સાહિત્યિક સંરસન — ૪/તમારો હું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
7. તમારો હું

ગિરિમા ઘારેખાન

Girima Gharekhan 1.jpg

તમે તમારા આલિશાન બંગલામાં સૂનમૂન થઈને એકલા બેઠા છો. હમણાં જ તમે તમારી પત્નીના ડ્રોઅરમાંથી ઊંઘની ગોળીઓની સ્ટ્રીપ્સ લઈને આવ્યા છો અને તમારી ધ્રૂજતી આંગળીઓ એના ઉપર ફરી રહી છે. નિરાલી માટે તમે જ એ ગોળીઓ લાવતા હતા, વર્ષોથી. મહિનાની ત્રીસ ગોળીઓ ક્યારે વધીને સો થઇ ગઈ હતી એની તમને ખબર જ ન હતી પડી. એણે એ ગોળીઓ લેવાનું ક્યારે અને કેવા સંજોગોમાં ચાલુ કર્યું હતું એ યાદ કરવાનો પ્રયત્ન તમારા વિશાળ ભાલ ઉપર પડેલા સળમાં દેખાઈ રહ્યો છે. મગજના મોહેંજોદડોના થોડા ખોદકામ પછી એ સ્મૃતિઓ તમને જમીનની અંદર દટાયેલા અળસિયાની જેમ સળવળ સળવળ થતી દેખાય છે. એ દિવસે નિરાલીને કંઈ જ જણાવ્યા વિના તમે વહેલી સવારે ઘરની બહાર નીકળી ગયા હતા. એ પછી નિરાલીના બે વાર ઉપરાઉપરી ફોન આવ્યા પણ તમારી પાસે એને જવાબ આપવાનો સમય ન હતો. ઉત્સાહથી થનગનતા તમે આખો દિવસ તમારા દ્વારા આયોજિત એક મેડિકલ અધિવેશનમાં વ્યસ્ત હતા. પછી તો તમે ફોન જ બંધ કરીને મૂકી દીધો હતો. તમારા જેવી વ્યાવહારિક વ્યક્તિને નિરાલીની ઘણી વાતોમાં વેવલાઈ લાગતી. એટલે જ એ દિવસે તમે એનો ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. એ દિવસે તમારા આયોજનની પ્રશંસા સાંભળીને તમારી ૩૬-ની છાતી ૫૬-ની થઇ ગઈ હતી. રાત્રે ગાડી ચાલુ કરતાં પહેલાં તમે ફોન ચાલુ કર્યો ત્યારે તમારા ધ્યાનમાં આવ્યું હતું કે આખા દિવસ દરમ્યાન નિરાલીના ઘણા ફોન આવેલા હતા. તમને હતું કે ઘેર જઈને થોડા કડક અવાજમાં તમે એને સમજાવી દેશો કે એમ ‘ગુડ મોર્નિંગ’ ન કહેવાયું એમાં એટલા ફોન નહીં કરવાના. આ વખતે પહેલા જ પ્રયત્ન પછી ડોક્ટર મહેતા જેવા સિનિયર ડોકટરે તમને અભિનંદન આપતા કહ્યું હતું કે હવે પછીના અધિવેશનનું આયોજન પણ એ તમને જ સોંપશે. એટલે હવે તો એવું ચાલુ રહેવાનું. ઘેર જઈને તમે ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢવા ગયા ત્યારે ત્યાં લગાવેલા ‘હેપ્પી ફિફ્થ વેડિંગ એનિવર્સરી’ના કાર્ડને જોઇને તમને નિરાલીના એટલા મિસ કોલનું રહસ્ય સમજાયું હતું. આમ તો એ ક્યારેય તમારી સાથે ઝઘડો ન કરતી. એક આદર્શ પત્નીની જેમ તમારું આધિપત્ય એણે મૂંગે મોઢે સ્વીકારી લીધું હતું. મોટે ભાગે તો તમે ગુસ્સો કરો ત્યારે એ કપાળનો