સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/ફરી જાણે ના જોઉં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ફરી જાણે ના જોઉં : શમસુર રહેમાન

આર યેન ના દેખિ

આર યેન ના દેખિ કાર્તિકેર ચાંદ કિંવા
પૃથિવીર કોનો હીરાર સકાલ,
કોના દિન આર યેન આમાર ચોખેર કિનારે
આકાશેર પ્રતિભા, સન્ધ્યાનદીર અભિજ્ઞાન આર
રાત્રિરહસ્યેર ગાઢ ભાષા કેંપે ના ઓઠે,
કેંપે ના ઓઠે પૃથિવીર દીપ્તિમાન દિગન્તેર તારા
આગુનતાઁતા સાઁડાશિ દિયે તોમરા ઉપડે ફેલો આમાર દુટિ ચોખ—
સેઈ દુટિ ચોખ, યાદેર પ્રાજ્ઞદીપ્તિર મૃત્યુહીન, વિદ્રોહી જ્વાલાય
દેખેછિ નિર્મમ આકશેર નીચે માનવિક મૃત્યુર તુહિન-સ્તબ્ધતા,

દેખેછિ વાસ્તુહારા કુમારીર ચોખેર બાષ્પકણાર મતો કુયાશાઢાકા દિન,
દેખેછિ મોહમ્મદ, યીશુ આર બુદ્ધેર વિદીર્ણ હૃદય, તાઁદેર રક્ત
ઝરે ઝરે પડછે શાદા શાદા અસંખ્ય દાઁતેર કુટિલ હિંસ્રતાય.

આર યેન ના દેખિ પ્રિયાર સ્વપ્નજડાનો નરમ-સોનાલિ ચુલ,
આર યેન અમારા ચોખેર કિનારે
કોનો શ્રાવણરાત્રિર જાનાલાય રાખા તાઁર મુખેર ગભીરતા,
કેંપે ના ઓઠે પૂર્ણિમા જ્યોત્સ્નાર ઢેઉં, આમાર દેશેર નીરક્ત શરીર,
તારપરો અમાર આત્માર સ્વર વીક્ષણેર પ્રતિભા છડાબે

અમાવસ્યા-નિમગ્ન પ્રાણેર શિકડે શિકડે,
પ્રેમેથેઉછેર ગાનેર મતો આમાર ગલાર રૌદ્રોજ્જવલ ચિત્કાર
કાઁપિયે દેબે એઈ પૃથિવીર આકાશ-બાતાસ,
ફેટે ચૌચિર હયે યાબે મિશરીય સ્ફિકસેર સ્થવિરતા,
ખસે યાબે તોમાદેર રાત્રિર દીપ્તિમાન તારા. દિનેર સૂર્ય.

ટુકરો ટુકરો કરે કેટે ફેલો આમાર સૂર્યેર મતો હૃત્પિન્ડ,
યેમન કોનો પેશઓયારી ફલઓયાલા તાર ધારાલો છુરિર હિંસ્રતાય
ફાલિ ફાલિ કરે કેટે ફેલે તાજા, લાલ ટકટકે એકટિ આપેલ.

કિન્તુ શોનો, એક ફાઁટા રક્તઓ યેન પડે ના માટિતે,
ક્નેના આમાર રક્તેર કણાય ઉજ્જવલ સ્રોતેર મતો
ચયે ચલેછે મનસુરેર વિદ્રોહી રક્તેર અભિજ્ઞાન.
તોમરા કુટિ કુટિ કરે છિંડે ફેલો આમાર હૃત્પિન્ડ—
યે હૃત્પિન્ડે ઘનઘન સ્પન્દિત્‌ હચ્છે આમાર દેશેર ગાઢ ભાલોબાસ;
યે હૃદય

મા’ર પવિત્ર આશીર્વાદેર મતો
બોનેર સ્નિગ્ધ, પ્રશાન્ત દ્રુષ્ટિર મતો,
પ્રિયાર હૃદયેર શબ્દહીન ગાનેર મતો
શાન્તિર જ્યોત્સના ચેયેછિલ પૃથિવીર આકાશેર નીચે,
ચૈત્રેર તીવ્રતાય, શ્રાવણેર પૂર્ણિમાય.

