સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/૧૩ ૭ ની લોકલ (સુન્દરમ્)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
(૧૭)
૧૩ ૭ ની લોકલ (સુન્દરમ્)

વીસમી સદીના ચોથા દાયકામાં સુંદરમે વિવિધ શૈલીઓની ઘણી રચનાઓ કરી, બુદ્ધનાં ચક્ષુ, તે રમ્ય રાત્રે, ત્રણ પાડોશી, ભંગડી, સળંગ સળિયા પરે... જરા જુદી રીતે તેમનાં કાવ્યોનું વિભાજન કરવું હોય તો બાળકાવ્યો, દલિતપીડિત વિશેનાં કાવ્યો, ભાવનાવાદી-આદર્શવાદી કાવ્યો, પ્રણય કાવ્યો, વાસ્તવવાદી કાવ્યો... કરી શકાય. આ બધાંને અનુરૂપ કાવ્યબાની ઉપજાવતાં કવિને આવડવું જોઈએ અને એટલે જ જે કવિ ભાષાનાં ભિન્ન ભિન્ન સ્તર પર પ્રભુત્વ ધરાવતો હોય એ કવિ સફળ કવિ ગણાય. વળી કવિ તો સર્જનયાત્રા કરવા નીકળ્યો છે. સુંદરમ્ પણ આવી યાત્રા કરવા નીકળેલા કવિ છે. (પોતાના એક કાવ્યસંગ્રહનું નામ ‘યાત્રા’ છે.) પોતાની કવિતાને ‘હજી નથી મળ્યું એનું સાચું ધ્રુવપદ’ની કબૂલાત પછી એની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ તેઓ સતત કરતા રહ્યા અને એક રચનાનું તો શીર્ષક પણ છે : ‘આ ધ્રુવપદ’. અહીં પ્રશ્ન થાય કે જો કોઈ પણ સર્જકને ધ્રુવપદ પ્રાપ્ત થઈ જાય તો એની સર્જનયાત્રાનું પૂર્ણવિરામ ન આવી જાય? આ કાવ્યના શીર્ષક પર નજર કરીએ, તે જે પ્રકારના આરંભની અપેક્ષા રાખે એવો આરંભ નથી, એટલે ભાવકની અપેક્ષાનો ભંગ થયો. પ્રાકૃતિક સ્પર્શવાળું એક દૃશ્ય ચિત્ર આવે છે અને તે પણ સંસ્કૃત બાનીમાં. ભરબપોરે કવિ આપણને વિવિધ રંગલીલા દેખાડે છે; અહીં આકાશ છે, વાદળ છે, સૂરજ છે, તડકાના રંગનું પોત બરાબર ઝીલવું છે એટલે કવિ મેંદો લઈ આવ્યા અને ઈષત્ પીત એવી રંગછટા પણ લઈ આવ્યા. પ્રકૃતિ છે, વનસ્પતિ છે, પ્રાણીસૃષ્ટિ છે, મનુષ્યરચિત સૃષ્ટિ પણ છે, અને જે દેખાય છે તે બધું જ સ્વચ્છ સ્વચ્છ છે. કવિને મૂળ વિષયવસ્તુ તરફ જવાની કશી ઉતાવળ નથી. પહેલી કંડિકા તડકાથી આરંભાઈ તો હવે બીજી કંડિકા તડકાના સ્રોત એવા સૂરજથી આરંભાય છે, એ આકાશમાંથી જે જુએ છે તે કાવ્યના વિષયવસ્તુ સાથે સંલગ્ન છે. જેનું કાવ્યમાં આલેખન કરવું છે તે જગતને જાણે સૂર્યની આંખે દેખાડવા જાય છે. રેલવેના પાટા એક તરફ સદાય વિસ્તરતી રહેતી આશાના ભુજ સમા છે તો બીજી બાજુએ એ ગાંડીવધારીના સોંસરા બાણ જેવા છે, આમ બે વિરુદ્ધ ભૂમિકાઓ સમાંતરે ગતિ કરે છે. પૂર્વભૂમિકા રૂપ બે કંડિકાઓ પછી કવિ હવે ૧૩-૭ની લોકલ જે સ્ટેશન પર આવવાની છે અને ઘડીભર ઊભી રહેવાની છે તેનું શબ્દચિત્ર આપે છે, પરંતુ સ્ટેશન શબ્દ સાંભળીને જો કોઈ ભવ્ય ચિત્ર આપણે ઊભું કરવાના હોઈએ તો એવું કશું જોવા નહીં મળે. વળી સાથે સાથે આપણે એક બીજી વિગત એ ધ્યાનમાં રાખવાની કે કવિ દ્વારા વર્ણવાતું આ સ્ટેશન આશરે છસાત દાયકા જૂનું છે. આજે તો બે મોટાં સ્ટેશનની વચ્ચે આવતાં અંતરિયાળ સ્ટેશનોના ય દીદાર સાવ બદલાઈ ગયા છે, એ બધાંએ પણ શહેરી વેશ પહેરી લીધાં છે. ૧૩-૭ની લોકલ જે સ્ટેશને ઊભી રહેવાની છે તે સ્ટેશનને નકાર દ્વારા પહેલાં તો મૂર્ત કરવામાં આવ્યું છે. એ નકાર સતત પડઘાતો રહે છે. સાથે સાથે એ નકાર દ્વારા મોટું સ્ટેશન કેવું હોય એ પણ સૂચવાઈ જાય છે, જુઓ :

ન તાળાબંધ દર્વાજા, પોર્ટરોની ન ધાડ છે, બગીચા ના, ફુવારા ના, ઝૂકતાં કે ન ઝાડ છે.

આ પંક્તિઓની પહેલાં બીજા છ નકાર આવી ગયા. દરેક નકાર દૂર કરતા જાઓ એટલે બીજું એક ચિત્ર ઊભું થાય. કવિના આ આયોજનકૌશલે ભાવકને પોતાની રીતે એક ચિત્ર ઊભું કરવાનું ઇજન આપ્યું, ભાવકને પોતાની સર્જનપ્રક્રિયામાં સહભાગી બનાવ્યો. હવે કવિ આપણને થતા પ્રશ્નનો ઉત્તર આપે છે – જો સ્ટેશન આ નથી, તે નથી તો છે શું?

એક છે ખોડીબારું ને, એક છે ખુલ્લું છાપરું, એક છે ટિકિટૉફિસ ને બે બાજુયે સદા પડ્યાં;
રહેતાં સિગ્નલો બે છે.

પાટાની આસપાસ રેતીના ઢગલા છે, એને કવિ પ્લૅટફૉર્મ તરીકે ઓળખાવે છે, અને એ બે ઢગલાની વચ્ચે સીધી ગતિએ વચ્ચે જતા પાટા છે. આમ કવિએ પ્લૅટફૉર્મનું એક ચિત્ર આંકી આપ્યું. તે પછી આ પ્લૅટફૉર્મ પરના ઉતારુઓની વાત આવશે - પણ આ ચિત્રોની વચ્ચે કવિ કથન કરે છે : એવા એ સ્ટેશને હાવાં બજ્યા છે બાર બાવન, અને સંચાર થાતો છે આછેરો ત્યાં ઉતારુનો. આ કથન પછી ફરી ચિત્ર આંકવામાં આવ્યું છે. ચિત્રોની વચ્ચે આવતું આવું કથન આપણને વિશેષ સ્પર્શી જાય છે. કાવ્યના આરંભે પ્રકૃતિનો સ્પર્શ વાતાવરણને થયો હતો, હવે પ્લૅટફૉર્મ પર જોવા મળતાં ઉતારુઓ સાદૃશ્યબળે આકાશનાં વાદળ સમાં છે, એ જાણે પ્રકૃતિનો વિસ્તાર છે.

