સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/સાહિત્યિક પરંપરાનો વિસ્તાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સાહિત્યક પરંપરાનો વિસ્તાર[1]

૧ અંગત કેફિયત

જન્મથી માંડીને બાર વર્ષનો થયો ત્યાં સુધી એકમાત્ર ગુજરાતી ભાષાના જ સંસ્કાર હતા. એ વખતે આખા ગામમાં એક પણ રેડિયો નહોતો, ગુજરાતી ભાષા સિવાય અન્ય ભાષા બોલનાર કોઈ પરિવાર નહિ. એટલે સુધી કે હિન્દી જેવી આજે બહુ સામાન્ય વ્યવહારની થઈ ગયેલી ભાષા પણ કદી કાને સાંભળી નહોતી. અંગ્રેજીનો તો પ્રશ્ન જ ન હોય. હા, બાળબોધ લિપિ શીખેલા. ત્યાં ધોરણ ચારમાં શિક્ષકને મોઢે પહેલી વાર હિન્દી ભાષા સાંભળી. હિન્દી પાઠ્યપુસ્તકનો કદાચ એ પહેલો પાઠ વાંચતા હતા. બાળબોધમાં ગુજરાતી કવિતા વાંચેલી, પણ બાળબોધમાં લખેલી હિન્દી સાંભળતાં જાણે કોઈક અબોધપૂર્વ ભાવ થતો હતો. એ દિવસે ઘરે આવી આખો વખત મોટેથી એ હિન્દી વાક્યો બોલ્યા કર્યાં અને એ ભાષાના ઉચ્ચારણનો સ્વાદ મમળાવ્યા કર્યો. એ મોટા અક્ષરે છાપેલી દેવનાગરી (બાળબોધ) અને ‘હૈ’ જેવાં ઉચ્ચારણોની દૃશ્ય અને શ્રાવ્ય અનુભૂતિ રહી ગઈ છે. એવી રીતે ગામને ઓટલે પહેલી વાર સંસ્કૃત ભાષાનું નામ સાંભળ્યું. બ્રાહ્મણિયા રાગોમાં લગ્ન જેવા પ્રસંગોએ ભ્રષ્ટ સંસ્કૃત સાંભળેલું હશે. પણ એની સભાનતા નહોતી. એ સંસ્કૃત છે એવી અભિજ્ઞતા પણ નહિ. પરંતુ એક પ્રાથમિક શાળાના બ્રાહ્મણ શિક્ષકે સંસ્કૃત પોતે ભણ્યા છે એવી વાત કરી, ત્યારે જાણે કોઈ દુષ્પ્રાપ્ય વિદ્યા એમને આવડે છે એવી લાગણી થયેલી. પંડ્યા માસ્તર સંસ્કૃત જાણે છે ! પછી અંગ્રેજી શાળામાં જતાં પ્રાર્થના માટે પ્રથમ સરસ્વતીવંદનાનો સંસ્કૃત શ્લોક મોઢે કર્યા અને એના નાદમાધુર્યનો અનુભવ કર્યો, તે સાથે અંગ્રેજી ભાષાનો પરિચય થવા લાગ્યો. મારી સ્મૃતિ પ્રમાણમાં સારી. ઘણી વાર તો કશુંક સાંભળું ને છપાઈ જાય. અંગ્રેજીના પાઠ મોઢે થઈ જાય, હિન્દીના પાઠ મોઢે થઈ જાય. પણ ઉચ્ચારણોમાં ગુજરાતી સંસ્પર્શ. એ વખતે હિન્દી શીખવી એટલે રાષ્ટ્રીયતાનો એક ભાગ. હિન્દીની રાષ્ટ્રભાષા પ્રચારની પરીક્ષાઓ આપતાં હિન્દી માટેનો પ્રેમ વધતો ગયો. આઠમા ધોરણમાં સંસ્કૃત ભાષા રીતસરની ભણવા મળી કે જાણે અન્ય પ્રાચીન લોકમાં પ્રવેશ થયો. સંસ્કૃત વ્યાકરણની સાથે અમારે ‘ગીર્વાણ ગીતાંજલિ’ ચાલતી. તેમાં