સાહિત્ય પલ્લવ – ભાગ ૨/તારલી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તારલી

(ગઝલ)
ભાનુશંકર વ્યાસ - ‘બાદરાયણ’

આકાશ-સાગર-સંગમ-ભોમમાં
સંધ્યાની જ્યોત રમી વિરમે,
અંધારનાં પડ વિશ્વને આવરે,
આકાશે તારલી એક ઝગે :
વ્યોમ વિરાટમાં એ ન ડૂબે.
એવી વસી મારે અંતર તારલી.
એનાંય તેજ અનસ્ત રહ્યાં,
વિશ્વને ઘેરતાં, ઘૂમરી ઘૂમતાં,
એને ન વાદળ કોઈ નડ્યાં :
તેજ એનાં ન જરી પલટ્યાં.
સૂરજ ચન્દ્રના તેજ તણી મારે
હૈયે જરી નહિ આશ ધરું,
તારલી નાની શી તેજ ઝીણું ઝરે,
અંતર એ જ ઉજાસ ભરું;
અંધાર સાથ એ તેજે લડું,
જીવનમાર્ગ ન ભૂલો પડું.

સ્વાધ્યાય

૧. ક્ષિતિજ માટે કવિએ કયા શબ્દો વાપર્યાં છે?
૨. જેનાં તેજ અનસ્ત (આથમ્યા વિનાનાં) રહ્યાં છે એવી કઈ ‘તારલી’ કવિને યાદ આવે છે?
૩. એ ‘તારલી’ને કેવાં વાદળ નથી નડ્યાં? એ વાદળ એટલે શું?
૪. એ ‘તારલી’ના તેજને પામતાં કવિ પોતાનો સંતોષ કેવી રીતે વ્યક્ત કરે છે તે જણાવો.
૫. ‘જીવનમાર્ગ’માં એ તેજ વડે કવિ શું કરવા ધારે છે તે જણાવો.
૬. આ કાવ્યમાં પ્રાસ કેવી રીતે યોજાયા છે તે તપાસી તે ઉપર પાંચ છ લીટીમાં તમારા વિચારો લખો, તેમ જ ગેય કાવ્યોમાં પ્રાસનું શું સ્થાન હોય છે તે જણાવો.