દોહાઈ ચઙિ્‌ગસેર ઉલઙ્‌ગ તરવારિ હિંસ્રતાર,
દોહાઈ ફયારાઓયેર મ્યમિગન્ધ બીભત્સતાર,
દોહાઈ તૈમુરેર પૈશાચિક રક્તનેશાર

તોમરા નિશ્ચિહ્ન કરે દાઓ અમાર અસ્તિત્વ,
પૃથિવી હતે ચિરદિનેર જન્ય નિશ્ચિહ્ન કરે દાઓ
ઉત્તરાકાશેર તારાર મતો અમાર ભાસ્કર અસ્તિત્વ
નિશ્ચિહ્ન કરે દાઓ, નિશ્ચિહ્ન કરે દાઓ.

– શમસુર રહેમાન

ફરી જાણે ન જોઉં કાર્તકનો ચંદ્ર અથવા
પૃથ્વીનું કોઈ હીરેમઢ્યું પ્રભાત,
ફરી જાણે કોઈ દિવસ મારી આંખને કિનારે
આકાશની પ્રતિભા, સંધ્યા નદીનું અભિજ્ઞાન અને
રાત્રી-રહસ્યની ગાઢ ભાષા કંપી ન ઊઠે,
કંપી ન ઊઠે પૃથ્વીનો દીપ્તિમાન દિગન્તનો તારો.
લાલચોળ ચિપિયા વડે તમે ખેંચી કાઢો મારી બે આંખ-
તે બે આંખ, જેની પ્રાજ્ઞ દીપ્તિની મૃત્યુહીન વિદ્રોહી જ્વાળામાં
જોઈ છે નિર્મમ આકાશની નીચે માનવીય મૃત્યુની તુહિન
સ્તબ્ધતા,
જોયો છે ઘરબાર વિનાની કુમારીની આંખના અશ્રુકણ જેવા
ધુમ્મસથી ઢંકાયેલો દિવસ,
જોયું છે મોહમ્મદ, ઈશુ અને બુદ્ધનું વિદીર્ણહૃદય તેમનું લોહી
વહી રહે છે સફેદ અસંખ્ય દાંતોની કુટિલ હિંસ્રતામાં.

ફરી જાણે ના જોઉં પ્રિયાના સ્વપ્ને જડ્યા નરમ સોનેરી વાળ,
કોઈ શ્રાવણી રાતે બારી પાસે રહેલા તેના મુખની ગભીરતા,
અને જાણે મારી આંખને કિનારે
કંપી ના ઊઠે પૂનમની ચાંદનીની લહર, મારા દેશનું નિઃરક્ત શરીર.

તે પછી પણ મરા આત્માનો સ્વર દૃષ્ટિની પ્રતિભા ફેલાવશે
અમાવસ્યામાં નિમગ્ન પ્રાણને મુળિયે મૂળિયે,
પ્રોમેથિયસના ગીતની જેમ મારા કંઠનો રૌદ્રોજ્જવલ ચિત્કાર
કંપાવી દેશે આ પૃથ્વીનાં આકાશ પવન,
ફાટીને ચીરેચીરા થઈ જશે ઇજિપ્તના સ્ફિંકસની સ્થવિરતા;
ખસી જશે તમારી રાત્રિનો દીપ્તિમાન તારો - દિવસનો સૂર્ય.

ટુકડે ટુકડે કરીને ફેંકી દો મારું સૂર્ય જેવું હૃત્પિંડ,
જેમ કોઈ ધંધાદારી ફળ વેચનારો તેની ધારદાર છરીની હિંસ્રતાથી
કકડો કકડો કરીને કાપી નાખે તાજું લાલચટક સફરજન.

પણ સાંભળો, એક ટીંપુય લોહી ના પડે જમીન પર,
કેમ કે મારા રક્તના બિંદુએ બિંદુમાં ઉજ્જવલ સ્રોતની જેમ
વહી રહ્યું છે મંસુરના વિદ્રોહી રક્તનું અભિજ્ઞાન.
તમે ટુકડે ટુકડા કરીને ફેંકી દો મારું હૃત્પિંડ—
જે હૃત્પિંડમાં પ્રત્યેક ક્ષણ ધબકી રહ્યો છે મારા દેશ માટે નો ગાઢ પ્રેમ,

જે હૃત્પિંડે —
માના પવિત્ર આશીર્વાદ જેવી
બેનની સ્નિગ્ધ, પ્રશાન્ત દૃષ્ટિ જેવી,
પ્રિયાના હૃદયના શબ્દહીન ગીત જેવી
શાંતિની જ્યોત્સના ઇચ્છી હતી પૃથ્વી આકાશ નીચે,
ચૈત્રની તીવ્રતામાં, શ્રવણની પૂર્ણિમામાં.

