સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/ઘેર જતાં (ગુલામમોહમ્મદ શેખ)

(૧૫)
ઘેર જતાં (ગુલામમોહમ્મદ શેખ)

શબ્દ અને રંગરેખા વડે ગુજરાતને વિશ્વના નકશા પર મૂકી આપનાર ગુલામ-મોહમ્મદ શેખ (૧૯૩૭) દેશવિદેશનાં અનેક માન-સન્માનથી વિભૂષિત થયા છે. ગુજરાતી કવિતાને અછાંદસ દ્વારા એક સાવ નવું પરિમાણ આપ્યું. ‘ક્ષિતિજ’ અને ‘વિશ્વમાનવ’માં સર્જનાત્મક અને વિવેચનાત્મક લખાણો આવતાં રહ્યાં અને એ વિશે બહુ જ ઉમળકાથી ભોગીલાલ ગાંધી મિત્રોને કહેતા રહ્યા. પોતાનાં લખાણોને, સર્જનાત્મક અને વિવેચનાત્મક, વારંવાર ઘૂંટતા રહેવાની પહેલેથી આદત; વળી લખ્યા પછી તરત કશું પ્રકાશિત નહીં કરવું, પ્રકાશિત કર્યા પછી ગ્રંથસ્થ નહીં કરવું—આવી ધીરજ બહુ ઓછા સર્જકોમાં જોવા મળશે. અને એટલે જ જુઓ પહેલો કાવ્યસંગ્રહ ‘અથવા’ (કાવ્યસંગ્રહનું શીર્ષક ‘ઝાંય’ પણ વિચારેલું) છેક ૧૯૭૪માં અને તેની સંવર્ધિત આવૃત્તિ ૨૦૧૩માં પ્રગટ થઈ. ‘વિશ્વમાનવ’માં નિયમિત રીતે કળા વિશેની લેખમાળા પ્રગટ થઈ હતી, હજુ એ અગ્રંથસ્થ જ રહી છે. આત્મકથનાત્મક, સંસ્મરણો ધરાવતા ‘ઘેર જતાં’ સંગ્રહમાં ગુજરાતી ગદ્ય સાવ વિલક્ષણ રીતે પ્રગટ્યું છે. ‘ઊહાપોહ’માં પ્રગટ થયેલા આ નિબંધો વિશે ત્યારે આ લખનારે ઉમળકાથી વર્તમાનપત્રના પાને નોંધ લીધી ત્યારે એક વડીલ મિત્ર ભારે નારાજ થઈ ગયા હતા. એમની નજરે એ ગદ્યમાં કશી ગુંજાશ ન હતી. પણ આજે જયારે આપણે ‘ઘેર જતાં’નાં લખાણોમાંથી પસાર થઈશું ત્યારે પેલા જૂના ઉમળકાને અનેકગણો વધારવો પડે. ‘ઘેર જતાં’નાં લખાણોને બે વિભાગમાં વહેંચી શકાય. પૂર્વાર્ધમાં ‘ગોદડી’ સુધીનાં લખાણો અને ઉત્તરાર્ધમાં ‘રેસિડેન્સી બંગલો’ સુધીનાં લખાણો. આરંભે ગુલામમોહમ્મદ શેખ નોંધે છે : ‘પચાસ વરસ લગી આવ્યું એવું ને એમ જ લખ્યું. મઠારતા મઠારતા સાંભરણોને સર્જનાત્મકતાની સરાણે ચડાવ્યાં ત્યારે ક્યાંક સાંભરણ સર્જવાની વેળેય આવી. સીધી લીટીની આપકથા માંડવાનો ઉદ્યમ વિસારે મૂક્યો પણ નિબંધ, વાર્તા કે કવિતાની કેડીઓ સોંસરવું સંચરવાની ઉમેદ અકબંધ રહી.’ પહેલું લખાણ છેક ૧૯૭૦માં પ્રકાશિત થયું અને છેલ્લું શબ્દબદ્ધ થયું ૨૦૧૮માં. આરંભની કેફિયત ૨૦૧૪ થી ૨૦૧૭ સુધી લખાતી રહી. આ આત્મકથનાત્મક સાંભરણોને ‘અથવા’ની કાવ્યસૃષ્ટિ સાથે અને ‘નીરખે તે નજર’ની કળાવિષયક લેખસૃષ્ટિ સાથે રાખીને વાંચવાથી વિલક્ષણ સંવાદિતાનો અનુભવ થશે. આમાંનું કોઈ પણ લખાણ ગુલામમોહમ્મદ શેખનાં બીજાં લખાણોમાંથી પસાર થવાની આપણને ફરજ પાડશે. જે સ્થળે જન્મ થયો, બાળપણ વીત્યું તે વઢવાણની-સુરેન્દ્રનગરની વાતોથી માંડણી થાય છે, થોડાંક પૃષ્ઠ વાંચતાં જ આગળ જે કહેવાયું-આ ‘સીધી લીટીની આપકથા’ નથી-તેની આપણને પ્રતીતિ થાય છે. જમણ, શિરામણ અને મહેમાનગતિ થતી રહે એવા સાવ સાદા ઘરને વર્ણનના કસબથી મહોલાતમાં રૂપાંતરિત કર્યું છે. એવા નાના ઘરમાં કેટલો બધો વસ્તાર, ઘરની વ્યક્તિઓનાં પૂરાં આલેખન કરવાને બદલે લસરકાથી કામ ચલાવી લીધું છે – દા.ત. નાનાં ભાભી ‘ઘરકામ કરી અભણ જેવો પાઠ ભજવતાં, ભણાયું તે ‘ભુલાયું’. આ વરસોમાં ‘જુવાની ફૂટી ને દુનિયાને દેખવાની દૃષ્ટિ બદલાઈ. સૌથી વિશેષ તો સર્જનાત્મકતાનો વિકલ્પ ધાર્મિકતાના વાડા વળોટી ગયો.’ કળાના સ્પર્શે ચેતોવિસ્તાર થાય એવું પુસ્તકોમાં તો અવારનવાર વાંચ્યું પણ જીવનમાં એવો ચેતોવિસ્તાર કેવી રીતે થાય છે તે અહીં જોવા મળે છે. સાહિત્યનો વિદ્યાર્થી તો ઘેર બેઠાં પુસ્તકો વાંચીને ભાથું મેળવે પણ દૃશ્યકળાના વિદ્યાર્થીએ તો ચોગમ ફરવું પડે અને એમ કરતાં કરતાં સંવેદનાની ક્ષિતિજો વિસ્તારવી પડે. ઉમાશંકર જોશી કહેતા હતા – એ તે કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી? સુરેશ જોષીને કારણે વિશ્વકવિતાનો પરિચય અને ફાઇન આર્ટ્સ કૉલેજને કારણે વિશ્વકળાનો પરિચય. પછી તો વિશ્વકળા-કૃતિઓને પ્રત્યક્ષ નિહાળવાની તક મળી અને રાજેન્દ્ર શાહની પંક્તિ સાર્થક થઈ - ‘ઘર તજી જનારને મળતી વિશ્વતણી વિશાળતા.’ ‘કેફિયત’ પછી ‘ઘેર જતાં’થી માંડીને ‘ગોદડી’ સુધીના નિબંધોમાં ગુજરાતી ગદ્યમાં અત્યાર સુધી ન અનુભવેલી આદિમ સંવેદના અને એને અનુરૂપ ગદ્યશૈલી જોવા મળશે. વડોદરાના કાયમી વસવાટ પછી વચ્ચે વચ્ચે સુરેન્દ્રનગર જવાના પ્રસંગો આવ્યા ત્યારે અનુભવ થયો કે ‘ઘર છોડ્યા પછી પાછા ફરવાની ઇચ્છા કરવી તે પગમાં મૂળ ઉગાડી જાતને જૂની માટીમાં રોપવા જેવું છે.’ એટલે આવાં મૂળ ઉગાડીને વિરમગામ પછી સુરેન્દ્રનગરના માર્ગે નીકળો એટલે ‘આવળબાવળની આછેતરી ઝાડીઓ, રસ્તે આવતાં ગામડે બેઠેલી સૂનમૂન ઝૂંપડીઓ અને અતિવૃષ્ટિથી ઉઝરડાયેલી ગાભણી જમીન જોતાં મારા માથામાં વેદનાના ટશિયા ફૂટે છે.’ અને આ આસપાસના વાતાવરણમાંથી પસાર થાય ત્યારે શું કરવાની ઇચ્છા થાય છે? ‘રસ્તો આંતરી ખેતરનાં ઢેફાંમાં જઈને પડું, આળોટું, મારું મોં ખેડેલી ભોંયના વાટામાં ભેરવી ઊંડો ઊતરું જેથી મારા માથાના ટશિયા એના પેટમાં ઊતરે અને એના રેલામાંથી મૂળ ફૂટે.’ ‘અથવા’ની કેટલીક રચનાઓ સાથે આનો સેતુબંધ થાય. કવિ તરીકેની તથા ચિત્રકાર તરીકેની સર્જનાત્મકતા અવારનવાર જોવા મળશે. સુંદર-અસુંદર, શુભ-અશુભ જેવાં દ્વન્દ્વ અહીં જોવા નહીં મળે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ તો કહ્યું જ છે – ચિતિની પ્રોજજ્જવલ જવાલામાં એ બધાં દ્વન્દ્વ ભસ્મીભૂત થઈ જાય છે. અને એટલે જ સામાન્ય રીતે અંધકારને નકારાત્મક પરિમાણ તરીકે જોવાની આપણને આદત પડી ગઈ છે (ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા - તમસો મા જ્યોતિર્ગમય). પણ ગુલામમોહમ્મદ શેખને અન્ધકારનાં ચિત્રવિચિત્ર રૂપ જોવાની, કલ્પવાની જાણે આદત પડી ગઈ હતી. શૈશવના એ ઉધામાઓની સ્મૃતિ આવતાં એનું વર્ણન કેવી રીતે થાય છે? ‘દિવસના અનુભવને રાતના અંધારામાં શિલ્પવત્ કરી નિશ્ચલ ઘાસમાં ફરતાં જીવડાંની હરફરના અવાજને સાંભળી રહેવું—એ બધું આજે જાણે મારા પગ નીચે બાઝેલી વીસ વરસની ધૂળમાં કોઈક વાર વરતાઈ જતાં મૂળિયાંમાં મગફળી જેવા ફળનો સંપુટ થઈને બાઝેલું છે.’ આ સાંભરણોમાં સર્જકને કશા વિધિનિષેધ નડ્યા નથી, એટલે જ આપણાં લખાણોમાં રસ, શ્રુતિ, સ્પર્શ, ગંધની જે દુનિયા સામાન્ય રીતે બાજુએ મૂકવામાં આવે છે તેને અહીં વાચા આપવામાં આવી છે. આમાંથી પસાર થઈએ ત્યારે ખ્યાલ આવે કે આપણે કેટલાં બધાં જગતને બહાર રાખીને જીવતા હતા, ઘરમાંની કે ઘર બહારની સૃષ્ટિને જેટજેટલાં કારણો વડે પાળી શકાય તે અહીં આલેખાઈ છે. અજવાળામાંથી અંધારામાં જાઓ કે અંધારામાંથી અજવાળામાં જાઓ–નવી નવી જ દૃશ્યાનુભૂતિઓ થશે. વીજળીને કારણે ફાનસો ગયાં. (મોટા ઘરમાં હાથમાં ફાનસ લઈને જુદા જુદા ઓરડાઓમાં ફરીશું ત્યારે આંજી દેતા અજવાળાએ જે નહોતું