આકાશે વાદળાં કાળાં ભૂખરાં ધૂળ રંગનાં, વેરાયાં છે અહીં તેવાં પ્લૅટફૉર્મે કૈં ઉતારુઓ.

પણ આ જે ઉતારુઓ આવ્યાં છે તે કોના જેવાં નથી? એટલે ફરી પેલા નકાર-હકારની ભાતનું પુનરાવર્તન થાય છે. નકાર દ્વારા ગામડાંનાં ઉતારુઓનું તથા શહેરનાં ઉતારુઓનું ચિત્ર અંકાયું. આ ઉજ્જડ સ્ટેશન પર આવેલાં ઉતારુઓ કેવાં નથી? ચડીને મોટરે આવ્યાં નથી, કે બૅગ બિસ્તરા ચડાવી પોર્ટરો માથે પધાર્યાં, ટાઇમ જોઈને... આ ભવ્ય ચિત્રની પડછે કેવું જગત દેખાડવામાં આવ્યું છે? સાવ અસભ્ય રીતે પ્લૅટફૉર્મ પર દાખલ થતા આ લોકો પાસે પોર્ટરોનાં માથાં શોભાવે એવો સામાન પણ નહીં. પોટલીઓ, બચકાં, ટિનનાં ડબલાં, સાવ સસ્તી થેલીઓ, છત્રીઓ-લાકડીઓ આ બધો સામાન લઈને આવેલાં મુસાફરોમાં શહેરી સંસ્કૃતિની છટાઓ તો જરાય જોવા નહીં મળવાની. આ નકાર-હકારની ભાતનું અવારનવાર પુનરાવર્તન થતું આપણે જોયું. એ દ્વારા એક વિરોધાભાસ પણ રચાય છે. એના દ્વારા કશુંક સૂચવાય છે. આવું પુનરાવર્તન એકાધિક વાર આવે એટલે ભાવકને પ્રશ્ન થાય કવિ કશાક પ્રત્યે અંગુલિનિર્દેશ તો કરવા માગતા નથી ને? કવિ જે આયોજન કરે છે તેને આધારે જ જો અનુમાન કરવું હોય તો કહી શકાય કે કવિ બે પ્રકારના જગત વચ્ચેનો વિરોધ ૧૩-૭ની લોકલને નિમિત્તે ઉપસાવવા માગે છે. અહીં જો મોટા સ્ટેશન અને સાવ નાનકડા સ્ટેશન, બંનેનાં ઉતારુઓ, બંનેના વાતાવરણ વચ્ચે જો મોટો ભેદ છે તો શ્રીમંત અને ગ્રામીણ-ગરીબ વર્ગ વચ્ચે પણ મોટો વિરોધ છે. કવિ બે વચ્ચેનો વિરોધ બીજી રીતે પણ રજૂ કરી શકે. સુંદરમે બીજા એક કાવ્યમાં આવો વિરોધ આમ રજૂ કર્યો છે :

શેઠાણી પહેરે ચુંદડી રે,
રંગ ચુંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ,
ભંગડી પહેરે ચુંદડી રે,
રંગ ચુંદડી રે, જ્યારે નીકળે છૈયાની જાન. (‘ભંગડી’)