કૂવો ઠાલવતી બેસી રહેતી. પણ એ દિવસની વાત જુદી હતી. તમને લાગતું હતું કે એ વખતે તો એ ગુસ્સો કરશે, કૈંક તો બોલશે જ. પણ બેડ રૂમમાં જઈને જોયું તો એ પલંગમાં ઓઢીને સૂતેલી દેખાઈ. હાશ! તમારા મનમાં એ દિવસે મળેલી, હમેશાં ઝંખેલી, સફળતાની સરગમ ગૂંજતી હતી. તમારા કાન એ વખતે કોઈ બેસૂરી ફરિયાદ સાંભળવા તૈયાર ન હતા. તમે ચૂપચાપ પલંગની બીજી બાજુએ સૂઈ ગયા હતા. જો કે સૂતા પછી તમને એવું લાગ્યું તો હતું કે નિરાલી તો જાગે છે. પણ એ જાગતીને જગાડવાનો તમારો કોઈ જ ઈરાદો ન હતો. તમને પાંચ જ મિનિટમાં ઊંઘ આવી ગઈ હતી. સવારે તમે ઊઠ્યા ત્યારે નિરાલી રિયાને સ્કૂલ જવા માટે તૈયાર કરી રહી હતી. એની આંખો લાલ અને સૂજેલી હતી. કદાચ આખી રાત ઊંઘી નહીં હોય. રડી પણ હશે. તમને થયું હતું કે એનિવર્સરીના દિવસે પતિ સાથે વાત ન થાય એમાં એમ રડવાનું શું? એ એક ઝડપથી નામ કમાઈ રહેલા ડોક્ટરની પત્ની છે. એને એટલી તો સમજણ હોવી જોઈએ કે સુખ-સાહ્યબી એમ જ નથી મળી જતી. લગ્ન કરીને આવી ત્યારે નાના એક બેડરૂમના ફ્લેટમાં આવી હતી. સ્કુટર પાછળ તમને પકડીને બેસતી હતી અને ગીતો ગાતી હતી. પાંચ વર્ષમાં એનો પતિ એને આ ત્રણ બેડ રૂમના ફ્લેટમાં લઇ આવ્યો હતો. ગાડી પણ લઇ લીધી હતી. એ બધું એમનેમ થોડું થાય છે? કૈંક મેળવવા માટે કૈંક ગુમાવવું તો પડે જ ને? પોતાનું કલીનીક ખોલવાનું સપનું પૂરું કરવા માટે તમે ત્રણ ચાર હોસ્પિટલોમાં વિઝિટ માટે જતા હતા. એ બધું એ જોતી જ હતી ને? આટલી અક્કલ ન હોય! ડોબી. પતિની સફળતા વિષે પૂછવાને બદલે, એની પીઠ થાબડવાને બદલે, એમ મોં ચડાવીને ફરે એવું થોડું ચાલે? એ દિવસે તમને એવું લાગ્યું હતું કે નિરાલી ખરેખર દેખાય છે એટલી હોશિયાર નહીં હોય. માત્ર લાગણીઓથી જિંદગી થોડી જીવાય? શરૂ શરૂમાં જયારે તમે એને પ્રોફેશનલ પાર્ટીઓમાં લઇ જતા હતા ત્યારે એની અદ્ભુત વાક્છટા અને સાદગીનું સૌન્દર્ય જોઇને તમારા અમુક ખાસ મિત્રો તમને કહેતા કે ‘યાર તું ફાવી ગયો છે.’ મૂર્ખાઓ! અત્યારે આને થોબડું ચડાવીને ફરતી જુએ તો એમને ખબર પડે કે એનું મગજ એના હૃદયમાં છે. એની સાથે લગ્નનું નક્કી થયું ત્યારે એણે તમારી પાસેથી વચન લીધું હતું કે તમે એનું પીએચ. ડી. પૂરું કરવા દેશો. જો એ પછી પ્રોફેસર થઈને ઘરમાં પણ પ્રોફેસરી કરતી ફરે એ કેવી રીતે ચાલે? સારું થયું કે પહેલા જ વર્ષે રિયાનો જન્મ થઇ ગયો અને એ એમાં પરોવાઈ ગઈ. અત્યાર સુધી જિંદગીમાં