સાહિત્યચર્યા/અમરત્વનો સંચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અમરત્વનો સંચય

એમિલી ડિકિન્સ ૧૯મી સદીના અમેરિકાનાં મહાન કવયિત્રી. એમનો જન્મ એમ્હર્સ્ટમાં ૧૮૩૦માં, એમનું અવસાન એમ્હર્સ્ટમાં ૧૮૮૬માં, ૫૬ વર્ષની વયે. એમના જન્મસમયે એમ્હર્સ્ટની માત્ર ૫૦૦ માણસની વસ્તી. એમનું કુટુંબ એમ્હર્સ્ટમાં અગ્રણી પ્રતિષ્ઠિત કુટુંબ. એથી કુટુંબ એક અમીરી ઇમારતમાં વસતું હતું. ૨૫-૨૭ વર્ષની વયે એમિલી પ્રસિદ્ધ ધર્મોપદેશક રેવરન્ડ વેડ્ઝવર્થનાં પ્રવચનોમાં હાજરી આપતી હતી. વેડ્ઝવર્થ એમિલીથી વયમાં બહુ મોટા, વળી પરિણીત, એમનું લગ્નજીવન સુખી. એમિલી એમને માત્ર બે જ વાર મળ્યાં હતાં. છતાં એ વેડ્ઝવર્થના પ્રેમમાં હતાં. એથી આ સમયમાં એમણે લગ્નોન્મુખ કન્યા જેવું વેશપરિધાન કરવાનો આરંભ કર્યો હતો. વેડ્ઝવર્થે એમના પ્રેમનો સ્વીકાર કર્યો હોય એવું એક પણ પ્રમાણ પ્રાપ્ત થતું નથી. પછી એમિલીએ જ્યારે જાણ્યું કે વેડ્ઝવર્થ હવે કાયમ માટે સાનફ્રાન્સિસ્કો વસવા જાય છે ત્યારે એમનો હૃદયભંગ થયો હતો. ત્યાર પછી આયુષ્યનાં શેષ ૩૦ વર્ષ દરમ્યાન એ ભાગ્યે જ એમના શયનખંડની બહાર ગયાં હતાં. એમ્હર્સ્ટના વતનીઓ આ શ્વેતવસ્ત્રધારિણી સન્નારીને માત્ર સંધ્યાસમયે જ એમના ઘર પછવાડે ઓક વૃક્ષોની વચમાં ફરતી જોઈ શક્યા હતા. આમ તો એમિલી લાંબા સમયથી કાવ્યો રચતાં હતાં. પણ હૃદયભંગ થયો પછીના એક જ વર્ષમાં અસાધારણ આવેગથી ૩૬૨ કાવ્યો રચ્યાં હતાં. ૩૦ વર્ષના એમના એકાન્તવાસ દરમ્યાન એમનો પરિચય કરવાનો અધિકાર માત્ર ત્રણ કે ચાર વ્યક્તિઓ (એમાં એક એમના દરજી) ને પ્રાપ્ત થયો હતો. એમણે કુલ ૧૭૭૫ કાવ્યો રચ્યાં છે. પણ એમના જીવનકાળ દરમ્યાન તો એમાંથી માત્ર ત્રણ જ કાવ્યો એક સામયિકમાં એમના મિત્રોએ પ્રસિદ્ધ કરાવ્યાં હતાં, અને તે પણ એમની જાણ વિના જ. એ ત્રણ કાવ્યો તંત્રીને ‘વિચિત્ર’ લાગ્યાં હતાં એથી એમણે એ કાવ્યો સુધારીને પ્રસિદ્ધ કર્યાં હતાં. એમિલીના અવસાન પછી એમના ટેબલના ખાનામાંથી આ સૌ કાવ્યો મળી આવ્યાં હતાં. આ કાવ્યો એમણે કાગળના ટુકડાઓ, કાપલીઓ, ચબરખીઓ, બિલો તથા રસીદોની પછવાડે કોરી બાજુ, વપરાયેલા પરબીડિયાઓની અંદરની કોરી બાજુ, પિતાની લાઇબ્રેરીનાં પુસ્તકોમાંથી કાપી કાઢેલાં કોરાં પાનાંઓ પર રચ્યાં હતાં. એક કાવ્યની આઠ પંક્તિઓ તો એમણે બે ફૂટ લાંબી અને એક જ ઇંચ પહોળી એવી ચબરખી પર રચી હતી, એમાં એમણે એકેએક શબ્દના વિકલ્પ રૂપે ચાર ચાર શબ્દો નોંધ્યા હતા. આ સૌ કાવ્યોના શબ્દો ઝાંખા પડી ગયા હતા, અક્ષરોના મરોડ ઉકેલી શકાતા ન હતા. આ સૌ કાવ્યો એમણે એટલી તો ત્વરિત ગતિથી રચ્યાં હતાં કે એમને પંક્તિઓને અંતે કે વાક્યને અંતે વિરામચિહ્નો મૂકવાનો સમય પણ ન હતો. એમના હાથની ગતિ એમના મગજની ગતિ જેટલી ત્વરિત ન હતી. એમણે વિદ્યુતવેગે આ સૌ કાવ્યો રચ્યાં હતાં. ૧૯મી સદીના અંતભાગમાં એમના અવસાન પછી એમના મિત્રોએ એમાંથી કેટલાંક કાવ્યોનો સંચય પ્રગટ કર્યો હતો. ત્યાર પછી અવારનવાર એમનાં કાવ્યોના સંચય પ્રગટ થતા રહ્યા. છેક ૧૯૪૫માં વધારાનાં ૬૬૬ કાવ્યોનો સંચય પ્રગટ થયો હતો. એમિલીએ એક પણ કાવ્યનો નાશ કર્યો ન હતો એટલું જ નહિ પણ પોતાના અવસાન પછી એમનાં કાવ્યોનો નાશ કરવાની મિત્રોને સૂચના પણ આપી ન હતી. ભાવિ પેઢીઓના વાચકો-ભાવકો પર કેવી અનન્ય શ્રદ્ધા! વિવેચક સ્ટેન્લી વિલિયમ્સે સાચું જ કહ્યું છે, ‘એમિલી ગુપ્ત રીતે પોતાના અમરત્વનો સંચય કરી રહ્યાં હતાં.’ અમેરિકન કવિતાના ઇતિહાસમાં એમિલી ડિકિન્સ મેટાફીઝિકલ કવિતાનાં સર્વશ્રેષ્ઠ સર્જક છે. અવસાનના દિવસની સવારે એમિલીને એમના અવસાનનો આગોતરો અણસાર આવ્યો હશે, એથી એમણે એક બહેનપણીને સવારે પત્રમાં લખ્યું હતું. ‘Called Back’ (મને પાછી બોલાવવામાં આવી છે.) અને સાંજે એમનું અવસાન થયું હતું. એમ્હર્સ્ટમાં એમની કબર પર માત્ર બે શબ્દો જ અંકિત કરવામાં આવ્યા છે : ‘Called Back.’ ૧૧ મે ૧૯૫૭