દુહાઈ છે ચંગીઝની નાગી તરવારી હિંસ્રતાની,
દુહાઈ છે ફૅરોની મમીગંધ બીભત્સતાની,
દુહાઈ છે તૈમુરના પૈશાચિક લોહીના નશાની,
તમે મિટાવી દો મારું અસ્તિત્વ,
પૃથ્વી પરથી હમેશને માટે મિટાવી દો
ઉત્તરાકાશના તારા જેવું મારું તેજસ્વી અસ્તિત્વ
મિટાવી દો-મિટાવી દો.

ઍલેક્ઝાન્ડ્રિયાના ગ્રીક કવિ કૉન્સ્ટન્ટીન કેવેફી (૧૮૬૩-૧૯૩૩)ની એક પ્રસિદ્ધ કવિતા — ‘બર્બરોની પ્રતીક્ષા’માં આવે છે ચૉકમાં ભેગા મળી સૌ – રાજા પ્રજા, સેનેટર — બર્બરોના આગમનની રાહ જુએ છે. એટલું જ નહિ પોતપોતાની રીતે તેમના સ્વાગત માટે તત્પર છે, કેમ કે આ બર્બરો જ બધા પ્રકારની મુશ્કેલીઓનું એકમાત્ર નિરાકરણ છે. પણ જ્યારે તેઓને સમાચાર મળે છે કે બર્બરો આવવાના નથી, કેમ કે હવે બર્બરો રહ્યા નથી - ત્યારે મ્લાન વદને સૌ વેરાઈ જાય છે. અંતમાં કવિ પ્રશ્ન પૂછે છે : અને હવે બર્બરો વિના આપણું શું થશે? કૅવેફીની આ કવિતામાં જે એક પ્રચ્છન્ન વ્યંગ્યનાં તીક્ષ્ણ શર છે, તેનું લક્ષ્ય છેવટે તો આપણે સૌ છીએ; આપણે ઉપજાવેલી વ્યવસ્થા - સમાજની, રાજ્યની સંસ્થાઓની - છે. કૅવેફીની કહેવાની આ પદ્ધતિથી આપણે વધારે આહત થઈએ છીએ. બાંગ્લાદેશના કવિ શમસુર રહેમાનનો ‘ફરી જાણે ના જોઉં’ કવિતામાં આ બર્બરો સાથે એક જુદો જ અનુબંધ રચાય છે. કારણ કે બર્બરો ન હોવાને કારણે નહિ, બર્બરોને કારણે જ અહીં પ્રશ્નો છે - નિરાકરણ નથી. બર્બરોનો પ્રતિકાર કેવી રીતે કરવો? એક કવિ ‘કવિ’ તરીકે તેનો પ્રતિકાર કેવી રીતે કરશે? કવિએ, પણ કલમને બદલે શસ્ર લઈ યુદ્ધમાં કૂદી પડ્યાના ઉદાહરણ અતીતમાં કે સામ્પ્રતમાં વિરલ નથી. પરંતુ કવિ તરીકે એનું મુખ્ય શસ્ર તો છે શબ્દ. શબ્દના માધ્યમથી જ્યારે તે પ્રતિકાર કરે છે ત્યારે કેવું પરિણામ નીપજી શકે તેનું આ કવિતા એક ઉદારહરણ છે. બર્બરો પ્રતિ, આતતાયીઓ પ્રતિ કવિસંવિતમાં જે આક્રોશ છે, તેની તીવ્રતા એટલી તો ગહન છે કે એ જરાયે છલકાતી નથી, ઊલટાની એક એવી સ્વસ્થતા વરતાય છે, જે એક સજ્જ કવિ દાખવી શકે. આ કવિતાના અંતે છે :

દુહાઈ છે ચંગીઝની નાગી તરવારી હિંસ્રતાની,
દુહાઈ છે ફૅરોની મમીગંધ બીભત્સતાની,
દુહાઈ છે તૈમુરના પૈશાચિક લોહીના નશાની,
તમે મિટાવી દો મારું અસ્તિત્વ...