બધું તમારી ઈચ્છા પ્રમાણે જ બનતું આવ્યું હતું. તમે સમજણમાં આવ્યા ત્યારથી તમારી ચાર મોટી બહેનો પાસેથી એવું સાંભળતા આવ્યા છો કે દેખાવમાં કે બુદ્ધિમાં તમારા જેવું બીજું કોઈ નથી. તમે ડોક્ટર બનવા માટે જ જન્મ્યા હતા અને ભણવાનું એ પ્રમાણે બરાબર ચાલતું હતું. અરીસો તમારા પ્રેમમાં હતો અને વારંવાર તમને એની પાસે બોલાવતો. તમે પણ એના આમંત્રણને માન આપીને એ બોલાવે એટલી વાર એની પાસે જતા અને તમારો ગોરો રંગ, ભૂરી આંખો, ભૂખરા વાળ, ગ્રીક દેવતા જેવો ચહેરો અને શરીર એને બતાવ્યા કરતા. નિરાલી સાથે નક્કી થયું ત્યારે પણ તમારી મમ્મીએ કહ્યું હતું કે ‘સારી છે પણ તારા જેવી નહીં.’ એ દિવસે તમને લાગ્યું હતું કે નાસ્તો બનાવતી વખતે એ તમારી સામે ત્રાંસી નજરે જોયા કરતી હતી. કદાચ એને એમ હશે કે તમે એને ‘સોરી’ કહેશો. પણ તમે એવું કંઈ કર્યું જ ન હતું પછી શું કામ એવી દિલગીરી વ્યક્ત કરવી પડે? હવે તો આ બધાથી એણે ટેવાવું જ પડશે. તમને એવો પણ વિચાર આવ્યો હતો કે આવ નાટકો કરવાને બદલે એ પતિની ગર્વિત સફળતાની વાતો એની ફેસબુક કે ઇનસ્ટાની વોલ ઉપર મૂકે તો એનો કેટલો વટ્ટ પડે ! પછી તો એવા વટ્ટ પડે એવા પ્રસંગો ઉપરાઉપરી આવવા માંડ્યા હતા. હજી તો સવાર આળસ મરડતી હોય ત્યારે તમે નીકળી જતા અને રાત આરામ કરતી હોય ત્યારે પાછા આવતા. પોતાના કલીનીકનું તમારું સપનું તમે બહુ જલદી ફળીભૂત કરી દીધું હતું. દિવસો સુધી તમને તમારી પત્નીની સામે જોવાનો સમય ન હતો મળતો. એ તો એક દિવસ એણે તમને કહ્યું હતું કે એને રાત્રે ઊંઘ જ નથી આવતી ત્યારે તમારું ધ્યાન કાળા ખાડામાં જતી રહેલી એની આંખો તરફ ગયું હતું. તમે એ દિવસે એને માટે ઊંઘની ગોળીઓ લઇ આવ્યા હતા. એ પછી તમને વધારે શાંતિ થઇ ગઈ હતી. બે ત્રણ વર્તમાનપત્રોમાં ચાલુ થયેલી તમારી કોલમ તમે રાત્રે શાંતિથી લખી શકતા હતા. થોડા સમય પછી એક દિવસ નિરાલીએ થોડા ધ્રૂજતા અવાજમાં તમને પૂછ્યું હતું, ‘હવે રિયા મોટી થઇ ગઈ છે અને ડે સ્કૂલમાં જાય છે એટલે ઘરમાં એકલાં એકલાં - - ’ એનું વાક્ય પૂરું થાય એ પહેલા તો તમે તાડૂક્યા હતા, ‘તે શું તને કંપની આપવા હું ઘરમાં બેસી રહું? તને ખબર છે મારા પેશન્ટ્સ એટલા વધી ગયા છે કે હું હવે એક નાની હોસ્પિટલ ચાલુ કરવાનું વિચારી રહ્યો છું?’ તમારા તાડુકાયેલા શબ્દો તમારી પત્નીની આંખોમાં થીજી ગયાં હોય એમ એ પલકારો ય માર્યા વિના થોડી પળો માટે તમારી સામે જોઈ રહી હતી. પછી બરફના ચોસલા જેવા શબ્દોમાં એણે કહ્યું હતું, ‘તમારી હોસ્પિટલ માટે શુભેચ્છાઓ. હું તો કોઈ કોલેજમાં નોકરી શોધવાનું વિચારું છું.’ તમારે એ વખતે એ વાત ટાળી દેવી હતી. તમે કહ્યું હતું, ‘સારું, એક બે કોલેજના ટ્રસ્ટીઓ મારા પેશન્ટ છે. એમને હું વાત કરીશ.’ તમારા આશ્ચર્ય વચ્ચે એનો જવાબ હતો- ‘ના, ના. મેં એક બે જગ્યાએ અરજી કરી હતી. ઇન્ટરવ્યુ માટે જવાનું છે. તમારે કોઈને વાત કરવાની જરૂર નથી.’ બરફના કરા જેવા એ શબ્દોથી તમે ઘાયલ થયા હતા. એક પળમાં તો અનેક વિચારોનું વાવાઝોડું તમારા મનના જંગલમાં ફરી વળ્યું હતું. – આ ડફોળ શું ભણાવશે? કામ કરતાં હાથમાંથી વાસણો તો પડી જાય છે - ચોપડાં શું પકડશે? ઊલટું, જ્યાં જશે ત્યાં એના નામની આગળ પહોંચી ગયેલું તમારું નામ ખરાબ થશે. એ પછી થોડા દિવસો માટે તમે સમયસર ઘેર આવવાનું ચાલુ કર્યું હતું- નિરાલી ઊંઘની ગોળીઓ લઈને સૂઈ જાય એ પહેલાં. તમને ખાતરી હતી કે તમારી ભૂરી આંખોનો જાદુ ફરીથી તમારી પત્ની ઉપર છવાઈ જ જવાનો. બે મહિના પછી તમારે જે સાંભળવા હતા એ સમાચાર તમને મળી ગયા હતા- તમે બીજી વાર પિતા બનવાના હતા. અનિકના જન્મ પછી એની મમ્મી અને ‘પપ્પા’ બની ગયેલી નિરાલી એનામાં એટલી વ્યસ્ત થઇ ગઈ હતી કે પોતે સાવ લઘર વઘર રહેવા માંડી હતી. એ કેવી દેખાય છે એની જાણે એને કંઈ પરવા જ ન હતી. સ્વાભાવિક છે કે એક ખૂબ સફળ ડોકટર એવા તમારી પાસે તમારા બાળકોને આપવા માટે સમય ન હતો. તમે અનિકને એના પહેલા જ જન્મદિવસે ડોકટરનો સેટ ભેટમાં આપ્યો હતો. તમે બનાવેલી, ફેલાવેલી આટલી મોટી હોસ્પિટલની ગાદી સંભાળવા માટે કોઈ તો જોઈએ ને? બંને છોકરાંની પરીક્ષા પહેલાં તમે એમને પરિણામનું એક લક્ષ્ય આપી દેતા અને એ લક્ષ્ય પૂરું ન થાય તો ધીબી પણ નાખતા. ડોક્ટર મિતેશનાં સંતાનો અને ક્લાસમાં પહેલા ન આવે એ કેવી રીતે ચાલે? એમને સારી જિંદગી આપવા માટે તો તમે મહેનત કરતા હતા. જરૂર પડે તો ડોનેશનમાં આપવા માટે લાખોની ડીપોઝિટ પણ બાજુમાં મૂકવા માંડી હતી. એમને અલગ અલગ રૂમ મળે માટે મોટો બંગલો લઇ લીધો હતો. નિરાલી ભલે શાક કે ગ્રોસરી લાવવા માટે જ ઘરની બહાર જતી હોય, પણ તમે એને હોન્ડા સીટી લઇ આપી હતી ને? મોટાં થઇ ગયેલાં છોકરાં તો તમારી સાથે ન આવતાં પણ તમે પરદેશની કોન્ફરન્સમાં જાઓ ત્યારે કોઈ વાર પત્નીને સાથે લઇ જતા હતા. ત્યાં જઈને એના હાથમાં એ દેશનું ચલણ પકડાવીને