સાહિત્યિક સંરસન — ૪/રસોઈપોથી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
4. રસોઈપોથી

કોશા રાવલ

Kosha Raval 1.jpg

= દિલનો રસ્તો = “સાદી રસોઈ તો ફુવડનેય આવડે. મીઠાઈ, ફરસાણ સહિતનું બધું આવડે, તો જ છોકરીયું સાસરીએ પાછી ન પડે". આ મમ્મીનું વ્યવહાર જ્ઞાન.“મા ન વળોટે તો છોકરીયુંને બીજું કોણ વળોટે?” "સાસરે જઈને રાંધતાં નઈ આવડે તો બીજા કોઈને નઈ, બધાંં’ય માને વગોવશે. શીખો શીખો છોકરીયું”. પછી હળવેકથી ઉમેરે, “કે’ છે ને દિલનો રસ્તો પેટમાં થઈને જાય. સાસરીમાં બધાંનાં દિલ જીતવા હોય તો રસોઈ શીખો, એમાં એક્કા થાવ એ કામનું. બાકી બધું ય નક્કામું, છોકરીયું”. આમ તો મમ્મીની નાની મોટી બીમારીઓને લીધે સંજોગાનુસાર દાળ, ભાત, શાક, રોટલી, ખીચડી, કઢીનાં તપેલાં તો ઊતારી દઉં છું. કાલની જ વાત. પપ્પાના ટિફિનમાંથી રીંગણા-બટેટાનું ભરેલું શાક ખાતા મહેતાકાકા કે’ કે “ભરેલું શાક તો ભાભીના હાથનું હોં, બાકી કેવું પડે.” “તારી ભાભીએ નહીં, આ તો મોટી કમુએ બનાવ્યું છે.” રાત્રે આ વાત સાંભળીને હું મરક-મરક થાઉં તો ડબલ પણ પોરસાતી મમ્મી કે’ “એમ ત્યારે કેળવણી કોની? જોજો ને, સાસરે ઊપડી નય ઉપડાય આપણી ‘કોમલી.” કેવું હશે આ ન જોયેલ સાસરીયું! કેવા હશે એ, જેને અંતરમાં જાગતી બધી ઊર્મિઓ અને પ્રેમ અર્પણ કરવાના છે? એવા કોઈ નગરમાં વસતા ફૂટડા યુવક માટે પાક-કળામાં નિષ્ણાત થવાનું છે, એ વિચાર રોમાંચ જગાડી દે છે.

= બડે અરમાન સે રખા = “આવો રૂડોરૂપાળો અને કામણગારો વર મારા નસીબમાં ક્યાંથી!” લગન થયાં ને રૂડું ઘર પામ્યાંનો હરખ હૈયે માતો નથી, પણ “દશૈયું ન થાય ત્યાં સુધી તમારે રસોડામાં આવવાનું નથી. દસ દિવસ પછી રસોડું તમારું. ચેતનાબેન ટહુકે. તો પણ હું “લાવો ને શાક સમારું, લસણ ફોલું? પ્લેટફોર્મ સાફ કરી નાખું? કપડાંની ગડી વાળું?” કહી એમની સાથે ભળવાનો પ્રયત્ન કરું છું. એમની ખાનપાનની અને વાતચીતની રીતો નોંધતી રહું છું. “જો તુમ કો હો પસંદ વહી બાત કહેંગે, તુમ દિન કો અગર રાત કહો, રાત કહેંગે..." અમારાં મમ્મીજીએ પપ્પાજીના દિલ સુધી પહોંચવા દાળ-શાક-ફરસાણનો રાહ જ પકડેલો છે. (મમ્મી, તું સાચી હોં!) ફૂલેલી પૂરી જેવાં વખાણ મેળવવા જાતજાતના પાપડ બેલે છે. રોજ વાટકીમાં બેત્રણ ચમચી દાળ કે શાક લઇ પપ્પાજીને ચખાડવા જાય, “જોવો તો દાળમાં કાંઈ ખૂટે છે? શાક બરોબર છે?”ત્યાંથી આઈએસઓ 9001નું સર્ટિફિકેટ મળે એટલે જંગ જીત્યાં. “દાળ તો અફલાતૂન હતી.” (મોં પર ધનઘડી, ધનભાગ્યનો ભાવ), "તને કેટલીએ ના પાડી છે તો ય ભીંડાનું શાક દહીં નાખી કેમ બગાડયું ?” (‘તમને ન ભાવ્યું અરર ર’..નો અફસોસ). "આવા કંચન જેવા કારેલાં, પાછાં ભરેલાં! ટેસડો પડ્યો." (ઢાળો રે ત્યારે ઢોલિયો). મમ્મીજી અને પપ્પાજી "આજે કેવી રસોઈ બની હતી અને હવે પછી શું બનાવશું?" એ વિશે લાંબી ચર્ચા વિચારણા, વાદ-વિવાદ, રિસામણાં-મનામણાં રોજ કરે. જાણે સવાર, બપોર, સાંજનું મેનુ સેટ કરતાં-કરતાં જીવે છે. હું એમના પ્રેમનો આવો તરજુમો ચકિત થઈ નિહાળતી રહું છું.

