સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્/શેષનાં કાવ્યો
[કર્તા શ્રી રામનારાયણ વિ. પાઠક, પ્રકાશક : પ્રસ્થાન કાર્યાલય, અમદાવાદ, કિં. રૂ. ૨-૮-૦ ]
શ્રી રા. વિ. પાઠક આજના ગણ્યાગાંઠ્યા સાહિત્યધુરીણોમાંના એક છે. એમની કલમમાંથી જે કાંઈ ટપકે છે, તે હંમેશાં આપણે માટે સાહિત્યના ક્ષેત્રમાં કળારૂપે કે વિચારરૂપે કંઈક સંગીન નવીન અર્પણ બની રહે છે. શ્રી પાઠક ગુજરાતી ભાષાના વિદ્વાન અધ્યાપક છે, કાવ્યશાસ્ત્રના ઊંડા અભ્યાસી છે, સાહિત્યકળાના મર્મજ્ઞ વિવેચક છે, વિવેચનશાસ્ત્રના માનાર્હ પર્યેષક છે, ટૂંકી વાર્તાના લાક્ષણિક લેખક છે, ગુજરાતી સાહિત્યમાં અજોડ એવા નર્મમર્મયુક્ત સ્વૈરવિહારના સ્રષ્ટા છે, આટલું ગુજરાતી સાહિત્યનો કોઈ પણ અભ્યાસી જાણે છે. એમનાં કાવ્યોનો આ સંગ્રહ એમના વિશિષ્ટ કવિત્વનું આપણને હવે દર્શન કરાવે છે.
‘શેષનાં કાવ્યો’ એ જાણે એ પોતાની તમામ સાહિત્યપ્રવૃત્તિનું શેષ કાર્ય હોય તેમ, શાસ્ત્રીય ગ્રંથો, અનુવાદો, વાર્તાઓ, વિવેચનો, નિબંધો, સ્વૈરવિહારો એ બધું લખ્યા કેડે હવે એમની કાવ્યકૃતિઓ આપણને મળે છે. ગુજરાતમાં લેખકોને અનેક ઉપનામો ધારણ કરવાનો ચેપ લગાડનાર આદિપુરુષ શ્રી પાઠક છે. એમણે પોતાની વિવિધ સાહિત્ય-પ્રવૃત્તિમાંની કાવ્યપ્રવૃત્તિ માટે ‘શેષ’ ઉપનામ રાખ્યું. એનો અર્થ એમના મનમાં, શેષ એટલે પૃથ્વીને અને વિષ્ણુને ધારણ કરનાર શેષ નાગ કે બીજો ગમે તે હો, પણ શેષ એટલે બાકી રહેલું એ પણ એનો એક સંભાવ્ય અર્થ છે. સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં વહી જતાં બાકી રહેલી શક્તિ તે કવિતામાં ખરચવી એમ ગણી કવિતાની નીચે એમણે ‘શેષ’ ઉપનામ લખ્યું હોય. પણ એ હો કે ન હો, જોકે કઈ બીજું લખવાનું ન હોય ત્યારે જ પોતે કવિતા લખતા હશે એમ એમની પંદર વર્ષથી ચાલુ કાવ્યલેખનપ્રવૃત્તિ જોતાં લાગે છે, પણ એમની શેષ શક્તિનું આ જે ફળ છે તે બહુ મૂલ્યવાન છે, સત્ત્વવાન છે, જેમ ગાયભેંસનું દોવાતાં દોવાતાં છેવટે આવતું દૂધ વધારે સત્ત્વવતું હોય છે તેમ.
શ્રી પાઠકનું કાવ્ય એમની અનેક શક્તિઓના થરોમાંથી નીગળતું નીગળતું આવે છે. અને એટલે એ બહુ જ નિર્મળ અને આરોગ્યપ્રદ તત્ત્વોવાળું બને છે. પાઠક તર્કશાસ્ત્રી છે, રસશાસ્ત્રી છે, કાવ્યજ્ઞ છે, વિવેચક છે, અને છેવટે ભાષાશાસ્ત્રી પણ છે. એમની કાવ્યરચના પાછળ આ શક્તિઓ પણ જાગ્રતપણે કામ કરે છે, અને એમનાં કાવ્યોને લગભગ ક્ષતિરહિત કરી મૂકે છે. હા, અમુક રુચિગ્રહોવાળાને આમાંનાં અમુક કાવ્યો સંપૂર્ણ રસપ્રદ ન નીવડે એવો સંભવ છે. પણ વિકાસશીલ અને ઉદાર રસવૃત્તિવાળો માણસ જોઈ શકશે કે આ ‘શેષનાં કાવ્યો’માં ઘણું વિશિષ્ટ કાવ્યત્વ રહેલું છે.
