સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/વનલતાસેન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘વનલતા સેન’
-નો પરિચય

હાજાર બછર ધરે આમિ પથ હાઁટિતેછિ પૃથિવીર પથે,
સિંહલ સમુદ્ર થેકે નિશીથેર અંધકારે માલય સાગરે
અનેક ઘુરેછિ આમિ; બિમ્બિસાર અશોકેર ધ્રૂસર જગતે
સેખાને છિલામ આમિ; આરો દૂર અંધકારે વિદૃર્ભ નગરે;
આમિ ક્‌લાન્ત પ્રાણ એક, ચારિદિકે જીવનેર સમુદ્ર સફેન,
આમારે દૃુદૃંડ શાન્તિ દિયેછિલો નાટોરેર વનલતા સેન.

‘હજારો વરસોથી પૃથ્વીપથે હું ભમી રહ્યો છું. સિંહલ સમુદ્રથી મલયસાગર સુધી નિશીથના અંધકારમાં ઘણું ઘણું ભમ્યો છું. બિમ્બિસાર અને અશોકના ધ્રૂસર જગતમાં–ત્યાં હું હતો; હતો એથી પણ દૂર અંધકારે વિદૃર્ભનગરમાં, અત્યંત કલાન્ત હું, ચારે બાજુ જીવનનો સફેન સમુદ્ર, મને બે પળ શાન્તિ આપી હતી નાટોરની વનલતા સેને.’ ‘પુરાણી વિદિશાનગરીના અંધકાર જેવા તેના કેશ હતા. શ્રાવસ્તીના શિલ્પ સમું તેનું મોં......પંખીના માળા જેવી આંખો—’ આ પંક્તિઓ વાંચતાં જ આપણે એક નવા જ જગતમાં પ્રવેશ કરતા હોઈએ એવું લાગે છે. રવીન્દ્રોત્તર બંગાળી કવિતામાં આ પંક્તિઓના કવિ જીવનાનંદ દાશ (૧૮૯૯-૧૯૫૪) ‘સૌથી સ્વતંત્ર અને સૌથી નિર્જન[1] કવિ’ છે. બંગાળી કાવ્યપરંપરામાં તેમનો અવાજ સૌથી નોખો તરી આવે છે. એમની કવિતા આ કલકોલાહલભર્યા જગતથી દૂરના એક નિર્જન સન્ધ્યાધૂસર પ્રદેશમાં અપાણને લઈ જાય છે.

‘વનલતા સેન’ જીવનાનંદનો ત્રીજો કાવ્યસંગ્રહ.