આત્મહનનની આ વાણી નથી કે નથી આત્મગ્લાનિની; આ આત્મગૌરવની વાણી છે. જે આતતાયીઓને, બર્બરોને સંબોધીને છે, તેમના તરફથી ભીતિનો લેશ નથી, ઊલટાનું જે શસ્ર લઈ કવિ તેમની સામે થયા છે, તેનો તેવા કોઈ શસ્રથિ તેઓ જવાબ આપી શકે તેમ નથી. પોતાનું અસ્તિત્વ મિટાવવાની વાત છે. બર્બરોથી બીજું શું થઈ શકે તેમ છે? કવિ બર્બરોને તેમના ઉપાસ્ય દેવો (?)ની દુહાઈ આપે છે - ચંગીઝ, ફૅરો, તૈમુરની દુહાઈ આપે છે, અને એકીસાથે ઇતિહાસનાં એ રક્તગંધી પૃષ્ઠ ફરી સળવળે છે. વ્યંગ્યની સાથે એક ઐતિહાસિક પરિણામ વિસ્તરે છે. ચંગીઝની હિંસ્રતાને ‘નાગી તરવારી’ હિંસ્રતા, ફૅરોની બીભત્સાને ‘મમીગંધી’ બીભત્સતા કહી યોજેલ વિપર્યય કાવ્યસાધક બને છે. કવિ બર્બરોને કહે છે કે - હંમેશને માટે તમે મારું અસ્તિત્વ મિટાવી દો - પણ પછી ઉમેરે છે! ‘ઉત્તરકાશના તારા જેવું તેજસ્વી અસ્તિત્વ.’ એ અસ્તિત્વ ‘ધ્રુવ’ છે; એટલે સંકેત છે કે એ અસ્તિત્વ તમારે મિટાવ્યે મટશે ખરું? પરંતુ કવિતામાં નિરૂપિત ભાવની આ ચરમોત્કટતાનો આરંભ કેવાં હળવાં પદે મૂદુતાથી થયો છે! ‘સુંદર’ની ઉપાસક કવિની આંખે જે જોયું છે, જુએ છે, અને જે જોવા ઝંખે, તે બધું જ કવિ કહે છે : ‘ફરી જાણે ના જોઉં.’ એક કવિનું જ હોઈ શકે તેવું સૌંદર્યનું અને ભાવનું વિશ્વ નેતિવાચક વિધાનોથી પ્રકટે છે, એ કવિકર્મનો વિશેષ છે. કવિ કહે છે કે ‘આ ... આ ફરી ના જોઉં—’કાર્તકનો ચંદ્ર, હીરેમઢ્યું પ્રભાત, આકાશની પ્રતિભા, સંધ્યાનદીનું અભિજ્ઞાન, રાત્રિરહસ્યની ગાઢભાષા.... પ્રિયાના સ્વપ્ને જડ્યા નરમ સોનેરી વાળ, શ્રાવણી રાતે બારી પાસે બેઠેલી પ્રિયાનુંક ગભીર મુખ... કવિ કેમ ફરી જોવા નથી ચાહતા? કારણ એ આંખોએ આ પણ જોયું— — નિર્મળ આકાશ નીચે માનવીય મૃત્યુની તુહિન સ્તબ્ધતા — ઘરબાર વિનાની કુમારીની આંખના અશ્રુકણ જેવા ધુમ્મસથી ઢંકાયેલો દિવસ. — મોહમ્મદ, ઈશુ અને બુદ્ધનું વિદીર્ણ હૃદય - અને અસંખ્ય સફેદ દાંતની કુટિલ હિંસ્રતામાં વહેતું તેમનું લોહી. મોહમ્મદ, ઈશુ અને બુદ્ધ, ચંગીઝ ફૅરો તને તૈમુરની આ સહોપસ્થિતિ કેવી કરૂણ છે! કવિના રમણીય વિશ્વ સામે બર્બરોએ બતાવેલું આ વિશ્વ છે! કવિએ આ વિશ્વની જે પંક્તિઓ દ્વારા રજૂઆત કરી છે, તે પંક્તિઓ અભિધેયાર્થ ન બની રહેતાં ભાવપ્રસારી બને છે — વિશેષણોના અને ઉપમાના વિશિષ્ટ પ્રયોગથી. ‘નિર્મમ’ આકાશ. આકાશ નિર્મમ કેમ? એ ચુપચાપ બધો ‘કાંડ’ જોતું સ્થિત છે. આ જોવા છતાં ટકી રહ્યું છે! ‘તુહિન સ્તબ્ધતા’-માં તુહિન-શીતળ-થી મૃત્યુનું શૈત્ય સૂચવાય છે. દિવસ માટે જે ઉપમા છે, તે તો સાદૃશ્યધર્મી ન બની રહેતાં પરિવેશધર્મી બની રહે છે. ‘આંખના અશ્રુકણ જેવા ધુમ્મસથી ઢંકાયેલો દિવસ’ — એમ કહેતાં એ દિવસ સાથે જડાયેલી વ્યથા, વેદના, રૂદન તો પ્રગટે છે, પણ એ અશ્રુકણ —ઘરબાર વિનાની કુમારીની આંખની અશ્રુકણ જેવાં - એમ કવિ જ્યારે કહે છે ત્યારે આ ઉપમાની સંસિદ્ધિ કવિ માટે કેવો આદર વધારી દે છે! સંકેત સ્પષ્ટ થાય છે — બર્બરોએ જે અત્યાચાર કર્યો છે, તેને પરિણામે અનેક લોકો મરણશરણ થયા છે, અનેક લોકો ઘરબાર વિનાના થયા છે, તેમાં ઘરબાર વિનાની એક ‘કુમારી’ છે — એ ‘ઘરબાર’ વિનાની છે — અને એટલે તેની સાથે જે એક આત્યંતિક અસહાયતાનો ભાવ છે તે સ્ફુટ થઈ રહે છે. ‘ઘરબાર વિનાની કુમારીની આંખના અશ્રુકણ જેવા ધુમ્મસથી ઢંકાયેલો દિવસ’ એમ કહેતાં, બર્બરોના પ્રત્યેક આક્રમણે ઊભી થતી આવી અસહાયતા, નિરાધારતાની એ કુમારીની આંખ પ્રતીક બની રહે છે. કવિ જુએ છે, ધર્મનું અવસાન. મોહમ્મદ, બુદ્ધ અને ઈશુનું વિદીર્ણ હૃદય. આ જોયા પછી, કવિ કશું જોવા માગતા નથી. હવે પેલું રમણીય વિશ્વ જોવું એ જાણે અપરાધ છે, એટલે આ બધાંના સહભાગી થવા કવિ કહે છે :

