< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/વિવેચક રમણભાઈ નીલકંઠ : સંધ્યા ભટ્ટ
– સંધ્યા ભટ્ટ
વિદ્વદ્વર્ય આનંદશંકર ધ્રુવે જેમને ‘સકલ પુરુષ’ કહેલા અને ગુજરાતી વાચકો જેમને ‘ભદ્રંભદ્ર’ અને ‘રાઈનો પર્વત’ જેવી કાળજયી કૃતિઓથી જાણે છે તે રમણભાઈ નીલકંઠે સાહિત્યસિદ્ધાંતોની વિચારણા પણ કરી છે. નાગરિકજીવનનાં કાર્યોની તુલનાએ સાહિત્યનાં કામ માટે ઓછો સમય આપી શકવા છતાં પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાનો તેમનો ઊંડો અભ્યાસ હતો. કાવ્યચર્ચા, કૃતિસમીક્ષા તથા હાસ્યરસ વિશેની તાત્ત્વિક વિચારણા પરનું તેમનું કામ નોંધપાત્ર છે. રમણભાઈની કાવ્યચર્ચાનો પ્રથમ નિબંધ ‘કવિતા’ ઈ. સ. ૧૮૮૮માં ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલો. એ પછી ૧૮૯૨માં ‘કવિત્વરીતિ’, ૧૮૯૫માં ‘છન્દ અને પ્રાસ’, ૧૯૦૦માં ‘વૃત્તિમય આભાસ’ અને ૧૯૦૧માં ‘કાવ્યાનંદ’ – એમ આ બધાં લખાણો ક્રમશઃ ‘જ્ઞાનસુધા’માં પ્રગટ થયેલાં. આ નિબંધોમાં મુખ્યત્વે વડર્ઝવર્થ, કૉલરિજ, શેલી, કીટ્સ જેવા અંગ્રેજી સાહિત્યના Romantic Ageના કવિ-વિવેચકોના કવિતા અંગેના વિચારોની ભૂમિકા હેઠળ કાવ્ય અંગે તેમણે પોતાના વિચારોની ચર્ચા કરી છે.
વિશ્વભાષાઓનાં સાહિત્યની વાત કરતાં તેઓ નોંધે છે, ‘ગ્રીક ભાષામાં સહુથી પહેલું નિબંધન પદ્યમાં છે. ભારતવર્ષમાં આર્યોનું સહુથી પહેલું નિબંધન વેદ પદ્યમાં છે. વેદાદિ બાદ કરતાં ગ્રંથકારોમાં પહેલા વાલ્મીકિ ગણાય છે. તેમનું નિબંધન રામાયણ પદ્યમાં છે. આ ગ્રંથો કવિતા નથી એમ કહેનારું કોઈ નથી. આથી આટલું સિદ્ધ થશે કે માણસમાં કવિત્વશક્તિ સ્વાભાવિક છે અને તે જ્ઞાનથી એટલે યત્ન કરીને સંપાદન કરેલા જ્ઞાનથી ઉત્પન્ન થતી નથી.’ (‘રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિઃ ખંડ ૨’, સંપા. રમેશ મ. શુક્લ, પૃ. ૨) આ મતને દૃઢીભૂત કરવા માટે તેઓ કાવ્યસર્જન પ્રક્રિયાનું સૂક્ષ્મ વિશ્લેષણ કરે છે અને એમ કરતી વખતે પશ્ચિમમાં થયેલી ચર્ચાને પણ ઊંડળમાં લે છે. આ નિબંધો વાંચતા રમણભાઈની ચિંતનપદ્ધતિનો ખ્યાલ આવે છે. તેઓ તેમના સમયમાં લખાયેલી કવિતાને મૂલવે છે, પદ્ય અને કવિતા વચ્ચેનો ભેદ બતાવે છે, વર્ણનને કવિતા ન કહેવાય એ સમજાવે છે, ચિત્તક્ષોભ દ્વારા કે ચતુરાઈ દ્વારા – બંને રીતે કવિતાસર્જનનાં ઉદાહરણો આપે છે અને જરૂર લાગે ત્યાં પાશ્ચાત્ય કાવ્યવિચારનું ખંડન પણ કરે છે. અંગ્રેજી ‘lyric’ને નરસિંહરાવ દિવેટિયા ‘સંગીતકાવ્ય’ કહે છે તે એમને માન્ય નથી; એ માટે તેઓ ‘રાગધ્વનિ-કાવ્ય’ શબ્દ આપે છે અને એ અંગેની પોતાની સમજની વાત પણ કરે છે. અંગ્રેજી સાહિત્યની subjective અને objective કવિતાને નવલરામ પંડ્યાએ આપેલ પદ ‘સ્વાનુભવરસિક’ અને ‘સર્વાનુભવરસિક’ને યોગ્ય બતાવીને તેની બારીક દૃષ્ટિથી ચર્ચા કરે છે. તેમના મતે શેક્સપિયર કે કાલિદાસ જેવા સર્જકો બંને પ્રકારનું સામર્થ્ય રાખે છે.