‘શેષ’ના કાવ્યોનું આ વિશિષ્ટત્વ શું છે? એ વિશિષ્ટત્વનું પહેલું લક્ષણ છે કાવ્યોનું અત્યંત વ્યાપક ઘટનારૂપ. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કે અર્વાચીનતર બધા કાવ્યપ્રકારો આપણને અહીં ભલે એકાદ બે કૃતિરૂપે તોય અત્યંત સફળ રીતે મૂર્ત થયેલા મળે છે. શેષનાં કાવ્યોમાંથી કેટલાંય આ૫ણને ઠેઠ વેદના સૂક્તોની પાસે લઈ જાય છે, આ જોકે અનુવાદો છે છતાં ગુજરાતી ભાષામાં તે કાળે વેદ લખાતા હોત તે તે કેવા લખાત તેની ઝાંખી કરાવે એવા એ અનુવાદો છે. કેટલાંક કાવ્યો આપણને સંસ્કૃત કવિઓની ધ્વનિપ્રધાન ઉત્તમ કૃતિઓ જેવો જ આસ્વાદ આપે છે. કેટલાંક આપણને આપણા આદિ ભક્તકવિઓની મીઠાશ ચખાડે છે. કેટલાંક આપણને લોકગીતોનું લાક્ષણિક વાતાવરણ અને ચમક આપે છે. કેટલાંક આપણા પ્રૌઢ રીતિના કાન્ત, બ. ક. ઠા. આદિ કવિની ધીરલલિત શૈલીએ વિષયને સૌંદર્યવતો કરે છે, અને કેટલાંક આજના નવીનતમ કવિઓના જેવી જ શૈલી અને વિચારણાને પ્રગટ કરે છે. વળી અંગ્રેજી સાહિત્યનાં જે અનેક લક્ષણોએ આપણી કવિતાને રંગી છે તે પણ અહીં છે જ. અને આમ અનેક શૈલીઓમાં વિચરતું છતાં શેષનું કાવ્ય સર્વત્ર પોતાનું ગૌરવ અને સામર્થ્ય જાળવે જ છે. અર્થાત્ એ દરેક શૈલીપ્રકારમાં એ એકસરખી રીતે સફળ થાય છે. ગુજરાતી સાહિત્ય અને ભાષાના આ અધ્યાપકને દરેક કાવ્યપ્રકાર માટે ઘટતી ભાષા અને શૈલી સહેલાઈથી સાંપડે છે. આર્ષવાણીની સહેજ રુક્ષતા – crudity, સંસ્કૃત કવિઓની લાલિત્યવતી પ્રૌઢિ, ભજનોની કુમાશ, લોકગીતોનું ઉક્તિલાઘવ અને વેગભર્યું રચનાપાટવ, અને અર્વાચીન અર્વાચીનતર કવિઓની પ્રૌઢ સ્વસ્થતા કે સાહસિક રમતિયાળપણું ‘શેષ’ની ભાષામાં છે. પણ એ ઉપરાંત એ પોતાનો લાક્ષણિક ઉમેરો પણ આ કાવ્યો દ્વારા કરે છે. નવા શબ્દપ્રયોગો નવીન રચનાકૌશલ, નવીન કલ્પનાચિત્રણ અને પોતાની એક ઊંડી લાક્ષણિક ભાવસર્જકતાથી શેષનાં કાવ્યો એક નવી તાજગી, નવી કુમાશ અને નવી સુન્દરતા ગુજરાતી કવિતામાં ઉમેરે છે. કાન્તના ‘પૂર્વાલાપ’ પછી શેષનાં કાવ્યો જ એવો કાવ્યગ્રંથ છે જે પોતાની સંયમભરી પ્રૌઢિથી અને ‘કાન્ત’ પછી ગુજરાતી કવિતાએ પોતાના પ્રવાસમાં મેળવેલાં નવાં તત્ત્વોને પોતાનામાં સમાવીને, તેમ જ પોતાનાં નવાં ઉમેરીને પોતાની અલ્પસંખ્યા છતાં બહુગુણતાથી એક સીમાચિહ્ન જેવો ગ્રંથ બની રહેશે.
શેષનાં કાવ્યોનો કાવ્યના બાહ્યરૂપ પરથી જો વિચાર કરીએ તો તેના અનેક વિભાગો પડે તેમ છે. એમાં ભજનો છે, મુક્તકો છે, સૉનેટો છે, ઊર્મિગીતો છે, રાસ છે, ગરબા છે, ગરબી છે, દુહા છે, ખંડકાવ્ય છે, એમ ઘણા ભેદ ગણાવી શકાય. પણ આ ભેદ પ્રમાણે કાવ્યના બાહ્ય આકારથી વર્ગીકરણ કર્યા પછી પણ એ કાવ્ય તરીકે કેવું છે તે તો જાણવાનું બાકી જ રહે છે. આ પ્રકારનું વિભાગીકરણ એ કાવ્યના બાહ્યરૂપના એક અભ્યાસ તરીકે મદદરૂપ બને. પણ કાવ્યતત્ત્વના અભ્યાસમાં તે લગભગ નહિ જેવું જ મદદરૂપ બને છે. આથી બીજો માર્ગ છે કાવ્યોને વિષય પ્રમાણે વિચારવાનો. અહીં પણ વિષય પ્રમાણે કાવ્યોને વહેંચવાથી કાવ્યોના કવિત્વનો પ્રશ્ન તો ઊભો જ રહે છે. પણ એના વિષયનું ઐક્ય આવવાથી કાવ્યોને પકડવાનો એક રસ્તો હાથ આવે છે. અને તેને આલંબીને રસચર્ચા પણ સરળતાથી થઈ શકે છે.
પુસ્તકમાં કાવ્યોની ગોઠવણી પણ લગભગ વિષયાનુરૂપ થયેલી છે. ૧થી ૫ ઈશ્વરભાવ; ૬થી ૧૩ પ્રકૃતિની ભૂમિકા ઉપર હૃદયના હર્ષ વિષાદો, ૧૪થી ૩૩ પ્રણય અને પ્રણયના અનુષંગી ભાવો, ૩૪મું રાણકદેવી ઐતિહાસિક વિષયનું, ૩પમું ‘વૈશાખનો બપોર’ સામાજિક નીતિનું, ૩૬થી ૪૨ નર્મમર્મ, ૪૩થી ૫૯ ગંભીર પ્રૌઢ મનોભાવો, ચિંતનો અને ભાવાનુભાવો અને છેવટનાં કાવ્યો ઊંડા સમર્પણ અને તત્ત્વ તથા સૌન્દર્યના દર્શનનાં કાવ્યો છે.