= પેલવેલા = પિયરે દશૈયું નાહી સાસરીયે આવ્યાં. નાહીધોઈ, લીલી સાડી પહેરી રૂમઝૂમ કરતો રસોડામાં પહેલો પ્રવેશ. દાળભાતશાક, પૂરી ને લાપસી. બત્રીસે કોઠે દીવા પ્રગટે એવી રસોઈ બનાવવાની હોંશ હતી, પણ ન બની. જોકે બધાંએ વખાણીને ખાધી. ખાસ તો જમતી વખતે એમણે આંખોથી જે કૉમ્પ્લીમેન્ટ આપ્યું, એનાથી હું ધન્ય થઈ ગઈ.

= લવ ઇન ઍર = આજે રવિવાર, એ ઘરે. કામ ગમે તે કરું, હૈયું ઊડી ઊડી અમારા એ કામણગારા ફૂલડાં ફરતે મંડરાવા લાગે. રસોઈમાં ચિત્ત ન ચોંટે. મમ્મીજી પપ્પાજીને અગિયારસ તે ફરાળ ને જમનાર અમે બે. એક બાજુ સાબુદાણાની ખીચડી અને બીજી બાજુ અમારાં શાક-રોટલી પીરસાણાં. ભરેલાં રીંગણા-બટેકા કુકરમાં વઘાર્યાં હતાં, કેટલી સીટી મારી’તી, રામ જાણે. થાળીમાંથી પહેલું ફોડવું લેવા કર્યું. છૂંદ્યું ન છુંદાય એવું અધકચરું. મોતિયા મરી ગયા. હવે શું થશે? પણ એમણે એમના મમ્મીપપ્પાને આવા ડઠરિયા શાકનો ખ્યાલ ન આવે એમ વખાણીને ખાધું. હું એમના પર ઓવારી ગઈ. કેવા સારા છે! દોષો છુપાવીને મને કેવા છાવરે છે, મારા પ્રિય વર.

આમ પણ આ નવા ઘરની રીત પ્રમાણે બધું બનાવવા ટ્રાય કરું છું. તો ય ક્યાંકને ક્યાંક લોચાલાપસી થઈ જાય છે. બધાંને મમ્મીજી હાથનું જ વધારે ભાવે છે!

= ખમ્મા વીરાને = આજે મામાજી આવવાના હતા. નાનાભાઈને ભાવતું ભોજન પીરસવાં મમ્મીજી હાંફળાફાંફળા. “મીઠું આપ તો, હવેજિયું નીચે મૂક, ચણાનો લોટ ક્યાં? તેલ કાઢી દે તો. ભીંડાને કાપા પાડ. લે ઉતાવળે હાથ હલાવ.” આવી અસ્ખલિત સૂચના દેતાં એ જાતે શાક ભરવા બેઠાં. તલધારી લાપસી મારી જેવી કોઈ ન બનાવે, એવો એમનો ભાવ. આપણે તો ચિઠ્ઠીના ચાકર ને વળી સકર્મીની જીભ ને અકર્મીના ટાંટિયા. ભાણું પીરસાયું. પહેલા કોળિયે મામાજીનું જે મોં થયું! મારું તો હસવું રોક્યું ન રોકાય. ભાઈ માટેના અતિશય પ્રેમમાં એમણે શાકમાં સારી પેઠે મીઠું અને તલધારી લાપસીમાં સારી પેઠે ખાંડ ધાબડી હતી. ભારેખમ મોંએ એમને આગ્રહ કરીને પીરસવામાં શું મજ્જા આવી, શું મજ્જા આવી. ખી ખી ખી ખી.

