સહરાની ભવ્યતા/રાવળસાહેબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રાવળસાહેબ


શ્રી સુરેશ જોષી પછીના સાહિત્ય વિશે આપે ખાસ લખ્યું નથી તો એનું કારણ એ તો નથી ને કે જીવન વિશેની માન્યતા જુદી પડતી હોય?

શ્રી રાવળસાહેબને મેં પૂછ્યું. હું એમની પાસે ભણ્યો નથી તેથી એમને ‘સાહેબ’ કહેવાનો કાયદેસર હક્ક ધરાવતો નથી છતાં બધા મિત્રોઅને મુરબ્બીઓ — યશવંતભાઈ ને ઉમાશંકર સુધ્ધાં એમને આ રીતે આદર આપે છે ને એમની સહૃદયધર્મી ઉપાસના ચાલુ છે એવાઅંદાજે ‘સાહેબ’ કહેવાની ટેવ પડી છે, પણ એ સર્જાતા સાહિત્ય વિશે કેમ ખાસ લખતા નથી એવો પ્રશ્ન ઘણીવાર થાય છે. પ્રશ્ન સાથે એનોઉત્તર શોધતાં એમ લાગે છે કે રાવળસાહેબ રહ્યા ઉપનિષદ–ગીતાના ઉપાસક. ‘અમૃતા’માં મેં અમુક વિભાગ માટે ‘નિરપેક્ષ’ શબ્દ વાપરેલોત્યાં ‘અનપેક્ષ’ જોઈએ એમ એમણે છેક 1965માં કહેલું, અનપેક્ષ રીતે જ, પણ મેં પછી ભૂલ સુધારેલી. આજે પણ તમે એમની ધાર્મિકમાન્યતા વિશે પૂછશો તો એ બેલાશક કહેશે: ‘હા, હું અદ્વૈત વેદાન્તી છું.’ તો આવા અદ્વૈતવાદીને અસ્તિત્વવાદ અને ‘ઍબ્સર્ડ’ની છાંટધરાવતું, નવા મિજાજનું સાહિત્ય ન ગમે એ શક્ય છે તેથી પૂછેલું. એમણે કહેલું:

‘મુદ્દામાલ સારો જોઈએ. જીવન વિશેની કોઈપણ માન્યતા કૃતિના આસ્વાદમાં નડતી નથી. એ વસ્તુ સાહિત્ય હોય એટલે થયું. પરંપરા કેપ્રયોગ એવા ભેદ પણ હું કરતો નથી. ભાષા પરત્વે બહુ સાવધ છું. અભિવ્યક્તિની કચાશ હોય તો કૃતિમાં રસ ન પડે.’

‘પણ સર્જાતા સાહિત્ય વિશે લખતા નથી.’

‘વાંચતો રહું છું.’

એ નિર્વિવાદ છે કે રાવળસાહેબ વાંચતા રહેતા. મેં એકવાર જાહેર મંચ પરથી એમનો પરિચય આપતાં દૃઢ માન્યતા સાથે કહેલું કે ગુજરાતીસાહિત્ય વધુમાં વધુ રાવળસાહેબે વાંચ્યું છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ બધા પ્રકારની કૃતિઓ એમણે વાંચી છે. નગીનભાઈ સમજ્યા વિનાએક શબ્દ પણ પાડે નહીં તેમ રાવળસાહેબ વાંચ્યા વિના બોલે નહીં, અતિશયોક્તિ કરે નહીં, અલંકારો વાપરે નહીં. કૃતિ વિશે કદાપિ વ્યંગકરે નહીં. ક્યારેક તો એક જ વાક્યમાં આખી વાત કહી દે. એમનું એક વાક્ય એક ફકરાનું પણ હોય. તેથી એ ફકરામાં એકવાક્યતાનોગુણ તો હોય જ. એમાં વિશેષણો જ નહિ, ક્રિયાવિશેષણો પણ હોય તેથી ફકરો વજનદાર હોય. એમાં રહેલા રાવળસાહેબના સહૃદયધર્મનેકોઈ વિધર્મી એક ફૂંકે ઉડાડી દે એ વાતમાં માલ નહિ. તમે રાવળસાહેબને વાંચ્યા વિના ચલાવી શકો પણ એમની સાથે મતભેદ પાડીનેએમને ખોટા ઠરાવી ન શકો. એમની તટસ્થતા તમારામાં હોય તો પછી જોઈએ જ શું? આજનું ગુજરાતી સાહિત્ય આમ વિવેચકરહિત નજ હોત. ચિનુ મોદીએ ‘મારા સમકાલીન કવિઓ’ એ નામે શ્રેણી લખેલી. એમાં ‘મારા’ પર ભાર. ભોળાભાઈ, અનિરુદ્ધ, રાધેશ્યામ, સુમન, નલિન અને બંને ચંદ્રકાન્ત મુખ્યત્વે સર્જક થવાની આકાંક્ષા ધરાવે છે. ગુજરાતીમાં કોઈ સર્જક થઈ શકે એ વિશે સુરેશભાઈને શ્રદ્ધા જનથી. તેથી ગુજરાતી વિશે બોલવા પૂર્વે પણ એમણે વાંચ્યું હોય પશ્ચિમનું. નિરંજનભાઈ માત્ર બોલે, ખાસ લખે નહીં અને દિગીશભાઈવાંચ્યા પછી બોલે પણ ભાગ્યે જ. ટૂંકમાં કોઈ કહેતાં કોઈ પૂરા સમયના શુદ્ધ વિવેચક નથી. રમણલાલ સ્વમાની છે. જેમાં પોતે વક્તા નહોય એ સભામાં જાય નહીં, તેમ લેખકની વિનંતી વિના લખે નહીં. જયંત કોઠારી આ બધાથી કંઈક જુદા પડે પણ એમને ભાયાણીસાહેબનોચેપ લાગ્યા પછી એ શાસ્ત્રકાર થવા બેઠા છે, વિવેચનનું વિવેચન અને સંપાદન કરે છે. રાવળસાહેબ જેટલું સર્જનાત્મક સાહિત્ય એ પણવાંચતા લાગતા નથી. અને આમ, રાવળસાહેબ અદ્વિતીય કઈ રીતે એનાં કારણોમાં ઊતરવું જોઈએ.