આ સંગ્રહનાં અડસઠે કાવ્યોમાંથી પ્રત્યેકમાં કાંઈક કવિત્વ, કશોક રસ કે ભાવચમત્કાર રહેલો છે, દરેકમાં કશીક લાક્ષણિકતા છે, કશુંક નવીન છે. અને એ રીતે દરેક કાવ્ય આસ્વાદ્ય પણ છે. પણ જેમાં શેષનું ખાસ વૈશિષ્ટ્ય છે તે કાવ્યો જ આપણે વિગતથી જોઈશું.
૫૯થી ૬૬મા સુધીનાં સંસ્કૃત કાવ્યના અનુવાદોમાં જે સંસ્કૃતનું વાતાવરણ જમાવ્યું છે તે એક ખૂબ રોચક વસ્તુ છે. કેટલાકને ક્યાંક અર્થ કઠિન માલમ પડશે, છંદો મૂળ પ્રમાણે જ હોઈ કેટલાકને તે ઠેબે ચડાવશે પણ છતાં વૈદિક સંસ્કૃતનું બળ અને ગાંભીર્ય આ કાવ્યોમાં મળશે.
પ્રારંભનાં પાંચ કાવ્યો પ્રાર્થનાભાવનાં છે. એ પ્રાર્થનાપ્રકાર નવો જ લાક્ષણિક બળવાળો છે.
હસી મૃત્યુ મુખે ધસવાનું જ દે,
ધસી મૃત્યુ મુખે હસવાનું જ દે.
જીવવા નહિ તો,
મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે!
પ્રભુ, યૌવન દે, નવયૌવન દે!
આ નવયૌવનની પ્રાર્થના કેટલી બળવાન છે! ‘પ્રાર્થના’ કાવ્ય જગતના સત્ત્વ રજસ્ અને તમસ્ ગુણ પ્રધાન વ્યક્તિઓ માટેનું લીટીએ લીટીએ નવો આનંદ આપતું સુશ્લિષ્ટ કાવ્ય છે. ગ્રંથના છેવટના ભાગમાં આવતું ‘જ્યારે આ આયખું ખૂટે!’ પણ આ જ પ્રકારનું અપૂર્વ કાવ્ય છે. ચાર ઉપમાઓથી જ આખું કાવ્ય માણસના જીવનની કેવી અદ્ભુત સમાપ્તિ કલ્પે છે. છેલ્લી જ કડી જોઈએ.
જેવી રીતે માળી ખરેલાં પાન
ક્યારામાં વાળી લીયે,
નવા અંકુર પાંગરવા કાજ
એ પાનને બાળી દીયે,
તેમ મુજ જીવનના સૌ શેષનું
કોઈને ખાતર કરજે,
કોમાં નવજીવન ભરજે,
મારો કોને લોપ ન નડશો;
મારો કોઈ શોક ન કરશો,
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણે તૂટે.
દરેક જણ પોતાનો આવો મૃત્યુલેખ મૂકી જવા ન ઇચ્છે? નર્મમર્મનાં સાત કાવ્યો, ૩૬થી ૪૨ સુધીનાં, એ શેષની સંપૂર્ણ લાક્ષણિક કૃતિઓ છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો તે કવિતામાં સ્વૈરવિહાર છે, પણ કવિતાની બધી શરતો એ કાવ્યો પૂરી પાડે છે એ તદ્દન સ્પષ્ટ દેખાઈ આવે તેવું છે. એની વાનગીઓ જોવાની લાલચને રોકી જ રાખવી પડે છે. આટલાં કાવ્યો બાદ કરતાં જે બાકી રહે છે તેમના બે મુખ્ય ભાગ પડી જાય છે. ૪૩થી માંડી ૬૭ સુધીનાં કાવ્યોમાંથી ચાર અનુવાદનાં બાદ કરતાં બાકી રહેતાં ૨૧ કાવ્યોનો, રસપ્રધાન નહિ પણ ચિંતનપ્રધાન એવી પોતપોતાની વિશિષ્ટ રીતે ઉત્તમ કૃતિઓનો પહેલો વિભાગ. અને ૬થી ૩૩ સુધીનો, જેમાં ૬થી ૧૩ સુધીનો એક બીજો પેટા ભાગ પાડી શકાય તેમ છે, રસપ્રધાન કૃતિઓનો બીજો વિભાગ, જે વિભાગ કાવ્યની ગહનતા, આલેખનની ઉત્કૃષ્ટતા અને રસની ઉત્કટતાના અંશોમાં આખા પુસ્તકમાં જ નહિ, પણ આપણી છેલ્લી પચીસીના કાવ્યગ્રંથોમાં પણ, એકાદ ન્હાનાલાલ જેવાને બાદ કરતાં, ઊંચે સ્થાને વિરાજે તેવો છે. પહેલા ચિંતનપ્રધાન ભાગમાં ‘દરિદ્રી જન્મોનો’, ‘આતમરામ’, ‘મને કૈં પૂછો ના’, ‘પાંદડું પરદેશી’, આદિ કૃતિઓ મનોભાવોનું છતુંઅછતું નિરૂપણ કરતી ધ્યાન ખેંચે એવી કૃતિઓ છે. આ વિભાગનું ‘સિન્ધુનું આમંત્રણ’ બ. ક. ઠાકોર જેવી વ્યક્તિને હાથે વિવેચિત થઈ પોતાની ઉત્કૃષ્ટતાથી જાહેર થયેલું છે. એવું જ ધીંગું, વેગવાન અને કલ્પનાથી સભર, કલ્પનાઓની ઈંટોથી જ રચાતું કાવ્ય ‘ઉસ્તાદને’ કેવળ સંગીતના ઉસ્તાદની જ નહિ પણ જીવનના ઉસ્તાદની પણ ગીતલીલાને શબ્દોમાં ઉતારે છે. બીજા વિભાગનાં રસપ્રધાન