સાહિત્યિક સંરસન — ૪/બાવળનાં ફૂલ
અશ્વિની બાપટ
બહુ દિવસે મજાની સવાર પડી. ઊંઘ સારી થઈ હતી. તેથી જ ઘણે દિવસે બારી ખોલીને બેઠી. સવારની ચાના કપ સાથે હું અને હું. ધ્યાનમાં આવ્યું કે આજે કદાચ ત્રીજો દિવસ છે, હું નાહી નથી. ચાર દિવસ પહેલાં સુધી કંઈ નહીં તો કપડાં તો બદલતી હતી. કપડાંમાંથી આજે વાસ આવતી હતી. મા કહેતી દરરોજ નિયમિતપણે નહાવું જોઈએ. ‘પણ આજે તો કશે જવાનું નથી. રવિવાર છે.’ ‘રવિવારે ભૂખ તો લાગે છે ને?’ ‘હા...પણ મમ્મા, કાલે પણ રજા હતી અને હું બહાર ગઈ જ નથી તો મારા શરીરે કોઈ મેલ લાગ્યો નથી.’ ‘બહારનો જ મેલ ન હોય. આપણું શરીર અંદરનો મેલ પણ બહાર કાઢતું રહેતું હોય છે. ત્વચા પણ શ્વાસ લેતી હોય છે. ત્વચા દ્વારા પણ ઉત્સર્જન થયા જ કરતું હોય. છિદ્રોમાં ઉત્સર્જિત મેલ જમા થાય. તે કાઢવો પડે.’ ‘પણ આજે મને નહાવાનો બહુ કંટાળો આવે છે. મમ્મા પ્લીઝ…’ આવું ચાલ્યા કરતું એ તો બહુ નાનપણની વાત. આટલાં વર્ષે આ વાત યાદ આવી તેનું અચરજ પણ થયું. ચોખ્ખા પાણીમાં તળિયે રહેલા સાફ-સુથરા પથરા દેખાય તેમ નાનપણની વાતો એકસઠમા વરસે ચોખ્ખી દેખાઈ રહી હતી. એ વાતો ચિરંજીવ હતી. મને બહુ સારું લાગી રહ્યું હતું. આમ તો આજકાલ સારું જ લાગતું હોય છે, પણ ક્યારેક કોક અજ્ઞાત જગ્યાએથી દુખ ઊપડતું. દરિયાના પેટાળમાંથી કોઈ દબાણથી કે ધક્કાથી ઊઠતી લહેરની જેમ. સપાટી પર ફરી વળે અને હું એમાં ઢબુરાઈ જાઉં. કશું જ કરવાનું મન ન થાય. બારી-બારણાં બંધ કરીને થોડા દિવસ માટે પોતે હોવાનું ભૂલી જવાય. એ મોજું વીખેરાઈ ગયા પછી વળી સારું લાગે. આપોઆપ. એવું એ સવારે સારું લાગતું હતું. લાગતું હતું કે જમી-પરવારીને અભેરાઈએ ચડાવેલું વાંચવાનું શરૂ થશે. હું બાથરૂમમાં ગઈ. નાહ્યા પછી કપડાંનો કબાટ ખોલી ઊભી રહી. ઘરમાં પહેરવાલાયક બધાં જ કપડાં મશિનમાં હતાં. પંદરેક દિવસથી કપડાં ધોયાં નહોતાં. મેં એક બહાર જતાં પહેરવાનો ડ્રેસ પહેર્યો. રાતે ઇડલીનો બોળો કરી રાખ્યો હતો એટલે જમવાની ઝંઝટ ન હતી. ઢૉંસા પણ બનાવી શકાય. ફ્રિજમાંથી ટામેટાં કાઢ્યાં. ચટણી બનાવવા. કાંદા પતી ગયા હતા. તૈયાર સૂકી ચટણીથી ચાલી જશે. દહીં પણ છે. આમ તો, આ એક જ એવો સમય હતો કે હું કંટાળો ન કરતી. બહાર ખાવાનું ગમતું ન હતું. ઘરમાં જે હોય તેમાંથી જ પેટભર જમી શકાય તેમ રાંધી લેતી. નોકરીનાં વર્ષોમાં પણ કાયમ ટિફિન લઈને જ જતી. રસોઈમાં મારો હાથ પણ સારો હતો. માત્ર એટલો ફેર પડ્યો હતો કે હવે સ્વાદનો કશો આગ્રહ ન રહેતો. ધીમે ધીમે શેનાયથી પણ ‘ચલાવી’ લેવાની આદત થઈ ગઈ હતી. બસ, હોજરી પુરાય તેટલું બનાવી લેતી. વન-પૉટ મીલ તો મારું ફેવરિટ બની ગયું હતું. ઇડલી સ્ટીમરમાં મૂકાઈ ગઈ એટલે દસ મિનિટ રાહ જોવાની હતી. એમ રાહ જોઈ રહી હતી