લાલચોળ ચિપિયા વડે તમે ખેંચી કાઢો મારી
બે આંખ.

યુગોયુગોના આતતાયીઓના આસુરી આચરણનું આ કલ્પન છે. અને આ કવિતાની આરંભની છ પંક્તિઓ પછીની, સાતમી પંક્તિમાં એકાએક કવિની આ ઉક્તિ અનુભૂતિની કેવી શબલતા જગાવે છે! પણ નિઃશેષ થઈ જનાર દૃષ્ટિવિલોપન આ નથી; તે પ્રોમિથિયસના ઉલ્લેખથી સૂચવ્યું છે. દેવતાઓએ પ્રોમેથિયસને શિલા સાથે બાંધ્યો હતો, મનુષ્યજાતિને દેવરહસ્યો કહેવાની શિક્ષા બદલ. પણ શેલી કહે છે તેમ આ બંધનને કારણ જ તે ‘મુક્ત’ છે. આ કવિ કહે છે એનો ચિત્કાર પૃથ્વીનાં આકાશ પવન કંપાવી દેશે. ‘ઇજિપ્તના સ્ફિંક્સની સ્થવિરતા’ — અત્યાચાર, ઉત્પીડન, શોષણસર્જિત વ્યવસ્થા-ના ચીરેચીરા થઈ જશે. આંખના વિલોપન પછી કવિ બર્બરોને કહે છે કે હવે મારું હૃત્પિંડ પણ ટુકડે ટુકડા કરી ફેંકી દો. આ ચિત્રની પ્રત્યક્ષ કલ્પના ભયાવહ છે. પણ કવિએ જે ઉપમા દ્વારા વાત કરી છે તેમાં અત્યાચારીની નૃશંસતા, જઘન્યતા ઊપસે છે :

જેમ કોઈ ધંધાદારી ફળવેચનારો, તેની ધારદા
છરીની હિંસ્રતાથી કકડો કકડો કરીને કાપી નાંખે
તાજું લાલચટક સફરજન.