કાવ્યોમાં ઉપર કહ્યા પ્રમાણે આઠેક કાવ્યો જરાક જુદાં પડે તેવાં છે. કારણ એમનો નિરૂપ્ય વિષય પ્રકૃતિ-સૌન્દર્ય છે. પણ છતાં એમને કેવળ પ્રકૃતિકાવ્ય કહી શકાય તેમ નથી. શ્રી પાઠકે એમની વિવેચનાઓમાં એકથી વધુ વાર આ વસ્તુ સ્ફુટ કરી છે કે કેવળ પ્રકૃતિ એ સફળ રીતે કાવ્યનો વિષય બની શકે નહિ. પ્રકૃતિનું નિરૂપણ પણ જ્યાં માનવભાવથી ભીંજાઈને થતું હોય છે ત્યાં જ તે આસ્વાદ્ય બને છે. કુદરત પણ જ્યારે માણસના હૃદયની સાથે વણાઈ જાય છે, ત્યારે જ તે રસનીય બને છે. મનુષ્યના સંપર્ક વિનાની કેવળ પ્રકૃતિ એ છેવટે તટસ્ય શાસ્ત્રીય માહિતીનો જ વિષય બની જાય. આ વસ્તુ અમને ખરી લાગે છે. અંગ્રેજી સાહિત્યમાં જેને પ્રકૃતિ-કવિઓ કહેવામાં આવે છે તેમની કવિતા પણ પ્રકૃતિનો પ્રધાન આલંબ લે છે છતાં છેવટે માનવભાવમાં પરિણામ પામે છે. આપણાં કાવ્યોનો દાખલો લઈએ તો વિક્રમોર્વશીયનો પુરૂરવા ઉર્વશીની શોધમાં ગાંડો બની આખા અરણ્યને અને અરણ્યપશુપક્ષીઓને જીવતાં માની તેમની સાથે જે વાગ્વ્યાપાર કરે છે તે કેવળ માનવભાવોથી જ ભરપૂર છે. આ રીતે જોતાં આ વિભાગનાં ઘણાં કાવ્યોમાં પ્રકૃતિનાં ઘણાં દૃશ્યો મનોરમ રીતે વર્ણવાયાં છે પણ હૃદયભાવની સાથે તેનો ઘટ્ટ વણાટ થયેલો છે. ‘ડુંગરની કોરે’, ‘સખિ, આજ’, ‘એક સંધ્યા’, ‘નર્મદાને આરે’, ‘આવી નિશા’, ‘સંધ્યાની ગઝલ’, ‘માઝમ રાત’, આ બધાં કેવળ કુદરતનાં નહિ પણ ભારોભાર ભાવ નીતરતાં ગહન કાવ્યો છે. આ કાવ્યોનો રસ શું છે? અહીં ભર્યો ભર્યો વિષાદ છે, મૂંગો શાંત પણ અતાગ વિરહ છે, લગ્ન અને સંસારનો આનંદ છે પણ એની બીજી બાજુ પણ અહીં છે. અને છેવટે ઉરે ઉરે સ્થપાયેલા મન્મથનો સ્વીકાર અને નિઃસીમ રીતે ઊલટતો પ્રણયઘન છે. એક વાર નહિ પણ અનેક વાર પાઠ કરવા છતાં કદી ઘટે નહિ, એવી આ રસની પાતાળસરિત છે. આ ભાવોને આટલા બધા અપૂર્વ રીતે રસનીય કરી મૂકનાર તત્ત્વ છે શેષની કાવ્યકલા. આ ભાવો તો સાહિત્યમાં અતઃપૂર્વે અનેક વાર આવી ગયા છે. પણ પ્રત્યેક કળાકાર પોતાની લાક્ષણિક શૈલીથી તેમને નવી તાજગી આપે છે, તેમાં નવું તત્ત્વ પણ કદી ઉમેરે છે. શેષનાં તમામ કાવ્યોમાં પ્રવર્તતી આ કળાનાં થોડાંક લક્ષણો જોઈ લઈએ. શેષની કળાનું પહેલું લક્ષણ છે લાઘવ. મોટામાં મોટું કાવ્ય ‘એક સંધ્યા’ પણ ૧૦૪ લીટીથી વધતું નથી. શેષનું એક નાનકડું સૉનેટ વાંચતાં વાંચતાં પણ આપણે એક આખો ખંડ ફરી વળ્યા હોઈએ એવું લાગે છે. ‘પ્રાર્થના’, ‘સિન્ધુનું આમંત્રણ’, ‘ઉસ્તાદને’ એ પચીસ પચાસ કે પોણો સો લીટીનાં કાવ્યો તો આખું જગત આપણી આગળ ઊભું કરી દે છે. આ ઘટ્ટ વણાટ ઊભો થઈ શકે છે ઉક્તિસામર્થ્યથી, સઘન કલ્પનાશક્તિથી, વિષયને મૂર્ત કરવાની અનોખી હથોટીથી. આ કાવ્યો જોતાં થાય છે કે ઉત્તમ કાવ્ય જે બને છે તે શબ્દોના વિસ્તારથી, ઉત્પ્રેક્ષા કે અલંકારોના ગુણાકારોથી નહિ, કે પંક્તિઓની અતિસંખ્યાથી નહિ; પણ વિષયને વધારેમાં વધારે કરકસરથી, વધારેમાં વધારે મૂર્તરૂપ આપીને સચોટ શબ્દ પ્રેયોગોથી, અને અનેક ધ્વનિના ગુંજારવથી ગુંજી રહેતી તાજગીભરી ભાષાશક્તિથી. આ લાઘવ તે કેવળ પંક્તિઓની અલ્પ સંખ્યામાં જ નહિ પણ થોડા શબ્દોથી મોટું સુરેખ ચિત્ર ઊભું કરવાની કળામાં તથા થોડા શબ્દોમાં પણ ઘણું કથન ભરી દેવાની કળામાં રહ્યું છે. એકાદ બે કડીમાં જ આખું કાવ્ય સંપૂર્ણ રસપ્રતીતિ કરાવી શકે છે.