= અન્નદેવને પ્રાર્થના = મારી સોનુંને પાંચ મહિના પૂરા થયા. છઠ્ઠા મહિને એનું અન્નપ્રાશન. દૂધ-કણકીની ખીર રાંધી. એમાં નાખ્યું મધ. ઠરાવીને આ ખીર ચાંદીની વાટકીમાં કાઢી. બાએ ચમચીથી સોનુને ખીર ચટાડી. નવા સ્વાદને લઈ, મોં બગાડવું કે ખુશ થવું એવું ઢબુડીથી નક્કી ન થયું. નાક ફુલાવ્યું, કપાળે કરચલી પાડી, પછી એકાએક એની આંખમાં ચમક આવી. ભાવ્યું હોય એમ ધીરે ધીરે જીભ બહાર કાઢી ચાટવા લાગી. હાથ-પગ ઉછાળ્યા. સહુ રાજીરાજી. “મારી ઢીંગલી, આ અન્ન તને બળ આપે, તને પુષ્ટ કરી ક્ષયનો નાશ કરે” એવી અન્નદેવતાને મેં પ્રાર્થના કરી.

= પોતપોતાની સિસિફસ કથા = કચરેવાલી ગાડી મેં તુમ કચરા ડાલો જી". રોજ રોજ સાંભળીને જેમને સખત કંટાળો આવતો હોય એવા બિરાદરોને મારે કહેવું છે કે વરસોનાં વહાણાં વાયાં તો ય અમે રોજ એક ની એક રેકર્ડ સાંભળીએ છીએ. “જો સરખું તેલ મૂકજે, રાઈ ને હિંગ મૂકી વઘારજે. લસણિયો સરખીપેઠે નાખજે ને મરચું ધમધમાટ નાખજે નકર તારા પપ્પાને નહીં ભાવે, અને..અને…અને..." સાસુમાની આ આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર છે…જેવી સવારસાંજ વાગતી રેકોર્ડ અમને કંઠસ્થ છે, કર્ણસ્થ છે, અને એવી અબખે પડેલી છે કે એ સાંભળવા છતાં સંભળાતી નથી. “હા, મમ્મીજી” કહી એકધાર્યું રાંધ્યા કરીએ. અમને એટલું જ સંભળાય કે “નાસ્તામાં ઉપમા બનાવજે”, “બપોરે પૂરણપોળી, ઓસામણ, ખાંડવી ને ભરેલાં ભીંડા બનાવજે”. “એમ કર, સાંજે ઈ આવે ત્યારે ગરમાગરમ ખીચું બનાવજે, ભાવશે. અને સાંજે સાદું... એમ કરને ભાજીપાંઉ જ બનાવી નાખજે, ને તારા પપ્પા માટે ભાખરી શાક. વધારે નઈ, બે જ ભાખરી.” મહેમાનથી હર્યાભર્યા ઘરમાં રોજબરોજના લક્ષ્યાંકો પાર કરવાની સંસારી માયાજાળમાં સપડાયેલા અમે, આસ્તિક બની ભગવાનને બળ આપવા પ્રાર્થના કરતા રહીએ.

= લૉસ્ટ ઇન ટ્રાન્સલેશન = શાળામાં તહેવારો વિશેના નિબંધો અમે પણ તમારી જેમ લખ્યા હતા. દિવાળીમાં “લોકો” નવા કપડાં પહેરે, ફટાકડા ફોડે. હળે મળે. ઉત્તરાયણમાં “લોકો” દાન આપે, પતંગ ઊડાડે. હોળીમાં હોલિકાદહન કરે, રંગોથી રમે. વગેરે વગેરે… થાય કે ગૃહિણી “લોકો”માં સમાવેશ પામે કે નહીં? જે હોય એ! મારી બલારાત. આપણે ‘તહેવારોમાં ગૃહિણીના સબરસ’ વિશે નિબંધ લખવો છે:

તહેવારો ગૃહિણીના રસોડામાં મેઘધનુષી રંગો ખીલવે છે. પ્લેટફોર્મના મોકળા મેદાનમાં માટીની ગંધ શો, સ્વાદ અને સોડમમાં મઘમઘતાં પૂર શો ઉમંગ - આ દિવસોમાં થનગને છે. રસોડાની રાણી માટે આ સપ્તરંગો તહેવારોની ખરી ઉજવણી છે. દિવાળીના આગલા દિવસોમાં તો ઘર મઘમઘે. ફરસીપૂરી, મઠિયા, ઘૂઘરા, સેવગાંઠીયા, ચકરી, મોહનથાળ, મગજની સોડમ સાગમટે ઊમટે. ઘસાઈને ઉજળા થઈએ છીએ, ગૃહિણીનો દિવાળીમંત્ર એટલે જ નવી ઉર્જા, નવા બળ સાથે દિવાળીના પાંચ દિવસોમાં આખા વર્ષની વાનગીઓનો રીકેપ રચી દે, એ ગૃહહસ્વામીની. લાડુ, લાપસી, ફ્રુટ સલાડ, ભજીયાં, ઢોકળાં, વડાં, પૂરી, શાક, દાળ, ભાત, કઢી, ભાતની નયનરમ્ય રંગોળી! ઉત્તરાયણ છે ઘરની નાર માટે તલ-દાળિયા-સિંગ-ચીકીની ઋતુ. વાલોડ-પાપડી, લીલવા-લસણ-મેથી વટાણાની ઋતુ. પતંગ ચગાવી થાક્યા જનોને બપોરે ઊંધિયા-જલેબી-પૂરીનું રસતરબતર જમણ ચપટી વગાડતાં હાજર કરવાની ઋતુ. એમાં અન્નપૂર્ણાનો જયજયકાર ઓછો હોય? નોન્સેન્સ. હોળીમાં ઘરે બનાવેલ શ્રીખંડ-પૂરી મિક્સ-શાક છૂટીદાળ-કઢી ને ભાતનો રંગ, ઓલા રંગે રમેલા શું જાણે?

= પ્રેમ એટલે? = થોડાં નવાં સૂત્ર સંભળાવું? કાનબારા ન કાઢતાં, અનુભવ-સૂત્રો છે, બાયું બેનું! વાનગીઓ છે ખટમીઠો રોમાન્સ ને મઘમઘતી રસોઈ છે તસતસતો પ્રેમ. સજાવેલી, ક્રોકરીમાં પીરસાતી રસોઈ છે તરબતર ઇશ્ક. અને સાંભળો ધ્યાનથી. ખારી, ફિક્કી, માપમેળ વિનાની રસોઇ છે અણગમો, અવમાન ને હડહડતી અવહેલના.” જાતને ઘસી ઓરસિયે ત્યારે મળ્યું સખીઓ, આ બ્રહ્મજ્ઞાન. શુકદેવજી કહે છે પરીક્ષિત રાજાને, “હે રાજન, આ જ્ઞાન એને મળે જેણે દિન-રાત રસોડામાં ઊભા પગે તપ કર્યું હોય, ખુદ જલીને, શેકાઈને, તળાઇને સંસારનું આ રહસ્ય લાધ્યું હોય!” તો ગાઓ બાયું! બેનું! કોરસમાં

રામનાં બાણ વાગ્યાં હોય તે જાણે..
ને તાંસળાં ઉલેચ્યાં હોય
ઈ બાયું ભાયડાના પ્રેમનો ભવસાગર તારે.