‘ઝરાપાલક’–‘તૂટેલું પીંછું (૧૯૨૮)’, ‘ધૂસર પાંડુલિપિ’ (૧૯૩૬) અને ત્યારપછી ‘વનલતા સેન’ (૧૯૪૨), એનું સૌથી પહેલું સંસ્કરણ બુદ્ધદેવ બસુ સમ્પાદિત ‘એક પયસાય એકટિ’ ગ્રંથમાલાની અંતર્ગત થયેલું. તે વેળા તેમાં બારેક જેટલાં કાવ્યો હતાં. ૧૯૫૨માં સિગ્નેટ પ્રેસ દ્વારા ‘વનલતા સેન’ ની સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે તેમાં કાવ્યોની સંખ્યા ત્રીસેકની થઈ. આ આવૃત્તિ રવીન્દ્રપુરસ્કારથી સમ્માનિત થઈ. ત્યારપછી ‘મહાપૃથિવી’, ‘સાતટિ તારાર તિમિર’ પ્રગટ થયાં. તેમનાં ચૂંટી કાઢેલાં કાવ્યોનો એક સંગ્રહ ‘જીવનાનંદ દાશેર શ્રેષ્ઠ કવિતા’ ૧૯૫૪માં પ્રગટ થયો જેને ૧૯૪૭ થી ૧૯૫૪ સુધીની શ્રેષ્ઠ બંગાળી કૃતિ તરીકેનું સાહિત્ય અકાદેમીનું પારિતોષિક મળ્યું. પણ આ બધી કૃતિઓમાં જો કોઈ એક કૃતિ દ્વારા તેમનો બરબર પરિચય પામવો હોય તો તે કૃતિ છે ‘વનલતા સેન.’ ‘ધૂસર પાંડુલિપિ’ના કવિ પ્રકૃતિના કવિ છે એવી છાપ પડ્યા સિવાય રહેતી નથી. ‘વનલતા સેન’નાં કાવ્યોમાં પ્રકૃતિ તો છે જ પણ તે સાથે સાથે નિષ્ફલ પ્રણયના સૂર પણ સંભળાય છે. પ્રણયવેદનાનાં કાવ્યો તો અનેક કવિઓએ ગાયાં છે – આંસુથી છલછલ થતી આંખે. જીવનાનંદની આંખમાં આંસુ નથી.[2] છે એક સંયત જડીભૂત વેદના, જે શૂન્યતાથી સ્તબ્ધ કરી દે છે. જીવનાનંદની નયિકા કોઈ સ્વપ્નલોકની, નરી કવિલોકની વાયવી નાયિકા નથી બની રહેતી. માત્ર વનલતા નહિ પણ વનલતા સેન અને તે પણ નાટોરેર – નાટોરની વનલતા સેન કહી કવિ તેની ઐહિકતા પર સવિશેષ ભાર મૂકતા જણાય છે. તેમ છતાં પ્રેમ અને સૌન્દર્યની શોધ આ કવિને દેશકાલની સીમામાં બાંધી રાખતી નથી. ઇતિહાસ પુરાતન અને નામશેષ નગરીઓના એક ધૂસર જગતમાં ધાનસિડિ નદીનિવાસી આ કવિ ભૂગોળના સીમાડાઓ પાર કરી પહોંચી જાય છે. ઉપરોક્ત કવિતામાં દેશકાલની સીમામાં બદ્ધ નાટોરની વનલતા સેનની પશ્ચાદ્‌ભૂમિમાં રહેલ ભૂગોળનો વિસ્તાર અને ઇતિહાસનું ઊંડાણ, આ બે આયામોના મેળથી ‘એક નાનકડી લિરિક કવિતા મહાકાવ્યની વ્યાપ્તિને પામે છે.’[3] ‘હાય, ચિલ’ કવિતામાં સમડીને ગળેથી નીકળતા કરુણ ગાનથી કવિની પુરાણી પ્રીત સળવળી ઊઠે છે. પ્રણયિની આ લોકમાં હવે નથી. રવીન્દ્રનાથ આવા સનાતન વિયોગમાં તીવ્ર વિરહ વ્યથા અનુભવવા છતાં પણ પ્રિયાની ક્ષણિક મિલનની યાદમાં તે વિયોગને સહ્ય બનાવી લે છે : ‘તબૂ શૂન્ય શૂન્ય નય.’ જીવનાનંદમાં વિયોગ એટલે વિયોગ. દેહ અને મન ભાંગી જાય છે જેનાથી એવી શૂન્યતા છે જીવનાનંદના આ વિયોગમાં

હાય ચિલ, સોનાલિ ડાનાર ચિલ, ભિજે મેઘેર દૃપુરે
તુમિ આર કેદોનાકો ઉડે ઉડે ધાનસિડિ નદીટિર પાશે !
તોમાર કાન્નાર સુરે બેતેર ફલેર મતો તાર મ્લાન ચોખ મને આસે;
પૃથિવીર રાઙા રાજકન્યાદેર મતો સે જે ચલે ગેછે રૂપ નિયે દૂરે;
આબાર તાહારે કેન ડેકે આનો ? કે હાય હૃદય ખુડે વેદના
જાગાતે ભાલો બાસે !