દેખાડ્યું તે ઝાંખા અજવાળાએ દેખાડ્યું.) અને એક સાવ નવું જગત દેખાયું, ઓરડાઓમાં નવાં રૂપ જોવા મળ્યાં. શહેરીજનોને તો વગડાનો ખ્યાલ જ ન આવે, પણ જેનું બાળપણ વગડામાં ઊછર્યું હોય તે શહેરમાં રહીને પણ વગડાને ભૂલી ન શકે. આ જીવે આકડા પર જીવડાં જોયાં, આવળ પર ઇયળ અને બાવળ પર મકોડાની હિલચાલ જોઈ’, આ ઉપેક્ષિત સૃષ્ટિને સમગ્ર ચેતના દ્વારા આલેખી છે – ‘આ ગંધ, રંગ અને આકૃતિને સાથે વણી કાઢવાની ટેવ ગળથૂથીમાંથી મળી.’ આની સમાંતરે અતિ પ્રાકૃત તત્ત્વ પણ પ્રવેશ છે, પછી એ જગતના તાણાવાળા મોટી વયે જોયેલાં ચિત્રો સાથે વણાવા માંડ્યા. એટલું જ નહીં, બાળપણની એ આદિમસૃષ્ટિ પાછળથી ચિત્રોમાં આલેખાયેલાં પાત્રો સાથે સંવાદ પામી, પોતાના અને બીજાઓના ચિત્રજગતમાં ફરી ફરી પ્રવેશ્યાનો અનુભવ થાય છે. સામાન્ય રીતે આપણાં આત્મકથનાત્મક લખાણોમાં યૌવનના ઉઘાડ વખતનાં શારીરિક-માનસિક સંચલનોની વિગતો કશાક સંકોચથી બાજુ પર મૂકવામાં આવે છે. પણ અહીં એવું નથી. એવી પણ અફવાઓ સાંભળી હતી કે વિચિત્ર જાનવરો માણસોને ઉપાડી જઈ તેની સાથે રંગરાગ માણતાં. તેવા કોઈ જાનવરની પ્રતીક્ષા ગુલામમોહમ્મદ શેખને પણ હતી. દાદાની ઓરડીમાં બેસીને બહાર દેખાતી દીવાલ એક પાત્ર બનીને અહીં પ્રવેશે છે, અને દીવાલ સાથેનાં સાહચર્યો વિગતે આલેખાયાં છે. વળી નિત્યકર્મની વાત સ્વાભાવિક રીતે, સહજ રીતે આવે છે. સંવેદનશીલ સર્જક પ્રત્યેક ઘટના-પછી તે ગમે તેવી હોય – નાં આલેખનને સર્જનાત્મકતાનો પાસ કેવી રીતે બેસાડે છે તે પણ જોવા જેવું છે. તળાવના કાંઠે કુદરતી હાજત કરતી વખતની અનુભૂતિ અને તેની અભિવ્યક્તિ જુઓ, ‘પાળને કૂંડાળું વળી ઊગેલા ઝાડની ટોચેથી દેખાતું આકાશનું ચકરડું, જાણે મને, ઝાડને, પાળને અને તળાવને ઢાંકી બિડાઈ ગયું હતું. કુદરતના કોશેટામાં પુરાવાનો આ અનુભવ હજી પણ જયારે જયારે યાદ આવે છે ત્યારે મન સ્તબ્ધ થઈ જાય છે. મને લાગે છે કે એ અનુભવ માના ગર્ભમાં રહ્યાના અનુભવથી બહુ દૂર નહોતો.’ બધાની જેમ આપણા સર્જક પણ એસ.ટી.માં પ્રવાસ કરીને વતન જાય છે પણ તેમની પ્રવાસકથા વિલક્ષણ બને છે કલ્પનસમૃદ્ધિને કારણે. ‘કાચી ઊંઘના બગાસામાંથી બપોરથી ખાણીના ગોટા ઊડ્યા; થોડી ખારાશ, તૂરાશ, તીખાશનોય તમતમતો રંગ મોઢેથી નાકને સણસણાવતો નીકળ્યો...’ બસસ્ટૅન્ડ પરનું ચિત્ર કેવું આલેખાયું છે – તેમની નજરે શું શું પડે છે? ભરવાડણના અતલસનું કાપડું, ભરવાડની બીડીની ગંધ સાથે ડુંગળીની વાસ, ભૂલકાને મુતરાવતી મા... અને સામાન્ય જનોને જુગુપ્સાજનક લાગે એવાં સંવેદનો આલેખવાની જરાય છોછ નહીં. એક અચરજ તો થશે. દાયકાઓ પહેલાંના સાંભરણની આ વાતો છે. જો સ્મરણ-કથા હોત તો તો કોઈ પ્રશ્ન નહોતો. પણ આ એવી આપકથા નથી. વર્ષો જૂની સ્મૃતિઓ ઇન્દ્રિયપ્રત્યક્ષો દ્વારા કેટલી બધી બળકટતાથી આલેખાઈ છે : ‘પછી ભાગું સૂકા ભોગાવાને પેલે પાર ચીભડાની વાડીએ કોશ કાંઠે ભેંસ જેવડી મશકના ધોરિયે માથું ધરું ને ટાઢા પાણીની ભેંસ મારા રૂંવે રૂંવે ફાટી પડે. એ પાણીનો માર, એની ટાઢક, એ બન્ને સાથે ઝાલ્યાની એકાકી ઘડી.’ સામાન્ય રીતે મિયાણા કોમ લોકોની દૃષ્ટિએ કુખ્યાત છે. પણ એ કોમની ઊજળી બાજુ પણ જોવી જોઈએ. ‘આખા ગામનો ઉતાર ગટરમાં વહે છે અને સૂકી નદીમાં ઠલવાય છે. ભોગવાને કાંઠે કાળાં તળાવડાં ભરાયાં છે. રેતીય કાળીભઠ થઈ ગઈ છે, એ પાણીના પાટોડામાંથી નીકો કાઢી, પાળ બાંધી મિયાણી ઓરતોએ વાવેતર ને વાડા કર્યાં છે ને હવે તો હાથવેંત ઊંચું ઘાસ, વેલા ને રજકો થયાં છે. નાની નાની વીસ વીસ વારની જમીન આ પ્રજાએ પચાવી પાડી છે. ખૂણે ચાડિયા નાખ્યા છે ને ઝૂંપડાં બાંધ્યાં છે. કાળી રેતીના ભીના કાદવિયા કળણની ટાઢકમાં કૂતરાં આડાં પડે છે. ત્રણ ત્રણ વરસના દુકાળથી સૂકીભઠ નદીના થાળે ગંદવાડના પાણીને નાથી આ પ્રજાએ લીલોતરી પ્રગટાવી છે.’ બૉદલેર જેવા કવિએ તો કહ્યું હતું—તમે મને મળ આપો હું એનું સુવર્ણ કરીને આપીશ. મિયાણી પ્રજાએ કાદવમાંથી સોનું પ્રગટાવી આપ્યું! અહીં હિમાલયમાંથી પ્રગટેલી નિર્ઝરિણીઓની કથા નથી, આ પ્રદેશની ગટરોનું વર્ણન જુઓ, તેવા પાણીમાં રમતો રમતા ટાબરિયા, એમાં મૂતરતા છોકરાઓનું વર્ણન ગુજરાતીમાં ભાગ્યે જ જોવા મળશે ! ગુલામમોહમ્મદ શેખે જે કેટલાંક વ્યક્તિચિત્રો આલેખ્યાં છે તેમાં ભાઈનું શબ્દચિત્ર અદ્ભુત છે. અહીં સર્જકની કલમે કરેલા જાદુએ તો મૃત્યુ પામેલી ભાઈની રગેરગ આપણી આગળ ખુલ્લી કરી આપી છે. ભૂતકાળને સાચવવાની અદ્ભુત રીતો આ ભાઈએ અપનાવી