‘છન્દ અને પ્રાસ’ નિબંધની શરૂઆતમાં તેઓ સ્પષ્ટ લખે છે, ‘છન્દ વિના કવિતા થાય નહિ અને પ્રાસ વિના શોભે નહિ એવો આગ્રહ કારણ દર્શાવ્યા વિના કરવો એ રસતત્ત્વના અન્વેષણને ઉચિત નથી, અને પ્રાસ માટે તો તે ક્ષણભર ટકે એમ નથી, કેમ કે સંસ્કૃત વગેરે સર્વ પ્રાચીન ભાષાઓના સાહિત્યમાં પ્રાસ વિનાની જ કવિતા છે.’ (‘રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિઃ ખંડ ૨’, સંપા. રમેશ મ. શુક્લ, પૃ. ૫૨–૫૩) નરસિંહરાવ દિવેટિયાની ‘કુસુમમાળા’માંથી ઉદાહરણો આપીને તેઓ તેમાં પ્રયોજાયેલા સહજ વૃત્તની પ્રશંસા કરે છે. કવિ કાન્તના ‘વસંતવિજય’ અને ‘ચક્રવાકમિથુન’ કાવ્યમાં વૃત્તપરિવર્તન કાવ્યને ઉપકારક છે એમ કહે છે. સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના સાહિત્યમાં અપાયેલી કાવ્યની વ્યાખ્યાઓની યાદી આપીને કવિતાનાં લક્ષણોમાં છન્દ અનિવાર્ય નથી એમ તેઓ સિદ્ધ કરે છે.
‘વૃત્તિમય ભાવાભાસ’ નિબંધ અંગ્રેજ ચિંતક અને કલામીમાંસક જ્હોન રસ્કિનના નિબંધ ‘Of Pathetic Fallacy’થી પ્રેરિત છે. આ ચર્ચામાં અંતઃક્ષોભથી થતી કવિતાનો મુદ્દો કેન્દ્રમાં છે. રસ્કિન કહે છે, ‘...વૃત્તિમય ભાવાભાસ વૃત્તિમય છે (અર્થાત્ મનોરોગવાળો છે) તેટલે જ અંશે તે સબળ છે, તે આભાસમય છે (અર્થાત્ અસત્ય છે)’ (મૂળ ‘મોડર્ન પેન્ટર્સ’, વૉલ્યુમ ૩જું, પ્રકરણ ૧૨મું જેનો અનુવાદ પૃ. ૧૪૩, ‘રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિઃ ખંડ ૨’, સંપા. રમેશ મ. શુક્લ) રમણભાઈ પોતાની ચર્ચાનો સારાંશ આપતાં લખે છે, ‘પ્રબળ ચિત્તક્ષોભથી અસ્વસ્થ અને વિવશ થઈ જઈ તથા મનોરોગ ઉપર વિવેકશક્તિનો છેવટનો કાબૂ જાળવી રાખવાને અસમર્થ થઈ પડી જે કવિ પ્રકૃતિમાંના પદાર્થો ઉપર મનુષ્યહૃદયના ભાવનું આરોપણ કરે છે તે વૃત્તિમય ભાવાભાસની ભૂલમાં પડે છે, પોતાની વૃત્તિના પ્રબળથી તે એટલો અંજાઈ જાય છે કે જ્યાં તેવો ભાવ છે નહિ અને હોઈ શકે તેમ નથી ત્યાં તેવો ભાવ ચાલી રહેલો તે માની લે છે. આ મનોબળની ખામી છે અને તેટલે અંશે તે દૂષણ છે.’ (‘રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિઃ ખંડ ૨’, સંપાદક : રમેશ મ. શુક્લ, પૃ. ૧૪૩)
‘વૃત્તિમય ભાવાભાસ’ નિબંધમાં રમણભાઈનાં તારણ અંગે અભ્યાસી વિવેચક પ્રમોદકુમાર પટેલ તેમના નિબંધ ‘રમણભાઈની કાવ્યતત્ત્વ વિચારણા’માં સમગ્ર ચર્ચાનું આકલન કરીને સારરૂપ નિરીક્ષણ આપતા લખે છે, ‘...વડર્ઝવર્થ આદિની પ્રેરણા અને પ્રભાવ ઝીલી રમણભાઈએ ‘અંતઃક્ષોભ’નો સિદ્ધાંત પ્રતિષ્ઠિત કરેલો પણ તેમાં ‘અંતઃક્ષોભ’ની અંતર્ગત વિવેકબુદ્ધિ જેવી કોઈ વિશિષ્ટ શક્તિનો સ્વીકાર નહોતો. અહીં તેઓ પ્રથમ વાર ‘પ્રેરણા’ની અન્તર્ગત વિવેકબુદ્ધિને સાંકળી લેવા ચાહે છે.’ (‘રમણભાઈ નીલકંઠ’, સંપાદક : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પૃ. ૧૧૧–૧૧૨)