ત્યારે જ્યોતિર્મયનો ફોન આવ્યો. હવે શું છે? રમત તો પૂરી થઈ ગઈ હતી. હા, રમત તો પૂરી થઈ ગઈ હતી. મારા પૂરતી. હું મેદાનમાંથી નીકળી ગઈ હતી. આમાં હાર-જીતનો પ્રશ્ન જ નથી હોતો. સમય જ આવ્યો હતો નીકળવાનો. બધાને નીકળવું પડે. જ્યોતિ, મેઘના, મિસિસ ચંદન - જેમને માટે કૉલેજ જ જીવન હતું તે - અને તેવા ભલભલા લોકોને પણ નીકળવું જ પડ્યું હતું. પણ એ લોકો મારી જેમ નહોતાં નીકળી શક્યાં. હું તો મારું બધું જ સંકેલીને નીકળી હતી, નીકળી ગઈ હતી. છેલ્લા દિવસે બધું પતાવીને જે દરિયાને ક્લાસરૂમની બારીમાંથી નીરખ્યા કર્યો હતો તેની પાસે ગઈ હતી. સાવ નજીક. મારા અને એના વચ્ચે કોઈ અંતર જ ન રહે તેવો દરિયો મેં બારી બહાર જોતાંજોતાં કાયમ સેવ્યો હતો. કિનારાથી થોડી આગળ વધી પાની ભીંજવી, પછી વધુ આગળ જઈ દૂરથી આવી રહેલા વિરાટ મોજાને આલિંગવા તૈયાર રહી પણ નજીક આવતાંમાં એ મોજું પછડાઈને ચૂર થઈ ગયું. માંડ ઢીંચણ સુધી પહોંચ્યું. કૉલેજથી મળેલાં બધાં જ સુખદુ:ખ, શત્રુમિત્ર અને હાર-જીત એ પાછાં વળતાં પાણીને મેં સોંપી દીધેલાં અને પછી પાછું વળીને જોયા વગર હું સ્ટેશન તરફ ચાલી ગયેલી. બધેથી હાર્યા પછી નિ:સ્પૃહતા સહજ આવી જતી હોય છે. એથી જ નિવૃત્તિના દિવસે કોઈ સન્માન, માનપત્રક, અભિવાદન કે શુભેચ્છાઓ મને સ્પર્શી ન હતી. બધા જ સહકાર્યકરો બધા નિવૃત્ત થનારને માટે જે કંઈ ઔપચારિકતાઓ કરતા હોય છે તે મારા માટે પણ કરી રહ્યા હતા, બીજા ખાસ લોકો જ્યારે નિવૃત્ત થયા ત્યારે કંઈક કંઈક વિશેષ પણ કર્યું હતું, પણ એવી સરખામણીનો વિચાર મને એ ઘડીએ જરા સરખો આવ્યો ન હતો અને પછી પણ આવ્યો ત્યારે ઝટ ખંખેરાઈ ગયો, કારણ કે હવે તો કશું જ થવાનું ન હતું, કોઈ ફેર પડવાનો ન હતો. હવે આમાંના કોઈની પણ સાથે મારે કંઈ જ લેવાદેવા ન હતી. રમતના મેદાનમાંથી કાળક્રમે સહુ મેદાનબહાર થઈ જ જવાના છે. એ લોકો સાથે મારા સંબંધ પર પૂર્ણવિરામ જ મૂકાઈ ગયું હતું. બધું સમ પર હતું છતાં કોઈ અજ્ઞાત જગ્યાએથી દુખ જણાઈ રહ્યું હતું. એક વિચારથી એ દુખ પણ શમી જતું: જે કંઈ મારી સાથે થયું તેમાં કદાચ હું જ ઓછી પડી હતી. એ દિવસ પછી મને કદીયે કૉલેજ યાદ નહોતી આવી, ન કોઈ વિદ્યાર્થી, ન કોઈ કલીગ કે ન કોઈ હોદ્દેદાર. વૉટ્સૅપગ્રુપમાંથી પણ તરત જ નીકળી ગઈ. કોઈની મગજમારી જ નહીં. હવે મારી સામે મુક્તાંગણ હતું. મારો પોતાનો સમય. આખો. ખુશ જ હતી. જે થઈ ગયું તે બધું ફોક. થોડા દિવસ તો ઘરબહાર નીકળી જ નહોતી. જનમનો થાક હતો તે જણાયું. મારું વ્હાલું ઘર મારા થાકને શોષી રહ્યું હતું. દિવસો, મહિનાઓ બસ ખાઈ-પી આરામમાં વીત્યા. કશે બહાર ન જતી, શરીરનો ઉપયોગ ઓછો થતાં શરીરની જૈવિક પ્રક્રિયાઓ સાથે જોડાઈ ગઈ. એકાંત હવે ફળવા માંડ્યું હતું. મારા