હતી. સરમુખત્યાર જેવા લાગતા છતાં હૈયે બધાને માટે માયા રાખતા આ માણસે ઘરને, સમાજને, ઓળખીતા-પારખીતાઓને કેવી રીતે સાચવ્યા તેની વિગતો અહીં મળશે. ઝઘડા-ટંટા વખતે ભાઈનું જે વ્યક્તિત્વ ખીલે તે તો અદ્ભુત હતું. ‘પોચાને તો પરચો થાય કે એમનાં વેણ વાગોળવા માંડે ને ઘરકજિયે એ મૂડી વાપરે.’ કોઈને થાય કે ઘરકંકાસની આ બધી વાતો શા માટે લખવી જોઈએ! પણ સર્જકને સ્થૂળ વિગતોમાં રસ નથી, એ કંકાસનાં પરમાણોમાં રસ છે, અને એ કંકાસની વાતો કંકાસિની શૈલીમાં જે આલેખાઈ છે તે જુઓ : ‘કજિયો કંઈ અમારા ઘરની જ અસ્કયામત નહિ, શેરીની સહિયારી થાપણ. એ ચડે મરચાંની ડમરી જેવો, પછી ઝાળ થાય. વાતવાતમાં ઊંબાડિયું ચંપાય, સાંઠીકડું તડ તડ ફૂટે એમ તિખારા ઊડે, પછી એવો ભભૂકે કે કોઈ ન બચે. જોતજોતામાં ઘર સાથે ખડકીની હોળી ને પછી તો આખી શેરી ઝલાય, એની જવાળામાં લોક ડોળ, ડહાપણ નેવે મૂકી છકે, ભાંડે, શેહ શરમ છોડી— છૂપી અબળખાઓ છતી કરે, સામસામાં લૂગડાં ઉતારી નાગા થાય.’ હજુ આજેય બરાબર યાદ છે. રાજલક્ષ્મી સોસાયટીના અમારા ઘરમાં ગુલામમોહમ્મદ શેખે ‘ગોદડી’ નિબંધ વાંચ્યો હતો. શ્રોતાઓ હતા, જયંત પારેખ - હું અને ચન્દ્રિકા. એક જમાનો હતો જયારે ઘેર ઘેર ગોદડીઓ તૈયાર થતી હતી. જૂનાં-જરી ગયેલાં કપડાંનાં ચીંથરાં ભેગાં થતાં. કેટકેટલી ગંધને અહીં વર્ણવાઈ છે. માથાનું ધૂપેલ, માંકડનું લોહી, બાળકના પેશાબ—અહીં જે આલેખાયું છે તે આપણા સૌનો હિસ્સો પણ આપણી સભ્યતા આવાં આલેખન કરવા ન દે. દાદાની ખોલી તે આ સર્જકનો સ્ટુડિયો. ત્યાં અક્ષરો ઘૂંટાયા, ચિતરામણ થયાં, સ્ત્રીઓની કાયાઓની સમૃદ્ધિનો અનુભવ થયો – ફિલ્મી અભિનેત્રીઓની દેહયષ્ટિ વારેવારે વળગતી રહી— અહીં અનાસક્તિ નહીં પણ આસક્તિની વાતો નિખાલસતાથી આલેખાઈ છે. કિશોરાવસ્થામાં કેવી કેવી કન્યાઓ જોઈ? ‘ગલીને ઉપરવાસ મેમણની મેડીઓમાં ઝીણી ઝીણી, ચોખાની રોટલી જેવી ધોળી ને પોચી, ઘરેણે લથબથ ઢીંગલીઓ અગાશીમાં અલપઝલપ દેખાઈ જાય પણ આમેય આધી ને જરા વાસ વિનાની એટલે લૂખી લાગે. ઘરાણાને કારણે આંખ ખેંચાય પણ માંહ્ય મોણ નહિ એવી દેહસૃષ્ટિ પર વારી જતાં વાર લાગે.’ ક્યારેક કોઈ ગમી જાય– પણ તે મોટી વયની શિક્ષિકા નીકળે. હવે એક જુદા ખેલની વાત. ‘માય ફર્સ્ટ લવ’ જેવી વાર્તાઓ તો લખાઈ છે, અહીં અપરિપક્વ વયે આકર્ષણ જન્માવનારી એક કન્યાની વાત વિગતે આલેખાઈ છે. મગફળીનાં ખોખાં ફેંકીને ઓઝલ થઈ જતી કન્યાને માટેનો ઝુરાપો અહીં આલેખાયો છે. તે કન્યા કેવી હતી ! ‘શેકાયેલી ઘઉંની રોટલી જેવો ભીનો રતૂમડો વાન, તોતાપુરી જેવી તોરી ચિબુક, તેજ હડપચી, તીખું નાક, હોઠે સળી જેવી ઝીણી સેર, પહોળા કપાળે અધઓળ્યા વાળની જાડી લટ, ઉપર સૂકા ઝાંખરિયા વાળ ને ગરદન, ગરદન કેવી? આટલું જોતાં આંખ છલકાઈ ગઈ હતી.’ કન્યાદર્શને વિલક્ષણ અનુભવ કરાવ્યો, ‘રૂંવે રૂંવે દીવા થયા, નાડીઓ આળસ મરડી ઊઠી, પિંડનાં છિદ્રો ખૂલ્યાં, એમાં સ્રાવ થયો. આંખે અચાનક પીળી ઓઢણી ચડી આવી ને સામે દેખાતી દુનિયાની દાબડી બિડાઈ ગઈ.’ આપણી ભાષામાં પ્રથમ પ્રેમની અનુભૂતિઓનાં આલેખનો કેટલાં થયાં? કેવાં થયાં તેની તપાસ કરવા જેવી છે. અહીં અનુભૂતિ અને એની અભિવ્યક્તિ બેનમૂન છે? ‘એ રાતે ગોદડી ગેબી થઈ. પગ પડતાં પાતાળ ખૂલ્યાં, અડતાં જ અવકાશમાં આગળા ખૂલ્યા. ટાંકે ટાંકે ટંકાર થયો, હવામાં હવેલીઓ ફૂટી, અટારીઓ ઊગી. પડખું ફરું ત્યાં ખાટલો મધદરિયે, સીધો સૂઉં તો હથેળીમાં આકાશ ને ઊંધો પડી હાથપગ પસારું તો બથમાં બ્રહ્માંડ. ગાભા-ગોદડીનો ખટમીઠો ખેલ, અંગ અડે તે સળોમાં ગરમાવો ફૂટે, ઝૂલમાં કોરેકોરે ટાઢક ફરફરે. આંખ ઢળી ન ઢળી ત્યાં સંચર્યો સાપ, અંધારે આંધી આવી, ટેભા તણાયા, શ્વાસ ભેગી સળો સળગી ને ઘમસાણ મચ્યું, જોતજોતામાં ચૂંદડીનો કટકો છૂટો થઈ ચંદરવો થયો, પાટલૂનના પાંયચા પહાડ-ઢોળાવ પર ખેંચાયા, લેંઘાનો લીરો ભોગાવે પટ થઈ પથરાયો.’ ખરેખર તો બહોળો ફેલાવો ધરાવતા કોઈ સામયિકમાં ‘ગોદડી’ નિબંધનો ઉત્તરાર્ધ અને તેનો આસ્વાદ પ્રગટ થવો જોઈએ. ‘ગોદડી’ પછીના નિબંધો જુદા પ્રકારના છે. અહીં આપણું સામાજિક વાસ્તવ પણ પ્રગટ થશે. બિનસાંપ્રદાયિકતાના ભ્રમ ભાંગે અને નવેસરથી આપણાં સમાજ, સંસ્કૃતિ વિશે પ્રશ્નો થવા માંડે. ‘રેસિડેન્સી બંગલો’ નિબંધના આરંભે એની બાંધણીની વિગતો જોવા મળશે; નાનકડો ઇતિહાસ પણ મળશે. આ ગાળામાં નવાં નવાં ચિત્રો ચિતરાતાં ગયાં અને એ કૃતિઓમાં આપણું સામાજિક વાસ્તવ પણ ઠલવાતું ગયું. ‘શિયાળુ સવાર’માં