સાહિત્ય પલ્લવ – ભાગ ૧/કૃષ્ણને દેવકીની વિદાય.

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. કૃષ્ણને દેવકીની વિદાય

ધન્ય તે કામિની રે, હરિને જે ધરશે ખોળે;
ઉપનિષદમાંહે તો જોતા, મોટા મુનિ સરખા બોલે. ધ૰
ધવરાવી હુલરાવશે રે, સાંઈડું દેશે ગાઢું રે;
સુંદર વદન નિહાળતાં રે, હૈડું થાશે ટાઢું રે. ધ૰
આઈ આઈ કહેશે કાલું બોલશે, તે લાગશે મીઠું રે; ૫
મેં તો પાતક પ્રૌઢાં કીધાં જો સુતનું સુખ ન દીઠું રે. ધ૰
પાલણડું હુલરાવતાં, માનિની મંગળ ગાશે રે;
શું કહું તેના મન માંહે તે જોતાં સુખ થાશે રે. ધ૰
નાનડિયો સાદ દેતો આવશે, અધરણ અધર તે હસશે રે;
મારા ભાગ્યમાંહે નવ લખિયું, તેને અંતર વસશે રે. ધ૰ ૧૦
વિષમ ચરિત્ર એ વિધાતાનાં, મારે ઘરથી ઓસરિયો રે;
પુત્રજન્મનો આનંદ ઓચ્છવ તેને ઘેર જઈ કરિયો રે. ધ૰
તેને ઘેર તોરણ બંધાશે, થાશે અતિ દિવાળી રે;
વેરણ વિધાતાએ શું સરજ્યું, જે હું દુઃખે બાળી રે. ધ૰
પાગે વાગે ઘુઘરડી ને, પગલાં ભરશે લટકે રે; ૧૫
ઉતાવળો આવીને મળશે એને હરિ ત્યાં મટકે રે. ધ૰
તે જણ્યા વિના જનની થઈ, મારો ખોળો ઠાલો રે;
રૂપ દેખાડી અભિનવું, મને મૂકી કિમ ચાલો રે. ધ૰
પુનરપિ કહેવારે દેખીશું, સુંદર મુખ રઢિયાળું રે;
મેં રાંકે કંઈ નવ ચાલે, પછે આંસુડાં ઢાળું રે. ધ૰ ૨૦
એણી પેરે દેવકી ટળવળ્યાં, હરિને હૈયે ચાંપે રે;
પિયુ તણે કર બાલક આપે, ભેથી હૈડું કાંપે રે. ધ૰
ભામણડાં માવડી લઈને, લઈ ચાલ્યા વસુદેવ રે,
ભાલણ પ્રભુ રઘુનાથ મૂક્યા, જશોદા ઘેર તતખેવ રે. ધ૰