પસંદ કરેલા સંસ્કૃત શ્લોક હતા, અને તે મોઢે કરવાના. અઠવાડિયામાં એક જ પિરિયડ, પણ એના રાહ જોઉં. સંસ્કૃત કવિતા કંઠસ્થ થતી ગઈ. પછી તો એ શ્લોકોનું પગેરું સંસ્કૃત કૃતિઓ સુધી લઈ ગયું અનેએક દિવસ સંસ્કૃતનો ખજાનો ખૂલી ગયો. સંસ્કૃત ભાષાની કાવ્યમાધુરી સાથેનો એ સાક્ષાત્કાર ઝૈન બૌદ્ધો જેને ‘સાટોરી’ કહે છે અથવા જેમ્સ જોય્યસ જેને ‘એપિફની’ તરીકે વર્ણવે છે, તેવો હતો. અચાનક જાણે કશુંક ભીતરથી આલોકિત થઈ ગયું. શનિવારનો સવારનો પિરિયડ. રામભાઈ પટેલ સંસ્કૃતના શિક્ષક, વર્ગમાં આવ્યા. મુખસ્થ કરવા આપેલા શ્લોક અમે બોલી ગયા. પછી એમણે ગીતાંજલિમાંથી નવો શ્લોક ભણાવવાનું શરૂ કર્યું :

वितरति गुरुः प्राज्ञे विद्यां यथैव तथा जडे
न तु खलु तयोर्ज्ञाने शक्तिं करोत्यपहन्ति वा।
भवति च पुनर्भूयान्भेदः फलं प्रति तद्यथा
प्रभवति शुचिर्बिम्बोद्ग्राहे मणिर्न मृदां चयः।।

અમે સ્તબ્ધ. આ પહેલાં હરિણીનો સંગમ થયેલો નહિ. એમનું હરિણીનું ગાન સુન્દરમ્ની ‘મને અંગે અંગે અણુ અણુ મહીં કો પરસતું ગયું...’ પંક્તિઓમાંનો અનુભવ કરાવી ગયું. વનદેવતા વાસંતીને વાલ્મીકિની શિષ્યા આત્રેયી કહે છે. વાલ્મીકિનો આશ્રમ છોડી તે અગત્સ્યના આશ્રમે ભણવા જાય છે, કેમકે વાલ્મીકિના આશ્રમમાં બે તેજસ્વી છાત્રો એવા આવ્યા છે કે પોતે એમની સાથે ચાલી શકતી નથી. પેલા તો ફટાફટ ભણી લે છે. પોતે પાછળ રહી જાય છે. પણ એમાં ગુરુજીનો શો દોષ ? ગુરુજી તો હોશિયાર અને ઠોઠને સરખી રીતે વિદ્યાનું વિતરણ કરે છે. જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ દઈ દેતા નથી કે નથી લઈ લેતા અને તેમ છતાં પરિણામમાં તો ફેર રહે છે. સૂર્યનાં કિરણોનું પ્રતિબિંબ મણિ ઝીલે છે, માટીનું ઢેફું નહિ. વાલ્મીકિ — પ્રાચેતસ્‌ – આશ્રમ – લવકુશ અને આત્રેયી આ બધો માહૌલ તો ખૂલતો ગયો, તેમાં આ હરિણી. એના પ્રથમ પાંચ લઘુ અને છઠ્ઠા ગુરુ પછી યતિ અને પછી ચાર ગુરુ પછીનો યતિ અને પછી લગાલલગાલગા. ભવભૂતિ ઊઘડી ગયા, કાલિદાસ ઊઘડી ગયા. અમારા ગુરુજીએ આ શ્લોકનો મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કરેલો સમશ્લોકી અનુવાદ પણ લખાવ્યો. પિરિયડ પૂરો થયો અને સંસ્કૃત સાહિત્યમાં જાણે દીક્ષિત થઈને બહાર નીકળ્યો. હરિણીઓ સંસ્કૃતની સમૃદ્ધ કાવ્યપરંપરાની દીક્ષા