= જીયા જલે, શાક જલે = સોનું સાત વરસની થઈ ત્યારે અમારી બીજે બદલી થઈ. ઈન મીન ને તીનમાં ભલા, કામ શું હોય! એમાં વળી દબાયેલી સ્પ્રિંગને કુદાકુદ કરવા મળ્યું છે. ગામબહાર ફળિયાવાળું ઘર. વાડામાં રીંગણ ટમેટાં, મરચાં ને મેથીથી લીલુંછમ રહે છે મન. ઘરનું તાજું શાક તો ભાગ’શાળી હોય એને મળે, એવું વિચારી સવારે ગાર્ડનિંગ કર્યા કરું. કદી તડકામાં બેસીને ગીતો સાંભળું. સોનુંને સાઇકલ શીખવું. એમને આવવાને થોડીવાર હોય ત્યાં હાંફળીફાંફળી રસોડામાં ઘૂસું ને ‘કૈંક’ બનાવી નાખું. માય લોર્ડ, ગીતાજી પર હાથ મૂકી કહું છે કે વરસોનાં વરસો, વગર રજાએ - રસોડામાં જે જીવી એ ખરું, પણ હમણાંથી મને રસોઈ કરવાનો સખત કંટાળો આવે છે. જીવવા માટે કેટલી તડકાઓ ભરેલી સવારો, પુસ્તકોમાં ખૂંપતી બપોર, અને ગીતોમાં ગુંજતી સાંજો મળી છે. રે વિધાતા! તમારાથી મારું આ સુખ જોયું શેં નથી જતું! “ઓફિસકામમાં મારી ભૂલ પડે તો ચાલે, બોલ? ન ચાલે ને. એ જેમ મારું કામ છે, એમ રસોઈ તારું કામ છે. જો તો ખરી, કો’ક દિ મીઠું ભૂલી જાય છે ને કો’ક દિવસ ડબલ ધાબડી દે છે. રોજ ગળપણખટાશનું ઠેકાણું નથી હોતું. આજે જ જો, દાળ ઓછી ને રાઈ ઝાઝી છે! હિંગ નાખવાનું તો ભૂલી જ ગઈ છો, ખરું ને?” (આટલું એનાલિસિસ બાપ રે!) "તું ગમે તે ભાણે પીરસ અને હું ગળચી લઉં, એવું કાંઈ હોય!" (કોક દિ તો બગડે ને) “ખાઇ લઉં પણ શું ખૂટે એ પારખી શકું, એટલો કાબો તો છું”. (થોડા બાઘા હોત તો સારું હોત)“કોમલ, તારી ડ્યુટીમાં તું પરફેક્ટ હોવી જોઈએ”. (કારેલાંથી ય કડવી છે જીભ!) પણ વાત તો એમની સાચી. કોઈ રૂપિયા એમ ને એમ થોડા આપે! એ માટે સવારથી સાંજે એ કામ ઢસડતા હોય, બળ્યું સારું ખાવા તો જોઈએને! પાછા શોખીને ય ખરા. હું વેતાસુણી સરખું રાંધતી કેમ નહીં હોઉં? આવું કાંઈ ચાલે! હવે ચીવટથી રાંધીશ. પ્રેમથી જમાડીશ એમને.

= બાલદીની કૂખ કાણી = આજકાલ હું અન્નપૂર્ણા અને શૂર્પણખા વચ્ચેનું જીવું છું. સારી રસોઈ હોય એ દિવસે “તું તો અન્નપર્ણા છે”નો ઓડકાર મને સંતોષ આપે છે. પણ જે દિવસે રસોઈ બગડે તે દિવસ ડાઇનિંગ ટેબલ પર બધાંની ટીકા ચૂપચાપ સાંભળતી વેળા નાકકાન કાપી લીધા હોય એવી નકટી, મને હું ભાસું છું. હમણાંથી રસોઈ બનાવતાં પહેલાં ફડક પેસી જાય છે કે મારાથી સારું બનશે તો ખરું ને? દરેક દિવસ નવી પરીક્ષા લઈને આવે છે. હું ગમે તેટલું મથું પણ મન રહ્યું તરંગી તે મશીન જેમ એકધારું રોજેરોજ સારું નથી બનતું. થોડી ઉદાસી, થોડો કંટાળો, થોડી નિરાશા, થોડો થાક આ તેલ પાણી ભેગો ભળી જાય છે. પછીની કથા તો સમાન. જમતી વખતે એટલું કરુવરુ થાય, એમ થાય કે ધરતી મારગ આપે તો સમાઈ જાઉં. રોજ ડાઇનિંગ ટેબલ પર મને નપાસ જાહેર કરવામાં આવે છે ને હું શરમથી ગૂંગળાઈ મરું છું. ખાવાનું ખાતાં મેણાં-ટોણાં કોળિયા ભેગા એવા ઊતરે છે કે પેટમાં દુ:ખવા લાગે. થાળીઓમાં છાંડેલું અન્ન જોઈ છાતીમાં મૂંઝારો થાય અને જીવ ચૂંથાવા લાગે. પાપ માટે માફી ન આપી શકાય એવો પત્ની માટેનો અસહ્ય ધિક્કાર જાણે એમણે હડસેલી થાળી. આખેઆખો મારો અસ્વીકાર! પેટના રસ્તે થઈ દિલ સુધી પહોંચવા મથતાં પ્રેમનો અસ્વીકાર. અને જેણે આપણને પાળ્યાંપોષ્યાં એવા અન્નદેવતાનો અનાદર! રાત્રે એ જ્યારે મારી નજીક આવવા જાય છે ત્યારે અજાણતાં મારાથી એમને ધક્કો મરાઈ જાય છે.