વેણીમાં ગૂંથવાં’તાં-
કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી.
૦૦૦
સિન્ધુ ઘોષ સહ આવો
મર અન્ય જગતરવ
નવ સંભળાઓ
૦૦૦
પછાડીને પાય ઉડાડ્યું પાણી,
થઈ રહ્યો ઘુમ્મટ શીકરોનો.
૦૦૦
ન પાણી ને પ્રેમ સમું બીજું જગે
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને.
૦૦૦
યાદા’વે માત્ર તારું મધુરમુખ સખી! આંગળી-હોઠ-મૂક્યું!
અનેક અર્થસભર સઘન ચિત્રભરી પંક્તિઓના આ થોડાક નમૂના છે. આ અર્થઘનતા નિષ્પન્ન થવાનું એક સાધન છે અર્થની વ્યંજકતા, જે અર્વાચીન કવિઓમાં શેષ જેટલી ઘણા થોડાએ સાધેલી છે. શેષની-કાવ્યકળાનું બીજું લક્ષણ છે એની નિરૂપણની કલ્પનાયુક્ત, સુંદર અલંકારોથી પુષ્ટ થતી, લિસ્સા થયેલા શબ્દો છોડી નવી તાજી શબ્દાવલિથી કામ લેતી અભિનવ રચનાપદ્ધતિ. અને આ છેલ્લું લક્ષણ જ સૌથી ઉત્કૃષ્ટ લક્ષણ અમને લાગે છે. કવિતા પણ ઘણી વાર એકાદ બે પેઢી લગી એકના એક શબ્દપ્રયોગોમાં અને એની એ ઉપમાઓમાં અટવાઈને છેવટે વાસી બની જાય છે પ્રતિભાશીલ કવિ આ બંને બાબતોનાં કાંઈ નાવીન્ય લઈ આવે છે. જતે દિવસે એક કવિ પણ પોતાની બીજાઓથી નવી હોય પણ તોયે એની એ શૈલીનો ભોગ થઈ પડે છે, જેનું જ્વલંત ઉદાહરણ કવિ ન્હાનાલાલ છે. જોકે આ ભયમાંથી તે કદાચ કોઈ અસાધારણ જ શક્તિવાન લેખક બચી શકે. શરીરની પેઠે શૈલી પણ માણસનો છાલ છોડતી નથી લાગતી. અસ્તુ. આ બે દાયકાની કવિતામાં તાજગી ઉમેરતી, ઉપર જણાવેલાં લક્ષણવાળી રચનાના થોડાક નમૂના જોઈએ. શેષનું કાવ્ય વાચ્ય લક્ષ્ય અને વ્યંગ્ય ત્રણે અર્થોમાં સરખી પ્રૌઢિથી વિચરે છે. અલંકારોનો મર્યાદિત પણ બહુ જ સચોટ ઉપયોગ કરે છે. અને તે ઉપમાઓ તથા ઉત્પ્રેક્ષાઓ કાવ્યનું અંતર્ગત તત્ત્વ બની કાવ્યનું અવિભાજ્ય અંગ બની રહે છે. પ્રશાંત સાગરમાં સફર કરતાં વહાણોની ઉપમા જુઓ :
મહાન ખગરાજ પાંખ સમતોલ બે રાખીને
ઉડે સતતવેગ જેમ, વણ મોહ, ધારી દિશે–
વનનો દવ–
જાણે ધરતીનું ફાડી પેટ અંધારના રાફડા હાલ્યા.
એક સાંજે–
બધો દિન તપીતપી રવિ ય અસ્ત માર્ગે પળે,
જહીં રજની તોરણો વિવિધવર્ણ કેરાં સ્રજે.
‘ઉસ્તાદને’ કાવ્યમાં સંગીતનો જે અનુભવ છે તે તો અનેકાનેક અનુપમ ઉપમા ઉત્પ્રેક્ષાઓથી જ વર્ણવાયો છે. જેમાંની માત્ર વાનગી જ અહીં લઈએ–
જગાડે રામાને પ્રિયતમ કરી કૈં અડપલું
જગાડી તે રીતે તુજ બીન ધરે કંઠ પર તું!
૦૦૦
વર્ષી જેવો મેઘરાજા વિરામે,
તો યે તેનાં વારિઓ ઠામઠામે,
ઊંડાં ઊંડાં નીતરી ઉતરીને ફુટે જૈ નવાણે,
તારું સંગીત તેવું હૃદયતલ થકી ફૂટતું કેમ જાણે!
કાવ્યના પ્રસ્તુત વિષયને પુષ્ટિ આપવાનું કાર્ય કરવા ઉપરાંત અલંકારો પોતે જ કેટલીક વાર અનુપમ કાવ્ય બની રહે છે. કલ્પનાનો વેગ અને વ્યાપકતા પણ એમાં ઘણો ભાગ ભજવે છે. શેષનાં કાવ્યોનું છેલ્લું લક્ષણ છે રસનું ઊંડાણ. એ જ લક્ષણ એવું છે કે જે કાવ્યકળાનાં તમામ ઉપકરણોને સાર્થક કરે છે, અને જેના વિના તમામ ઉપકરણો વન્ધ્ય જ રહે છે. શુદ્ધ પ્રફુલ્લ અને તાજો, મીઠા મર્માળા કટાક્ષોથી ભરેલો હાસ્યરસ, એ આ સંગ્રહનો એક પહેલો મહત્ત્વનો રસ છે. બીજો મહત્ત્વનો રસ છે જીવનનાં કેટલાંક પાસાંઓને આલેખતો ચિંતન પ્રધાન શાંત રસ, જે ભજનોનાં તથા બીજાં છેવટના કાવ્યોમાં આવે છે, આ વિભાગનાં કાવ્યમાં ‘વૈશાખનો બપોર’ એક ઉત્તમ કાવ્ય છે. દલિત પીડિતને અંગે લખાયેલાં ઘણાં કાવ્યોમાં આ એક મહત્ત્વનું સ્થાન લે તેવું છે. બેકાર સરાણિયાની પાછળ ખરે બપોરે ચાલતો ભૂખ્યો બાળક અનેરી કરુણા ઉપજાવે છે.