"હાય, ચિલ, (સમડી) સોનેરી પાંખવાળી ચિલ, આ જલધર-
ભીની બપોરે તું હવે વધારે ક્રંદન ન કર–આ ધાનસિડિ નદીની
આજુબાજુ ઊડતાં ઊડતાં. તારા ક્રંદનના સુરે નેતરશી પીળી તેની
મ્લાન આંખો મનમાં યાદ આવે છે. પૃથ્વીની રૂપાળી રાજકુમારી
જેવી તે રૂપ લઈ ને દૂર ચાલી ગઈ છે. તું એના શા માટે પાછી
બોલાવી લાવે છે? હાય, પેટચોળીને પીડા ઊભી કરવા કોણ ઇચ્છે?"

જલધર ભીની બપોર, ધાનસિડિ નદી અને સમડીના ઉદાસ સૂરો એક સ્તબ્ધ નિર્જનતાનું ચિત્ર ઉપસાવી કવિચિત્તની શૂન્યતાને વ્યાપક બનાવે છે. તો વળી ‘હાજાર બછર શૃઘુ ખેલા કરે’ માં દ્વારકાના[4]પ્રતિકદ્વારા વિલુપ્ત સૃષ્ટિનો સંકેત કરી, જગતનું સર્વ લેણું-દેણું પતી ગયા પછી જેને પામે છે તે છે વનલતા સેન.

હાજાર બછર શુઘુ ખેલા કરે અંધકારે જોનાકિર મતો :
ચારિદિકે ચિરદિન રાત્રિર નિધાન;
બાલિર ઉપરે જ્યોત્સ્ના – દેવદારુ છાયા ઇતસ્તત :
વિચૂર્ણ થામેર મતો :દ્વારકાર; – દાઁડાયે રચે છે મૃતમ્લાન,
શરીરે ઘુમેર ઘ્રાણ આમાદેર-ઘુચે ગેછે જીવનેર સબ લેનદેન;
‘મને આછે?’ સુધાલો સે – સુધાલામ આમિ શુઘુ, ‘વનલતા સેન?’

‘હજારો વર્ષોથી અંધકારમાં આગિયાની જેમ માત્ર રમ્યા કરે
છે ચારે બાજુએ સદાને માટે રાત્રિ. રેતપર છે ચાંદની. આમતેમ
દેવદારુની છાયા દ્વારકાના જર્જરિત થયેલા સ્તંભ જેવી મૃતમ્લાન
ઉભેલ છે. ઊંઘની ગંધ છે આપણા દેહમાં. પૂરી થઈ ગઈ છે
જીવનની બધી લેણ-દેણ. ‘યાદ છે ?’ તેણે પૂછ્યું. મે માત્ર પૂછ્યું :
‘વનલતા સેન ?’

પ્રકૃતિકવિતામાં પણ જીવનાનંદના ‘વ્યક્તત્વની મુદ્રા ઊપસી આવે છે. વર્ડૂઝવર્થની જેમ તેમને પ્રકૃતિ કવિ કહેવામાં વાંધો નથી. વન્ય અને ગ્રામીણ પ્રકૃતિનો આ કવિને સારો પરિચય છે. રવીન્દ્રનાથની પ્રકૃતિકવિતા વાંચ્યા પછી જીવનાનંદની પ્રકૃતિકવિતા વાંચતાં નવો જ અનુભવ થાય છે. જીવનાનંદે આ નવીનતા સભાનપણે નથી આણી. રવીન્દ્રનાથની ઋતુલીલાની વાત જ ન્યારી છે. વસંત કે વર્ષાને મન ભરીભરીને ગાયાં છે આ કવિએ. અન્ય ઋતુઓ પણ છે. પણ હેમંત રવીન્દ્રનાથની ઉપેક્ષિતા છે. જીવનાનંદમાં આ હેમંત પટરાણી છે. હેમંતનાં આટલાં માન કોઈ કવિના કાવ્યદરબારમાં નથી. પણ આ હેમંત, રવીન્દ્રનાથમાં જેમ વસંત તેમની આનંદ યાત્રાનું પ્રતીક છે–નવજીવનનું પ્રતીક છે, જીવનાનંદમાં વંધ્યતા અને નિર્જનતાનું પ્રતીક છે. આજના યુગની મનોદશા કવિ હેમંત દ્વારા સૂચવે છે. ‘ધૂસર પાંડુલિપિ’કે ‘વનલતાસેન’ વાંચતાં સહજ રીતે જ ગ્રામીણ બંગાળનાં વૃક્ષવેલીઓ, પશુપંખીઓ, ડાંગરનાં ખેતરો એકાન્ત નિભૃત વનપ્રાન્તર અને ધાનસિડિ આ બધાંનો પરિચય સહજ રીતે થઈ જાય. ‘આમાકે તુમિ’માં એક નાનકડું ચિત્ર :