આપી. અભ્યાસક્રમની બહારનું જેમ હિન્દી સાહિત્ય વાંચવાનો યોગ થયેલો, તેમ હવે સંસ્કૃત સાહિત્ય. અહીં કોઈ એવી અનિવાર્યત નહોતી અને છતાં અંતરંગતા વધતી ગઈ. એ દિવાળીની રજાઓમાં જુવાર ટોતાં ટોતાં જુવારના ખેતર વચ્ચેના ઊંચા માંચડા પર બેસી મણિલાલ નભુભાઈના ‘ઉત્તરરામચરિત’નો અનુવાદ એક પ્રકારના કૅફ સાથે વાંચતો ગયો, એટલું જ નહિ ભણેલા સંસ્કૃત શ્લોકોના ગુજરાતી સમશ્લોકી અનુવાદ કરવાનું સાહસ પણ થતું ગયું. મેઘદૂતનો એ વયથી જ પરિચય, ન્હાનાલાલનું મેઘદૂત હાથમાં આવેલું. બધું સમજાય નહિ, પણ મંદાક્રાન્તા ચિત્ત પર અસવાર થઈ જાય. સમજાયા વિના પણ સ્મૃતિમાં રહી જાય. એ જ વરસોમાં ઉમાશંકર જોશીનું ‘ઉત્તરરામચિરત’ નવજીવનમાં છપાઈને બહાર પડ્યું. મારું એ પ્રિય પુસ્તક બની ગયું — આમ સાહિત્યના અધ્યયનમાં સંસ્કૃત મારો પ્રથમ પ્રેમ. હાઈસ્કૂલના દિવસો દરમ્યાન વાચનભૂખ ગરુડ જેવી. એ તૃપ્ત કરે એવું શાળાનું ઓપન શેલ્ફ ગ્રંથાલય, કબાટો ખોલી ખોલીને બેસીએ. ત્યાં એક દિવસ રવીન્દ્રનાથનું એક કાવ્ય અંગ્રેજીમાં વાંચવામાં આવ્યું. શીર્ષકક હતું. -Blind Girl. નોટમાં ઉતારી લીધું, એટલું જ નહીં એનો ગુજરાતી અનુવાદ કર્યો. રવીન્દ્રનાથની રચનાનો જે પ્રથમ પરિચય તે તો તેમની ‘રાજર્ષિ’ નવલકથાનો, ગુજરાતી અનુવાદ રમણલાલ સોનીનો હતો પણ આ બંગાળીમાંથી અનુવાદ કે એવી કશી સભાનતા નહોતી. પછી રમણલાલ સોનીના અનુવાદ દ્વારા ‘ચોખેર બાલિ’, ‘વરમાળા’, શીર્ષકથી થયેલી રવીન્દ્રનાથની કથાઓના અનુવાદ વાંચવામાં આવ્યા. ‘કુમાર’માં ત્યારે શરહિન્દુ બંદ્યોપાધ્યાયની અને તારાશંકર બંદ્યોપાધ્યાયની વાર્તાઓના રમણિક મેઘાણીના અનુવાદ છપાતા. એ બંને લેખકોના વાર્તાસંગ્રહો અનુક્રમે ‘મરુભૂમિમાં’ અને ‘મૂંગું રુદન’ મારા એસ.એસ.સીના વર્ષ દરમ્યાન મને ગમતાં પુસ્તકો થઈ પડેલાં. એ વર્ષે ટાગોરના ‘નૈવેદ્ય’નો નરસિંહભાઈ પટેલનો અનુવાદ વારંવાર વાંચ્યો. પીળા પૂઠાવાળી ચોપડી. આડી પોથી જેમ છાપેલાં કાવ્યો કેટલાં સમજાયાં હશે શી ખબર, પણ ગદ્યાનુવાદના અનુકરણમાં થોડાં એવાં ‘ગદ્ય કાવ્યો’ રચી કાઢેલાં. મોહનલાલ પટેલ ગુજરાતી ભણાવતા, તે તેમણે રમણલાલ દેસાઈ અને કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુ ભણાવતાં શરદબાબુ અને વિ.