થાને છે સત્ય અને અહિંસા, અને આ મૂલ્યો પરંપરાથી ચાલી આવેલાં છે. રોમાં રોલાંએ આનન્દકુમાર સ્વામીના મન્થ ધ ડાન્સ ઑવુ શિવ’ની પ્રસ્તાવનામાં આ મૂલ્યોને કારણે ભારત જેવા દેશની સમૃદ્ધિની ભારે પ્રશંસા કરી હતી. તે સમયે જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેંડ જેવા દેશો ભારતીય સંસ્કૃતિના પ્રશંસકો બની રહ્યા હતા, કેટલાકને ડર લાગવા માંડ્યો હતો કે યુરપ એશિયા તો બની નહીં જાય ને! પણ આ ચિંતકે એક ચેતવણી આપી હતી કે આપણે તેને એટલે કે એશિયાને યુરપમાં રૂપાન્તરિત કરવાની ઇચ્છા રાખવી નહીં. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખું જગત અમેરિકન બનવા જઈ રહ્યું છે. ગાંધીજીએ નગર સંસ્કૃતિના ગ્રાહમાંથી ભારતીય ગ્રામજીવનને બચાવવાની વાત પર ભાર મૂક્યો હતો. તેમણે પરંપરાથી ચાલી આવેલા ગૃહઉદ્યોગોને ટકાવવાની, વિસ્તારવાની વાત કરી હતી, યંત્રનાં બધાં દૂષણોથી દૂર રહેલા રેંટિયાની વાત કરી હતી, ગુજરાતી ભાષામાં તો કેટલાય દાયકાઓથી કહેવત ચાલી આવી છે. બાપના રાજમાં ન સમાય પણ માના રેંટિયામાં સમાય આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ વિચાર કળાવિદ્ આનંદકુમાર સ્વામીમાંથી આપણને મળી રહે છે.
આમ બધી જ દિશાઓ ધૂંધળી ધૂંધળી થઈ ગઈ છે. અને આપણા જીવનની ઘેરી અરાજકતા ચારે બાજુએ પ્રગટેલી છે. અખંડ કે પૂર્ણ સંવાદી એવા માનવીની વાત કરતી કોઈ કળા કે પુનર્ગઠનનું પ્રમાણ કે જીવનની કોઈ નિશાની તરફ આંગળી ચીંધી શકીએ છીએ ખરા? પરંપરા અને શાસ્ત્રમાંથી જો આપણે આધાર લેવા માગીએ તો ઉત્તર હકારમાં મળશે. (એ આધાર છે) ખાદીનો ગૃહઉદ્યોગ કંઈ કેટલાય સમયથી ચાલી આવતી પ્રવૃત્તિ અને છતાં આપણા અનુભવજગત માટે નવી. આપણા વર્તમાન સન્દર્ભમાં જે માનવમૂલ્યોની વાત કરીએ છીએ તેને લગતા બધા ઉત્તરો આ ખાદીવણાટકળામાંથી મળી રહે છે. આપણા વ્યવહારજગતમાં તે આપણી જરૂરિયાતો માટેનો એક ઉત્તર છે, સાથે સાથે નરી સરળતા માટેની આપણી ઉપાસના છે. આ ખાદી તરફ આપણે આપણી કેળવાયેલી રુચિ દ્વારા નથી ફંટાયા, સાથે સાથે આ કોઈ બાહ્ય રીતે લાદવામાં આવેલી વાત પણ નથી. આચારવિચારની સાદગી દ્વારા જ માનવી દૈવી ‘સાદગી’નું અનુકરણ કરી શકશે. હવે આપણને સમજાય છે કે આ સિવાય આપણી જાતને સિદ્ધ કરી શકવાના જ ન હતા. ભભકદાર પોશાકોમાં મહાલવું એ માત્ર નકારાત્મક અર્થશાસ્ત્ર’ જ નથી, એ અપરુચિ પણ છે.
Selected papers of A. Coonerswamy
Ed. Roger Lipsey)
‘હિન્દ સ્વરાજ’માં તથા અન્યત્ર આવા ‘નકારાત્મક અર્થશાસ્ત્ર’ના વિકલ્પે ગાંધીજીએ ઘણી બધી ચર્ચાઓ કરી છે. વિશાળ ભૂમિખંડ અને વિશાળ જનસંખ્યા ધરાવતી ભૂમિકા તથા વિશાળ ભૂમિખંડ અને અલ્પ જનસંખ્યા ધરાવતી ભૂમિકા –બંનેની મૂળભૂત જરૂરિયાતો જુદી જુદી; એમાં ગામડાના છેક છેવાડાના માણસને સ્વમાનભેર રોજી આપી શકતી ખાદી, દેશી હળ, ગાય બળદ જેવાં પશુઓ સાથેની મૈત્રી - આ બધું આપણને એક સંવાદી વિશ્વમાં મૂકી આપે છે.
એક જમાનામાં પ્રાથમિક શાળાઓમાં, સરકારી દવાખાનાંઓમાં ખાદીનો પ્રચાર વિશેષ હતો. જેમ જેમ આપણે ઉદારીકરણના સમયમાં આગળ વધતા જઈએ છીએ તેમ ખાદી પાર્શ્વભૂમાં ધકેલાતી જાય છે. દેશની વિરાટ વસ્તીના પ્રશ્નો આજે કૈંક અંશે ઉકેલવા હોય તો ફરી ખાદી અને ગાંધીવિચાર તરફ વળવું પડશે. કારણ કે મારો એ દાવો છે કે (ખાદી અને બીજા ગામઉદ્યોગોનો પુનરુદ્ધાર કરીને) આપણે એટલો વિકાસ સાધી શકીશું કે સામાન્ય લોકોના દિલમાં સાદાઈ અને સ્વદેશીનો જે આદર્શ પડેલો છે, તેને અનુરૂપ રાષ્ટ્રીય જીવનનું પુનર્નિર્માણ કરી શકીશું. પછી આપણે એવા સામ્રાજ્યવાદમાં નહીં ઘસડાઈશું કે જેનો પાયો દુનિયાની નબળી જાતિઓના શોષણ પર ચણાયેલો છે, અને ન તો એ ભૌતિકતાવાદી સંસ્કૃતિ સ્વીકારીશું કે જેની રક્ષા શાંતિપૂર્ણ જીવનને લગભગ અસત્ય બનાવી દેનાર નૌકાદળ અને હવાઈદળ કરે છે. (ગામસ્વરાજ, ૧૪૧) અને એટલે જ ‘ખાદી એ નભોમંડળનો સૂર્ય છે, અને બીજા વિવિધ ઉદ્યોગો એ ગ્રહો છે.’ (૧૫૬)
પોતાની સ્ત્રીને આખો દિવસ કપડાં સીવતી જોઈને સીંગરને એ મજૂરીમાંથી તેને મુક્ત કરવાનું મન થયું અને એમાંથી સીવવાના સંચાની શોધ થઈ, ગાંધીજીએ એ શોધને ઊલટભેર આવકારી હતી, એટલે યંત્રોના તે કટ્ટર દુશ્મન તો હતા જ નહીં, પણ એમને ડર હતો કે ‘ઉદ્યોગવાદ માનવજાતિને શાપરૂપ નીવડવાનો છે. એટલે તેમનો વાંધો યંત્રોની ઘેલછા સામે હતો. (૧૯) યંત્રયુગને પરિણામે વિકસેલા અર્થકારણ પાછળ નૈતિકતા રહી નથી, તો એવા અર્થકારણનું શું કરવું? નૈતિક આંકને કોરે મૂકે છે અગર તેની ઉપેક્ષા કરે છે તે અર્થશાસ્ત્ર ખોટું છે. (ગ્રા. ૩૬) આ અનૈતિક અર્થશાસ્ત્ર જ સમાજમાં વર્ગવિગ્રહો કરાવે છે. એ જ શ્રીમંતોને વધારે શ્રીમંત અને ગરીબોને વધારે ગરીબ બનાવે છે, ઉદ્યોગપતિઓએ સમાજના ટ્રસ્ટી બનવાનું હોય, એટલે સ્વાભાવિક રીતે સમાજને જવાબદાર પણ બનાવવાના’ (દ.આ. ઇતિ. ૧૨૯). મુઠ્ઠીભર માણસોના હાથમાં સંચિત થતી સંપત્તિ પાછળ લોભવૃત્તિ છે અને તે ઈર્ષાભાવને જન્મ આપે છે. એટલે ‘હિંદ સ્વરાજ’માં આરંભે જ કહેવાયું છે, યાંત્રિક સંશોધનો અને વિજ્ઞાન એ પહેલાં પ્રથમ લોભનાં સાધનો મટી જવાં જોઈએ...’ (૧૦); આગળ આપણે શરીરશ્રમની વાત કરી હતી, આ શ્રમ જરૂરી છે નહીંતર માનવશરીર જડ બને, ‘માણસનાં અંગોને કામને અભાવે જડ અને નિરુપયોગી કરી નાખવા તરફ યંત્રોની પ્રવૃત્તિ ન હોવી જોઈએ. (૧૧) આ ‘હુન્નરખાનની ચડાઈ’ બીજા શબ્દોમાં તેના પગલે પગલે આવતો સુધારો આપણને ક્યાં લઈ જશે તેનો અંદાજ ગાંધીજીને વેળાસર આવી ગયો હતો. થોડા લંબાણના ભયે પણ ગાંધીજીની એ વાત સરવા કાને, નવી પેઢીએ તો ખાસ, સાંભળવા જેવી છે:
