zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/લેખક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લેખક-પરિચય  : રમણભાઈ નીલકંઠ
Ramanbhai Neelkanth2.jpg

રમણભાઈ મહીપતરામ નીલકંઠ (જ. ૧૩-૩-૧૮૬૮ – અવ. ૬-૩-૧૯૨૮) પંડિતયુગના મહત્ત્વના સર્જક-વિવેચક. તેમનો જન્મ વડનગરા નાગર જ્ઞાતિમાં અમદાવાદમાં થયો હતો. પિતા મહીપતરામ રૂપરામ નીલકંઠ મોટા કેળવણીકાર અને રૂઢિભંજક હતા. રમણભાઈ પંદર વર્ષની ઉંમરે મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં સમગ્ર અમદાવાદ વિભાગમાં પ્રથમ આવ્યા. તે પછી ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાત કૉલેજમાં જોડાયા અને પહેલા વર્ષે યુનિવર્સિટીમાં પહેલા આવ્યા. એ સમયે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અંગ્રેજી ભાષાના સમર્થ કવિ વડર્‌ઝવર્થના પૌત્ર પ્રિન્સિપાલ હતા તેથી તેમના શિષ્ય બનવાની ઇચ્છાથી રમણભાઈએ અમદાવાદની સ્કૉલરશિપ જતી કરીને ત્યાં પ્રવેશ મેળવ્યો. નબળી તબિયતને કારણે બી.એ. થયા પછી એમ.એ. થઈ શક્યા નહિ પણ સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું તેમનું પરિશીલન ફળદાયી રહ્યું.

અધ્યાપક બનવાની ઇચ્છા ન પૂરી થતાં તેમણે ‘ક્લાર્ક ઑફ ધ કોર્ટ’ની નોકરી સ્વીકારી જેમાં બઢતી મળી પણ પછી તે છોડીને વકીલ થયા. પોતાના વ્યવસાયમાંથી સમય કાઢીને મ્યુનિસિપાલિટીનાં તથા સંસાર-સુધારાના કામોમાં અંગત રાહે આકરા નિર્ણયો લઈને પણ બહુ મોટું પ્રદાન કર્યું. ૧૮૯૮થી તે ૧૯૨૮ સુધી તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટી સાથે જોડાયેલા રહ્યા અને સમાંતરે જનસેવાની અનેક સંસ્થાઓ સાથે પણ ઘણું કામ કર્યું.

આ બધાને કારણે સાહિત્યસર્જન માટે ઓછો સમય સાંપડ્યો. તેમની સાહિત્યપ્રવૃત્તિનો આરંભ કવિતાથી થયો. ‘ભદ્રંભદ્ર’ હાસ્યનવલકથા તથા પત્ની વિદ્યાબહેન સાથે હાસ્યલેખોનાં પુસ્તક ‘હાસ્યમંદિર’થી ગુજરાતી હાસ્યસાહિત્યના પ્રમુખ સર્જક તરીકેનું સન્માન પામ્યા. ‘રાઈનો પર્વત’ નાટકે પણ તેમને ખ્યાતિ અપાવી તો તેમનું વિવેચન પણ નોંધપાત્ર રહ્યું. ‘ધર્મ અને સમાજ’ શીર્ષકથી નિબંધોના બે ગ્રંથ તેમણે આપ્યા. તેમના તંત્રીપદે ચાલેલું ‘જ્ઞાનસુધા’ સામયિક પ્રશિષ્ટ સામયિક તરીકે પ્રતિષ્ઠિત થયું. ૧૯૦૪માં સ્થપાયેલ ‘ગુજરાત સાહિત્ય સભા’ના તેઓ પ્રથમ પ્રમુખ હતા. ૧૯૦૫માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની સ્થાપના થઈ જેના પહેલા અધિવેશનમાં રમણભાઈએ વિદ્વત્તાપૂર્ણ ભાષણ આપ્યું. ૧૯૨૭ની પહેલી જાન્યુઆરીએ સરકારે તેમને ‘સર નાઇટ’નો ઇલકાબ આપ્યો પણ માંદગીને કારણે તે સ્વીકારવા જઈ શક્યા નહિ. ૬ માર્ચ, ૧૯૨૮ના રોજ તેમનું અવસાન થયું. તેઓ એવું ધરખમ જીવન જીવ્યા કે ફિરોઝ દાવરે કહ્યું તેમ અર્ધો ડઝન માણસનું કામ તેમણે એકલાએ કર્યું.

સંધ્યા ભટ્ટ