હૃત્પિંડ અને લાલચટક સફરજન - આ બન્ને એકીસાથે મૂકી કવિએ બર્બરોની નગ્નતા તો ખુલ્લી પાડી જ છે, પણ એ અર્થબોધ સાથે ભાવક તરીકે આ બે કલ્પનો સાથે જોડતાં એક વિલક્ષણ અનુભૂતિબોધ થાય છે. ‘ફળવેચનાર’ આગળ ‘ધંધાદારી’ વિશેષણ છે, તે ફળ વેચનારને જેટલું લાગું પડતું નથી તેટલું આ અત્યાચારીઓ - આતતાયીઓને લાગુ પડે છે. ધંધાદારી કહેતાં એમાં જે ક્રૂર, નિર્મમ તાટસ્થ્ય છે તેની સાથે એક સંબંધવિચ્છિન્નતાની વૃત્તિ છે, તે પણ સૂચવાય છે. પણ આ આતતાયીઓ છે તો તેમની સામે થનાર, પ્રાણ રેડનાર વિદ્રોહીઓ પણ છે; તરત જ મંસુરની વાત આવે છે, ‘અનલહક’ — ‘હું ખુદા છું’ કહેનાર મંસુર ઇસ્લામના પહેલા વિદ્રોહી છે. એનો ઉલ્લેખ કરી કવિએ વિદ્રોહી હોવાની ઘોષણા કરી છે. ‘લોહીનું ટીપું ના પડે જમીન પર’ — એમ કહી પોતાના આ વિલોપનથી વિદ્રોહની થનારી વ્યાપક પ્રભાવકતાથી બર્બરોની ચેતવ્યા છે. કવિ આ ચેતવણી પછી ફરી કહે છે કે આ હૃત્પિંડના ટુકડે ટુકડા કરી ફેંકી દો - આ હૃત્પિંડે શું ઇચ્છ્‌યું હતું?

માના પવિત્ર આશીર્વાદ જેવી, બેનની સ્નિગ્ધપ્રશાન્ત દૃષ્ટિ જેવી,
પ્રિયાના શબ્દહીન ગીત જેવી શાંતિની જ્યોત્સના-