‘આ સુધારાની ખરી ઓળખ તો એ છે કે માણસો બહિર્ગામી શોધોમાં ને શરીરસુખમાં સાર્થક્ય અને પુરુષાર્થ માને છે. તેના દાખલા લઈએ. સો વરસ પહેલાં જેવાં ઘરમાં યુરપના લોકો રહેતા હતા તેના કરતાં હાલ વધારે સરસ ઘરમાં રહે છે; આ સુધારાની નિશાની ગણાય છે. આમાં શરીરસુખની વાત રહેલી છે. તે અગાઉ માણસો ચામડાનાં વસ્ત્ર પહેરતા ને ભાલા વાપરતા. હવે તેઓ મોટા લેંઘા પહેરે છે ને શરીર શણગારને સારુ તરેહવાર કપડાં બનાવે છે, તથા ભાલાને બંદૂકડી વાપરે છે; તે સુધારાની નિશાની છે. કોઈ મુલકના માણસ જોડા વગેરે ન પહેરતા હોય તે જ્યારે યુરપનાં કપડાં પહેરતાં શીખે છે ત્યારે જંગલી દશામાંથી સુધરેલી દશામાં આવ્યા ગણાય છે. અગાઉ યુરપમાં માણસો સાધારણ હળથી પોતાના જોગી જમીન જાતમહેનતથી ખેડતા, તેને બદલે હાલ વરાળયંત્રોથી હળ ચલાવી એક માણસ ઘણી જમીન ખેડી શકે છે ને ખૂબ પૈસો એકઠો કરી શકે છે; તે સુધારાની નિશાની ગણાય છે. અગાઉ માણસો કોઈક જ પુસ્તકો લખતાં તે અમૂલ્ય ગણાતાં, આજે જેને જેવું ફાવે તેવું લખે છે ને છાપે છે તથા લોકોનાં મન ભમાવે છે; આ સુધારાની નિશાની છે. અગાઉ માણસો ગાડાં વાટે દહાડાની બાર ગાઉની મજલ કરતા. હાલ રેલગાડીથી ચારસે ગાઉની મજલ કરી શકે છે; આ તો સુધારાની ટોચ ગણાઈ છે. હજુ જેમ સુધારો વધતો જાય છે તેમ એવું ધારવામાં આવે છે કે માણસો હવાઈ-વહાણથી મુસાફરી કરશે ને થોડા કલાકમાં દુનિયાના ગમે તે ભાગમાં જઈ પહોંચશે. માણસોને હાથપગ નહીં વાપરવા પડે. એક બટન ચાંપશે ત્યારે તેને પહેરવાનો પોશાક આવી મળશે, બીજું બટન ચાંપશે ત્યારે તેનાં છાપાં આવશે, ત્રીજું બટન ચાંપશે ત્યારે તેની ગાડી તૈયાર થઈ જશે, નિત્ય નવાં ભોજન મળશે, હાથ અથવા પગનો ખપ જ નહીં પડે, બધું સંચાથી જ કામ લેવાશે. અગાઉ માણસો જયારે લડવા માગતા ત્યારે એકબીજાનું શરીરબળ અજમાવતા. હવે તો તોપના એક ગોળાથી હજારો જાન લઈ શકે છે. આ સુધારાની નિશાની છે. અગાઉ લોકો ખુલ્લી હવામાં પોતાને ઠીક પડે તેટલું સ્વતંત્રપણે કામ કરતા. હવે હજારો મજૂરો પોતાના ગુજરાનને ખાતર એકઠા મળી મોટાં કારખાનાં કે ખાણોમાં કામ કરે છે. તેઓની દશા જાનવર કરતાં હલકી થઈ પડી છે. તેઓને સીસા વિગેરેનાં કારખાનાંઓમાં જાનની ખુવારી કરી કામ કરવું પડે છે. આનો ભોગ પૈસાદાર માણસોને મળે છે. અગાઉ માણસોને મારી ગુલામ કરતા; હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવે છે. અગાઉ લોકોમાં દરદ ન હતાં તેવાં દરદ પેદા થયાં છે, ને તેની સાથે દાકતરો શોધ કરવા લાગ્યા છે કે તે દરદો કેમ મટાડવાં. આમ કરતાં ઇસ્પિતાલો વધી છે; તે સુધારાની નિશાની ગણાય છે. અગાઉ કાગળો લખતા ત્યારે ખસૂસ ખેપિયા જતા અને બહુ ખરચે તેવું બની શકતું. આજ મારે કોઈને ગાળ ભાંડવાનો કાગળ લખવો હોય તો દોઢિયે હું ગાળ કાઢી શકું છું; કોઈને મારે શાબાશી આપવી હોય તો તે પણ હું તેટલી જ પહોંચાડી શકું છું. આ સુધારાની નિશાની છે. અગાઉ માણસો બેથી ત્રણ વખત ખાતા ને તે પણ હાથે પકાવેલી રોટી ને થોડી તરકારી હોય તો તે. હવે બબ્બે કલાકે ખાવાનું જોઈએ, અને તે એટલે દરજજે કે ખાવામાંથી લોકો નવરા જ નથી થતા. હવે કેટલું કહું? આ બધું તમે ગમે તે પુસ્તકમાં જોઈ શકો છો. સુધારાની આ ખરી નિશાની છે. અને જો કોઈ પણ માણસ તેથી જુદી વાત સમજાવે તો તે ભોળો છે એમ ચોક્કસ માનજો. સુધારો તો હું જણાવી ગયો છું તે જ ગણાય છે. તેમાં નીતિ કે ધર્મની વાત છે જ નહીં.’ (હિંદ. ૨૪-૨૬)
‘સમીપે’ની નવમી પુસ્તિકામાં બહુ વિગતે હિંદ સ્વરાજના સંદર્ભે લેખ લખ્યો છે તેમાં વીસમી સદીના ઉત્તરાર્ધથી પશ્ચિમમાં જે વિચારકોએ ગાંધીવિચારની દિશામાં ગતિ કરી છે તેમનો પરિચય કરાવ્યો છે; ભારતમાં પણ વર્તમાન રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ સિવાય નાનામોટા પાયે પુનર્વિચાર આરંભાયો છે; પ્રભુદાસ ગાંધીએ ‘જીવનનું પરોઢ’માં નોંધ્યું છે: ‘આ યંત્રયુગે, શાળાના પુસ્તકિયા શિક્ષણે અને પરાયાના રક્ષણે સુખી રહેવાની આદતે આપણને કેટલા બધા નિષ્પ્રાણ કરી નાખ્યા છે !..૨૬; / ગાંધીએ... આકાશચુંબી લોમની જ્વાળાઓ, કારમા અને ઘાતક સ્વાર્થ તથા રાક્ષસી યંત્રોની ચૂડમાંથી દુનિયાને ઉગારવાનું બીડુ ઝડપ્યું...’૭૨
સ્વાભાવિક રીતે જ ગાંધીપુરસ્કૃત વિચારણા ધનસંપત્તિના અમર્યાદ સંચયનો વિરોધ કરે, એટલે જ તેઓ કહે છે: ‘જગતને વધારે વિચારું છું તેમ તેમ સમજાય છે કે તવંગર થવા કરતાં ગરીબ રહેવામાં વધારે આશ્વાસન છે. શ્રીમંતાઈ કરતાં, તવંગર થવા કરતાં, ગરીબ રહેવામાં સાર છે. ગરીબાઈનાં ફળો વધારે સુંદર અને વધારે મીઠાં છે.’ (‘જીવનનું પરોઢ’માંથી ઉદ્ધૃત, ૧૨૧) ગાંધીજી લક્ષ્મી, યંત્રશક્તિ, લોભલાલસાને સાથે રાખે છે. એટલે જ તેમની દૃષ્ટિએ ‘લક્ષ્મીની પૂજાએ આપણા પર લાદેલી અતિશય વેગીલી યંત્રશક્તિ પર રચાયેલા એવા જટિલ ભૌતિક જીવન સાથે ઉચ્ચ વિચારસરણીનો મેળ નથી.’ (ગામ સ્વરાજ, ૧૫)
ગાંધીજીની વિચારસરણી પાછળ શ્રીમદ્ ભગવદ્ગીતાએ બહુ મોટો ભાગ ભજવ્યો છે, તેઓ ત્રીજા અધ્યાયને ટાંકીને કહે છે: યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે. મૂળમાં શ્લોક આવો છે:
‘યજ્ઞથી તૃપ્ત થયેલા દેવ તમને ઇષ્ટ ભોગ આપશે; તેથી તેમણે આપેલું તેમને આપ્યા વિના જે ભોગવે તે ચોર જ જાણવો.’(૩/૧૨, અનુ. મણિલાલ ન. દ્વિવેદી)
આ જ વાત દ. આફ્રિકાનો સત્યાગહ’માં ભારપૂર્વક કહેવામાં આવી છે : ‘જે દેશમાં કરોડો માણસોને પૂરું અન્ન પણ મળતું નથી, ત્યાં જેઓ પકવાન ખાય છે તે ચોરીનું ખાય છે એમ કહેવામાં મને મુદ્દલ અતિશયોક્તિ લાગતી નથી.’ (૨૦૭)
આની સાથે આપણે ગોવર્ધનરામ ત્રિપાઠીને યાદ કરીએ. તેમની નવલકથાના ચોથા ભાગના અન્તે સ્વપ્નમાં સરસ્વતીચંદ્ર કુસુમને કહે છે:
‘કુસુમ ! આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂએ છે ને તેને પહેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન્ન, અને આ વસ્ત્ર શાં? (૪, ૮૭૬ આવૃત્તિ, ૧૯૭૮)
હજુ આપણે આગળ જઈએ; ગોલ્ડસ્મિથના એક કાવ્યમાં નાયક પોતાની પત્નીને કહે છે કે આપણે ખપ પૂરતું પહેરવું ઓઢવું, તારી પાસે જે વધારાનું છે તેને તું બાજુ પર મૂકી દે-અર્થાત્ બીજાઓને આપી દે.