‘બાપુ સજાવો કંઈ’, ‘ભાઈ, ના ના
સજાવવાનું નથી કૈં અમારે.’
અને ફરી આગળ એહ ચાલ્યો
‘સજાવવાં ચપ્પુ છરી!’ કહેતો;
ને તેહની પાછળ બાળ, તેના
જળે પડેલા પડઘા સમું મૃદુ
બોલ્યો ‘છરી ચપ્પુ સજાવવાં છે?’
આખા કાવ્યની કરુણતમ સ્થિતિ અહીં આવે છે. પછી તો દયાવંતોની દયા પણ વ્યવહાર આગળ ઓગળી જાય છે અને છેવટે માણસાઈના દાવે તેના સમકક્ષ લોકો જ તેને રોટલો આપે છે. નવીન રસળતી સાદી શૈલી, મીઠો બુદ્ધિથી ચમકતો મર્મ અને ઘણાયે બગાડી મૂકેલા વિષયને બધાં ભયસ્થાનોથી બચાવી લઈ સાધેલો અંત. સૌથી ઉત્તમ રીતે જેમાં શેષની કલમ વિહરી છે તે છેલ્લો રસ છે પ્રણય રસ. એ કાવ્યોના બે ભાગ પડી જાય છે. આત્મગત અને વસ્તુગત. રસનુ ઊંડાણ પહેલામાં વધારે છે. બીજો એના પ્રફુલ્લ દર્શનથી વધારે ગાંભીર્ય ધારે છે. પહેલામાં લાગણીનું ઊંડાણ છે, બીજામાં તત્ત્વનું. માણસના જીવનમાં જે પ્રસંગો બની જાય છે તેને માણસે જીવ્યે જ છૂટકો છે. વિગત પત્નીનો ચિરંજીવ સખ્યભાવ, એના વિરહનું ગુપ્ત અને એટલે જ ઘેરું અપાર દર્દ, અને એ પ્રત્યેના ભાવની ચિરસ્થાયિતા : આ કાવ્યો આત્માના સહચારની આપણી જે કલ્પના છે તે કેટલો સાચ્ચો હોઈ શકે, વિધિના વિધાનને લીધે દર્દમય છતાં કેટલો સ્વસ્થ અને સંયમી હોઈ શકે એ એકથી વધારે કાવ્યોમાં જોવા મળે છે. અર્પણની એક લીટીથી માંડી ‘છેલ્લું દર્શન’, ‘સખીને’, ‘નર્મદાને આરે’, ‘આવી નિશા’, ‘ઉદ્ગાર’, ‘સંધ્યાની ગઝલ’, ‘માઝમરાત’, ‘ઓચિન્તી ઊર્મિ’, ‘ના બોલાવું’, આ કાવ્યો આ પ્રકારનાં છે. એ સર્વમાં સંયમિત વેદનાની ટોચને પહોંચતા ‘છેલ્લું દર્શન’ની સ્વસ્થતા જ આ૫ણને હલાવી નાખે છે.
ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.
મળ્યાં તુજ સમીપ અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં’;
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુન્દરી?
પણ એ સ્વસ્થતા તે ધીર પુરુષની છે. હૃદયનું દુઃખ તો એટલું જ અતાગ ગંભીર રહે છે. ભૂતકાળના જીવનનો ચોપડો જે જતનપૂર્વક વાસી રાખેલો, એટલા માટે કે રખે સ્મરણોનો ઝંઝાવાત એના પૃષ્ઠને ફફડાવી મૂકી છિન્નછિન્ન કરી મૂકે – તેને એક દિવસ વાયુની ઊર્મિ, વાયુની શેની? – પ્રાણવાયુની જ, પ્રાણની ઝંખનાની જ ઊર્મિ ખોલી નાંખે છે. આછા રૂપકને લીધે ઊર્મિ, પોથી ઇ. શબ્દો કેટલા અર્થગંભીર ધ્વનિમય બની રહે છે. એ ઊઘડી ગયેલી પોથીમાં
યાદા ’વે છે તુજ મુખ સખી, આંગળી-હોઠ-મૂક્યું!
બીજું કાંઈ જ નહિ માત્ર એટલું જ યાદ આવે છે. અને
ઓચિન્તી વાયુઊર્મિથી વાસેલી પોથી ઊઘડે,
પર્ણોમાં ગૂઢ ઢંકાયું, હિમબિન્દુ ખરી પડે!
હૃદયના દુઃખનું બિન્દુ કેટલું વેદનાથી ભરચક છે!
કેટલાંયે વિરહી હૃદયોની મનોવેદના આ કાવ્યો ઝીલતાં હશે આ કાવ્યોના વળીવળીને વાંચનારા સમભાવી સ્નેહીઓ ઓછા નહિ હોય! આ વિરહીનું દુઃખ છે. પણ પરણતાં, પરણેલાં કે સંસારીઓનાં દુઃખ પણ ઓછાં નથી. ‘લગ્ન’, ‘’એક કારમી કહાણી’, ‘દૃષ્ટિપૂતમ્ પદમ્’, ‘મન્મથનો જવાબ’એ આ પ્રકારનાં કાવ્યો છે. કેટલાકને માટે તે, સ્ત્રી હો કે પુરુષ, લગ્ન બની રહે છે
આયુ-લાંબા-મૃત્યુદીક્ષાની મેહફિલ!