હાથ-પગથી માંડીને શ્વસનતંત્ર, રક્તાભિસરણ - ચામડી સહિત બધા જ અવયવો, માંસપેશીઓ અને શિરા-ધમનીઓ મને કળાવા માંડ્યાં હતાં. એકાંતમાં શરીરથી હું નવેસરથી જોડાઈ રહી હતી. અને શરીર થકી મારા મનને નવેસરથી જાણી રહી હતી. પુસ્તકો વાંચતી. અમેરિકન જર્નલ જેવી જર્નલો વાંચી તૃપ્ત થતી. ચોખ્ખા પાણીમાં તળિયે રહેલા સાફ-સુથરા પથરા દેખાય તેમ નાનપણની વાતો એકસઠમા વરસે ચોખ્ખી દેખાઈ રહી હતી. એકાંતમાં શરીરથી હું નવેસરથી જોડાઈ રહી હતી. ધીમેધીમે સમય ધીમો થતો ગયો. એક એક મિનિટ પહોળી થવા માંડી. હવે એ મિનિટોની સંકડાશમાં ઠાંસી ભરેલાં કાલબાધિત કામ રહેતાં ન હતાં. હવે એના વિશાળ ફલક પર નિરુદ્દેશે ફરી શકાતું. કોઈ જ કામ કર્યા વિના બેસી રહેવા મળતું. કોઈ ભાર વિના વાંચવાનું ગમતું. બહુ ભાર ઊંચક્યા હતા પાંત્રીસ વર્ષ. ઘરના અને બહારના. કૉલેજમાં એ લોકોએ મને કાયમ દૂર રાખી હતી પણ કામને કારણે તેમની વચ્ચે રહેવાનું એટલે કાયમ ઘવાતી. હવે છૂટકારો થયો હતો. અસાધ્ય રોગની પીડામાંથી મૃત્યુએ આપેલા છૂટકારા જેમ. કશું જ યાદ ન આવતું. કૉલેજમાં હતી ત્યારે જ એકલા પડી જવાથી હવે મળેલા મારા એકાંતને બાવળ જેવા કાંટા ફૂટી નીકળ્યા હતા. લોકો મારાથી દૂર રહેતા. હું એમાં જ મજામાં રહેતી. મારા એકાંતમાં હું સુરક્ષિત હતી. માંડ નિવૃત્તિના દિવસે જાણે ધરતીના બે ટુકડા થઈ ગયા હોય અને તેમાંના એક પર હું એકલી રહી ગઈ હોઉં અને એકલી હોવાથી લોકોના ભારથી મુક્ત થઈને હું મારું એકાંત જમાવી રહી હોઉં, તેમાં આ ખલેલ! જ્યોતિનો ફોન આવ્યો ત્યારે લાગ્યું કે કૉલેજ છોડીને ગણી શકાય તેટલા જ મહિના થયા હતા, પણ વિરક્તિ એવી કે મને એ બહુ જૂનો ભૂતકાળ લાગે! કૉલેજમાં ગાળેલાં તમામ વર્ષો નખની જેમ ખચાક્ કપાઈ ગયાં હતાં. છેવટે છેવટનો દિવસ આવ્યો હતો જે મને એ લોકોને, એ વાતાવરણને ભૂલી જવાનો હક્ક આપતો હતો. આટલી હદે હું ત્યાંથી દૂર થઈ જવા માગતી હતી, અંદરથી તો હું છૂટી જ ગયેલી. કામથી કામ રાખવા માંડેલી. ખબર નથી કે ક્યારથી આવું બન્યું હતું. એક ઝાટકે બન્યું ન હતું તેથી જ ખબર ન પડી. બહુ જ ધીમે ધીમે વર્ષોથી જેના પર રોપાઈને હું ઊભી હતી, તે ભૂમિ ખસી રહી હતી. મારી નજર તો આકાશમાં રહેતી. એ લોકો મળતા ત્યારે હું એમની આંખમાં જોતી મારા માટે કોઈ અવકાશ હોય તો, પણ એ લોકો મારી તરફ શબ્દો ફેંકતા. તે શબ્દો અમારા સંબંધમાં સ્વામિ બની જતા. વ્યવહારુ જ હોય શબ્દો, તેમનું કામ જ છે વ્યવહાર કરવાનું. હું સાચા માની લેતી. શબ્દાંકિત ફરજ પૂરી કરતી. મારી દૃષ્ટી ફરી આકાશને ચોંટી જતી. સ્વૈરવિહારમાં ફરી કદીક આમનોસામનો થતો ત્યારે લોકોના ચહેરા પરથી મારા તરફ સ્મિત ફેંકાતું, ચાર વ્યવહારુ શબ્દો બોલાતા. હું પણ પૂરી જવાબદારીથી વળતા જવાબ આપતી. ઉત્તરોત્તર શબ્દોની જગ્યાએ માત્ર સ્મિત. પછી તો બોલવાપૂરતા બોલ પણ નહીં. મૌનના તાળાં. હું પહેલ કરતી થઈ. - કેમ છો - કેમ નજેવું કશુંક બોલતી. બારણે ટકોરા મારવા જેવું. બંધ પણ ન હોય તેવાં બારણાં. પણ કોઈ હોંકાર દેતું આવતું નહીં. પછી એ બારણાં પણ અદૃશ્ય થવા માંડ્યાં. બંધ નહીં પણ ઉપલબ્ધ પણ નહીં. બારણાં ફટાક દઈને બંધ કરી દે તેવા તો તેઓ ન હતા. અળખામણા થવાનું ટાળનારા શાણા માણસો. એ તો ત્યાં જ ટકેલા. પણ હું જ્યાં ઊભી હતી તે ભૂમિનું વિસ્થાપન થઈ ચૂક્યું હતું. એમને દૂર દૂરથી જોઈ શકતી. અને જોયા કરતી આકાશ જોવાનું ભૂલીને. હવે એ પણ બંધ કર્યું. કૉલેજના લોકોનો હવે મારા દૃષ્ટિક્ષેત્રમાં આવવાનો સવાલ જ નહોતો. પણ મને કોઈ કરતાં કોઈનામાં જ રસ નથી. મને ઘરમાંથી કશે જવાનું પણ મન થતું નથી. મારી સાંકડી ઓરડીમાંથી બહાર નજર કરવા જવલ્લે જ બારી પાસે બેસતી હોઉં છું. તો, એ દિવસની શરૂઆત જ્યોતિના ફોનથી થઈ હતી. મારા કરતાં પાંચ વરસ મોટો. મારો સિનીયર. એના રિટાયર થયા પછી ઓવિયસલી, પાંચ વર્ષે હું પણ રિટાયર થઈ. મેઘના ત્રણ વર્ષ પહેલાં, મિસિસ ચંદન ચાર વર્ષ પહેલાં અને માલ્વિકા મારા પછી છ મહિને. માલ્વિકા મારાથી છ મહિના જ નાની હતી પણ એની કારકિર્દી મોડી શરૂ થઈ. સિનીયોરિટીમાં દસ વર્ષ પાછળ હતી. એના આવ્યા પછી જ તો ગૂંચવાડાઓમાં હું ફસાઈ હતી. “બોલો જ્યોતિ" “કેમ છે? તું તો ગાયબ જ થઈ ગઈ છો.” “હું તો...બસ, મજામાં. કંઈક ને કંઈક કામ ચાલ્યા કરે છે.” “કોઈક વાર ફોન તો કરાય કે નહીં?” મને તો જાણે આ લોકોના ફોન આવતા જ રહે છે. કેવા ઊંધા ચોંટતા હોય લોકો! “ખેર, મેં તને એટલા માટે ફોન કર્યો કે આપણી માલ્વિકા રીટાયર થવાની છે તો...” જોયું? કામ વિના કોણ યાદ કરે છે. એની ફેરવેલ પાર્ટીમાં હું ન હોઉં તો ડિપાર્ટમેન્ટનું ખરાબ દેખાય. “હું કદાચ...” “અરે વાત તો સાંભળ...કોઈકવાર મળવાનું બધાંને. શું લઈ જવાનું છે આપણે?” મને મનમાં અનેક પ્રશ્નો ઊઠ્યા. આવી ફિલોસોફી નોકરીનાં વર્ષો દરમ્યાન રાખી હોત તો? કોઈનું શું બગડી જવાનું હતું જો મારી સાથે થયેલા અન્યાયોના વિરોધમાં મારા પડખે રહ્યા હોત તો. ચલો, મારા માટે મારા પક્ષમાં ન ઊભા રહ્યા તો મારે માટે કદી પ્રેમના શબ્દો બોલાયા? મને કદી તેમના તરફથી હુંફ મળી? હું કશું બોલતી ન હતી એટલે એણે આગળ કહ્યું, “શું વિચારમાં પડી ગઈ. તું આમ વાતચીત વચ્ચે જ ખોવાઈ જતી હોય છે, હમેશાં. ખેર. અઠવાડિયે એક વાર - શનિવારે - આવી જતી હોય તો? મેઘનાના ઘર નજીક ‘બરિસ્તા’-માં અમે દર શનિવારે મળતાં હોઈએ છીએ.” હું અવાક્ થઈ ગઈ. એ ટોળીએ મને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. પ્રિન્સિપાલના ખાસ લોકો! છેક સુધી મારો પે-સ્કેલ વધ્યો નહીં. સ્કેલ એ લોકોએ કે કૉલેજે પણ વધારવાનો ન હતો, સરકાર આપવાની હતી. પણ એમણે એ થવા જ દીધું ન હતું. એમના અને મારા પેન્શનમાં એમના જેટલી જ સિનિયોરીટી હોવા છતાં ફરક છે. અને હવે હળવામળવાની વાતો? માલ્વિકાને તો મારાં જેટલાં વર્ષો પણ થયાં ન હતાં છતાં સિનીયર સ્કેલ મળ્યો હતો. ‘નહીં, મારાથી નહીં આવી શકાય.” “ લૂક...