૧૮૭૪માં પ્રકાશિત ‘દેશી કારીગરીને ઉત્તેજનમાં કહેવાયું છે: ‘આપણા જાતભાઈઓ અનાજ વગર ટળવળતા હોય, આપણાં દેશી ભાઈ બહેનો લૂગડાં લતાંની તંગીથી અરધી નાગી અવસ્થામાં દુઃખે રિબાતો હોય, તે વખતે શું આપણે આપણી થોડી અગવડો બતાવી સ્વાર્થી ને એકલપેટા થવું?’ (૧૦૯)
પાછળથી ‘જીવનનું પરોઢ’માં પ્રભુદાસ ગાંધી નોંધે છેઃ ‘હિંદુસ્તાનમાં કરોડો ભૂખે મરતા, અથવા મુશ્કેલીથી એક ટંક આછી રાબડી મેળવી શકનારા ગરીબોની વચ્ચે છાજે એવા ખોરાક ઉપર અમારે આવવું જોઈએ.’ (૫૮૯)
હરગોવિંદદાસ કાંટાવાળા દેશની નિર્ધનતાના કારણ તરીકે ‘દેશી કારીગરીની પડતી’ને ગણાવે છે: ‘ટૂંકામાં આપણા પગથી તે માથા સુધી જે કાંઈ પહેરવામાં આવ્યું છે તે સઘળું વિલાયતી, આપણો શોખ વિલાયતી, અને આપણા વિચાર પણ વિલાયતી, એટલે આપણું દેશી ચીજો તરફ ધ્યાન પણ શાનું જાય? (૪૨)
આ વાત જુદી રીતે ગાંધીજીએ મૂકી છે: ‘અમારાં શહેરો જ્યારે પરદેશોના માલનાં હાટ થઈ પડ્યાં ને પરદેશથી સસ્તી ને ભમરાળી ચીજો લાવીને ગામડાંમાં ઝીંકવા માંડી ને એ વાટે ગામડાંનું ધન શોષવા માંડ્યું ત્યારથી હિંદુસ્તાન ધનહીન ને દરિદ્ર બન્યું. (૨૧, ગ્રામ સ્વરાજ) આ વાત માત્ર પરદેશી માલને જ લાગુ પડતી નથી, સ્વદેશી (અર્થાત્ મલ્ટીનેશનલ, નેશનલ કંપનીઓ) ઉદ્યોગોએ પણ તારાજી ક્યાં નથી સર્જી? એટલે તો કહેવાયું છે: ‘ગામડાંના લોહીની સિમેન્ટ વડે જશહેરોની મોટી મોટી મહોલાતો બંધાઈ છે.’ (ગ્રા.સ્વ. ૨૫)
ગાંધીજીને મન સત્ય, અહિંસા, પ્રેમ, નીતિ જેવા વિભાવો અલગ અલગ નથી, આ માત્ર પરસ્પરપૂરક જ નહીં, એ અભિન્ન બને એ કક્ષાએ જઈ પહોંચે છે. દક્ષિણ આફ્રિકાના શરૂઆતના અનુભવો ઉપર એમના ઉત્તર જીવનનો પાયો નખાયો. શરૂઆતમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યું કે ‘તપશ્ર્ર્યા પર, સત્ય પર, અહિંસા પર, મારી અડગ શ્રદ્ધા છે. હું અક્ષરશઃ માનનારો છું કે સત્યનું સેવન કરનારની આગળ આખા જગતની સમૃદ્ધિ ખડી થાય છે ને તે ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે.’ (દ.આ.સ. ૧૫) આ ભૂમિકા તો છેક સુધી રહે છે પણ હવે માત્ર સાક્ષાત્કારની વાત નથી રહેતી, સત્ય અને ઈશ્વરની એકરૂપતા સુધી આપણે જઈ પહોંચીએ છીએ. દા.ત. ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’માં દર્શાવ્યું છે;
‘આ ઈશ્વર, જેનો સાક્ષાત્કાર કરવા ઇચ્છીએ છીએ તે સત્ય છે. અથવા કહો કે સત્ય એ જ ઈશ્વર. સત્ય એટલે સાચું બોલવું એટલું જ નહીં, સત્ય એટલે આ જગતમાં જે હંમેશાં એને રૂપે હતું, છે ને હશે, અને એના સિવાય બીજું કાંઈ જ નથી, જે પોતાની શક્તિ વડે છે, જેને કોઈનો આશ્રય નથી જોઈતો પણ જેને આશ્રયે જે કંઈ છે તે છે. સત્ય જ શાશ્વત છે. બાકી બધું ક્ષણિક છે. એને આકૃતિની જરૂર નથી. એ જ શુદ્ધ ચેતન છે. એ જ શુદ્ધ આનંદ છે.’ (૩૦) લાગે કે આપણે ઉપનિષદના ઋષિની આર્ષ વાણી સુધી પહોંચી ગયા છીએ.
આ જ વાત ‘ગ્રામ સ્વરાજ’માં શબ્દાન્તરે જોવા મળે છે.
‘આ સમાજની રચના સ્વાભાવિક રીતે જ સત્ય અને અહિંસાના પાયા પર થાય અને મારો અભિપ્રાય છે કે, ઈશ્વર એટલે કે, દુનિયાએ જાણેલા સર્વપ્રકારનાં બળોમાં જે વસે છે, પોતાની શક્તિ વડે જ જેની હસ્તી છે, જે વસ્તુ માત્રનું જ્ઞાન ધરાવે છે, જે કોઈના પર આધાર રાખતી નથી, અને જે બીજાં બળોનો કલ્પી શકાય તેવો નાશ થયા પછી, અથવા તેમની અસર જણાતી અટકી જશે, ત્યાર પછી પણ પોતાનું કાર્ય કરતી હશે, તે જીવંતશક્તિ પર સમજપૂર્વક શ્રદ્ધા રાખ્યા વિના એ સત્ય ને અહિંસા સંભવિત નથી. સર્વને પોતાના તેજથી પ્રકાશિત કરતી, સર્વવ્યાપી ચેતનમયી શક્તિ વિશેની શ્રદ્ધા વિના હું મારી પોતાની હસ્તીનુ કારણ આપી શકતો નથી.’ (૭૨)
સત્ય માટેનો આ આગ્રહ જ એક બાજુ તેમને નીતિ, પ્રેમ સુધી લઈ જાય છે. અને સ્વીકારી લે છે કે નીતિ માત્રનો સમાવેશ સત્યમાં છે. (સં. પ્રયોગો, ૩૫), અને બીજી બાજુ સાધનશુદ્ધિ તરફ લઈ જાય છે.
આપણા સમયમાં સાધનશુદ્ધિ ઉપર ભાર આપવો એ લોઢાના ચણા ચાવવા જેવી વાત બની છે. પણ સત્ય અને અહિંસાની આ ભૂમિકાએથી વાત કરનાર સાધનશુદ્ધિ વિના ડગલું ય માંડી ન શકે, દક્ષિણ આફ્રિકામાં વેપારી મિત્રોએ વ્યવહાર અને ધર્મ વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો, પણ ગાંધીજીના વ્યવહારમાં ધર્મહીનતા પ્રવેશી જ ન શકે, એટલે ‘વ્યવહારમાં શુદ્ધસત્ય ન જ ચાલે’ એવી વણિકવૃત્તિ બાજુ પર મૂકી હતી. (સ. પ્રયોગો, ૧૨૭) ગાંધીજી સામે હતા એટલે વેપારીઓ માની ગયા, આજે સૌ કોઈ વહેવારિયા બની ગયા છે, સામાન્ય જીવન જ નહીં પણ જ્યારે લડત ઉપાડી હોય ત્યારેય સાધનશુદ્ધિનો આગ્રહ ગાંધીજી પડતો મૂકતા ન હતા એટલે જ દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજ અમલદાર સ્મટ્સ સામે સંઘર્ષ થયો ત્યારે લોર્ડ એમ્ટહીલ નામના અંગ્રેજે પણ કબૂલ્યું કે તમે શુદ્ધ સાધનોથી લડો છો.’ (દ.અ ૨૪૪), સ્મટ્સના મંત્રીએ પણ કૃતજ્ઞ બનીને કહ્યું હતું: ‘તમે તો દુશ્મનને પણ દૂભવવા નથી ઇચ્છતા, તમે પોતે જ દુઃખ સહન કરી જીતવા ઇચ્છો છો, વિવેક મર્યાદા છોડતા નથી.’ (૬.આ. ૩૩૫) [સોફોક્લીઝના ઓછા જાણીતા નાટક ફિલોકટેટીસમાં પણ એ સમયે સાધનશુદ્ધિની વાત આવે છે. ટ્રીપ સામે વર્ષોના ઘેરા પછી પણ એને વધાવી શકાતું નથી ત્યારે છેવટના ઉપાય તરીકે ઓડિસ્યુસ એક્લીઝીના દીકરા નિયોપટોલેપસને કામ સોંપે છે. દેશવટો ભોગવતો ફિલોરકટેટીશને લઈ આવવાનું ત્યારે તે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં ઑડિસ્પુસને કહે છે :
I have a natural antipathy
to get my ends by tricks and stratagems Philoctetes
...