જે રીતે સ્વરૂપવિચારણા બાબતે તેમ જ ગ્રંથસમીક્ષા માટે પણ ‘જ્ઞાનસુધા’ સામયિક નિમિત્ત બન્યું. તેમણે ભોળાનાથ સારાભાઈ રચિત ‘અભંગમાળા’, ભોળાનાથ સારાભાઈના પુત્ર કૃષ્ણરાવે લખેલ ‘ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત્ર’, ત્રિભોવન પ્રેમશંકર ત્રવાડી રચિત ‘વિભાવરી સ્વપ્ન’, ભીમરાવ ભોળાનાથ રચિત ‘પૃથુરાજ રાસા’, ‘સરસ્વતીચંદ્રનું અવલોકન’ (જે મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ‘સરસ્વતીચંદ્ર’ પર લખેલ સમીક્ષા પર આધારિત છે.) તથા કૃષ્ણરાવ ભોળાનાથ લિખિત ‘મુકુલમર્દન’ નવલકથા પર લખ્યું છે. ચિનુ મોદી લખે છે તેમ ‘રમણભાઈ કૃતિપસંદગીના વિવેકમાં લગભગ ચૂક્યા છે, એવી પ્રતીતિ દરેક ભાવકને થશે.’ (‘રમણભાઈ નીલકંઠ’ સંપાદક : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પૃ. ૧૭૬) તેમના સમયના પ્રમુખ સર્જકોની કૃતિઓ વિશે સમીક્ષાકર્મ કરવાનું નહિ સૂઝવું તે સમયની નાડ પારખવાની લગભગ અશક્તિ સૂચિત કરે છે એમ પણ ચિનુ મોદી કહે છે જે આજનો અભ્યાસી પણ પ્રમાણી શકશે.
‘વિભાવરી સ્વપ્ન’ પ્રકૃતિકાવ્ય ત્રિભોવન ત્રવાડીએ લખ્યું અને તેની પર વિવેચક જટિલે ટીકા લખી. રમણભાઈ બંને વસ્તુને સાથે રાખીને આ કાવ્યની આસ્વાદલક્ષી સમીક્ષા કરે છે. રમણભાઈ શરૂઆતમાં જ પરસ્પર વિરોધી વાત કરે છે. કવિને પોતાની ભાવાભિવ્યક્તિ કરવામાં ‘ગુજરાતી ભાષાની અપૂર્ણતા નડી છે’ એમ તેઓ કહે છે અને એમ કહીને તેઓ કવિમાં કોઈ દોષ જોતા નથી. પણ પછી તરત જ લખે છે, ‘કવિના ચિત્તમાં જે ભાવ ઉદ્ભૂત થઈ રહ્યા હોય છે તેને પૂરેપૂરા અંત્ય સ્વરૂપમાં પ્રગટિત કરવાની શક્તિ તો કોઈ પણ માનુષ ભાષામાં નથી, પરંતુ આશય અને વિચારક્રમ સ્પષ્ટ કરવાની શક્તિ કવિઓમાં વ્યક્તિ પરત્વે ભિન્ન ભિન્ન પ્રમાણની હોય છે એટલું તો ના પાડવું જોઈએ નહિ.’ (‘રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિઃ ખંડ ૨’, સંપાદક : રમેશ મ. શુક્લ, પૃ. ૩૪૨)
આમ, કાવ્યની ક્લિષ્ટતા માટે એક તરફ ભાષાની અપૂર્ણતાને દોષ દે છે અને પછી કવિનું સામર્થ્ય ઓછું પડ્યું હોય એમ પણ કહે છે. આટલું કહ્યા પછી કાવ્યનો આસ્વાદ કરાવે છે અને અંતે એક મઝાની વિનંતી કરે છે, ‘કાવ્ય કેવું સુંદર અને મનોહર છે એ અમારી કેટલીક ચર્ચાને લીધે ધ્યાનમાંથી ખસી જતું હોય તો, ભૂલવામાં ન પડતાં મૂળ કાવ્ય ફરી વાંચી જોવું એટલે સંતોષ અને આનન્દ પ્રાપ્ત થયા વિના રહેશે નહિ.’ (‘રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિ : ખંડ ૨’, સંપાદક : રમેશ મ. શુક્લ, પૃ. ૩૬૨) વિવેચક જટિલ પરત્વેનો વ્યંગ પણ અહીં વાંચી શકાય.