સ. ખાંડેકરને અમને ઈન્ટ્રોડ્યુસ કર્યા. એમનો શરદબાબુ અને ખાંડેકર માટેનો સકારણ પક્ષપાત અમને રુચે નહિ. તેમ છતાં આ લેખકોની રચનાઓમાં ડૂબી ગયા. ખાંડેકર તો ઘણા વાંચ્યા. શરદબાબુનું દેવદાસ. એ વખતે સાને ગુરુજીની ઘણી રચનાઓ ગુજરાતીમાં પ્રગટ થતી. ખાંડેકરની રૂપકકથાઓનું અનુકરણ પણ કરી જોયેલું. આ બંગાળીમાંથી અનુવાદ છે કે મરાઠીમાંથી અનુવાદ છે તે ખબર, પણ ભાષાઓ વિશેની એવી સભાનતા નહોતી. વિદેશી ભાષામાંથી થયેલા ગુજરાતી રૂપાંતરની જે રચનાએ તે વખતે ચિત્તને ઝકઝોરી અનેક રાત્રિઓ અશાન્ત કરી મૂકેલી, તે તો ‘લે મિઝરેબલ’ ફ્રેચ લેખક વિક્ટર હ્યુગોના મુળશંકર મો. ભટ્ટના એ રૂપાંતરના વાંચનની અમીટ અસર રહી ગઈ છે. મુનશી ભણાવતાં મોહનલાલ પટેલે કહ્યું કે એમના પર એલેક્ઝાન્ડર ડ્યુમાનો પ્રભાવ છે. ત્યારે આ ‘પ્રભાવવાળી’ વાત ઓછી સમજાતી. આજે હવે એકદમ સહેલાઈથી કહીએ છીએ કે સાહિત્યના આદાનપ્રદાનની જ એ એક પ્રક્રિયા હતી. આમ એક વાચક તરીકે અણજાણપણે જ એક બાજુ સંસ્કૃત સાહિત્યની સમૃદ્ધ પરંપરા, બીજી બાજુ હિન્દીનો સીધો પરિચય અને બંગાળી-મરાઠીનો અનુવાદો દ્વારા પરિચય, વિદેશી સાહિત્યનો પણ રૂપાંતરો દ્વારા પરિચય થતો રહ્યો. એસ. એસ. સી પરીક્ષા પછીની લાંબી રજાઓમાં ‘બાંગ્લા સહજ શિક્ષા’ને આધારે બંગાળી લિપિ શીખ્યો. આપણાં રાષ્ટ્રગીતોનું બંગાળીમાં લિપ્યાંતર કરેલું તે હજી પડ્યું છે. પણ પછી એ અભ્યાસ આગળ ચાલ્યો નહિ. એસ. એસ. સી.માં હતો ત્યારે શાંતિનિકેતન એક પત્ર પણ લખેલો કે એસ. એસ. સી. પછી ત્યાં અભ્યાસ કરવા આવવાની ઈચ્છા છે, તો માર્ગદર્શન આપવા વિનંતી છે. કંઈ જવાબ નહિ. જવાબ હોય પણ ક્યાંથી ? ત્યાં હિન્દી ભવનની જેમ ગુજરાતી ભવન હશે એમ માની ગુજરાતીમાં પત્ર લખેલો. બંગાળી ભાષાનું આકર્ષણ વધતું ચાલ્યું. પણ ક્યાં ભણવી ? દરમ્યાન હિન્દી અને સંસ્કૃત સાહિત્યનો સઘન પરિચય થયો. સ્નાતક કક્ષાએ એ બે વિષયો પણ રાખેલા. સને ૧૯૫૭માં નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલન અમદાવાદમાં ભરાયેલું. પ્રેમેન્દ્ર મિત્ર વગેરે કવિઓ આવેલા. બંગાળીમાં સમજાય નહિ, છતાં પ્રવચનો બધાં સાંભળવા જાઉં. તે વખતે બંગાળી-ગુજરાતી કવિઓનું સંમેલન પણ થયેલું નિરંજન ભગતે એ કવિ સંમેલનનું ઉદ્‌ઘાટન કરેલું બંગાળી પુસ્તકોનું એક પ્રદર્શન પણ અખંડાનંદ હૉલમાં રાખેલું, તેમાં ‘વનલતા સેન’ નામની ચોપડી પણ હતી. પણ નામથી વધારે વાંચી શકાય એમ નહોતું. એમ એ. કરવા અમદાવાદ આવ્યો ત્યારે શ્રી નગીનદાસ પારેખ શનિવારે સાંજે ભાષાભવનમાં બંગાળીના વર્ગો લેતા, પણ એ વખતે મારે હિન્દીનાં વ્યાખ્યાનો હોય. એ તક પણ ગઈ એ વર્ગમાં રઘુવીર, ચંદ્રકાન્ત વગેરે હતા. અધ્યાપક થયા પછી એક ઉનાળાની રજાઓમાં રઘુવીરની બાંગ્લા સહજ શિક્ષા હાથમાં આવી અને આખો ઉનાળો એને આપ્યો અને રવીન્દ્ર રચનાવલિથી જ સીધો પ્રવેશ બંગાળીમાં કર્યો. એવો અનુભવ જાણે કોઈ નવી ભૂમિ પર વિચરણ કરી રહ્યા છીએ, બરાબર સમજાતું નહિં, પણ એ વાચનનો ‘થ્રિલ’ રહી ગયો છે. ૧૯૬૧ના ડિસેમ્બરમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન કલકત્તા મુકામે હતું. લાંબી બે દિવસની યાત્રામાં રેલવે સ્ટેશન પરથી એક બંગાળી નવલકથા વાંચવા લીધી. કલકત્તામાં રવીન્દ્રશતાબ્દી વર્ષની સમાપના. ગુજરાતી સાહિત્ય પરિષદમાં એક બેઠકમાં બુદ્ધદેવ બસુ અને તારાશંકરને સાંભળ્યા. એ અધિવેશન વખતે શાંતિનિકેતન પણ જઈ આવ્યા એટલે બંગાળી અને તેમાંય રવીન્દ્રનાથના સાહિત્યને મૂળમાં જ વાંચવાનો સંકલ્પ દૃઢ થયો. ૧૯૬૧માં રવીન્દ્રનાથ વિશે ઘણા કાર્યક્રમો દેશભરમાં યોજાયા. તેમાં સાહિત્ય અકાદમીએ ‘એકોત્તરશતી’ અને પછી ‘ગીત પંચશતી’ હિન્દી શબ્દાર્થ સાથે દેવનાગરી લિપિમાં પ્રગટ કર્યાં. યુનિવર્સિટી હૉસ્ટેલમાં મિત્રમંડળીમાં ’એકોત્તરશતી‘નું વાચન ચાલે. અર્થ નીચે હ તા જ. ‘ગીત પંચશતી’માં પણ. એ રજાઓ આખી રવીન્દ્રનાથનાં ગીતો વાંચ્યાં અને હિન્દી શબ્દાર્થની મદદથી કેટલીક રચનાઓનું ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યું. પણ પછી ૧૯૬૪માં શ્રી નગીનદાસ પારેખ વિનંતી કરી, તમારી પાસે વ્યવસ્થિત બંગાળી શીખવું છે. તેમણે ‘હા’ પાડી. સાતેક જેટલા અમે ભણનાર. રઘુવીર, ચંદ્રકાન્ત શેઠ, અનિલા દલાલ, રજનીકાન્ત રાવલ, બાલમુકુન્દ દવે. પછી અમે ત્રણ રહ્યાં – અનિલા દલાલ, રજનીકાન્ત રાવલ અણે હું. લગભગ ૧૯૭૮ સુધી નિયમિત રીતે સપ્તાહમાં એક કે બે વાર તેમની પાસે બંગાળી ભાષા અને સાહિત્યનો અભ્યાસ કર્યો. દરમ્યાન બંગાળીમાંથી અનુવાદ પણ થતા રહ્યા. તેમાં જીવનાનંદ દાસની ‘વનલતા સેન’ અને સુનીલ ગંગોપાધ્યાયની ‘સ્વર્ગની નીછે મનુષ્ય’ વગેરે હતા. ૧૯૮૦માં અને ૧૯૮૧માં કવિ ઉમાશંકર જોશી સાથે શાંતિનિકેતનમાં થોડાક