છૂટ આપી દેતા - તારે જ્યાં ફરવું હોય ત્યાં ફર અને કરવી હોય એ ખરીદી કર. કેટલી બાઈઓનું આવું નસીબ હોય છે! હવે એને એમાં રસ ના હોય એમાં તમારો શું વાંક? સાવ બેકદર બાઈ. આટલા દેશોમાં ફેરવી પણ એ કહે તો એમ જ કે - તમે મને પિયર નથી જવા દેતા. ઘણી વાર એને મળવા એનાં માબાપ આવી જાય, ઠાઠથી રહે. તો પણ તમારા સાસુ કોઈ વાર તમારી પાછળ તમને ‘હિટલર’ કહી દેતા. હિટલર હોત તો રિયા પણ ડોક્ટર જ થાત ને? પણ એ જીદ કરીને કોમર્સમાં જ ગઈ. સી. એ. થઇ. તમને એનો એક ફાયદો થયો કે તમારા ઇન્કમટેક્સનું બધું કામકાજ એણે સંભાળી લીધું. એણે તમારી અડધોઅડધ મિલકત નિરાલીના નામે કરાવીને ટેક્સમાં બચત કરાવી. તમારી મહેનતથી અનિક વળી ડોક્ટર તો થયો. તમને હતું કે હવે બધી કોન્ફરન્સમાં તમે એને સાથે લઈને જશો. એ પણ જુએ કે ઘરમાં ભલે એ લોકો ‘મમ્મી, મમ્મી’, કરતાં હોય, પણ પપ્પાનો બહાર કેટલો રૂઆબ છે. એક કોન્ફરન્સમાં સંચાલકે તમારા પુત્ર તરીકેની એની ઓળખાણ આપી ત્યારે આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠેલો. પણ એ! પોતાના વક્તવ્યમાં એણે કીધું કે એને એવું કામ કરવું છે કે લોકો એને ડોક્ટર અનિક તરીકે જ ઓળખે - પાછળ બીજું કંઈ જ નહીં. એ દિવસે એને સાંભળીને ઘણા ડોકટરોએ તમને કહ્યું હતું કે તમારો દીકરો તમારા કરતાં પણ ચડિયાતો થવાનો. એ પછી તમે એને ક્યાંય પણ સાથે લઇ જવાનું બંધ કરી દીધું હતું. છેલ્લા થોડા સમયથી નિરાલીનું વર્તન એકદમ બદલાઈ ગયું હતું. ઘરમાં જાણે તમારું અસ્તિત્વ જ ન હોય એવું લાગતું. તમે ઘેર આવો એની નોંધ લીધા વિના મોબાઈલ મચડતી બેસી રહેતી. તમારાથી ગુસ્સો થઇ જતો. તમારા ગુસ્સાથી હોસ્પિટલનો આખો સ્ટાફ થરથરતો અને આ તો આંખો પહોળી કરીને તમારી સામે પલકારો પણ માર્યા વિના જોઈ રહેતી. તમને ખૂબ અપમાન લાગતું. તમારો હાથ ઉપડી જતો. પહેલાં વાતવાતમાં આંસુ પાડતી પત્નીની આંખો હવે ભીની જ થતી ન હતી. તમને કોઈ વાર લાગતું કે નિરાલી આખી પથ્થરની થઇ ગઈ છે અને એના મોં ઉપર કોડીની આંખો જડેલી છે. એક વાર તમે રિયા અને અનિકને નોકરોની હાજરીમાં ખૂબ લડ્યા હતા. તમે એમને યાદ કરાવ્યું હતું કે તમે એ લોકો માટે શેરડીના સાંઠાની જેમ આખી જિંદગી પિલાતા રહ્યા છો. તમારી મદદ વિના, માત્ર એમની લાયકાત ઉપર તો એ લોકો કંઈ જ ન બની શક્યા હોત. ગુસ્સામાં ઘર છોડીને જતાં સંતાનોને જોઈને વાદળવિહીન આકાશમાંથી વીજળી ત્રાટકે એવી રીતે