સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મીઠો
[મીઠાની આ કવિતા કૃષ્ણની મોરલી સાંભળતાં વ્રજનારીઓ અને કુદરત ઉપર થયેલી અસરનું વર્ણન કરે છે. કાવ્યનો ઉઠાવ અતિ સુન્દર છે. આ જાતનાં મોરલીની અસરનાં કાવ્યો આપણા જૂના સાહિત્યમાં અનેક છે. બધામાં કેટલીક વસ્તુ સામાન્ય હોય છે; જેમકે, મોરલી સાંભળતાં નદીઓનાં નીર થંભી ગયાં, આકાશમાં ચંદ્ર થંભી ગયો, હરણાં તૃણ ખાવું છોડી દઈ દોડી આવ્યાં, વગેરે. આ કાવ્યમાં પણ એ પ્રકારનું વર્ણન છે. આની સાથે ભાલણનું ‘મોરલી રસાલ’ સરખાવો. ૧. નૌતમ—નવીન, સંસ્કૃત नवतम ઉપરથી. ૫. અષ્ટકુળ પર્વત—મહેન્દ્ર, મલય, સહ્ય વગેરે પર્વતો. સંસ્કૃતમાં કુલપર્વતો સાત ગણ્યા છે:
महेन्द्रो मलयः सह्यः शुक्तिमान् ऋक्षपर्वतः ।
विन्ध्यश्च पारियात्रश्च सप्तैते कुलपर्वताः ॥
નવકુળ નાગ— સંસ્કૃતમાં કુલ નાગ આઠ ગણાય છે: અનંત, વાસુકિ, શેષ, પદ્મનાભ, કંબલ, શંખમાલ, તક્ષક અને કાલીય. ગુજરાતીમાં ધૃતરાષ્ટ્ર ઉમેરાયો છે, અને એમ નવકુલનાગ ગુજરાતીમાં લેખાય છે. ૮. વછ—(વત્સ) વાછરડાં. વલંભિયાં— થંભ્યાં, રોકાયાં; એ ઉપરથી વલભાઈને એટલે રોકાઈને (‘જુઓ પંક્તિ ૧૨મી). ૧૩. વા નવ... –વનવેલીઓ બધી સ્થિર છે, અને તેના પર ફળફૂલ એકાએક ફૂટી નીકળ્યાં. ૧૪. વેંધાઈ-વીંધાઈ. ૧૪. વણબેલડી—એકલી, સાથ વિના. ૧૪. કુળ-શૂળ— કુળને શૂળ જેવી, કુળના કલંકરૂપ. ૧૭. ઓગનિયા—કાનનાં ઘરેણાં.]