દિવસ રહેવાનો યોગ થયો. બીજી વખતે શ્રી નગીનદાસ પણ સાથે હતા. ૧૯૮૩માં શાંતિનિકેનતથી વિશ્વભારતીના કુલપતિએ એક વર્ષની ફેલોશિપ આપી મને નિમંત્રિત કર્યો. આ વખતે કવિ ઉમાશંકરને ૧૯૫૧માં ત્યાં જવા પત્ર લખ્યો હતો તેની વાત કરી. કહે - તે વખતે શો જવાબ આવેલો ? મેં કહ્યું – કોઈ જવાબ નહિ. તેમણે કહ્યું – કેમ ? જવાબ ના આવ્યો? આ આવ્યો ને – ૧૯૫૧ના પત્રનો જવાબ ૧૯૮૩માં ! આ વર્ષો દરમ્યાન મરાઠી સાહિત્યનું, વિશેષે વિવેચનસાહિત્યનું વાંચન થતું રહેતું. મારા એક મરાઠીભાષી મિત્ર પાસે રામ ગણેશ ગડકરીની, મર્ઢેકરની કવિતાઓ નવલકથાઓ વાંચેલી. પછી તો પ્રસિદ્ધ મરાઠી માસિક ‘સત્યકથા’નો એ બંધ થયું ત્યાં સુધી ગ્રાહક રહ્યો હતો. ઓડિશાના પ્રવાસ દરમ્યાન ઓડિઆ લિપિમાં એક સ્થળે લખાયેલ સાઈનબોર્ડ જોઈ છત્રી ઓઢેલા એ અક્ષરોને ઉકેલવા હું આતુર બની ગયો અને ઓડિઆ લિપિની સાથે ઓડિઆ ભાષાનું પ્રાથમિક વ્યાકરણ શીખી ઓડિઆ ભાષાનું જાણીતું કાવ્ય ‘ચિલિકા’ હિન્દી અનુવાદની મદદથી મૂળમાં વાંચ્યું અને એ વિશે ‘સંસ્કૃતિ’ના ૨૦૦મા વિવેચન અંકમાં એક લેખ પણ છપાયો. ઓડિઆ સાહિત્યની કેટલીક પ્રશિષ્ટ નવલકથાઓ હિન્દી અનુવાદમાં વાંચી. ૧૯૭૪માં એક માસ ભુવનેશ્વરમાં ભાષાવિજ્ઞાનની ગ્રીષ્મ શિબિર દરમ્યાન દેશભરમાંથી ૪૦ જેટલા અધ્યાપકો જુદી જુદી ભાષાઓના ભેગા થયેલા, તે એકબીજાની ભાષાની અને સાહિત્યની ઘણી ચર્ચાઓ સાંજની અનૌપચારિક બેઠકોમાં થાય. એવી એક બેઠકમાં મજાની ઘટના બની. એક ઓડિઆભાષી મિત્રે કહ્યું કે, અમારી ભાષામાં ‘ળ’ છે, તે બીજી ભાષાઓવાળા માટે ઉચ્ચારવો અઘરો છે. ત્યાં તરત મેં કવિ રાધાનાથ રાયના ‘ચિલિકા’ કાવ્યની આરંભની કડી રજૂ કરી :

ઉત્કળકમળા વિળાસ દીર્ધિકા
મરાળમાળિની નીળાંબુ ચિલિકા
ઉત્કળર તુહિ ચારુ અળંકાર
ઉત્કળ ભુવને શોભાર ભંડાર

મારે મોઢે ઓડિઆ ભાષાની પંક્તિઓ અનેતે પણ એક જાણીતી કવિતાની — સાંભળતાં ઓડિશાના મિત્રો રાજી રાજી થઈ ગયા ત્યાં એક બંગાળી મિત્રે કહ્યું કે અમારા એક કવિ બુદ્ધદેવ બસુએ બંગાળીમાં ‘ચિલિકા’ વિશે એક સુંદર કાવ્ય લખ્યું છે. પછી એ કાવ્ય યાદ કરવા એ મથ્યા. મેં બુદ્ધદેવ બસુના એ કાવ્યનો ‘સંસ્કૃતિ’ના ૩૦૦મા અંકમાં અનુવાદ સાથે આસ્વાદ કરાવેલો. મેં કહ્યું – આ કાવ્ય તો નહિ ?

કિ ભાલો લાગલો આજ આમાર એક સકાલ બૅલાય
કેમન કરે બલિ ?
