સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/વધ (અંજલી ખાંડવાલા)

આસ્વાદ
(૧૬) વધ (અંજલી ખાંડવાલા) વાર્તા

પોતાના વિશે કે પોતાની વાર્તાઓ વિશે કશો ઘોંઘાટ મચાવ્યા વિના સર્જન કરનારાઓમાં અંજલિ ખાંડવાળાનું નામ આગલી હરોળમાં મૂકી શકાય. ‘ઇન્દુભાઈ ગાયબ’ અને ‘શક્તિપાત’ જેવી કળાત્મક વાર્તાઓ લખનારાં અંજલિ ખાંડવાળા ઉપર ઘણા સહૃદયોનું ધ્યાન ઓછું ગયું છે. છેલ્લે છેલ્લે હિમાંશી શેલતે તેમના વિશે ઉમદા પ્રતિભાવ આપ્યો છે. ‘વધ’ વાર્તા અસાધારણ સર્જકતા ધરાવતી વાર્તા છે. આખી વાર્તા પ્રથમ પુરુષના કથનકેન્દ્રથી કહેવાઈ છે, વાર્તા કહેનાર સંવેદનશીલ, કળાકસબમાં રસ લેતી એક સ્ત્રી છે, સાથે સાથે સર્જક વ્યક્તિત્વ ધરાવે છે તેની પ્રતીતિ વાર્તામાં આરંભથી થવા માંડે છે; કેવો છે આરંભ? ‘સવાર સવારમાં સૂરજ બારીએ ડોકાય ને ઓરડાની પશ્ચિમી દીવાલે સોનેરી રંગની હેલી ચઢે. દીવાલે ટાંગેલ ચિત્રનાં મોર-પોપટ-ચકલાં સોનેરી રંગમાં ઝબોળાઈ આછી પાંખ ફફડાવવાં, પાનના લીલેરા ગુચ્છામાંથી નીકળી મારી આંખ આગળ ઊડાઊડ કરતાં. લીલાં-પીળાં-મોરપીંછ રંગ પી આંખ છલકાઈ જતી, ત્યારે મન મારું સાચે જ પુલકિત થઈ જતું’. આ વર્ણનને આધારે આપણી સમક્ષ એક આધારભૂત ચિત્ર ઊભું થાય છે. પણ લેખિકા આ સ્ત્રીને કેન્દ્રમાં રાખવા માગતાં નથી, આ સ્ત્રીની આંખે ભાનુ નામની એક કન્યાનું ચિત્ર ઉપસાવવા માગે છે. આરંભે જ ભાનુના વ્યક્તિત્વનો પરિચય તેની એક ઉક્તિથી થઈ જાય છે. ‘જેને જે કહેવું હોય તે કહે -મારે જે કહેવું હોય તે કરવાની જ.’ આ ભાનુનું શબ્દચિત્ર કેવી રીતે અંકાયું છે? ‘એક ચોટલે તાણીને બાંધેલ ભરાવદાર પણ બાવાની જટા જેવા બરછટ વાળ, પાતળી લાંબી ડોક, ભરતનાં ચણિયાચોળીમાં ઓઢાયેલો સપ્રમાણ દેહ. હસવાનું ખૂબ મીઠું ને એનો સામાન્ય ચહેરોય એકાએક મહોરી ઊઠે. એમાં છલકાતી નિખાલસતા પર વારી જવાય, વાતાવરણમાં ઉલ્લાસ છવાઈ જાય.’ ભાનુના મોઢામાં જ આછાપાતળા શબ્દો મૂક્યા તેને આધારે પણ આ વ્યક્તિત્વનો પરિચય મળી જાય. ‘બેન બહુ દિ પાછાં આવ્યાં ને મને ભૂલી ગ્યાં ને!’ આ વાક્યના ઉત્તરાર્ધ દ્વારા એના વ્યક્તિત્વનો કેટલો બધો પરિચય થઈ જાય છે. બેન ભરતકામ કરાવવા ભાનુ પાસે વચ્ચે વચ્ચે જઈ ચઢે, અને એના કસબથી બેન મુગ્ધ થઈ ગયાં. કોઈ પરિચિતે આ ભાનુનો સંદર્ભ આપ્યો હતો એટલે બેન જઈ ચઢ્યાં ભાનુના વિસ્તારમાં. કેવો હતો એ વિસ્તાર? ‘એકમેકને હાથ વીંટાળી, એકમેકમાં વાસી મોં નાખી ઊભેલાં અંધારિયાં, ધૂળમાં રગદોળાતાં, ઈટાળાં, બેઠા ઘાટનાં ઘર, ઉપર આછીપાતળી સિમેન્ટ કોઢિયણ દીવાલો...’ આવાં ઘરની સાત હાર... બે હાર વચ્ચે સાવ સાંકડી જગ્યા. સંકોચાઈને ચાલવું પડે.’ મકાનો, આસપાસનું વાતાવરણ સાવ રેઢિયાળ અને એમાં એ બધાને જાણે મારી હટાવતું અહીંની સ્ત્રીઓનું ભરતકામ! એટલે જ કહ્યું- ‘આવા રંગહીન વાતાવરણમાં અવનવી ભાતની રંગીન ગૂંથણી ચમત્કાર જ લાગે.’ આ રંગહીન વાતાવરણમાં ભાનુ સાથેની પહેલી મુલાકાત – આ મુલાકાત વખતે તો તેની વય તેર વરસની હતી - અને એટલી નાની વયે જે આત્મવિશ્વાસ હતો તે ગજબનો હતો- ‘મારું કામ તો જુઓ. ભાનુ એટલે ભાનુ... બાકી બધાયનાં કામ રસ્તે રસ્તે જોતા જજો એટલે ખબર પડી જશે. અને ભાનુનો કસબ બેનને આકર્ષી ગયો. પણ એ કસબીના ઘરનું વાતાવરણ? ‘એ દરમિયાન ઓરડામાં કેટલાં એ નાનાંમોટાંની અવરજવર, તેમનો કકળાટ, ઘોંઘાટ, બાઝંબાઝ, વચ્ચે વાસણનો પછડાટ, ખખડાટ...’ હવે વાર્તા આગળ કેવી રીતે વધે છે? ભાનુની બા તેના લગ્ન માટે ઉતાવળ કરે છે પણ ભાનુને લગ્ન નથી કરવું- ‘મારી નાંખો તોય નહીં પરણું... લગન નક્કી કરસો તે ટાણે જ ભાગઈ જઈસ.’ શા માટે? નારી સ્વાતંત્ર્ય કે એવા બીજા કશા ધજાગરા ભાનુનો પ્રતિભાવ કેવો છે? ‘પરણીને તેં ને ભાભીયુંએ સું કાંદો કાઢ્યો? સિવાય, આવાં લગ્નો સામે અને છતાં તેનું લગ્ન ગોઠવાય છે- કેવો ચઢ્યો લગનનો રંગ એના પર? ‘કપાળ સુધી ખેંચેલું ઓઢણું, તીખા તડકામાં ફટકી ગયેલા રંગ જેવો ચહેરો, નમાવી નમાવી નીચી કરી નાખેલી, ચીમળાયેલાં પાનવાળી ડાળી જેવી ડોક, હાથે સોનાનો બાજુબંધ, કાનમાં બુટિયાં...’ લગ્નજીવનથી સાવ નિર્ભ્રાન્ત થઈ ગયેલી ભાનુ! સાસરામાં રહેવાને બદલે પિયરમાં કેમ આવી – એના ઉત્તરમાં – ‘બેન, બધી સવારે અહીં છું. અહીં ન આવું તો અહીંનો ધંધો કપાઈ જાય-’ વળી પિયરમાં રહીને કામ ન કરે તો ‘ઘરવાળા સું ખાસે?’ અહીં ગરીબીનું, લગ્નજીવનની વિષમતાનું, સાસરિયાના ત્રાસનું વિગતે વર્ણન કરવામાં આવ્યું નથી. ‘મારા સગા બાપે મારી હાથેથી બાજુબંધ જબરજસ્તીથી લઈ લીધો...! અને ‘ઓલ્યા દાડે મારા હરામી સસરાએ મારાં બુટિયાં કઢાવવા મને મારી... પણ નહીં આપું.’ આ ‘નહીં આપું’ શબ્દોમાં પ્રચંડ શક્તિ અને છતાં ભાનુ જાતે સળગી મરી. એના પર શું શું વીત્યું હશે એની કશી વિગતો આપવામાં આવી નથી. બેનના પતિ ડેપ્યુટી પોલિસ કમિશ્નર એટલે પોસ્ટમોર્ટમ વગેરે... આ સળગી મરેલી ભાનુએ પોતાનાં બુટિયાં અને માદળિયું પોતાના જ શરીરમાં સંતાડી દીધાં હતાં! ‘મરીસ પણ મારી જણસ નહીં આપું.’ અને છેવટે ‘એની જણસ એની અંદર પાછી ગોઠવાઈ ગઈ.’ વાર્તાના પ્રારંભનું ચિત્ર પાછું જુદી રીતે પુનરાવર્તિત થાય છે. વાર્તા પૂરી થાય ત્યારે કોઈને પ્રશ્ન થાય શા માટે આવો કરુણ અંત? પણ આ જ સત્ય અને આ જ સૌંદર્ય. વર્ષો સુધી ભાનુનું ચિત્ર સહૃદયોના ચિત્તમાં સ્મરણીય બની રહેવાનું.

સમીપે : ૪૯-૫૦