ફરી પૂર્વાર્ધનો દોર જોવા મળશે. ‘ઘેરા લૂગડે તડકો પાંદડાં વચ્ચેના બાકોરે થઈ ચાંદરણે ખર્યો ને તેજનાં ટપકાં પડ્યાં : હાથ-મોં હતાં તેથી ઊજળાં થયાં, ઘેરા લિબાસ પર બાકોરાંની ભાત પડી: ટપકાં જાણે કે તડકે ધોવાયાં ન હોય! ટપકાં ફરતે લીલો, હતો તેથી ઘેરો થયો. પછી એ જ બેસણે ચાપાણીનાં વાસણ આવ્યાં તે પર તડકો-છાંયો સાથે વરસ્યો.’ આપણા નિબંધકારો, સંસ્મરણ-આલેખકો જે જગતમાં મોટે ભાગે પ્રવેશ કરતા નથી તે જગત અહીં બળકટતાથી, આદિમ સંવેદના સાથે આલેખાયું છે. નહાતી વખતે શબ્દ અને રંગરેખાના કળાકારને થતો અનુભવ અહીં આલેખાયો છે. ઘર વિશે તો ગુજરાતીમાં કેટલુંક લખાયું છે પણ તે બધાંથી જુદા પડીને ઘરની જે ઓળખ અપાઈ છે તે જુઓ : ‘પહેલું ઘર તેય શરીર. અંદર રહેવાનું ને બહારથી જોવાનું; અચંબો બેય બાજુ. પહેલાં તો જીવ અંદર પડ્યો લાગે, પણ અંદરનું ભળાય નહિ, કળાય ખરું. હરતું ફરતું ઘરઆંગળે પમાય. ઘરની આંગળી જ ઘરને પામે. ટેરવે રગેરગનાં તાળાં ખૂલે, સ્નાયુ મપાય, હાડચામનાં મજાગરાં ઉઘાડબંધ થાય, વાળની ઝાડીમાં જઈ ચડે તો ખોપરીની ખાલનો નકશો ઊપસે.’ છેલ્લો નિબંધ ‘ઘર ખોળ્યાં, ખોયાં ને મળ્યાં’. અત્યારે જે ઘર (‘નિહારિકા’)માં તેઓ રહે છે તેની કથા – સરેરાશ મધ્યમ વર્ગને નડતી મુશ્કેલીઓની કથા છે, પણ વધારે વિષમ વાતો કોમવાદી તોફાનોની વચ્ચે જીવવાની, હઠપૂર્વક જીવવાની વાતો છે. એ કપરા દિવસોમાં હસમુખ શાહ નીલા શાહ બળજબરી કરીને દિલ્હી લઈ ગયા હતા તેની વિગતો - છાપરે ચઢીને નહીં — આલેખાઈ છે. પાસ્તરનાકને પણ રશિયા છોડી દેવાની સલાહ કેટલા બધા મિત્રોએ આપી હતી, પણ એ જીવ રશિયાની ભૂમિનો કોઈ રીતે ત્યાગ કરવા માગતો જ ન હતો. ગુલામમોહમમદ શેખને પણ મિત્રોએ ગુજરાતમાં સૌથી વધારે ખરડાયેલા વડોદરાને છોડીને દિલ્હી જતા રહેવાની સલાહ લાગણીપૂર્વક આપી હતી પણ ‘ગુજરાતી ભાષાને વિસારે પાડવાનુંય પાલવે તેમ નથી.’ એમ માનતા આ માણસે આની જ માટીમાં મૂળિયાંની જેમ પગ ઊંડે ઊંડે પ્રસારીને રહેવાનું રાખ્યું. ‘ઘેર જતાં’ એક અદ્ભુત દુનિયા આપણી આગળ ઉઘાડે છે, ગુજરાતી ભાષાનું એક નવું રૂપ અહીં જોવા મળે છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

પરબ સપ્ટેમ્બર- 2019