વિકેલે નરમ મુહૂર્ત
નદીર જલેર ભીતર શંબર, નીલગાઈ, હરિણેર છાયાર આસા–યાવા
એકટો ધવલ ચિતલ હરિણીર છાયા....

આ છે સાંજની નરમવેળાએ નદીના જલમાં આ બધાં પ્રાણીઓની છાયાના આગમનનું એક ચિત્ર. જીવનાનંદની સુપરિચિત ‘ઘાસ’ કવિતા ઘાસ માટે કેવો પ્રેમ વ્યક્ત કરે છે?

કચિ લેબુ પાતાર મતો નરમ સબુજ આલોય
પૃથિવી ભરે ગિયેછે એઈ ભોરેર વેલા;
કાઁચા બાતાબિર મતો સબૂજ ઘાસ-તેમ્નિ સુઘ્રાણ-
હરિણેરા દાઁત દિયે છિડેઁ નિચ્છે !
અમારો ઇચ્છા કરે એઈ ઘાસર ઘ્રાણ હરિત્‌ મદેર મતો
ગેલાસે ગેલાસે પાન કરિ,
એઇ ઘાસેર શરીર છાનિ – ચોખે ચોખ ઘષિ,
ઘાસેર પાખનાય આમાર પાલક,
ઘાસેર ભિતર ઘાસ હયે જન્માઈ કોનો એક નિબિડ ઘાસ-માતાર
શરીરેર સુસ્વાદ અંધકાર થેકે નેમે.

"લીંબોઈના કુમળાં પાંદડાં જેવા નરમ લીલા પ્રકાશથી પૃથ્વી ભરાઈ ગઈ છે આ સવારની વેળાએ. કાચી નારંગી જેવું લીલું ઘાસ – તેવું જ સુઘ્રાણ – હરણો દાંત વડે તોડી રહ્યાં છે. મને ઇચ્છા થાય છે કે આ ઘાસની ઘ્રાણ હરિતમદની જેમ ગ્લાસ ઉપર ગ્લાસ ભરીને પીઉં. આ ઘાસના શરીરને ગુંદું. આંખે આંખ ઘસું અને ઘાસની પાંખોમાં મારાં પીછાં ઘસું. અને ઇચ્છું કે કોઈ નિબિડ ઘાસમાતાના શરીરના સુસ્વાદ અંધકારમાંથી અવતરીને ઘાસમાં ઘાસ થઈને જન્મું."