કિ નિર્મલ નીલ એઈ આકાશ
જૅનો ગુણીર કંઠેર અબાધ ઉન્મુક્ત તાન
દિગન્ત થેકે દિગન્તે છડિયે ગિયેછે

બંગાળી મિત્ર તો ઊભો થઈને ભેટી પડ્યો. એ વખતે ઓડિઆ મિત્રોની સહાયથી તે સમયે લખાતી ઓડિઆ કવિતાના કેટલાક સંગ્રહોની પસંદગી કરી અને કેટલાંક કાવ્યોના અનુવાદ પણ ગુજરાતીમાં કર્યા. આ વર્ષો દરમ્યાન જર્મન ભાષાસાહિત્યનો પણ અભ્યાસ કર્યો. અમદાવાદમાં અને પુણે ના મેજ્સમ્યુલર ભવનમાં જર્મન ભાષામાંથી કેટલીક કવિતાઓ ગુજરાતીમાં ઉતારી. પણ પછી જર્મનનો સ્વાધ્યાય ઓછો થતો ગયો છે. જોકે જર્મન કવિતાના અનુવાદનો એક સંચય ગુજરાતીમાં આપવાનો સંકલ્પ મનમાં છે. અધ્યાપક તરીકે હિન્દી સાહિત્યની સાથે થોડાંક વર્ષો સંસ્કૃતનું પણ અધ્યાપન કર્યું અને તેમાંય કાલિદાસ જેવા કવિઓ ભણાવવા મળ્યા. પણ મને એક વિચાર એવો આવ્યો કે અંગ્રેજીના અધ્યાપક થઈએ તો કેવું ? ત્રણ વર્ષ હું રીતસર અંગ્રેજીનો છાત્ર બન્યો. બી. એ.ની અંગ્રેજીની પરીક્ષા આપતાં અંગ્રેજી છંદશાસ્ર અને ચોસર જેવા કવિઓની કૃતિઓનો અભ્યાસ થયો, જે અન્યથા ન થયો હોત. એમ. એ. અંગ્રેજી સાથે કરતાં સ્પેન્સરથી માંડી એલિયટ અને જેમ્સ જોય્યસ સુધીના રચનાકરોની મુળ કૃતિઓ સમૃદ્ધ વિવેચનની મદદથી વાંચવાનો અદ્‌ભુત આનંદ લીધો. અંગ્રેજી સાહિત્યકાર – ઈ. એ. ફોર્સ્ટર આદિ પર અભ્યાસલેખો લખ્યા. આ વખતે નિરંજન ભગત જેવા ગુરુનો હું છાત્ર બન્યો – અનૌપચારિક રીતે. એલિયટને એમની મદદથી નિકટથી જાણ્યા પરંતુ તેમણે અંગ્રેજી સાહિત્ય સુધી મારો શોખ સીમિત ન રહેવા દીધો. અંગ્રેજી દ્વારા યુરોપિયન સાહિત્યના અગાધ સાગરનું દર્શન કરાવ્યું. બોદલેર, વાલેરી અને માલાર્મે જેવા ફ્રેન્ચ કવિઓ, ગટે, હોલ્ડરચીન અને રિલ્કે જેવા જર્મન કવિઓ, કવાસીમોદો અને ઉન્ગારેત્તી જેવા ઈટાલિયન કવિઓ, ઍલેકઝાન્ડર બ્લૉક જેવા રશિયન કવિઓ ઉપરાંત સાફો જેવી ગ્રીક ક્વયિત્રી અને કાતુલ્લુસ જેવા લેટિન કવિઓના જગતમાં પણ તેમણે પ્રવેશ કરાવ્યો. આ બધા કવિઓના સંગ્રહો એમના અંગત પુસ્તકાલયમાંથી મળી રહે. ઉમાશંકર જોશીનો હું રીતસરનો વિદ્યાર્થી નહિ, પણ હિન્દીનો વિદ્યાર્થી છતાં ભાષાભવનમાં તેમના બધા વર્ગો ભરવાની અનુમતિ મેળવેલી. તે વખતે તેઓ ગ્રીક ટ્રેજેડી ભણાવતા. ઈસ્કાયલસ અને સોફોક્લિસના જગતમાં લઈ જઈ અમને