અમે તારી રાહ જોઈશું આ શનિવારે.” “અરે સાંભળો તો...” મારી વાત સાંભળ્યા વિના જ એણે ફોન મૂકી દીધો. નોકરી ચાલુ હતી ત્યારે તો એકેય વાર આવા પ્રેમથી વાત કરી ન હતી. રમતી વખતે તો મારા રસ્તામાં પથરા રાખતા હતા અને પ્રિન્સિપાલે જ્યારે મેમો આપ્યો હતો ત્યારે મારા પડખે આમાંનું કોઈ ઊભું ન હતું. સાવ ખોટેખોટો આરોપ. બધાંને ખબર હતી કે જે દિવસે કૉલેજમાં સ્પૉર્ટ્સ ડે હતો એ દિવસે યુ.જી.સીના એક વર્કશૉપમાં મને એક આખું સેશન સોંપવામાં આવેલું. પ્રિન્સિપાલની ઑફિસમાં મારી ડ્યૂટિ લીવનું ફોર્મ આપેલું, સાથે યુજીસીના પત્રની ઝેરોક્સ પણ જોડી હતી. ઑફિસની બેદરકારીને લીધે એ ફૉર્મ પ્રિન્સિપાલ સુધી પહોંચ્યું જ નહીં, અને મને મેમો મળ્યો. મારી કૉન્ફિડેન્શિયલ ફાઈલમાં ફરજ ચૂક્યાનો શેરો લગાવી દીધો. આ જ્યોતિ અને મંડળી આખો વખત પ્રિન્સિપાલની ઑફિસમાં સાહેબનું મનોરંજન કરતા હોય છે. અત્યારે એ બધું જાણે કદી બન્યું જ ન હોય તે રીતે ‘ફ્રેન્ડલી’ વાતો કરે છે. માલ્વિકાને એકવાર મારે પૂછવું તો છે જ કે મેં એનું શું બગાડ્યું હતું કે એણે મારી સાથે આવું કર્યું. કંઈ જરૂર નથી એમ એ લોકોને મળવા જવાની. માલ્વિકાને કશું પૂછવાની પણ જરૂર નથી. સિમ્પલ - એને મારાથી આગળ જવું હતું. મને અનેક પ્રસંગો યાદ આવ્યા. એકવાર મેં એની સાથે વાત કરતાં કહેલું કે અમુક લોકો અહીં કેવા લુચ્ચા છે કે ભારેમાં ભારે ડ્યૂટિ મારા પર જ આવે એવી ગોઠવણ કરતા હોય છે, અને બીજે જ દિવસે વૉશરૂમ જવા સ્ટાફના કૉફીટેબલ પાસેથી પસાર થઈ ત્યારે આ જ ટોળીના ખિખિયાટા સાથે શબ્દો સંભળાયા-- ‘કેમ રે લુચ્ચા...’ ‘કોઈકની ઉપર બધી ભારેમાં ભારે ડ્યૂટિઝ નાખે છે? પગાર તો તને વધારે મળે છે…’ એ દિવસ પછી મેં માલ્વિકા સાથે કાયમ અંતર રાખ્યું. માલ્વિકા ઑર્ગેનિક કેમિસ્ટ્રી ભણાવતી અને હું ઇનોર્ગેનિક ભણાવતી. મારા વિષયના એક ઇન્ટરનૅશનલ સેમિનારમાં અમારી કૉલેજ તરફથી મને ખબર પણ ન પડે તેમ મારે બદલે એને મોકલેલી. મેં પ્રિન્સિપાલને જઈને સીધું જ કહ્યું, ‘સર, અમારા ડિપાર્ટમેન્ટમાં હું એક જ ઇનોર્ગેનિક કેમિસ્ટ્રી ભણાવું છું. સેમિનારમાં તમે મને કેમ ન મોકલી?’ મારી સાથે આંખ મિલાવ્યા વગર એમની ઑફિસના સી.સી. ટી.વી. મૉનિટર સામેથી નજર ખસેડ્યા વગર એમણે કહ્યું, ‘તમારી જ્યુનિઅર કલીગને મોકલી તો તમને ત્રાસ થઈ ગયો! ઇર્ષા જેવું ઝેર દુનિયામાં બીજું એકે નથી.’ મારો મુદ્દો મારા વિષયમાં મારા અધિકારનો હતો, ઔચિત્યનો હતો પણ એ તો જાણે તેઓ સમજ્યા જ ન હોય તેમ બીજી જ વાત કરી. હવે આવાને શું કહેવું! એમની નજરમાં હું ઇર્ષાળુ! સદંતર ખોટી વાત હોય તેનું કંઈ જ ન થઈ શકે. સત્તા પર બિરાજેલો એક મૂરખ આવું જ તો કરે - એટલે એ વખતે ન તો મને ગુસ્સો આવ્યો, ન દુખ થયું. એવો વિચાર જરૂર આવ્યો કે હમેશાં બધા નિર્ણયો પાછળ માત્ર સત્તા પર હોય તે વ્યક્તિની જવાબદારી નથી હોતી. તેમની આસપાસ બેસનારા લોકોની પણ હોય છે. જેને અણહક્કનો લાભ થયો હોય તેની પણ હોય છે. વળી, આ કેસમાં માલ્વિકાએ મને જાણ પણ કરી ન હતી કે એ મારા વિષયના સેમિનારમાં જવાની છે. એ જ્યારે અમારા ડિપાર્ટમેન્ટમાં નવીનવી જોડાઈ હતી ત્યારે મેં એને બધી જ રીતે મદદ કરી હતી - એ તો ઠીક, બધા જ કરે. એ કન્ફર્મ થઈ, આઠ વર્ષે રીફ્રેશર કૉર્સમાં મોકલી. એને સ્કૅલ મળ્યો પણ મારો પે સ્કૅલ અટકાવવામાં આવ્યો હતો. રીફ્રેશર ટ્રેઇનિંગમાં યુનિવર્સિટી મને સોર્સ પરસન તરીકે બોલાવતી પણ મારી કૉલેજમાંથી મારા સ્કૅલની પેરવી કરવામાં આવતી ન હતી; છેક સુધી મને ન આપ્યો. નિવૃત્તિ વખતે ફરિયાદ કરી તો યુનિવર્સિટીમાંથી મારો ક્લેઇમ ‘કાલબાહ્ય’ છે તેવો જવાબ આવ્યો. આવી તો અનેક વાતો યાદ આવવા માંડી. ઉફ્ફ આ બધું મને હજી હેરાન કરે છે. હું કંઈ જવાની નથી. એમની રમતના મેદાનમાંથી હવે જે મુક્તિ મળી છે તે ગુમાવવી નથી. કોઈકવાર એટલી વિરક્તિ આવી જાય કે કોઈની સાથે લડવાનુંય મન થતું નથી. પછી જરા બારી ખોલીને એ માણસોને જોતી હોઉં ત્યારે જે ફરિયાદો સૂઈ ગઈ હોય તે ત્યાંની હવા આવતાં જાગી જાય અને વિરક્તિ વેરાઈ જાય, ત્યાં જઈ રહેલા મનને વાળવા ઊઠીને બારી બંધ કરું પણ મન સાથે ચોંટેલા એમના ચહેરાઓ મને થોડીવાર ઝંઝોડતાં રહે. હું ન જ ગઈ. મારું એમ ન જવું કોઈને નડવાનું ન હતું. તેથી જ, એ વિચારથી જ મને થોડીવાર નડ્યું પણ હવે આવું મને કોઠે પડી ગયું છે. લોકોમાં પ્રિય થવામાં કે અપ્રિય થવામાં કોઈ ખાસ કારણની જરૂર પડતી નથી. લોકપ્રવાહ બધી જવાબદારી લઈ લે. એટલે તેનું દુખ થતું નહોતું. સાચાનો સાથ આપવા એક કેસમાં મેં પ્રિન્સિપાલનો ભરી સભામાં વિરોધ કર્યો હતો તેના પછી આખા સ્ટાફમાં બહુ વ્યવસ્થિત રીતે મને હેરાન કરવામાં આવતી જ હતી, એટલે એ લોકોનું મને કશું લાગતું ન હતું પણ માલ્વિકા મનમાંથી હટતી ન હતી. શરુઆતમાં એ મારી નજીક રહેતી. એની અંગત વાતો પણ કરતી. કોઈ પણ મુશ્કેલીમાં હું એને મદદ કરતી. અંગત સમસ્યાઓની વાતો પણ કરતી, સલાહ માગતી. કોઈને ન કહેવાની શરત તો વણલખી જ હોય. હું લોકો સાથે આમ પણ ઓછું બોલું એટલે એને વિશ્વાસ પણ પૂરો. એ તો બધા સાથે હળતી-ભળતી. એણે નવું ઘર લીધું એ આનંદની બાતમી મને