આમ જોવા જઈએ તો નવી પેઢી તેજસ્વી છે. એ ક્યારેક વધુ ઊંચે તાકતી લાગે છે. પણ કોણ જાણે આધુનિકતાનો આગ્રહ વધી ગયો છે. વિવેચનક્ષેત્રે પણ અમે કશુંક નવું કર્યું એ સિદ્ધ કરવાની આકાંક્ષાએ મહત્ત્વ ધારણ કર્યું છે. આ વિશિષ્ટ પ્રકારની આધુનિકતાએ વિવેચકોનીનવી પેઢીને પોતાની ભાષામાં સર્જાતા સાહિત્યથી વિમુખ કરી છે. તો બીજી બાજુ સાહિત્યનાં સામયિકો પુસ્તક–સમીક્ષાના વિભાગનેઅનિવાર્ય ગણતા નથી. રાવળસાહેબે આટલી બધી ગુજરાતી કૃતિઓની સમીક્ષાઓ લખી એમાં એમના અધ્યાપનકાર્ય ઉપરાંત કૌમુદી, પ્રસ્થાન, રેખા, ઊર્મિ–નવરચના આદિ સામયિકોના તંત્રીઓ પણ જવાબદાર છે, અને ખાસ તો એમનું વ્યસન. જોકે આપણે પૂછીએ તો એકહેવાના કે અત્યારે તો જરા જોઈને વાંચું છું. એમની જેમ શતાધિક પ્રસ્તાવનાઓ બીજા કોઈએ ભાગ્યે જ લખી હશે. નવલરામ ત્રિવેદીબધું જ વાંચતા. વિશ્વનાથ પ્રશિષ્ટના આગ્રહી. પોતે વિવેચન કાર્ય શરૂ કર્યું તે દિવસોમાં વિશ્વનાથનું આકર્ષણ પણ પોતે સ્વભાવ અનેસમજથી અહિંસક. સહદય તરીકે ક્યાંય પાછા ન પડી જવાય ને યાગ્યતા કેળવાતી રહે એવી પ્રતિજ્ઞા કરેલી. ગાંધીજીએ કલ્પેલાઅહિંસામૂલક શાંત અને સ્વસ્થ સમાજના નાગરિક. એક પુસ્તક પ્રો. જે. ડી. પાઠક સાથે રહીને ‘આહાર અને પોષણ’ વિશે લખેલું છે. પોષણ ન આપે એવા આહારના એ પુરસ્કર્તા નથી. તેથી જે વાંચે છે એ બધાને પુરસ્કારતા નથી, એવું અનુમાન કરી શકાય. એમનેરણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે અભિવાદકોએ એમને અજાતશત્રુ વિવેચક કહેલા, પણ એ ગુસ્સે ન જ થાય એવું નથી. થોડાંક વર્ષપહેલાં ગુજરાતીની અભ્યાસ–સમિતિની ચૂંટણી વખતે એ એમના એક મિત્ર પર ગુસ્સે થયેલા, પછી ચૂંટણીમાંથી ખસી ગયેલા. ગુજરાતીસાહિત્ય પરિષદના આગામી પ્રમુખપદ માટે બીજાં નામો સૂચવાયાં હોત તો એ ખસી જાત, માત્ર નામો નહીં, યોગ્ય નામો. ક્યારેક માત્રનામો જોઈને પણ એ ખસી જાય, લડે નહીં. ક્યારેક એ અજાતશત્રુ હોવાની સાથે એ અજાત યોધ્ધા પણ લાગે, પણ એ મોટે ભાગે આભાસહોય. કોઈની બીકથી એ ખોટાં વખાણ ન કરે. પુસ્તકમાં દેખાયું ન હોય એવું બોલે નહીં. હા, ખસી જાય ખરા. ખસી જવાની આપણીપરંપરા સમૃદ્ધ છે. સમકાલીન સાહિત્ય વિષે બોલવું નહીં એ ખસી જવાનો જ એક પ્રકાર થયો. ભીષ્મ પોતાની પ્રતિજ્ઞા પાળીને જ કૃતાર્થતાઅનુભવતા રહેલા, જે સભા એમના જેવા વૃદ્ધોથી શોભતી હતી એમાં પણ એમનું મૌન ઇતિહાસની ઉધાર બાજુએ નોંધાયું.

