સાહિત્ય પલ્લવ – ભાગ ૨/અતિજ્ઞાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અતિજ્ઞાન

(ગઝલ)
મણિશંકર રત્નજી ભટ્ટ - ‘કાન્ત’

(વસંતતિલકા)
ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે,
ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે;
જામી ગઈ તરત ઘોર કરાલ રાત,
લાગી બધે પ્રસરવા પુર માંહી વાત.

(અનુષ્ટુપ)
ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચારો કરતા હતા;
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

(ઉપજાતિ)
સુયોધનપ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક;
જતો હતો અંધ થતી નિશામાં, સુગુપ્ત રાજગૃહની દિશામાં.

(અનુષ્ટુપ)
શાને આવ્યો હશે તેની કલ્પનાઓ ચલાવતા;
ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા.

(વંશસ્થ)
નિગૂઢ શંકા પુરવાસીઓની આ, જરાય નિષ્કારણ તો નહોતી હા!
કરેલું આમંત્રણ ધર્મરાજને રમાડવા દ્યૂત અનિષ્ટભાજને.

(અનુષ્ટુપ)
હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે;
બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે.

(દ્રુતવિલંબિત)
શિશુ સમાન ગણી સહદેવને ખબર આ કંઈયે ન કર્યા હતા;
અવર સર્વ ગયા નૃપની કને, પરમ દુઃખિત અંતરમાં થતા.

(અનુષ્ટુપ)
કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો;
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો.

(વંશસ્થ)
ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નીરખે થનારને;
સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય, વળી દીસે દ્રૌપદીમાનનો ક્ષય.

(અનુષ્ટુપ)
જાણે બધું તથાપિ કૈં કહેવાની રજા નહીં;
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.

(વંશસ્થ)
નહીં શકું છેક બચાવી કોઈને, અશક્ત જેવો રહું બેસી રોઈને;
ખરો દીસે દુઃખદ શાપ આ મને, નિહાળું છું ભૂત, ભવિષ્ય જે કને.

(અનુષ્ટુપ)
‘હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું, આમ મૌન ધરી રહું;
આવતું વાદળું દેખી મુખથી ન કંઈ કહું.’

(વંશસ્થ)
વિચારતાં નેત્ર જળે ભરાય છે, શરીરનું ચેતન ત્યાં હરાય છ;:
લઈ જઈને પ્રિય વક્ષની સમી, ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી.

(અનુષ્ટુપ)
રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી;
‘પ્રિયે! સ્પર્શ કરું શું હું! અધિકાર જરા નથી.’

(વંશસ્થ)
‘કરાય શું નિષ્ફલ જ્ઞાન સર્વ આ? થનાર ચીજો નવ થાય અન્યથા!
સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું અનેક, હું એકલડો સહ્યા કરું.

(પુષ્પિતાગ્રા)
રજની મહીં સખી, ઘણીક વેળા, નયન મળે નહીં, ઊંઘ જાય ચાલી;
કરી તુજ શિરકેશ સર્વ ભેળા, વદનસુધાકરને રહું નિહાળી.’

(ઉપજાતિ)
આવું કહ્યું ત્યાં શિર શળ ચાલ્યું. રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું;
મારી કુમારે અતિ આર્તા હાય, કહ્યું, ‘હવે એક જ છે ઉપાય.’
ચાલી જરા ને ગ્રહી એક સીસી, પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી;
ખાલી કરી કંઠ વિષે ત્વરાથી, ગયો બધો એ બદલાઈ આથી.

(અનુષ્ટુપ)
સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ;
સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ!

સ્વાધ્યાય

૧. ઇન્દ્રપ્રસ્થમાં લોકો શાથી વિચારમાં પડી ગયા?
૨. દૂત શો સંદેશ લઈ આવ્યો હતો?
૩. સહદેવને કેમ કંઈ ખબર આપવામાં ન આવી? એ વખતે સહદેવ ક્યાં હતો?
૪. સહદેવે પોતાની ત્રિકાળદૃષ્ટિથી શું જોયું?
૫. દ્રૌપદીને સ્પર્શ કરવાનો પોતાને અધિકાર નથી રહ્યો, એમ સહદેવ શાથી કહે છે?
૬. રજની મહીં ઘણીક વેળા દ્રૌપદીના ‘વદનસુધાકરને રહું નિહાળી’ એમ કહી સહદેવ શું કહેવા ઇચ્છે છે?
૭. પોતાની અસહ્ય વેદના ભૂલવા સહદેવે શો ઉપાય યોજ્યો?
૮. ઈશ્વરે માણસને પોતાના ભાવિ વિષે અંધારામાં જ રાખે છે તે સારું છે કે નરસું તે સંબંધી તમારા વિચાર જણાવો.