I will gladly fight and capture, bring him with us.
but not by treachery...
still my lord.
I would prefer even to fail with honour
than win by cheating, (85-95)
(Complete Greek Te. Ed. green & Lattomare)]
સુધારક યુગમાં નર્મદાશંકર કવિએ તથા દલપતરામ કવિએ દેશમાં શાંતિ સ્થાપી એ માટે અંગ્રેજોની પ્રશંસા કરી હતી. હિંસાની સામે હિંસાની વાત કદાચ સર્વસ્વીકૃત નહીં તો મોટા ભાગનાએ પુરસ્કારી છે. એટલે જ ઘણી વાર ‘શાંતિ માટે યુદ્ધ’ની વાતો વહેતી થાય છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધની ઘટનાઓ જાણીતી છે. ચર્ચીલને, બીજા વિશ્વયુદ્ધના આરંભે આ જ કારણોસર, ઇંગ્લેંડના તત્કાલીન વડાપ્રધાન ચેમ્બરલેઈન સાથે મતભેદો થતા હતા. ગાંધીજી તો દેશમાં કાળો કેર વર્તાવનારા ઠગ, પિઢારાઓના સંદર્ભે કહેવાના; ‘તમે જે સ્વરાજ ઇચ્છનારા છો તેમને હું ચેતવું છું કે ભીલ, પીંઢારા, ઠગ તે આપણા જ દેશી ભાઈ છે. તેને જીતવા તે તમારું ને મારું કામ છે, તમારા જ ભાઈનો જ્યાં સુધી ભય રહેશે ત્યાં સુધી તમે કદી ઠેકાણાસર પહોંચવાના નથી (હિંદ-૩૫) ૬.આ.ના સત્યાગ્રહ ઇતિહાસમાં તેઓ ભારપૂર્વક કહે છે: અંધારામાંથી જો અજવાળુ ઉત્પન્ન કરી શકાતું હોય તો વેરભાવમાંથી પ્રેમભાવ પ્રકટાવી શકાય.’ (૧૯૯) મહમદઅલી ઝીણા, પાકિસ્તાન પ્રત્યેની લાગણીનાં મૂળ અહીં રહેલાં છે. સત્ય સાથે નિર્ભવતા નખમાંસની જેમ સંકળાયેલી છે, બાળપણમાં સાંભળેલા હરિનો મારગ છે શૂરાનો’ જેવા ભજનમાં આવતો હરિ શબ્દ, પાછળથી તો સત્ય સાથે ગાંધીજીના વિચારજગતમાં એકાકાર થઈ ગયો. તે જાણીતી વાત છે. એટલે સ્વાભાવિક રીતે ગાંધીજી કહે, જવાં અભવતા છે ત્યાં સત્યતા સહેજે વસે છે. માણસ જવારે સત્ય છોડે છે ત્યારે તે કોઈ પણ પ્રકારના ભયને લીધે જ છોડે છે. (હિંદ. ૮૬) સત્ય હોય તો પછી બીજી કશી ચિંતા ન ઓ, ગાંધીજી ઉપમા વાપરીને કહેશે કે ‘સત્યની પાસે અસત્ય ન ટકે, જેમ સૂર્યની પાસે અંધારું ન ટકે.’ (સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ, ૧૨) પણ આ સત્ય માટે તપ, સાધના અનિવાર્ય આ તપ કરવાનું સ્થળ ક્યું? મનુષ્યની કસોટી જ્યાં અવારનવાર થતી હોય ત્યાં એટલે ‘ગુફામાં બેસીને સત્યની શોધ ન થાય. જ્યાં બોલવું આવશ્યક હોય ત્યાં મૌન શું?.. પણ સામાન્ય માણસની કસોટી તો સમાજમાં જ થઈ શકે (સત્યા. ઇતિ. ૧૩) અમેરિકન નવલકથાકાર અર્નેસ્ટ તેમિંગ્વેએ સ્પેનમાં ખેલાતા આખલાયુદ્ધની વાત કરતાં કહ્યું હતું કે સાચા મેટાડોરનું મૃત્યુ પણ એ મેદાનમાં થાય, ઘેર નહીં; ગાંધીજી કહેશે ‘તારાનું મોત પાણીમાં છે’ (હિંદ. ૭૬), બીજા શબ્દોમાં ‘સત્યાગ્રહીને પોતાના સત્યનો આગ્રહ રાખતાં સત્યાગ્રહના પ્રસંગમાં જ અનાયાસે મોતની ભેટ થાય એના જેવું મંગલ પરિણામ બીજું તે કલ્પી જ ન શકે.’ (દ.આ ૧૯૮) આનો અર્થ સ્પષ્ટ થયો કે સત્યનો વિકલ્પ જાતે પસંદ કર્યો, એના પરિણામે થતા સંભવિત મૃત્યુ માટે તે બીજા કોઈને જવાબદાર ઠેરવી શકતો નથી. એટલું જ નહીં, આપણું કોઈ પણ કાર્ય અન્યને સ્પર્ધા વિના રહે જ નહીં. પોતાની સેવા કર્યા વિના કોઈ બીજાની સેવા કરતો જ નથી. અને બીજાની સેવા કર્યા વિના જે માત્ર પોતાની જ સેવા કરવાના ઇરાદાથી કોઈ પ્રવૃત્તિનો આરંભ કરે છે તે પોતાને અને જગતને હાનિ પહોંચાડે છે... આપણે જીવમાત્ર એકબીજાની સાથે એટલા બધા ઓતપ્રોત છીએ કે એક જે કંઈ કરે છે તેની સારી કે માઠી અસર આખા સંસાર ઉપર પડે જ છે.’ (સત્યા. ઇતિહાસ, ૫૪) હવે આ વાતને જુદા સંદર્ભમાં જુઓ: પ્રત્યેક વ્યક્તિ પોતાની સાવ નજીકની વસ્તુસ્થિતિ માટે જવાબદાર હશે અને સઘળી વ્યક્તિઓ સમાજ માટે જવાબદાર હશે. હકો અને ફરજોનું નિયમન પરસ્પરાવલંબન તથા અન્યોન્યાશ્રયના સિદ્ધાંત દ્વારા કરવામાં આવતું હશે. સમગ્ર વસ્તુ અને તેના અંગ વચ્ચે ઘર્ષણ નહીં હોય, રાષ્ટ્રવાદ સંકુચિત, સ્વાર્થી કે આક્રમણકારી થવાનો અથવા આંતરરાષ્ટ્રીયવાદ, જેના ગગનવિહારના ધુમ્મસમાં નક્કર વસ્તુ ખોવાઈ જાય, એવી કેવળ તાત્ત્વિક કલ્પના બની જવાનો કશો પણ ભય નહીં હોય’ (ગ્રા. સ્વ. ૧૭-૧) ઝયાં પોલ સાર્ત્રે જરા જુદા સંદર્ભમાં મનુષ્યને તેના પ્રત્યેક કાર્યની જવાબદારી સાથે સાંકળીને એનો નિર્ણય સમગ્ર મનુષ્યજાતિ વતી તે કરી રહ્યો છે એમ કહીને મનુષ્યની જવાબદારીનું ક્ષેત્ર અતિ વિસ્તૃત કરી આપ્યું હતું. તેમણે રિસ્પેક્ટબલ પ્રોસ્ટીટ્યુટ’ નાટકમાં હબસીઓને થતાં અન્યાય, શોષણની વાત કરી, દેખીતી રીતે તો અહીં હબસીઓને થતા અન્યાયની વાત છે પણ એ નિમિત્તે સમગ્ર અમેરિકા (અને સમગ્ર વિશ્વની પ્રજાને થતા અન્યાયની વાત કેન્દ્રમાં આવી. ગાંધીજીની વિચારસરણી આને મળતી આવે છે, પ્રજાના એક પણ નિર્દોષ અંગનું અપમાન તે આખી પ્રજાના અપમાન બરાબર છે.’ (દ.આ.ઇ. ૧૦૬) જાણી કરીને કોઈ એક અંગને પછાત રાખવું, અશિક્ષિત રાખવું એ પણ ન ચાલે. પ્લેટો પોતાના એક સંવાદ પ્રોટેગોરાસ’માં ઝિયુસને લગતી પુરાકથા ટાંકે છે: હર્મિઝ ઝિયુસને પૂછે છે કે આ બધાને વિદ્યા આપું કે થોડાને, ત્યારે ઉત્તર મળે છે: બધાને તો જ સમાજનો વિકાસ થાય. હવે પ્રશ્ન આવે છે સમાનતાનો. વચ્ચે આપણે પેઈનનું સૂત્ર જોઈ ગયા કે બધા મનુષ્યો જન્મે સમાન છે. એની સામે જ્યોર્જ ઓરવેલનો કટાક્ષ પણ જાણીએ છીએ, બધા મનુષ્યો સમાન છે પણ કેટલાક વધારે સમાન છે.’ અસમાનતા પાછળ આપણા પૂર્વગ્રહો છે; ગાંધીજીએ આફ્રિકાની અદ્ભુત પ્રકૃતિ જોઈ, માણી પણ તેમની પાસે એનું વર્ણન કરવા માટે જેવો અવકાશ પ્રભુદાસ ગાંધી પાસે છે તેવો નથી; છતાં એક પૂર્વભૂમિકા તો રજૂ કરે છે: ‘કુદરત જે જે ઘાટો ઘડે છે તેમાં સૌંદર્ય જ હોય છે એવું માનીએ તો સૌંદર્ય વિશેના આપણા સાંકડા અને એકદેશીય વિચારોમાંથી બચી જઈએ.’ (દ.આ. ૧૦) પ્રકૃતિની સર્જનલીલામાં ક્યાંય વે’રોઆંતરો જોવા નહિ મળે તેઓ તો કહેશે, ‘મારી માન્યતા પ્રમાણે તો દુનિયામાં એકે એવી જગ્યા નથી અને એવી એકે જાતિ નથી કે જ્યાં અથવા જેમાં યોગ્ય પ્રસંગ મળે અને સંસ્કાર પડે તો સુંદરમાં સુંદર મનુષ્યજીવન ઉત્પન્ન થઈ ન શકે.’ (દ.આ. ૩૮) આ જ વાત આગળ આવે છે; ‘કોઈ પણ મનુષ્યને હલકો કે નજીવો ન ગણવો, બીજું ગમે તેવો ભીરુ માણસ હોય એ પણ અવસર આવ્યે વીર બની શકે છે.’ (દ.આ. ૮૩) ભારતીય વર્ણાશ્રમે અસ્પૃશ્યતાનો પ્રશ્ન ઊભો કર્યો, ગાંધીજી આની સાથે અહિંસાને સાંકળે છે, અસ્પૃશ્યતા નિવારણ અહિંસાની જોડી બની જાય છે જે વસ્તુતઃ છે જ. અહિંસા એટલે જીવમાત્ર પ્રત્યે પૂર્ણ પ્રેમ. અસ્પૃશ્યતા નિવારણનો પણ એ જ અર્થ છે. જીવ-માત્રની સાથેનો ભેદ મટાડવો તે અસ્પૃશ્યતા નિવારણ.’ (મંગળ પ્રભાત, ૨૩) આમ હોય તો પછી એમાંથી જેટલાં તારણ નીકળે એ સ્વીકારી લેવાં પડે, ‘આ જગતમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. એટલે જે પોતાને ઊંચ માને છે તે કદી ઊંચ નથી, જે પોતાને નીચ માને છે તે કેવળ જ્ઞાનને અભાવે તેને નીચ હોવાનો પાઠ તેનું ઉપરીપણું ભોગવનારાએ શીખવ્યો છે. વર્ણવ્યવસ્થા જો પારમાર્થિક વસ્તુ હોય, ધાર્મિક હોય તો તેમાં ઊંચનીચપણાને સ્થાન ન જ હોય.’ (સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ, ૬૮-૯) આની સાથે પૂર્ણ સ્વરાજની વિભાવનાને જોડી દો; પછી વર્ગ, વર્ણ, જાતિ, લિંગ વગેરે ભેદ ભૂંસાઈ જરો. પૂર્ણ સ્વરાજ- પૂર્ણ’ એટલા માટે કે જાતિ, ધર્મ કે દરજજાના કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ જેટલું રાજા માટે તેટલું જ ખેડૂત માટે, જેટલું ધનિક જમીનદાર માટે તેટલું જ ભૂમિહીન ખેડૂત માટે, જેટલું હિંદુ માટે, તેટલું જ મુસલમાન માટે, જેટલું પારસી અને જૈન માટે, તેટલું જ યહૂદી અને શીખ માટે છે.’ (ગ્રામસ્વરાજ, ૫) કદાચ આ ઊંચ-નીચના ખ્યાલ સાથે માનવશ્રમ સાથે સંકળાયેલા આપણા પૂર્વગહો જવાબદાર હોવા જોઈએ. યુરપ-અમેરિકામાં શરીરશ્રમને તુચ્છતા સાથે સાંકળવામાં નથી આવતો. આપણો શૂદ્ર વર્ગ ભારે શરીરશ્રમ કરે છે, સ્વાભાવિક રીતે શરીરશ્રમ કર્યા વગર દુન્યવી સુખ ભોગવનારાઓને આવા શૂદ્રો ન ગમે. ગાંધીજીએ કોઈ પણ કામને, પછી તે બૌદ્ધિક શ્રમ હોય કે શારીરિક શ્રમ હોય, હલકું ગણ્યું નહીં; એટલું જ નહીં, મોટા ભાગના લોકો ન સ્વીકારી શકે એ રીતે વકીલ અને વાળદની કમાણી સરખી હોવી જોઈએ એવો આગ્રહ રાખ્યો. એની પાછળનો આશય એ હતો કે જીવનજરૂરિયાતો તો બંનેની સરખી હોય તો પછી બંનેની આવકમાં ભયાનક વિષમતા કેમ? એથી આગળ જઈને નર્યા બૌદ્ધિક શ્રમને તો તેમણે નકારી જ કાઢ્યો હતો, માણસ બૌદ્ધિક શ્રમ કરીને રોટલો ન કમાઈ શકે? ના શરીરની જરૂરિયાત શરીર દ્વારા જ પૂરી પાડવી જોઈએ. (ગ્રામ સ્વરાજ, ૪૮) જો દરેકે શરીરશ્રમ કરવાનો જ હોય તો કોઈ પણ શરીરશ્રમ તિરસ્કારપાત્ર ન લેખી શકાય, ‘આ આવશ્યક, આરોગ્યપોષક કાર્યને હલકામાં હલકું પ્રથમ કોણે ગણ્યું હશે તેનો ઇતિહાસ આપણી પાસે નથી. જેણે ગણ્યું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યો. આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ ઠસવી જોઈએ.’ (ગ્રામ સ્વરાજ ૪૮) હવે જરા જુદી રીતે ગાંધીજી વાત મૂકે છે, મજૂરીને બુદ્ધિ વચ્ચે ફારગતી થઈ છે તે ગુનો ગણાય તેટલી હદ સુધી આપણાં ગામડાંઓ તરફ આપણે બેદરકાર રહ્યા છીએ.’ (ગ્રામ. ૧૮૨) અન્યત્ર આ વાત ફરી કહેવાઈ છે : ‘બુદ્ધિશક્તિને ખરો વેગ આપવા ખાતર પણ શરીરશ્રમની એટલે કે કંઈક પણ ઉપયોગી શારીરિક ધંધામાં શરીરને રોકવાની આવશ્યકતા છે.’ (સત્યા. ઇ. ૫૩) પાછળથી બળવંતરાય ઠાકોર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ‘તેમનાં (સાવ તળનાં) જીવન, તેમના અનુભવ અને તેમના ન્હાનામોટા પ્રયોગ બુદ્ધિ અને સાહિત્ય કેળવણી પર્યેષણા અને મીમાંસાને અસ્પર્શ્ય બન્યા બુદ્ધિ પંગુ અને ખાલીખમ બની. આમ આપણા દેશનું સાહિત્ય માત્ર હિંસાયું, આપણી કલામાત્ર નંદવાઈ;’ (નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૫૦-૧) સાહિત્યશાસ્ત્રમાં તાદાત્મ્ય - empathy -ની વાત પરંપરાથી ચાલી આવી છે. ભાવક જો સર્જક સાથે, કૃતિ સાથે તાદાત્મ્ય, હૃદવસંવાદ ન અનુભવી શક્તો હોય તો કશો અર્થ નથી. હવે જુઓ, આ તાદાત્મ્યની વાત ગાંધીજી કઈ ભૂમિકાએ રહીને કરે છે? ‘સૂરજના પ્રખર તાપમાં કેડે વળીને કાળી મજૂરી કરતા ગામવાસીઓ સાથે આપણે તાદાત્મ્ય અનુભવવું જોઈએ અને જે ખાબોચિયામાં તેઓ નહાય છે, તેમનાં કપડાં-વાસણો ધુએ છે તથા તેમનાં ઢોર પાણી પીએ છે અને આળોટે છે તે ખાબોચિયામાંથી પાણી પીવું આપણને કેવું લાગે તેનો પણ આપણે વિચાર કરવો જોઈએ. એમ કરીશું ત્યારે જ આપણે આમ જનતાના સાચા પ્રતિનિધિ ગણાઈશું અને ત્યારે આપણી દરેક હાકલનો તેઓ જરૂર જવાબ આપશે.’ (ગ્રામ. ૨૫) ઈ.સ. ૧૮૫૦ પૂર્વે જે સુધારાની વાત કેળણીકારોએ, સાહિત્યકારોએ, સમાજ-સુધારકોએ કરી હતી તે વાત અને ગાંધીજી જે સુધારાની વાત કરે છે એ જુદી છે. સુધારક યુગ સામાજિક અનિષ્ટોની નાબૂદીની વાત કરે છે. ગાંધીજી સુધારાને સભ્યતાના વિકાસ સાથે સાંકળે છે, જેમ જેમ સુધારો વિસ્તરતો જાય છે તેમ તેમ આપણી જરૂરિયાતો વધતી જાય છે; જરૂરિયાતો ન સંતોષાતી પ્રજા-ભણેલીગણેલી, સંસ્કારી પ્રજા – અનૈતિક ઉપાયો હાથ ધરે છે. આમ અસ્તેય અને અપરિગ્રહ જેવાં પરંપરાગત મૂલ્યોને તિલાંજલિ આપવામાં આવે છે, એટલે ગાંધીજી તો કહેશે કે સુધારો વધવો એટલે હાજતો વધવી એતો બેને બે ચાર જેવો સીધો મેળ છે.’ (દ. આ. ઇતિ.૧૩) ભારતીય સંસ્કૃતિના મૂળમાં આધ્યાત્મિકતા છે એ વાત કબૂલવા છતાં આપણે ભૌતિકવાદી હતા જ નહીં એમ માની શકાતું નથી; વીલ ડ્યુરાં તો એમ કહેશે કે આદર્શ, ત્યાગની વાતો કરતી બધી સંસ્કૃતિઓ દંભી છે. ગાંધીજી પૂર્વ અને પશ્ચિમને સામસામે મૂકે છે. પશ્ચિમના સુધારાનો તો મૂળ સિદ્ધાંત એ છે કે પશુબળ સર્વોપરી છે એનો તો વળી એવો પણ સિદ્ધાંત છે કે જે પ્રજા પોતાની હાજતો વગેરે વધારશે નહીં એ પ્રજાનો છેવટે નાશ થવાનો છે. (દ. આ. સત્ય. ૯૬) જેવી રીતે શાલીનતા બાજુ પર રાખીને તેમણે ઇંગ્લેંન્ડની પાલમિન્ટને વેશ્યા કહી હતી તેવી જ રીતે સુધારાને પણ તેઓ ‘ચાંડાળ’ સુધારો કહે છે. આપણા સુષુપ્ત મનમાં સંતાઈ બેઠેલા પૂર્વગ્રહો આવાં વિશેષણોથી પ્રગટ નથી થતા? વળી ગાંધીજીએ તો ‘વાંઝણી’ શબ્દનો વિનિયોગ મર્યાદિત સ્તરે કર્યો પણ થોડાં જ વર્ષો પછી એક બહુ મોટા કવિ ટી.એસ. એલિવટે તો સમગ્ર ખંડની ધરતીને ધ વેસ્ટ લેન્ડ’ ઈ. સ. ૧૯૨૨માં નહોતી કહી? સામાન્ય રીતે અભ્યાસ, શિક્ષણ, સાક્ષરતા (અક્ષરજ્ઞાન) કેળવણી વગેરેને આપણે પર્યાય માનીને ચાલીએ છીએ, પણ આ બધાં અન્યોન્યનાં પર્યાય નથી. અક્ષરક્ષાન ધરાવતી વ્યક્તિ કેળવણી વિનાની અને અક્ષરક્ષાન ન ધરાવતી વ્યક્તિ કેળવણીવાળી સંભવી શકે છે. આ બધા શબ્દોમાં કેળવણી શબ્દ વધારે યોગ્ય લાગશે. આજે તો આપણે વૈશ્વિક અભ્યાસક્રમોના જગતમાં જીવીએ છીએ, પરંતુ સમગ્ર ધરતી પર બધું એકસરખું હોઈ ન શકે, હોવું ન જોઈએ ઘણા બધા ચિંતકોએ સ્વીકારેલી વાત ગાંધીજી પણ માને છે, ‘એક સ્થિતિમાં રહેલા દેશ માટે જે સારું છે તે બીજી સ્થિતિમાં આવેલા દેશ માટે સારું હોવ જ એમ નથી... દેશની ભૌગોલિક સ્થિતિ તેની સંસ્કૃતિ ઘડવામાં ઘણો મોટો ભાગ ભજવે છે.’ (ગ્રામ. સ્વ.૧૪) બીજા શબ્દોમાં દેશની જરૂરિયાતો સાથે કેળવણીનો સંબંધ છે. હવે પ્રશ્ન એ થાય કે કેળવણીની વ્યાખ્યા કઈ? મનુષ્યમાં રહેલું હીર બહાર લાવવું તે કેળવણી.’ (એજન, ૮૦) આને વિસ્તારીને કહેવું હોય તો આમ કહેવાય, કેળવણી એટલે બાળક કે મનુષ્યનાં શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવાં. અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી તેમ તેનો આરંભ પણ નથી.’ (એજન, ૮૨) ગાંધીજીની વાત બાજુ પર રાખો, આપણામાંથી પણ કોઈએ ત્રીસેક વર્ષ પહેલાં શિક્ષણ જગતની હાલત આવી થશે એની કલ્પના કરી ન હતી—આજે તો નિશાળો અથવા ટ્યુશનવર્ગો ગાંધીજી કહે છે તેમ ‘બેડીની નિશાની’ બની ગયાં છે. એક રીતે નિશાળ તો ચોવીસ કલાકની હોય અર્થાત્ હરપળે તમે કંઈક પામી રહ્યા છો, આપણે વિપર્યાસ કર્યો, હરપળે કશુંક ગુમાવી રહ્યા છીએ. કેળવણીની સાથે સંકળાયેલો પ્રશ્ન છે શિક્ષણના માધ્યમનો. ગાંધીજીએ બે પ્રકારની ભાષાનો વિચાર કર્યો છે, એક સામાન્ય ભાષા, પણ બીજી વાણી સૂક્ષ્મ કક્ષાની છે. પરંપરાગત રીતે ઓળખાતી વૈખરીથી સાવ જુદી. ‘આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઈ વાણીના વૈભવ નથી. તેનું મૂળ, કંઠ નથી પણ હૃદય છે. તેથી જો આપણે હૃદયની નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગઠિત રાખીએ, તો તેમાંથી જે સૂર નીકળે છે તે સૂર ગગનગામી બને છે. તેને સારુ જીભની આવશ્યકતા નથી.’ (સત્યના પ્રયોગો, ૭૫) ગાંધીજી જે વાણીની વાત કરે છે તે છે પરા, પશ્યન્તી.
ઝેક નવલકથાકાર મિલાન કુંડેરા જેવા ઘણા બધા માને છે કે કોઈ પણ પ્રજાને ગુલામ બનાવવાનો સહેલામાં સહેલો રસ્તો છે એ પ્રજા પાસેથી તેનો ભૂતકાળ ઝૂંટવી લેવાનો. મેકોલે જેવાએ એટલા જ માટે અંગ્રેજી શિક્ષણનો આરંભ કર્યો. પરંતુ છેક ઓગણીસમી સદીથી આપણે જોઈશું કે બાળકને સાતમા વર્ષે પહેલી ચોપડીમાં-ધોરણમાં-દાખલ કરવામાં આવતો, ત્યાં સુધી એ મુક્તપણે જીવનનો અને માતૃભાષાનો અભ્યાસ કરી લેતો હતો; પંડિતયુગના, ગાંધીયુગના બધા સાહિત્યકારો અંગ્રેજી માધ્યમમાં જ ભણ્યા હતા અને છતાં ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ અસામાન્ય હતું. ગાંધીજીનું દૃષ્ટિબિન્દુ જુદું હતું. ‘છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન અમને અમારી માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવ્યું હોત, તો અમારા વડીલોને, અમારા નોકર ચાકરોને, અમારા પાડોશીઓને અમારા જ્ઞાનનો લાભ મળ્યો હોત.' બોઝ (જગદીશચંદ્ર) અને રાવ (પ્રફુલ્લચંદ્ર) જેવાની શોધો રામાયણ અને મહાભારતની પેઠે ઘરઘરનો ખજાનો થઈ પડી હોત અત્યારે તો, તે શોધો પરદેશીઓએ કરેલી શોધો જેટલી જ લોકોને અજાણી છે. વિષયમાત્રનું શિક્ષણ માતૃભાષા દ્વારા આપવામાં આવ્યું હોત, તો હું એમ કહેવાની હિંમત કરું છું કે તેનો વિકાસ આશ્ચર્યકારક રીતે થયો હોત : ગ્રામ સુખાકારી અને એવા બીજા પ્રશ્નનો નિવેડો ક્યારનો આવી ગયો હોત; ગામપંચાયતો અત્યારે વિશેષ રીતે જીવંત સંસ્થાઓ બની હોત અને હિંદ અત્યારે પોતાની પરિસ્થિતિને અનુકૂળ એવું સ્વરાજ ભોગવી રહ્યું હોત, અથવા તો ભોગવવાની તૈયારીમાં હોત; અને તેની પવિત્ર ભૂમિ ઉપર યોજનાપૂર્વક થતી ખુનામરકી જોવાનો શરમાવનાર પ્રસંગ આવ્યો ન હોત. ભૂલ સુધારવા માટે હજી પણ મોડું થયું નથી.’(ગ્રામ સ્વરાજ, ૫૯)