‘પૃથુરાજ રાસા’ એ વીરરસનું કાવ્ય છે. એક સ્થાને તેઓ આ કાવ્યને અંગ્રેજી કવિ Scottના Lady of the Lake સાથે સરખાવે છે તો ક્યાંક કાલિદાસનો પ્રભાવ પણ જુએ છે અને એમ કવિનાં કાવ્યાભ્યાસને બિરદાવે છે. અલબત્ત અહીં પણ ગુણદર્શનનું પલ્લું નમે છે.
‘હાસ્યરસ’ની વિગતે ચર્ચા કરતો રમણભાઈનો લેખ ૧૦૩ પૃષ્ઠોમાં વિસ્તર્યો છે જેમાં તેમણે ફ્રેંચ લેખક હેન્રી બર્ગસન, અંગ્રેજી લેખક વિલિયમ હેઝલિટ, જ્યૉર્જ મેરિડિથ, એડિસન જેવા સિદ્ધાંતકારોએ આપેલા હાસ્યના વિવિધ પ્રકારો અને સ્તરોની વાત કરી છે. અહીં તેમણે કેટકેટલી અંગ્રેજી હાસ્યકૃતિનાં ઉદાહરણો આપ્યાં છે અને અંગ્રેજી પારિભાષિક શબ્દો ગુજરાતીમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે, હાસ્યનિષ્પત્તિની વાત કરતાં તેઓ પાદટીપમાં લખે છે, ‘ઉપરના નિરૂપણમાં ‘વિટ’ અને ‘હ્યુમર’ એ અંગ્રેજી શબ્દો વાપર્યા છે તેનું કારણ એ છે કે ‘નર્મયુક્ત વાક્ચાતુર્ય’ અને ‘સમર્મ હાસ્યરસ’ એવાં કાંઈક લાંબા પદ સરખામણીની વ્યાખ્યાઓમાં ઘડી ઘડી વાપરતાં અન્વય કલિષ્ઠ થઈ જાય. એ બે અંગ્રેજી શબ્દો માટે ‘નર્મ’ અને ‘મર્મ’ એ બે શબ્દો રૂઢ થાય તો બહુ સરળતા થાય.’ (‘રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિ : ખંડ - ૩’, સંપાદક : રમેશ મ. શુક્લ, પૃ. ૨૮૮)
રમણભાઈનું વિવેચનકાર્ય અભ્યાસીઓ માટે ઉપયોગી બની રહે તેમ છે.
આ સંપાદન વિશે
રમણભાઈ નીલકંઠે ૧૯૦૪-૩૨ દરમ્યાન ‘કવિતા અને સાહિત્ય’ના ૪ ખંડોમાં એમનું સર્વ લેખન સંગૃહિત-પ્રકાશિત કરેલું.
આ સંપાદન મેં,
શ્રી રમેશ મ. શુક્લે એ સર્વ લખાણો ‘રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિ’ નામે પુનઃસંપાદિત કરેલાં છે (પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૧૬) એના ખંડ -૨ અને ખંડ-૩માં સમાવિષ્ટ વિવેચન-સામગ્રીને આધારે કર્યું છે. એ માટે એમની આભારી છું.
કેટલાક લેખોમાં વચ્ચે ક્યાંક, ફૂટનોટ સિવાયની પણ, ફૂદડીઓ (* * * *) કરેલી છે આ અંગે પુનઃસંપાદકના નિવેદનમાં કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી. એ ફૂદડીઓ મેં તે તે સ્થાને જાળવી છે.