= કાનની બુટ પકડીને કહું = કાનની બુટ પકડીને કહું છું આપણને ઘમંડ નથી. તો ય ઓનેસ્ટલી કહું તો રસોઈનાં વખાણ થાય ત્યારે હું ફુલાઈને ફાળકો થઈ જાઉં છું. અને ઓનેસ્ટલી કહું તો આ મારા માટે રસોઈ થોડી છે? આ હું જ છું. આ મારો પ્રેમ છે. ઉર્જા છે, આતિથ્ય છે. આને આત્મસાત કરવામાં જીવ રેડી દીધો છે.

= કાબે અર્જુન લૂંટિયો = “બહુ વરસ હાયવોય કરીને જાત ઘસી નાખી. જો તો ખરી, કેવી થઈ ગઈ છે. હવે શાંતિથી તને ગમે એવું જીવ. કાલથી પંડ્યાને ત્યાં આવે છે એ બેન, આપણે ત્યાં પણ રસોઈ કરવા આવશે”, હાથમાં હાથ લેતાં એમણે કહ્યું, ‘બોલો કોમલજી, કૈસા લગા સરપ્રાઈઝ?" શું જવાબ આપવો એ સૂઝ્યું નહીં. સ્તબ્ધ બની હું એમને જોતી રહી. આ દુબળી પાતળી રસોયણ પર કોણ જાણે કેમ મને કાળ ચડે છે. ભારે જબરી છે. હું કહું, લસણ ટીચીને નાંખ તો માળી કટકી કરીને નાખે, દાળ ભાત કુકરમાં ભેગા ન મૂક તોય મૂકે."ભાભી જોજો, સરસ થશ”. દરેક વાનગી એની પોતાની રીતે બનાવે. મારી રાઈના દાણા જેટલી ભૂલો શોધનારા, આ બધા કેમ ચૂપચાપ જમી લે છે, એનું મને આશ્ચર્ય થાય છે. એ બેનબા નવીનવાઈનાં ભજીયાના ઘાણ ઉતારે છે. "મેથીના ગોટા આજ જેવા કોઈ દિવસ નથી ખાધા". એ બોલ્યા અને મારે ગળે મેથીનું ગોટું અટકી ગયું સાવ. ચારપાંચ ગોટા ખાઈ ઊભી થઈ ગઈ પણ કોઈનું ધ્યાન ન પડ્યું. બધા લિજ્જતથી ખાઇ રહ્યા છે એ જોઈ ઘેરી વળતી ઉદાસી હાથ ધોતાં ધોઈ નાખી. “તારા જેવુ ન બને હોં” કહેવા ખાતર કહેવાય છે કે ખરેખર એવું જ છે! સમજાતું નથી. મને એ આડોડી અને ચાંપલી બાઈ માટે ભારે અણગમો થાય છે. એ શાક વધારતી હોય અને હું હિંચકા ખાતી હોઉં તો અચાનક ધામ લાગવા માંડે. કેવું ભંગાર બનાવે છે, મને ખાવામાં સંતોષ નથી થતો. એની સાડી સત્તર ભૂલો કાઢું છું તો પણ એ હસી કાઢે છે ને બધા હસીને કહે છે, " મૂક બળતરા, મોજ કર ને”. વાત કરવા જાઉં તો હરીફરીને એ બાઈ કેવી નક્કામી છે એ પર મારી વાત અટકી જાય છે. હું આખો દિવસ આમતેમ આંટા માર્યા કરું છું. ખુરશીના હાથા પર નખ ખોતરતાં હું જમીન ભણી તાકતી રહું છું. કશું સૂઝતું નથી કે શું કરું? એટલામાં અંદરથી એમનો સાદ સંભળાયો “કોમલ, મારું સ્વેટર તે ક્યાં મૂક્યું?” અને સાંભળ, આજે સાંજે જમવાનું તું બનાવજે. આ બેનનું તો ખાઈખાઈને અબખે આવી ગયા છીએ". “હેં? હા, જીવું છું, સૉરી, હા આવું છું”. જીવમાં જીવ આવ્યો હોય એમ હડી કાઢતાં હું કબાટ ભણી દોટ મૂકું છું.