અહીં શાંતિની જ્યોત્સનાની ઉપમાનસૃષ્ટિ જોઈ? માના આશીર્વાદ જેવી, બનેની પ્રશાન્ત દૃષ્ટિ જેવી, પ્રિયાના શબ્દહીન ગીત જેવી. પણ અહીં માત્ર સાદૃશ્ય નથી કવિ મા, બહેન અને પ્રિયાના સંબંધોનું એક ભાવપ્રવણ વર્તુળ તૈયાર કરે છે. અને આ હૃત્પિંડમાં પ્રત્યેક ક્ષણ ધબકી રહ્યો છે દેશ માટેનો પ્રેમ, આતતાયીઓને આનું શું મૂલ્ય? બલ્કે આ જ તો એમને મન એનો અપરાધ છે! સમગ્ર કવિતાની કવિએ સંરચા જ એવી કરી છે કે બે સામસામે છેડેનું સંવેદન જગાડતાં કલ્પનો એક પછી એક આવે. આરંભનાં સૌંદર્યજનક કલ્પનો પછી લાલચોળ ચિપિયા વડે આંખ ખેંચી કાઢવાનું કલ્પન આવે; તે પછી પ્રિયાના સ્વપ્નેજડ્યા નરમ સોનેરી વાળથી સંબંધમધુર કલ્પનો આવે; તે પછી પ્રિયાના સ્વપ્નેજડ્યા નરમ સોનેરી વાળથી સંબંધમધુર કલ્પનો આવે, તે પછી હૃત્પિંડના ટુકડે ટુકડા કરી ફેંકી દેવાની વાત અને પછી - માના પવિત્ર આર્શીવાદ, જેવી પંક્તિથી શરૂ થતી પંક્તિઓ પૃથ્વીના આકાશ નીછે, ચૈત્રની તીવ્રતામાં, શ્રાવણી પૂર્ણિમાના સૌંદર્યના વિશ્વમાં લઈ જાય છે, અને વળી પાછી - ‘દુહાઈ છે’થી શરૂ થતી પંક્તિઓ બર્બરોના બીભત્સ વિશ્વમાં લઈ જાય છે. અંતમાં ‘મિટાવી દો, મિટાવી દો’ની પુનરાવૃત્તિની ગુંજ કાનમાં ઊભરાયાં કરે છે. કવિ જીવનાનંદ દાસની જેમ પંક્તિખંડ, કે પંક્તિની પુનરાવૃત્તિ દ્વારા અભિવ્યક્તિને પ્રભાવક્ષમ બનાવવાની કવિ રહેમાનની રીતિ અહીં અત્યંત ઉપકારક રીતે પ્રયોજાઇ છે. ફરી જાણે ના જોઉં... ટુકડે ટુકડા કરી ફેંકી દો... જે હૃત્પિંડ .... મિટાવી દો.... આ ખંડોનું પુનરાવર્તન કવિતાની એક વિશિષ્ટ ઇબારત ઊભી કરે છે. કવિતામાં એક રૉમાન્ટિક ભાવોચ્છ્‌વાસ સંભળાશે, એમાં એક વેગ છે અને તે ખેંચી જાય છે. કવિતામાં જે ઉપમાઓ છે, ઐતિહાસિક સંદર્ભ છે અને કલ્પનોનો શબલિત સંવેદનો જગાડતો જે વિન્યાસ છે તે આ કવિતાને બાંગ્લાદેશમાં ગુજરેલા અત્યાચારોના એક સામયિક સંદર્ભમાંથી રસસિદ્ધ કલાકૃતિ ભણી લઈ જાય છે. બાંગ્લાદેશની આજની કવિતામાં મુખ્ય અવાજ શમસૂર રહેમાન છે. પોતાના સમયની અભિજ્ઞતાની ઉપલબ્ધિ રહેમાનની કવિતામાં ઉચિત શબ્દપસંદગી, પુરાણ સંદર્ભ - પછી તે ગ્રીક કે હિન્દુ પુરાણો હોય, અને સુગ્રાહ્ય કલ્પનોના માધ્યમથી થાય છે. સુદીર્ઘ બંગાળી કવિતાની પરંપરાથી પણ આ કવિ અલિપ્ત નથી, તેમ છતાં, તેમના અનેક સમકાલીનોની જેમ કવિ જીવનાનંદ દાસની ઉપસ્થિતિ તેમની કવિતામાં વરતાઈ આવશે. સમયસંપ્રજ્ઞ કવિ હાથીદાંતના એકદંડિયા મહેલમાં ભાગ્યે રહી શકે. પૂર્વ બંગાળની સંસ્કતિ પર થયેલ વન્ય આક્રમણનો કવિજનોચિત આક્રોશ અને ચિત્કાર રહેમાનની રચનાઓમાં પણ જોવા મળે છે. આ આક્રોશ અને ચિત્કાર કવિતાની કક્ષા સુધી પહોંચાડવાની અભિવ્યક્તિસિદ્ધિને કારણે, આવી ભાવભીતિ પર રચાતી સામયિક અન્ય રચનાઓની જેમ, શોચનીય અવસ્થાને રહેમાનની કવિતા પામતી નથી. લગભગ એક વર્ષ પહેલાં પ્રકાશિત થયેલા તેમના કાવ્યસંગ્રહ ‘નિજ વાસ-ભૂમે’ની રચનાઓ જોતાં આ વાતની પ્રતીતિ થાય છે, જો કે ટેકનિકના વિવિધ પ્રયોગોનું પ્રમાણ અગાઉ કરતાં કદાચ તેમાં ઓછું છે. એકમાત્ર કવિતાને વરેલા આ કવિ ‘ઇચ્છા’ નામની કવિતામાં કહે છે તેમ ચાર દસકા કરતાં વધારે જીવવાનું હોય તોય કવિતા લખવાની ઇચ્છા ધરાવે છે અને માત્ર એક જ દિવસ જીવવાનું હોય તોયે કવિતા લખવાની ઇચ્છા ધરાવે છે. કવિની એક માત્ર ઇચ્છા છે : ‘લિખબો.’

સંસ્કૃતિ, ૧૯૭૧
(સાહિત્યક પરંપરાનો વિસ્તાર)

૦૦૦