નિરાલીએ તમને કહ્યું હતું કે તમે નાર્સીસિસ્ટ છો અને તમે તમારી જાત સિવાય બીજા કોઈને પ્રેમ કરતા નથી. એ સાંભળીને તમારા હાવભાવ એવા થયા હતા જાણે કોઈએ તમને નિરાવૃત કરીને આકાશમાંથી નીચે પટક્યા હોય. ‘તેં જ છોકરાંને મારી વિરુદ્ધ કરી નાખ્યા છે’ એવું કહીને, નિરાલીને બે તમાચા ઝીંકીને તમે ઘરની બહાર નીકળી ગયા હતા. પાછા આવીને તમે જોયું કે ટેબલ ઉપર એક ચિઠ્ઠી પડેલી હતી. એમાં નિરાલીએ લખ્યું હતું કે એ “જઈ રહી છે.” કંઈ પણ અંતિમ પગલું લેતાં પહેલાં એ તમારી બધી જ વાતો મોબાઈલમાં લખીને તમારા મિત્રો, ડોકટરો, પોલીસસ્ટેશન, પત્રકારો, બધાંને જ મોકલી દેશે. એણે એવું પણ લખ્યું હતું કે તમે બે દિવસ પણ પોલીસકસ્ટડીમાં રહેશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમારી સાથે એની જિંદગી કેવી હતી. એ વાંચીને તમારા હોશ કોશ ઊડી ગયા. શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયું. હૃદયના ધબકારા વધી ગયા. તમે મોટેથી ગાળો બોલીને બડબડવા માંડો છો- ‘આ સાલી આવું બધું લખીને આપઘાત કરે તો આટલાં વર્ષો આકાશપાતાળ એક કરીને મેં જે પ્રેસ્ટીજની ધજાઓ ફરકાવી છે એ તો બળીને ખાક થઇ જાય ને? મારા વિરોધીઓ તો આની રાહ જોઇને જ બેઠાં હોય. જે છાપાંઓમાં વર્ષોથી મારી કોલમ ચાલે છે એ જ છાપાંઓમાં મારી બદનક્ષીની કથાઓ પાનાં ભરીભરીને છપાય. લોકો મારી ઉપર થૂ થૂ કરે. સ્ત્રી લખીને જાય પછી મારા ખુલાસા કોણ સાંભળે? પોલીસ ઘરના નોકરોને પૂછતાછ કરે પણ એ લોકો ય સાલા એમનાં બેનનાં ભક્ત છે. પગાર હું આપું અને બોલે એની તરફેણમાં. કરોડો રૂપિયા વેરીને છૂટી તો જવાય, પણ એક વાર અંદર ગયા પછી કશું બાઈજ્જત હોય છે?’ તમારી આંખોમાં એક ફિલ્મ તરતી દેખાય છે. ઘર પત્રકારો અને પોલીસોથી ઘેરાયેલું છે. ઈર્ષાખોર પડોશીઓ બહાર ટોળું વળીને ખાખાખીખી કરી રહ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તમને આપેલાં માન અકરામ પાછા લઇ લેવાની ઘોષણા કરે છે. તમે કાન ઉપર હાથ મૂકીને દીવાલ સામે તાકતા બેસી રહો છો. પછી અચાનક એ દીવાલ ઉપર લાગેલા ફેમિલી ફોટોમાંથી ત્રાટક કરતી આઠ આંખોએ ધક્કો માર્યો હોય એવી ઝડપથી તમે ઉપર જાઓ છો, નિરાલીનું ડ્રોઅર ખોલો છો. એમાંથી તમે આટલાં વર્ષોથી એને લાવી આપતા હતા એ ઊંઘની ગોળીઓની સ્ટ્રીપ્સ બહાર કાઢો છો. તમારી જાણ બહાર તમારી ધ્રૂજતી આંગળીઓ ચાંદી જેવી ચમકતી પેલી સ્ટ્રીપ્સ ઉપર ફર્યા કરે છે.