= = =

સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ

ભારતીય પરિવારોમાં પૈતૃક સત્તાનું પ્રવર્તન સુદૃઢ છે, એના પ્રભાવ અને દબાવ હેઠળ મુખ્યત્વે સ્ત્રીઓ છે, અને એનો ભોગ બની છે, એ હકીકત પણ એટલી જ સુદૃઢ છે. આજે બદલાવ જોવા મળે છે છતાં પરિસ્થતિમાં કિંચિત્-થી વધારે ફેર નથી પડ્યો. પારિવારક જીવનની કે સહજીવનની પાયાની જાણે કે શરત કે રસોડું સ્ત્રીએ જ સંભાળવાનું. એ પણ એટલું જ સુદૃઢ છે. મા, પિતા, ભાઇ, ક્યારેક પુત્ર પણ, એ શરતની નજરે જ સ્ત્રીને જોતા હોય, તાવતા હોય, મુલવતા હોય. પરણીને સાસરે જાય પછી પણ એ શરત તો ખરી જ બલકે એમાં કડકાઇ ઉમેરાઈ હોય. પતિ, સાસુ, સસરા, અને સાસરિયાં સૌએ સમજી રાખ્યું હોય કે રસોડું તો વહુએ જ સંભાળવાનું.

બધાં કુટુમ્બોમાં સૌને ‘મા-ના હાથનું’ બનાવેલું જ ભાવતું હોય છે. સારું બન્યું હોય ત્યારે સ્ત્રીને ‘અન્નપૂર્ણા’ કહેવામાં આવે છે, સારું ન બન્યું હોય તો એમાં દોષ જોવાય છે. વગેરે બનાવોમાં, કોઈ ધ્યાનમાં નથી લેતું તે છે, સ્ત્રીનો શારીરિક શ્રમ. એમાં એના અંગત સમય જેવું પણ કંઈ બચતું જ નથી. અલબત્ત, રસોઈ બનાવવાનો સર્જનાત્મક આનન્દ તો સ્ત્રીને આવતો જ હોય, વહુ હોય તો એને પણ પીયરિયાં કે સાસરિયાં ઓછાં વ્હાલાં ન હોય. તેમછતાં, જાણીતું છે કે સ્ત્રીનું શોષણ થતું હોય એવી અનેક ઘટનાઓ લગભગ પ્રત્યેક પરમ્પરાગત પરિવારમાં ઘટતી હોય છે. પ્રવર્તમાન આ સમગ્ર ભૂમિકાને કોશાએ કુનેહપૂર્વક પશ્ચાદભૂમાં ધકેલી દીધી છે, અને આ વાર્તામાં સૌ વાચકને રસ તો પડે જ પણ મૉંમાં પાણી આવી જાય એ રસની વાનગીઓની પણ રસોઈપોથી ખોલી છે. મોટી વાત એ કે વાર્તાકારે શોષણ જાણે ન-ગણ્ય હોય એમ હસીમજાક અને વ્યંગવક્રોક્તિ વડે સાવ વિસારે પાડી દીધું છે. જો એમ ન થયું હોત તો નારીશોષણના જાણીતા મુદ્દા અનુસાર લખાતી આ એક વધારાની સામાન્ય વાર્તા બની ગઈ હોત. અહીં કોઈ એક ઘટના નથી, પણ અનેક ઘટનાઓના ટુકડા છે, શકલ છે. બધા શકલ રસોડાના સૂત્રથી પરોવાયેલા છે. લગભગ દરેક ટુકડામાં કોમલ - સ્ત્રી, ધ્યાન આપવા યોગ્ય પાત્ર - કથક છે, એ પોતાની કથની કહે છે, પણ દયામાયાની અપેક્ષાથી નથી કહેતી, હસીને કહે છે, વળી, બોલચાલ અને