‘ઘાસેર ઘ્રાણ હરિત્‌ મદેર મતો પાન કરિ’ એમ જ્યારે કહે છે ત્યારે એકી સાથે વર્ણ, ઘ્રાણ અને સ્વાદ ત્રણેય ઇન્દ્રિયબોધને જાગૃત કરે છે. જીવનાનંદની કવિતાની આ એક ખૂબી છે. તેમની કવિતામાં રૂપ, સ્પર્શ, ગંધ, શ્રૃતિ આ બધી ઇન્દ્રિયચેતનાઓ વિભિન્ન રૂપે આવિષ્કાર પામે છે અને ક્યારેક રાસાયણિક પ્રક્રિયાથી જાણે એક બીજામાં ભળી જઈને યુગપત્‌ રજુ થાય છે. ઉપરની કવિતા તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. ભાવબિમ્બો સર્જવાની કવિની અનુપમ તાકાતનો પંક્તિ પંક્તિએ પરિચય થયા સિવાય રહેતો નથી. તેમની કવિતાનો પાઠક જુદાં જુદાં ભાવબિમ્બો દ્વારા એકદમ તેમની કવિતાની નિકટ પહોંચી જાય છે. બુદ્ધદેવ બસુએ યથાર્થ રીતે જ કહ્યું છે : ‘તેમની કવિતા વર્ણનાપ્રધાન, તેમની વર્ણના ચિત્રપ્રધાન અને તેમનાં ચિત્ર વર્ણપ્રધાન છે.’[5] યુદ્ધોત્તરકાલીન વિશ્વને આ કવિ બરાબર સમજી શક્યા લાગે છે. કલાન્તિ, નિરાશા, સંઘર્ષ દૈન્ય આ બધાંથી કવિ પરિચિત છે. ત્યાં વળી કવિ મૂલત : જાનપદી સ્વભાવના હોવાથી આ બધાંથી અપાર કલેશનો અનુભવ કરે છે. કવિની નિરાશા કવિની કવિતામાં મૃત્યુ માટેની આકાંક્ષા અને આ જગત ત્યજી દૂર નિર્જન પ્રદેશમાં ચાલ્યા જવાની પલાયન વૃત્તિ રૂપે વ્યક્ત થાય છે. ‘આમ યદિ હતામ’ અને ‘અંધકાર’ કવિતામાં કવિનો આ મનોભાવ સ્પષ્ટ થઈ આવ્યો છે. ‘આમિ યદિ હતામ’માં કવિ કહે છે : જો હું હોત વનહંસ અને તું હોત વનહંસી તો ધાનસિડિ નદીની પાસે રહેત, એને ફાગણની કોઈ રાતે ઝાડની પાછળથી ઊગતા ચંદ્રને જોઈ આપણે આભ ભણી ઊડત. તારી પાંખ સાથે ભળત મારી પાંખ. મારાં પીછાંમાં હોત તારા રક્તનું સ્પંદન...કદાચ ઊડતાં એવાં આપણને કોઈ ગોળીથી વીંધી દે અને તો તો....

આમાદેર શાંતિ
આજકેર જીવનેર એઈ ટુકરો ટુકરો મૃત્યુ આર થાકત ના,

થાકત ના આજકેર જીવનનું આ ટૂકડે ટૂકડે આવતું મોત તો ન હોત અને ન હોત આજના જીવનની નાનીનાની આકાંક્ષાઓની વ્યર્થતા અને અંધકાર.’ ‘અંધકાર’ કવિમાં તો આ મૃત્યુ–આકાંક્ષા અને પલાયનનો ભાવ અત્યંત સઘન રૂપે આવે છે. ધાનસિડિને કિનારે પોષની રાત્રિએ અંધકાર સાથે સોડ તાણી કવિ સૂતા છે – કોઈ દિવસ ન જાગવા માટે, કોઈ દિવસ પણ નહિ. ત્યાં નદીના કલકલ અવાજથી જાગી જાય છે અને સવારના પ્રકાશથાં પૃથ્વીના જીવ તરીકે પોતેને સમજતાં કવિ ભય પામે છે. ભારે વેદના અનુભવે છે અને કહી બેસે છે :

કોનો દિન માનુષ છિલામ ન આમિ
હે નર, હે નારી,
તોમાદેર પૃથિવી કે ચિનિનિ કોનો દિન;