પરણેલાની સાથે-તે પછી સ્ત્રી હો કે પુરુષ, પ્રેમમાં પડનારની વિકટ દશા દવમાં બળી મરતી મેના જેવી હોય છે. સમાજના કે પરિસ્થિતિના સાણસા કેવા હોય છે –
જાણે ધરતીનું ફાડી પેટ અંધારના રાફડા હાલ્યા!
મેનાને ઊડતાં ઝાલ્યાં!
અને એમાં સપડાનારની–
ન કોઈએ ચીસ, ન કોઈએ શબ્દ, ન કોઈએ હાય એ સૂણી,
જરા થઈ તડતડ ધૂણી!
એ પરિસ્થિતિનોભોગ થનાર પાત્રને તેનો સાથી જુએ છે. દુઃખથી સિઝાઈ જાય છે. પણ એય પાછો પોતાને માર્ગે પહોંચી જાય છે. આનાથી કારમી કહાણી બીજી શી છે? લગ્નજીવન એ આખો કાંટાળો પથ છે. ત્યાં જોઈ સમાલીને ડગ ભરવાનું શેષ કહે છે. આ યુગની ઉદારતાના તે પણ હિમાયતી છે.
જતાં જગતમાં કદી પગલું કેડી બ્હારે પડે,
અને કાંટો વાગે, તો સમાલીને ચાલો, કાંટાને કાઢી નાખો, અરે એ કાઢવાને કાંટાથીયે વધારે ઊંડે ખોદવું પડે તો ખોદો કિંતુ–
ન થાય પણ લગ્નકંટક પગેથી યાત્રા ભવે!
જેના જીવનમાં લગ્ન કાંટા રૂપ બન્યું છે તેણે તેમાં સુધારો કરવો જ રહ્યો ને! અને કેટલાક ચોખલિયા સાધુ પુરુષો જગતને બ્રહ્મચર્યથી નવાડી નાખવા તૈયાર થયેલાઓને, કામવૃત્તિનો જગતમાંથી ઉચ્છેદ કરવાને નીકળેલાઓને મન્મથ પૂછે છે, કે –
છતાંય સહુ વિશ્વનાં બલમહીં હું નિશ્રે જ જો
અનિષ્ટતમ, તો રહ્યું, હું ક્ષણ આજ આ જાઉં લ્યો –
પણ દુનિયા મન્મથને ઓળખે છે :
તહીં ‘નહિ. નહીં નહીં,’ ઉચર્યું વિશ્વ નિઃશ્વાસથી.
શેષે પ્રણયસુખ પણ અદ્ભુત રીતે ગાયું છે. પુસ્તકમાં પહેલાં પ્રણયસુખનાં કાવ્યો મૂકી પછી વિરહ ગાયો છે. પણ કર્તાને ઇષ્ટ તો જીવનની માંગલ્ય દૃષ્ટિ જ છે એ હેતુથી એ કાવ્યોને છેવટનાં જોવાનાં રાખ્યાં છે. આવાં ત્રણ કાવ્યોના ત્રિકૂટથી આખો શેષનાં કાવ્યોનો અદ્રિ શોભી રહે છે. એ ત્રણ શિખર છે ‘એક સંધ્યા’, ‘મંગલત્રિકોણ’, ‘ઉમા-મહેશ્વર’. એ ત્રણેમાંયે ઊંચાંમાં ઊંચું શિખર છે ‘એક સંધ્યા’. એની નાયિકા એ નાયકની પત્ની, પ્રિયા કે પ્રિયતમા કે શું છે, એના સ્ફોટ વગર માત્ર સખી રૂપે જ રહી કાવ્યને આછા અંદેશાથી વધુ રંજિત કરે છે. આ સખા-સખી એક સાંજે નદીને ઓળંગે છે, બંને જરા રોમેન્ટિક – આસ્માનપ્રિય છે એટલે સીધી વાટ છોડી ઉપરવાસેથી ઓળંગવા જાય છે. અને પાણી ઓળંગતાં ઓળંગતાં જે કાંઈ પાણી જેવા ગહન સર્વતોભદ્ર, સર્વતઃસ્પર્શી ભાવ અનુભવે છે એ કોઈ અનિર્વચનીય કલા બની રહે છે. ન પત્ની કે ન પ્રિયતમા એવી નાયિકાનો જે એક સંયમભર્યો સહચાર છે, અને છતાં તેના પ્રતિ જે એક હૃદયનો નિઃસીમ ઉછાળ છે એ કાવ્યને અદ્ભુત રીતે વેધક કરે છે. પાણીનું વર્ણન, સંધ્યાનું વર્ણન, આકાશનું વર્ણન, પાણીમાં સંચરણનું વર્ણન, સખીનું વર્ણન, અને છેવટે નાયકના ઉરોભાવનું વર્ણન, આ એક એકથી ચડતી વસ્તુઓ છે. કાવ્યની પંક્તિએ પંક્તિ કંઈક અપૂર્વતાથી ઊભરે છે. એક એક પંક્તિનું સૌન્દર્ય વળીવળીને નિહાળવા જેવું છે ત્યાં ૧૦૪માંથી દસ પંદર લીટી કેવી રીતે તારવી કઢાય? શેષનું મર્માળું હાસ્ય પણ ક્યાંક ઝબકી જાય છે. ચુંબન આલિંગનાદિમાં વિરામ પામતાં પ્રેમકાવ્યોથી આ કાવ્ય જુદી જ રીતે અંત પામે છે. શેષની કળાના સંયમની પરાકાષ્ઠા અહીં આવે છે. પણ એ સંયમની નહિ પણ રસની કોટિની પરાકાષ્ઠાની દૃષ્ટિએ આ અંત ભવ્ય છે, ચુંબન આલિંગન કરતાંયે ઉન્નત અને ગહન છે. નાયકના હૃદયમાં આ સખી માટે જે સભર પ્રણય ભરેલો છે. તેની શું જરાકે શંકા કાવ્યને અંતે રહે