બીજાઓ પાસેથી મળી. એનો પે-સ્કેલ વધ્યા પછી એ મારી સાથે ઓછું બોલતી. એની સાથે મળીને બધાએ મારા જેવી એકને ટાર્ગેટ બનાવી એકલી પાડીને મને ડગલે પગલે ત્રાસ આપ્યો હતો, મારા વિશે ખોટી વાતો ફેલાવી હતી તે પણ યાદ આવ્યા કર્યું. મારું બાવળ જેવું એકાંત મને જ ટોચાવા લાગ્યું. અનેક દિવસો પસાર થઈ ગયા. હું બારી ખોલીને બેસવા માંડી, લોકોને જોવા માંડી. નિરર્થક ફરવા માંડી. લોકોની પંચાત કરવા માંડી. તો ક્યારેક બારીઓ બંધ કરી ગુમસૂમ બેસી રહેતી, કશું જ કરવાનું મન ન થતું. હું જાણું છું ઉદાસીનતાનો પ્રવાહ હોય ત્યારે હું પોતાનું ધ્યાન નથી રાખતી. ફરી બબ્બે દિવસ નહાવાનું નહીં, જમવામાં દૂધ પી લેવાનું. દિવસો સુધી પોતાની જ સતામણી કરતી રહી. મને લાગ્યું કે આનો ઉપાય એ જ છે કે હું એક શનિવારે આ ટોળીને મળી આવું અને ખુલાસા માગું. કન્ફ્રન્ટ કરું આ લોકોને. છેવટે એક શનિવારે હું ગઈ. માલ્વિકા પણ હતી. હંમેશ પ્રમાણે હું મૂંગીમંતર. જ્યોતિ-મેઘનાની હળવી વાતોમાં માલ્વિકાને થોડીથોડી વારે ટાપસી પૂરતી જોઈને મને નવાઈ લાગી. માલ્વિકા ખાસ બોલતી ન હતી. અમસ્તી તો બહુ બોલકણી છે. મારા મનમાં ચાલ્યા કરતી વાત કરવાને મોકો મળતો ન હતો. હું મનની વાત મનમાં જ રાખી ઘરે પાછી વળી. ફરી એ જ એકાકીપણું - જેણે મારું બાવળના કાંટા જેવું મજબૂત આનંદદાયી એકાંત હણી લીધું હતું. રાતે મોડે સુધી મોબાઈલ પર ગેમ રમતી હતી. ટી.વી. પર જે આવે તે જોયા કરતી. પણ મન પરોવાતું નહીં. મેં લવાજમ ભરેલી કેમિસ્ટ્રી જર્નલો વાંચ્યા વિનાની પડી રહી હતી. એક જ તો મારા રસનો વિષય હતો. મહિનાઓ કશું જ ન કરતાં વીતી ગયા. આ બાબત માટે મારી સભાનતા હતી તેથી વધુ મૂંઝારો થતો. બહાર તો નીકળવું જ પડશે. ફરી એક શનિવારે હું એ લોકોના અડ્ડા પર ગઈ. માલ્વિકા ગેરહાજર હતી. એ લોકોની વાતો તો માલ્વિકાની ફરતે જ હતી. ‘રીટાયરમેન્ટ વખતે ફરીથી બધાં ડૉક્યુમેન્ટ્સ ચેક થયા ત્યારે જ તો પકડાઈ.’ ‘પણ એને કન્ફર્મ કરી ત્યારે નહીં ચેક કર્યું હોય?’ ‘અરે, માર્કશીટ્સ જ એવી બનાવટની હતી કે કોઈને પણ શંકા ન જાય.’ ‘એ વખતે એડમિન સ્ટાફે ચોક્સાઈથી કામ ન કર્યું એવું હશે…’ ‘અથવા પૈસા ખવડાવ્યા હશે… આપણા પ્રિન્સિપાલથી માંડીને યુનિવર્સિટીના એડમિન્સને….’ ‘હોશિયારીનો તો પાર નહીં. અને બધે ઘૂસવાની આવડત તો કેવી!’ જ્યોતિએ કહ્યું, ‘આ તો હવે છાપે ચડી ગયું છે, તેમાં આપણી કૉલેજની બદનામી પણ થઈ. માલ્વિકા બરાબર ભેરવાઈ ગઈ. ફ્રોડના દંડ ઉપરાંત કોર્ટના ચૂકાદા પ્રમાણેની સજા…’ ‘કરે તે ભરે. આપણો પ્રિન્સિપાલ પણ કંઈ ઓછો નથી, ’ માલ્વિકાનો માસ્ટર્સનો ગ્રેડ યુ.જી.સી.