રાવળસાહેબની કારકિર્દી ખૂબ જ તેજસ્વી રહી હતી. 1932માં સંસ્કૃત ઓનર્સ અને ગુજરાતીમાં યુનિવર્સિટિમાં પ્રથમ સ્થાન મેળવીનેબી.એ. થયેલા. એમ.એ.માં ગુજરાતી સાથે સાથે અંગ્રજી ભણેલા. ગુજરાત કૉલેજમાં પૂરાં પચ્ચીસ વર્ષ અધ્યાપન કર્યું. અને બોલવાનું હોયએ વિષે નિ:શેષ કથન કરે. ક્યારેક પ્રમુખપદેથી વક્તા કરતાં વધુ બોલે. શ્રોતાઓ પ્રસંશા કરશે કે કેમ એ બાબતે અનપેક્ષ રહે. વાક્યરચનાની ભૂલ કદાપિ ન થાય પણ લખે છે એવી શૈલીમાં બોલે. અવાજ પણ અહિંસક, કોઈને વાગે નહિ, અડકે નહિ. ક્યારેકશ્રોતાઓને આવ્યા હોય એવા જવા દે પણ વ્યાખ્યાન ટેપ થયું હોય કે લખાયું હોય તો એથી ગુજરાતી સાહિત્યની ગુણવત્તા અવશ્ય વધીહોય. પોતાના તરફ ધ્યાન ખેંચ્યા વિના જેમણે પોતાની સ્વાધ્યાયનિષ્ઠાથી આપણા સંસ્કારજીવનની સતત સેવા કરી છે એમાં રાવળસાહેબનુંનામ રહેશે. એ નહિ, એમનું કામ બોલશે.

એમણે જયા–જયંતની અભિનેય આવૃત્તિ તૈયાર કરેલી. ક્યારેક દિગ્દર્શન પણ કર્યું હશે, પણ અભિનય નથી કર્યો. એની કળા પારખી છે. ગુજરાતી રંગભૂમિ એમના રસનો વિષય હતો. બીજી કળાઓમાં સંગીત. એ ગાઈ શકતા. ત્રણ ફૂટની રેંજમાં પહોંચે એવા અવાજથી એચોખ્ખું ગાઈ શકતા. મીરાંનું પદ આપો તો હરહંમેશ તૈયાર. પણ ઘણું કરીને તો તમને ખ્યાલ જ ન આવે કે એ તમારી નજીકમાં છે. પોતાનાહોવા અંગે કોઈને સભાન પણ ન કરનાર માણસ કોઈને માટે ભારરૂપ તો બને જ ક્યાંથી? અને તેથી એક ઊંડા અને ઉમદા અર્થમાં એમનુંખસી જવાનું વલણ વાજબી ઠરે છે. ઇ. સ. 1912ના પ્રથમ દિને જન્મેલા રાવળસાહેબ ઘણું જીવશે, કેમ કે આજે પણ એ ચાલે છે, સ્ફૂર્તિથી, આજુબાજુ જોયા વિના, પોતાની દિશામાં દ્વૈત પણ નથી તો દ્વિધા તો હોય જ ક્યાંથી?