= = =

સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ

‘તમે’ સામે, ગર્વ અને આધિપત્ય ઝંખતા એ પતિ સામે, એ ડૉક્ટર સામે, વાર્તાના કથકને ફરિયાદ છે. ડૉક્ટરનું એણે નામ સુદ્ધાં નથી આપ્યું. પણ કથકે ફરિયાદના વ્યંગમિશ્રિત સૂરને જાળવી જાણ્યો છે. એ દિવસે..એ દિવસે..કહીને ડૉક્ટરના એક પછી એક વાંક દર્શાવ્યા છે, જોકે, સાથોસાથ, એથી નિરાલીનું પત્ની તરીકેનું વર્તન વધી જ વખતે કેટલું ઉચિત હતું એમ આપોઆપ સૂચવાયા કર્યું છે -- કથકે એ હદે કહ્યું છે કે નિરાલીએ ‘એક આદર્શ પત્નીની જેમ’ ડૉક્ટરનું ‘આધિપત્ય મૂંગે મોઢે’ સ્વીકારી લીધું હતું. તાત્પર્ય એ કે કથકે નિરાલી-તરફી એવું ‘સ્ટૅન્ડ’ લીધું છે. ‘તમે’ ‘તમે’ કરીને એ પુનરાવર્તન કરે છે, એથી પણ પતિના અવગુણ અને પત્નીના ગુણ દૃઢ થયા કરે છે. ડૉક્ટરને કથકે અન્યની હાજરીમાં નિરાલીને લડતો કહ્યો છે, ક્યારેક તમાચા મારતો પણ જણાવ્યો છે. ડૉક્ટર સ્વબચાવમાં હમેશાં કંઈ ને કંઈ દલીલ કરતો હોય છે, પણ નિરાલી-તરફી કથકની વાણીથી એની દલીલોનો છેદ ઊડી જાય છે.

એટલું જ નહીં, ડૉક્ટર રિયાનો પિતા, પછી અનિકનો પિતા; હૉસ્પિટલ ખોલે, પ્રોફેશનલ-પાર્ટીઓ થાય, પરદેશની કૉન્ફરન્સમાં જાય, ત્યાંલગી કે રિયા સી.એ. થાય, અનિક ડૉક્ટર થાય; એમ કથકે ડૉક્ટરના સમગ્ર દામ્પત્યજીવનને આવરી લીધું છે. બધું સિલસિલાબંધ કહેવાયું છે. એથી અવગુણ-ગુણનું કથકનું નિરૂપણ ટકોરાબંધ અને સાચું બની આવ્યું છે. આવી ભૂમિકાને કારણે ગિરિમાની આ વાર્તા આકર્ષક બની છે. સંભવ છે કે કેટલાક વાચકોને કથકનું સટાસટ કહેવાયેલું બધું એક ટીકાટિપ્પણી કે કૉમેન્ટ લાગે. કથકનો જ અવાજ સંભળાયા કરે, કશું સમક્ષ બનતું જોવા ન મળે, રીપોર્ટેેડ કે પરોક્ષ લાગે. અન્તે, ડૉક્ટર ઊંઘની ગોળીઓની સ્ટ્રીપ્સ બહાર કાઢે છે, એની જાણ બહાર ધ્રૂજતી આંગળીઓ ચાંદી જેવી ચમકતી સ્ટ્રીપ્સ ઉપર ફર્યા કરે છે, એમ કહીને કથકે, પ્રારમ્ભ અને અન્તનું વર્તુળ પૂરું કર્યું છે. જોકે એ વર્તુળમાં સમગ્ર દામ્પત્યના ઇતિહાસને આવરી લીધો એમાં કેટલાક વાચકોને વસ્તુનો પથારો થયો પણ લાગે, વર્તુળ કથાની જરૂરિયાત માટે સહજ ન લાગે, ચૉંટાડેલું