ની લાયકાતના ધોરણ પ્રમાણે ન હતો. એણે કૉલેજમાં નોકરી મેળવવા માર્કશીટમાં ગ્રેડ બદલ્યો હતો. એ લોકો આ બધી વાતો ચટકારા લઈને કરી રહ્યા હતા. ‘બરિસ્તા’ની કૉફી પીતાં પીતાં. હું ત્યાંથી ઊભી થઈ ગઈ. માલ્વિકાએ જે કર્યું હતું તેનાથી મને શું ફેર પડવાનો હતો? એણે ખોટું કર્યું તે દુનિયા સામે આવ્યું તેનાથી પણ મને શું ફેર પડવાનો હતો? હું જ્યાં નોકરી કરતી હતી ત્યાંના સહકાર્યકરો સાથે મળીને મારી સાથે પણ એણે ખોટું તો કર્યું જ હતું પણ હવે મને શું ફેર પડવાનો હતો? જ્યોતિ કે મેઘના જેવાઓ પણ ઓછું ખોટું કરતાં હોય છે! ગયું તે ગયું. ‘બરિસ્તા’થી હું સીધી એ જ દરિયાકિનારે ગઈ. દરિયાના પેટાળથી ઉપડેલી એક ઊર્જાને કારણે અનેક મોજાં બનતાં અને વીખેરાતાં જોઈ રહી. એ રાતે ઘણા વખતે મને સારી ઊંઘ આવી. મજાની સવાર પડી અને હું બારી ખોલીની બેઠી. ચાના કપ સાથે. હું અને હું.
= = =
સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ
હું એ નારીને, નહીં કે એ વીગતોને, આ વાર્તાનું વસ્તુ ગણું છું. અનુભવી શકાય છે કે એની એ મનોવસ્થાનું વાર્તાના રૂપમાં થયેલું નિરૂપણ આસ્વાદ્ય છે. કેમકે અન્યાય સહીને સ્વસ્થ બની ગયેલી નારીની એ એક અભિવ્યક્તિ, કહો કે, એક સ્વગતોક્તિ છે; જે એના જ મુખે, એક અધ્યાપકને શોભે એ જ શિષ્ટ વાણીમાં, કંઈક કાવ્યાત્મકતા અને ફિલસફીની સહજ છાંટ સાથે, વાચકને સાંભળવા મળે છે.
એનાં કેટલાક ઉદાહરણો -- (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). -- ક્યારેક કોક ‘અજ્ઞાત’ જગ્યાએથી ‘દુખ ઊપડતું’. -- બારી-બારણાં બંધ કરીને થોડા દિવસ માટે ‘પોતે હોવાનું ભૂલી જવાય’. -- બધું ‘સમ પર’ હતું છતાં કોઈ અજ્ઞાત જગ્યાએથી ‘દુખ જણાઈ’ રહ્યું હતું. -- મારું વ્હાલું ઘર મારા ‘થાકને શોષી’ રહ્યું હતું. -- હવે એ ‘મિનિટોની સંકડાશમાં ઠાંસી ભરેલાં’ ‘કાલબાધિત’ કામ રહેતાં ન હતાં. -- ‘અળખામણા થવાનું ટાળનારા’ શાણા માણસો. -- માંડ નિવૃત્તિના દિવસે જાણે ધરતીના બે ટુકડા થઈ ગયા હોય અને ‘તેમાંના એક પર’ હું એકલી રહી ગઈ હોઉં અને એકલી હોવાથી લોકોના ભારથી મુક્ત થઈને હું મારું ‘એકાંત જમાવી રહી હોઉં’, તેમાં આ ખલેલ! અને એની એ મનોદશા સૂચવતું આ વર્ણન -- પછી જરા બારી ખોલીને એ માણસોને જોતી હોઉં ત્યારે જે ‘ફરિયાદો સૂઈ ગઈ હોય’ તે ત્યાંની હવા આવતાં ‘જાગી જાય’ અને ‘વિરક્તિ વેરાઈ જાય’, ત્યાં ‘જઈ રહેલા મનને’ વાળવા ઊઠીને બારી બંધ કરું પણ ‘મન સાથે ચોંટેલા’ એમના ચહેરાઓ મને થોડીવાર ઝંઝોડતાં રહે. અને એની સ્વસ્થતા સૂચવતું આ વર્ણન -- ‘બરિસ્તા’થી હું સીધી એ જ દરિયાકિનારે ગઈ. દરિયાના ‘પેટાળથી’ ઊપડેલી એક ઊર્જાને કારણે અનેક મોજાં બનતાં અને વિખેરાતાં જોઈ રહી. એ રાતે ઘણા વખતે મને સારી ઊંઘ આવી. મજાની સવાર પડી અને હું બારી ખોલીની બેઠી. ચાના કપ સાથે. હું અને હું’.
= = =