માતૃભાષા દ્વારા જ શિક્ષણ અપાવું જોઈએ એવી ભૂમિકા સાથે સંમત થવા છતાં એક પ્રશ્ન તો રહે છે જ કે ઇંગ્લેંડ જેવા દેશોમાં શિક્ષણ માતૃભાષામાં પહેલેથી અપાતું આવ્યું હોવા છતાં આવાં પરિણામો આવ્યાં છે ખરાં? પ્રશ્ન ભાષાને આત્મસાત્ કરવાનો છે કારણ કે જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે.’ (સ. પ્ર. ૧૮) જગતભરમાં જે માબાપો પોતાનાં સંતાનોને માતૃભાષામાં શિક્ષણ નથી આપતાં તેમણે ગાંધીજીની આ ચેતવણી ધ્યાનમાં રાખવા જેવી છેઃ ‘મેં અસલથી જ માનેલું કે જે હિંદી માબાપો પોતાનાં બાળકોને બચપણથી જ અંગ્રેજી બોલતાં કરી મૂકે છે તેઓ તેમનો અને દેશનો દ્રોહ કરે છે. મેં એમ પણ માન્યું છે કે આથી બાળકો પોતાના દેશના ધાર્મિક અને સામાજિક વારસાથી વંચિત રહે છે, ને તેટલે અંશે દેશની, તેમ જ જગતની સેવા કરવા ઓછા ભાષક બને છે.’ (સત્યના પ્રયોગો, ૩૧૬) અગાઉ તેઓ કટાક્ષમય વાણીમાં કહી ગયા હતા, ‘આપણા સરસમાં સરસ વિચાર બતાવતાનું વાહન તે અંગ્રેજી, આપણી કોંગ્રેસ તે અંગ્રેજીમાં ચાલે. આપણાં સરસ છાપાં તે અંગ્રેજીમાં. જો આવું લાંબી મુદત ચાલશે તો આપણી પછીની પ્રજા આપણો તિરસ્કાર કરશે ને તેમનો શાપ આપણા આત્માને લાગશે એમ મારું માનવું છે.’ હિંદ ૯૧-૨) એક રીતે જોવા જઈએ તો અહિંસાની વિભાવના અત્યન્ત પ્રાચીન છે. ‘અશ્વર’ શબ્દનો સંકેત કોઈને ઇજા ન કરે તેની સાથે સંકળાયેલો છે; એના પરથી અધ્વર્યુ શબ્દ ઊતરી આવ્યો છે. વેદકાળમાં માત્ર પશુબલિ નહીં, નરબલિ (જુઓ શૂનઃશેપનું કથાનક) અપાતા હતા, અને છતાં ભાવના તો નરબલિમાંથી જવતલની આહુતિ સુધીની હતી. ઐતરેય બ્રાહ્મણના એક પ્રખ્યાત અંશમાં હવિ મનુષ્ય, અશ્વ, ગાય, ઘેટા બકરા, પૃથ્વી, શરભમાંથી થઈને છેવટે વ્રીહિ-ધ્યાનમાં પ્રવેશે છે એવી વાત આવે છે (૧:૮) બૌદ્ધ અને જૈન ધર્મે અહિંસા ઉપર ભાર આપ્યો ખરો, પણ હિંસા તો ચાલુ જ રહી હતી. આચાર્ય હેમચન્દ્ર અને સિદ્ધરાજ-કુમારપાળના સમય પછી લખાયેલાં નેમિનાથ-રાજિમતીને લગતાં કથાનકોમાં અહિંસાની વાત ઘૂંટાતી ચાલી. ગાંધીજીની વિચારણામાં સત્ય, અહિંસા, નીતિ. પ્રેમ-આ બધુ એકાકાર છે. અહિંસામાંથી જ અસ્પૃશ્યતા નિવારણ પ્રગટે છે. તેઓ કહે છે: ‘અસ્પૃશ્યતા નિવારણ અહિંસાની જોડી બની જાય છે ને વસ્તુતઃ છે જ. અહિંસા એટલે જીવ માત્ર પ્રત્યે પૂર્ણ પ્રેમ અસ્પૃશ્યતા-નિવારણનો પણ એ જ અર્થ છે. જીવ માત્રની સાથેનો ભેદ મટાડવો તે અસ્પૃશ્યતા નિવારણ.’ મંગળ પ્રભાત, ૨૬) અહીં જીવ માત્ર શબ્દ યોગ્ય રીતે પ્રયોજાયો છે, ‘સત્યના પ્રયોગો’માં કલકત્તાના કાલી મંદિરનો પ્રસંગ વર્ણવાયો છે. વ્યથિત થયેલા મહાત્મા કહે છે; ‘મારે મન ઘેટાંના જીવની કિંમત મનુષ્યના જીવના કરતાં ઓછી નથી.’ (૨૩૭) એવી જ રીતે ‘ગોડ સેવ ધ કીંગ’માં આવતી બે પંક્તિઓ તેમને ખટકી હતી:
તેના શત્રુઓનો નાશ કરજે,
તેમનાં કાવતરોને નિષ્ફળ બનાવજે.
પણ આવી અભિવ્યક્તિ સાર્વત્રિક છે. ઋગ્વેદની અનેક ઋચાઓમાં શત્રુઓના વિનાશ માટે ઋષિઓએ દેવતાઓને પ્રાર્થના કરી જ છે. દક્ષિણ આફ્રિકાના અનુભવો તેમની પાસે હિંદ સ્વરાજમાં કબૂલાવે છે; ‘હિંસા એ હિંદુસ્તાનનાં હુઃખોનો ઇલાજ નથી.’ તેઓ આજે આપણને આત્યંતિક લાગે એવી ભૂમિકાએ જઈને કહે છે, ‘હિંદુસ્તાનને રેલવેએ, વકીલોએને દાક્તરોએ કંગાલ બનાવ્યું છે.’ (૨૬) આની પાછળ સત્વ પ્રતિષ્ઠા સિવાય બીજી કોઈ વાત નથી. સો વર્ષ પર કહેવાયેલી વાત આજે તો વધારે ને વધારે સ્વીકાર યોગ્ય નથી બની ગઈ? ઇસ્પિતાલો એ પાપની જડ છે. તેનાથી માણસો શરીરનું જતન ઓછું કરે છે અને અનીતિ વધારે કરે છે. માણસના શરીરને સારુ આટલા જીવો મારવાની જરૂર નથી.’ (૫૪) આમાંથી જ નિસર્ગોપચારની ભૂમિકા સર્જાઈ. એક જમાનામાં વૃદ્ધાઓ કહેતી હતી કે ભગવાન અમને કોર્ટકચેરીઓથી અને પોલિસ-ચોકીઓથી બચાવે, આજે હવે એમાં ઉમેરો થયો છે કે ભગવાન, અમને ઇસ્પિતાલોથી બચાવે. નિસર્ગોપચારથી મૃત્યુના મોઢામાંથી બહાર આવેલા પ્રતિષ્ઠિત સાહિત્યકાર જયંત કોઠારીનો કિસ્સો જાણીતો છે. જહોન રસ્કિનના ‘અન ટુ ધ લાસ્ટ’ દ્વારા ગાંધીજીએ છેવાડાના માણસની વાત કરી, હવે જો આવો માણસ તેમની વિચારણાના કેન્દ્રમાં હોય તો પછી એને ઉવેખીને કશી વાત કોઈ પણ ક્ષેત્રે થઈ ન શકે. આના અનુસંધાનમાં જ કોશિયો સમજી શકે એવી ભાષામાં સાહિત્યની હિમાયત કરી પણ એ આખો સંદર્ભ હમણાં ફરી મનીષી જાનીએ તાજો કરી આપ્યો છે તે જોવા જેવો છે : ‘આપણે સાહિત્ય કોને માટે રચીશું? કસ્તુરભાઈ એન્ડ કંપની માટે કે અંબાલાલભાઈ માટે કે સર ચિનુભાઈ માટે? એમની પાસે તો પૈસા છે, એટલે ગમે તેટલા સાહિત્યકારો રાખી શકે છે, ગમે તેટલાં પુસ્તકો વસાવી શકે છે પણ પેલા કોશિયાનું શું? અત્યારે મારું હૃદય રડે છે. પણ હું આંખમાંથી આંસુ કેમ ખાળું? ભારે વેદના હોય છતાં મારે તો હસવું છે. રડવાના પ્રસંગો આવે છે છતાં રડ્યો નથી. હૈયું કઠણ કરું છું પણ એ સેગાંવ—ત્યાંનાં હાડપિંજરો જોઉં છું ત્યારે મને તમારું સાહિત્ય રેઢિયાળ લાગે છે. ત્યાંની સ્ત્રીઓને જોઉં છું ત્યારે થાય છે આ સ્ત્રીઓને અમદાવાદની સ્ત્રીઓની સાથે શો સંબંધ?-[સરખાવો : ‘શું આ થ્રીલરો, આ રહસ્યનાટકો, આ સેક્સ કોમેડીઓનો સંદર્ભ આપણા સમાજનો છે? શું આ સન્નિવેશ તરીકે દેખાડતા ભવ્ય દીવાનખંડો અને એમાં દેખાતા બાર આપણા છે? પશ્ચિમી સંસ્કૃતિ અને બ્રોડવેના અનુકરણને જ જાણે કે આપણે પરંપરા બનાવવા મથીએ છીએ.-બકુલ ટેલર, સ્વાતંત્ર્યોત્તર ગુજરાત સ. શિ.પં.પૃ. ૩૩ એથી આગળ ચાલીએ. છેક ૧૮૯૮માં ગૌવર્ધનરામ ત્રિપાઠી સરસ્વતીચંદ્ર’ના ત્રીજા ભાગની પ્રસ્તાવનામાં લખે છે. ‘આપણી પ્રજા, આપણો દેશ આપણો કાળ આપણા આચારવિચાર અને આપણા આધિ ઉપાધિ. અહીં પણ પ્રશ્ન તો સમગ્ર ગુજરાતી પ્રજાનો છે. ફરી યાદ કરો અંબાલાલ સાકરલાલ દેસાઈને તેમણે ‘આખી પ્રજાના’ સાહિત્યની હિમાયત કરી હતી.]