‘કોઈ દિવસ હું માણસ ન હતો. હે નર, હે નારી, તમારી પૃથ્વીને કોઈ દિવસ ઓળખી નથી.’ જગતમાં ચાલતા સંઘર્ષ અને ક્રંદનની કલ્પના માત્રથી ત્રાસી ઊઠે છે કવિચિત્ત. અંધકારની સોડમાં પોઢી જવા કવિનો આત્મા લાલાયિત છે :

ધાનસિડિ નદીર કિનારે આમિ શુયે થાકબ–ધીરે પૌષેર રાતે –
કોનો દિન જાગબ ના જેને—
કોનો દિન જાગબ ન આમિ–કોનો દિન આર.

"ધાનસિડિને કિનારે હું સૂઈ જઈશ. ધીરે–પોષની રાત્રિએ-ફરી-કોઈવાર જાગવું નથી એમ જાણીને." અહીં થતી ‘કોનો દિન’ની પુનરાવૃત્તિ જીવનનંદની કથનરીતિની વિશેષતાઓમાંની એક છે. એક શબ્દનું, શબ્દસમૂહનું થતું પુનરાવર્તન કથ્યને પ્રભાવશાળી બનાવે છે. અહીં ‘કોનો દિન’ની પુનરાવૃત્તિ દ્વારા કવિ જાણે એકદમ વિરત થઈ, કર્મકોલાહલભર્યા જગતમાંથી અંધકારની – મૃત્યુની સોડમાં સરી જવા આતુર છે. અને છતાં કવિને વિશ્વના ભવિષ્યમાં શ્રદ્ધા છે. ‘સુચેતના કવિતામાં કવિ કહે છે :

એઇ પૃથિવીર રણરક્તસફલતા
સત્ય; તબુ શેષ સત્ય નય.
કલકત્તા એક કલ્લોલિની તિલોત્તમ હબે;

"આ પૃથ્વીની રણરક્ત સફલતા સાચી હોવા છતાંયે તે અંતિમ સત્ય નથી. કલકત્તા એક દિવસ કલ્લોલિની તિલોત્તમા (શી સુરૂપા) થશે." જીવનાનંદની કોઈ કોઈ કવિતા વાંચતાં એવું લાગે છે કે આપણે કોઈ સ્વપ્નલોકમાં – અણજાણ સ્વપ્નલોકમાં વિહાર કરી રહ્યા છીએ. આ લોકમાં ક્યારેક હોય છે સંધ્યાકાલીન ધૂસરતા, ક્યારેક હોય છે નિશાનો અંધકાર. એક નવું જ જગત જેના પદાર્થો પણ નવા લાગે, એ જગતનાં જલ, પૃથ્વી કે આકાશ જાણે આપણે નવેસરથી જોઈએ છીએ. ‘કવિતાર કથા’ માં સ્વયં કવિ નોંધે છે : ‘પૃથ્વી પરના જલથી એક નવા જ જલની કલ્પના, પૃથ્વી પરના દીપથી એક નવા જ પ્રદીપની કલ્પના કરવી રહી કાવ્યમાં.’[6] ઊપર ‘વનલતાસેન’ નામની કવિતાની ચર્ચા વખતે કવિ, ઇતિહાસ અને ભૂંગોળની સીમાઓ ઓળંગી એક અન્ય જગતના વાતાવરણમાં લઈ જાય છે તેની વાત કરી હતી. આ સંગ્રહમાંનાં ‘હાવાર રાત’ અને ‘નગ્નનિર્જન હાત’ આ પ્રકારનાં ઇતિહાસચેતના જગાડનારાં કાવ્યો છે. આ બન્ને કાવ્યો વિભિન્ન ઇન્દ્રિયબોધનો અનુભવ કરાવવાને કેટલાં શક્તિશાળી છે તે, તે કાવ્યો વાંચતાં સમજી શકાય છે. રાત્રે નક્ષત્રોથી ભર્યા ભર્યા આભમાં કવિનું ચિત્ત ઊડવા લાગે છે. કેવું છે આકાશ?

