સાહિત્ય પલ્લવ – ભાગ ૧/શ્યામ રંગ
૧. શ્યામ રંગ
શ્યામ રંગ સમીપે ન જાવું,
મારે આજ થકી શ્યામ રંગ. ટેક.
જેમાં કાળાશ તે સહુ એકસરખું,
સર્વમાં કપટ હશે આવું. મારે૰
કસ્તુરીની બિંદી તે કરું નહિ, ૫
કાજળ ન આંખમાં અંજાવું. મારે૰
કોકિલાનો શબ્દ સુણું નહિ,
કાગવાણી શુકનમાં ન લાવું. મારે૰
નીલાંબર કાળી કંચુકી ન પહેરું,
જમનાનાં નીરમાં ન નાહવું. મારે૰ ૧૦
મરકત મણિને મેઘ દૃષ્ટે ન જોવાં,
જાંબુ વંતાક ન ખાવું! મારે૰
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો,
પણ કહે મન, પલક ના નિભાવું. મારે૰