લાગે. તેમછતાં, વાર્તા સુવાચ્ય રહી છે -- એ છે, કથકની વાણીનો પ્રતાપ. એથી એની ફરિયાદ ચટપટી, ચોટદાર અને અસરકારક નીવડી છે: કેટલાંક દૃષ્ટાન્તો જુઓ -- -- અરીસો ‘તમારા’ પ્રેમમાં હતો અને વારંવાર તમને ‘એની પાસે બોલાવતો’. તમે પણ એના ‘આમંત્રણને’ માન આપીને એ ‘બોલાવે એટલી વાર’ એની પાસે જતા અને તમારો ગોરો રંગ, ભૂરી આંખો, ભૂખરા વાળ, ‘ગ્રીક દેવતા’ જેવો ચહેરો અને શરીર એને બતાવ્યા કરતા. -- એ સ્મૃતિઓ તમને ‘જમીનની અંદર દટાયેલાં અળસિયાંની જેમ’ સળવળ સળવળ થતી દેખાય છે. -- તમારા ‘તાડુકાયેલા’ શબ્દો તમારી પત્નીની ‘આંખોમાં’ થીજી ગયાં હોય એમ એ ‘પલકારો ય માર્યા વિના’ થોડી પળો માટે તમારી સામે જોઈ રહી હતી. -- તમે ‘નાર્સીસિસ્ટ’ છો અને તમે તમારી જાત સિવાય બીજા કોઈને પ્રેમ કરતા નથી. એ સાંભળીને તમારા હાવભાવ એવા થયા હતા જાણે કોઈએ તમને ‘નિરાવૃત’ કરીને આકાશમાંથી નીચે ‘પટક્યા’ હોય. -- સફળતાની ‘સરગમ’, બરફના ‘કરા’ જેવા એ શબ્દો, ‘વિચારોનું’ વાવાઝોડું ‘મનના’ જંગલમાં. વગેરે. તમે -કહીને વાર્તાકારે ‘બીજી વ્યક્તિ કથનકેન્દ્ર’નો આશ્રય કર્યો છે. એમનો કથક ‘તમે’-ને વાર્તામાં દાખલ કરે છે, પણ ‘તમે’-નું રચનામાં કશું ફન્ક્શન નથી. વાર્તામાં ‘બીજી વ્યક્તિ કથનકેન્દ્ર’નો વિનિયોગ આપણા લેખકોને સરળ - હસ્તામલકવત્ - લાગે છે, પણ એ તો જટિલ તરીકો છે -- એ સંકુલતા ઊભી કરે -- વાર્તામાં કેટકેટલાં તત્ત્વો સંતાયેલાં હોય છે એ દર્શાવે -- કથા કોણ અને કેટલી કહી શકે એ સંભવાસંભવને સૂચવે. એ માટે વાર્તામાં ‘તમે’ હોય પણ પાત્ર બને, કથક પણ પાત્ર બને, વાર્તાકાર પણ પાત્ર બને. એની તુલનામાં અહીં થયેલો એનો વિનિયોગ માત્ર નામનો છે. ‘તમે’-ને સ્થાને કોઈપણ નામ મૂકીએ તો ય રચનામાં કશો ફર્ક નહીં પડે. એને બદલે, કલ્પો કે વાર્તા નિરાલી દ્વારા ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’થી કહેવાઈ હોત, કે ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’થી, તો? તો વાર્તાકારને સર્જનના અનેક પડકારો ઝીલવા પડ્યા હોત અને એને પરિણામે વાર્તા જુદી જ ભાતમાં સરપ્રદ નીવડી હોત.

= = =