જ્યોત્સ્નારાતે બેબિલનેર રાનીર ઘાડેર ઉપર ચિતાર ઉજ્જવલ ચામડાર
શાલેર મતો જ્વલજ્વલ કરછિલ વિશાલ આકાશ.

"ચાંદની રાતે બેબીલોનની રાણીના ખભા પર રહેલી, ચિત્તાની ઉજ્જવલ ચામડીની શાલ જેવું વિશાળ આકાશ."

‘નગ્ન નિર્જન હાત’માં કવિ કોઈ વિલુપ્ત નગરીની, દૂરસુદૂરની નગરીની કથા જાણે જાતિસ્મર હોય તે રીતે કહે છે. આપણે પણ હઠાત્‌ એ નગરીમાં કવિની આંગળી પકડીને પહોંચી જઈએ છીએ :

ભારત સમુદ્રતીરે
કિંવા ભૂમધ્ય સાગરેર કિનારે
ટાયાર સિન્ધુર પારે
આજ નેઇ કોનો એક નગરી છિલ એક દિન
કોન એક પ્રસાદ છિલ;

ઈરાની ગાલીચા, કાશ્મીરીશાલ અને અમૂલ્ય અસબાબથી ભર્યો છે આ મહેલ; જેમાં વળી છે – આમાર વિલુપ્ત હૃદય, આમાર મૃત ચોખ (મારી મૃત આંખો), આમાર વિલીન સ્વપ્ન આકાંક્ષા આર તુમિ નારી – પ્રેમની વિલુપ્ત કથાને જાણે અહીં ઇતિહાસપુરાણી વિલુપ્ત નગરીથી કથા દ્વારા કહે છે. કવિતાના અંતભાગે પ્રણયની આ વ્યાકુલતા કેવું ચિત્ર નિરૂપે છે !

પર્દાય ગાલિચાય રક્તાભરૌદ્રેર વિચ્છુરિત સ્વેદ
રક્તિમ ગેલાસે તરમુજ મદ !
તોમાર નગ્નનિર્જન હાત :

તોમા રનગ્નનિર્જન હાત.
[પર્દા પર, ગાલીચા પર લાલ તડકાનો ફેલાયેલો પરસેવો
લાલ ગ્લાસમાં તરબૂજ મદ
તારો નગ્નનિર્જન હાથ :
તારો નગ્નનિર્જન હાથ.]

જીવનાનંદ ઉપમાના કવિ છે એમ કહીએ તો ખોટું નથી. ઠેર ઠેર ઉપમાઓ મળશે, ક્યારેક આંખને, ક્યારેક કાનને તો વળી ક્યારેક ગંધને ઉદ્દીપ્ત કરતી ઉપમાઓ. એક માત્ર ‘શિકાર’ કવિતા જોતાં આની પ્રતીતિ થઈ જાય. ‘મતો’ – (નાં જેવું) આ ઔપમ્યવાચી શબ્દ વપરાયો છે તેર વાર, અને ચૌદ જેટલી અવનવીન ઉપમાઓ છે આ કાવ્યમાં ‘આકાશ’ અને ‘આગુન’ (આકાશ અને અગ્નિ)ના રંગ ચાક્ષુષ બનીને આવે છે :

ભોર;
આકાશેર રંગ ઘાસફડિંગેર મતો કોમલ નીલ
[‘સવાર; આકાશનો રંગ ખડમાંકડીના શરીર જેવો કોમલ નીલ.’]
મોગર ફૂલેર મતો લાલ આગુન
[‘કૂકડાની કલગી જેવો લાલ અગ્નિ’]
તાર રંગ હયે ગેછે રોગા શાલિકેર હૃદયેર વિવર્ણ ઇચ્છાર
મતો
[‘તેનો (અગ્નિનો રંગ માંદી કાબરાના હૃદયની ફિક્કી ઇચ્છાના જેવો થઈ ગયો છે.’]
વન ઓ આકાશ
મયૂરેર સબુજ નીલ ડાનાર મતો ઝિલમિલ કરે છે.
[‘મોરની લીલી ભૂરી પાંખ જેવાં વન અને આકાશ ઝલમલ કરે છે’]