સંવાદની રીતે કહે છે, એમાં કટાક્ષ અને નર્મમર્મ પણ ભેળવતી જાય છે. એટલું જ નહીં, સામાને વિશેની પોતાની કમેન્ટ્સ પણ કરતી જાય છે - જે કૌંસમાં લખાઇ છે. લાગશે કે ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’ અને કથનની આ રીત અહીં સાર્થક નીવડ્યાં છે; નહિતર, આ ટુકડાઓ ટુકડા જ રહી ગયા હોત. આ રચનાની બીજી વિશેષતા એ છે કે કથક-કોમલે અનુભવ્યું હોય કે અનુભવવાની હોય, એને વાર્તાકારે શીર્ષક આપ્યાં છે - ‘દિલનો રસ્તો’, ‘બડે અરમાન સે રખા’, વગેરે વગેરે. એનું ફન્કશન એ છે કે વાત સાથે શીર્ષકને જોડવાથી પેલા વ્યંગ કે નર્મમર્મ વધારે ખૂલે છે. દાખલા તરીકે, એ કહે છે -- એવા કોઈ નગરમાં વસતા ફૂટડા યુવક માટે ‘પાક-કળામાં નિષ્ણાત’ થવાનું છે, એ વિચાર ‘રોમાંચ’ જગાડી દે છે. - વાચકને થાય, ખેરખર રોમાંચ જાગ્યો કે પછી વ્યંગમાં કહે છે. પણ એ વાતને એ જો ‘દિલનો રસ્તો’ સાથે જોડીને વિચારશે તો એમાં રહેલા રોમાંચને પરખી શકશે. દાખલા તરીકે, એ કહે છે -- હું એમના પર ‘ઓવારી’ ગઈ. કેવા સારા છે! દોષો છુપાવીને મને ‘કેવા છાવરે’ છે, ‘મારા પ્રિય વર’. આ એ કટાક્ષમાં કહે છે કે કેમ? વાચકને કાકુ નહીં પરખાય. પણ એને ‘લવ ઇન ઍર’ શીર્ષક સાથે જોડવાથી જરૂર પરખાશે. જોકે, ‘પોતપોતાની સિસિફસ કથા’ અને ‘લૉસ્ટ ઇન ટ્રાન્સલેશન’ શીર્ષકોને વાચક ઝટ પકડી શકશે નહીં, સંભવ છે કે એ એને અકળાવે. (અહીં દૃષ્ટાન્તો નથી આપ્યાં, કેમકે પૂર્વાપર સંદર્ભ પૂરો જોડવો પડે, એ વિના અધ્ધર લાગે.)

એની કથની ઘરેથી મમ્મી-ની શિખામણથી શરૂ થઈ છે. એ પછી કોમલનાં લગન, સાસરવાસ, પણ પછી એકનાં એક વચનો અને ફરમાનોથી કોમલમાં કંટાળો શરૂ થાય છે, એને લાગે છે કે પોતે ‘રોજબરોજનાં લક્ષ્યાંકો પાર કરવાની સંસારી માયાજાળમાં’ ફસાઈ છે. બીજે ગામ બદલી થયા પછી પતિ અને સોનું સાથેના ન-સંયુક્ત પરિવારમાં, પોતાના જ ઘરે, એની દશામાં ફર્ક નથી પડ્યો. છેલ્લે, પતિના સાદને પ્રતિસાદ આપતાં એ કહે છે -- “હેં? હા, જીવું છું, સૉરી, હા, આવું છું”. જીવમાં જીવ આવ્યો હોય એમ હડી કાઢતાં હું કબાટ ભણી દોટ મૂકું છું." આ એની કથનીની ચરમ સીમા છે. વાચક વિચારશે તો આ પ્રતિસાદને તરત પરખી શકશે...

= = =