એ નાટકકારો વાંચતા કરી દીધા. ઈબ્સન પણ એમની પાસે ભણ્યો. ભણાવવાની રીતે એવી કે ભણવાની હોય એક કૃતિ, પણ એ લેખકની બધી મુખ્ય કૃતિઓ વાંચી લઈએ. ઉમાશંકર પાસે એ વર્ગોમાં શાકુન્તલ પણ ભણવા મળ્યું. ખબર નહીં, પણ એ વખતના સાહિત્યકારો અને સાહિત્યના અધ્યાપકોમાં સાહિત્યનો વ્યાપક અર્થ હતો. જયંતિ દલાલ ત્યારે રશિયન અને અંગ્રેજી ક્લાસિક્સ ઉતારી રહ્યા હતા ગુજરાતીમાં, એ વખતે પાસ્તરનાકના ‘ડૉ. ઝિવાગો’ની કે નોબોકોવની ‘લોલિતા’ની ચર્ચાઓ અધ્યાપક મંડળીઓમાં જામતી રહેતી. સુરેશ જોષીનો પરિચય પછીથી થયો, તેમણે પણ કોન્ટિનેન્ટલ સાહિત્ય વાંચવાની પ્રેરણા આપી. સાર્ત્ર, કામૂ, કાફકાના સાહિત્યજગતમાં પ્રવેશ થયો. જાપાની કવિતા અને નવલિકા-નવલકથાની દિશાઓ પણ ‘ક્ષિતિજ’ દ્વારા ખૂલી. ઘણી વાર તો ઘરઆંગણના કવિઓ-લેખકોની જેમ વિદેશી લેખકોની ચર્ચાઓ, ગુજરાતી પત્ર-પત્રિકાઓમાં થતી. વિવેચનમાં પણ નવ્ય વિવેચનમાં ચર્ચા માટેના જે વિષય હતા, તે ગુજરાતી કવિતાની સાથે ભારતીય કવિતા, વિશ્વકવિતા અને કવિઓ વિશેના હતા. ગુજરાતી કવિતાનો આસ્વાદ અને મૂલ્યાંકન ભારતીય અને વિશ્વકવિતાના પરિપ્રેક્ષ્યમાં થવો જોઈએ એવી સમજથી આ વિષયો રખાયા હતા. ઉપરાંત નવ્ય સમીક્ષામાં ઓજારરૂપ ગણાયેલ ‘કલ્પન’ અને ‘પ્રતીક’ સંજ્ઞાઓની પણ ચર્ચા હતી. ૧૯૬૩ના ‘સંસ્કૃતિ’નો વિવેચનવિશેષાંક જોતાં પણ પ્રતીતિ થશે કે ગુજરાતી સાહિત્યની ચર્ચા એક વ્યાપક ભૂમિકા પરથી છે. ૧૯૭૪માં એ જ ‘સંસ્કૃતિ’ના સંપાદકે જ્યારે ‘કાવ્યાયન’નો વિશેષાંક કર્યો ત્યારે તેમાં ગુજરાતી સિવાયની દેશની અને વિદેશની કવિતાઓના અનુવાદ અને આસ્વાદ સમાવિષ્ટ કરવામાં આવેલા હતા. આ વાત કરતાં કરતાં ઉમેરું કે ડૉ. હરિવલ્લભ ભાયાણીના સાન્નિધ્યમાં પ્રાકૃત-અપભ્રંશ મુક્તકોના રસાસ્વાદનો અદ્‌ભુત આનંદ છેલ્લા અઢી દાયકાથી પ્રાપ્ત થતો રહ્યો છે.


  1. ડિસેમ્બર ૧૯૯૧માં કોઈમ્બતુ મુકામે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૬મા અધિવેશન પ્રસંગે પરિસંવાદ વિભાગ (આદાનપ્રદાન)માં આપેલું અધ્યક્ષીય વક્તવ્ય

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(એ લેખમાંથી અહીં અંગત કેફિયત અંગેનો પહેલો ખંડ જ લીધો છે. – સંપાદક)

(સાહિત્યક પરંપરાનો વિસ્તાર)

૦૦૦