પેલી સ્ત્રીઓ સાહિત્યને નથી ઓળખતી રામધૂન ગવડાવું તો ઝીલી નથી શકતી. હું તો ગામડામાં પડેલો એટલે ગામડિયાની દૃષ્ટિએ મારી ભૂખ રજૂ કરું, મને તો ગામડામાં હેનાર માટે અનેક જાતનાં પુસ્તકો જોઈએ છે. મારી એ ભૂખ તમે સાહિત્યકારો પૂરી પાડો... સાચી વાત તો એ છે કે આપણે ગામડાંની દરકાર જ કરી નથી. આપણાં અન્નવસ્ત્રને માટે આપણે ગામડાં પર આધાર રાખીએ છીએ છતાં તેના શેઠ હોઈએ તેમ વર્તીએ છીએ. આપણે અહીં મોજ માણીએ છીએ, પણ ખરા આશ્રયદાતા તો ગામડિયા છે... આપણે તેમની જરૂરિયાતોનો વિચાર જ નથી કર્યો. તમે શહેરી પ્રજા માટે લખશો તો પણ એ તો એવા નગુણા છે કે અંગ્રેજી જ વાંચશે તમે વાર્તાઓ લખશો કે પાઠયપુસ્તકો લખશો, તેથી બુદ્ધિનો વિકાસ નહિ થાય, તમારી બુદ્ધિનો વિકાસ કરવો હોય તો ગ્રામ્ય સાધનોનો અભ્યાસ કરો, તેની ખૂબી અને ખામી સમજો, અને પછી તેને વિશે લખો. જેનું મગજ તાજું છે તેમને ગામડામાં નવું નવું જોવા જાણવાનું મળશે. ગામડામાં જતાં બુદ્ધિ રૂંધાઈ જાય એમ નથી. જે એવું કહેશે તેને હું કહીશ કે તે રૂંધાયેલી બુદ્ધિ લઈને ત્યાં ગયા હશે, ખરી રીતે બુદ્ધિના વિકાસને માટે ક્ષેત્ર જ ગામડું છે. નગર નથી.' (અવતરણ, જુઓ—ગુજરાતની અસ્મિતા : મારી નજરે સં. ઉત્તમ પરમાર, ૨૭૨)
ગામડાં ભાંગીને શહેર ઊભાં થાય, ગામીણ કારીગરો બેકાર બને અને શહેરનાં યંત્રો ચાલે એ પરિસ્થિતિ કોઈ પણ શાણો અર્થશાસ્ત્રી ચલાવી ન લે. હરગોવિંદદાસ કાંટાવાળા અને તેમને અનુસરીને જાણીતા અર્થશાસ્ત્રી અંબાલાલ દેસાઈએ ગાંધીજી પૂર્વે આ વિચારો રજૂ કરેલા. અંબાલાલ દેસાઈના કથન નિબંધ ‘શાંતિદાસ’ (૧૯૦૦)ના મૂળમાં પણ આ જ વાત છે; ગામડાના કારીગરો પ્રત્યે સમભાવી જગજીવન પારેખ (વાસ્તવમાં લેખક પોતે) બોલે છે; ‘આ બૂટની મોકાણે આઠ દસ મોચીના ઘરનો ધંધો બંધ પડ્યો છે, ને તેમને ખાવાપીવાની બહુ વેળા પડે છે. મોચી નરમ થયા એટલે તેમની ઘરાકીવાળા કુંભાર, દરજી વગેરે પણ નરમ થયા છે. ને બે પૈસા જેના લેણાદેણા છે તે શાહુકારનું લેવું પણ ડૂબવા વખત આવ્યો છે; અને ધક્કો આખા ગામને લાગશે. કોઈએ એમ ન સમજવું કે, એમાં મારે શી લેવાદેવા છે; બધાનું સારું હોય તો આપણે સારું ને નરસું હોય તો આપણે નરસું. હું અમદાવાદ ગયો હતો, ત્યાં પણ આવાં ને આવાં જ રોદણાં છે. સોનીનાં ઘરેણાં વિલાયતથી તૈયાર થઈ આવે છે, ને તે એવાં આંખને ગમે તેવાં હોય છે કે, આપણા ખરા દાગીનાને પણ કોરે મૂકે: એટલે સોનીનો ધંધો બાર આની ગયો છે. લુહારનો ધંધો તો બિલકુલ પડી ગયા જેવો જ છે. લુહાર મજૂરી કરે તેને અંગ્રેજી કારખાનામાં રોજગાર સારો મળે છે; પણ ચપ્પુ કાતર, ખીલા કરનારાનો રોજગાર તો બિલકુલ બંધ પડવા જેવો જ છે. વિલાયતી કાપડ કરોડો રૂપિયાનું આવે છે. તેથી સાળવી, વણકર, છીપા, બાંધણીગર વગેરેનો ધંધો ગયો છે. લોક ઘણાં લૂગડાં પહેરે છે તેથી દરજી ને ધોબી શહેરમાં તાજા દેખાય છે; પણ એકંદર કારીગર તથા વેપારીને પરદેશી માલ આવવાથી અથાગ નુકસાન થયું છે, ને હજુ તો ક્યાં? શહેરમાં કોઈ ધણીધોરી નહીં એટલે વિટંબણા ભારે પડે છે.’ આમાંથી જ એક બીજો વિચાર પ્રગટે, ગામડાં જેવા નાનકડો એકમ સ્વાવલંબી કેવી રીતે બને તે— ગાંધીજી ‘ગ્રામ સ્વરાજમાં કહે છે: ‘ગ્રામ સ્વરાજનો મારો પોતાનો ખ્યાલ એવો છે કે દરેક ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક હોવું જોઈએ. પોતાના જીવનની અત્યંત મહત્ત્વની જરૂરિયાતો માટે એ પ્રજાસત્તાક પોતાના પાડોશીઓથી સ્વતંત્ર હશે. દરેક ગામ પોતાનું એક નાટકઘર, પોતાની નિશાળ અને સભાગૃહ નભાવશે. ગામની દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી મળે એવી જોગવાઈ કરવામાં આવશે. પૂરતી દેખરેખ નીચે નભાવવામાં આવતા કૂવાઓ અથવા તળાવોથી આ કાર્ય પાર પાડી શકશે.’ (૩૨) આવા જ કોઈ આદર્શ પ્રમાણે શહેરોનાં વિભાગીકરણ કરીને દરેક વિભાગને સ્વાયત્ત અને છતાં પરસ્પરાવલંબી બનાવીએ તો આપણા શહેરીકરણની કેટલીક સમસ્યાઓ ઊકલી શકે. ગાંધી વિચાર માત્ર ભારત પૂરતો સાર્થક ન હતો, એ સમગ્ર જીવસૃષ્ટિ માટે અનિવાર્ય હતો, મનુષ્યનાં લોભલાલસાવિકાર અટકે તો મનુષ્યતર સૃષ્ટિ પણ ટકી શકે. વિજ્ઞાનીઓ કહે છે કે અન્ય જીવસૃષ્ટિ વિના મનુષ્ય જાતિનું અસ્તિત્વ લાંબા ગાળે શક્ય નહીં બને. આ બધાને અન્તે પ્રશ્ન તો થાય છે જ કે અનિવાર્ય હોવા છતાં ગાંધીવિચાર આપણા સમયમાં સ્વીકૃતિ પામી શકતો નથી તેનું કારણ શું? અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ અને આના જેવી વિચારસરણી સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં ત્યારે બહુ મોડું થઈ ગયું હશે, પછી કોઈ આરોઓવારો રહ્યો નહીં હોય. આપણે કેટલુંક કબૂલી લેવું જોઈએ, સાદાઈની કે ગાંધીવિચારની વાતો કરનારા આપણે સૌ વાસ્તવમાં તો નર્યા ભૌતિકવાદી છીએ, આપણા દરેકમાં પ્રગટ અને અપ્રગટ એવો કોઈ થયાતિ સળવળ્યા કરે છે, આપણને સાદગીની સૂગ છે, આપણને વૈચારિક સત્ત્વ કરતાં તેની કુનેહભરી અભિવ્યક્તિમાં વિશેષ રસ છે, તેનાથી આપણે અંજાઈ જઈએ છીએ. ગાંધીજી અવારનવાર સત્તાના વિકેન્દ્રીકરણની વાત કરતા હતા, તેમને મન છેવાડેનો માણસ વધારે મહત્ત્વનો હતો. આપણે વિકેન્દ્રીકરણ કરીને ય સત્તાની બધી સંરચનાઓ આપણા હાથમાં રાખી છે, એ સત્—હીન સત્ત્વ વડે આપણે અન્યોને ડારીએ છીએ (કદાચ જે વધુ ભયભીત, કાયર હોય છે તે જ બીજાને ડરાવવાનો પ્રયત્ન કરે છે). આને પરિણામે અહિંસા, અસ્તેય, અપરિગ્રહ જેવાં પાયાનાં મૂલ્યો માત્ર વાચિક અભિનય બનીને રહી જતાં લાગે છે. ગાંધી વિચારની ચર્ચા વિચારણાઓ પણ મોટે ભાગે શૈક્ષણિક ઔપચારિકતા, એક મિથ્યા વિધિવિધાન બની રહે છે. અને છતાં રવીન્દ્રનાથ ઠાકુરે કહેલી એક વાત યાદ આવે છે-મનુષ્યમાં શ્રદ્ધા છે. એક માનવીમાં પણ કશુંક સત્ત આકારિત થઈ શકે છે, એ જ રીતે પથભષ્ટ મનુષ્ય ઠોકરો ખાઈ ખાઈને સાચો પથિક બની શકે છે. હવે ગાંધીના કોઈ નવા અવતારની પ્રતીક્ષા ન કરીએ, આપણા દરેકમાં રહેલા એક કજળી ગયેલા તણખાને નવી ફૂંકે ચેતનવંતો બનાવીએ.
‘ઉદ્દેશ’ એપ્રિલ - ૨૦૧૨