પણ કશું તારસ્વરે કહ્યા વિના જ જો વાત કરવી હોય તો કેવી રીતે વાત કરવી? કવિ વર્ગસંઘર્ષની વાત કરવા માગતા નથી. પેલું જગત પાર્શ્વભૂમાં રાખે છે અથવા કહો કે પરોક્ષ રીતે સૂચન કરતા જાય છે. સાથે સાથે આપણે એ પણ જોઈએ છીએ કે અહીં ભાગ્યે જ કશા વિશિષ્ટની વાત જોવા મળશે, જે કંઈ છે તે બધું જ પ્રતિનિધિ રૂપ છે. અને આમ કવિ વિરોધને આગળ વિસ્તારે છે, મોટા સ્ટેશનની અને સાવ નાના સ્ટેશનની ટિકિટબારી પણ જુદી; અને એ રીતે વિરોધને વળ ચઢતો જાય છે. પછી તો ૧૩-૭ની લોકલમાં મુસાફરી માટે ભેગા થયેલા લોકોનું શબ્દચિત્ર અંકાતું આવે છે. બીજી કેટલીક ગાડીઓનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે; એ પણ ૧૩-૭ કરતાં જુદી પડી જાય છે, અહીંના મુસાફરો કેવા? જેમની જિન્દગી આખી પવને પાંદડાં સમી ખેંચાતી અત્ર કે તત્ર ઊંચે કે શું નીચે બધે એવા આ ગ્રામલોકો ને ગ્રામલોકોપજીવીઓ: એ મુસાફરોના વેશ, પહેરવેશ, બોલાશ, ઊભા રહેવાની–બેસવાની અદાઓનું ઝીણી નજરે આલેખન કરતાં કરતાં કવિ આગળ વધે છે; કવિએ આખો ગ્રામ્યસમાજ – છેક તળનાં માણસો સુધીનો—ઊભો કરી દીધો છે, સુંદરમે આ સમાજને કેટલી બધી નિકટતાથી જોયો છે અને જાણે કૅમેરાની આંખે આપણને બતાવતા હોય તેમ દેખાડતા જાય છે; એમાંથી એક ચિત્ર જુઓ : લાંબા લીરાની ઝૂલથી મઢી સાડીએ શોભતી જાણે વાદળી શ્યામકર્બુરા ઊભી છે ભંગડી, હાથે ખાંડી વાઢી ગ્રહી રહી દોરાથી બાંધીને, કાળી પ્રતિમા નિજ જાતની ભરેલી ધૂત તેલે કે ખાલી સ્વપ્નની સમી? કવિ ‘સ્વપ્નની સમી’ કહ્યા વિના રહી ન શક્યા. બીજું એક ચિત્ર તપખીરિયો પોમચો પહેરેલાં ડોસીમાનું છે, એ પણ વિગતસભર ચિત્ર છે. આ અને આવાં બધાં ચિત્રો પછી ૧૩-૭ની લોકલ આવે છે, કેવી છે એ?

નાનું શું ટપકું કાળું ને છોગું શીશ ધૂમનું ધીરેથી વધતું પહેલાં, પછી તો ડુંગરા સમી–

આ ચિત્ર આપીને જે અલંકાર પ્રયોજાય છે તે પાછો કવિની ગરીબો પ્રત્યેની પ્રતિબદ્ધતા સૂચવી જાય છે,

ગામડાં ગામના ભોળા ખેડૂના દેણની સમી ક્ષણમાં વાધતી આવે ધ્રોડતી પ્લૅટફૉર્મમાં.

કશું પણ તારસ્વરે કહ્યા વિના, માત્ર ઉપમાવ્યાપાર દ્વારા જ ગરીબો પ્રત્યેની અનુકંપા, તેમની આર્થિક બેહાલીનું ચિત્ર આપણી આગળ આલેખાય છે. સાથે સાથે આગળ જે રીતે અલંકારયોજના કરી છે એવી યોજના દ્વારા ઉપેક્ષિત મુસાફરોની દીનતાલાચારી પ્રગટ કરી આપે છે : ગાડીમાં ચઢવા માગતા આ ઉતારુઓ કેવા છે?

પડતાં વાઘ શું પૂઠે આશરો એક-ઝાડનો લેવાને ચડતાં જાણે અરણ્યે માણસો સમાં.

અહીં ટ્રેન ઊપડી જાય છે, ઉપમા પ્રયોજાય છે :

કરૂરે ગાર્ડની સીટી ખિસ્કોલી જેમ ખાખરે, અને ત્યાં ઊપડી જાતી એમ તે ગાડી આખરે.