છે? ના. આપણે બંને વચ્ચેની પ્રીતિની ગાંઠ બળવાન થતી જોઈએ છીએ. સ્થૂલ સાંનિધ્ય છે, સ્થૂલ અલ્પસ્પર્શ પણ છે છતાં સ્થૂલતામાં સરી ન પડતો, કશીક તટસ્થતા જાળવતો અસ્પૃશ્ય એવો આ પ્રણયાનુભાવ આપણે ત્યાં બહુ થોડાકે ગાયો છે. ‘મંગલત્રિકોણ’ એ સુખી દાંપત્યના સુખમય કલ્યાણમય પરિણામનું એક અતિ મનોરમ ચિત્ર છે. કામવૃત્તિનો શિકાર થતાં સ્ત્રીપુરુષોના જે શાશ્વત ત્રિકોણો ચાલે છે તેથી ભિન્ન અને જુદી જ દિશાના આ મંગલ ત્રિકોણની કલ્પના પણ અત્યંત મૌલિક છે. આ પ્રણયસુખનું છેવટનું ઉત્તમ કાવ્ય છે ‘ઉમા-મહેશ્વર’. મનુષ્ય સૃષ્ટિથી પર જઈ, અનંગને ભસ્મ કરનાર શંકરની પ્રણયકથા તમામ માનવ-સંવેદનોના સંકર્ષ જેવી આ કાવ્યમાં ભેગી થઈ છે. કાવ્યની શૈલી ૫ણ નવીનતર છે. સંવાદની ઘરાળુ ભાષામાં, મૌલિક કલ્પના અને ઉત્પ્રેક્ષાઓની ચમકપૂર્વક છેવટે કાવ્ય ઊંચી મનોરમ સંસ્કૃત કવિઓની છટાથી વિરામે છે. સંવાદમાં પતિપત્નીની ટપાટપી ચાલે છે. ઉમા પૂછે છે કે તમે સમુદ્રમંથનમાંથી નીકળેલાં રત્નોમાં કશો જ ભાગ કેમ ન પડાવ્યો? અરે અમૃત પણ સહેજે ન પીધું! તમે સાવ ભોળા! શંકર કહે છે,
અમૃત ઉદધિનું વસત શી?
રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની!
પાર્વતી કહે છે, એ તો જાણે મને પટાવવાની તમારી રીત છે જ. પણ ઝેર કેમ પીધું તે કહેશો? અહીં જ શેષની કલ્પના મૌલિક પ્રયાણ કરે છે.
‘બન્યું એ તો એવું, કની સખી! તહીં મંથનસમે,
દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,
અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,
મને મારા કંઠે મન થયું બસૂ એ રંગ ધરવા—
મુકી જો આ બાહુ ઘનમહિં ન વિદ્યુત સમ દિસે?
તહીં વિશ્વે આખે પ્રણયઘન નિઃસીમ ઉલટ્યો,
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું!
જગતના તમામ સંતાપોના વિષમય અનુભવોને આ નિઃસીમ પ્રણયનો ઘન જ જિરવાવી શકે છે, શેષની આ ફિલસફી જગજૂની છે છતાં એ આજની જ હોય તેવી તાજગીથી આપણી આગળ રજૂ થાય છે.
ઘણા ભાવો, ઘણા વિચારો, નર્મ મર્મ કટાક્ષો, શેષે ગાયા છે, પણ જીવનનું આ મંગલદર્શન એ જ શેષનો છેવટનો સંદેશ છે.
શેષની કળા લાક્ષણિક છે, આ યુગના બધા શિષ્ટ કવિઓમાં પોતાની અનોખી શૈલીથી, તાજી નિરૂપણરીતિથી, નવીન પ્રયોગશીલતાથી અને અદ્યતનતાથી શ્રી પાઠક કવિ તરીકે પણ ઊંચું સ્થાન મેળવે છે. કેટલાંક કાવ્યોની કેટલીક બાબતો દા.ત. ગેય કાવ્યોની જરાક ખરબચડાઈ ઇત્યાદિ વિષે થોડું કહેવાનું રહે તેમ છે, અને કાવ્ય સૌન્દર્યના સંપૂર્ણ જાણકાર શેષ એ તત્ત્વોની આવશ્યકતાથી અનભિજ્ઞ છે એમ નથી તથા તે ધારે તો સાધી શકે તેમ નથી એમ પણ નથી, છતાં જાણીબૂજીને પોતાના કાવ્યને આવું સ્વરૂપ લેવા દેનાર શેષથી રુચિભેદ નોંધાવવાની સ્વતંત્રતા કાયમ રાખી તેમ જ તેમને રુચિભેદ ધરાવવાની સ્વતંત્રતા રાખી આપણે શેષને છેવટે તો ધન્યવાદ જ આપીશું. એટલા માટે કે તેર વર્ષે પણ એમણે એક ભારે કીમતી કાવ્યગ્રંથ આ૫ણને આપ્યો અને ઇચ્છીશું કે એવા એ બીજા ઘણા આપણને આપે.
કાવ્યોને અંતે મૂકેલું ટિપ્પણ કાવ્યોનો અર્થધ્વનિ સમજવામાં ખૂબ મદદગાર થઈ પડશે. કાવ્યોનો અર્થ પોતે સમજ્યા છે એમ માનનારને પણ અમે એ ટિપ્પણ વાંચવા વીનવીએ છીએ. છેવટે મૂકેલાં ગીતોનાં સ્વરાંકનોનું મૂલ્ય કોઈ પણ સંગીતરસિકથી અછતું નહિ જ રહેશે.
૧૪-૩-૧૯૩૮
(બુદ્ધિપ્રકાશ)