જીવનાનંદની ઉપમાઓ વિશિષ્ટ પ્રકારની હોય છે. પ્રથમ કવિતામાં ‘પાખીર નીડેર મતો ચોખ’–‘પંખીના માળા જેવી આંખ’ કહે છે ત્યારે માળાની જેમ આશ્રય, હૂંફ આપનાર આંખો એવો ભાવ વ્યક્ત થાય છે.

સ્તનતાર
કરુણ શંખેર મતો – દૂધે આર્દ્ર.
[‘તેના સ્તન કરુણ શંખના જેવા – દૂધે આર્દ્ર.’]

ઉપમા દ્વારા માત્ર સાદૃશ્યની વાત કહેવાને બદલે આ કવિ એક ભાવ, એક વિચાર, એક વાતાવરણ સર્જે છે. ‘વનલતાસેન’માં વિષયવૈવિધ્ય નહીં જોવા મળે, નહીં મળે છંદોવૈવિધ્ય. જીવનાનંદે એક માત્ર પયારની વિવિધ ભંગિમાઓનો પ્રયોગ કર્યો છે. છતાં ‘હાવાર રાત,’ ‘ઘાસ.’ ‘નગ્નનિર્જન હાત’ જેવી સફલ અછાંદસ રચનાઓ ‘વનલતા સેન’માં છે. જીવનાનંદ આજે નથી, એક જીવનાનંદીય જગત છે, જેમાં પ્રવેશ કરનારને એક ઉમદા હૃદયનો પરિચય થયા સિવાય નહીં રહે. તેમની કવિતામાં માત્ર સંવેદના જ નહિ, પરમ અંતર્વેદના છે.૭[7] જીવનાનંદની કવિતા એક સાચા કવિની કવિતા છે. વર્ષો પછી પણ કોઈ સહૃદય પાઠક નવા પુરાણા, દેશવિદેશના કાવ્ય જગતમાં ભમીને જીવનાનંદની કવિતા વાંચશે તો કદાચ કહી ઊઠશે :

અમારે દુદંડ શાંતિ દિયેછિલ નાટોરેર ‘વનલતા સેન.’

નોંધો;

  1. બુદ્ધદેવ બસુ : ‘કાલેર પુતુલ.’ પૃ.૫૮.
  2. નિરુપમ ચટ્ટોપાધ્યાય : કવિતા (બંગાળી)–અંક ૮૭.
  3. દીપ્તિ ત્રિપાઠી : ‘આધુનિક બાંગ્લા કાવ્યપરિચય’ પૃ : ૧૮૫.
  4. ‘જીવનાનંદ દાશેર શ્રેષ્ઠ કવિતા’ માં બીજી, ત્રીજી અને ચોથી પંક્તિઓ આ પ્રમાણે છે :
    –ચારિદિકે પિરામિડ–કાફનેર ઘ્રાણ;
    બાલિર ઉપરે જ્યોત્સ્ના–ખેજુર છાયારા ઇતસ્તત :
    વિચૂર્ણ થામેર મતો : એશિરિય...
    દ્વારકા કે એસિરિયા વિલુપ્ત સભ્યતાનું જ તો સૂચન કરે છે !
  5. બુદ્ધદેવ બસુ : ‘કાલેર પુતલ’ પૃ. ૬૧.
  6. જીવનાનંદ દાશ : ‘કવિતાર કથા’
  7. ૭. અશોકમિત્ર : કવિતા – જીવનાનંદ સ્મૃતિ સંખ્યા પૃ : ૮૭.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

૧૯૬૩
(‘અધુના’)

૦૦૦