એક રીતે જોઈએ તો અહીં કવિકર્તવ્ય પૂરું થયું પણ ત્રીસીના ગાળાનો પ્રતિબદ્ધતાથી ભર્યો ભર્યો વાસ્તવવાદ કવિતાને હજુ આગળ લંબાવે છે. ૧૩-૭ની લોકલ આખરે તો કચડાયેલા, સદાના ઓશિયાળા, સિંહ પાછળ પાછળ ચાલતા શિયાળ જેવા, બિચારા બાપડા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, અને પછી તો થોડી વાચાળતા ઉમેરે છે : તેમનાં પગલાં પૂજી જીવી ખાતી યથાતથા લહું છું આજ ઊભેલી જીવતી દીનતા સમી! મોટાને કારણે ચોખ્ખો કરી એ માર્ગ છે ગઈ, અને આ સ્થિર પાટાની સ્થિરતા શું હરી ગઈ! કાવ્યના આરંભે સૂર્યના તડકાનું આલેખન હતું, કાવ્યના અંતે પણ સૂર્યતેજનું ચિત્ર આવે છે. પણ આ સૂર્ય વાસ્તવવાદનો સૂર્ય નથી, કવિ એકાએક સ્થિત્યંતર કરી બેસે છે. વાસ્તવના ધરાતલ પરથી કવિ એકાએક એક બીજી ભૂમિકાએ જઈ ચઢે છે. હા, કાવ્યના આરંભે સૂર્ય હતો, પણ એ તો જરા જુદા સંદર્ભમાં હતો, હવે જે સૂર્ય કવિ વર્ણવે છે તે વેદકાલીન સૂર્યમાં રૂપાંતરિત થઈ જાય છે. ત્યહીં શું કોટિ કોશાન્તે ઝગતો સવિતા દિસે ઊતરી આવીને નીચે દ્રાવતો દ્રવ્ય પૃથ્વીનાં, ભિન્નની ભિન્નતા ગાળી એકત્વે ઓપતો બધું. હા, કવિએ વણ્ય વિષયને અનુરૂપ બાની ઉપજાવી લીધી, જે જુદાં જુદાં જગત –હકારનકારનાં, વિરોધનાં - કવિએ દેખાડ્યાં, કવિહૃદય એ દ્વારા વિક્ષુબ્ધ થઈ ગયું એને પરિણામે આવું એક સ્વપ્નજગત, બધી જ ભિન્નતાઓ શમી જાય, નરી એકતા પથરાઈ જાય- પરંતુ આ આદર્શ, આ ભાવના, આ ઇચ્છા - અભિલાષા આખરે તો ‘ઝાંઝવાં’ છે; વિશ્વમાં તો નરી ભિન્નતા છે; માટી એ માટી છે અને લોખંડ એ લોખંડ છે. જીવનના લક્ષ્યસમું ભર્ગધામ તો દૂર દૂર છે. આને નિરાશાવાદી સૂર કહેવો હોય તોપણ કહી શકાય. સુંદરમનું આ કાવ્ય લગભગ બોલચાલની ભાષામાં, અનુષ્ટુપને જેટલો પ્રવાહી બનાવી શકાય એટલો બનાવીને આયોજનકલા દ્વારા વિશિષ્ટ ઘાટ સંપડાવી આપ્યો. કવિ સમાજના છેવાડાના વર્ગને કેન્દ્રમાં રાખે છે; એ જગતની, એ વર્ગની વિવિધતા પણ નાની મોટી વિગતોથી આપણી આગળ રજૂ કરે છે. આ કોઈ દસ્તાવેજી મૂલ્ય માટે આજે આપણે એને વાંચતા નથી, એ સ્થળ-સમયની મર્યાદાને અતિક્રમી જાય છે અને એનો આપણને આનંદ છે.

શબ્દસૃષ્ટિ : ડિસેમ્બર : ૨૦૦૪